કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/સુખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. સુખ

‘થોભો — જરા થોભો!’ સોના ઝડપથી બોલી ઊઠી. ‘કેમ?’ ‘મોટીબહેન, તને કાંઈ સંભળાયું નહીં?’ ‘કોઈએ મને બૂમ પાડી?’ ‘ના, આ સરુનાં વૃક્ષોમાંથી વાયરો પસાર થયો તો જાણે વાંસળીના સૂર વાગતા હોય એવું લાગ્યું.’ ‘ક્યાં છે સરુનાં વૃક્ષો?’ ‘આ, હમણાં ડાબી બાજુએથી પસાર થઈ ગયાં તે.’ ‘અચ્છા, એ ઝૂમખું સરુનાં ઝાડનું છે, એમ? અમે તો અહીંથી કેટલીયે વાર નીકળીએ છીએ, પણ આની તો મને ખબર જ નહોતી.’ મનમાં તે ગુસ્સે થઈ રહી. સાવ કેવાં કપડાં પહેર્યાં છે? અને બૅગ પણ એક જ છે. પરદેશથી કોઈ આવે તો કેટલું સ્માર્ટ હોય? અને કેટલી બધી વસ્તુઓ લઈ આવે? આ તો કાંઈ લાવી લાગતી નથી. પોતાના સેંકડો મિત્રો - સંબંધીઓને વાત કરી હતી… મારી બહેન આઠ વર્ષથી પરદેશમાં હતી. હવે આવવાની છે. એકેએક જણે કહેલું : તમારાં બહેનને અમારે ત્યાં લઈ આવજો. પણ આ તો કપડાંય સાવ અહીં પહેરતી હતી તેવાં જ પહેરે છે. જરાય ગ્લેમર નથી. આટલાં વર્ષ કર્યું શું? ઘર આવી ગયું. ઘટાદાર વૃક્ષોવાળા મોટા કમ્પાઉન્ડની વચ્ચે સરસ બાંધણીનો બેઠા ઘાટનો બંગલો. ફરતો બગીચો. પગથિયાં ચડીને સોના ધબ કરતી ખુરસીમાં બેસી પડી. ‘મને બહુ જ સુખ થાય છે, મોટીબહેન! આઇ ઍમ સો હૅપી…!’ તેનું મોં આનંદથી દીપ્ત થઈ ગયું. અમિતાના મનમાં કટુતાનું એક કથ્થાઈ બિંદુ ક્યાંકથી ઊપસી આવ્યું… આઠ વર્ષે પણ જરાય મોટી થઈ નથી લાગતી. શરીર એવું જ પાતળું છે. ડાયેટિંગની આને કાંઈ જરૂર જ નહીં… તેને ક્યાંક જરા ઓછું આવવા માંડ્યું. આ બંગલો જોઈને ‘કેવું સરસ ઘર છે!’ — એવું કાંઈ તો સોના બોલી પણ નહીં! તેણે પ્રયત્નપૂર્વક વિચારો દૂર હડસેલી દીધા. એકની એક નાની બહેન દૂર દેશથી આઠ વરસે હજુ ચાલી આવે છે. એને માટે કડવાશથી ન વિચારાય… ‘અંદર તો ચાલ!’ તેણે સોનાને કહ્યું. ‘અંદર પણ સરસ છે. બધું હમણાં જ રિનોવેટ કરાવ્યું.’ ‘એમ? સરસ. પણ મને જરા આ બધું જોઈ લેવા દે. અહીંનું આ આકાશ, આ માટી, આ તડકો — એ બધાંની આત્મીયતા તાજી કરી લેવા દે. પેલાં છે તે બારમાસીનાં જ ફૂલ ને? અને પેલાં ગુલમહોરનાં ઝીણાં પાન વચ્ચેથી દેખાતો નીલ અવકાશ! બધું કેવું સુખદ લાગે છે!’ તેનું મોં એ સુખની છાલકથી ભીનું ભીનું થઈ ગયું. ‘અને ઓ અરે મોટીબહેન, ગુલમહોરની આ ડાબી બાજુ ઝૂકી પડતી ડાળ પર નાનકડું પંખી બેઠું છે, તે દરજીડો જ કે નહીં? કેટલાં વર્ષે જોયો, તોય નામ યાદ આવી ગયું.’ ‘ક્યાં છે?’ અમિતાને, આંખે નંબર હતા ને ચશ્માં લીધાં નહોતાં તેનું ભાન બહુ જ તીવ્ર થઈ આવ્યું. ‘ડાબી તરફ પેલું ઊડાઊડ કરે છે તે. સફેદ પેટ છે. વારંવાર પૂંછડી ઊંચી કરે છે. સાવ નાનકડું છે. દેખાયું?’ બહુ મહેનત કરી ત્યારે ઝાંખું દેખાયું. પણ તે કયું પંખી તેની અમિતાને ખબર નહોતી. ‘હશે, મને દરજીડા વિશે બહુ ખબર નથી.’ અને પછી તે જરાક ઊંચા અવાજે બોલી : ‘હવે ચાલ, અંદર તો ચાલ, ગાડીનો અવાજ સાંભળી મહારાજે કૉફી તૈયાર કરી રાખી હશે. હું એને સૂચના આપીને આવી હતી.’ ‘ચાલ.’ સોના કૂદકો મારીને ઊભી થઈ અને એની ગતિમાં ન ખોવાયેલું કૈશોર્ય નીતરી રહ્યું. અચાનક ક્યાંકથી એક નાનકડો, સફેદ, સુંવાળા વાળવાળો કૂતરો આવી સોનાના પગમાં અટવાયો. સોનાએ તેને ઊંચકી, તેની બટન જેવી ગોળ નિર્દોષ આંખોમાં જોયું ને બોલી પડી : ‘કેટલો મીઠો છે!’ ‘પોમેરેનિયન છે,’ અમિતાએ કહ્યું : ‘આઠ જ દિવસનો હતો ત્યારે સવાસો રૂપિયા આપીને મેં ખરીદ્યો હતો.’

*

‘આ હીરાનો સેટ છે, આ પન્નાનો. મોતીના તો બે છે…’ જમી કરીને બપોરના વખતે અમિતા નાની બહેનને પોતાની બધી વસ્તુઓ બતાવવા લાગી. ‘અને આ માત્ર સોનાનો… સત્તર તોલાનો છે.’ તેણે વસ્તુઓ ખુલ્લી મૂકી અને નમતી બપોરના ત્રાંસાં કિરણોમાં તે ઝળહળ થઈ રહી. ‘સુંદર, બહુ જ સુંદર.’ સોના બોલી. અમિતાએ તેની સામે ધારીને જોયું. સોનાના મુખ પર સાચે જ પ્રશંસાભાવ હતો. અમિતાને એકદમ જ ઉદાર થવાનું મન થઈ આવ્યું : ‘તને આમાંથી કાંઈ જોઈતું હોય તો તું લે,’ તેણે કહ્યું. ‘શું કહ્યું?’ સોનાના અવાજમાં એટલું બધું આશ્ચર્ય હતું કે અમિતા જરા ભોંઠી પડી ગઈ. ‘કાંઈ નહીં, મેં કહ્યું — તને આ દાગીનામાંથી કાંઈ જોઈતું હોય તો કહે…’ અમિતા અનિશ્ચિત સ્વરે બોલી. ‘મને?’ સોના આશ્ચર્યમાંથી હજી બહાર નહોતી આવી. ‘પણ મોટીબહેન, મને તો કશાની જ જરૂર નથી. ઓહ નો મોટીબહેન, તું જાણે છે, મને ખરેખર કશું જ જોઈતું નથી.’ અમિતા વિલાઈ ગઈ. બહાર હૉર્ન સંભળાયું. એ અજિતની ગાડીનું હૉર્ન હતું. અચાનક અમિતાને, જેવું ઉદાર થવાનું મન થયું હતું, તેવી જ તીવ્રતાથી આઘાત કરવાનું મન થઈ આવ્યું. તે ઝડપથી ઊભી થતાં બોલી : ‘અજિત આવ્યો લાગે છે. આમ તો અત્યારે એ ઘેર આવતો નથી, પણ આજે તું આવવાની હતી એટલે ખાસ આવ્યો હશે.’ તેણે બારી પાસે જઈ બહાર જોયું, પછી બારીની પાળીને અઢેલીને ઊભી રહી. સોના હજુ પરણી નહોતી તેની સભાનતાથી તે બોલી : ‘પતિ પૂરા હૃદયથી ચાહતો હોય, તેના જેવું સ્ત્રી માટે બીજું એકે સુખ નથી.’ ‘અજિતભાઈ તને ખૂબ ચાહે છે, મોટીબહેન?’ ‘હા,’ અમિતાએ ગર્વપૂર્વક કહ્યું : ‘આ બધું હમણાં જ એણે મને કરાવી આપ્યું. હમણાં ધંધામાં એને બહુ ફાયદો થયો તો કહે — તને મનપસંદ હોય તેવા દાગીના કરાવીએ…’ તે જરા થોભી : ‘પુરુષનો પ્રેમ, પતિનો પ્રેમ બહુ મોટી બાબત છે.’ તેણે રૂમમાં ચારે તરફ નજર કરી. ‘આ બધું ફર્નિચર મારી જ પસંદગીનું છે. અજિત એકેએક વસ્તુ મને પૂછીને જ કરે, ચોપડીઓનો આ કબાટ જોયો? એની ડિઝાઇન…’ ‘એ હા, એ મારે તને ક્યારનું પૂછવું હતું. પેલી એમર્સન પર ચોપડી છે, એ તેં ક્યાંથી લીધી? હું એ બહુ વખતથી શોધતી હતી. એમાં સાંતાયનનો લેખ સૌથી સરસ છે, નહીં? વિચારક એમર્સન કરતાં પણ, એમર્સન જે સમગ્રપણે જીવતો હતો, તેનામાંથી જે પ્રાગટ્ય થતું હતું, તેનો એમાં કેટલો બધો મહિમા છે! તને એ લેખ ગમેલો?’ અમિતાને બહુ જ ગુસ્સો આવ્યો. માંડ કાબૂ રાખીને તે બોલી : ‘અજિત ખાસ તારે માટે જ આવ્યો છે. એને સામે જઈને મળ તો ખરી!’ ‘અરે હા,’ સોના હસી પડી ને બહાર દોડી. બપોરના ઊજળા તડકામાં અમિતાને ક્યાંક કશુંક ધૂંધળું લાગી રહ્યું.

*

બીજે દિવસે સાંજે અજિત — અમિતાએ સોના આવ્યાના અને પોતાના એક મિત્ર સંસદસભ્ય ચૂંટાયા હોવાના માનમાં પાર્ટી ગોઠવી. એક પછી એક મહેમાનો આવતા ગયા. અમિતાએ સોનાની બધા સાથે ઓળખાણ કરાવી. તેણે આગ્રહ કરીને પોતાની પીળી ઝાંયવાળી, રાઈના રંગની રેશમી સાડી સોનાને પહેરાવી હતી અને વાળમાં પીળાં ફૂલ ભરાવી આપ્યાં હતાં. સોના સુંદર લાગતી હતી. પાર્ટીની મોટા ભાગની સ્થૂળ - બેડોળ અસુંદર સ્ત્રીઓ વચ્ચે પોતાની બહેન પાતળી, લાવણ્યમય, તરલ લાગતી હતી તેનું અમિતાને અભિમાન થયું. મોટા ભાગના મહેમાનો આવી ગયા ને પાર્ટી શરૂ થઈ. સોના ક્યારની કોઈકની રાહ જોઈ રહી હતી. ક્યાંય સુધી રાહ જોયા પછી તેણે અમિતાને પૂછ્યું : ‘મોટીબહેન, વાસંતી નથી આવી? એ તો તારી ખાસ બહેનપણી હતી ને? આ બધાં તો તારાં સાવ નવાં મિત્રો લાગે છે!’ અમિતાએ કહ્યું : ‘વાસંતી ને? હા, હમણાં તો ઘણા વખતથી એને મળાયું જ નથી. એ હજુ પેલી જૂની શેરીમાં જ રહે છે. હવે એ બાજુ જવાનું ખાસ થતું નથી.’ સોના કશું બોલી નહીં. વાતો, મજાકો, હાસ્ય, રંગ, ગંધ, સંગીતના સ્વરો, ગરમ પીણાંની વરાળ અને મસ્તીના લયથી આખો ખંડ ભરાઈ રહ્યો. થોડી વારે મિ. દત્ત આવ્યા. અજિતના નિકટના મિત્ર, ઉદ્યોગપતિ અને સંસદસભ્ય. અમિતા સોનાની તેમની સાથે ઓળખાણ કરાવવા આતુર હતી. મિ. દત્તને એક નાનો ભાઈ હતો, તે પણ પુસ્તકોનો રસિયો હતો. કદાચ સોના સાથે તેનો મેળ ગોઠવાઈ જાય, તો સોનાને ખાસ્સું વૈભવી ઘર મળે. તેણે સોનાને શોધી, પણ સોના ક્યાંય દેખાઈ નહીં. નવાઈ પામતી તે રસોડામાં ગઈ, તો નોકરોએ કહ્યું કે સોના બહાર બગીચામાં ગઈ છે. કંઈક ગુસ્સાથી, અમિતા ઉતાવળી ચાલે બહાર ગઈ. સુંદર રેશમી સાડી સાથે સોના લૉન પર જ બેસી ગઈ હતી એ તેને દૂરથી દેખાયું ને તે એકદમ ચિડાઈ ગઈ. આ છોકરીને કશું ભાન જ નથી, તે મનમાં બબડી. ‘સોના!’ તેણે દૂરથી બૂમ મારી. સોનાએ ડોક ફેરવી ને ઉતાવળે બોલી : ‘મોટીબહેન, મોટીબહેન, આ કૂતરાને કંઈક થઈ ગયું.’ ‘કેમ, કેમ, શું થયું?’ ‘ખબર નથી. હું જરાક ખુલ્લી હવા માટે બહાર આવી ત્યાં એને હાંફતો પડેલો જોયો. મોંએ ફીણ વળી ગયાં હતાં. કોઈએ કંઈ ભૂલથી ખવડાવી દીધું હશે? મેં રૂમાલ ભીંજવી થોડાં પાણીનાં ટીપાં એના મોંમાં નાખ્યાં, પણ એનો શ્વાસ ધીમો જ પડતો જાય છે. જો તો, જીવે એવું લાગે છે?’ અમિતાએ વાંકા વળીને જોયું. નાનકડા કૂતરાની દુઃખભરી માયાળુ આંખો એક પળ તેની સામે મંડાઈ રહી, અને પછી તેનો શ્વાસ બંધ પડી ગયો. સોનાએ હળવેથી કૂતરાના શરીર પર હાથ ફેરવ્યો. અમિતા સહેજ ગૂંચવાઈને ઊભી રહી. પછી બોલી : ‘હું માળીને બોલાવું છું. એ એની વ્યવસ્થા કરશે. તું ચાલ અંદર, મિ. દત્ત આવ્યા છે, તેમની સાથે તારી ઓળખાણ કરાવું. મિ. દત્ત એમ.પી. છે.’ અમિતાએ સોના સામે તેની આંખો ઠેરવી. અરે, આ રમતિયાળ છોકરીની આંખો તો હજુ ક્ષણ વાર પહેલાં જોયેલી પેલી દુઃખભરી માયાળુ આંખો જેવી હતી, અત્યંત નિર્દોષ, વિષાદભરી અને એટલી બધી ભાવનીતરતી કે અંજાઈ જવાય. સોનાએ ધીમેકથી કહ્યું : ‘એક વાત કરું મોટીબહેન! હું ત્યાં હતી, ત્યારે મારી સાથે એક મૈસૂરની છોકરી કૃષ્ણા રહેતી હતી. તેણે મને એક બહુ જ હૃદયસ્પર્શી વાત કરેલી. એ લોકોમાં એક રિવાજ છે. કોઈ મૃત્યુ પામે ત્યારે એના પ્રત્યે સ્નેહ, કૃતજ્ઞતા, આદર વ્યક્ત કરવા લોકો, પોતાના પુણ્યનો થોડો ભાગ એને આપે; પછી મૃત્યુ પામનાર માણસ હોય, પશુપંખી હોય, કોઈ પણ હોય. હું મારા પુણ્યનો આટલો ભાગ તને આપું છું — એને ધર્મોદક કહેવાય છે…’ અમિતાની ધીરજ તદ્દન જ ખૂટી ગઈ. તેનો સાદ ઊંચો થઈ ગયો. ‘સોના, અત્યારે આ બધી વાતો કરવાનો વખત છે? અંદર મહેમાનો ક્યારના રાહ જોતા હશે…’ સોનાએ કેવળ વિષાદભરી નજરે બહેન સામે જોયું. મંદપણે તે બોલી : ‘અચાનક જ કેવું બધું ખલાસ થઈ જાય, નહીં?’ અમિતા એને મૂકીને જ, ધૂંધવાતી-અકળાતી અંદર ગઈ. ચાલતાં ચાલતાં એકદમ અંધારાં આવવા જેવું લાગ્યું. હા, અચાનક જ બધું ખલાસ થઈ જઈ શકે. તેની નજર સામે ઊભેલું સુંદર ઘર અચાનક જાણે ડાબે - જમણે ડોલવા લાગ્યું. અરે, અરે, આ ઘર તો પડી જઈ શકે… ધંધામાં ખોટ જાય તો આ બધું જ હાલકડોલક થઈને ભોંય પર તૂટી પડે, બધી સમૃદ્ધિ ખલાસ થઈ જાય. અરે, આવતી કાલે તો કાંઈ પણ બને. પતિ બીજી સ્ત્રીને ચાહવા લાગે, પોતાનાં ચાલાક મીઠાં છોકરાં બળવો કરી બેસે ને હિપ્પી બની જાય… બધી જ વસ્તુઓ, જે પોતાની હતી, ને પોતાની નહોતી… તે બધી વસ્તુઓ સરી જવા લાગી… એક એવું બિંદુ હતું, જ્યાં પોતે સર્વ સમૃદ્ધિથી રહિત હતી, દીન, દરિદ્ર, ભયભીત, નિતાંત એકાકી, અસહાય… સોના પાસે કશું નહોતું ને છતાં તે પોતાથી વધારે સલામત હોય તેવી રીતે વાત કરતી હતી. ભયથી કાંપતી તે દોડીને પાર્ટીવાળા ખંડમાં પહોંચી ગઈ.

*

પાર્ટી પૂરી થઈ ને મહેમાનો વીખરાઈ ગયા, પછી અજિતે એક આકર્ષક બૉક્સ ઉઘાડ્યું. તેના ને અમિતા તરફથી સોના માટે એક કીમતી ભેટ હતી. સાથે શુભેચ્છાનું એક કાર્ડ હતું. અમિતા થાકીને બીજા રૂમમાં પલંગ પર ઢગલો થઈને પડી હતી, પણ અજિત આનંદમાં હતો. બૉક્સ તેણે સોનાને આપ્યું. ‘બોલ, આ શુભેચ્છાના કાર્ડમાં શું લખું?’ તેણે સોના તરફ બૉક્સ લંબાવતાં પૂછ્યું, અને પેન હાથમાં લીધી. સાંજ પછી સોનાની આંખોમાં ઘેરાયેલો વિષાદ વધુ ઘેરો બન્યો. તે ચૂપ રહી. અજિતે પેન ઉઘાડી ને કાર્ડ નીચે કોઈક ચોપડી રાખતાં ફરી પૂછ્યું : ‘બોલ, શું લખું આ કાર્ડમાં?’ સોનાએ અછડતી નજર અમિતા હતી તે રૂમ ભણી નાખી ને માંડ સંભળાય તેવા ધીમા અવાજે બોલી : ‘લખો કે — મારી બહેનને મળ્યું છે તેવું સુખ મને ન મળો,’ ‘શું…?’ અજિતનો અવાજ લાંબો - પહોળો થઈ ગયો. વિષાદપૂર્વક સોનાએ કહ્યું : ‘બસ એમ, કે મારી બહેનને જે ફળ્યું છે, તે મને ન ફળો.’

૧૯૭૦ (‘કાગળની હોડી’)