કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૪. આકાશી અસવાર
Jump to navigation
Jump to search
૨૪. આકાશી અસવાર
બાલમુકુન્દ દવે
ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા! આવો અનરાધારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)