કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪. તને ચ્હાતાં ચ્હાતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. તને ચ્હાતાં ચ્હાતાં

નિરંજન ભગત

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો,
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે,
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ નહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું,
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!

કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૧૯)