કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૮. સપૂત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૮. સપૂત

“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર — જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ — ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન — ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમોય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ — કોઈ ના — બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન — જીવવા દઈ સપૂત — જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

૧૬-૨-’૫૫
(કોડિયાં, પૃ. ૧૪૪-૧૪૫)