કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ગીત (છલકે મારાં ગીત!)
Jump to navigation
Jump to search
૫. ગીત (છલકે મારાં ગીત!)
છલકે મારાં ગીત!
ઉરનું સરોવર છલોછલ છલકી જાય અમિત!
દશ દિશાથી વાયરા આજે
મલયકેરા વાય;
આંબાડાળે અદીઠ કોકિલ
મન મૂકીને ગાય!
મનમાં બેસી મલકે મીઠું મનનો મારો મિત! – છલકે૦
જેમ વસન્તે મંજરી ફૂટે,
વરસે આષાઢ ધારા,
જેમ નદીનાં ભૂખરાં વારિ
છલકે બેઉ કિનારા:
મન ભરીને મલકે એવી કોઈ અજાણી પ્રીત! – છલકે૦
(‘પદ્મા’, પૃ. ૩૩)