કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૬. બલ્લુકાકાને — અંજલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. બલ્લુકાકાને — અંજલિ

નિરંજન ભગત

હજી શ્રવણમાં શમે ન રણકો, રમે સ્પષ્ટ શો;
કઠોર કદી ઉગ્ર વજ્ર સમ તીવ્ર કો ત્રાડ શો,
સુકોમલ કદીક મંદ મૃદુ રે નર્યા લાડ શો,
હજી સ્વપ્નમાંય તે નવ જણાય જે નષ્ટ શો;
તમે મનુજ જંતુડા? અગર સત્યની પૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં પ્રખર ગ્રીષ્મના સૂર્ય શો,
તને મનુજ જંતુડા? અગર સ્નેહની સ્ફૂર્તિ શો
હતો જ તમ કંઠ જ્યાં શરદ શાંત માધુર્ય શો,
સુણ્યો ન ક્ષણ એક બે, પણ સુણ્યો દિનોના દિનો,
બહુ પ્રહર, ચા સમે, સ્વજન-સ્નેહ-આલાપમાં,
અને અવ શું શબ્દ શબ્દ સહુ ગ્રંથના જાપમાં
નિરંતર ન મ્હેકશે મૃદુલ તીવ્ર એનો હિનો?
સદા નીતરી નીંગળે હૃદય છાની બાની સરે,
હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે.

(બૃહદ છંદોલય, પૃ. ૧૭૨)