કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/હરિ આવન કી આવાઝ
હરિ આવન કી આવાઝ ‘સન એન સૅન્ડ’ હોટેલના દરિયા તરફ પડતા પ્રાંગણમાં થાંભલાની નજીક ખુરસી નાખીને જે હંમેશાં બેસે છે તે કેટીનું જીવન જાણવાનું મને મન છે. એ આખો વખત ત્યાં બેસીને પરિચિતો સામે હસ્યા કરે છે, અને આંગળીઓના લાંબા નખ પરનું પૉલિશ જોયા કરે છે. એના, સરસ ઘાટમાં કાપેલા નખ પર પૉલિશ સુંદર લાગે છે; અને એ સારું જ છે, કારણ કે એણે પૉલિશ ન લગાડ્યું હોત અને એ લાંબા નખમાં જરા સરખોયે મેલ ભરાયો હોત તો તે ચોક્કસ પશુના નખ જેવા લાગત. શ્રીમતી દેસાઈ સ્વિમિંગ પુલમાંથી બહાર આવી, શરીર લૂછી ગાઉન પહેરી કેટી પાસે બેસે છે. ‘હલ્લો કીટી!’ તે કેટીને જાણીજોઈને કીટી કહે છે. ‘હલ્લો, કેમ એકલી?’ ‘ના, ના, ફીરોઝ હમણાં આવશે.’ શ્રીમતી દેસાઈ મર્માળું હસે છે, પણ કેટીની નજર લીલાશમાં ઝળકતા દરિયા ભણી છે. ‘એકલી ક્યાં છું? સાચું કહું તો મિસિસ દેસાઈ, મને એકલાં રહેવાનું બહુ જ મન છે. એકલાં જ ગમે છે. પણ તમને ખબર છે, આ બધું ન હોય, આ ડિનર, આ ડાન્સ પાર્ટી, ક્લબ, મિત્રો, બ્રિજ ન હોય તો ફીરોઝ ‘બોર’ થઈ જાય. એને કશું જીવવા જેવું જ ન લાગે…’ સફાઈ કરતાં કરતાં હું ત્યાંથી પસાર થાઉં છું. હા, હું ‘સન એન સૅન્ડ’માં સફાઈ કરનાર તરીકે કામ કરું છું. મેં ત્યાં એવી નોકરી લીધી છે, જેથી ત્યાં જતાં-આવતાં લોકોનાં ચરિત્રો હું આલેખી શકું. કેટી મને રોજ જુએ છે. એક દિવસ હું વેશ બદલીને જાઉં છું. ખભા પર ઢળી પડતા વિખરાયેલા વાળને બદલે હું સરસ રીતે ઊંચા વાળ બાંધું છું. સામાન્ય સાડીને બદલે કાંજીવરમની, મોટી સોનેરી — ગુલાબી કિનારવાળી કાળી રેશમી સાડી પહેરું છું. હોઠ પર લિપસ્ટિકની હલકી સુરખી છે. આંખ પર સન - ગ્લાસીઝ. હાથમાં તિબેટી બ્રોચવાળી કાળી નેતરની મોટી પર્સ. કેટીની સામે જ હું ખુરસી લઈને બેસું છું. એની સામે સ્મિત કરું છું. કેટી કહે છે : ‘ઓ! મેં તમને કદી જોયાં નથી. તમારી સાડી કેટલી સુંદર છે!’ હું હસું છું : ‘તમે મને રોજ જુઓ છો. હું અહીં સાફસૂફીનું કામ કરું છું. રોજ સાંજે ટેબલ લૂછું છું…’ કેટી એક હળવી ચીસ પાડી દે છે. પછી હસે છે : ‘તમે તો કમાલ મજાક કરો છો…’ ‘હું મજાક નથી કરતી. મારો ચહેરો ધ્યાનથી જુઓ. લો, હું ચશ્માં ઉતારી નાખું છું.’ કેટી આશ્ચર્ય અને આઘાતથી જુએ છે : ‘તમે કોણ છો?’ ‘કહ્યું ને, અહીં સફાઈ કરનાર એક નોકરાણી.’ ‘એ તો બરોબર, પણ તમે કોણ છો?’ ‘એમ તો એક સ્ત્રી છું. લખું છું એટલે લેખક છું. અહીં કામ કરું છું એટલે કામવાળી છું. સાચું નથી માનતાં? સાંજે ત્રણ કલાક અહીં કામ કરવા માટે મને મહિને રૂ. ૩૦૦ પગાર મળે છે.’ કેટી ઉદાસ થઈને જોઈ રહે છે. તેની એ ઉદાસીમાં એક આમંત્રણ છે, તેના આત્મીય થવા માટેનું ઇજન છે. મારું હૃદય કરુણાથી ઊભરાય છે. મારી કથાનાં પાત્રો માટે હું રોજ રાતે આંસુ વહાવું છું. વિવેચકો કહે છે — મારામાં તટસ્થતા નથી, વધુ પડતી ઊર્મિલતા છે. … અને ઊર્મિલતા એક મૂર્ખાઈ છે. કોઈને માટે દુઃખી થવું, એ મૂર્ખાઈ છે. આપણી જાત માટે દુઃખી થવું, એ પણ શું એક મૂર્ખાઈ નથી? કેટી ચોરીછૂપીથી મારી તરફ નજર નાખી લે છે. હું તેની સામે સ્નેહથી હસું છું. એ સ્નેહ વડે જાણે હું એને કહું છું : રોજ હસ્યા કરતી ઓ ઉદાસ સ્ત્રી! તારા હૃદયનાં દ્વાર ખોલ અને અંદર જે બંધ છે તેને અજવાળાના આંગણમાં બહાર નીકળવા દે. કેટી ધીમે ધીમે બોલે છે : ‘હવે મને ખ્યાલ આવે છે. તમારો ચહેરો મેં જોયો છે. અહીં તમે ઘણી વાર ટેબલ સાફ કરતાં હો છો, ખુરસીઓ ગોઠવતાં હો છો, મેલાં કપડાં ઊંચકી લઈ ધોયેલાં કવર ટેબલ પર પાથરતાં હો છો. આપણે સ્ત્રીઓ — ના, માફ કરજો, તમને નથી કહેતી, પણ સાધારણપણે બધી જ સ્ત્રીઓ માત્ર કપડાં ને અલંકારો જ જુએ છે. મેં તમારાં કપડાં જ જોયેલાં. તમને પોતાને મેં જોયાં જ નહીં હોય. નહીં તો તમે માત્ર કપડાં બદલીને આવો, તેથી થોડાં જ બદલાઈ જાઓ?’ તે ચૂપ રહે છે. પછી ફરી બોલે છે : ‘બધા જ લોકો માત્ર કપડાં જ જુએ છે. આપણાં કપડાં એ આપણું મહોરું છે. આપણે ઘરમાંથી નીકળીએ છીએ, કાંજી કરેલાં ઇસ્ત્રીવાળાં કપડાં પહેરીએ છીએ અને બદલાઈ જઈએ છીએ. બહારનાં લોકોને એ મહોરા વડે મળવાને ‘ક્વૉલિફાઇડ’ બનીએ છીએ. આપણી કાર, આપણી પ્રતિષ્ઠા, એ બધાં પણ શું મહોરાં જ નથી?’ કેટી દૂર, ભીની સાંજમાં સોનેરી ચમકતાં સાગરનાં મોજાં તરફ જોઈ રહે છે. હું સમજું છું – અચાનક જ એ એનાં મહોરાંઓથી થાકી ગઈ છે. હવે તે નિરાવરણ પ્રગટ થવા ઇચ્છે છે : કેટી તરીકે નહીં, મિસિસ ફીરોઝ તરીકે નહીં, સન એન સૅન્ડ હોટેલની એક શ્રીમંત પૅટ્રન તરીકે નહીં, એક સ્ત્રી તરીકે. શા માટે? શા માટે તે બધાં આવરણોને તોડવા માગે છે? કઈ જગ્યાએ માણસ બધાં મહોરાંનો ત્યાગ કરી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થવા ઇચ્છે છે? પ્રેમમાં? ઓ રે અભાગી કેટી! પણ તું તો પરણેલી સ્ત્રી છે. રાતના બીજી સ્ત્રીઓના ખભા પર હાથ મૂકીને ફરતા જે ફીરોઝને મેં સેંકડો વાર જોયો છે, તેની તું પત્ની છે. તું તારું આ પત્નીત્વનું મહોરું શી રીતે ત્યાગી શકશે? કેટી કશું બોલતી નથી. લાંબા સમય સુધી તે ચૂપચાપ બેસે છે. સમય એને અડ્યા વિના સરી જાય છે. એને ખ્યાલ નથી કે કેટલા વાગ્યા, સાગરમાં ભરતી ક્યારે આવી ને ઓસરી ગઈ, સ્વિમિંગ પુલનાં બારણાં ક્યારે બંધ થઈ ગયાં, અંધારી થતી ક્ષિતિજ હેઠળ ક્યારે સૂરજ પોઢી ગયો… એને કશી ખબર નથી. સમયની પારના પ્રદેશમાં તે એકાકી પ્રેમવિહ્વળ સ્ત્રી છે, પણ આ સન એન સૅન્ડ હોટેલમાં તે માત્ર મિસિસ ફીરોઝ છે. હમણાં જ એની ચમકદાર નવી બ્યૂક ગાડી આવશે, એમાંથી ફીરોઝ ઊતરશે — સોહામણો, છટાદાર, હૃદયરહિત ફીરોઝ. ‘હલ્લો સ્વીટી!’ તે કહેશે. શબ્દોનું આ એક બીજું મહોરું. કેટી સ્મિત કરશે… સ્મિતના મહોરા વડે તે પોતાની ઉદાસી ઢાંકી દેશે. ‘ઓહ ડાર્લિંગ, આઇ વૉઝ વેઇટિંગ ફૉર યૂ ઓન્લી!’ તે કંપતા અવાજે બોલશે. તે જાણે છે કે, એનો એકેએક શબ્દ જૂઠો છે. ફીરોઝની તો તેને યાદ પણ નહોતી. તે તો ઘૂઘવતા સાગર પર મીટ માંડીને કોઈક બીજી જ દુનિયામાં સરી પડી હતી; જ્યાં તેને કોઈ મહોરાં પહેરવાનાં નહોતાં, કોઈની સામે પરાણે હસવાનું નહોતું, જે માણસને તે ચાહતી નથી તેને ડાર્લિંગ કહેવાનું નહોતું. શ્રીમતી દેસાઈ કેટી સામે જોઈ મર્માળું હસે છે, પણ કેટી ઉદાસ રહે છે. એક દિવસ તે મને પૂછે : ‘તમે અહીં, આ હોટેલમાં ભારતીય ગીતો- ભજનોની રેકૉર્ડ નથી રાખતાં? બધી પૉપ અને જાઝની જ રેકૉર્ડ છે?’ હું પૂછું છું : ‘તમારે કયું ગીત સાંભળવું છે?’ ‘સુબ્બલક્ષ્મીએ મીરાંનું એક સુંદર ભજન ગાયું છે : તમને ખબર હશે — સુની મૈં… હરિ આવન કી આવાઝ…’ ‘તમને બહુ ગમે છે એ ભજન?’ ‘હા, ધરતી રૂપ નવા નવા ધરિયા, પિયામિલન કે કાજ… સરસ રીતે ગાય છે, નહીં? મને એનો અવાજ બહુ ગમે છે, પણ મને આ ગીત જ ગમે છે — હરિ આવન કી આવાઝ…’ હું એની સામે અપલક જોઈ રહું છું. તે જરા અસ્વસ્થ બની જાય છે. હું કહું છું: ‘તમે મારી સામે જેવાં છો તેવાં જ બનીને રહો. કશું છુપાવવાની જરૂર નથી. સન્માનિતતાનું મહોરું પહેરવાની જરૂર નથી. હું તો અહીં કામ કરનાર સ્ત્રી છું, ટેબલની સફાઈ કરું છું. હું તમને ચાહું છું…’ તે એનું એ જ પેલું ઉદાસ હાસ્ય હસે છે. તે કહે છે : ‘તમે કોઈ દિવસ હરિ આવવાનો અવાજ સાંભળ્યો છે? તમે અગાસીએ ચડીને વારંવાર જોયા કરતાં હો કે, એ ક્યારે આવે — ક્યારે આવે… અને પછી એના આવવાનો, એનાં પગલાંનો અવાજ સંભળાય, તમારી આસપાસની હવા ઝંકૃત થઈ ઊઠે. એ આવે છે… આવે છે… આવે છે…’ હું જાણું છું કે તેને ઉત્તર નથી જોઈતો, આગળ બોલવાનું પ્રોત્સાહન જોઈએ છે. હું તેની સામે જોઈને ડોકું ધુણાવું છું. તે કહે છે : ‘જીવનમાં કોઈક વાર એવો અવાજ સંભળાય છે, પણ ત્યારે આપણે કોઈ બીજાના મહેલની છત પર હોઈએ છીએ… હરિ આવે છે, પણ ત્યાં સુધીમાં આપણે ઘણાં મહોરાં પહેરી લીધાં હોય છે. પછી આપણે આપણો છદ્મવેશ ઉતારી, નીચે ઊતરી દોડતાં એને મળવા જઈ શકતાં નથી. આખી જિંદગી આપણે છલનાઓમાં જીવીએ છીએ, હજારો અસત્યોના કોલાહલ સાંભળીએ છીએ. પછી કોઈક પળે હરિનાં પગલાં સંભળાય છે…’ ‘એ પગલાં તમે સાંભળ્યા છે, એમ ને?’ હું પૂછું છું. તે કશું બોલતી નથી. માત્ર ચૂપચાપ, નાળિયેરીનાં ડોલતાં લાંબાં પર્ણો જોયા કરે છે. હું કહું છું : ‘તમે એ અવાજ સાંભળ્યો હોય તો, તમે ગમે તેના મહેલની અગાસી પર હો, તમે નીચે કેમ ઊતરી પડતાં નથી? વેગથી દોડી કેમ જતાં નથી? તમારાં બધાં જ જીર્ણ રૂપો ફેંકી દઈ નવાં રૂપ કેમ ધારણ કરતાં નથી? જે સાચું છે, અને જેને તમે માત્ર સાચાં થઈને જ પામી શકો, તેને ખાતર તમે તમારાં સઘળાં મહોરાંનો ત્યાગ કેમ કરતાં નથી? તમે… તમે… ઓહ, સ્ત્રીઓ વિદ્રોહ કેમ નથી કરતી? એનાં જૂઠાં બંધનોને એ તોડીફોડી કેમ નથી નાખતી?’ તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહે છે. મારામાં આવી ઉગ્રતા તેણે કદી જોઈ નથી. પણ મારા મનમાં રોષ છે. બધાં જ મિથ્યા જડત્વ સામેનો, જૂઠાં બંધનો સામેનો રોષ, મહોરાં સામેનો રોષ, જીવનને નિરર્થક વહી જવા દેવા સામેનો રોષ, જે પરમ પ્રિયના સર્વાંગ મિલનમાં જીવનનું સકળ શુભ્રસફલ થઈ ઊઠે તેને એક ખોટા માણસ ખાતર ન પામવા સામેનો રોષ. હું ફરીને પૂછું છું… ‘સ્ત્રીઓ વિદ્રોહ કેમ નથી કરતી?’ કેટી લાંબા વખત સુધી બોલતી નથી, પછી ધીમે ધીમે તેના હોઠ પરથી શબ્દો સરે છે : ‘કોઈક વાર… જીવનમાં એક વાર, એક સાચું દ્વાર ખૂલે છે. પણ તે પહેલાં આપણે ખોટા દ્વારમાં પ્રવેશી ચૂક્યાં હોઈએ છીએ, ખોટા માણસને વચન આપી ચૂક્યાં હોઈએ, ખોટું ઘર વસાવી ચૂક્યાં હોઈએ છીએ. ‘સાંભળો, એ કેવી અજબ વાત છે કે, તમે ઊગતા સૂરજની સાખે કશું કહો તે સાચું નથી બનતું, પણ અગ્નિની સાખે કહો, તો તે સાચું બની જાય છે. નીરવ એકાંતમાં હૃદયના સર્વ સમર્પણ સાથે જે વાત ઉચ્ચારી હોય તે સાચી નથી બનતી, પાંચસો માણસોની ઉપસ્થિતિમાં જે વાત ઉચ્ચારી હોય તે સાચી બની જાય છે. તમે તમારા અંતરતમની વાણી બોલો તે સાચી નહીં, કોઈ અજાણ્યો પુરોહિત એની ભાષામાં ન સમજાય તેવા મંત્રો બોલે તે સાચા — તેનું તમને જન્મભરનું બંધન. ‘અને પછી એ બંધન સામે સ્ત્રી વિદ્રોહ કરી શકતી નથી. જેની સામે વિદ્રોહ કરવો જરૂરી હોય, તેને પણ તે નીચી નજર કરી સ્વીકારી લે છે. સહેવાની તેની અમાપ શક્તિ જ તેની શત્રુ બની જાય છે. ખોટાનો સામનો કરવાની આપણામાં હિંમત નથી આવતી. આપણે કર્મના નિયમોમાં માનીએ છીએ, જે ઈશ્વરને ઓળખતાં નથી તેના પર શ્રદ્ધા રાખીએ છીએ. કહીએ છીએ — અંતે બધું બરાબર થઈ રહેશે. પણ અંતે કશું જ બરોબર થતું નથી. તમે રોજ રોજ ભસ્મના ઢગલામાં ફેરવાતાં જાઓ છો અને પછી તમારામાં એક તણખોય રહેતો નથી. તમે સળગતાં બંધ થઈ જાઓ છો. તમારી આગ બુઝાઈ જાય છે, તમારો પ્રકાશ ઓલવાઈ જાય છે. ત્યારે તમે કહો છો, હવે બધું બરોબર થઈ ગયું. પણ તમે જેને બરોબર થઈ ગયેલું માનો છો, તે તો મૃત્યુ હોય છે.’ આટલું લાંબું બોલીને કેટી થાકી જાય છે. તે આંખો મીંચી દે છે. તેનો કોમળ ઉદાસ ચહેરો ઊંડી પીડામાં ઓગળી જાય છે. તે ધીમેથી કોઈક અંગ્રેજી કવિતા ગણગણે છે. એનો અર્થ કંઈક આવો છે : ‘મારી એકલતાની અસહ્ય વ્યથા પર તમે રૂપ અને શણગારનું ઢાંકણ દીધું છે. મૃત્યુનો શ્યામ હાથ તમારી આંખોના રત્નને ઝૂંટવી લે છે. પ્રીતમનો સાદ આવ્યો છે, પણ હું મારા શોકના કારાગારમાં કેદ છું. તમે મૃત્યુ પામતાં હો ત્યારે તમને સુખ મળે તેનો શો અર્થ છે?’ તે ધીમે ધીમે ગણગણે છે. હું સાંભળું છું. અચાનક તે ઝબકીને જાગે છે ને પૂછે છે : ‘તમારી પાસે સુબ્બલક્ષ્મીની રેકૉર્ડ છે? હરિ આવન કી આવાઝ… હોય તો ચાલો, આપણે વગાડીએ.’
૧૯૯૫ (‘કાગળની હોડી’)