કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/શિશિર–વસંત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. શિશિર–વસંત

શિશિરતણે પગલે વૈરાગી, વસંતની વરણાગી!

એક ખેરવે વસ્ત્ર પુરાતન,
બીજો મખમલ ઓઢે;
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલયસેવી, અન્ય જગત-અનુરાગી!
– શિશિરતણા૦

એક મુનિવ્રત ભજે, અવર તો,
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી વળી રાગી ને વૈરાગી!
– શિશિરતણા૦

(‘પદ્મા’, પૃ. ૪૩)