કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/તો?
સાંકડો, બંને બાજુ કાંટાળી ઝાડીવાળો રસ્તો છેડે પહોંચતાં મેદાનમાં વિસ્તરી જતો હતો. ત્યાં ઘણીબધી કામચલાઉ ઝૂંપડીઓ બાંધીને વસાહત ઊભી કરવામાં આવી હતી. એમાંની એક ઝૂંપડીના બારણા પાસે સુજાતા બેઠી હતી. ફિક્કું મોં, ઉદાસ, હંમેશાં પાણીથી ભરેલી આંખો અને ઓળ્યા વગરના લુખ્ખા, ઊડ્યા કરતા વાળ. ઊપસી આવેલા પેટ પર તેણે મેલી પડી ગયેલી સફેદ સાડી સરખી રીતે ઢાંકી હતી અને તેની આંખો ક્યાં મંડાઈ હતી તેની તેને પણ ખબર નહોતી. ફરી ફરી ફરી — એક હાહાકાર મનમાં ઊઠ્યા કરતો હતો. શું હતું ને શું થઈ ગયું? આ શું થઈ ગયું? એક ભયંકર ઉલ્કાપાત થઈ ગયો. કોઈયે ધરતીકંપ, રેલ, વાવાઝોડું કે દાવાનળ સર્જી શકે તેના કરતાં વધારે ભયાનક સંહારલીલા સર્જાઈ હતી. અને જીવન — બે-પાંચનું કે સો હજારનું નહીં, સમગ્ર જીવન પોતે જ રેતી ને રાખ બની ગયું હતું. હવે જે સામે હતું તે તો જીવનનું હાડપિંજર હતું — રક્તમાંસમજ્જા વગરનું, વસ્ત્રો ને અલંકાર વગરનું, વિચાર અને સ્વપ્ન વગરનું, દરેક પ્રકારની સમૃદ્ધિનો છેલ્લામાં છેલ્લો તાર જેના પરથી ઉતરડી લેવામાં આવ્યો હતો એવું જીવન! તેની નજર સામે જમણી તરફની ઝૂંપડી ભણી ગઈ. ઝૂંપડીનાં બારણાં ખુલ્લાં પડ્યાં હતાં ને છેક અંદર સુધી જોઈ શકાતું હતું. સામે ઈંટ ગોઠવીને બનાવેલા ઓટલા પર તેણે થોડાંક વાસણો જોયાં ને મનમાં કંઈક પરિચિત લાગ્યું. ચાલુ ઘાટનાં વાસણોથી જુદાં પડી આવતાં ખાસ ઘાટનાં એ વાસણો તો પોતાનાં લાગતાં હતાં. પોતાનાં વાસણો અહીં ક્યાંથી? તેને સહેજ કુતૂહલ થયું. ઊભી થઈને તે એ ઝૂંપડી તરફ ગઈ. અંદર કોઈ હતું નહીં. થોડાં ડગલાં આગળ ભરી તેણે વાસણ પર નામ જોયું. સુધીર દાસગુપ્ત… પોતાના પતિનું નામ! તો ખરે જ, આ વાસણો પોતાનાં હતાં. અહીં શી રીતે આવ્યાં? કદાચ લશ્કરે હુમલો કર્યો ને જે નાસભાગ મચી તે વખતે કોઈએ, ગામના જ કોઈ માણસે એ વાસણ લૂંટી લીધાં હશે. ધીમા ડગલે ને પાછી આવીને ઝૂંપડીના બારણામાં બેસી ગઈ. હજુ થોડા દિવસ પહેલાં જ તે આ વસાહતમાં આવી હતી. સામેની ઝૂંપડીમાં કોણ રહેતું હતું તેની તેને ખબર નહોતી. સૂરજ ડૂબવા લાગ્યો. એનું ઝાંખું, વાદળની ઝાંયથી મ્લાન બનેલું અજવાળું ઉદાસપણે છાવણીની ઝૂંપડીઓ પર ફેલાયું. સુજાતા એક અસહ્ય ભાર તળે કચડાઈ રહી. બીજા દેશમાં હતી ત્યારે અહીં પાછી આવવા તે તલસતી હતી. પણ પાછા આવ્યા પછી હવે તેને થતું હતું : પાછા આવવાનો શો અર્થ હતો? અહીં આવીને જીવતા રહેવાનો શો અર્થ હતો? અર્થ તો કદાચ ક્યારનોયે ભૂંસાઈ ગયો હતો. તોપણ આ આઠ મહિના તે જીવતી રહી હતી. અત્યાચારો, લૂંટફાટ ને નાસભાગ વચ્ચે. તેને પકડીને સૈનિકો લઈ ગયા… ને પછી તે એમની વચ્ચેથી કોઈક રીતે ભાગી છૂટી ત્યારેય… જીવન ધૂળમાં મળી ગયું એમ લાગેલું. પછી… દિવસો સુધી ખાવાપીવાનું મળ્યું નહોતું. ધડકતા હૃદયે, જોખમ અને ભયના ઝળૂંબતા ઓળા નીચે, દૂરથી સંભળાતા બંદૂક ને મશીનગન વછૂટવાના અવાજ વચ્ચે, લપાઈને છુપાઈને માઈલોના માઈલો તે ચાલી હતી, ભાનભૂલી થઈને ચાલી હતી અને તોયે જીવતી તો રહી હતી! અને પછી રેફ્યૂજી છાવણીમાં લાંબા લાંબા દિવસો… એ દરમ્યાન હજારો વાર તેને પ્રશ્ન થયેલો કે પોતે કોણ હતી? પોતાની આખી ઓળખ જાણે ગુમાઈ ગઈ હતી. પહેલી વાર લોકો લાંબી લાંબી કડછીથી તેને ભાત પીરસવા આવ્યા ત્યારે તે વિહ્વળ થઈને તેમને તાકી રહી હતી. તેને થયું, પોતે ગાંડી થઈ જશે. અરે, પોતાનું ઘર ક્યાં? પોતાનાં સ્વજનો ક્યાં? કડછીથી ભાત પીરસતા આ લોકોને ખબર છે કે પોતાને ત્યાં દહેરાદૂનના ઊંચા ચોખા રોજ વપરાતા અને મહિનામાં દસ વાર શાહી પુલાવ રંધાતા? પોતે કોણ? એક સંપન્ન પિતાની પુત્રી, એક પ્રતિષ્ઠિત શ્રીમંત માણસની પત્ની… આજે ભૂખી નજરે ભાતના તગારા સામે તાકી રહી છે. પોતાનું સ્વમાન, પોતાનું અભિમાન બધું શૂન્યમાં મળી ગયું. તેને થતું, ક્યાંક કશીક ભૂલ થઈ છે. આ જે છે તે પોતે નથી. આ બધો ભ્રમ છે. છાવણીમાં ગુજારેલા એ દિવસો દરમ્યાન વારંવાર થતું કે પોતે જો વતન પાછી જઈ શકે તો કદાચ આ ગુમાવેલી ઓળખ પાછી મળે, પગ નીચેની ભોંય પાછી મળે. પણ હવે તે પાછી આવી હતી ને તે વધારે ખોવાઈ ગઈ હતી. અંદર – બહાર એક ભયાનક શૂન્યતા વીંટળાઈ વળી હતી. પતિ ને બાળકો ગોળીથી વીંધાઈ ગયાં હતાં. ઘર લૂંટાઈ ગયું હતું. પોતાની પાસે કશું જ નહોતું. કોઈ વસ્તુ નહોતી, કોઈ સ્વજન નહોતું, કોઈ આશા નહોતી, કોઈ પ્રયોજન નહોતું. બધું જ રાખ થઈ ગયું હતું. પોતે જે વસ્તુઓ પર અભિમાન કરેલું — પતિ ઊંચા હોદ્દા પર હોવા બદલ ક્યારેક ગર્વ અનુભવેલો, ક્યારેક પોતાના સોહામણા ચહેરા માટે, ક્યારેક સમૂહમાં પોતાની સાડી સૌથી સુંદર હોવા બદલ, ક્યારેક મિત્રો વચ્ચે સ્માર્ટ કૉમેન્ટ કરતી વખતે… કેટકેટલી વાર કેટકેટલા પ્રકારનું અભિમાન અનુભવેલું! એક વાર તે કોઈક સમારંભમાં ગઈ હતી ને અચાનક જ કોઈએ તેની ઘણીબધી પ્રશંસા કરેલી. એ નાનકડા વર્તુલનું પોતે કેન્દ્ર બની ગઈ હતી. તે દિવસે ગર્વથી છાતી થોડી ફૂલી હતી… ભણતી હતી ત્યારે એક વાર પોતાનો નિબંધ શિક્ષકે વર્ગમાં વાંચેલો ને બધાંએ તાળીઓ પાડી હતી… બધાં અભિમાનો ધૂળ જેવાં તુચ્છ થઈને વિસ્મૃતિમાં મળી ગયાં. એક્કે અભિમાને તેને રક્ષણ કે શક્તિ આપ્યાં નહીં. એક્કે અભિમાન આ સર્વનાશની ક્રૂર ઘડીમાં કામ લાગ્યું નહીં… …સાંજના ઓસરતા અજવાળામાં એક નીચો માણસ ડાબી બાજુના માર્ગેથી આવતો દેખાયો. તે વિચારોમાં હતો ને સુજાતા ભણી તેની નજર નહોતી. સામેની ઝૂંપડીમાં તે પ્રવેશ્યો ને સુજાતાને તરત જ ખ્યાલ આવ્યો કે ભારતમાં નિર્વાસિત છાવણીમાં આ માણસને તેણે વારંવાર જોયેલો. એક વખત પોતે અડબડિયું ખાધું ત્યારે તે ઝડપથી હાથ દેવા દોડ્યો હતો અને ઝૂંપડી સુધી ટેકો દઈને લઈ ગયેલો. એનો ચહેરો પોતાને બરોબર યાદ હતો. પોતાનો ચહેરો શું એને યાદ નહીં હોય? અને તેને કહ્યું હોય કે આ વાસણ મારાં છે, તો શું એ પાછાં આપશે? પણ એની પાસે એ આવ્યાં ક્યાંથી? એનો અર્થ તો એ જ ને કે પોતાનું ઘર લૂંટાયું ત્યારે એ લૂંટનારાઓમાં આ પણ એક હતો! તે સહેજ ડોક લંબાવી સામેની ઝૂંપડી તરફ જોઈ રહી. પેલો માણસ કપડાં બદલીને બહાર આવીને બારણામાં ઊભો હતો. તેણે માત્ર લુંગી પહેરી હતી ને ઉપરનું શરીર ખુલ્લું હતું. હા, આ એ જ છે… અને સહેજ મથામણ કરતાં નામ પણ યાદ આવ્યું. તેનાથી એકદમ બોલી દેવાયું : ‘હુસેન!’ ક્યાંક દૂર જઈ રહેલા હુસેનની નજર તેના ભણી વળી. તે ભાવહીન નજરે તેની તરફ જોઈ રહ્યો. એ નજરમાં ઓળખ હતી કે નહોતી? આ નજર… આ નજર પરિચિત છે. હા, સુજાતાને એક ઝાટકા સાથે યાદ આવ્યું. લડાઈ થઈ તે પહેલાં તેણે વર્ષોનાં વર્ષો સુધી આ નજર ઝીલી છે. એ એક મુસ્લિમની એક હિંદુ પ્રત્યેની નજર હતી. ગુપ્ત વિદ્વેષ અને તુચ્છકારવાળી એ નજરથી તે આખી જિંદગી પરિચિત રહી છે. પણ આ હુસેન પેલા કૅમ્પમાં તો કેટલો જુદો હતો! પેલે દિવસે પોતે પડી ગઈ ને એણે હાથ દીધો, ત્યાર પછી તે જ્યારે પણ સામે મળે ત્યારે મૃદુલ હસતો, માયાથી ખબર પૂછતો. અને એક વાર તો તેને મળેલાં બિસ્કિટ તેણે સુજાતાને આપી દીધેલાં… હુસેનનું કયું સ્વરૂપ સાચું? તે કે આ? કે પછી માણસને સાચા સ્વરૂપ જેવું કાંઈ હોતું જ નથી અને તેનું દરેક સ્વરૂપ માત્ર પરિસ્થિતિનું પ્રતિબિંબ જ હોય છે? આટલા સમય સુધી… બહારથી આવી પડેલા અત્યાચારીઓ પ્રત્યેના ભય અને આક્રોશની લાગણીમાં હિંદુ - મુસ્લિમ સૌ એકસાથે થઈ ગયાં હતાં. સાથે તેઓ ઘરવખરી માથે લઈ કાદવભર્યા કાંટાળા માર્ગે આડેધડ ભાગ્યાં, પરદેશની નિર્વાસિત છાવણીમાં તેઓ જોડાજોડ રહ્યાં, જોડાજોડ તેમણે કષ્ટ-મુશ્કેલીઓ વેઠ્યાં, તેમના ચિત્કારો અને તેમના ઘાવની રક્તધારા એકમેકમાં ભળી ગયાં. ઘેર પાછા જવાની તીવ્ર ઝંખનામાં તેમનાં હૃદય સાથે ધબકતાં રહ્યાં અને એમાં તેમણે કેટલા એકત્વનો, સમીપતાનો, હેતમાયાનો અનુભવ કર્યો હતો! પણ હવે — હવે હુસેન મુસ્લિમ હતો ને પોતે ફરી હિંદુ બની ગઈ હતી. હવે હુસેન મજૂર વર્ગમાંનો હતો ને પોતે સુખી મધ્યમ વર્ગની હતી, જેનાં વાસણો લૂંટી લેવાનો તે પોતાનો અધિકાર માનતો હતો. તે લેફ્ટિસ્ટ હતો ને પોતે… પોતે શું હતી? સુખી મધ્યમ વર્ગ! તેણે હોઠ મરડ્યા. એકતાની આ લાખો લોકોએ અનુભવેલી લાગણી, તે કાંઈ સમગ્ર એકતા નહોતી. બે કે ત્રણ લાગણીના સમાન સઘન અનુભવમાંથી જન્મેલી તે આંશિક અને અસ્થાયી એકતા હતી. …પણ બધી દેખાતી એકતાઓ આંશિક જ નથી હોતી? પોતાનું ઘર… સુધીર… સુધીર સાથેની, દુનિયામાં જે તેનો સૌથી નિકટનો જણ ગણાય, તેની સાથેની એકતા પણ આવી થોડીક ઉપર ઉપરની લાગણીઓની જ સમાનતા નહોતી? બીજાંઓ સામે, બહારની દુનિયા સામે તેઓ એક બનીને રહેતાં હતાં, પણ એકબીજાની સંમુખ આવતાં સુધીર દૂર થઈ જતો. પોતાની અંદર લાગણીઓ અને વિચારોના જે મોટા મોટા ઉજ્જડ ને હરિયાળા વિસ્તારો હતા તેમાં પોતે એકલી જ ભ્રમણ કરતી હતી. પોતાની સાથે કોઈ જ — કોઈ જ નહોતું. આજે જુદી રીતે ફરી પોતે સાવ એકલી છે. ઘર કદાચ બચી ગયું છે. કાલે થોડા સરકારી માણસો આવેલા તે કહેતા હતા કે આગમાં બળવામાંથી જે ઘરો બચી ગયાં તેમાં તેનું ઘર પણ છે. પણ ઘરને ઘર બનાવે એવું તો કશું બચ્યું નથી. એક ક્રૂર પંજાએ, એક નહીં, લાખો ક્રૂર પંજાઓએ ઝીણામાં ઝીણી ચીજ પણ ઉસરડી લીધી છે. હૃદયના મર્મભાગ પર એના નહોરથી ઉઝરડા પડ્યા છે. શરીરનો, મનનો એક્કે હિસ્સો એવો નથી, જ્યાં એનાં ચચરતાં નિશાન ન હોય. બધું જ ઊથલપાથલ થઈ ગયું છે. સંદર્ભો વિનાની આ જિંદગીમાં પોતાને પોતાની ઓળખ રહી નથી… પેટમાં કંઈક ફરક્યું અને તે થરથરી ઊઠી. ઓળખ તો હતી. પોતાની અંદર… પોતે સ્ત્રી હોવાની ઓળખ ફરકતી હતી. સાતેક મહિના તો થયા હશે. પોતાના ઉદરમાં આ કોનું બીજ? પોતે ભદ્ર ઘરની મહિલા હતી. પતિ-બાળકો સાથે સલામત ઘરમાં સુખના દિવસો ગાળતી હતી — અથવા એમ કહેવાય, કે સુખના દિવસો ગાળતી હતી… ધડ… અવાજ સંભળાતાં તે ચમકી ગઈ. હુસેને એક સ્ત્રીને ધડ કરતો તમાચો જડી દીધો હતો. એ સ્ત્રી કદાચ તેની પત્ની હતી. આજુબાજુમાંથી લોકો એકઠાં થઈ ગયાં તે બારણામાંથી સહેજ અંદરની તરફ ખસી ગઈ. આ સ્ત્રી એની પત્ની હશે? કોણ હશે? શાથી એણે એને માર્યું હશે? કૅમ્પમાં તો તે સાથે કદી દેખાઈ નહોતી! છૂટાં પડી ગયાં હશે. આહ! એ છૂટાં હશે ત્યારે હુસેન એને માટે તરફડતો હશે, એને શોધી કાઢવા તલસતો હશે, એની ચિંતામાં દિવસરાત વ્યાકુળ રહેતો હશે, એ મળી જાય તો કાંઈ પણ આપી દેવા તૈયાર હશે — હવે તે મળી હતી… અને હુસેન કશું આપી દેવા તત્પર નહોતો. તે કદાચ બધું માગવાને તત્પર હતો. પોતાનો પતિ તરીકેનો અધિકાર… ફરી તેને થયું, શું સાચું હતું? આ રૂપ કે તે રૂપ? કદાચ બંને ખોટાં હતાં. કદાચ કોઈ ત્રીજી વસ્તુ જ સાચી હતી. તે શોધી કાઢવી જોઈએ. ઘડીક પહેલાં તેને થયું હતું : જીવવાનો કશો અર્થ નથી. ને હવે તેને થયું : આ શોધી કાઢવું, તે કદાચ જીવનનો અર્થ હોય. પોતાના જીવન - સંબંધમાં, પોતાના સ્વરૂપ સંબંધે સત્ય શું તે શોધી કાઢવું, તે જ કદાચ સૌથી મહત્ત્વનું હોય… — બસ, સુધીરને ને પોતાને અહીં જ વાંધો પડતો. અંધારું ઘટ્ટ થવા લાગ્યું. માણસો વેરાવા લાગ્યા. વ્યવસ્થાપકો આવીને આંટો મારી ગયા. ધીમે ધીમે સૂનકાર વ્યાપવા લાગ્યો. અવાજો આથમતા ગયા. માત્ર આકાશમાંથી તારાઓ ટીકી રહ્યા. આ તારાઓ ત્યારે પણ ટીકી રહ્યા હતા, જ્યારે પેલા નરપિશાચો બેફામ અત્યાચારો કરતા હતા. પણ તારાઓને કશું લાગતુંવળગતું નહોતું. તેઓ દૂર હતા — અને એટલે તટસ્થ હતા. દુનિયાના કરોડો લોકો કંઈ તારા જેટલા દૂર નહોતા. તેઓ તો નજીક હતા. પણ તેઓ તટસ્થ બની રહેલા. નજીકના એક દેશને બાદ કરતાં, આખી દુનિયાના લોકોએ આ મરણલીલા જોઈ, છાપાંમાં રોજેરોજ આ નિષ્ઠુરતાના સમાચાર વાંચ્યા ને પછી સહુ પોતપોતાના કામમાં લાગી ગયાં. વિચાર કરતી તે બેસી રહી. દૂર એટલે શું? ને નજીક એટલે શું? સુધીર… પોતાનો પતિ… તે દૂર હતો કે નજીક હતો? સાધારણ ભાષામાં કહેવાય છે તેમ, સુખી કુટુંબ હતું. પતિ સારા હોદ્દે હતો, ઘણું કમાતો હતો, મોટો સુઘડ ફ્લૅટ હતો, ગાડી હતી, બે તંદુરસ્ત હોશિયાર દીકરાઓ હતા, સમાજમાં પ્રતિષ્ઠા હતી… પણ સુખી થવા માટે આ સામગ્રી તો સાવ ઓછી હતી. આ તો માત્ર ‘આઉટલાઇન્સ’ હતી. એ બાહ્ય રેખાઓની વચ્ચે શા શા રંગો ભર્યા હતા? સુધીર સ્નેહાળ તો હતો. પોતે માંદી પડે તો કાળજી કરતો. દર મહિને પૈસા તેના હાથમાં મૂકી દેતો. સંસ્કારી કહેવાતું ઘર હતું. પુસ્તકો હતાં. બડે ગુલામઅલી અને સિદ્ધેશ્વરી દેવીની રેકર્ડ હતી. મિત્રો આવતા. વકીલો, ડૉક્ટરો, કવિઓ, ચિત્રકારો, બુદ્ધિજીવીઓ. રવીન્દ્રનાથની અતિ મધુર શૈલીએ બંગાળી ભાષાને સ્ત્રૈણ બનાવી દીધી છે કે નહીં, અને ગાંધીના સિદ્ધાંતોમાં સર્વકાલીન તત્ત્વો કયાં, તેની ચર્ચાઓ ઘરમાં ચાલતી. ગાડીમાં બંને ઘણી વાર દૂર ફરવા જતાં. ક્યારેક પોતે ડ્રાઇવ કરતી. દેખાવમાંયે બંને એકબીજાને શોભે તેવાં હતાં. રસ્તામાં ચાલ્યાં જતાં હોય તો લોકોને થતું, કેવું સુખી જોડું છે!… માત્ર તે જ જાણતી હતી કે ક્યાં ઘા વાગતો હતો, ક્યાં લોહી નીકળતું હતું, ક્યાં દુખતું હતું! સુધીર હેડસ્ટ્રૉન્ગ હતો, જોહુકમી ચલાવતો, પોતાનું ધાર્યું ન થાય ત્યારે ચિડાઈ જતો. ‘કપડાં અત્યારે લઈને સાંધવા બેઠી?’ ‘આ કબાટ આવી રીતે કેમ ગોઠવ્યો છે?’ ઝીણી ઝીણી બાબતમાં ટોકવાની ટેવ. બધી વાતે પોતાની જ સમજ સાચી તેવો આગ્રહ. મિત્રો વચ્ચેની ચર્ચામાં તે ઘણી વાર કહી દેતો : ‘તું શું સમજે આ વાતમાં?’ આમ તો તે સુજાતાની રસોઈનાં વખાણ કરતો, તેની પસંદગીનાં સૂટ - ટાઈ પહેરતો… પણ સુજાતાના બૌદ્ધિક વ્યક્તિત્વનો તે કદી સ્વીકાર ન કરતો. તે ઘણું આપતો, પણ તેના દરેક સારા કૃત્યની આડશમાં તેની એક નબળાઈ પસાર થઈ જતી. જાણે તે એક હાથે આપતો ને બીજા હાથે લઈ લેતો. સુખ આપતો ને સાથે ક્યાંક ડંખ દઈ દેતો. સુજાતાને બધી બાબતો વિશે ઊંડાણથી વિચાર કરવો ગમતો. કોઈ પણ વસ્તુના મર્મ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો તેનો સ્વભાવ હતો. પણ તે કોઈ વિચારતંતુને આગળ લંબાવે કે સુધીર તુચ્છકારી કાઢીને બોલતો : ‘મૂકને એ માથાકૂટ! જ્યારે ને ત્યારે તું તત્ત્વનું ટૂંપણું લઈને બેસે છે! ચાલ તૈયાર થઈ જા, આજે ‘મૂડી’ અને આઇસક્રીમ ખાવા જઈએ.’ મિત્રો સાથે જાત જાતના વિષયો પર ચર્ચા કરતો સુધીર પોતાના જીવન વિશે કશું વિચારવા તૈયાર નહોતો તે જોઈ સુજાતાને ક્યાંક જખમ થતો. તો શું તેની બૌદ્ધિકતા કેવળ મનોરંજન માટે જ હતી? કદાચ તેને એમ હતું કે આ બધું આમનું આમ રહેશે. જીવનમાં ઊંડે ઊતરી વિચાર કરવો પડે એવી સ્થિતિ ક્યારેય આવશે નહીં. બધું ટેઇકન ફૉર ગ્રાન્ટેડ… બધું જાણે યાવચ્ચંદ્રદિવાકરૌ ટકી રહેશે… સુધીરથી પોતે હંમેશાં દબાયેલી રહેતી. ઘણી વાર થતું — જિંદગી વધારે સરસ બની શકી હોત. વધારે પલ્લવિત, વધારે કૃતાર્થ. પોતાનાં વધારે પાસાં ઝગમગ્યાં હોત. પણ સુધીર માટે સરસતાની સીમા આવી ગઈ હતી. સુજાતાની વ્યથા તેણે કદી જાણી નહોતી. તેથી સ્તો, તેની સાથે ક્યારેય સંપૂર્ણ નિકટતા લાગી નહોતી. જીવનમાં કંઈક વ્યર્થતાની, નિષ્પ્રયોજનતાની લાગણી સદૈવ રહેતી. અને છોકરાઓ… બે મીઠા, તંદુરસ્ત, સ્માર્ટ દીકરાઓ, તેમની રમતમાં ખોવાયેલા… તેઓ દોડતા ઘરમાં આવતા, મા સામે મનમોહક હાસ્ય વેરતા અને બૅટ - દડો લઈને ચાલ્યા જતા. મા એકલી રહી જતી. કોઈકના સાન્નિધ્ય માટે ઝંખતી. વાતો ન કરે તો ચાલે. ચૂપચાપ કોઈ પાસે બેસે, હૃદયને અડીને રહે! એકાદ છોકરી જો પોતાને હોત! કુમળી કુમળી. જેના મોં સામે જોતાં ભાવથી ઓગળી જવાય એવી છોકરી જો હોત! નમણી ભોળી આંખોવાળી… માના ગળા ફરતા હાથ વીંટીને પડી રહે. કશું બોલે નહીં તોયે કેટલું અઢળક સુખ લાગે! પણ છોકરી નહોતી. થવાની સંભાવનાયે નહોતી. પોતે લગભગ તેને માટે ઝૂરતી. પણ સુધીર કહેતો : બે છોકરાઓ છે, બસ છે. ઘણી વાર તે હસતો : છોકરી નથી તે સારું છે. પરણાવવાની ચિંતા… દાયજાની ચિંતા… સુજાતાને મનમાં ઘાવ થતો. દીકરીનો બાપને મન આટલો જ અર્થ? કોમળતાનું એક ઝાંઝર ઘરમાં મીઠો ઝણકાર વેર્યા કરે, પોતાના હોવાની સમૃદ્ધિથી બધું સભર બનાવી દે — એનું કશું મૂલ્ય નહીં? પણ સુધીર સાથે દલીલ કરવામાં કશી મઝા નહીં. સુધીરનું સૂત્ર હતું : ‘મારી વાત સ્વીકારી લો અને સુખથી જીવો’… બુદ્ધિનો, જીવનના બહુ મોટા ભાગનો ઇનકાર કરીને જીવવાની, સુખની શરત હતી, ને પોતે તે સ્વીકારી હતી. તેથી જ, ઉપરના અખંડિત ઘરની સપાટી હેઠળ બધું જાણે વેરણછેરણ થયે જતું હોય એમ લાગતું. આ ઘર — જે તેના આશ્રયરૂપ હતું, તેમાંથી ધીરે ધીરે નિરાંત ચાલી જવા લાગી હતી. તે અ – ઘર બની રહ્યું હતું. પોતે અ - માનવી બનવા લાગી હતી. અરે, આજે પોતે જે સ્થિતિએ છે, તેની એક ઝીણા કણ જેવી શરૂઆત તો ક્યારનીયે થઈ ગઈ હતી. જીવનની અંદર અસત્યો પ્રવેશતાં ગયાં. દરેક વસ્તુનું ‘ડિગ્રેડેશન’ થયું હતું. કોઈ વસ્તુનો મૂળ અર્થ, મૂળ ગરિમા રહ્યાં નહોતાં. સૌંદર્ય-દૃષ્ટિનો અર્થ થતો હતો વસ્તુઓની ખરીદી, ઘરનો અર્થ થતો હતો આત્મપ્રદર્શનનું સ્થળ. પતિ એ પ્રતિષ્ઠા અને સલામતીનો પર્યાય હતો, અને છોકરાઓ પોતાના ‘ઇગો’નું ‘એક્સ્ટેન્શન’. ‘મારો તરલ ગણિતમાં સોમાંથી સો માર્ક્સ લઈ આવ્યો.’ કહેતાં અભિમાનથી આંખ ચમકતી. ઘરની સજાવટ કરતાં મનમાં થયા કરતું — મિત્રો આવીને જુએ અને પ્રશંસા કરે! કોઈ વાર કોઈએ આવીને રંગમિલાવટ તરફ ધ્યાન આપ્યું નહીં, મૂર્તિ જોઈને પૂછ્યું નહીં કે ક્યાંથી, કેટલાની લાવ્યા, તો ક્યાંક કશુંક વ્યર્થ બની જતું. મનમાં થતું, આનામાં સુંદરતા જોવા માટે આંખ નથી! વિચારો, લાગણીઓ, ભાવોથી દૂર તે કેવળ વસ્તુઓમાં સરી રહી હતી. પ્રેમ નહોતો એમ નહીં, પણ તેનો અર્થ હતો માલિકી, અધિકાર, આત્મતૃપ્તિનું માધ્યમ. માત્ર એક સ્થળે આશા હતી કે પ્રેમ કદાચ તેના શુદ્ધ ને સત્ય સ્વરૂપે મળી આવે… પોતાને જો દીકરી જન્મે તો. તો પોતે તેને સંપૂર્ણ હૃદયથી ચાહી શકશે. પોતાના શોખ અને હોંશ ખાતર તેને નહીં સજાવે. બીજા પાસે અભિમાન લેવા તેની સુંદરતા અને હોશિયારીને આગળ નહીં કરે. પોતે તેને માત્ર ચાહશે. જેવી હશે તેવી… તેનું કુમળું મોં મોં સાથે ચાંપીને પડી રહેશે. મારી લાડલી! મારી બાળ! તું સંપૂર્ણ સ્વતંત્ર. મારે ખાતર હું તારી પાસે કશું નહીં કરાવડાવું. પતિના સંબંધમાં જે નિઃશેષ આત્મનિવેદન ન થઈ શક્યું, જે ચરમ કૃતાર્થતા પામી ન શકાઈ, તે આ સંબંધમાં પામી શકાશે તેમ લાગતું હતું. અરે હાય, એક નાનકડી કન્યા માટેની કેવડી મોટી ઝંખના મનમાં લઈને તે આટલાં વર્ષ ફરી હતી! જીવનની સત્યતા ફરી પામવાનું એ એક સંભાવનામાં શક્ય લાગતું હતું. …પણ આજે તે સર્વહારા થઈને એક અકલ્પ્ય પરિસ્થિતિમાં અજાણ્યા લોકો વચ્ચે એક ઝૂંપડીમાં બેઠી છે. શું કરવું તેની સૂઝ પડતી નથી. … સોપો પડી ગયો હતો. બધા લોકો ઊંઘી ગયા હશે. જીવનનું સઘળું ખોઈ બેઠેલા આ લોકો… રિપૉર્ટરોએ તેમની કથાઓ છાપી હતી અને ફિલ્મવાળાઓએ તેમની ફિલ્મો ઉતારી હતી. જોનારાઓએ નિશ્વાસ નાખ્યા હતા. કોઈએ આંખ લૂછી હશે. પણ તેથી એમની કોઈ પીડા ઓછી થઈ નહોતી. તેમના લોહીનીગળતા ઘાવ તો તેમને જ સહેવાના હતા. તેમને જ તેમનાં વહાલાં સ્વજનો બંદૂકની ગોળીથી વીંધાઈને, સંગીનોથી છેદાઈને, તલવારોથી સુધ્ધાં કપાઈને, લોહશય્યામાં પોઢી ગયાં હતાં, અને જીવનની કારમી રિક્તતા, આ સર્વગ્રાહી અભાવ તેમણે — માત્ર તેમણે જ સહેવાનો હતો. પોતાની વ્યથા પણ પોતે જ સહેવાની છે. એકલાં… એકલાં… રાતે બારણાં બંધ રાખીને સૂઈ જવાનો આદેશ હતો, પણ તેને અતિશય ગૂંગળામણ થવા લાગી. તેણે હળવેથી બારણાં ઉઘાડ્યાં ને ઓળાની જેમ તે બહાર નીકળી. ચંદ્રના આછા અજવાળામાં તેણે અત્યંત આશ્ચર્યથી જોયું : સામેની ઝૂંપડીની બહાર એક સ્ત્રી લગભગ ગૂંચળું વળીને પડી હતી. ધીમું, માંડ સાંભળી શકાય તેવું રુદન તે કરતી હતી. સુજાતા ક્ષણવાર જોઈ રહી અને પછી તેણે ધીમે પગલે તેની નજીક જઈ ખભા પર આંગળી અડાડી. છળી ગઈ હોય એમ તે સ્ત્રી ઝડપથી બેઠી થઈ ગઈ ને તેણે નજર ઊંચકી. સુજાતાને જોતાવેંત તે એને વળગી પડી ને દબાવેલા રુદનથી તેનું આખું શરીર કંપી રહ્યું. ‘શું છે?’ ગુસપુસ અવાજે સુજાતાએ પૂછ્યું. પેલી કશું ન બોલતાં તેને વધુ જોરથી વળગી. સુજાતાએ તેને ઊભી કરી અને તેને ચલાવીને તે પોતાની ઝૂંપડીમાં લઈ આવી. બારણું બંધ કરી તેણે નાનકડી હવાબારી ઉઘાડી. ચંદ્રનો મંદ પ્રકાશ અંદર આવી પેલી સ્ત્રીના મોં પર પડ્યો અને સુજાતાને ખ્યાલ આવ્યો કે આ તે જ સ્ત્રી છે, જેને સાંજે હુસેને માર્યું હતું. ‘શું થયું?’ તેણે સહાનુભૂતિથી પૂછ્યું. સ્ત્રીએ એની સામે અસહાય રીતે જોયું અને પછી તૂટ્યાફૂટ્યા અવાજે કહ્યું : ‘મને રાખવાની ના પાડે છે.’ ‘તારો પતિ છે?’ સ્ત્રીએ હકારમાં ડોકું હલાવ્યું. ‘કેમ ના પાડે છે?’ સ્ત્રીએ પોતાના પેટ તરફ આંગળી ચીંધી. સુજાતાએ બે હાથ વડે પોતાનું માથું પકડી લીધું. હા, પ્રશ્નની આ પણ એક મહત્ત્વની બાજુ હતી અને હજી પોતે એ વિચારવાની બાકી હતી. થોડી વાર તે ચૂપચાપ બેસી રહી. પછી બોલી : ‘એમાં તારો શો વાંક?’ અને સહસા તેને ખ્યાલ આવ્યો કે આ એક એવી બાબત હતી, જેમાં સાંગોપાંગ ગુનો કોઈએ કર્યો હતો અને તેની સઘળી સજા બીજાને થતી હતી, કલંક બીજાને લાગતું હતું, સજાનું નિશાન સદૈવ રહેતું હતું. ‘હું ભ્રષ્ટ થઈ ગઈ ને…’ પેલી સ્ત્રી સ્વગત બોલતી હોય તેમ બોલી. સુજાતાના સમગ્ર મન - પ્રાણ - બુદ્ધિ હલી ગયાં. તેનું હૃદય આક્રોશ કરી ઊઠ્યું. ના, ના, ના, તું ભ્રષ્ટ નથી. ભ્રષ્ટતાનું કારણ તો મનમાં રહેલું હોય છે. તારું મન ભ્રષ્ટ નથી. શરીર પણ નહીં. મારી જેમ તું પણ માત્ર અત્યાચારોનો ભોગ થઈ પડી છે. ભ્રષ્ટ તો એ લોકો છે, જેમણે અત્યાચાર કર્યો છે. એક શિકારીની ગોળી હરણને વીંધે તેથી હરણ કાંઈ ભ્રષ્ટ બની જતું નથી. તેને વિચાર આવ્યો : સુધીર… સુધીર… હોત, તો તેણે પોતાને સ્વીકારી હોત કે તરછોડી હોત? તરછોડી હોત તો શું પોતે સામે દલીલ કરી શકી હોત? અને કરી હોત તો તેણે કહ્યું હોત : એ તાત્ત્વિક માથાકૂટ છોડ… પોતાની અંદર તેણે એક રોષ પ્રસરતો અનુભવ્યો. પોતાના ઉદરની અંદર એક પ્રશ્ન હતો… પણ એ પોતાની લજ્જા નહોતી જ, નહોતી જ, કારણ કે એનું કર્તૃત્વ પોતાનું નહોતું. પણ સુધીર તો નથી. પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે, ને આ સ્ત્રીનો પતિ જીવતો છે, જેને ફરી મળવાની આશામાં તેણે આટલા દિવસો કાઢ્યા હતા, તે તેનો પતિ જીવતો તો છે, પણ તેમ છતાંયે તે પોતાના જેવી જ એકલી ને નિરાધાર છે. તેનો રોષ શમી ગયો. દ્રવી જતા હૃદયે તેણે સ્ત્રીના ખભા પર હાથ મૂક્યો ને સ્નેહપૂર્વક કહ્યું : ‘ચિંતા કરીશ નહીં. હું — આપણે સાથે છીએ…’ તેને થયું : આવી તો લાખો સ્ત્રીઓ હશે… જેમને પોતે ન કરેલા ગુનાની સજા ભોગવવી પડશે. — હું એ માટે લડીશ. જે કોઈ લોકો, જે સમાજ પોતાને ને પોતાના જેવી સ્ત્રીઓને ભ્રષ્ટ માનશે તેની સામે હું લડીશ… અચાનક જાણે જીવવા માટેનો એક ઉદ્દેશ હાથ આવ્યો. આટલાં વર્ષો સાવ નિરર્થક વીત્યાં હતાં, હવે જિંદગીનો એક અર્થ મળ્યો… ઊંડી અનુકંપાથી તેણે સ્ત્રીને કહ્યું : ‘ચિંતા કરીશ નહીં.’ તેણે પેટ તરફ આંગળી ચીંધી : ‘આનો નિકાલ થઈ શકશે. હજુ મોડું નથી થયું.’ કેવળ સ્ત્રી જ પૂછી શકે એવી રીતે, એવો પ્રશ્ન પેલી સ્ત્રીએ પૂછ્યો : ‘અને તમે — તમે પણ શું એનો નિકાલ કરશો?’ સાત કે આઠ મહિના થયા હશે… હવે તો કાંઈ કરાવવું તે જોખમ કહેવાય. પોતે શું કરશે? ગળે ટૂંપો દેશે? એ અધમ રાક્ષસોના અત્યાચારની નિશાનીને તે ઘસીભૂંસી નાખશે? સહસા તેને થયું : પણ એ છોકરી હશે તો? પોતે સદાય જેની ઝંખના કરી હતી તેવી, કુમળી-કુમળી, ભોળી આંખોવાળી એ છોકરી હશે તો? — અને એનું મોં કોઈ અજાણ્યા માણસ જેવું હશે, એના વાનમાં પંજાબના ઊજળા રંગની ઝાંય હશે… તો?
૧૯૭૨ (‘કાગળની હોડી’), (બાંગ્લાદેશના યુદ્ધ વખતે)