ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારની સાહિત્યિક મુદ્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦
ખબરદારની સાહિત્યિક મુદ્રા

તો, ખબરદારના સમગ્ર સાહિત્યકાર્યને તપાસતાં આવો, કંઈક અરોહ-અવરોહયુક્ત આલેખ ઊપસી રહે છે. ઐતિહાસિક સંદર્ભોની સભાનતાને હળવી કરી નાખીને, કવિતાને કવિતા તરીકે વાંચતાં એમાંથી જે અપીલ કરનાર નીવડે એ જ વર્તમાન સંદર્ભે તો ટકી શકે, ટકી રહે. એ સ્વાભાવિક પણ છે. બદલાતાં-વિકસતાં રુચિ-દૃષ્ટિ સાથે કવિતાનો નિરંતર મુકાબલો ચાલતો જ હોય છે ને એમાં એણે પોતાના સમય-સંદર્ભોથી સ્વતંત્રપણે, રસકીય બોધ કરાવવાની પોતાની શક્તિઓનો હિસાબ પણ આપવો પડતો હોય છે. એટલે, કવિતાની ચિરંજીવિતાના પ્રશ્નને બાજુએ મૂકીએ તો પણ, પોતાના જમાનાની આબોહવામાંથી એ સમય જતાં ખસી જાય છે ત્યારે આપોઆપ જ એનું એક મહત્ત્વનું મૂલ્યાંકનતો થઈ જતું હોય છે – પેલી આબોહવા જ એનું જીવિત હતી કે ટકાવી રાખે, બલકે ટટ્ટાર રાખે એવા આધારો સ્વયં એના પોતાનામાં જ પડ્યા હતા. પરંતુ આ ઉપરાંત, એક સર્જકનું સમગ્રદર્શી મૂલ્યાંકન કરવામાં એનો સમયસંદર્ભ, એ સંદર્ભે થયેલું એનું સમકાલીન મૂલ્યાંકન અને એવાં મૂલ્યાંકનોની આજની દૃષ્ટિએ રહેતી પ્રસ્તુતતા તપાસવાં પણ આવશ્યક હોય છે. આવાં મૂલ્યાંકનમાંથી પસાર થતાં ખબરદારના લગભગ અરધી સદી સુધી એકધારા ચાલતા રહેલા લેખનકાર્યમાંથી ઓછું ટકી રહે છે, ઘણું તો નગણ્ય બની રહે છે ને કેટલુંક કેવળ ઐતિહાસિક સંદર્ભ થઈને અટકી રહે છે. જે ટક્યું છે એનાથી ખબરદારની કવિતાનો એક વિશેષ પણ તારવી શકાય એમ છે. પણ આવી તારવણી કરતાં પૂર્વે, તુલના માટેની મહત્ત્વની સામગ્રી રૂપ, ઐતિહાસિક સંદર્ભને જોઈ લેવો ઉપયુક્ત ઠરશે. સરલતા અને સર્વભોગ્યતાની મુદ્રાએ, અને એ દિશામાં જ ચાલેલી ખબરદારની સાધનાએ, પંડિતયુગીન સાહિત્યપ્રવાહોમાં એમની કવિતાનું સહેજ નોખું રૂપ ઉપસાવેલું. દલપતરામમાંથી પોષણ પામેલાં આ રુચિદૃષ્ટિ એના વિકસિત સ્વરૂપે ગાંધીયુગીન કવિતા સાથે એનું અનુસંધાન મેળવી લે છે. કવિતા ભિન્નરુચિ જનસમાજને વ્યાપક રીતે અપીલ કરતી રીતિએ લખાવી ઘટે એવી એમની સમજ હતી. આવા સંકલ્પને એમણે વ્યક્ત પણ કરેલો છેઃ ‘હું તો પ્રત્યેક સંગ્રહમાં સમાજના બધા વર્ગોને કોઈ ને કોઈ કવિતા આનંદ આપી શકે એ વાત ધ્યાનમાં રાખીને બધી જાતની કવિતા, સરળ ભાવવિચારથી માંડીને ઊંડામાં ઊંડા રહસયવાળી દાખલ કરું છું.’૨૭ ‘ઊંડામાં ઊંડા રહસ્યવાળી ગણાવેલી કવિતામાં પણ રીતિ તો સરલ-પ્રાસાદિક રાખી છે એ ઉમેરવું જોઈએ. આ સારલ્ય અને પ્રસાદ એમની લોકચાહનાના બીજરૂપ હતાં. પ્રચલિત ઢાળોને સ્વીકારતી મધુર બાનીમાં લખાયેલી વિપુલ રાસકવિતાએ તથા ગુજરાત પ્રીતિ અને રાષ્ટ્રભાવનાના સાચા, આંતરિક ઉદ્રેકથી રચાયેલી, એ સમયના રાષ્ટ્રીય વાતાવરણમાં લોકોની જરૂરિયાત બની રહેલી પ્રેરકતા ધરાવતી, રાષ્ટ્રવિષયક કવિતાએ એ લોકપ્રિયતાને વધુ ગાઢ ને વ્યાપક બનાવેલી. એક પારસી કવિની શુદ્ધ ગુજરાતી બાની, શુદ્ધ ગુજરાતી માટેના એમના હૃદયપૂર્વકના અને ખંતપૂર્વકના આગ્રહો તેમ જ અંગત જીવનની વિટંબણાઓની વચ્ચે ય એમણે નિષ્ઠા ને લગનપૂર્વક કરેલી સાહિત્યસેવા – એ બધાનો પણ એમના પ્રત્યેના પ્રેમાદરને વ્યાપક બનાવવામાં ફાળો રહેલો. સમકાલીન સાહિત્ય-પ્રવાહો ને પ્રયોગો સામે એમણે ઉગ્રપણે કરેલા પ્રતિવાદો, છંદાદિના એમના લાક્ષણિક પ્રયોગો, વિવિધ ને વ્યાપક વિષયોમાં પ્રવેશતી એમની કવિતામાં એક સરખી રીતે ટકી રહેતી પ્રાસાદિકતા – એ સર્વથી સાહિત્યરસિકોનું પણ એમના પ્રત્યે ધ્યાન ખેંચાતું રહેલું. આવી કાવ્યગત વિલક્ષણતાઓએ એમની આસપાસ એક આબોહવા રચેલી. એમની કવિતાની કેટલીક કચાશો ધ્યાનમાં આવી હતી છતાં કંઈક ઉદારભાવે એમના સમકાલીનોમાં એમનું મહત્ત્વ અંકાતું રહેલું. એમનો સુવર્ણમહોત્સવ ઉજવાયેલો, સાહિત્યપરિષદના તે પ્રમુખ બનેલા ને એમના ઘણા કાવ્યસંગ્રહો યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં સ્થાન પામેલા – એ તેમની આ વ્યાપક લોહચાહનાના તેમજ એમની સમકાલીન સાહિત્યિક પ્રતિષ્ઠાના મોટા સંકેતો છે. એમની કવિતાનું થયેલું વિવેચન પણ આ દૃષ્ટિએ જોવા જેવું છે. એમના પહેલા જ કાવ્યસંગ્રહને સત્કારનાર પણ એની કચાશોને સ્પષ્ટ નિર્દેશનાર આનંદશંકર, ખબરદારના સુવર્ણમહોત્સવ વખતે એમની સર્જનપ્રવૃત્તિની કરેલી દીર્ધ સમાલોચનામાં કવિનું ઘણું મહત્ત્વ આંકે છે. ખબરદારને બીજાની કવિતામાંથી પ્રેરણા પામનાર વર્જિસ, મિલ્ટન, પ્રેમાનંદ આદિના વર્ગના ગણાવીને તથા એમને સમસ્ત ગુજરાતી કવિતાના ‘greatest commonfactor’ તરીકે ઓળખાવીને, એમના આ ઉપકવિત્વનું પણ આનંદશંકરે મોટું ગૌરવ કર્યું છે. એટલું જ નહીં, સ્વાયત્ત કવિ કરતાં આવા પરાયત્ત કવિના કાર્યને, એક બહુ અસંગત લાગે એવા ઉદાહરણથી, વધુ મહત્ત્વનું ઠેરવવા જેવું એમણે કર્યું છે. તેઓ કહે છેઃ ‘એક રીતે જોતાં આકાશમાં ટાંગેલા મત્સ્યની સામું જોઈને એનો વેધ કરવો જેટલો કઠણ નથી, તેટલો પાણીમાં પ્રતિબિંબ જોઈ મત્સ્યવેધ કરવો કઠણ છે.’૨૮ અભિવાદનની પ્રાસંગિકતામાં થઈ ગયેલા આવા અતિકથનમાં વિવેચનાત્મક મૂલ્યાંકનનાં ધોરણોનો આગ્રહ છોડી દેવા જેવું થયું છે. આવાં ધોરણોનો પ્રશ્ન, ‘દર્શનિકા’નાં વિવેચનોમાં વધુ તીવ્રતાથી ઊભો થયો છે. સરળતાને કારણે ‘ધ્વનિનિષ્પત્તિ માટે ક્ષેત્ર જ ન રહેવા દેતી’ ‘ભજનિકા’ની કવિતાથી ખાસ સંતુષ્ટ ન થનાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘દર્શનિકા’ વિશે તો ખૂબ વાગ્મિતાભર્યો પ્રશસ્તિમૂલક અભિપ્રાય આપી દે છેઃ ‘અત્યારે તો કાળના પવન ખાતો, સહેતો, ઝોલાં ખાતો છતાં સ્થિર, બ્રહ્માંડમાં નજર કરતો પરંતુ જીવનનાં જળ પી પી લીલોછમ રહેતો, ચોગમ સ્વાનુભવમાંથી જ સૌંદર્ય ઉપજાવતો, સૌંદર્યમાં રાચતો મહાવૃક્ષ જેવો એ કવિ છે. ‘વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ".૨૯ ખબરદાર જાણે ગુજરાતીમાં કોઈ અપૂર્વ ઘટના સર્જનાર મહાન કવિ હોય એવો પ્રભાવ પાડતું આ વર્ણન ‘દર્શનિકા’માંના કવિત્વને સંદર્ભે સાવ અપ્રસ્તુત બની રહે એવું છએ. ભાનાવાદનું આકર્ષણ વિષ્ણુપ્રસાદ જેવી વિવેચકદૃષ્ટિને કેવી અસંતુલિત કરી ગયું એનું આ એક નિદર્શન છે. વળી, ‘દર્શનિકા’ના કવિને ‘સ્વાનુભવમાંથી જ સૌંદર્ય ઉપજાવતો... મહાવૃક્ષ જેવો’ કહ્યા પછી, આ જ લેખમાં, ‘સમન્વયની હશે પણ સિદ્ધાતોની ખાસ નવીનતા ‘દર્શનિકા’માં નથી’, એવા સ્વીકાર સુધી તો એમને આવવું પડે છે એ, અગાઉના ઉદ્‌ગારમાંના અતિકથનને લીધે એમની સમીક્ષામાં આવી ગયેલા આંતરવિરોધ(Contradiction)ને દર્શાવી જાય છે. આવો જ કંઈક આંતરવિરોધ અનંતરાય રાવળે કરેલી ‘દર્શનિકા’ની વિગતપૂર્ણ સમીક્ષામાં પણ જણાય છે. એમને આ કૃતિમાં કવિતાનું એકધારું ધોરણ જળવાયેલું જણાયું નથી. તેઓ કહે જ છે, કે, ‘કાવ્યપ્રતિભાના ખરેખરા તેજસ્વી ચમકારા પછી તરત જ કાવ્યવિહોણી ચર્ચા તથા શુષ્ક પૃથ્થક્કરણો આવ્યા કરે છે. કેટલીકવાર કવિતા કવિતા રહેતી નથી પણ સાદું ગદ્ય બની જાય છે. આમ છતાં એમણે આરંભમાં તો આ કૃતિને ‘તેના કવિની પરિણત પ્રજ્ઞાનું પરિપક્વ ફળ’ કહી છે ને એમાં ‘કવિતા અને અને તત્ત્વદર્શનનો વિરલ સમન્વય’ જોયો છે! એક તબક્કે તો તત્ત્વદર્શી કવિતાની બાબતમાં ખબરદારની ઘણી મોટી મૂલ્યત્તા એમણે આંકી છે. તેઓ કહે છે, ‘આખા કે ગોવર્ધનરામની કવિતાનો પ્રવાહ તત્ત્વજ્ઞાનના ભાર નીચે કુંઠિત થઈ જાય છે તેવું ખબરદારને વિશે નથી બનતું.’ પણ પછી સાચા મૂલ્યાંકનની દિશામાં તેઓ ગયા છે. કાવ્યકળાની દૃષ્ટિએ આ કાવ્ય એમને નબળું લાગ્યું છે ને એ માટે ‘ચિંતનતત્ત્વ પર જ એમનું વધું લક્ષ એકાગ્ર થયું હોવાને કારણે એમ બન્યું હશે’ એવું અનુમાન એમણે કર્યું છે. જો આમ જ હોય તો પછી અખા કે ગોવર્ધનરામથી જુદા પડ્યાની કે ‘કવિતા અને તત્ત્વદર્શનનો વિરલ સમન્વય’ થયાની, અગાઉ કહેલી વાત શી રીતે ટકી શકે? ખરેખર તો ‘દર્શનિકા’માં તત્ત્વદર્શનની કોઈ સંકુલતા પ્રગટતી નથી – એનું અતિસરલીકરણ જ થયું છે. કાવ્યત્વ પણ મહદંશે તો સાદી વિધાનાત્મકતાની નીચે દબાયેલું રહે છે. અનંતરાયને પણ એ, ઊર્મિ, ઉન્નતકલ્પનાશક્તિ કે કાવ્યકસબની રીતે કલાપી, ન્હાનાલાલ કે કાન્તના જેવી શક્તિઓ દર્શાવતું લાગ્યું નથી ને ખબરદાર એમને સર્જક કવિને બદલે વધુ તો ‘ધ્યાનલક્ષી ભાષ્યકવિ’ જણાયા છે પરંતુ કવિની આવી મર્યાદા પણ એમને છેવટે તો સાપેક્ષ અને એથી ક્ષમ્ય જણાય છે– ‘આ તો બધું સાહિત્યવિવેચનનાં કલાધોરણોની દૃષ્ટિએ; બાકી જેવી છે તેવી ‘દર્શનિકા’ ગુજરાતી કવિતાસાહિત્યમાં ગણનાપાત્ર ફાળો છે એમાં બેમત હોઈ શકે નહીં.’૩૦ અહીં આશ્ચર્ય એ થાય છે કે કલાધોરણોને જ દૂર રાખીને કવિનો કોઈ ફાળો, એનું કોઈ ઐતિહાસિક સ્થાન પણ, શી રીતે નિર્ણિત કરી શકાય! રવિશંકર જોશીને પણ ‘દર્શનિકા’માં એકના એક વિચારોનાં પુનરાવર્તનો, વિષયાન્તરો, ગદ્યાત્મકતાથી ખંડિત થતી પ્રવાહિતા, ‘નિર્વીર્ય ઊર્મિ ને નિસ્તેજ ભાષા’ આદિ દોષો તો જણાયા જ છે, એમાંનાં અનુકરણોને લીધે ‘વ્હોરેલા માલની પરખથી’ જાણકાર વાચકનો રસ ઊડી જતો પણ એમને લાગે છે. પણ આવા બધા દોષો ‘ચિંતનની ભવ્યતા ને ઝૂલણાના આરોહ-અવરોહ’ને કારણે એમને ક્ષમ્ય લાગે છે. એમણેએક વિલક્ષણ વિધાન કર્યુ છે કે "દર્શનિકા’ ગુજરાતનો અસાધારણ ગ્રંથ છે તે જગતભરના તત્ત્વજ્ઞાનના અભ્યાસી’ને જ સમજાય.’૩૧ ‘જગતભરના તત્ત્વજ્ઞાનના અભ્યાસી’ને જો ‘વહોરેલા માલની પરખથી રસ ઊડી જતો’ અનુભવતો હો તો પછી, ઓછામાં ઓછું આવા વાચકને, આ કૃતિ ‘ચિંતનની ભવ્યતા’ વાળો ‘અસાધારણ ગ્રંથ’ હોવાની પ્રતીતિ શી રીતે કરાવી શકશે! ‘દર્શનિકા’નાં વિવેચનોમાં આવા આંતરવિરોધો વરતાય છે એનું એક કારણ છે. આ બધા જ વિદ્વાનોને એમાં કાવ્યસિદ્ધિની પાયાની મુશ્કેલીઓ તો નડી જ છે પણ આટલા વ્યાપક ફલક પર મુકાયેલા તત્ત્વચિંતનના, ગુજરાતીમાં તો પ્રથમ જ ગણી શકાય એવા, વિષય સાથે કવિએ કામ પાડ્યું છે એના પ્રભાવે એમની પાસે કેટલાક અહોભાવયુક્ત ઉદ્‌ગારો પણ કઢાવ્યા છે. એટલે કે આવા નવપ્રસ્થાનની (એને ‘નવપ્રસ્થાન’ ગણીએ તો) ઐતિહાસિકતાનું જ આટલું મોટું મૂલ્ય અંકાયું છે. આ જ કારણે સમય જતાં (–અલબત્ત, એમના કેટલાક સમકાલીન વિવેચકોએ પણ આ કૃતિને ‘મહાકાવ્ય’ ગણવાની સામે તો પ્રશ્નાર્થ ઊઠાવેલો. ૩૨–) ‘દર્શનિકા’નું કાવ્ય તરીકે થતું મૂલ્યાંકન વિશેષ સંતુલિત બને છે. સુન્દરમ્‌ને આ કૃતિ સ્વીકૃત વિષય અને એના નિરૂપણ ઉભયની દૃષ્ટિએ કાચી લાગે છે. એમને એમાં, ‘રસત્વની કોટિએ લઈ જાય એવું અર્થસામર્થ્ય’ ઝાઝું દેખાયું નથી ને ‘ઘણીવાર કાવ્યનો બોધ દલપતરીતિની કોટિએ’ સરી પડતો પણ જણાયો છે.૩૩ સમકાલીનોમાં પણ ખબરદાર કંઈક વિવાદાસ્પદ તો રહ્યા જ છે. એમનાં કેટલાંક ‘સાહિત્યક અપહરણો’ની ચર્ચા વિજયરાયે અને વિશ્વનાથે કરેલી ને એનો ઊહાપોહ પણ થયેલો. તો, એમણે નીપજાવેલા છંદોની ને અજમાવેલાં કાવ્યરૂપોની નવીનતા ને અપૂર્વતા અંગે ખબરદારે છંદોની ને અજમાવેલાં કાવ્યરૂપોની નવીનતા અને અપૂર્વતા અંગે ખબરદારે કેલા દાવા પણ વિવાદવિષય બનેલા છે. ‘કલિકા’ના સ્વરૂપ વિશે, ‘પ્રયત્નતત્ત્વ’ના એમના વિલક્ષણ સિદ્ધાંત વિશે ને એમણે ‘બ્લેન્ક વર્સ’ પ્રકારના ગણાવેલા એમના ‘મહાછંદ’ વિશે જહાંગીર સંજાનાએ બહુ આકરી (કવચિત્‌ આત્યંતિક બનતી), પણ વિચારણીય આલોચના કરી છે ને ખબરદારની વિચારણામાં રહેલી પાયાની મર્યાદાઓ અને એનાં કેટલાંક ચિંત્ય સ્થાનો બતાવ્યાં છે. એમણે તથા ડોલરરાય માંકડે ‘ગુજરાતી કવિતાની રચનાકળા’માં રહેલી પરિભાષાની સંદિગ્ધતા તેમજ શિથિલતા સ્પષ્ટપણે ચીંધી આપ્યાં છે. એમના કેટલાક વિલક્ષણ ખ્યાલો પણ વિવાદનું કારણ બન્યા છે. વ્યાખ્યાનોમાં અને અન્ય પ્રસંગપ્રાપ્ત લેખોમાં વારંવાર એમને સમકાલીન સાહિત્ય વિશે નારાજગી ને નિરાશા પ્રગટ કરેલાં છે. એમાં એમનો માપદંડ પદ્યરચનાની બાહ્ય પ્રયુક્તિઓની એમને જણાયેલી નબળાઈનો રહ્યો છે. આ દૃષ્ટિએ જોતાં એમને દલપતરામ-નર્મદના જમાનાની ‘સરળ પદલાલિત્યવાળી’ કવિતા ન્હાનાલાલ–બળવંતરાયની કવિતા કરતાંય ચઢિયાતી લાગે છે. ‘પદ્યની પરિપૂર્ણતાના’ આવા આગ્રહનાં જોખમો બતાવીને સુંદરમે ખૂબ વિગતે ખબરદારની આવી વિચારણાની મર્યાદાઓ ચીંધી બતાવી છે.૩૪ આવી વિલક્ષણતાઓ ખબરદારના સર્જનને પણ અવરોધરૂપ બની છે. વસ્તુને ‘નવીન રીતે દર્શાવવામાં’ જ મૌલિકતા અને સર્જકતા છે એવા દૃઢમૂલ થઈ ગયેલા ખ્યાલને કારણે પોતાનાં અનુકરણોને એ ન્યાય્ય ઠેરવતા રહ્યા એટલું જ નહિ ‘કવિતાની કલા જેટલી સર્જક તેટલી અનુકરણશીલ’, એ પ્રકારના ખ્યાલથી અનુકરણને સર્જકમાત્રની આવશ્યકતા ગણી એના પર મુસ્તાક રહ્યા – એણે પણ એમની સર્જકશક્તિઓને બહુધા કુંઠિત રાખી છે. ટૂંકા ગાળામાં વિપુલ સર્જન એમની લાક્ષણિકતા હતી. પ્રેરણાના આવેગ હેઠળ એમણે સેંકડો પંક્તિઓ એક બેઠકે ને લાંબી લાંબી કૃતિઓ ખૂબ ઓછા સમયમાં લખી દીધી છે. આને એમણે પોતાનો શક્તિવિશેષ પણ માન્યો છે ને સંગ્રહોની પ્રસ્તાવનાઓમાં કે અન્યત્ર અપાયેલી કેફિયતોમાં એનો સગર્વ ઉલ્લેખ પણ કર્યો છે. કવિ તરીકે પ્રથમ જ મોટી પ્રશંસા અપાવનાર સો દૃષ્ટિાન્તિક દોહરા થોડાક દિવસમાં રચાઈ ગયેલા એ ફાવટ એમનામાં વિકસતી –વિવર્ધિત થતી રહી છે ને પરિણામે એમની ‘કલિકા’, ‘દર્શનિકા’, ‘નંદનિકા’ આદિ સુદીર્ઘ અને મહત્ત્વાકાંક્ષી કૃતિઓ બબ્બે-ત્રણ ત્રણ માસના ટૂંકા ગાળામાં રચાઈ ગયેલી છે. એક પ્રશ્નોત્તરીમાં એમણે નોંધ્યું છે એમ, પ્રેરણાબળે ઊતરી આવેલી આવી કવિતામાં એમને પછીથી કોઈ શબ્દ પણ ભાગ્યે જ બદલવો પડ્યો છે! પરંતુ આ પ્રકારના પોતે માની લીધેલા શક્તિવિશેષો પર મુસ્તાક રહેવાનું કોઈ પણ કળાકારને પરવડે નહીં, એનું પરિણામ સાદ્યંત સુઘડ અને ઘૂંટાયેલી રચનાને બદલે લાગણી, ભાવના, વિચારાદિની કાચી સામગ્રીના સાવ શિથિલબંધ વિરૂપ પદ્યાવતારમાં જ આવે એ સ્વાભાવિક છે. કારણ કે આવાં કેવળ પ્રેરણાજનિત પરિણામોમાં કવિના મથન અને મુકાબલાનો, એના કવિકર્મનો, છેદ જ ઊડી ગયેલો હોય છે. ખબરદારની કવિતા આવા નુકસાન નો ભોગ પણ બની છે. ખબરદારમાં એક તરફ આવું ઝડપી લેખન અને અતિલેખન છે તો બીજી તરફ પેલી અન્યપ્રેરિતતા છે. એને લીધે પ્રેરણાજન્ય સર્જનને સહજ એવો ઉદ્રેક પણ ખબરદારની મોટાભાગની કવિતામાં અનુભવાતો નથી. આથી રમણલાલ જોશીએ કહ્યું છે એમ, ‘કવિતાને કળારૂપ આપવા એ બિલકુલ થોભતા નથી તો ઊલટ પક્ષે એમની કવિતામાં આવેગ પણ નથી’૩૫ એ, આવી વિલક્ષણ પરિસ્થિતિમાંથી અવતરતી ખબરદારની કવિતા માટેનું યોગ્ય નિરીક્ષણ છે. ખબરદારની કવિતાની મોટી મર્યાદા અભિવ્યક્તિની અને કાવ્યબાનીની છે. એમાં આ અનુકરણવૃત્તિ પણ ઠીક ઠીક કારણરૂપ બનેલી છે. સ્વીકૃત સામગ્રીને નવીન રીતે દર્શાવવામાં એમણે પદ્યના બાહ્ય દેહની પરિપૂર્ણતાની ચોકસાઈ સેવી છે એથી ભાવ-ભાષાનું સાયુજ્ય કે એકત્વ રચાયું નથી ને અસહજ નિર્વહણને પરિણામે કાવ્યની રચના કૃતક બની ગઈ છે. પ્રાસના આગ્રહમાં અને ગીત કવિતામાં ન્હાનાલાલ પ્રકારની લલિત શબ્દાવલી યોજવા જતાં વિચિત્ર લાગતા અને ક્યારેક વ્યાકરણદુષ્ટ રહેતા શબ્દપ્રયોગો એમની કવિતામાં પ્રવેશી ગયેલા જોવા મળે છે. શુદ્ધ ગુજરાતીનો નિષ્ઠાપૂર્ણ આગ્રહ હોવા છતાં, કેટલીક પારસીશાઈ વિલક્ષણતાઓએ પણ એમની અભિવ્યક્તિ પર ને સમગ્રતયા એમની કાવ્યબાની પર વિપરિત અસરો કરી છે. આવાં અસંખ્ય ઉદાહરણો નોંધી શકાય. લાલિત્યભાવ દર્શાવવા માટે ‘વસંતડી’, ‘માતલડી’(માતા), ‘જીવન સાંકળડી’(સાંકળ), ‘કોરલી’(કોરી), ‘કોમલડાં’, ‘કાળનાં મોજડાં’(મોજાં) ઈત્યાદિ અસુભગ, અને પરિણામે લાલિત્યવિરોધી ભાવ જગાડતા, અનેક શબ્દો એમણે પ્રયોજ્યા છે, તો ‘રાતી ગાય’ ને બદલે ‘રંગીન ગાય’, ‘ઝૂમે’ ને માટે ‘ઝૂમાય’, ‘સાંભળશો’, ‘શ્રવણ કરશો’ના અર્થમાં ‘શ્રવણશો’ જેવા વિચિત્ર પ્રયોગો કર્યા છે ને ‘રત્નગદા’, ‘ગાન કોદાળી’ જેવા વિલક્ષણ રૂપકાત્મક સમાસો રચ્યા છે. નરસિંહરાવે એમની આરંભકાલીન કવિતામાંથી ખૂબ વિગતે ને ઝીણવટથી ભાષાદોષો તારવી આપેલા, પણએ પછીની કવિતામાં એવી ક્ષતિઓ ખબરદારે ખાસ નિવારી નથી. ઊલટું, નર્મદ આદિમાંથી એવી ભાષાક્ષતિઓ નિર્દેશીને પોતાનો બચાવ કરવાનું નકારાત્મક વલણ એમણે લીધું છે! પોતાના સર્જન વિશેનો એક ઊંચો ખ્યાલ પણ ખબરદારના વિકાસનો અવરોધક બન્યો છે. ‘દર્શનિકા’ને માટે એ પોતે જ પ્રમાણપત્ર આપે છે કે ‘માનવજીવન પર ચોમેરથી પ્રકાશ ફેંકતું આવું વિસ્તૃત કાવ્ય – ચિંતન કાવ્ય મેં બીજી કોઈ ભાષામાં વાંચ્યું નથી’.૩૬ ‘કલિકા’ માટે કોઈ મિત્રે આપેલા અંગત અભિપ્રાય – ‘Loves Encyclopaedia–પ્રેમનો સર્વકોષ’–ને પોતે પણ સમર્થિત કરે છે, પોતે ‘સિદ્ધ’ કરેલા સોનેટના ‘સાચા’ સ્વરૂપ ‘ધ્વનિત’માં ‘સૌ કોઈ પોતાની પ્રતિભા ચમકાવી નામના મેળવી શકે છે’ એ પ્રકારની સગર્વ ખાતરી આપે છે. પોતાની કવિતાની યોગ્ય કદર ન થયાની ફરિયાદ પણ એમણે વારંવાર કરી છે. આવી આત્મરતિને માનવસહજ નબળાઈ ગણીએ તોપણ એક પ્રકારની પરિપૂર્ણતાની ને તુષ્ટિની ગ્રંથિ સર્જકને કુંઠિત તો કરે જ – પછી તો વિપુલતામાં જ એને વિકાસ દેખાય. આવા વિલક્ષણ ખ્યાલો અને ગ્રંથિઓએ ખબરદારમાં નિહિત શક્તિઓને વિકસતાં રોકી છે. આવો અવરોધ ન હોત તો સતત સર્જનરત અને સાહિત્યનિષ્ઠ રહેલ (– એમણે લખ્યું છે કે ‘મારું જીવન કવિતામય જ ગયું છે’ એ તો સાચું જ છે–) ખબરદાર એમની સર્જકતાની કક્ષાએ રહીને પણ ઘણું વધારે સિદ્ધ કરી શક્યા હોત. આ ઐતિહાસિક સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં તપાસતાં ખબરદારની કવિતામાં આજે શું ટકી રહે એવું છે ને ગુજરાતી સાહિત્યને એમણે કરેલા પ્રદાનને સંદર્ભે એમની કેવી સાહિત્યિક મુદ્રા રચાય છે એ તારવવું જોઈએ. ખબરદારના સમગ્ર સાહિત્યકાર્ય પર એક વ્યાપક નજર નાંખતાં પણ સૌ પ્રથમ ને સૌથી વધુ નોંધપાત્ર જે ચિત્ર ઊપસે છે તે એક ગુજરાતીપ્રેમી અને દેશભક્ત કવિનું છે. ગુજરાત ને ગુજરાતી ભાષા માટેની પ્રબળ ચાહના, દેશના સ્વાતંત્ર્ય માટેની તીવ્ર અભીપ્સા ને એ માટેની સક્રિયતા એમનાં કાવ્યોમાં પ્રતીત થાય છે. એમના પહેલાં નર્મદ આદિમાં આ વિશેની કવિતા જૂજ હતી અને ગાંધીજીની અસહકારની લડતના આરંભ પૂર્વથી ‘ભારતનો ટંકાર’ દ્વારા શરૂ થયેલી એ વિશેની ખબરદારની કવિતા સતતપણે રાષ્ટ્રભાવનાને પ્રેરક બનતી રહી છે. આ બે બાબતોને ઐતિહાસિક મૂલ્ય ગણીએ તો પન સ્વદેશપ્રીતિની જે બહુપ્રચલિત અને બહુપ્રશસ્ત, થોડીક પણ ઉત્તમ રચનાઓ એમણે આપી છે તે આજેય એમાંના ભાવરણકાર અને એની ઉદ્રેકશીલ ભાષાને કારણે તાજગીપૂર્ણ લાગે છે. રાષ્ટ્રભાવનાના સંવેદનને એમણે ઊર્મિજન્ય પ્રીતિના ઉત્કટ સંવેદનને સ્તરે ઊંચક્યું એ એમનું મહત્ત્વનું પ્રદાન લેખાશે. કાવ્યરચનામાં જ્યાં જ્યાં એમનું સંવેદન પરાયત્ત રહ્યું નથી ત્યાં ત્યાં એમનો આગવો વિશેષ પણ ઊપસ્યો છે. રાષ્ટ્રભક્તિની કવિતામાં નર્મદના અનુગામી હોવા છતાં એના કોઈ અનુસરણમાં તે તણાયા નથી. ઊલટું, એ વિષયમાં પોતાની ઉત્તમતા સિદ્ધ કરી છે. ભક્તિવિષયક કેટલીક રચનાઓમાં પણ ખબરદારની આવી જ વિશેષતાઓ ઊપસી છે. એમના ભક્તિસંવેદનનો આંતરિક ઉદ્રેક જ્યાં બળવત્તર બન્યો છે ત્યાં સંતની વાણીના જેવો અનુભવનો રણકો તેમજ પ્રસાદમધુર બાનીનું સૌંદર્ય પ્રગટ્યાં છે. રાષ્ટ્રપ્રેમની જેમ ભક્તિપ્રેમ એમના વ્યક્તિત્વનો જ સબળ અને ઉત્તમ ઉન્મેષ હતો. એથી પણ કેટલીક સંતર્પક રચનાઓમાં નિજી મુદ્રા ધરાવતું એક મૌલિક અને તેજસ્વી રૂપ પ્રગટ્યું છે. ખબરદારનું આગવું ગણાય એવું મહત્ત્વનું પ્રદાન એમનાં પ્રતિકાવ્યો છે. શૈલીથી જ શૈલીની નિરર્થકતા સૂચવવાની અને ઉપહાસને રસ્તે સુધારો તાકવાની પૅરડીની વિશેષતા ખબરદારે પૂરી શક્તિથી સિદ્ધ કરી છે. વિવેચનાત્મક પ્રતિવાદના એક સબળ માધ્યમ તરીકે પ્રયોજાયેલા આ સ્વરૂપમાં એમનાં માર્મિકતા અને નર્મશક્તિ પણ નોંધપાત્ર અને આસ્વાદ્ય બન્યાં છે. છંદ અંગેના પ્રયોગો અને દીર્ધકવિતાનું ખોડાણ ખબરદારને માટે બહુ યશોદાયી નીવડ્યાં ન થી ને એથી એ એમનું અર્પણ બની શક્યાં નથી. છંદ વિશેની કેટલીક પાયાની ગેરસમજોને લીધે એમના ‘મુક્તધારા’ કે ‘મહાછંદ’ યોગ્ય માધ્યમ તરીકે અનુસરણીય બન્યા નથી – દીર્ધકવિતા માટેના છંદની આપણે ત્યાંની કેટલીક નિષ્ફળ મથામણો પૈકીની એક મથામણ લેખે જ એનું મૂલ્ય ટકે છે. પ્રેમસંવેદનને અને તત્વચિંતનને લાંબા અને વ્યાપક ફલક પર ઉપસાવવામાં જોઈતું મૌલિક દર્શન ને એને ઝીલનારી પ્રતિભા ખબરદારમાં નહોતાં. એથી થોડાક તેજસ્વી ઊર્મિસ્પંદો આસ્વાદ્ય બન્યા હોય તે સિવાય એમાં સમગ્રપણે ઝાઝું નીપજ્યું નથી. કેટલાંક છંદસંયોજનો એમનાં ઉદ્‌ઘોષણાત્મક ને પ્રેરક દેશભક્તિનાં કાવ્યો માટે ઉચિત ઠર્યાં હતાં એટલું નોંધી શકાય. ગદ્યલેખન ખબરદારે કોઈ સર્જનાત્મક કે વિવેચનાત્મક ઉદ્દેશ્યથી પ્રેરાઈને કરેલું નહોતું એટલે સમગ્રીની દૃષ્ટિએ ખબરદારની વિચારણાનો કોઈ તબક્કાવાર વિકાસ એમાં જોવો પ્રસ્તુત રહેતો નથી. પરંતુ આ લખાણોના ગદ્યમાં વક્તવ્યની કેટલીક છટાઓ અને વિવિધ મુદ્રાઓ આસ્વાદ્ય છે, વિશેષ તો એમનાં વ્યાખ્યાનોના ને એમના પત્રોના ગદ્યમાંની. એમના પત્રો કેવળ દસ્તાવેજી વિગતો ન રહેતાં સંઘર્ષપૂર્ણ જીવનનું એક જીવંત દૃશ્ય પણ બની રહે છે. ને વ્યાખ્યાનોમાં માહિતી કરતાં એમાંનો ઉદ્રેકપૂર્ણ ઉછાળ વધુ નોંધપાત્ર બને છે એ પણ ખબરદારની સાહિત્યિક મુદ્રાની એક મહત્ત્વની રેખા છે. ખબરદાર એમના જમાનામાં એક પ્રભાવક સાહિત્યિક વ્યક્તિત્વ ધરાવતા હતા. ઓછી સર્જનાત્મક શક્તિવાળા ઉપ-કવિ ગણાય એવા સર્જકનું આવું સ્થાન વિરલ અને લાક્ષણિક ગણાય. જીવનભર અવિશ્રાંત રીતે એ સર્જનકાર્ય કરતા રહ્યા. સાક્ષરયુગીન સાહિત્યનિષ્ઠા પણ એમનામાં નોંધપાત્ર હતી. એમના સમયની લગભગ તમામ સાહિત્ય–પ્રવૃત્તિઓ સાથે તે સક્રિય રીતે સંકળાયેલા હતા. કશુંક નવું કરવાની તમન્ના અને મહત્ત્વાકાંક્ષા એમનામાં સતત રહ્યાં હતા. ન્હાનાલાલ અને બળવંતરાય જેવા મોટા સર્જકોની સાહિત્યપ્રવૃત્તિનો સતત પ્રતિવાદ કરીને તથા અટપટી, અઘરી કવિતાની સામે ઊહાપોહ જગાડીને એ ધ્યાનપાત્ર બન્યા હતા. ભાષાની પ્રાસાદિતા ને સરલતાની આરાધનાએ એમની કવિતાને, સાક્ષરયુગીન કવિતાને મુકાબલે, સુગમ ને સદ્યોગમ્ય બનાવી હતી. પ્રાસાદિકતા એમની સિદ્ધિ પણ હતી – આ સર્વથી ખબરદારનું એક આગવું સાહિત્યિક વ્યક્તિત્વ બંધાયેલું. આ સમકાલીન પ્રભાવકતાએ ખબરદારની એક લાક્ષણિક સાહિત્યિક મુદ્રા આંકી આપી છે. પરંતુ આજે, એમના જન્મથી એક સદીને અંતરે ને એમના સાહિત્યકાર્યથી પચાસ-પંચોતેર વર્ષને અંતરે રહીને જોતાં આવી મુદ્રા સંમિશ્ર ભાવ જન્માવે છે – આવો પ્રભાવશાળી લેખક એના સર્જનમાંથી આજને માટે કેટલું ઓછું બચાવી ગયો છે! થોડીક વધુ સર્જકતા હોત, કે ઓછામાં ઓછું, જે કંઇ સર્જનશક્તિ હતી તે એમના કેટલાક વિલક્ષણ ખ્યાલોથી અવરુદ્ધ ન થઇ હોત તો પેલો પ્રભાવ લેખે લાગ્યો હોત ને થોડીક વધુ રચનાઓ આજેય પ્રસ્તુત ને અસ્વાદ્ય રહી હોત, એવી લાગણી પણ જન્મે છે.