કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/ભર્યું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૬. ભર્યું ઘર

એ એક બહુ જ મોટું અને બહુ જ જૂનું થઈ ગયેલું મકાન હતું. પણ એકાદ જાજ્વલ્યમાન પ્રતિભાશાળી માણસ ઉંમરથી જીર્ણ થઈ ગયો હોય છતાં તેના કોઈ ને કોઈ અંગમાંથી અતીતની યાદ આપતું તેજ ઝળકી જતું હોય, એવી જ રીતે એ વિશાળ મકાનની ધુમાડિયા રંગની ભીંતો, લાકડાના ખખડતા ઝરૂખાઓ, તૂટી ગયેલી કાચની બારીઓમાંથી વીતી ગયેલી જાહોજલાલી અલપઝલપ દેખા દઈ જતી. એ મકાન સાવ જ ન પડી જવા માટે કારણ હતું. એમાં હજુ પેલો સંગીતકાર રહેતો હતો. તે છેક વૃદ્ધ નહોતો થઈ ગયો; પણ એકલતા, સંગીત માટેનું દર્દ અને અણરોક શરાબપાનને લીધે તેનું જીવન ખૂબ ઘસાઈ ગયું હતું. એક વેળા તેની ખૂબ નામના હતી. તેની પ્રતિષ્ઠાના મધ્યાહ્ન કાળમાં અહીં દિવસ સુધી મહેફિલો જામતી, મોટા મોટા ગાયકો - વાદકો - તબલચીઓ આવતા અને એમના સંગીતથી આ વિશાળ ઘરને ભરી દેતા. ઘરની આસપાસ ભમતી હવા એમના સૂરોથી સદાય થરક્યા કરતી. એ વખતે મકાન આસપાસનો બગીચો પણ સુંદર હતો. તેની લૉન વ્યવસ્થિત રહેતી, ફૂલછોડના ક્યારાને હંમેશાં પાણી પવાતું, બાગની નાનકડી વાંકીચૂંકી લાલ માટીની પગદંડીઓ હંમેશાં વાળવામાં આવતી. કોઈ છોડ પર કરમાયેલું ફૂલ કે સડેલું પાન દેખાતું નહીં. ક્યારાઓમાં મોટાં તેજસ્વી રંગોવાળાં ડહેલિયા, મૃદુ પાંખડીઓવાળાં ગુલાબ, ઝીણી સુગંધવાળાં શ્વેત તગર ખીલતાં અને બાજુના રસ્તા પરથી પસાર થતા રાહદારીઓના મનને પ્રસન્નતાથી આર્દ્ર કરી દેતાં. આંગણાની દીવાલ લગોલગ ઘટાદાર વૃક્ષો મકાનને એવી રીતે ઘેરીને ઊભાં હતાં જાણે વૃક્ષોનો કોઈ દેવતા એ મકાનમાં રહેતા સ્વરોનું રક્ષણ કરતો હોય. ઘણાં વર્ષોથી તે એ જ રીતે ઊભાં હતાં ને ઊગતાં ગયાં હતાં અને તેમની ઘટાને લીધે ઘરમાં અજવાળું ઓછું થઈ જતું. છતાં કોઈએ એમાંના એકાદેય વૃક્ષને કે એકાદી ડાળને સુધ્ધાં કાપવાનો વિચાર કર્યો નહોતો. એ વખતે તો માળીઓની એક આખી ફોજ હતી, જે બગીચાનું ધ્યાન રાખતી. એ બધામાં મુખ્ય હતો વિષ્ણુ માળી. બીજા બધા પેટ ખાતર કામ કરતા, પણ વિષ્ણુ માળી પ્રેમ ખાતર કામ કરતો. તે વૃક્ષોને ચાહતો. ચોમાસામાં ગીચોગીચ ઊગી આવેલી તેમની પર્ણઘટા જોઈને તેના હૃદયમાં શીળી છાંય ફેલાતી. બંગલાની પાછળના ભાગમાં લાકડાનો એક બાંકડો હતો. પાનખરની મૃદુ બપોરે તે એ બાંકડા પર લાંબો થતો. તેના પર ઝીણાં મોટાં સૂકાં સોનેરી પાંદડાં વરસતાં. એ વખતે તેને અવર્ણનીય સુખ થતું. માથા પર ફેલાયેલી વાંકી કાળી નિષ્પર્ણ ડાળીઓ વચ્ચેથી તે સ્વચ્છ ભૂરા રંગનું આકાશ જોયા કરતો; અને કોઈએ તેને ત્યારે પૂછ્યું હોત કે સ્વર્ગ ક્યાં છે? તો તે કહેત કે અહીં, આ બાંકડા ઉપર. જેને આપણે ચાહતાં હોઈએ તેની સાથે આપણું નિરંતર મિલન રચાયા કરતું હોય ત્યારે હૃદય જેવું ભરપૂર, પ્રશાંત, ફરિયાદ વગરનું રહે છે તેવું આ વિષ્ણુ માળીનું સુખ હતું. જે તેનું કામ્ય હતું તે સાવ તેની સમીપ હતું અને આ બગીચાનો પોતે માલિક નથી, પણ નોકર છે — એ બાબતનું ત્યાં કશું મહત્ત્વ રહેતું નહીં. તેની પત્ની તેના આ સુખમાં તેની સાથીદાર હતી. તેનો એક પુત્ર ઘણાં વર્ષો પહેલાં સાપ કરડવાથી મરણ પામેલો. હવે તેને એક નાની પુત્રી હતી, જેનો જન્મ વિષ્ણુ અહીં કામ કરવા આવ્યો ત્યાર પછી થયો હતો. વૃક્ષોની છાયા જેવી શામળી એ છોકરીનું વિષ્ણુએ શ્વેત નામ રાખ્યું હતું — જૂઈ. જૂઈની પાંદડી જેવી તે નાજુક અને મોહક હતી ને તેની નાની નાની પગલીઓ વડે તે બાગમાં દોડાદોડ કરી મૂકતી. બધા માળીઓની તે લાડકી હતી. ઘણુંખરું તે તેમની સાથે રમ્યા કરતી. પણ માળીઓ ક્યારેક કંઈક કામમાં પરોવાયેલા હોય ત્યારે તે બંગલાની નજીક સરી જતી અને ત્યાં ચાલતું સંગીત સાંભળતી, અને વિષ્ણુ આવીને લઈ ન જાય ત્યાં સુધી સાંભળ્યા જ કરતી. ઘેર જઈને પછી તે એ સ્વરો આબેહૂબ ગાઈ બતાવતી. આટલી નાની વયે તે સ્વરો પકડી શકે છે તે જોઈ માને ને બાપને ખૂબ નવાઈ લાગતી. ધીમે ધીમે તે મોટી થતી ગઈ ને વધુ ને વધુ સંગીત સાંભળવા લાગી. બંગલામાં બેઠક જામી હોય, તબલાં પર થાપ પડતી હોય, ગાયકો આલાપ લેતા હોય કે તાન છેડતા હોય, ત્યારે તે બંગલાની નજીક, કોઈ ન જુએ એમ વૃક્ષોની આડશે બેસતી અને એ સ્વરોને પોતાની અંદર ઉતારતી. તેના ગળામાં સૂરો સહજતાથી ફરતા અને રાગ વિશે કોઈ સૈદ્ધાંતિક જ્ઞાન ન હોવા છતાં, કયા રાગની કઈ સ્વરમર્યાદા એ તેને આપોઆપ સમજાવા માંડ્યું હતું. ઘેર જઈને પછી તે એ મર્યાદામાં નવી રીતે સ્વરો વિસ્તારતી અને ક્યારેક તો આખો રાગ પણ ગાઈ બતાવતી. પેલાં બંનેને આથી ખૂબ આશ્ચર્ય થતું અને ક્યાંક એક ચિંતા ઊગતી, જેને કોઈ નામ નહોતું. બંગલામાં જે માણસ રહેતો હતો, તે કલાકારો સાધારણતઃ હોય છે તેમ ધૂની અને એકધ્યાની હતો. સંગીત સિવાય બીજી કોઈ બાબત તરફ તેનું ધ્યાન જતું હોય તો માત્ર શરાબ તરફ. તેના મધ્યાહ્ન - કાળે તે ઘણી વાર કાર્યક્રમો આપવા બહાર જતો ત્યારે તે સુખી અને સમૃદ્ધ દેખાતો. તેની હાજરીમાં એક જીવંત વ્યક્તિની જેમ ગુંજારમાન રહેતો બંગલો, તેના બહાર જતાં સાવ સૂનો થઈ જતો. વૃક્ષો ઊંઘવા લાગતાં અને માળીઓ કામચોરી કરતા. પણ ત્રણ-ચાર દિવસમાં તે પાછો ફરતો — વહેલી સાંજે કે ઘેરાયેલી રાતે કે ઝાકળધોઈ સવારે. તે આવતો ને તેની જોડાજોડ કંઈ કેટલાય સૂર, ધ્વનિ, તાલ, ઝંકાર ચાલ્યા આવતા. વાતાવરણ ફરી શ્વાસ લેવા માંડતું અને બંગલો ફરી સ્પંદનોથી ભરાઈ જતો. જૂઈ હંમેશાં આ ક્ષણની પ્રતીક્ષામાં રહેતી — લાંબા ખાલીપા પછીની આ સંગીતમયી ક્ષણની પ્રતીક્ષામાં. તે અજાયબીથી આ માણસને જોઈ રહેતી અને તે ઘરમાં પ્રવેશી બારણાં બંધ કરી દે પછી પણ ત્યાં ચુપચાપ ઊભી રહેતી અને એ માણસ હવામાં કોઈક સૂર વેરતો ગયો હોય એમ એના જવાના માર્ગ પરથી કંઈક પકડવા પ્રયત્ન કરતી. જૂઈ મોટી થતી ગઈ તેમ એ બંગલાની અંદર જવાની તેને ખૂબ ઇચ્છા થતી. આટઆટલાં વરસ, દિવસ અને રાતના કંઠેથી જે સંગીત વહ્યું હતું તે ત્યાંની હવામાં જળવાઈ રહ્યું હોય એમ અંદર જઈને ત્યાંની હવા સૂંઘવાની એને ઇચ્છા થતી. એને થતું, આટલાં વરસ ફરી ફરી ઘૂંટાઈને એ સ્વરોએ જાણે નક્કર દેહ ધારણ કર્યો હશે, એ ત્યાં દીવાની જેમ પ્રકાશતો હશે કે ઝરણાંની જેમ તરંગિત થઈ ડોલતો હશે. પોતે જો બંગલાની અંદર જઈ શકે તો એને નિહાળી શકે. એના તેજથી પોતાના સ્વરોને જ્વલંત બનાવી શકે. અથવા તેની ભીનાશથી પોતાના હૃદયને રસાર્દ્ર કરી લઈ શકે — કે એવું કંઈક. પણ સંગીતકારનું ક્યારેય તેના તરફ ધ્યાન ગયું નહોતું. તેના ઘરનું કામકાજ એક નોકર સંભાળતો ને બહારનું વિષ્ણુ માળી. એ બે સિવાય બીજા કોઈને તે ભાગ્યે જ ઓળખતો. બીજા માળીઓ ને નોકરો તેમનો પગાર વિષ્ણુ પાસેથી લેતા. સંગીતકાર પરણ્યો જ નહોતો, કે પરણ્યો હતો ને તેની પત્ની મરણ પામી હતી, કે પછી તેને છોડી ગઈ હતી — એ વિશે વિષ્ણુને કશી જાણ નહોતી. વિષ્ણુ સાથે પણ તે કામ પૂરતું જ બોલતો. અને ધીમે ધીમે તેની સમૃદ્ધિ ઘસાઈ ગઈ, અતિ શરાબસેવનને લીધે તેનો સાગરના ગર્જન જેવો કંઠ મંદ પડી ગયો અને પગાર સમયસર ન મળવાને લીધે ધીમે ધીમે તેના બીજા નોકરો તેને છોડી ગયા ત્યારે પણ તેની રીતભાત તો પહેલાંના જેવી જ ગૌરવભરી ને અતડી રહી. હવે વિષ્ણુ તેના જમવાની વ્યવસ્થા કરતો અને તેને સૂચના હતી કે તેની રજા સિવાય બીજા કોઈએ બંગલામાં આવવું નહીં. આમ, જૂઈને અંદરથી બંગલો જોવાની ખૂબ ઇચ્છા છતાં અંદર તે ક્યારેય જઈ શકી નહીં. ઘણી વાર તેની ઇચ્છા એટલી તીવ્ર બની જતી કે તેને થતું — જે સ્વરોને તે બારીમાંથી આવતા સાંભળતી હતી તે સ્વરોને, પોતે ફક્ત એક વાર જો અંદર જઈ શકે, તો સદેહે જોઈ શકે. જાણે અંદર માણસોનો નહીં પણ સ્વરોનો મેળો ભરાતો હોય, ધૈવત ને કોમળ નિષાદ, મધ્યમ ને ગંધાર ત્યાં ગોઠડી કરતા હોય, ભૈરવીની ઠૂમરી નર્તન કરતી હોય, કે દેશીનો આલાપ વિષાદમાં ડૂબીને કોઈક ખૂણે એકલવાયો બેઠો હોય! એક વાર જો અંદર જવા મળે તો એ બધાને જોઈ શકાય. દરેક સ્વરને પોતાનું આગવું રૂપ હતું, રંગ હતો. પંચમનો રંગ વસંતના સૂર્યકિરણ જેવો હતો, અને જોગિયા રાગે લીલા રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં. જૂઈના મનમાં આવી આવી કલ્પનાઓ જાગતી અને બંગલાની અંદર જવાની સાવ સામાન્ય બાબત તેને માટે જીવનની તીવ્રતમ કામના બની રહી. સંગીતકારના જૂના મિત્રો હજુયે ક્યારેક ક્યારેક આવતા અને હજુ પણ ઘણી વાર મોડે સુધી તેમની રાગલીલા ચાલતી, પણ હવે એમાં પહેલાં જેવો પ્રાણ, ઉલ્લાસ કે આકાશ ભણી અનાયાસ લઈ જતી શક્તિ નહોતી. સ્વરો હવે થાકેલા લાગતા, તેમના ખભા પર સમયનો બોજ રહેતો અને જૂઈ એ સાંભળતી ત્યારે એની આંખોમાં અંધારું ભરાઈ આવતું. પછી એક લાંબો ગાળો પડ્યો, જ્યારે બંગલામાં એક પણ વાર મહેફિલ ન થઈ. મહિનાઓ સુધી કોઈ આવ્યું નહીં. વસંતના ચમકદાર દિવસો અને ગ્રીષ્મના દીર્ઘ દઝાડતા દિવસો ખાલી ખાલી વીતી ગયા. હવે વિષ્ણુ સિવાય કોઈ નોકર રહ્યો નહોતો, અને તેના એકલાથી બધું કામ થતું નહીં તેથી બાગ સુકાવા લાગ્યો. ફૂલો હવે પહેલાં જેવાં તેજસ્વી રહ્યાં નહીં. હવે બધું જ જીર્ણ થવા લાગ્યું હતું. મકાન અને એમાં રહેતો સંગીતકાર અને એની આસપાસ વીંટળાઈ રહેલાં રક્ષણાત્મક વૃક્ષો અને એમને સંભાળતો માળી — બધું જ ભૂખરી જીર્ણતાના તિરાડવાળા માર્ગ પર ધીમી ગતિએ ઘસડાઈ રહ્યું હતું. આ બધામાં માત્ર જૂઈ જુવાન હતી, જીવંત હતી અને જે ગીત હવે ગવાતું નહોતું તે સાંભળવા તલસતી હતી. હવે વિષ્ણુ જમવાની થાળી લઈને જતો ત્યારે જ સંગીતકારને જોતો. તેને લાગતું કે એક ભરી ભરપૂર સુદૃઢ સુંદરતા હવે વીખરાઈ રહી છે. એક મનુષ્ય ગઈ કાલ સુધી ગતિશીલ અને સ્વ - પ્રકાશિત હતો, તે હવે એક ઓળો બનતો જાય છે. ચુપચાપ તે ઘરની સફાઈ કરી બહાર નીકળી જતો અને સંગીતકારને કશું પૂછવાની તેની હિંમત ચાલતી નહીં. પછી વરસાદના દિવસો આવ્યા. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. જોરદાર પવન ફૂંકાયો ને વૃક્ષોની ડાળીઓ એકમેક સાથે અથડાઈને કડાકા કરવા લાગી. બાગમાં ચારે તરફ ડહોળા પાણીના વહેળા વહેવા લાગ્યા. વરસાદ બીજે દિવસે ને ત્રીજે દિવસે પણ લગાતાર વરસતો જ રહ્યો. આખું આકાશ જાણે પીગળી રહ્યું હોય, એમ જલની ધારાઓ અનવરત પૃથ્વી પર ઝીંકાતી રહી. વિષ્ણુ, એની પત્ની અને જૂઈએ એમની નાનકડી ઓરડીમાં થરથર્યા કર્યું. આગલા દિવસે વિષ્ણુ ફક્ત એક જ વાર બંગલામાં ગયો હતો. તે વખતે સંગીતકારને ખૂબ ખાંસી ઊપડી હતી અને તેણે બીજી વાર જમવાનું લાવવાની ના પાડી હતી. તેની શી હાલત હશે તે વિશે વિષ્ણુને રહી રહીને ચિંતા થતી હતી. તેને થયું કે પોતે તેની પાસે હોય તો તેને બામ લગાડી આપે અથવા ગરમ પાણીની કોથળી કરી આપે અને તો એને કંઈક રાહત લાગે. પણ પોતાના સમૃદ્ધ દિવસોમાં જેમ સંગીતકારે સંગીત સિવાય બીજા કશામાં પોતાનું હૃદય ઉઘાડ્યું નહોતું, તેમ આ ક્ષીણતાના દિવસોમાં પણ તે પોતાનાં ગૌરવ ને એકલતામાં કેદ બની રહ્યો હતો. ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટશે એવી આગાહી હતી, પણ જોર તો ઊલટાનું વધ્યું. પવનને ભૂત ભરાયું હોય તેમ તે કિકિયારીઓ પાડવા ને વૃક્ષોને હચમચાવી મૂકવા લાગ્યો. વૃક્ષની ડાળીઓ ઉશ્કેરાટથી ધૂણવા ને તૂટી પડવા લાગી. વિષ્ણુને થયું — કદાચ આ મકાન તૂટી પડે! કદાચ, ખરેખર જ એ તૂટી પડે. ઓહ, તો એના માલિકનું શું? સંગીત ને શરાબ પર જીવતા એના એકલવાયા, માંદા, આકાશ જેવા અસ્પર્શ્ય માલિકનું શું? તેની ચિંતા વધી પડી અને તે છત્રી લઈને બંગલે જવા તૈયાર થયો. અને તે વખતે, અનાયાસ એ ઘડી આવી, જે જૂઈના મનમાં ચિરસંચિત દુર્લભ સ્વપ્નની જેમ સંકેલાઈને પડી હતી. વિષ્ણુની પત્નીએ વિષ્ણુને કહ્યું : એકલા જવા કરતાં જૂઈને સાથે લઈને જાઓ તો! વરસાદને લીધે બંગલામાં પાણી ભરાયાં હશે કે બીજું કંઈ નુકસાન થયું હશે તો તે તમને કામ કરાવવા લાગશે. તેણે આ વાત સાવ સહજ રીતે કહી અને વિષ્ણુએ તે એટલી જ સહજ રીતે સ્વીકારી, પણ જૂઈના મનમાં તો જેવો બહાર ઝંઝાવાત હતો તેવો જ ઝંઝાવાત અંદર મચી ગયો. ખરેખર પોતાને બંગલામાં જવાનું મળશે? ત્યાં શું હશે? જાણીતાં પ્રિયજનોને અજાણી ભોમકામાં મળવા જતી હોય તેવી લાગણીથી તેનું હૃદય કંપી ઊઠ્યું. બાપદીકરી પવનના પ્રહારો સામે ટક્કર ઝીલતાં, ભીંજાતાં, ધ્રૂજતાં દોડીને બંગલામાં પહોંચી ગયાં. બંગલામાં અંધારું હતું અને કોઈએ દીવો સળગાવ્યો નહોતો. વિષ્ણુની પાછળ અંધારામાં તે ચાલી અને આગલા ખંડમાં જઈ વિષ્ણુએ ચાંપ દબાવી ત્યારે તે ચકિત થઈને જોઈ રહી.  — એક મોટા પલંગમાં સંગીતકાર સૂતો હતો. એક વખતનો સોહામણો, ભવ્ય, જેની ચાલમાંથી પણ સંગીત નીતરતું હતું એવો એ આકર્ષક માણસ આંખો મીંચીને, ધાબળો ઓઢીને સૂતો હતો. જૂઈ કુતૂહલથી જોઈ રહી. ખંડમાં શાંતિ હતી પણ તેના કાને વિવિધ સ્વરો અથડાવા લાગ્યા. તેને થયું કે, સંગીતકાર સૂઈ ગયો છે, પણ તેનું સંગીત જાગે છે, વ્યાકુળ પગલે તે હવામાં ઘૂમે છે, કોઈકના કંઠની તે રાહ જુએ છે… તે અધીર થઈને જોઈ રહી, જાણે હમણાં જ અહીં કશું અવનવીન, અપ્રત્યાશિત બનશે અને… અચાનક સંગીતકારે આંખ ઉઘાડી. તેણે વિષ્ણુને જોયો. વિષ્ણુમાં હિંમત આવી. જરા નજીક જઈ તેણે પૂછ્યું : ‘કેમ છે સાહેબ, તમને? ચા બનાવી લાવું?’ સંગીતકાર મંદ હસ્યો. તેણે આંખના ઇશારાથી એને ના પાડી અને પછી એ આંખો રૂમમાં ફરી રહી. જૂઈને લાગ્યું કે એ આંખો કશુંક શોધે છે. શું શોધે છે એ? શું? સંગીતકારની નજર ફરતી ફરતી જૂઈ પર આવી અને અટકી. વિષ્ણુ પળવાર ડરી ગયો. બંગલામાં કોઈને પણ આવવાની મનાઈ હતી. સાહેબ ગુસ્સે થશે કે શું? ઉતાવળે તે બોલી પડ્યો : ‘મારી દીકરી છે, સાહેબ!’ અને પછી કોને ખબર કઈ પ્રેરણાથી તે બોલ્યો : ‘તેને પણ ગાવાનો શોખ છે સાહેબ, સારું ગાય છે.’ સંગીતકાર જૂઈ તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો. જૂઈ લજ્જાથી સાવ સંકોડાઈ ગઈ. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી સંગીતકારે વિષ્ણુને વધુ નજીક બોલાવ્યો. તે કશુંક બોલવા ગયો પણ ખાંસીનો એક જોરદાર હુમલો આવ્યો અને તે આખો હલમલી ગયો. અને પછી લગભગ સ્વગત બોલતો હોય એવા ધીમા અવાજે તેણે કહ્યું : ‘ગાઈ શકે છે? ગાશે?’ અને આટલું બોલતાં થાક લાગ્યો હોય તેમ તેણે આંખો બંધ કરી દીધી. વરસાદનાં ઝાપટાં હજુ બારી સાથે અફળાતાં હતાં અને છાપરાં પર જલધારાનો કોલાહલ હતો. જૂઈએ એના બાપા સામે જોયું. વિષ્ણુએ ડોકું હલાવ્યું. જૂઈ ઘડીક અસ્થિર બની ગઈ. તેની આંખો સામે વિવિધ સ્વરો નાચવા લાગ્યા. આ ખંડમાં અદૃશ્યપણે સૂઈ રહ્યા હતા તે — પૂર્વી ને મારવાના તીવ્ર સ્વરો, કેદારનો શાંત આલાપ, મારુ બિહાગની રસળતી તાન, સફાળાં જાગીને વિલંબિત મધ્ય દ્રુત ગતિએ જૂઈ ભણી દોડી આવ્યાં. તેમનો એક ધક્કો જૂઈને વાગ્યો ને તેના કંઠમાંથી સ્વરો ફૂટી પડ્યા. સ્નેહની એક મૃદુ આંગળી વર્ષોની એકલતાને વિખેરી નાખે તેમ તેના સ્વરોએ આજ સુધીના અજાણપણાને ઓગાળી નાખ્યું. આજ પહેલાં તેણે ક્યારેય માબાપ સિવાય કોઈની સમક્ષ ગાયું નહોતું. તેણે કેવળ મનમાં જ સ્વરો ઘૂંટ્યા હતા. અને હવે તે મરણપથારીએ પડેલા સંગીતકાર સમક્ષ ગાઈ રહી. નાનપણથી આજ સુધી તેણે જે જે સાંભળ્યું હતું, મનમાં સંઘર્યું હતું, જે સ્વરોને તેણે ચાહ્યા હતા અને જેની સાથે તેણે પોતાની એકાંત પળો વિતાવી હતી તે સૂરો હવે અતિશય સુંદરતા લઈને તેનામાંથી બહાર આવવા લાગ્યા. એક પછી એક ચીજ તે ગાતી ગઈ અને તેના સ્વરો ઉષ્માની ચાદર બની સંગીતકારને હૂંફાળું આશ્વાસન આપી રહ્યા. ઘણી વાર સુધી તેણે ગાયું… અને પછી તે ચુપ થઈ ગઈ. સંગીતકારે આંખ ઉઘાડી ને જૂઈ તરફ જોયું. એ નજરમાં અસીમ શાંતિ અને તૃપ્તિ હતાં. જાણે હવે મકાન કદાચ પડી પણ જાય અને પોતાનો દીવો હોલવાઈ પણ જાય. તોયે બધી વસ્તુ સમાપ્ત થઈ જવાની નહોતી. તેણે જૂઈ તરફ અત્યંત પ્રેમભર્યું એક સ્મિત વેર્યું. હવે તે ગાતી બંધ થઈ હતી, તોપણ તેના સ્વરો હજુ સંભળાયા કર્યા. બીજું બધું અસ્પષ્ટ ને ઝાંખું પડવા લાગ્યું. આકારો રેખાહીન થઈ એકમેકમાં ઓગળવા લાગ્યા. નજર સામે જે દેખાતો હતો તે જૂઈનો ચહેરો હતો કે સંગીતનો — તેનો ભેદ રહ્યો નહીં. તેણે ઘરમાં એક છેલ્લી વિલાતી નજર નાખી ને પછી ભર્યા સંતોષથી આંખો મીંચી દીધી.

૧૯૭૬ (‘જવા દઈશું તમને’)