કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૭. જ્યારે આ આયખું ખૂટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. જ્યારે આ આયખું ખૂટે
(પદ)

જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે માત નીંદરતું બાળ
ધીમેથી અંકમાં લિયે,
માસે માસે અમાસને દિન
દેવો મયંકને પિયે;
તેવી રીત ગોદમાં લેજે,
તારામાં સમાવી દેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવા મહાન કવિના બસ જરા
એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
સ્વયં બસ રસને હર્ષે;
તેવો આકર્ષજે મુને,
તારે રસ વર્ષજે મુને;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દિયે;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કો’માં નવજીવન ભરજે,
મારો કો’ને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)