કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ષડ્ રિપુ

૯. ષડ્ રિપુ

કામ
વક્ષઃ ઉદરની વચ્ચે વાગે છોળ અચાનક,
પૂનેમે સિન્ધુની ચંડ પ્રચંડ ભરતી સમી,
થપાટો પે થપાટો દે, એકાગ્ર ચડી આવતી;
પરાજય નહીં કો દી જાણેલા સૈન્યની સમી,
સવારી આ દુરાધર્ષ ષડ્ રિપુ શ્રેષ્ઠ કામ–ની!
ક્રોધ
સુરંગ મહીંથી જૂની ઊકળતો જ લાવા ચડે,
ઊંચો, સરસરાટ, ભેદી શિર, ઊભરાશે બહિર્?
મનુષ્યતનુની ધરા મહીં સજીવ જ્વાળામુખીઃ
ભૂંડી ઊછળતી જ ક્રોધતણી રક્ત જ્વાલા, દુઃખી!
લોભ
નહીં આ લોકની, લાંબીપાતળી, હાડ-પાંસળી,
લૂખા વીંખાયલા, ટૂંકા વાળની લટ ઊડતી,
ક્ષુધાર્તા વ્યંતરી નિત્ય, ખાય તેમ વધુ ભૂખી,
ભમતી આંખ હા, વ્યગ્રઃ બેઠી છે લોભ–નારી આ.
મોહ
કાળો ડિબાંગ, માતેલો, પુષ્પ, વન્ય, મહા, યુવા,
મીંચીને આંખ, ક્રોધાંધ, વળ ખાયેલ પૂંછડે,
પ્હાડ શો, મારતો ઢીંક યમને દ્વાર ઠેલતી,
યમનું વાહન યોગ્ય, પાડા શો મોહ છે મહા!
મદ
યૌવના, રૂપરમણી, બરોબર બની ઠની,
આભૂષણ ધરી અંગે અંગે સર્વે પ્રકાશતાં,
કસીને કેશ ગૂંથીને, લલાટે કરી ચન્દ્રક,
સૌ શૃંગાર સજી લઈ,
અરીસામાં જુએ છેલ્લે પ્રતિબિમ્બ? – સ્વયં મદ!
મત્સર
અંધારા ખંડમાં ખાલી, ખૂણે, શિથિલ કાયનાં
સંકોચી સર્વ અંગોને, બેઠો છે પ્રૌઢ કો નર,
કુરૂપ, શક્તિથી હીન, કોનો ઉત્કર્ષ ન્યાળતો
એકાગ્ર, લાલસાવાળાં નેત્રે સિન્દૂરઆંજિયાં,
– નરને રૂપ મત્સર.
(‘પદ્મા’, પૃ. ૫૪-૫૫)