કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/અમે
અમે આ રહ્યા શ્રી પ્રજારામ રાવળ.
અમારે તમારાં મિલનની ઉતાવળ,
અમે ભાંગતા રોજ કાંટા અમારા : –
અમે બોરડી; ને અમે સાવ બાવળ. ૧
કવિત સાથ જાણે પુરાણો જ નાતો.
કવિતથી કદી જીવ આ ના ધરાતો.
કવિત જો નહીં, તો બધું સાવ ફિક્કું.
કવિત સાથ રૂડા દિવસ, રૂડી રાતો. ૨
કવિત જ્યાં કરું, ત્યાં થઈ જાય વૈદક.
કરું વૈદું – આવે કવિત ત્યાં અચાનક.
ઘડી આમ, ને હું ઘડી તેમ ઝૂલું :
પળે પળ રહું પી, કવિતકેરું પાનક. ૩
મહા ભૂત વૈદક પરાણે જ પેઠું.
હલાવ્યું, હલે ના : સુદૃઢ એવું બેઠું.
જરી આસનેથી ઊતરતું ન હેઠું.
કદી એ ગમે; પણ, ઘણીવાર વેઠું. ૪
અહીં પુષ્પકુંજે મહેકે ન બાગો :
અહીં આમ્ર ઝૂલી, સુણાવે ન રાગો :
ધરા રમ્ય, લીલી, નયન ઠારતી ના :
અહીં સૂર્ય નક્કર, વરસતો જ આગો. ૫
અહીં છે અમારે સળગતા ઉનાળા :
અહીં વાયુ વાગે, ઊની ધારવાળા :
અહીં બોરડી – બાવળો કંટકાળા :
નહીં કેળ-જૂથો સુંવાળાં સુંવાળાં. ૬
નહીં મોગરા; ના ગુલાબો ગુલાબી :
અમે પારિજાતકતણા નિત્ય ખ્વાબી :
અહીં ફૂલ આવળતણાં પીત, અઢળક,
બધે, નિત્ય ખીલ્યાંતણી છે નવાબી. ૭
નહીં કોકિલો કૂજતા મીઠપાળા :
નહીં બુલ્બુલો ગાન ગાતાં, રસાળાં :
નહીં ષટ્પદો ગુંજતા મત્ત, કાળા :
અહીં મોરલાઓ ગહેકે રૂપાળા. ૮
નહીં વાદળાં વીંધતા ડુંગરાઓ :
નહીં ડુંગરાના અનુજ ટેકરાઓ :
ધણો ટેકરીનાં ન વાગોળતાં હ્યાં :
ધરાના વિશાળા પટે આ ધરાઓ. ૯
અહીં ના અમારે, હિલોળાતી ઝાડી :
અહીં ના અમારે, કિલોળાતી વાડી :
અહીં ગોળ, ખુલ્લું, ક્ષિતિજમાં મઢેલું
વદન છે ધરાનું, નયનની અગાડી. ૧૦
અહો, આભ આખું અમોને મળ્યું છે :
અડીને બધી યે ક્ષિતિજને ઢળ્યું છે :
લળ્યું, ભૂમિ માથે વિશાળું વિશાળું :
નિશે ઝગમગાટે ભર્યું, શામળું છે. ૧૧
ધરા પથ્થરાળી કઠણકેરું પાણી :
નગર-રીતભાતો અમોને અજાણી :
અમારી કુહાડા સમી તીક્ષ્ણ વાણી :–
તમારાં શ્રવણને ગમે ના કહાણી. ૧૨
અહીં સાવ સૂકી જ, લૂખી ધરા છે :
અમારી નદીમાં ઊડે કાંકરા છે :
છતાં યે, નદીની ત્વચા સ્હેજે ખણતાં,
મધુર જળ ભરેલા વહેતા ઝરા છે. ૧૩
ધરા આ કઠણના, સુકોમળ હયાંથી;
ધરા કંટકિતના, સુંવાળાં હયાંથી;
ધરા સૂકીના સાવ, ભીનાં હયાંથી;
ધરા ઊનીના આ, સુશીતળ હયાંથી. ૧૪
નિગૂઢા વહેતા ઝરા શા અદીઠા;
રહ્યા નિત્ય નેપથ્યમાં; સ્વલ્પ દીઠા;
ચમનભાઈ વૈષ્ણવ સમા સાધુઓનાં
ઝગે શ્વેત, ઉજ્જવલ, પુનિત, પુણ્ય-પીઠાં. ૧૫
તા. ૭-૯-૧૯૭૮
(નૈવેદ્ય, ૧૯૮૦, પૃ. ૨૪-૨૭)