કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૩. બાવીસમે વર્ષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩. બાવીસમે વર્ષે

ઉપર વિઠલજીની વેદી રે,
નીચે એક કૂણો ક્યારોઃ
એમાં હું તુલસીનો છોડવો !
હરિજન આવી પગ પૂજતા,
જલસિંચનની ધારોઃ
તુલસીક્યારામાં દરોડવો !
મારે કંઈક ફૂટી મંજરી,
વળી ફૂટશે હજારોઃ
કેટલીનો ભેદ કેમ ફોડવો?
વીસ વીસ મંજરી ખરી ગઈ,
આજ એકવીસ વારો:
એનોય મોહ આજ છોડવો !
માન્યું મેં વિઠલા પદે જશે,
ભેદ તો ખૂલ્યો અકારો !
મકરંદ બધો માટી મહીં રોડવ્યો !
જેની હતી શીળી છાંયડી,
જેના રસનો ફુવારોઃ
એને જ આમ કરી ભોળવ્યો !
કોઈ હાડ-ચામ કેરું માનવી;
ડિલે બ્હારના શૃંગારોઃ
મનડાનો સાહ્યબો થઈ ગયો !
જાશે બધી જ આમ મંજરી,
જીવની સુગંધ-ધારોઃ
સારું જો છોડ માટીમાં મળ્યો !

૧૮-૯-’૩૨
(કોડિયાં, પૃ. ૧૮૨-૧૮૩)