કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૩૦. તને મારે કેમ ચીતરવો?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૦. તને મારે કેમ ચીતરવો?

લોકો મને પૂછે છેઃ
કોણ છે આ ‘તું’?
પુરુષ કે સ્ત્રી?
શો જવાબ દઉં?
તું નપુંસક નથી જ નથી,
છતાં તું પુરુષ નથી, સ્ત્રી નથી.
જે આ હાથ લખે છે,
તેમાં તારો હાથ મને દેખાય છે;
જે આ વાંચે છે તેમાં તારાં
સાફ મન અને નિર્મળ આંખ મને વંચાય છે;
જે હૃદય અને મન આ સમજે છે
તેમાં તારાં હૃદય અને મન છુપાયાં સમજાય છે.
આટલું લખતામાં, વહાલા, તું એવો સ્પર્શ કરે,
આંખમાંથી અશ્રુ સરે, હાથમાંથી કલમ...
બોલ હવે, તને મારે કેમ કરી ચીતરવો?

૨૨-૮-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૭)