કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૪. ભરતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪. ભરતી

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે—હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી—ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

૧૦-૮-’૩૧
(કોડિયાં, પૃ. ૧૯૪)