કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૫. કોઈની બુદ્ધિના પાંજરામાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. કોઈની બુદ્ધિના પાંજરામાં

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
     ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
     અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
     મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું. માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું. માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું. માપસર ભળવાનું,
આવું હળવાનું. ભળવાનું માપસર ઓગળવાનું
     મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
     ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

(વિદેશિની, પૃ. ૩૨૪-૩૨૫)