કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૯. ગાંધીયુગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. ગાંધીયુગ
શ્રી જનમેજય કહેતા હવાઃ

(અનુષ્ટુપ)
આપે કહ્યું મહાભાગ! કો આ ભારતવર્ષમાં;
પ્રાન્ત પ્રાન્ત તણા ભૂપો વિગ્રહે નિત્ય વર્તતાં,
અને જનપદો પુરો મહીં અંધાર વ્યાપતાં,
દૂર પશ્ચિમના દેશ થકી નાનકડી પ્રજા
વેપાર સાહસે પ્રેરી આવી સામ્રાજ્ય સ્થાપશે;
પોતાના હિતમાં પૂરી શાણી અંતર્વ્યવસ્થિત
વ્યવસ્થા સ્થાપશે દેશે, ને વળી એમ ભાખિયું
કે સાહસે સિંહ જેવી, નિષ્ઠામાં સારપેય શી
ભોગવશે દેશને ભાંગી, વ્રણોને વકરાવીને,
તો, હે મહર્ષિ! પછી શું, આર્યોની પુણ્યભૂમિ આ, ૧૦
હેમકિરીટધારિણી, ગંગા ગોદાથી પ્લાવિત,
નિત્યની દાસ થઈ રહેશે? આર્યો શું દાસ થૈ જશે?
પ્રભો સત્વર ઉદ્ધારો આ શંકાને નિવારીને. ૧૩
આપના મુખનું પેખી સ્મિત આશા ધરે મન,
પરંતુ સિદ્ધર્ષિ! કહો, આ દીનહીન લોકથી
એવું ઉદ્ભવશે કોણ જે ઊઠીને ઉઠાડશે,
ભેદમાં ઐક્ય આણશે, તમમાં જ્યોતિ પ્રેરશે? ૧૭
શ્રી વૈશંપાયન કહેતા હવાઃ
અપૂર્ણ દર્શને રાજન્! વ્યગ્રતા એમ ના ઘટે,
ઊગવું ઉદ્ધારવું એ સૃષ્ટિ સામાન્ય ધર્મ છે.
જગે ન વિઘ્ન એવું કો જેહ ચૈતન્યને રૂંધે!
નથી અધમતા એવી જ્યાં ન ઉદ્ધાર સંભવે. ૨૧
ને હશે નહિ ત્યારેય લોપ નિઃશેષ ધર્મનો.
ધર્મનું સ્વલ્પયે ક્યાં ના મહા ભય નિવારતું!
એહ ભારતમાંથી જ મહાત્મા ગાંધી જન્મશે.
એમના જીવનમાંથી, નવી જ્યોતિ ઉદે થશે–
જેથી નહીં કેવળ આર્ય દેશ,
કિંતુ બધા દેશ, બધી પ્રજાઓ,
નિહાળશે ધ્યેય નવું સમુજ્જ્વળ,
ને માર્ગ એ ધ્યેય ભણી જવાનો. ૨૯

ઇતિશ્રી વ્યોમ પુરાણે જનમેજયવિષાદ નામ પ્રથમોऽધ્યાય:

શ્રી જનમેજય કહેતા હવાઃ
મહાત્મન્! એહ યુગનાં કહો લક્ષણ શાં હશે,
એ નવું ધ્યેય ને એનાં સાધનો, મુનિપુંગવ! ૨
શ્રી વૈશંપાયન કહેતા હવાઃ
રાજન્! પ્રજા પ્રજા વચ્ચે ચાલતા વ્યવહારમાં
પ્રજાસ્મિતા પ્રજાસ્વાર્થ તણું રાક્ષસી રૂપ એ
પેખશે રાજ્યના તંત્રે થયેલું સ્થિર નિષ્ઠુર,
ને એ તંત્રની ઘાણીમાં પીલાતાં દીન માનવો;
સ્વયં અનેક અન્યાયો અપમાનો અમાનુષ
સહતાં, તપતાં, ઈશ પ્રાર્થતાં, લોક સેવતાં,
ચિંતતાં પામશે દૃષ્ટિ; મૂળ સર્વ અનિષ્ટનું
દેખશે તંત્રમાં, જેહ હિંસા-અસત્ય નિર્ભર. ૧૦
સર્વ રોગ તણો રોગ, સર્વ દુઃખતણું દુખ,
સર્વ પાપતણું પાપ, આ હિંસા ને અસત્ય છે,
વિરોધ તેમનો તેથી અહિંસા સત્યથી ઘટે. ૧૩
હિંસા અસત્યની સામે, હિંસા અસત્ય આદર્યે
માયા રાક્ષસીથી રાજન્! ગુણાઈ પુષ્ટ થાય એ.
હણાયે ના વ્યક્તિનિષ્ઠ અસત્ય વ્યક્તિને હણ્યે,
હૈયું પલટાવતાં પ્રેમે એ અસત્ય હણાય છે. ૧૭
અહિંસા સત્યમાં રાજન્! અહિંસા થાય સાધન,
સત્ય તેથી પરંશ્રેય, સત્ય એ સ્વયમીશ્વર!
સર્વ કર્મ તણું કર્મ, સર્વ નીતિ તણો નય,
સર્વ ધર્મ તણો ધર્મ, સર્વે શુભ તણું શુભ. ૨૧
મિથ્યાવાદ વિતંડા ને અશ્રદ્ધા ને વિડંબના,
એ સૌથી સત્યનું રૂપ ઝંખવાતું યુગે યુગે-
અગ્નિ પેઠેઃ લઈ એનું દૃષ્ટાન્ત વળી ક્‌હૌં તને;
અગ્નિ એ શબ્દ છે કિન્તુ માત્ર એ શબ્દ છે નહીં;
બુદ્ધિ તારવતી અર્થ, કિન્તુ ધ્યર્થ ન માત્ર એ;
અગ્નિ તો છે તમે જેને વેદીમાં પ્રગટાવતા,
ઘૃતાભિષિક્ત હુતભુક્, સદાજાગ્રત્ સદોજ્જ્વલ!
તેમ આ સત્ય એ માત્ર નથી શબ્દ ન ધ્યર્થ વા,
પરંતુ આત્મવેદીમાં પ્રગટેલું તપો વડે,
કર્મના હુતથી દીપ્ત, સદાજાગ્રત્ સદોજ્જ્વલઃ
આત્માની સર્વ શક્તિઓ-માંથી દીપી દીપાવતું! ૩૨
સર્વને ગ્રસવા કાલ ઊભો મુખ વિજાંૃભીને,
નૃજાતિ બચશે જો આ યુગધર્મ પ્રમાણશેઃ
વ્યવહારો સત્યપૂત અહિંસાપૂત થાય સૌ,
ને અહિંસા તણે માર્ગે સત્યપ્રેર્યાં ધપે જનો. ૩૬

ઇતિશ્રી વ્યોમપુરાણે સત્યમહિમા નામ દ્વિતીયોऽધ્યાયઃ

(શેષનાં કાવ્યો, પૃ. ૯૨-૯૫)