કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૯. ઝંઝાવાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. ઝંઝાવાત


“ભાંગો ભોગળ ! ભાંગો ભોગળ !
ખોલો બારીબારણાં !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !
આભ ચંદરવો,
ઝણે સંગીત સાગરતારઃ
પાનખરનાં ઓઢણાં,
ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું
પૃથ્વીને પગથારઃ
વન-ચમન ગાય હુલામણાં !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો !”
સાદ દે મ્હેરામણા !
મયૂર નાચે મત્ત હૈયે,
આભ પંખે પાથરી;
કપોત કૂજે કુંજકુંજે
પાંખમાં પાંખો વણી;
આમલીની ડાળ વીંઝે વીંઝણા !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !
શિરિષતરુના શુષ્ક ઘૂઘરે,
અનિલ બાજે ખંજરી;
સહકાર સુંદરીઓ હસી હસી,
દાંત વેરે મંજરી.
શાલવનનાં પર્ણ ગાય વધામણાં !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ !”
સાદ દે મ્હેરામણા !
શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
જીર્ણ નીચે ખરે —
વિશ્વસંગીતમાં બસૂર જે,
સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે !
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !
નિસર્ગ નાચ્યો,
શુષ્ક પર્ણ સરી પડ્યાં;
પૃથ્વી નાચી,
માટીના થર ઊતર્યા;
વ્યોમ નાચ્યું,
હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યાઃ
એક માનવ ના ઊઠ્યો, એને મીઠી આત્મપ્રતારણા !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !
“ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં !”
સાગર પુકારે સાદઃ
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા,
ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
પંખી પ્રાણી નાચતાં;
પણ માનવી ધડ ધડ કરી
નિજ દ્વારબારી વાસતાં.
એને રૂઢ વ્હાલું : મૃત્યુનૃત્ય બિહામણાં !
“સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
સાદ દે મ્હેરામણા !

૧૫-૨-’૩૨
(કોડિયાં, પૃ. ૩૯-૪૧)