કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૨.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યા અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
(અંગત, પૃ. ૫૧)