કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/ઝરણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. ઝરણું

એક ઝરણું છે. ક્યાં છે અને શા માટે છે, એ જાણવાની કોઈ જરૂર નથી. જેમ હું છું ને તમે છો, લોપા છે, તેમ એક ઝરણું છે. એક વહેતું, ઘૂઘવતું ઝરણું. બાપુ સાથે એક વાર જંગલમાં ગયો ત્યારે એ મને મળી આવેલું. બાપુ ફૉરેસ્ટ ઑફિસર સાથે વાતો કરતા ઊભા હતા ને મારે કાને એક અવાજ પડ્યો — એક પાતળો અવાજ, જે મારા કાનમાં પ્રવેશી પહોળો ને પહોળો થતો ગયો ને છેવટ છેક પગથી માથા સુધી પ્રસરી ગયો. મેં કહ્યું : ‘બાપુ, હું હમણાં આવ્યો.’ હું દોડતો અવાજની દિશામાં ગયો. ત્યાં જઈને જોયું તો એક ઝરણું. ઉગમણેથી વહી આવતું, આથમણે વહી જતું, એક બહુ જ નમણા અવાજવાળું ઝરણું. મારું હૃદય ધડ ધડ થઈ ઊઠ્યું. મનમાં થયું — આ મારી શોધ છે, મારી સંપત્તિ છે. એને જોતાંવેંત જાણે એના પ્રેમમાં પડી ગયો. ક્યાંય સુધી એને કાંઠે ઊભા રહ્યા પછી બાપુ પાસે આવ્યો, ત્યારે બાપુ મારી સામે હળવું હસ્યા, પણ મેં એમને કશું કહ્યું નહીં. મને થયું : કોઈને નહીં કહું, કોઈને નહીં બતાવું. એનો અવાજ હું એકલો જ સાંભળીશ. એના વહેણને હું એકલો જ જોઈશ. પણ એક દિવસ મેં લોપાને કહી જ દીધું. એ મારા પડોશમાં રહેતી હતી ને મારાથી નાની હતી. હું તેર વર્ષનો ને એ દસ વર્ષની. એ છોકરી જરા મૂરખ હતી ને હંમેશાં રંગની વાત કરતી. અચાનક એક દિવસ મેં એને કહી દીધું : ‘લોપા, મેં એક સરસ ઝરણું જોયું છે.’ એ તરત બોલી પડી : ‘કેવા રંગનું છે?’ ‘તારા મોં જેવા…’ મેં નારાજ થઈને કહ્યું. મૂરખ નહીં તો! ઝરણાને શું રંગ હોતો હશે? પણ બીજે દિવસે અમે સાથે ત્યાં ગયા ને એણે મને બતાવ્યું ત્યારે મેં જોયું કે ઝરણાને સાચે જ રંગ હતો. સોનેરી ઝળકતો રંગ. લોપા એને જોઈને ખુશ થઈને ઊભી રહી ને ઘડીક વારમાં એનો રંગ સોનામિશ્રિત કેસરિયો થઈ ગયો. લોપા જરા ગંભીર થઈને બોલી : ‘હમણાં આવો રંગ છે, પણ બપોરે પાછો રૂપેરી થઈ જશે. આ તો રંગ બદલનારું ઝરણું છે.’ પછી તો હું ને લોપા ઘણી વાર છાનામાનાં ત્યાં ચાલ્યાં જતાં ને એનો ઘુઘવાટ સાંભળતાં. ઉત્સુકતાથી ધસી આવતું પાણી નીચે પડતાં નિર્ભ્રાન્ત થઈને સહસ્ર શીકરો વિખેરતું જતું, પણ શિયાળામાં તેની ધાર ધીમી થઈ જતી. થથરતી સવારોએ તે હૂંફાળાં ગીત ગાતું ને દૂર દેશથી ઊડી આવેલાં પંખીઓને બોલાવતું. એનાં પાણી સફેદ થઈ જતાં ને ચમકતાં સૂર્યકિરણોના પાતળા તાર પર જાણે ઝૂલતાં. હજુ કાલે જ જન્મ થયો હોય એમ એ વિસ્મિત થઈને દુનિયાને જોતું, એક એક વળાંક પાસે રોકાતું, એક એક પથ્થર સાથે વાતો કરતું, નાના નાના દરેક કાંકરાને વીંટળાઈ વળીને પોતાના મંજુલ ધ્વનિની ખાતરી કરી લેતું. પછી ઉનાળો આવતો ને એની ધાર બહુ જ પાતળી થઈ જતી. એના પથ્થરો નિરાવરણ થઈ જતા ને રાતે એમના પર ચાંદનીનો ધોધ વરસી પડતો. વહેતાં વહેતાં કોઈક નાના ખાડામાં એ સ્થિર થઈ જતું ને ધરતીની આંખ બની નીલ આકાશને નિહાળ્યા કરતું. પછી ચોમાસું આવતું. એનો ઘુઘવાટ વાદળની ગર્જનાના અવાજને વીંધીને અમારી પાસે પહોંચી જતો. તે વખતે લાગતું, જાણે એ બોલાવ્યા કરે છે : આવ, આવ… મેલા પાણીની પછડાટોથી પથરાઓ ડોલી જતા. કોઈ વિરહિણી ચિરકાળથી જાણે કહેતી : આવા, આવ, આવ! પથારીમાં સૂતાં સૂતાં મન પૂછ્યા કરતું : ક્યાં? ક્યાં રે? લોપા ઘણી વાર મૂરખ જેવી થઈને પૂછતી : ‘ઝરણું શું કરે છે?’ હું કહેતો : ‘વહી જાય છે.’ ‘તો એ ખાલી કેમ નથી થઈ જતું?’ હું ગુસ્સે થતો, કારણ કે મને જવાબ જડતો નહીં. કોઈક વાર એ પૂછતી : ‘ઠીક દીપ, આ ઝરણું કઈ ખાલી જગ્યાને ભરવા માટે રોજ દોડી જાય છે?’ ‘મારા હૃદયની…’ હું બબડતો. પણ હૃદય એટલે શું, તે લોપા સમજે તેમ નહોતી. ઝરણું કંઈ અમારી સંપત્તિ નહોતું, તોય અમે એનું નામ સંતાડ્યા કરતાં. સાંજે હું ઘેર મોડો આવું ને મા પૂછે : ‘ક્યાં ગયો હતો?’ તો હું કહેતો દાઉદને ઘેર… અથવા કહેતો : મગનના આંબાવાડિયામાં. ક્યારેક કહેતો, નદીપાર સ્મશાન છે, ત્યાં. પણ ‘ઝરણા પર’ એમ તો હું કદી કહેતો નહીં. જાણે એ મારી અણદીઠ પ્રિયાનું નામ હોય, જેને લોકઆંખોએ હજુ જોઈ નથી, જેનો ઘૂંઘટ હજુ ખૂલ્યો નથી, જેનાં નેણનાં પોપચાં હજુ ઊંચકાયાં નથી. એનો અવાજ મને આખો દિવસ સંભળાયા કરતો. ઘણી વાર કોમળ ઝાંઝર જેવો, ઘણી વાર ગરજતા વાદળ જેવો. ક્યારેક સાવ નાનો, કૃશ, અસહાય; ક્યારેક પહોળો, ઊંચો, પ્રચંડ. ઘણી વાર એ અવાજ મને ગરમીમાં પીગળી ગયેલો લાગતો ને ક્યારેક એની ઠંડી છાલક મારા કાનને ભીંજવી દેતી. ચોમાસું વીતી જાય પછી એનું પાણી સ્વચ્છ થઈ જાય ને એમાં જાંબલી સાંજની છાયા પડે ત્યારે એમ લાગતું, જાણે અવાજ એમાં સૂઈ ગયો છે. આકાશમાં, ઊંચા ઝાડની ઊંચેરી ડાળીઓ પર, કાંઠે ઊગેલાં જંગલી ફૂલોની પીળી મખમલી પાંદડી પર સચવાયેલા જલબુંદમાં એ અવાજ જાણે સૂઈ જતો, ને પછી સહસા જાગી ઊઠતો, પાણી પર તરવા લાગતો, નૌકા બનીને વહેતો. એક પછી એક, અવાજની નૌકાઓ ઝરણાની ધાર પરથી પસાર થઈ જતી. રાતે ઘણી વાર એમ લાગતું, જાણે ઝરણું ડૂબી ગયું છે ને એના અવાજમાં અંધારું ઓગળી ગયું છે. આખું અંધારું પાણી બની જતું ને એના નિદ્રિત આકાશમાં અવાજના તારા ટમટમતા. એનો રંગ પણ લોપાએ કહેલું તેમ બદલાયા કરતો. શિયાળામાં એ સફેદ બની જતું ને એની ધારે નીલી ઝાંય ડોકાતી. ઉનાળામાં કાંઠે ખીલેલાં પીળાં, વાસંતી, કેસરિયા ને શ્યામ ગુલાબી ફૂલોના રંગ એમાં નાહવા પડતા ને પાણી સાત રંગે હસતું. ચોમાસામાં તે ધરતીનો રંગ ધારણ કરતું, પણ શરદઋતુ આવે ત્યારે ક્યારેક તે પોતાના અવાજને ભૂખરા રંગની બિછાતમાં પોઢાડી દેતું. લોપા કહેતી : આજે ઝરણાનો અવાજ ખોવાઈ ગયો છે. પણ મને તો તોયે એ સંભળાતો જ. ને મને હંમેશ થતું, ઝરણું ચિરકાળથી આવે છે ને ચિરકાળ રહેશે. હું નહોતો ત્યારેય એનો અવાજ હતો, હું નહીં હોઉં ત્યારેય એ હશે… ધરતીમાંથી પ્રગટી આકાશ સુધી પહોંચતો અવાજ, ક્યારેક, જે પથ્થરના સંઘાતથી એનો જન્મ થયો, એ પથ્થરના જ ગર્ભમાં ડૂબી જતો અવાજ… ઘણી વાર સવારે ઊઠતાંવેંત એની યાદ આવતી. એની ધવલ ધાર ગાયા કરતી : આવ, આવ, આવ! માને હું કહેતો : ‘બાવળની તાજી ડાળ કાપી લાવું મા, તારે માટે?’ ને એનો જવાબ સાંભળવા રોકાયા વિના ઝટપટ હું ખુલ્લાં બારણાંમાંથી બહાર દોટ મૂકતો, એક છાની કેડી પરથી ઝરણા પર પહોંચી જતો. મનમાં ડર લાગતો — મોડો પડીશ ને એ ક્યાંક ત્યાંથી ચાલ્યું તો નહીં જાય ને! પણ હું ત્યાં પહોંચતો ત્યારે જાસૂદી રંગનું હાસ્ય હસતું એ ત્યાં જ દેખાતું. પણ મને થતું, ચોક્કસ, જે ધારે મને આખી રાત ઊંઘમાં બોલાવ્યો એ ધાર તો વહી ગઈ છે. આ તો તેના પછીની કેટલાય સોમી ધાર છે. ને ત્યાં તો તે કહેતું આવ, આવ, આવ! હું ભાનભૂલ્યો થઈને સાંભળી રહેતો. તો શું આ સોમી, હજારની ધાર પણ પહેલી ધારના જેવી જ છે? એ વહી જાય છે કે અહીં જ રહે છે? પહેલી ધાર અને સો દિવસ પછી આવનારી ધાર વચ્ચે શો સંબંધ છે? એ બંનેને જોડનારી વચ્ચેની લક્ષધારાઓ એકનો કયો સંદેશ બીજીને આપે છે? મારા જીવનનો પહેલો દિવસ ને આજનો દિવસ… એ બેની વચ્ચે આથમી ગયેલા હજારો દિવસોએ આ બે છેડાને કઈ ધાર વડે જોડ્યા છે? ઝરણાને જોઈને આનંદ કેમ ઊભરાય છે? ચિર ગતિમય હે જીવનદેવતા, તું, જે સમગ્ર વિશ્વજીવનના સાતત્યનું સાક્ષી છે, તું શું મને સદા વહેતા રહેવાનો માર્ગ બતાવશે? પહાડનાં છિદ્રોમાંથી નિરંતર ટપક્યા કરતો તારો આ આનંદ કઈ ગંગોત્રીમાંથી જન્મ્યો છે એ શું તું મને બતાવશે? પેલે કાંઠે લોપા, ને આ કાંઠે હું, વચ્ચે પાંચ ફૂટ પહોળું ઝરણું. લોપાનેય હું નામ ન દેતો. માત્ર એટલું જ કહેતો : ‘ત્યાં જઈશું?’ ક્યાં? એમ એ પૂછે, પણ મારી આંખ સામે જોતાં એની આંખ નમી પડે. જાણે મારી આંખ પોતે જ એક ઝરણું હોય અને ચિરકાળથી એ એને કહેતું હોય : આવ, આવ, આવ! એક વાર લોપાએ પૂછેલું : ‘દીપ, આ કોને બોલાવે છે?’ મેં કહ્યું : ‘મને.’ એણે લાડથી કહ્યું : ‘મને નહીં?’ હું મસ્તીમાં હતો. મેં કહ્યું : ‘હું પોતે જ સૃષ્ટિ છું, હું પોતે જ સમસ્ત દેશ છું ને સમસ્ત કાળ છું. એ મને બોલાવે છે, એટલે કે સકળ વિશ્વને બોલાવે છે, એના અનાદિ અનંત યુગોને બોલાવે છે, એના અસીમ અજ્ઞાત વિસ્તારોને બોલાવે છે.’ લોપા બોલી : ‘તું તો મૂર્ખ છે, તું ચોપડીઓના શબ્દો બોલે છે.’ મેં કહ્યું : ‘તું મહામૂર્ખ છે, ચોપડીના શબ્દો ચોપડીમાં રહેવા દે છે, હું એને એમાંથી ઊંચકી આસપાસની વસ્તુઓને આપી દઉં છું. પછી એ વસ્તુઓ એ શબ્દ વડે મારી સાથે ખાનગી વાતો કરે છે. પણ તને એ વાતો કદી નહીં સંભળાય.’ લોપા કહે છે : મારા કાન ખોલી આપ. હું સાંભળીશ. હું કહું છું — ઝરણાનું પાણી કાનમાં ભરી દે, કાન ખૂલી જશે. લોપા ગુસ્સે થઈને હાથ ઉગામે છે, હું દૂર સરીને અંગૂઠો બતાવું છું. ને ઝરણું કહે છે : આવ, આવ, આવ!

*

અમે મોટાં થવા લાગ્યાં. ફુગ્ગો વધુ ને વધુ ફૂલવા લાગ્યો ને આકાશમાં ઊંચે ચડ્યો. પુસ્તકોના ઢગલા મોટા થતા ગયા ને વાતો વિસ્તરતી ગઈ. ને પછી પૂનાની મેડિકલ કૉલેજમાં ભણવા જવાની ઘડી આવી. લોપાને કહ્યું : ‘હું તો પૂના જાઉં છું. તુંયે ક્યાંક જશે, પણ એક વચન આપ. આપણે જ્યાં હોઈએ ત્યાંથી, પંદર વર્ષ પછી અહીં આવીશું, આ ઝરણાને કાંઠે મળીશું. જ્યાં હોઈએ, જે સ્થિતિમાં હોઈએ, તેવી સ્થિતિમાં આવીશું.’ લોપાએ કહ્યું : ‘મરી નહીં ગયાં હોઈએ તો…’ મેં કહ્યું : ‘તું લગ્ન કરે, ને કદાચ મરી પણ જાય!’ એણે કહ્યું : ‘તું ડૉક્ટર બનવાનો છે. લગન કરું ને જીવતીયે રહું, એવી દવા શોધી આપજે.’ મેં કહ્યું : ‘એવી દવા છે, પણ હું તને એનું નામ નહીં દઉં.’ લોપા બોલી : ‘તો ભલે, મારે શું? મરી જઈશ.’ મેં કહ્યું : ‘એ જે હોય તે, પણ પંદર વર્ષ પછી ઝરણા પર મળવાનું ચોક્કસ… જો, સાંજના સાડા ચાર વાગ્યે, હેમંતઋતુના છેલ્લા દિવસે.’ લોપાએ ડોકું ધુણાવ્યું. હું એના ઘરમાંથી બહાર નીકળ્યો. એ બારણા સુધી આવી. કશું બોલ્યા વિના હું ચાલ્યો. આગળ જઈ જરાક અટકી પાછળ ફર્યો, ને બૂમ મારીને મેં કહ્યું : ‘લોપા, પેલી દવાનું નામ પ્રેમ.’ એણે સાંભળ્યું કે નહીં, ખબર નથી. કદાચ એણે સાંભળ્યું હોત ને પૂછ્યું હોત — એનો રંગ કેવો છે? તો મેં કહ્યું હોત : ઝરણા જેવો. અથવા કદાચ કહ્યું હોત : તારી અંદર ઊગી રહેલા પરોઢ જેવો. અથવા કદાચ એણે પૂછ્યું જ ન હોત.

*

આજે હવે પંદર વર્ષ વીતી ગયાં છે. ઝરણાની પહેલી ધાર ને અનંતમી ધાર વચ્ચે પંદર વર્ષ. આજે હેમંતઋતુનો અંતિમ દિન છે. હમણાં સાંજના સાડાચાર થશે, ને હું ઝરણા પર પહોંચીશ. પંદર વર્ષ પછી હું એને જોઈશ. નાનો હતો ત્યારે તો સવારસાંજ ડર લાગતો, રખે ને એ ત્યાં ન હોય! કોઈ એને લઈ ગયું હોય! કોઈ બીજું એને પ્રેમ કરી બેઠું હોય! પણ આજે જાણું છું કે ત્યાં હશે, હંમેશાં હશે. પણ હવે એ આવ, આવ નહીં કહેતું હોય. કહેતું હશે તો મને સંભળાશે નહીં. કેટલાય દેહોની ચીરફાડ, નસો, હાડકાં, માંસ, રુધિર, દવાઓ, ગંધ, ઑપરેશન, ચિત્કાર, દુઃખ, પીડા, તરફડાટ, મૃત્યુ —  અંધકાર… અંધકાર… સૃષ્ટિના આદિ, મધ્ય અને અંતમાં જે છે, તેનો બહુ પરિચય પામ્યો છું. એના કરુણ ચિત્કારોમાં એક ખોવાયેલી પ્રિયાનો સાદ હવે શું મને સંભળાશે? પણ મને વચન યાદ છે, લોપા યાદ છે. લોપા — એક પાતળી ચમકતી જ્યોતિશિખા, ઘરની અંદર અનાયાસ લહેરાઈ આવતી ફરફરતી હવા, ખીલતાં પાંદડાંની લીલી કુમાશ. હું ઝરણા તરફ વળ્યો. હેમંતઋતુ ને સાંજના સાડાચાર. આકાશની ઊતરતી છાયાઓ વડે આજુબાજુનું વન ગાઢ થઈ ગયું છે, પણ ઘુઘવાટ દૂરથી સંભળાવા લાગ્યો છે. હા, આ એનો જ સ્વર છે. એના પથ્થરિયા ઝાંઝરમાંથી ઝરતો ધ્વનિ. મારું હૃદય વ્યાકુળતાથી ભરાઈ ગયું. પહેલી ધાર ને અનંતમી ધાર વચ્ચેનાં વર્ષો ભૂંસાઈ ગયાં. કોણે મારા હૃદયમાં એની આ બંસરી પાછી વગાડી? કોણે આ બધું દોરી દોરીને ભૂંસી નાખ્યું ને વળી પાછું આલેખ્યું? હું લગભગ દોડવા લાગ્યો. ઊંચાં વૃક્ષોની ફેલાયેલી ડાળોની વેરાઈ પડેલી છાયા પરથી હું દોડવા લાગ્યો. લોપા મને યાદ હતી, પણ મને ઝરણું જ યાદ હતું. અને પંદર વર્ષ… ડૉક્ટરીનાં, કામનાં, ભણવાનાં, કમાવાનાં, માણસોના શરીર સાથે વાતો કરવાનાં, વ્યર્થતાથી ખરડાયેલાં, અણઓળખી પીડાઓનાં પંદર વર્ષ. હું કાંઠે આવીને ઊભો. એકાંત કિનારા વચ્ચે ઝરણું વહી જતું હતું. પંદર વર્ષ પહેલાં હતું તેવું જ —  પથ્થરોને વીંટળાઈને સ્વર વિખેરતું, ભ્રાંતિનાં શીકરોને હવામાં ઉડાડી દેતું, એકલું, ભરપૂર, પોતાની જાતમાં પોતે તૃપ્ત, પાંચ ફૂટ પહોળું, અસીમ ઝરણું. હું ધબ દઈને તેના કાંઠે બેસી પડ્યો. મારા પ્રાણને તેના પ્રાણનો સ્પર્શ થયો. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. જિંદગીમાં પહેલી વાર મેં ચૂપચાપ મારાં આંસુને વહી જવા દીધાં, ઝરણામાં ભળી જવા દીધાં. ઝરણાને ભેટવા મેં બે હાથ પહોળા કર્યા. નીચા વળી તેના પાણીને ચૂમ્યું. ઘણી મિથ્યા વાતો, કૃત્રિમ સુખો અને ક્ષણિક દુઃખોની વચ્ચેથી એક મહા - નિરંતરનો એક ચિર અંતહીન સાદ ફરી મારા હૃદયમાં ગુંજવા લાગ્યો, ને હાથમાંથી સરી જઈ છેક ક્ષિતિજની ધારે જઈ ઊભેલા મારા પ્રેમે વળી મારી સાવ નજીક આવી, મારા કાન પાસે મોં લાવી કહ્યું : ‘આવ, આવ, આવ!’ દૂર ખખડાટ થયો; થોડાક માણસોના અવાજ, કોલાહલ, હસવાનો ધ્વનિ. ઉશ્કેરાટનો ગરમ શ્વાસ. ત્રણ – ચાર – પાંચ જણ એકદમ ધસી આવ્યાં. મેં ઊંચે જોયું. લોપા હતી. સાથે એક જુવાન હતો. ત્રણ બાળકો. લોપા હાંફતી હાંફતી બોલી : ‘કેટલી ઝડપ કરી, તોયે પંદર મિનિટ મોડી પડી. પણ આવી ખરી. મેં શિશિરને, અમે પરણ્યાં તે દિવસથી આ વાત કરી રાખી હતી. મારી વાત સાંભળી સાંભળીને, મારાં બાળકોયે ઝરણું જોવા ઉત્સુક થઈ ગયાં હતાં.’ તેણે છોકરાં તરફ ફરી કહ્યું : ‘જુઓ આ ઝરણું.’ અને એણે ઝરણા તરફ જોયા વિના જ, શિશિર તરફ મોં કરી કહ્યું : ‘આ મારો નાનપણનો મૂર્ખ સાથીદાર, દીપ.’ તે ખિલ ખિલ હસી. શિશિર જરા મરક્યો. ઊંચી, સુરખીથી ભરેલી, છટાભરી લોપા શિશિરનો હાથ પકડી મારી તરફ જોઈને ઉત્સુકતાથી બોલી : ‘ક્યારનો આવ્યો છે?’ મેં કહ્યું : ‘સદાકાળથી અહીં જ છું.’ ‘એકલો?’ ‘ના.’ ૧૯૬૪ (‘વધુ ને વધુ સુંદર’)