કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૯. અનંતદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૯. અનંતદર્શન

ન્હાનાલાલ

આવો, આવો, વીરા રે !
આ આંખડી પરોવો અનન્તમાં હો જી !

ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હં એકલો હો જી !
          જોતો’તો એ પાથર્યા જગતના પગથાર;
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી !
          આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર.

આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
          જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજતેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી !
          દીઠા મેં ત્યાં ઝૂમઝૂમતા દીનદયાળ :

અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
          જોતો’તો એ ઊંડા ઊંડાં વિશ્વના ઉર;
દિશદિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ
કિરણો આતમદેશમાં હો જી !
          ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર :

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૯)