કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/શું ભીતર કે બ્હાર

૫૦. શું ભીતર કે બ્હાર

શું ભીતર કે બ્હાર

મનનો કોઈ ન પામે પાર



સવળે મારગ અવળું ચાલે

અવળે મારગ સવળું


અકળિત મારા મનને ક્‌હોને

કેમ કરીને કળવું


એક જ વીણા, વિધવિધ તાર

શું ભીતર કે બ્હાર,


મનનો કોઈ ન પામે પાર



રાઈ જેવું એ હોય છતાંયે

પહાડ જેવું એ લાગે


છલંગ મારે તોયે નભમાં

વાડ જેવું એ લાગે


ક્યારેક કાળમીંઢ પથ્થર : એ તો

ક્યારેક જળની ધાર.


શું ભીતર કે બ્હાર


મનનો કોઈ ન પામે પાર.

(એવું એક ઘર હોય, ૧૯૯૭, પૃ. ૧૦૩)