કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/કાગળની હોડી
‘હાલ્ય જીવલા, મારી હારે છાણ વીણવા આવીશ?’ તનિયાએ જીવલાને પૂછ્યું. જીવો પથરા પર બેઠો બેઠો કાગળની હોડી બનાવીને ધોરિયામાં વહી જતા પાણીમાં તરતી મૂકતો હતો. ધોરિયાનાં પાણી વેગથી આવતાં ને હોડી જરાક દૂર જઈ ફસડાઈ જતી અને પછી પાણી પર આડી પડી જતી. ‘અટાણે છાણ ક્યાંય મળવાનું નથી. મે આવે તો બધું ધોવાઈ નો જાય?’ જીવાએ મોં ઊંચું કર્યા વિના કહ્યું અને બીજી હોડી બનાવવા માંડી. ‘હા, પણ આ થોડા કલાકથી કોરું છે, તી ક્યાંક થોડું પડ્યું હશે. હાલ ને, થોડી વારમાં આવતા રઈશું. અમારો ચૂલો પડી ગયો છે, તે લીંપવો છે.’ જીવાએ બીજી હોડી બનાવી પાણીમાં મૂકી. થોડેક જઈને એ પણ આડી પડી ગઈ. ‘હાલ્ય ને!’ ‘પણ માથે મે મંડાણો છે તે? અટાણે કોરું છે, પણ થોડીક વારમાં તૂટી પડવાનો.’ ‘પણ ઈ પેલાં આપણે આવતાં રઈશું.’ ‘ભલે, હાલ્ય,’ જીવો ઊભો થયો અને તે અને તનિયો સીમ ભણી ચાલવા લાગ્યા. તનિયાની પાસે સૂંડલો હતો, તે તેણે માથા પર ટોપીની જેમ મૂક્યો ને તે હસવા માંડ્યો. ‘હેઈ જીવલા, આ સૂંડલાના બાકોરામાંથી સરસ ભળાય છે. જો પેલી ડાળ પર કલકલિયો બેઠો.’ ‘ક્યાં છે? મને તો કોઈ ભળાતો નથી.’ ‘સૂંડલો ઓઢ તો દેખાશે.’ જીવલાએ સૂંડલો ઓઢ્યો ને તે ખૂબ હસવા લાગ્યો. ‘આપણે આમ ઓઢી લઈએ તો આપણને કોઈ ઓળખી નો શકે, નઈ?’ ‘હેઈ, જો ઓલું ર’યું,’ તનિયો દોડ્યો ને થોડું છાણ પડ્યું હતું તે લીધું. જીવલાએ સૂંડલો એને આપી દીધો. બંને થોડી વાર છાણ માટે ઝીણી નજર દોડાવતા આગળ ચાલતા ગયા. વરસાદને લીધે ચારે બાજુ ઘાસ ઊગી ગયું હતું. ઘાસમાંથી ચાલતાં ભીની માટી પગે વળગતી હતી અને ક્યાંક વધારે પોચી માટી હોય, ત્યાં પગ મૂકતાં એકદમ પાણી ભરાઈ જતું. જીવલાને હસવું આવવા માંડ્યું. આટલાક પાણીમાં તરાવવા માટે તો નાનકડી હોવી જોઈએ. પણ એય નો તરે. પણ એ તો ડૂબીય નો જાય. તો પછી એ હોડીનું શું થાય? ‘હેં તનિયા, જે હોડી તરેય નઈં ને ડૂબેય નઈં એનું શું થાય?’ ‘મને શી ખબર? મેં તો સાચકલી હોડી જ કોઈ દી જોઈ નથી.’ ‘પણ તોય કે’ ને!’ ‘તો — તો એ પછી પાણી પીને ભારે થવા માંડે અને પછી એનો સાસ હેઠો બેસી જાય.’ ‘કોનો સાસ — ?’ ‘હોડીનો — ’ ‘લે હાલ હાલ, હોડીને તે કાંઈ સાસ હોય?’ ‘તો શું કરવાને મને પૂછે છે?’ તનિયો હસ્યો ને વળી દૂર છાણ દેખાતાં, તે તરફ દોડ્યો. જીવલો ઘડીક ચૂપ રહ્યો ને પછી પોતાને જ કહેતો હોય તેમ બોલ્યો : ‘હું મોટ્ટો થઈશ ત્યારે સાચ્ચી હોડી લઈશ. ખરેખરી… લાકડાની, ધોળા ધોળા સઢવાળી.’ છાણની શોધમાં બંને ઠીક ઠીક દૂર નીકળી ગયા. ભીનો પવન વાતો હતો ને ઝાડવાંઓ વારંવાર એકમેક તરફ ઝૂકી જતાં હતાં. ઊંચાં ટટ્ટાર વૃક્ષો રહી રહીને કંપી જતાં હતાં અને કશીક વાત કહેવાને જાણે ઉત્સુક હતાં. અચાનક ધીમો ધીમો વરસાદ આવવો શરૂ થયો. જીવો ગભરાયો. ‘તનિયા, મે આવ્યો.’ ‘હમણાં રઈ જશે,’ તનિયાએ કહ્યું, પણ તેય ગભરાયો. સૂંડલામાંનું છાણ બધું પાણી ભેળું વહી જશે. છાણ ક્યાં સંતાડવું? વરસાદનાં ઝરમરતાં ટીપાં મોટાં થઈ ટપટપવા લાગ્યાં અને જરાક વારમાં જ લાંબી ધારાએ વરસાદ વરસવો શરૂ થયો. આકાશ અચાનક જ ઘનઘોર થઈ ગયું. હવાને અંધારાએ લપેટી લીધી. વાદળમાંથી એક લાંબી ગર્જતી કડકડાટી એક છેડેથી બીજે છેડે દોડતી ગઈ અને પછી વીજળીની ધધકતી તીક્ષ્ણ રેખાઓથી વાદળાં ચિરાતાં ચાલ્યાં. ‘તનિયા દોડ!’ જીવો ગભરાટભર્યા સાદે બોલ્યો ને તે એક ઝાડ નીચે આશરો લેવા દોડ્યો. તનિયો પણ તેની પાછળ દોડ્યો. ‘ઓય બાપ!’ અચાનક જીવાએ ચીસ પાડી. ‘મને કાંઈક કરડ્યું.’ ‘હોય નઈં, શું કરડ્યું?’ તનિયાએ જોયું અને એકાએક તેની આંખો ફાટી રહી. ઝાડની પાછળ એક દરમાં સરકીને અદૃશ્ય થતી એક લાંબી કાળી સુંવાળી પૂંછડી તેણે જોઈ. બીકથી તે થીજી ગયો. ‘ઓ બાપ રે!’ જીવલો પગ પકડીને નીચે બેસી ગયો. ‘તનિયા, ખરેખરનું કંઈક કરડ્યું લાગે છે. બઉ બળે છે!’ તનિયો ડરતો ડરતો એની નજીક ગયો અને પગ પર જોયું. દાંતના ડંખની બે હાર હતી. સૌથી આગળનાં બે નિશાનો જરા મોટાં અને બીજાં નિશાનથી વેગળાં હતાં. તનિયાને એના અર્થની ખબર હતી. તેના કાકાને પોર આવી જ રીતે સાપ કરડેલો અને પછી તે મરી ગયા હતા. પણ જીવલાને, આ ડંખ કયા પ્રાણીનો છે, તેની કદાચ ખબર નયે હોય! તેણે ડરતાં ડરતાં ડંખ પર હાથ લગાડ્યો. જીવો ચિત્કાર કરી ઊઠ્યો : ‘અડીશ મા, અડીશ મા! બઉ લાય બળે છે.’ જરાક વારમાં ડંખ લાગ્યાની જગ્યા લાલ અને આળી થઈ ગઈ અને સહેજ સૂજી ગઈ. તનિયો બીતો બીતો બોલ્યો : ‘હાલ્ય જીવલા, ઝટ દોડીને ગામમાં પોગી જઈ સીધા મ્યુનિસિપલ દવાખાને જ જઈં.’ જીવો ઊભો થઈ થોડુંક દોડ્યો ને ઊભો રહી ગયો. ‘નઈં દોડાય તનિયા, પગમાં જરાયે જોર જ રહ્યું નથી.’ તનિયો વ્યાકુળ થઈને બોલ્યો : ‘તો મારે ખભે ટેકો દઈને ચાલ. ઉતાવળે ચાલશું તો હમણાં પોગી જઈશું.’ વરસતા વરસાદમાં બંને થોડુંક ચાલ્યા, પણ બીજા ઝાડ સુધી પહોંચતાં જ જીવો નીચે બેસી પડ્યો. તેના પગ તળે લીલું લીલું ઘાસ કચડાઈ રહ્યું. ‘નથી ચલાતું તનિયા, પગ તો જાણે થાંભલા જેવો થવા માંડ્યો છે.’ તનિયો સાવ રોવા જેવો થઈ ગયો. નકામું પોતે જીવાને સાથે આવવાનું કીધું. સાચોસાચ કાળોતરો હશે તો? પાછો નરી રાત જેવો કાળો. કથ્થાઈ કરતાં કાળો સાપ વધારે ઝેરી હોય. તેની આંખે અંધારાં આવવા લાગ્યાં. આજીજી કરીને તે બોલ્યો : ‘હાલને જીવલા, જરા હિંમત રાખ તો હમણા પોગી જઈં.’ જીવાએ કંઈક ઘેનમાં, કંઈક અસહાયતામાં માથું ધુણાવ્યું. ‘દોડાય તો દોડું નઈં, તનિયા? તે દી નદીમાં પૂર આવ્યું’તું ત્યારે આપણે કેવા દોડ્યા’તા? હું સઉની આગળ નીકળી ગયો’તો.’ તે બહુ સોનેરી સોનેરી એક યાદમાં ખોવાઈ ગયો અને પછી એક કારમી પીડા ને ભયથી એ સોનેરી રંગ અંગેઅંગ વીંધાઈ રહ્યો. ‘તનિયા, પગ તો બઉ ભારે થઈ ગ્યો. હવે તો ઊંચકાતોય નથી. એવું તે શું કરડ્યું હશે?’ તનિયાની આંખો ભયના ધુમ્મસથી સફેદ થઈ ગઈ. પૃથ્વીનું ઘાસ, પાણીની ધારાઓ, હવાનું અંધારું બધું એકબીજામાં મળીને ધૂંધળું થઈ ગયું. ચારે તરફ બસ ધુમ્મસનો જ અંતહીન વિસ્તાર દેખાયો. વરસાદ હજુ પડતો હતો. બધી જમીન પાણીમાં તરબોળ થઈ ગઈ. તનિયો કાકલૂદીપૂર્વક ધુમ્મસના વિરાટ પરપોટા જેવા આકાશ ભણી તાકી રહ્યો. કોને સંબોધીને કહે છે, તેના કાંઈ ભાન વિના કહ્યું : ‘હવે કોઈ દી છાણ વીણવા જવાને જોડે નઈં લઈ જઉં. આટલો વખત મટાડી દો. બસ, આ એક વાર મે’ર કરો. પછી કોઈ દી કંઈ નઈં માગું.’ ‘ઓ બાપ રે!’ જીવાએ એક ધીમો આક્રોશ કર્યો. અચાનક તનિયાના મનમાં એક વિચાર ઝબક્યો. ‘જીવલા, તું આંઈ બેસીશ? હું દોડતો જઈને બાપાને કઉ… દાક્તરને લઈને હાલો.’ જીવો દયામણી રીતે તેની તરફ જોઈ રહ્યો. ‘જલદી આવીશ ને?’ ‘અબઘડી. આ ગયો એવો જ આવ્યો સમજ.’ ‘મારો તો પગ સાથળ સુધી સીસા જેવો ભારે થઈ ગ્યો છે.’ અચાનક તનિયાને કાકા યાદ આવી ગયા. તેણે કહ્યું : ‘પણ જીવલા, તું ઊંધી નો જતો, હો!’ ઊંઘવાથી ઝેર વધારે ચડે એવું તેનાથી બોલાયું નહીં. ‘નઈં ઊંઘું.’ જીવાએ કહ્યું ને તેને એક ઝોકું આવી ગયું. જીવાના બાપાની લાલચોળ કરડી આંખો યાદ આવી ને તનિયો અંદર ફફડવા લાગ્યો — ‘હે માતાજી, હે ગણપતિ દાદા, હે હનમન દાદા, મટાડી દો. આટલી એક વાર મટાડી દો. તમને પરસાદ ચડાવીશ.’ ‘તનિયા, મને તો બઉ ઊંઘ આવે છે.’ તનિયો મોટેથી રડી પડ્યો. ‘જીવલા, થોડીક વાર નો ઊંઘીશ ને! હું હમણાં દોડતો જઈને આવું જ છું.’ જીવાએ નકારમાં ડોકું હલાવ્યું. ‘જગાતું નથી તનિયા, બઉ—’ તેને ફરી બહુ જ ઊંઘ આવવા લાગી. તનિયો રડતાં રડતાં તેને ઢંઢોળવા માંડ્યો. ‘જીવલા, આંખ ઉઘાડી રાખ ને! થોડી વાર. હું હમણાં જઈને આવીશ. તું થોડી વાર જાગ ને — તો, તો હું તને મારી બધી લખોટીઓ આપી દઈશ અને મારો ભમરડોય તે!’ જીવાએ પ્રયત્નપૂર્વક આંખો ઉઘાડી, સહસા બોલ્યો : ‘તનિયા, સૂંડલો ક્યાં?’ ‘એ પડ્યો.’ જરાક ચૂપ રહી, જીવો સાવ ધીમા અવાજે બોલ્યો : ‘તનિયા, મને સૂંડલામાં બેસાડી, માથે ઊંચકીને લઈ જઈશ?’ તનિયો રોઈ પડીને બોલ્યો : ‘મારાથી નો ઊંચકાય જીવલા! તું મારા કરતાં મોટો છે. હું નો ઊંચકી શકું.’ ‘તો કાંઈ નઈં.’ જીવાએ નિઃસ્પૃહ રીતે કહ્યું. મીઠી મીઠી ઊંઘ આવવા લાગી. શરીર ભારે ભારે થતું ગયું. હવે તો સહેજ હલી શકાતું નથી. કેડ તો સાવ સજ્જડ થઈ ગઈ છે. હું તો અડધો પથ્થર જાણે થઈ ગ્યો. માસ્તર નિશાળમાં વાર્તા કે’તા તેમ. ઘેનમાં ને ઘેનમાં તેને હસવું આવ્યું. માસ્તર કે’તા’તા — ભગવાન રામ પથ્થરને પગથી અડ્યા એટલે પથ્થરમાંથી બાઈ થઈ ગઈ. આંખો સામે ભગવાનની છબિ આવી. વાદળી રંગનું હસતું મોં. હાથમાં ધનુષ. પણ રામ કરતાં કૃષ્ણ ભગવાન વધારે રૂપાળા. તડકામાં મોરનું પીંછું ઝળક ઝળક થાય. શિવજી તો ભૂંડા ભૂખ… ગળે નાગ વીંટાળીને ફરે — શ્વાસની અદૃશ્ય હવા અચાનક અવાજ ધરીને ગળામાંથી વહેવા લાગી. ઉનાળામાં નદીની પાતળી ધારા… કોઈક અંધારાનું આવરણ વીંટાવા લાગ્યું. ઝાંખું ઝાંખું યાદ આવવા માંડ્યું. માએ રોટલા ઘડ્યા હશે. થોડી વાર પછી પોતાને સાદ કરશે પણ હવે તો જરાય ભૂખ નથી. હવે તો બસ, ઊંડી ઊંડી ખીણમાં ખેંચાતા જવાનું. તે ભોંય પર લાંબો થઈને પડ્યો. નાનકી હોડી, છીછરા પાણીમાં ડૂબી જતી લાગી. આખું શરીર બહેરું બનતું જતું હતું. મન સાવ પોલું. ધુમ્મસના વાદળથી ભરેલું… તનિયો પાસે બેસીને એને જોર જોરથી હલાવવા લાગ્યો : ‘જીવલા, આંખ ઉઘાડી રાખ ને! જો હું તને વાર્તા કઉં.’ જીવાએ જવાબમાં ખાલી ધીમું ‘હં’ કહ્યું. પણ તનિયાને કોઈ બીજી વાર્તા જ યાદ ન આવી. એક રાજા હતો — તેણે કહ્યું. પછી? પછી રાજાને નાગ કરડ્યો. મણિવાળો નાગ. નાગને માથે મણિ હોય. નાગ શિકાર કરવા જાય ત્યારે મણિના અજવાળે બધું દેખે. તનિયો ગૂંચાવા લાગ્યો. કોઈ વાર્તા સાપ વિનાની યાદ આવતી નહોતી. બધી જ વાર્તામાં સાપ હતા. મદારી વાંસળી વગાડતો’તો ને સાપ ડોલતો’તો. કોક કહેતું હતું — સાપ ગાયના આંચળને વીંટળાય ને બધું દૂધ પી જાય! ના, બીજી કોઈ વાર્તા. પણ કોઈ વાર્તા યાદ આવતી નથી. જીવલાના બાપાની બે આંખો યાદ આવે છે. તેણે આજુબાજુમાં નજર ફેરવી. પતરા જેવું કાંઈ હોય તો પથ્થરથી અવાજ કરીને જાગતો રાખું. કંઈક ગાઉં – વગાડું. નાની છોકરીઓ ફળિયામાં સાથે મળીને ગાય : ‘છાણાં વીણવા ગ્યાં’તાં, મા વીંછુડો…’ ‘જીવલા! જીવલા!’ જીવલાનો અવાજ ઘોઘરો થવા લાગ્યો. લોચા વળતા અવાજે બોલ્યો : ‘મારી… મારી જીભ બહુ જાડી થઈ ગઈ છે, તનિયા!’ તેને કંઈક ઊંડે યાદ આવતું હતું. ઊંઘી જવાનું નથી, પણ ઊંઘ બઉ આવે છે… જગાય પણ નઈં ને ઊંઘાય પણ નઈં, તો શું થાય? બહુ જ દૂર કોઈક હસ્યું. આ તો પેલી હોડી જેવું. હોડી તરેય નઈં ને ડૂબેય નઈં, તો શું થાય? એનો સાસ ભારે થઈ જાય. પોતાનો સાસ ભારે થઈ રહ્યો હતો. તનિયા, તું ક્યાં છે? તેણે પૂછ્યું, ને તેના ગળામાંથી શબ્દો નીકળ્યા નહીં. કાંઈક અસ્પષ્ટ અવાજ નીકળ્યો. એ રહસ્યમય ગૂઢ ભાષાને કેવળ માથા પરનું મેઘમઢ્યું આકાશ સમજ્યું, બીજું કોઈ નહીં. મોંમાંથી લાળ પડવા માંડી. તનિયાને હવે કશું દેખાતું ન હતું. બસ, બધે જ સાપ હતા. જુદા જુદા રંગવાળા, જુદા જુદા નામવાળા સાપ ચારે તરફથી સુંવાળું સરકતા હતા, ફેણ માંડતા હતા, ફુત્કારતા હતા. તે કૂદકો મારીને ઊભો થઈ ગયો. હતું તેટલું જોર કરીને જીવાને ઢંઢોળ્યો. ને આઠ વરસનો એ દૂબળો-પાતળો નાનકડો છોકરો બોલ્યો : ‘ઠીક જીવલા, મારે ખભે બેસી જા તો — જોઉં, ચલાય તો!’ પણ જીવલો કશો જવાબ આપ્યા વિના સૂની આંખે તેના ભણી તાકી રહ્યો. તનિયો અત્યંત ડરી ગયો. કોઈક લાંબો કાળો બિહામણો ઓળો જીવાના શરીર પર સૂતેલો દેખાયો. તે જીવલાના મોં પર વાંકો વળ્યો. ‘જીવલા, જીવલા, આ શું કરે છે? કાંઈક બોલ ને!’ આખું શરીર જાણે સિમેન્ટનું બની ગયું. માત્ર ખુલ્લી આંખોમાંથી એક મૂંગી પીડા નીતરી રહી ને કશુંક કહી રહી. પણ તનિયો એ ભાષા સમજતો નહોતો. જીવલા પાસે બેસીને તે મોટેથી રડવા લાગ્યો. તેને રડવાની ના કહેવાનું જીવલાને મન થયું, પણ હવે તો ગળામાંથી માત્ર ઘ ર ર ર અવાજ જ નીકળી શકતો હતો. તનિયો રોતો રોતો બોલ્યો : ‘જીવલા, આટલી વાર ઊભો થઈને હાલ. પછી તને કોઈ દી નઈં કઉં. કોઈ દી આપણે છાણ વીણવા નઈં જઈં. વગડામાં નઈં જઈં. વગડામાં તો સાપ હોય જ ને!’ સાપ શબ્દ સાંભળતાં જ જીવલાની આંખમાં એક ચમક આવી. વીજળીના લિસોટાની જેમ એક સમજ ઝબકી ગઈ. આખો કોયડો ઊકલી ગયો. તેણે આંખ બંધ કરી. તનિયાનો અવાજ ફાટી ગયો. ‘જીવલા, આંખ ઉઘાડ ને, જીવલા!’ પણ જીવાએ પછી ફરી આંખ ઉઘાડી નહીં.
૧૯૭૪ (‘કાગળની હોડી’)