કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/વસન્ત આવ્યો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૮. વસન્ત આવ્યો

વસન્ત આવ્યો, વસન્ત આવ્યો, વરણાગીના વેષે!
મલયાચલની સુરભી સીંચ્યા મ્હેકમ્હેકતા કેશે!

અરુણ ઝળકતું ઉત્તરીયું શું
દૂર દિગન્તે ફરકે!
પુલકિત મુકુલિત પુષ્પ પુષ્પમાં
મધુરું મધુરું મરકે!
મુદિત હવા કો મુક્ત વહેતી, લ્હેરતી દક્ષિણ દેશે!
– વસન્ત૦

દશે દિશામાં છાઈ રહી કંઈ
રંગ રાગની રેણુ!
ડાળ ડાળ પર વાઈ રહી કંઈ
મદભર મોહન વેણુ!
અણુઅણુનું અંતર ભરી ઊછળે કો આનંદ અશેષે!
– વસન્ત૦
(‘પદ્મા’, પૃ. ૪૭)