કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૭. આયોજી વૈશાખ લાલ
Jump to navigation
Jump to search
૧૭. આયોજી વૈશાખ લાલ
આયોજી વૈશાખ લાલ આયોજી રે,
ટૂંકી એની પોતડી ને લાંબી એની ચાલ,
અંગરખું નહિ પ્હેરિયું,
ઉપરણે ઓઢી રે એણે અંદાવાદી શાલ;
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
જંગલનો ર્હેનાર જોગી, લોચન એનાં લાલ,
રાખે રગદોળ્યું છતાં
સો સૂરજનાં તેજે એનું ઝળકી ઊઠે ભાલ;
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
ભોળો રે મા’દેવ આયો, બમ્બમ્ બોલે ગાલ,
પાછળ અંબા આવતી,
વાગે છે એના રથની હો ઝાઝી ઘૂઘરમાળ,
આયોજી વૈશાખ લાલ આયોજી રે.
(સંકલિત કવિતા, પૃ. ૮૮-૮૯)