કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ભીની ભીની લહેર

૩૩. ભીની ભીની લહેર

ભીની ભીની લહેર આવી આ,
વાયરાકેરી ભીની :
વ્હાલો મારો વરસ્યો કહીંક; –

શીળી લહેર તહીંની.


આછી આછી ગન્ધ આવી આ,
ગન્ધવતીની મીઠી;
વ્હાલા મારાએ મોકલી જાણે;

એની આગોતરી ચીઠી.


ઝીણી ઝીણી ફરફર અડી આ,
વ્હાલથી અંગે અંગ :
અડક્યા ભેળો ઊછળી રહે

ઉરમાંથી ઉમંગ.
૧૨


ઈશાની દિશાએ ઉતાવળા
હાથે લખાતી કો લિપિ :
ઊજળી ઊજળી સોનેરી શાહીમાં

વળી વળી, રહી દીપી!
૧૬


કોઈ હવા જાગી જાય અચાનક;
ઘૂમી રહે અણદીઠી.
રાજી રાજી ધરતી; – અંગે

અંગ શું ચોળી પીઠી!
૨૦


તા. ૩૧-૭-૧૯૭૮

(‘નૈવેદ્ય’, પૃ.૩૬)

(અમદાવાદમાં)