ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠની : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર-૨
રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા :
કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર - ૨
‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’
કવિતાની તુલનાત્મક વિચારણા
આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે રમણભાઈએ તેમની સાહિત્યિક કારકિર્દીના આરંભે ‘કવિતા’ નિબંધમાં પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓને અભિમત કાવ્યસિદ્ધાંતનો પુરસ્કાર કર્યો અને શુદ્ધ ‘અંતર્ભાવપ્રેરિત’ કવિતા તે જ ખરી કવિતા એવો ખ્યાલ પણ પ્રતિષ્ઠિત કર્યો. એ કારણે જ તેઓએ ‘સર્વાનુભવરસિક’ કવિ કરતાં ‘સ્વાનુભવરસિક’ કવિ ચઢિયાતો એવો મત પણ પ્રગટ કર્યો, અને આમ છતાં, એ સર્વ ચર્ચાવિચારણા કરતી વેળા તેમની દૃષ્ટિ સમક્ષ વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, શેક્સપિયર, મિલ્ટન આદિ મહાન પ્રતિભાસંપન્ન સર્જકોની દીર્ઘ સાહિત્યકૃતિઓ પણ ચમકી રહી હતી. શુદ્ધ ‘પ્રેરણા’મૂલક ટૂંકી રચનાઓ તો કવિની ‘પ્રેરણા’ (કે ‘અંતઃક્ષોભ’)ની ક્ષણે કવિચિત્તમાં અખિલ રૂપે અભિવ્યક્ત થાય, પરંતુ દીર્ઘ કૃતિઓની સર્જકતાનું રહસ્ય શું? તેમણે કવિતાની ઉત્પત્તિ લેખે કવિના ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો તે પૂર્વે એરિસ્ટોટલ અને બેકનના કાવ્યસિદ્ધાંતોને સમન્વિત કરવાનો પ્રયત્ન પણ કરેલો, તે આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. એ પ્રસંગે જ દીર્ઘ કવિતાનો રચનાવ્યાપાર સ્પષ્ટ કરવાનો તેમનો આયાસ દેખાય છે. એ પછી તેમણે જ્યારે ‘પ્રેરણાજનિત’ ટૂંકી કવિતાનો વિચાર આરંભ્યો છે ત્યારે પણ દીર્ઘ કવિતાની સર્જકતાનો વિચાર તેઓ પ્રસંગે પ્રસંગે સાંકળી લેતા રહ્યા છે. વર્ડ્ઝવર્થ-શેલીને અભિમત કવિના ‘અંતઃક્ષોભ’ની ચર્ચાવિચારણા કરતાં તેમણે દીર્ઘ કવિતા વિશે કેટલાક તૂટક વિચારો રજૂ કરેલા છે. તેમની એ સર્વ વિચારણાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : (અ) કાવ્યસાહિત્યનો ઘણો ભાગ શુદ્ધ પ્રેરણાજનિત નથી.[1] એમાં કવિની ‘સુંદર અને ઉન્નત કલ્પના’[2] નો વ્યાપાર પ્રવર્તતો હોય છે. જો કે એવી કવિતાના ઉદ્ભવમાં ય કવિને પ્રથમ તો ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’ ઉદ્ભવી હોવી જોઈએ.[3] (બ) દીર્ઘ કવિતામાં વચ્ચે વચ્ચે ‘અંતર્ભાવ’ (કે ‘અંતઃક્ષોભ’) મૂલક કવિતા નિરૂપાતી હોય છે.[4] (ક) આ પ્રકારની કલ્પનાના પ્રાધાન્યવાળી રચના ઊતરતી કોટિની ગણાય.[5] (ડ) કલ્પના એ આમ તો કવિને માટે ‘સાધનભૂત’ છે પરંતુ મહાકવિમાં તે વિશેષ મહત્ત્વવાળી હોય છે.[6] અહીં તેમની દીર્ઘકવિતાની વિચારણામાં ‘કલ્પના’ વ્યાપારને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. જો કે પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં તેઓએ એ વ્યાપારની વ્યાખ્યા કરી નથી. (આ ચર્ચા પૂર્વે તેમણે બેકનના કાવ્યસિદ્ધાંતના ‘કલ્પના’વાદનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ‘કલ્પના’ વ્યાપારનો ઉલ્લેખ કર્યો છે.) આમ, કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેઓ દીર્ઘ કવિતાની ઉત્પત્તિનો વિચાર આરંભે છે; અને તે સાથે જ તેઓ કવિતાના ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એમ ભેદ પાડે છે. તેઓ નોંધે છે : “અન્તર્ભાવપ્રેરિત (Emotional) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. પોતાના અનુભવથી ઉત્પન્ન થયેલા કવિના ભાવનું ચિત્ર એમાં આવે... પોતાના અનુભવવાળી આ કવિતાને અંગ્રેજીમાં subjective કહે છે. રા.નવલરામે આ શબ્દનો અર્થ ઘણી યોગ્ય રીતે ‘સ્વાનુભવરસિક’ એ પદથી કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત કવિતાના વર્ગમાં સ્વાનુભવરસિક સિવાય એક બીજો ભેદ છે, અને તેનું નામ ‘સર્વાનુભવરસિક’ (objective). એ પદ પણ રા.નવલરામે ઘણી યોગ્યતાથી કલ્પ્યું છે. સ્વાનુભવરસિક કવિતામાં કવિના પોતાના અનુભવથી થયેલા ચિત્તક્ષોભનું ચિત્ર હોય, અને સર્વ ઠેકાણે કવિના અન્તરાત્માની મૂર્તિ છપાયેલી હોય. સર્વાનુભવરસિક કવિતામાં કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર હોય. એમાં કવિ પોતાનું અન્તઃસ્વરૂપ ગુપ્ત રાખી જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ થઈ સૂક્ષ્મ પરીક્ષાથી ચમત્કાર આપે છે.”[7] રમણભાઈની પ્રસ્તુત ચર્ચામાંથી ઉપસ્થિત થતા કેટલાક મુદ્દાઓનું હવે અવલોકન કરીએ. (અ) અહીં તેઓ પોતાની કાવ્યવિચારણામાં પ્રથમ વાર ‘સ્વાનુભવરસિક કવિતા’ અને ‘સર્વાનુભવરસિક કવિતા’ એવા ભેદો પાડે છે. “સ્વાનુભવરસિક કવિતાને તેઓ ‘અન્તર્ભાવપ્રેરિત’ રચના તો ગણે જ છે. પણ ‘સર્વાનુભવરસિક’ કવિતાને ય તેઓ ‘અન્તર્ભાવપ્રેરિત’ ગણાવે છે. આમ, તેઓ ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એ બંને કાવ્યપ્રકારોનો ઉદ્ભવ ‘અન્તર્ભાવ’માંથી જ થાય એવું મંતવ્ય દર્શાવે છે. પરંતુ એ રીતે તેમનો ‘અંતઃક્ષોભ’ (કે ‘અંતર્ભાવ’)નો સિદ્ધાંત વિસ્તરે છે અને મૂળ કાવ્યવિચારણામાંનો, (પાશ્ચાત્ય રોમેન્ટિકોને અભિમત), ‘અંતઃક્ષોભ’ કે ‘અંતર્ભાવ’નો જે મૂળ સંકેત હતો તે બદલાય છે. તેમણે આરંભમાં વર્ડ્ઝવર્થ-શેલીને અનુસરી ‘અંતર્ભાવ’ (કે ‘પ્રેરણા’)ને લોકોત્તર રહસ્યાનુભવ ગણાવ્યો હતો.[8] એવી ‘અંતર્ભાવ’ પ્રેરિત રચનાઓ ટૂંકી જ હોય એમ પણ તેમણે નોંધ્યું હતું.[9] (આવી રચનાઓ કવિની સંવિત્તિમાં અખિલ રૂપે પ્રકાશિત થાય છે એવો ખ્યાલ પણ તેમાં અભિપ્રેત હતો.) અહીં ‘સર્વાનુભસરસિક’ રચનાઓમાં કલ્પનાવ્યાપારને તેઓ સ્વીકારે છે. તે જોતાં ‘અંતર્ભાવ’ એ કાવ્યનો ‘બીજભૂત’ idea કે બીજભૂત લાગણી જ ગણાય. આમ, ‘અંતર્ભાવ’નું સ્વરૂપ બદલાયું-વિસ્તર્યું છે. તેમણે આરંભમાં એ સંપ્રત્યયનો જે સંકેત સ્વીકાર્યો હતો, તેનું રહસ્ય અહીં યથાવત્ જળવાતું નથી. વળી, આરંભમાં તેમણે એવું મંતવ્ય રજૂ કરેલું કે ‘અંતર્ભાવ’ પ્રેરિત કાવ્ય ટૂંકું જ હોય તેની જોડે પણ આ વિચાર સુસંગત રહેવા પામતો નથી. (બ) ‘અંતર્ભાવ’ પ્રેરિત કવિતામાં “પોતાના અનુભવથી થયેલા કવિના ભાવનું ચિત્ર આવે” એવો ખ્યાલ સ્વીકાર્યા પછી એ ‘અંતર્ભાવ’ના સિદ્ધાંતને તેમણે ‘સર્વાનુભવરસિક’ કવિતાની વિપુલ પાત્રસૃષ્ટિ અને તેની અનંતવિધ ભાવસૃષ્ટિ જોડે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. હવે ‘સ્વાનુભવરસિક’ કવિતાની જેમ જ ‘સર્વાનુભવરસિક’ કવિતા પણ કવિના ‘અન્તર્ભાવ’ પ્રેરિત જ હોય તો તેમાં “કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર” કેવી રીતે મૂર્ત થાય, અથવા, કવિની ‘સર્વાનુભવરસિક’ કોટિની કાવ્યસૃષ્ટિ જો ‘અન્તર્ભાવ’ પ્રેરિત જ હોય તો તેમણે નોંધ્યું છે તેમ કવિ પોતાનું ‘અન્તઃસ્વરૂપ’ કેવી રીતે છુપાવે એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જો કે નોંધપાત્ર હકીકત એ છે કે રમણભાઈની આ વિષયની વિકસતી વિચારણામાં આ પ્રશ્નો સ્પષ્ટ થતા રહ્યા છે. વળી તેઓ એક મહત્ત્વનો વિચાર સુન્દર રીતે પકડી શક્યા છે કે ‘સર્વાનુભવરસિક’ કવિતાનો સર્જક ‘જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ’ બનતો હોય છે. તેમની આગળની વિચારણા આ ભૂમિકાને જ સ્પષ્ટ કરતી આગળ વધી છે. (ક) ‘સ્વાનુભવરસિક’ કવિતાની જેમ ‘સર્વાનુભવરસિક’ કવિતાનો ઉદ્ભવ પણ ‘અંતર્ભાવ’માંથી થાય છે, એ ભૂમિકા સ્વીકારતાં ‘અંતર્ભાવ’નો સંકેત બદલાય છે – વિસ્તરે છે, એ હકીકતથી રમણભાઈ પોતે અભિજ્ઞ જણાય છે. તેમણે ‘અંતર્ભાવ’ શબ્દની સાથે યોજેલો અંગ્રેજી પર્યાય Emotional એ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. અહીં ‘અંતર્ભાવ’ દ્વારા સુદીર્ઘ કૃતિના મૂળમાં રહેલી બીજબૂત લાગણીનો સંકેત જ અભિપ્રેત છે એમ આપણે આગળ નોંધ્યું છે. વળી, તેમની કાવ્યતત્ત્વની ચર્ચામાં જ્યાં રચનાકલાના વ્યાપારને લગતી વિચારણા થઈ છે ત્યાં પણ આ ‘અંતર્ભાવ’ની ‘સ્વતંત્રતા’ની એટલી જ ભારપૂર્વક પ્રતીતિ થતી રહી છે,[10] અને, ત્યાં “અંતર્ભાવ”નો આ વિસ્તૃત સંકેત જ અભિમત જણાય છે. આમ, રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં જ સુદીર્ઘ કવિતાના સર્જકતાના પ્રશ્નનો કેટલોક મહત્ત્વનો વિચાર આરંભ્યો છે. તેથી કવિતાના ‘અંતર્ભાવ’ (કે ‘પ્રેરણા’)નું તત્ત્વ જ મૂળ બીજભૂત વસ્તુ છે. જો કે રચનાકલાના વ્યાપારો દ્વારા તેમાંથી વિસ્તારી રચના સંભવે છે. આ રચનાકલાના કાર્ય દરમિયાન કવિની સર્જકતા કેવી રીતે પ્રવૃત્ત થાય છે. એ મુદ્દાને વિકસાવતાં તેઓ કહે છે : “સર્વાનુભવરસિક કવિની વૃત્તિ વિશેષ જાતની હોય છે. તેની કવિતા અન્તર્ભાવપ્રેરિત હોય છે. તો તેનો અન્તર્ભાવ ગૂઢ રહેલો હોય છે. બહારની જ સૃષ્ટિનાં અને તે વિશેષ કરીને જનસ્વભાવનાં તથા બીજાના અન્તર્ભાવનાં ચિત્ર આપવામાં તેનું વિશેષ કૌશલ હોય છે. તેની સરજેલી વિચિત્ર સૃષ્ટિના નૃત્યને નિયમમાં રાખનારી ઘણી ઝીણી દોરી હાથ લાગે તો તે અંતે તેના હૃદયના ભાવ સાથે સાંધેલી માલૂમ પડે.”[11] અહીં તેઓ ‘સર્વાનુભવરસિક’ કવિની સૃષ્ટિની ‘વિચિત્રતા’નો ઉલ્લેખ કરે છે, અને તેઓ એવો મત પ્રગટ કરે છે કે એ ‘વિચિત્ર’ સૃષ્ટિ અંતે તો તેના સર્જકના ‘હૃદયના ભાવ’ સાથે સંકળાયેલી હોય છે. કવિની સૃષ્ટિ કવિના ભાવથી જ અનુપ્રાણિત હોય છે એવો મૂલ્યવાન વિચાર અહીં પ્રતિષ્ઠિત થયો છે. (જો કે દીર્ઘ કૃતિના ઉદ્ભવમાં રહેલા ‘અંતર્ભાવ’નો સંકેત અહીં વિસ્તરીને વધુ તો કવિની પ્રકૃતિગત સંવેદનશીલતાનો નિર્દેશ કરે છે.) આ ચર્ચાને આગળ વિકસાવતાં તેઓ કહે છે : “શેક્સપિયર અને કાલિદાસ જેવા મહાકવિઓ જે સ્વાનુભવ અને સર્વાનુભવ બન્નેના રસિક છે અને બન્ને વિષયમાં પરમ સંપત્તિમાન છે તેમની શ્રેષ્ઠતા તો અનુપમ જ છે. તેમની વિધાનકલા અને કવિત્વસામર્થ્ય અપૂર્વ છે, પરંતુ તેમના હૃદયમાં રહેલું સ્વાનુભવરસિકત્વનું આધિક્ય જ તેમના ભાવપ્રવાહની ઉત્કૃષ્ટતાનું અન્ત્ય મૂળ છે.”[12] પ્રસ્તુત વિચારણામાં તેઓ દીર્ઘ કૃતિઓના મૂળમાં રહેલા ‘સ્વાનુભવરસિકત્વ’ના ‘આધિક્ય’નો મહિમા કરે છે. શેક્સપિયર અને કાલિદાસ જેવા મહાકવિઓએ જે અસાધારણ કાવ્યસૃષ્ટિ રચી છે તેમાં તેમની વિધાનકલા ઉપરાંત તેમની ‘સ્વાનુભવસિકત્વ’ની ક્ષમતા જ રહેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો, મહાન સાહિત્યકૃતિઓની રચનામાં પાત્રસૃષ્ટિનું અનંતવિધ ચિત્રણ હોય છે તેની નિર્મિતિમાં તેના કવિની અપૂર્વ કલાવિધાનની સૂઝ હોય, એ ખરું, પરંતુ એ કૃતિઓની ઉત્કૃષ્ટતાનું અંતિમ મૂળ તો એ સર્જકોની સમૃદ્ધ સંવેદના જ છે. એ બૃહદ કાવ્યવિશ્વની સૃષ્ટિ પણ અંતે તો કવિની સંવેદના દ્વારા જ શ્વસે છે. આમ, દીર્ઘ ચર્ચાવિચારણાઓને અંતે રમણભાઈએ કવિની સંવેદનશક્તિની પ્રતિષ્ઠા કરી છે. દીર્ઘ કૃતિઓની સર્જકતાની વિચારણાનો આરંભ કરતાં રમણભાઈએ કાવ્યસાહિત્યના ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એવા બે ભેદો સ્વીકાર્યા તે આપણે જોયું. કવિની પ્રેરણાથી જન્મેલી ટૂંકી રચનાઓ જ ખરી કવિતા એ ખ્યાલ પણ તેમણે આગળ પ્રતિષ્ઠિત કરેલો એ ય આપણે નોંધ્યું છે. એ પ્રેરણામૂલક ટૂંકી (સ્વાનુભવરસિક) રચનાઓ તે ઊર્મિકાવ્ય અને એ ઊર્મિકાવ્ય જ સાચી કવિતા હોવાથી તે ચઢિયાતી એવો ખ્યાલ પણ તેમણે પુરસ્કાર્યો. એ પછી એ જ વિચારને આગળ વિકસાવતાં તેઓ કહે છે : “બધી ભાષામાં સ્વાનુભવરસિક કવિતા કરતાં સર્વાનુભવરસિક કવિતા વધારે લોકપ્રિય હોય છે. ઇંગ્રેજીમાં શેલી કે વર્ડ્ઝવર્થ વાંચનારની સંખ્યા કરતાં શેક્સપિયર વાંચનારની સંખ્યા ઘણી વધારે છે. પણ લોકપ્રિયતાથી કવિત્વનું પરિણામ નથી કહડાતું. એ લોકપ્રિયતાનું કારણ છે ખરું : પણ તે કવિત્વઅંશની પરીક્ષાથી જુદું છે. સ્વાનુભવરસિક કે રાગધ્વનિ[13] કવિતા લખનારા કવિઓ, કવિવર્ગ (કે સહૃદય વર્ગ)ને વધારે પસંદ હોય છે. સાધારણ વાંચનારાની રુચિ સર્વાનુભવરસિક કવિતા માટે વધારે હોય છે. આનું કારણ એ છે કે સર્વાનુભવરસિક કવિતાનો વ્યવહાર સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ જોડે હોવાથી એ કવિતા સાધારણ લોકને ઉપરથી સમજવી સહેલી પડે છે.”[14] અહીં રમણભાઈ સ્વાનુભવરસિક કવિને બિરદાવે છે. ‘સ્વાનુભવરસિક’ કવિ કરતાં ‘સર્વાનુભવરસિક’ કવિ લોકપ્રિય છે. પરંતુ એ લોકપ્રિયતાને અને તેમની શ્રેષ્ઠતાને સંબંધ નથી, એ હકીકતથી પણ તેઓ અભિજ્ઞ છે. આમ છતાં શેક્સપિયર કરતાં વર્ડ્ઝવર્થને ઊંચા સ્થાને સ્થાપવાનું તેમનાથી બન્યું છે. એનું કારણ એ જણાય છે કે સ્વાનુભવરસિક કવિની કાવ્યસૃષ્ટિ જ સર્વાનુભવરસિક કવિની સૃષ્ટિ કરતાં વિશેષ સિદ્ધિવાળી છે, એવો તેમનો ખ્યાલ અભિપ્રેત રહ્યો જણાય છે. સર્વાનુભવરસિક કવિતામાં જનસમુદાયનું ચિત્ર હોય, અથવા એ જનસમાજની કોઈ રસપ્રદ વાર્તા હોય, એટલે એવી રચના એ સહજ રીતે જ લોકહૃદયને સ્પર્શે; જ્યારે સ્વાનુભવરસિક કવિની ભાવસૃષ્ટિ એ માત્ર અધિકારી ભાવકવર્ગને જ સ્પર્શે. એવો કંઈક ખ્યાલ પણ અહીં અભિમત છે. આમ, તેઓ સ્વાનુભવરસિક કવિના કાવ્યની સ્વરૂપ વિશિષ્ટતાને કારણે તેના કવિની પ્રતિષ્ઠા કરે છે. પરંતુ આ મુદ્દાને આગળ ઉપર સ્પષ્ટ કરતાં તેઓ જે દલીલ કરે છે તેમાં તર્કદોષ રહ્યો જણાય છે. તેઓ કહે છે : ‘સ્વાનુભવરસિક કવિતામાં કવિને લગતું ઘણું વધારે અને કવિતામાંના ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનાર કવિના હૃદયનો સંબંધ પ્રધાન ને સ્પષ્ટ હોય છે. આ જ કારણથી એ કવિતા સાધારણ વાંચનારને રૂચતી નથી અને એ જ કારણથી સ્વાનુભવરસિક કવિ સર્વાનુભવરસિક કરતાં ઘણે દરજ્જે શ્રેષ્ઠ છે.”[15] આ વિચારણામાં ક્યાંક પાયાનો તર્કદોષ રહ્યો જણાય છે. સાધારણ વાંચનાર ને સર્વાનુભવરસિક કવિની કૃતિ જ ગમે, સ્વાનુભવરસિક કવિની નહિ, એમ એમાં ગૃહિત કરી લેવામાં આવ્યું છે. સ્વાનુભવરસિક કવિની કૃતિ તેને નથી ગમતી કારણ કે તેમાં ‘કવિને લગતું ઘણું વધારે’ હોય છે, અને તેમાંના “ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનારા કવિના હૃદયનો સંબંધ-પ્રધાન ને સ્પષ્ટ” હોય છે. સ્વાનુભરસિક કવિની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાને તેઓ તેને સાધારણ વાંચનારાથી અવગણાયેલી હોય એવી ભૂમિકા સ્વીકારે છે તે બરાબર નથી. રમણભાઈની લગભગ દોઢ દાયકાથી યે વધુ ગાળાની કાવ્યમીમાંસામાં એક પ્રકારે વિચારવિકાસ જારી રહ્યો છે. આરંભના ‘કવિતા’ નિબંધમાં (ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ) તેમણે ‘અંતર્ભાવપ્રેરિત’ કવિતાનો (-અને તે કારણે ‘સ્વાનુભવરસિક’ કવિનો) મહિમા કર્યો. પરંતુ તેમની એ પછીની કાવ્યચર્ચામાં એવો કોઈ ખાસ પક્ષવાદ જણાતો નથી. ‘કાવ્યાનંદ’ નિબંધમાં (ઈ.સ. ૧૯૦૨માં પ્રગટ) તેઓ વ્યાપક કાવ્યતત્ત્વનો વિચાર કરવા પ્રેરાયા છે અને ત્યાં તેમની એ વિશેની વિચારણા વધુ સ્થિરઘુતિમય બનતી દેખાય છે.
દીર્ઘકવિતાની સર્જકતા :
રચનાકલાના વ્યાપારો
રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં જ શુદ્ધ ‘અંતર્ભાવપ્રેરિત’ કવિતાનો મહિમા કરી તે સાથે જ દીર્ઘ કૃતિઓના સર્જનમાં પ્રવર્તતા રચનાકલાના વ્યાપાર વિશે થોડો વિચાર કર્યો છે. શુદ્ધ ‘પ્રેરણા’ જનિત કવિતા તો કવિચિત્તમાં જ અખિલરૂપે સાક્ષાત્કાર પામે. એટલે ‘અંતઃક્ષોભ’ની ક્ષણે કવિચિત્તમાં અખિલ કૃતિનું અભિવ્યકત થવું અને પાછળથી તેનું શબ્દમાં અવતરણ થવું એ બે સર્વથા ભિન્ન વસ્તુ છે.[16] ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’ની ક્ષણે જ કવિતા તો સ્વયંપૂર્ણ ઘાટ લઈ ચૂકી છે એટલે કવિએ તો પાછળથી તેને માત્ર લિપિબદ્ધ કરી લેવાનું જ રહે છે. એટલે એ પ્રેરણામૂલક ટૂંકી રચનાઓમાં તો રચનાકલાનો કોઈ પ્રશ્ન નડતો નથી. રમણભાઈએ તેમની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં – “કાવ્યાનંદ”ની ચર્ચામાં – મૂળની ‘ભાવપ્રેરણા’ને પ્રગટ થવા રચનાકલાના વ્યાપારની અગત્યતા સ્વીકારી છે છતાં તે સંદર્ભમાંયે શુદ્ધ પ્રેરણામૂલક અને રચનાકલાના વ્યાપારથી નિરપેક્ષ એવી કવિતાનો સર્વથા ઈન્કાર કરતા નથી.[17] (કવિચિત્તમાં ‘અંતઃક્ષોભ’ની ક્ષણે જ કવિતા સાકાર થઈ ચૂકી હોય એ ખ્યાલ તેમને રોમેન્ટિકોમાંથી સાંપડ્યો છે. એ વિશે ગયા પ્રકરણમાં ચર્ચા કરી છે.)[18] ‘કવિતા’ નિબંધમાં જ રમણભાઈએ કવિતાની ઉત્પત્તિ લેખે ‘અંતઃક્ષોભ’(કે ‘પ્રેરણા’)ના સિદ્ધાંતની પ્રતિષ્ઠા કરી તેની સાથે જ રચનાકલાના વ્યાપારનો ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. તેઓ કહે છે : “કલ્પના અને અનુકરણને અંતઃક્ષોભનાં સાધનભૂત કહ્યાં છે. કારણ, કલ્પના અને અનુકરણ એ કવિતા ઉત્પન્ન કરતાં નથી, પણ કવિતા રચવાની કલાનાં અંગ છે. કલાના વ્યાપાર એ તો મનની ઇચ્છાને આધીન છે. બોલાવેલા આવે છે અને કાઢી મૂકેલા જાય છે. અંતઃક્ષોભ તો સ્વતંત્ર છે.[19] પ્રસ્તુત અવતરણમાંના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે : (અ) કવિનો ‘અંતઃક્ષોભ’ તો ‘સ્વતંત્ર’ છે. અર્થાત્ ઐચ્છિક કોટિના રચનાવ્યાપારરૂપ ‘કલ્પના’ અને ‘અનુકરણ’થી ‘સ્વતંત્ર’ છે. ‘કલ્પના’ અને ‘અનુકરણ’ના વ્યાપારો તો ‘બોલાવેલા આવે છે’ અને ‘કાઢી મૂકેલા જાય છે.’ બીજા શબ્દોમાં કહીએ તો ‘કલ્પના’ અને ‘અનુકરણ’ દ્વારા કશું જ નવું સિદ્ધ કરવાનું રહેતું નથી. મૂળનો ‘અંતઃક્ષોભ’ એક સ્વાયત્ત કાવ્યક્ષમ વસ્તુ છે, એટલું જ નહિ, શુદ્ધ પ્રેરણાની ક્ષણોમાં તો ટૂંકી રચનાઓ પૂર્ણ કાવ્યરૂપે જ ચિત્તમાં સાકાર થઈ ચૂકી હોય છે.[20] અહીં એક વાત એ નોંધવી જોઈએ કે રમણભાઈએ કવિતાના મૂળમાં રહેલા ‘અંતઃક્ષોભ’ને ઘણુંખરું તો સ્વયંભૂ લેખવ્યો છે. આમ તો ‘કવિતા’ નિબંધમાં જ તેમણે, પ્રસંગોપાત્ત, કવિના ‘અંતઃક્ષોભ’ને બાહ્યજગતની ઘટનાઓ કે પદાર્થો જોડે સાંકળવાનો ય પ્રયત્ન કર્યો છે.[21] પરંતુ એ નિબંધમાં તેમનું એકંદર વલણ તો એ રહ્યું છે કે ‘અંતઃક્ષોભ’ એ ઊર્મિનો આવિષ્કાર માત્ર છે.[22] ‘કાવ્યાનંદ’ નિબંધમાં તેમણે રચનાકલાના ખ્યાલને વિકસાવતાં બાહ્ય વિશ્વની વાસ્તવિકતાનો વિચાર સાંકળી લીધો છે. (એ પૂર્વે તેમણે ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચામાં અન્ય મુદ્દાના સંદર્ભમાં એ પ્રશ્ન વિચાર્યો છે. યથાસ્થાને ચર્ચા કરવાનો ઉપક્રમ છે.) (બ) રમણભાઈએ ‘અંતઃક્ષોભ’ની ‘સ્વતંત્રતા’નો જે ખ્યાલ પ્રતિષ્ઠિત કરવા ચાહ્યો છે તે અન્યથા પણ લક્ષપાત્ર છે. તેમણે કવિતાની ઉત્પત્તિની વિચારણા કરતાં એમ કહ્યું છે કે ‘અંતર્ભાવપ્રેરિત’ કવિતા તે જ ખરી કવિતા અને એવી રચનાઓ અત્યંત ટૂંકી જ હોય. તેમણે એમ પણ કહ્યું છે કે દીર્ઘ રચનાઓમાં ‘પ્રેરણા’ના કરતાં કલ્પનાનો વ્યાપાર વધુ ભાગ ભજવે છે. એ દૃષ્ટિએ દીર્ઘ રચનાઓમાં જ રચનાકલા મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકી પ્રેરણામૂલક રચનાઓ તો કવિચિત્તમાં જ અનાયાસે અભિવ્યક્તિ સાધી લેતી હોય છે. અને કવિ પાછળથી તેને શબ્દરૂપમાં મૂકતો હોય છે. દીર્ઘ કૃતિઓની બાબતમાં હકીકત કંઈક જુદી છે. એમાં ‘અંતઃક્ષોભ’ની ક્ષણે જ આખી કૃતિ ઉપલબ્ધ બનતી નથી. એમાં એ ‘અંતઃક્ષોભ’ની પછીની ક્ષણે કવિ રચનાકલા દ્વારા કૃતિનો વિકાસ-વિસ્તાર સાધતો હોય છે. (ક) રમણભાઈએ અહીં ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બેને રચનાકલાના અંગભૂત પણ ઐચ્છિક વ્યાપારો લેખવ્યા છે. ‘અંતઃક્ષોભ’ની ક્ષણે જે ભાવસ્થિતિ જન્મે છે, તેમાં તેઓ અંતર્ભૂત નથી. તે તો ‘અંતઃક્ષોભ’ને માટે સાધનભૂત માત્ર છે. મનની ઇચ્છાને આધીન-આગંતુક એવા વ્યાપારો છે. રમણભાઈની કાવ્યસર્જનની વિભાવનામાં આ કદાચ નિર્બળ કડી છે. આપણે જે રોમેન્ટિકોની કાવ્યભાવનાનો વિચાર કર્યો તેમાં આગંતુક રચનાકલાનો સ્વીકાર થયેલો જણાતો નથી. તેમને મતે કવિની રહસ્યાનુભૂતિ સ્વયં પૂર્ણ અભિવ્યક્તિ કે રૂપ સાધીને કવિચિત્તમાં ચમકી રહેતી હોય છે. એટલે કે કવિચિત્તમાં કવિતાની અખિલ સર્જનાત્મક પ્રક્રિયા પૂર્ણ થઈ હોય છે. એટલે તેમાં પાછળથી રચનાકલા દ્વારા નવું સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા નથી. હવે જો આપણે આધુનિક સર્જનની વિભાવના સ્વીકારીએ તો તે મુજબ કવિના મૂળ ‘અંતઃક્ષોભ’ને ‘રચનાકલા’ના વ્યાપારોથી અલગ કરવાનું શક્ય નથી. આ મત મુજબ, કવિચિત્તમાં ઉદ્ભૂત થતી લાગણી કે અંતઃક્ષોભ (એ ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ રોમેન્ટિકોને અભિમત કવિના ‘અંતઃક્ષોભ’થી કેટલોક ભેદ દાખવે છે.[23]) એ કવિચિત્તમાં જ પૂર્ણ અભિવ્યક્તિ સાધી શક્યો નથી હોતો અને એ સંજોગોમાં તેની ભાષામાં અભિવ્યક્તિ એ સર્વથા અનિવાર્ય વ્યાપાર ગણાયો છે. આધુનિક કવિ અભિવ્યક્તિ (કે ‘રચનાકલા’)નો જે વ્યાપાર ચલાવે છે તે આગંતુક નથી, પણ તેની મૂળ લાગણી કે અંતઃક્ષોભનો તંતોતંત સંબંધ જાળવતી પ્રક્રિયા છે. જે અપ્રગટ છે તેને પ્રગટ કરવાની એ વાત છે. એ રીતે ‘રચનાકલા’ એ મૂળની લાગણી જોડે સજીવરૂપમાં સંકળાયેલી છે. રમણભાઈએ ‘કલ્પના’ અને ‘અનુકરણ’ને મૂળના અંતઃક્ષોભથી અલગ કર્યા પણ એથી તો કૃતિના સર્જનની અખિલ સજીવ પ્રક્રિયાની અવગણના થાય છે. (એ વિશે આગળ વિગતે વિચારણા કરવા ધારી છે) (ડ) તેઓએ રચનાકલાના વ્યાપાર લેખે ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંનેને એકીસાથે સાંકળી લેવાનો જે પ્રયત્ન કર્યો છે તે નોંધપાત્ર છે. આગળ ઉપર તેમણે બેકનના ‘કલ્પનાવાદ’ અને એરિસ્ટોટલના ‘અનુકરણવાદ’ એ બે સિદ્ધાંતોમાંથી, અનુક્રમે, ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બે સંપ્રત્યયોને સાંકળી લેવાનો પ્રયત્ન કરતાં કહેલું : “કવિતા કલ્પના કરે છે, પણ તે અનુકરણ કરીને કલ્પના કરે છે.” અહીં તેઓ ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંને સંપ્રત્યયોને “અંતઃક્ષોભ”થી અલગ—રચનાકલાના વ્યાપાર તરીકે—સાંકળી લે છે. (આરંભમાંના ‘કલ્પનાવાદ’ને ‘અનુકરણવાદ’ના સિદ્ધાંતોમાંથી પ્રાપ્ત થયેલા સંપ્રત્યયો, આમ, મૂળમાં ‘અંતઃક્ષોભ’થી વિચ્છિન્ન થઈ જાય છે.) આમ, ‘કવિતા’ નિબંધમાં રચનાકલાના વ્યાપારને લગતી તેઓએ જે ચર્ચા કરી છે તેમાં સર્વ કડીઓ એકસરખી સબળ નથી. એ પછી તેમની વિકસતી કાવ્યચર્ચામાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા નિમિત્તે ‘કલ્પના’નો સંપ્રત્યય વિભિન્ન સંકેતો ધારણ કરતો રહ્યો હોય છે. (એ વિશે આ પ્રકરણમાં આગળ ઉપર ચર્ચા કરવા ધારી છે.) ઈ.સ. ૧૯૦૨માં રમણભાઈએ ‘કાવ્યાનંદ’ લેખ લખ્યો ત્યારે કાવ્યાનંદની મીમાંસા કરતાં કરતાં તેમણે કવિતાના સ્વરૂપ અને તેની રચનાકલાના મુદ્દાઓને ફરીથી ચર્ચ્યા છે. એ લેખમાં ઊર્મિકાવ્યની શ્રેષ્ઠતા માટેનો કોઈ પક્ષવાદ દેખાતો નથી અને આગળ નોંધ્યું છે તેમ, તેમનું વલણ ઊંડી અને વ્યાપક કાવ્યતત્ત્વવિચારણા કરવાનું જ રહ્યું છે. એ સમયે, લગભગ દોઢેક દાયકાની કાવ્યશાસ્ત્રની ચર્ચાવિચારણા પછી, તેમની વિચારણા વધુ પક્વ, ગહન અને પ્રૌઢ બનતી રહી છે. એ લેખમાં તેમણે રચનાકલાના વ્યાપાર લેખે ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંનેને ફરીથી સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે અને એ બંને વ્યાપારોનું સ્વરૂપ અને કાર્ય દર્શાવવાનો સબળ પ્રયત્ન કર્યો છે. આ ‘કાવ્યાનંદ’ નિબંધમાં, તેઓએ રસસિદ્ધાંતની વ્યાખ્યા વિચારણા કરીને પછી (દીર્ઘ) કવિતાની રચનાકલાનો પ્રશ્ન હાથમાં લીધો છે. અહીં તેઓ કવિતાની સૃષ્ટિને અનુલક્ષીને એક મહત્ત્વનો ખ્યાલ એ સ્થાપે છે કે કવિતાની સૃષ્ટિ અમૂર્ત વિચારોની નહિ પણ મૂર્ત સઘન ‘બિંબો’ (કે ‘ચિત્રો’)ની બનેલી છે. આ ‘બિંબો’ (કે ‘ચિત્રો’) દ્વારા તેમને poetic imageનો ખ્યાલ જ અભિપ્રેત જણાય છે. કવિની રચનાકલા આ ‘બિંબ’ કે ‘ચિત્ર’ રચવાની કલા છે. અને એમાં ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંને વ્યાપારો ભાગ ભજવે છે, એવો તેમનો ખ્યાલ છે. તેમણે પ્રથમ ‘કલ્પના’, અને પછી, ‘અનુકરણ’ના વ્યાપારની વિચારણા કરી છે. આપણે એ ક્રમ જાળવીને જ તેમની વિચારણાને અવલોકીશું. કવિની કવિત્વશક્તિ કેવાં મૂર્ત ‘ચિત્રો’ રચે છે તેના દૃષ્ટાન્ત લેખે રમણભાઈએ પ્રેમાનંદના આખ્યાન ‘મામેરું’માંથી કેટલીક કડીઓ ટાંકી છે :
“જૂની વેલ્ય ને ધૂંસરી વાંકી, સાંગી સોટા ભાગીજી”
“કોના તળાવા ને કોનિ પિંજણિયો, બળદ આણ્યા બે માગીજી.”
**
“બળહીણા બળદો શું હીંડે, ઠેલે વૈષ્ણવ સાથજી”
“સોળ પાડે ને ઢાળ ચઢાવે, જે જે વૈકુંઠનાથજી.”[24]
– પ્રસ્તુત કડીઓમાં કવિ પ્રેમાનંદે “સાધુઓની કૃતિ મૂર્તિમંત રચ્યાથી કાવ્ય બન્યું છે.” એમ નોંધી, રમણભાઈ આ વિશે ચર્ચા આરંભતાં કહે છેઃ “અમૂર્તને મૂર્તિમંત કરવાની ઇચ્છા એ જ કેવળ કવિતાનું કારણ નથી. અન્તર્ભાવથી પ્રેરિત થઈ કવિ પોતાની લાગણી પ્રગટ કરવા પ્રવૃત્તિ કરે, તેનું ચિત્ત ઉદાર અને ઉન્નત દશાને પ્રાપ્ત થાય અને કલ્પના તથા કાળની તેને સહાયતા હોય, ત્યારે રસિક મૂર્તિઓ ઉત્પન્ન કરવાની ઇચ્છા સફળ થાય છે.”[25] કવિની સૃષ્ટિનાં ‘ચિત્રો’ કે ‘બિંબો’ એ તો તેના ‘અન્તર્ભાવ’ (કે ‘અન્તઃક્ષોભ’)ને પ્રગટ કરવા જ આવે એ મુદ્દો અહીં રેખાંકિત થયો છે. આ ‘ચિત્રો’ કે ‘બિંબો’નું મૂળ અને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “મૂર્તિ એટલે મનુષ્યની કે કોઈ પદાર્થની દૃશ્યમાન આકૃતિ એટલો જ અહીં અર્થ નથી. જે જે સ્થાનોમાંથી અને સાધનોમાંથી મનુષ્યને અનુભવ પ્રાપ્ત થાય છે, તે તે સ્થાનો અને સાધનોનાં ચિત્ર આપ્યા વિના માત્ર તે અનુભવનો સાર કહેવો એ અમૂર્ત વિચારનું કથન છે. એ સર્વ સ્થાનો અને સાધનોનાં ચિત્ર આપવાં અને તેમાંથી મળતો અનુભવ સ્પષ્ટ કહી બતાવ્યા વિના સૂચિત થાય એવી રીતે રચના કરવી એ મૂર્તિમંત રૂપોની ઘટના છે.”[26] પ્રસ્તુત અવતરણમાંની ચર્ચામાંથી ફલિત થતા મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે : (અ) ‘મૂર્તિ’ અથવા (‘ચિત્રો’ અથવા ‘બિંબો’) દ્વારા તેમને poetic imageનો ખ્યાલ અભિપ્રેત જણાય છે. એ ‘મૂર્તિ’ માત્ર દૃશ્યાત્મક જ હોય એમ નથી. એ દ્વારા અન્ય ઇંદ્રિયબોધ પણ સંભવે. એ ‘મૂર્તિ’ એ કશાક ભાવની વ્યંજક હોય. (બ) આ ‘મૂર્તિ’ એ કોઈ અમૂર્ત તર્કરૂપ નહિ પણ સઘન બિંબરૂપ છે. કવિના અનુભવમાં આવેલા આ વિશ્વના પદાર્થો, ઘટનાઓ આદિ જ કવિની લાગણીને મૂર્તતા અર્પવા – ‘મૂર્તિ’ રૂપ બનીને – કાવ્યસૃષ્ટિમાં સ્થાન પામે છે. આ રીતે કવિતાની સૃષ્ટિમાં કવિની લાગણી જે રૂપે સાકાર થાય છે તેમાં બાહ્ય વિશ્વનાં તત્ત્વોનો યોગ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, કવિચિત્તમાંની લાગણી જે સર્જનાત્મક પ્રક્રિયા દ્વારા રૂપ (Form) ધારણ કરે છે તેમાં આ બાહ્ય વિશ્વનાં તત્ત્વો સંકળાતાં આવે છે. ‘કવિતા’ નિબંધમાં તેમણે કવિના ‘અંતઃક્ષોભ’ની સ્વતંત્રતા સ્વીકારી હતી, એ આપણે નોંધી ગયા છીએ. અહીં ‘કાવ્યાનંદ’ નિબંધમાં કવિની સૃષ્ટિની મૂર્તતાનો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો છે, એટલું જ નહિ, કવિની કવિત્વમય લાગણી બિંબ રૂપે વ્યક્ત થાય છે એ મહત્ત્વનો ખ્યાલ પણ ભારપૂર્વક રેખાંકિત થયો છે. આમ, કવિની ભાવ-સૃષ્ટિને તેઓ બાહ્ય વિશ્વની જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કરે છે. (ક) રમણભાઈ એમ કહે છે કે આ ‘બિંબો’ દ્વારા જ કવિનો અનુભવ વ્યંજિત થઈ શકે છે. એટલે કે, કવિતાની બિંબસૃષ્ટિને તેના કવિની લાગણી જોડે સીધો સંબંધ છે. તેમની કાવ્યચર્ચામાં આ પણ એક અતિ મૂલ્યવાન વિચારણા છે. કવિનું કાર્ય એ પ્રત્યક્ષ જ્ઞાન આપવાનું નહિ પણ પોતાની ભાવસૃષ્ટિને મૂર્ત – સઘન રૂપ અર્પવાનું છે. તે વિશે તેઓ એમ કહે છે : “કાવ્યનાં મૂર્તિમંત રૂપો રસ અને સૌન્દર્યવાળાં હોવાં જોઈએ, પ્રેરણાથી રચાયેલાં અને પ્રેરણા ઉત્પન્ન કરી શકે તેવાં હોવાં જોઈએ,”[27] અને આ વિશે વધુ સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : “હૃદય ભાવ દર્શાવે તેવી અલૌકિક આનંદદાયક મૂર્તિમંત કૃતિઓ જ કવિતામાં સ્થાન પામે છે.”[28] અહીં તેઓ એક મુદ્દો ભારપૂર્વક સ્પષ્ટ કરી લે છે કે કવિતાનાં મૂર્ત ‘રૂપો’ એ ‘રસ’ અને ‘સૌન્દર્ય’ ઉત્પન્ન કરનારાં જોઈએ. એ ‘રસ’ અને ‘સૌન્દર્ય’ની સિદ્ધિમાં જ તેની સાર્થકતા રહેલી છે. અહીં એક વાત એ નોંધવી જોઈએ કે રમણભાઈએ કવિતાની બિંબસૃષ્ટિને એક બાજુ કવિના મૂળ ‘અંતઃક્ષોભ’ જોડે સાંકળ્યા છતાં એ બિંબના રચનાર વ્યાપાર લેખે ‘કલ્પના’ અને ‘અનુકરણ’ને ઐચ્છિક જ ગણ્યા છે. એ રીતે બિંબસૃષ્ટિ જે મૂળ ‘અંતઃક્ષોભ’ની લાગણીને વ્યક્ત કરવા આવે છે તે ‘અંતઃક્ષોભ’ અને તે બિંબસૃષ્ટિને રચનાર ‘કલ્પના’ અને ‘અનુકરણ’ના વ્યાપારો વચ્ચે કંઈક તડ રહી જતી દેખાય છે. અથવા એમ પણ કહી શકાય કે, તેમણે કવિતાની બિંબસૃષ્ટિની રચના માટે ‘કલ્પના’ અને ‘અનુકરણ’ જેવા (ઐચ્છિક કોટિના) વ્યાપારોનું ઘણું મહત્ત્વ કર્યું છે એ છતાં એ બંનેનો કવિના મૂળ ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’ જોડે અનિવાર્ય સંબંધ સ્થપાતો રહી ગયો છે. આપણે આગળ ઉપર જોઈશું કે રમણભાઈએ ‘કલ્પના’ અને ‘અનુકરણ’ રૂપ (ઐચ્છિક કોટિના) વ્યાપારોથી નિરપેક્ષ માત્ર શુદ્ધ પ્રેરણામૂલક એવી ટૂંકી કવિતાનો ય છેવટ સુધી સ્વીકાર કર્યો જ છે. હવે આપણે ‘કલ્પના’ વ્યાપાર કેવી રીતે રસિક મૂર્ત બિંબો રચે છે તે વિશે રમણભાઈની વિચારણા અવલોકીશું. તેઓ કહે છે : “કવિની કલ્પના મૂર્તિમંત રૂપો રચે છે અને વાસ્તવિક રૂપો સરખો દેખાવ તેમને આપે છે એ ખરું છે, પરંતુ પદાર્થોમાં અને બનાવોમાં જે રસિક અંશો ગૂઢ રહેલા છે, જે અંશો સાધારણ દૃષ્ટિવાળાને (અને રસહીન જ્ઞાનીઓને) મન છે જ નહિ, અને હતા જ નહિ, તે પોતાના પ્રભાવથી ગ્રહણ કરી લઈ કવિ તેમને મૂર્ત રૂપો દ્વારા દેખાડે છે અને તેથી તે અંશો સમજી શકાય છે. મૂર્ત રૂપોનું વર્ણન વાંચતાં, વાણીમાં દર્શાવેલાં એ મૂર્ત રૂપોનો અનુભવ કરતાં, રસિક વાંચનારને પોતે મૂર્ત રૂપોમાં પ્રથમ અનુભવેલા રસિક અંશનો ફરી અનુભવ થાય છે, અને તેથી આનંદ થાય છે. વાસ્તવિક જિંદગાનીના રસિક અંશોનો અનુભવ મૂર્ત રૂપ દ્વારા થાય છે. તેથી કવિએ જોયેલા રસિક અંશો મૂર્ત રૂપોમાં મૂક્યાથી જ તેનો અનુભવ થઈ શકે છે.”[29] રમણભાઈની પ્રસ્તુત અવતરણમાંની ચર્ચા એક વધુ મુદ્દો સાંકળી લે છે. આ મૂર્ત રૂપો રમણીયતાનાં દ્યોતક છે અને એ રમણીયતા કલ્પના દ્વારા જ શક્ય છે. બીજા અર્થમાં, આ વિશ્વમાં રહેલાં રમ્ય તત્ત્વોને કવિની કલ્પના ઓળખી લે છે અને તેનું આકલન પણ તે કરે છે. સામાન્ય રસહીન માનવીઓને આ વિશ્વમાં જ્યાં રમણીયતાનો અણસારો સુધ્ધાં ન દેખાયો હોય ત્યાં કવિની કલ્પનાને કોઈ ગૂઢ અકળ સૌંદર્યની ઝલક વરતાઈ આવે છે. કવિપ્રતિભાનો તો આ વિશેષ છે. આમ, કવિની કાવ્યસૃષ્ટિનાં સુંદર તત્ત્વોની સિદ્ધિ કલ્પના દ્વારા જ શક્ય બને છે. વળી આ ચર્ચામાં બીજો ગૌણ લાગતો મુદ્દોય અન્યથા મહત્ત્વનો છે. રમણભાઈ અહીં એમ નોંધે છે કે કવિની સૃષ્ટિનાં એ રમણીય મૂર્ત રૂપો દ્વારા ભાવકને પોતે એ પૂર્વે અનુભવેલા રસિક અંશોની પુનઃપ્રતીતિ થાય છે. એ રીતે કવિતાનાં સૌંદર્યતત્ત્વો ભાવકને પોતાની અનુભૂતિમાં આત્માભિજ્ઞતાનો આનંદ અર્પે છે. આ ચર્ચાના અનુસંધાનમાં જ, રમણભાઈએ અલંકારરચના જોડે કલ્પનાનો કેવો સંબંધ છે એ પ્રશ્નયે હાથમાં લીધો છે. પ્રથમ કવિતામાં અલંકારનું સ્થાન અને તેના સ્વરૂપનો મુદ્દો ચર્ચતાં તેઓ કહે છે : “અલંકારથી કાવ્યમાં રસિકતા થતી નથી, વ્યંગ્ય અર્થનો અમુક પ્રકારે ધ્વનિ થવાથી સ્થાયીભાવનો સાક્ષાત્કાર થાય છે તેમાં રસિકતા રહેલી છે. વ્યંગ્ય અર્થ વિનાનું અલંકારચિત્ર કાવ્ય તે અધમ છે એમ મમ્મટ, જગન્નાથ વગેરે અંલકારશાસ્ત્રીઓ કહે છે, વ્યંગ્ય અર્થ વિનાની એકલી અલંકારમય રચનાને કાવ્યનું નામ જ ઘટતું નથી. તેમાં કાવ્યત્વ જ નથી – એમ વિશ્વનાથ કહે છે.”[30] પ્રસ્તુત ચર્ચામાં તેઓ કાવ્યના જીવિત લેખે લાગણી કે ભાવતત્ત્વની સ્પષ્ટ રૂપમાં પ્રતિષ્ઠા કરતા દેખાય છે. માત્ર અલંકાર એ કાવ્યત્વનો દ્યોતક નથી જ એ ખ્યાલ એમાં અભિપ્રેત છે. આ વિચારને તેઓ ફરીથી સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં કહે છે : “શબ્દ અને અર્થ – વાચક અને વાચ્ય તે વ્યંગ્યનો ધ્વનિ કરનાર સાધન તરીકે ઉપયોગી છે અને શબ્દના કે અર્થના અલંકારથી પદ્યરચનાને વિચિત્ર કરી હોય તેથી તેમાં કાવ્યત્વ આવતું નથી. વળી, અલંકારમાં કલ્પનાના પ્રયાસ સિવાય બીજી વિશેષતા હોતી નથી; અને હૃદયોર્મિને બળે પદાર્થો, બનાવો તથા સ્થિતિઓમાં કવિને અજ્ઞાતનું દર્શન થાય, વ્યંગ્યનું ભાન થાય, ત્યારે જ કવિત્વ ઉદ્ભૂત થાય છે. તે વિના એકલી કલ્પનાથી કવિત્વ થતું નથી. કવિત્વમય પ્રસંગો તરફ કવિને દોરવામાં અને કવિત્વનો આવિર્ભાવ કરાવવામાં કલ્પના સહાયભૂત થાય છે, એ ખરું છે, પણ, કેવળ કલ્પનાથી કરેલી રચનામાં કવિત્વનો સમાવેશ થતો નથી.”[31] અહીં તેઓ સ્પષ્ટપણે એમ કહે છે કે કલ્પનાનો વ્યાપાર એ મૂળ અંતઃક્ષોભથી ભિન્ન વ્યાપાર છે. માત્ર કલ્પનાના વ્યાપારથી કવિત્વ સિદ્ધ થતું નથી અને અલંકારરચના એ માત્ર કલ્પનાનો વ્યાપાર જ હોવાથી તે સ્વયં કાવ્યમય નથી. આમ, કલ્પના એ શુદ્ધ ‘અંતઃક્ષોભ’ કે ભાવતત્ત્વથી અલગ પણ તેને મૂર્ત કરવા સહાયભૂત બનતો વ્યાપાર છે. તેમણે કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ તો ‘લાગણી’ કે ભાવ જ છે, એ ખ્યાલને મૂળ ભૂમિકારૂપે સ્થાપી આ ચર્ચા વિકસાવી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. તેમણે પોતાની આ ભૂમિકા ફરી ફરીને સ્પષ્ટ કરવાનો પ્રયાસ જારી રાખ્યો છે. આ મુદ્દાને ફરીથી છણીને આગળ ઉપર, કલ્પનાનું સ્વરૂપ વર્ણવતાં તેઓ કહે છે : “કલ્પનાથી કવિત્વ થતું નથી, કલ્પના માત્ર કાવ્યરચનાની કલાનું અંગ છે અને કવિત્વ સાથે કલ્પના જોડાયેલી હોવાથી કલ્પનાનું મહત્ત્વ આપણા ચિત્તમાં વસેલું છે. એકલી કલ્પના તે માત્ર સ્મૃતિ તથા વિચાર સરખો બુદ્ધિવ્યાપાર છે. કવિત્વની ઊર્મિથી અને વ્યંગ્યના ભાનથી કલ્પના ગતિમાન થઈ હોય ત્યારે જ તે આહ્લાદકારી થાય છે.”[32] રમણભાઈની વિકસતી કાવ્યવિચારણાના સંદર્ભમાં પ્રસ્તુત ચર્ચા ધ્યાનપાત્ર છે. અહીં તેઓ કલ્પનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં એમ કહે છે કે એ માત્ર સ્મૃતિ કે વિચારની કોટિનો ‘બુદ્ધિવ્યાપાર’ છે. બીજા અર્થમાં, કલ્પના એ કવિના ‘અંતઃક્ષોભ’નો સજીવ વ્યાપાર નહિ, પણ આગંતુક રચનાકલાનો ઐચ્છિક (અલગ) વ્યાપાર જ છે. એ સ્વયં ઊર્મિપ્રણીત વસ્તુ નથી પણ કવિની ઊર્મિનો યોગ સાધીને ચમત્કૃતિ જગાડે છે. અહીં એક મુદ્દો એ નોંધવો જોઈએ કે રમણભાઈએ ‘કવિતા’ નિબંધમાં રોમેન્ટિકોને અભિમત ‘અંતઃક્ષોભ’ (તેમણે એ માટે યોજેલા અન્ય શબ્દો છે – ‘અન્તર્ભાવ’ ‘પ્રેરણા’)નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો ત્યારે ‘અંતઃક્ષોભ’ એ શબ્દથી વિશિષ્ટ રહસ્યાનુભવનો ખ્યાલ તેમને અભિપ્રેત રહ્યો જણાય છે. (રોમેન્ટિકોએ તો એ “અંતઃક્ષોભ”ને સ્વંય કલ્પનાની અભિવ્યક્તિ લેખાવી છે, એ મુદ્દાની આપણે ગયા પ્રકરણમાં[33] ચર્ચા કરી ગયા છીએ.) અહીં તેઓ ‘અંતઃક્ષોભ’ કે ‘ઊર્મિ’ને એવી વ્યંગ્યાર્થપૂર્ણ અનુભૂતિ ગણવા છતાં કલ્પનાવ્યાપારને તેનાથી અલગ તરીકે જ લખાયો છે. જો કે આગળ જોયું છે તેમ, ‘કવિતા’ નિબંધમાં જ એ કલ્પનાવ્યાપાર ‘અંતઃક્ષોભ’થી અલગ થઈ ચૂક્યો છે. આમ, રમણભાઈની વિકસતી કાવ્યચર્ચામાં ‘કલ્પના’ એ ‘બિંબ’ નિર્માણ કરનારો એક વ્યાપાર બને છે અને મુખ્યત્વે તો રચનાકલાના અંગભૂત વ્યાપાર લેખે જ તેની પ્રતિષ્ઠા થતી રહી છે. આ વિશેની વિચારણાને સાંકળીને તેમણે ‘અનુકરણ’ વ્યાપારનું સ્વરૂપ અને તેના કાર્યની ચર્ચા આરંભી છે. ‘કવિતા’ નિબંધમાં જ તેમણે નોંધ્યું છે કે (‘કલ્પના’ની જેમ), ‘અનુકરણ’ પણ રચનાકલાનો ઐચ્છિક વ્યાપાર છે. અહીં ‘કાવ્યાનંદ’ નિબંધમાં તેઓ એની વિગતે વિચારણા કરે છે. જો કે ‘કલ્પના’ વ્યાપારની તુલનામાં તે ગૌણ છે અને એનું કારણ એ જણાય છે કે તેઓ એકલા ‘અનુકરણ’ વ્યાપારને ઝાઝું મૂલ્ય આપવા ચાહતા નથી. તેઓ કહે છે : “અનુકરણનો પ્રેરણા અને ભાવ સાથે સંયોગ વિધવિધ પ્રમાણમાં થાય છે અને એકલું અનુકરણ હોય છે ત્યાં કાવ્યાનન્દનો પ્રસંગ બહુ જ ઓછો હોય છે.”[34] આમ, ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંને રચનાકલાના વ્યાપારો જ છે અને કવિતાનાં ‘બિંબો’ કે ‘ચિત્રો’ની રચનામાં એ બંનેનો સંયુક્ત વ્યાપાર સંભવે છે એમ તેઓ માને છે. તેઓ પોતાના આ સિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરતાં કહે છે : “કવિત્વમય ભાવ પ્રકટ કરવા સારુ મૂર્ત રૂપો રચવાં એ કવિનું કર્તવ્ય છે અને એ ઉત્પાદનકાર્યમાં કલ્પના જેમ કવિને રમણીય નવીનતા શીખવે છે તેમ અનુકરણ કવિને સૃષ્ટિમાંથી સાધન અને નમૂના ગ્રહણ કરાવે છે. અનુકરણ દ્વારા વાસ્તિવક સૃષ્ટિની છાપ લીધા વિના કવિ પોતાની નવી સૃષ્ટિ રચવાનો આરંભ કરી શકે નહિ. વાસ્તવિક સૃષ્ટિકાર્યનું રહસ્ય અનુકરણબુદ્ધિમાં સમજી લીધા પછી કવિ કલ્પનાબળે અવાસ્તવિક સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થઈ શકે છે. એ રીતે અનુકરણ અને કલ્પના બેનું બળ એકત્ર થવાથી કવિની કલાનો વ્યાપાર ચાલે છે.”[35] અહીં તેઓ ‘કલ્પના’ અને ‘અનુકરણ’ એ બંને વ્યાપારોને સાંકળીને કોઈ અખંડ એવા રચનાવ્યાપારનો વિચાર સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. ‘કલ્પના’ એ નવીન રમણીય રૂપો સર્જે છે તો ‘અનુકરણ’ એ નક્કર વાસ્તવિક જગતના પદાર્થોના યથાર્થ રૂપનું અનુસંધાન કરાવી આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો કવિનો રચનાવ્યાપાર એક બાજુ કલ્પનાની—ભાવનાની નૂતન સૃષ્ટિ રચવા પ્રવૃત્ત થાય છે, તો બીજે પક્ષે તે નક્કર વાસ્તવિકતાનું અનુસંધાન ત્યજતો નથી. આમ, કવિની સૃષ્ટિમાં ભાવના અને વાસ્તવનો યોગ શક્ય બને છે. કવિપ્રતિભાનો મહિમા કરતાં તેઓ કહે છે : “સૃષ્ટિમાં મૂર્ત રૂપોના ધોરણ અને નમૂનાના ભંડાર અખૂટ છે, અને જેટલા ભંડાર બહારથી દેખાય છે તેની ગણતરી પણ કવિત્વમય દૃષ્ટિએ સૃષ્ટિનું અન્તઃસ્વરૂપ જોનાર આગળ ક્ષુદ્ર થઈ પડે છે. આ અસંખ્ય બિમ્બપ્રતિબિમ્બોનું ચિત્ર કવિ પોતાની પ્રતિભા વડે ઉત્પન્ન કરે છે.[36] અહીં તેઓ કવિતાની સામગ્રીરૂપ આ વિશ્વનું વિપુલ વૈવિધ્ય દર્શાવી, તેની સાથે જ તેની ન્યૂનતાઓનેય નિર્દેશે છે. કવિની પ્રતિભા એ ન્યૂનતાઓ દૂર કરે છે એમ તેઓ નોંધે છે. આ ચર્ચાને વિકસાવતાં તેઓ ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના સંપ્રત્યયોને પ્રતિભાની જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કરે છે. “પ્રતિભાના બળથી આ નવાં નવાં રૂપ ઉત્પન્ન કરવામાં કવિને અનુકરણ કલ્પના જેટલું જ સહાયભૂત થાય છે. સૃષ્ટિનું સ્વરૂ૫ પોતાના શ્વાસમાં કવિ અનુકરણ વ્યાપારથી લે છે અને પછી કલ્પનાબળે તેનો ઉચ્છ્વાસ નવીન મૂર્ત રૂપોમાં મૂકે છે. અનુકરણ વિના કવિ સૃષ્ટિના ચમત્કારોથી અલગ થઈ જાય છે અને આદર્શ (model)ને અભાવે સૌન્દર્ય ઉત્પાદન કરવાનું કલ્પનાનું કાર્ય અસ્તવ્યસ્ત થઈ જાય. તેથી અનુકરણની કલાનું મહત્ત્વ પણ ભારે છે, અને સુન્દર કૃતિઓમાં અનુકરણ અને કલ્પના બેની પ્રવૃત્તિ થાય છે. ભાવપ્રેરણાની ઉત્કટતા સાથે કલ્પના અને અનુકરણ બંને અંગનો યથેચ્છ ઉપયોગ થયો હોય તેવાં ઉત્તમ કાવ્યોમાં કલાનો ઉત્કર્ષ ખીલી રહે છે.”[37] રમણભાઈની પ્રસ્તુત ચર્ચામાંથી ફલિત થતા મુદ્દાઓ નીચે પ્રમાણે છેઃ (અ) નવાં નવાં રૂપ ઉત્પન્ન કરનાર પ્રતિભાશક્તિને ‘અનુકરણ’ અને ‘કલ્પના’ બંને વ્યાપારો મહત્ત્વના છે. કવિ ‘અનુકરણ’ વ્યાપારથી સૃષ્ટિનું સ્વરૂપ ‘શ્વાસમાં’ લે છે અને ‘કલ્પના’ દ્વારા ‘ઉચ્છ્વાસ’માં તે નવીન રૂપો રચે છે. (બ) ‘અનુકરણ’ અને ‘કલ્પના’એ બંને વ્યાપારો હવે વધુ સજીવ વ્યાપારો બન્યા છે. ‘અનુકરણ’ એ જો શ્વાસરૂપ ઘટના છે તો ‘કલ્પના’ એ ઉચ્છ્વાસરૂપ છે. ‘અનુકરણ’ દ્વારા કવિ વાસ્તિવક જગતના પદાર્થોના યથાર્થ રૂપ જોડે અનુસંધાન કેળવે છે. (અને આ કારણે જ તો રમણભાઈએ સાહિત્યમાં માત્ર ‘અનુકરણવાદ’ અર્થાત્ વાસ્તવવાદનો વિરોધ દર્શાવ્યો છે.)[38] તો ‘કલ્પના’ દ્વારા એ વાસ્તવિક પદાર્થોનું નૂતન ભાવનાત્મક રૂપ નિર્માણ કરે છે. ‘અનુકરણ’ અને ‘કલ્પના’ એ બે વ્યાપારોના પ્રવર્તનથી જ કાવ્યસૃષ્ટિ ઉત્કૃષ્ટતા સાધી શકે, એવો તેમનો ખ્યાલ છે. (ક) અહીં આપણે એક વાત એ નોંધવી જોઈએ કે રમણભાઈએ ‘અનુકરણ’ અને ‘કલ્પના’ને કવિપ્રતિભાના સહાયક વ્યાપારો તરીકે સ્થાન આપ્યું છે. તેમણે આરંભથી જ ‘અનુકરણ’ અને ‘કલ્પના’ને રચનાકલાના ઐચ્છિક વ્યાપારો ગણાવ્યા છે. એટલે અહીં પણ ‘અનુકરણ’ અને ‘કલ્પના’ કવિની મૂળ પ્રતિભાના સહાયક વ્યાપારો તરીકે જ સ્વીકાર પામ્યા છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રોમાં પ્રચલિત ‘પ્રતિભા’ની વ્યાખ્યા તેઓ નોંધે છે. ‘પ્રજ્ઞા નવનવોન્મેષશાલિની પ્રતિભા મતા | તદનુપ્રાણાનાદ્જીવદર્ણનાનિપુણઃ કવિઃ’[39] અને એ ‘નવનવોન્મેષશાલિની પ્રજ્ઞા’ રૂપ એવી પ્રતિભાના બળથી, “નવાં નવાં રૂપ ઉત્પન્ન કરવામાં, કવિને ‘અનુકરણ’ તેમ ‘કલ્પના’ એ બંને ‘સહાયભૂત’ થાય છે, એમ તેઓ સ્પષ્ટ કરે છે. આ દૃષ્ટિએ ‘અનુકરણ’ અને ‘કલ્પના’નો રચનાવ્યાપાર ‘પ્રતિભા’થી કંઈક વિભિન્ન ઘટનારૂપ જ રહે છે. (ડ) વળી, ‘અનુકરણ’ અને ‘કલ્પના’ એ બે વ્યાપારોનો જે રીતે પૂર્વાપૂર્વી ક્રમમાં સ્વીકાર થયો છે તે પણ વિચારણીય મુદો છે. કાવ્યસર્જનની ક્ષણે પ્રથમ ‘અનુકરણ’ દ્વારા વાસ્તવિક જગતના પદાર્થોના યથાર્થ રૂપ જોડે અનુસંધાન અને તે પછીની ક્ષણે ‘કલ્પના’ દ્વારા તેનું નૂતન ભાવનાત્મક નિર્માણ થાય એવી દ્વિમુખી ક્રમિક ઘટનાઓનું પ્રવર્તન જો તેમને અહીં અભિપ્રેત હોય તો તે બરાબર નથી. અનેક આધુનિક સર્જકો અને સાહિત્યકારોએ પોતાની સર્જનપ્રક્રિયા પરત્વે જે થોડોક પ્રકાશ પાડ્યો છે તે જોતાં એમ લાગે છે કે સર્જનની પ્રક્રિયા ગૂઢ આવરણથી ઢંકાયેલી છે. કાવ્યાનુભૂતિની ક્ષણે ઉપલબ્ધ બનેલા ધૂંધળા પણ કોઈક નિશ્ચિત રહસ્યપૂર્ણ તત્ત્વને તેનો સર્જક શોધતો હોય છે.૩૯(અ)[40] મૂળ ભાવનું સંશોધન અને તેનું નિરૂપણ કરતી વેળા તેની ચેતના અખિલ અને એકકેન્દ્રી બનતી હોય છે. મૂળનો ભાવ ગતિશીલ થતાં સર્જક-ચિત્તમાં સંચિત જ્ઞાતઅજ્ઞાત અનેક લાગણીઓ અને તેની સાથે સંયુક્ત બાહ્ય વિશ્વના અનેક પદાર્થો કે ઘટનાઓ ચમકી રહે છે. એ સર્વ પદાર્થો મૂળની અનુભૂતિમાં રસાયન પામીને પ્રગટ થાય છે. રમણભાઈએ જે પૂર્વાપૂર્વી ક્રમવાળી ઘટનાઓ સ્વીકારી છે તે આ દૃષ્ટિએ બરાબર લાગતી નથી. રમણભાઈની રચનાકલા વિષયક સર્વ વિચારણાઓ લક્ષમાં લેતાં એમ જણાય છે કે (તેમને મતે) ‘અનુકરણ’ અને ‘કલ્પના’યુક્ત રચનાવ્યાપાર, એ કવિના મૂળ ‘અંતઃક્ષોભ’ કે કવિની સર્જક-‘પ્રતિભા’માં બીજભૂત અંકુર જેવો પ્રાથમિક આવિર્ભાવ નહિ પણ તેને સહાયક અને તેથી જ તે મૂળ કવિત્ત્વમય ભાવથી કંઈક અલગ એવી ઘટના છે—કદાચ, એ મૂળની બીજભૂત શક્તિની તુલનામાં ગૌણ એવી પ્રવૃત્તિ છે. આમ છતાં, રમણભાઈએ દીર્ઘ કૃતિઓની રચનાકલાનો વિચાર વિકસાવતાં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના સંપ્રત્યયોને ઠીક ઠીક વિકસાવ્યા છે. કવિતાની સૃષ્ટિ એ મૂર્ત સઘન બિંબોની રચના છે, એ સિદ્ધાંતને પાયામાં રાખી તેઓએ એ બિબ-નિર્મિતિમાં એ બંને વ્યાપારો કેવી રીતે ભાગ ભજવે છે તેનો વિચાર વિકસાવ્યો છે. આ રીતે તેઓ સર્જન-પ્રક્રિયાનું રહસ્ય અંશતઃ આકલન કરી શક્યા છે. કવિની અનુભૂતિમાં બાહ્ય વિશ્વના પદાર્થો કે સત્વો સ્થાન પામે છે એ ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યા પછી તેઓ, પ્રસંગોપાત્ત, તેમણે આરંભમાં પુરસ્કારેલા ‘પ્રેરણા’ના સિદ્ધાંત વિશે ફેરતપાસ કરવા પ્રેરાયા છે. એ ‘પ્રેરણા’ના સિદ્ધાંતની સ્થાપના કરતાં કવિતા નિબંધમાં તેમણે એમ કહેલું કે શુદ્ધ પ્રેરણાજનિત કવિતા તો ટૂંકી જ હોય. અને તે કવિચિત્તમાં જ પૂર્ણરૂપે સાકાર થઈ હોય છે.) અહીં કવિતાની લાગણીની મૂર્તતાનો સિદ્ધાંત એ પૂર્વભૂમિકાને પડકારરૂપ બને છે. એટલે તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરતાં તેઓ કહે છે : “કલ્પના અને અનુકરણ વિના એકલી પ્રેરણાથી રચાયેલી કવિતા કાવ્યસમૂહમાં બહુ થોડી હોય છે, કેમકે કલાવિધાન વિના મૂર્ત રૂપ ઘડી શકતાં (શકાતાં?) નથી અને આકૃતિની સુંદરતા આવી શકતી નથી. કાવ્યમાં મૂર્ત રૂપ રચાવું જોઈએ એ આવશ્યક હોવાથી જ્યાં વેગવાળા ભાવની ઉક્તિ કે વેગવાળું સંબોધન આખા ચિત્રના અંગરૂપે હોય ત્યાં તેટલું અંગ એકલું પ્રેરણામય અને કલ્પના તથા અનુકરણ વિનાનું હોઈ શકે.”[41] રમણભાઈનો કાવ્યસિદ્ધાંત સાચે જ આ બિંદુએ આવીને કસોટીએ ચઢ્યો જણાય છે. ‘કવિતા’ નિબંધમાં તેમણે શુદ્ધ ‘પ્રેરણા’મૂલક કવિતાનો જે ખ્યાલ રજૂ કરેલો તેમાં રચનાકલાને સ્થાન નહોતું. માત્ર દીર્ઘ કવિતાના સંદર્ભમાં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના ઐચ્છિક રચનાકલાના વ્યાપારોનો સ્વીકાર કરેલો. અહીં ‘કાવ્યાનંદ’ નિબંધમાં તેમણે કવિતાનો વ્યાપક વિચાર કર્યો અને તેના સ્વરૂપની ચર્ચા કરતાં એ સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો કે કવિતાની સૃષ્ટિ સઘન ‘બિંબો’ (કે ‘ચિત્રો’)ની બનેલી છે. વળી આ બિંબરચનાના સિદ્ધાંતને તેમણે (ઐચ્છિક સ્વરૂપના) ‘કલ્પના’ અને ‘અનુકરણ’ના વ્યાપાર જોડે સાંકળી લેવાનો પ્રયાસ કર્યો. એટલે એક બાજુ કવિતામાં ‘બિંબ’રચનાનું મૂલ્ય સ્વીકાર્યું. (એ બિંબરચનાના વ્યાપારો – ‘અનુકરણ’ અને ’કલ્પના’ – એ તો ઐચ્છિક વ્યાપારો છે. મૂળના ભાવસંવેદનથી વિચ્છિન્ન છે એવી ભૂમિકા ફરી ફરીને સ્થાપી. બીજી બાજુ, શુદ્ધ પ્રેરણામૂલક કવિતાના સંદર્ભમાં બિંબરચનાની સર્જકતાના સિદ્ધાંતને ઘટાવવાની આવશ્યકતા લાગી. આ કારણે તેઓ પ્રથમ તો એવું નિરાકરણ કરવા પ્રેરાયા છે કે કવિતામાં અમુક અંશ શુદ્ધ પ્રેરણામૂલક હોય! જેમાં બિંબરચનાને રચનાવ્યાપારને – અવકાશ જ ન હોય), અને અમુક અંશ માત્ર રચનાકલાનો જ વ્યાપાર હોય, પણ આ રીતે તો તેઓના પ્રતિષ્ઠિત કાવ્યસિદ્ધાંતમાં અંશતઃ પ્રેરણામૂલક કાવ્ય અને અંશતઃ રચનામૂલક કાવ્ય એવી વિભાજનરેખા દોરવાનો પ્રસંગ ઊભો થાય છે જે તાત્ત્વિક દૃષ્ટિએ યોગ્ય નથી. જો ‘કલ્પના’ અને ‘અનુકરણ’ જેવા રચના વ્યાપારને મૂળના સંવેદન જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આવી ભેદરેખા દોરવાનો પ્રશ્ન કદાચ ઊભો થાત નહિ, એમ લાગે છે. રમણભાઈએ પોતાની પ્રસ્તુત ચર્ચાને વધુ સ્પષ્ટ કરવાના પ્રયત્ન લેખે આપણી કવિતામાંથી દૃષ્ટાન્તો લઈ તેમાં ‘પ્રેરણા’ અને ‘રચનાકલા’ની ઓળખ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યખંડ[42] નીચે મુજબ છે.
(અ) “ભાસે દિશાઓ સુનકાર સર્વથા!”
“આ ચિત્તવૃત્તિ ભમતી ધરે વ્યથા !”
“થાયે કંઈ કાળજડે, ન જાણું હું!”
“ગાત્રો નિરુત્સાહ! ન નૂર દૃષ્ટિનું!”
– કુંજવિહાર : શૃંગારલહરિ
(બ) “એકવાર મેદાન પડ્યા રણ ચડ્યા કે ઘુમવું ઘુમવું!”
“અંગ તરંગિત ઉમંગથી શિરશત્રુ ઝઝુમવું ઝઝુમવું!”
“શૂરા સામદ હો! એકવાર”
“શરમ શાનિ સ્વદેશ સેવામાં! મુરવત ત્યાં કામની શી?
“પ્હેલ પેલો કરે, પ્હેલ બિજો કરે, – એ આશા કામની શી?”
“શૂરા સામદ હો ! એકવાર"
– કુંજવિહાર : શૂરતરંગિણી
(ક) “સુખી હું તેથી કોને શું?”
“દુખી હું તેથી કોને શું?”
“જગતમાં કંઈ પડયા જીવ
“દુઃખી કંઈ ને સુખી કંઈક!
“સઉ એવા તણે કાજે”
જ રોતાં પાર કંઈ આવે!”
– સરસ્વતીચંદ્ર -ભા. ૧
રમણભાઈના મતે “આ કાવ્યો કેવળ પ્રેરણામય છે અને “અલંકારનું તેમાં સાધન ન છતાં તેમજ કલ્પના કે અનુકરણની મદદ ન છતાં” એ સર્વ “કવિના પાત્રના ઉદ્ગાર ભાવની ઉત્કટતાથી જ દીપી ઊઠે છે.” અહીં તેમની વિચારણામાં રહેલી નિર્બળતા છતી થતી જણાય છે. પ્રસ્તુત ત્રણેય કાવ્યખંડોમાં લાગણીનું જે રીતે નિરૂપણ થયું છે તે માત્ર “પ્રેરણામૂલક છે, અને તેમાં દેખીતી રીતે કોઈ અલંકારરચના ન હોવાથી તેમાં રચનાવ્યાપાર જેવું કશું છે જ નહિ, – એટલે કે ‘કલ્પના’ અને ‘અનુકરણ’ જેવો કોઈ વ્યાપાર પ્રવર્ત્યો જ નથી – એમ તેમનું કહેવું સયુક્તિક નથી જણાતું. જો એ બે વ્યાપારો દ્વારા બાહ્ય વિશ્વના કોઈ પદાર્થો કે ઘટનાનો નિર્દેશ માત્ર યે અભિપ્રેત હોય તો તો એ પ્રકારનો નિર્દેશ અહીં છે. પરંતુ રમણભાઈની મુશ્કેલી જુદી જણાય છે : ‘કલ્પના’ અને ‘અનુકરણ’ રૂપ રચનાકલાના વ્યાપાર વિનાની સર્વથા સ્વતંત્ર ‘પ્રેરણા’મૂલક કવિતાની તેઓ હિમાયત કરવા પ્રવૃત્ત થાય છે. પરિણામે, ઉપરોક્ત ત્રણે કાવ્યખંડો એ રચનાકલાવિહોણી એવી રચના છે, એમ કહેવાનો તેમને પ્રસંગ આવ્યો છે. હકીકતમાં પોતાના સિદ્ધાંતમાં રહેલી નિર્બળતાને તેઓ વર્તી શક્યા છે એટલે જ પોતાના આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવાનો તેમણે ફરી એક વાર પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે : “કાવ્યરચનામાં સૌન્દર્ય આવવા માટે કલાનો પ્રયોગ એટલો આવશ્યક છે કે કવિનું ચિત્ત તે તરફ દોરાયા વિના રહેતું નથી. ભાવપ્રેરણા જ્યાં અતીવ ઉગ્ર અને ઉત્કટ હોય ત્યાં તે પ્રથમ તો ઘણુંખરું શુદ્ધ સ્વરૂપે જ આવિર્ભૂત થાય છે, એમ છતાં આવિર્ભાવ આગળ વધતાં થોડી વારમાં કલાનો યોગ થવા માંડે છે.”[43] તેમની પ્રસ્તુત મુદ્દાની વિચારણા આ બિંદુએ આવીને થંભે છે. આરંભની કાવ્યવિચારણામાં તેમણે કવિતાની ઉત્પત્તિ લેખે (રોમેન્ટિકોને અભિમત) કવિના ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કરેલો. પ્રસ્તુત ‘કાવ્યાનંદ’ નિબંધમાં દીર્ઘકૃતિઓની સર્જક્તાના પ્રશ્નની વિચારણા કરતાં એ મૂળ સિદ્ધાંતની ભૂમિકા જાળવી લેવાનો તેમનો પ્રયત્ન સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે શુદ્ધ ‘અંતર્ભાવ’મૂલક ટૂંકી રચનાઓનો તેઓ અહીં પણ સ્વીકાર કરે જ છે. (આ ‘અંતર્ભાવ’મૂલક ટૂંકી રચનાઓમાં રચનાકલાને સ્થાન નથી, અને રચનાકલાને સ્થાન નથી એટલે બિંબસર્જનને સ્થાન નથી!) એટલે કે ટૂંકી રચનાઓ માત્ર ભાવપ્રણીત રૂપમાં જ સંભવે! પરંતુ અહીં તેઓ મૂળની ભૂમિકામાં થોડો ફેરફાર કરે છે. આરંભમાં તેમણે એમ નોંધેલું કે ‘અંતઃક્ષોભ’ સ્વતંત્ર છે અને કલાના વ્યાપારો તો મનની ઇચ્છાને આધીન છે. અહીં તેઓ એમ નોંધે છે કે ‘પ્રેરણા’ની ક્ષણો પછી થોડી જ વારમાં “કલાનો યોગ થવા માંડે છે” અર્થાત્ મૂળનો ભાવ રચનાકલાની અપેક્ષા રાખે છે અને એની પૂરેપૂરી અભિવ્યક્તિ થાય તે જ માટે કદાચ એ વ્યાપારો આવશ્યક બની રહે છે. આ રીતે તેઓ રચનાકલાની સહજ આવશ્યકતા સ્વીકાર કરવા તત્પર બન્યા છે, જો કે એ સર્વથા અનિવાર્ય જ હોય એમ તેઓ માનતા નથી. રમણભાઈએ, આમ, દીર્ઘ કૃતિઓની સર્જકતાનો જે વિચાર કર્યો, તેમાં તેમણે બેકન અને એરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતોમાંના ‘કલ્પના’ અને ‘અનુકરણ’ના સંપ્રત્યયોને સાંકળીને સમગ્ર ચર્ચા વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે એ બે સંપ્રત્યયો, વિશેષતઃ ‘કલ્પના’નો સંપ્રત્ય ઠીક ઠીક વિકસતો રહ્યો છે. કવિતાનાં સઘન મૂર્ત બિંબોની સૃષ્ટિ રચનાર અને અલંકારના પ્રાણભૂત એવા ‘કલ્પના’ વ્યાપારને તેમણે અત્યંત વિશદ રૂપમાં સ્થાપ્યો છે. તેમની કાવ્યચર્ચામાં આ સંપ્રત્યયનો વિકાસ એ રીતે એક મહત્ત્વનું પ્રકરણ બની રહ્યું છે. તેમની કાવ્યવિવેચનામાં એ મૂલ્યવાન અંશ છે. અલબત્ત, અન્ય કેટલાક મુદ્દાઓની ચર્ચામાં બન્યું છે. તેમ, ‘કલ્પના’નો સંપ્રત્યય એ ક્રમિક વિકાસ સાધતો રહ્યો છે. કદાચ, આપણે એમ કહી શકીએ કે રમણભાઈએ પોતાના કાવ્યાભ્યાસ દરમિયાન કવિતાનાં મૂળ તત્ત્વો વિશે સતત શોધ જારી રાખી છે. અને એ રીતે તેમની કાવ્યચર્ચા સતત વિકાસશીલ રહી છે. ‘કલ્પના’નો સિદ્ધાંત તેનું જ્વલંત ઉદાહરણ છે. અહીં આ મુદ્દાની ચર્ચાનું સમાપન કરતાં એકબે વાતો ફરીથી નોંધી લઈશું. રમણભાઈએ ‘કલ્પના’નો સંપ્રત્યય સંભવતઃ બેકનના કાવ્યસિદ્ધાંતમાંથી લીધો છે પરંતુ તેમની કાવ્યચર્ચામાં મુખ્યત્વે એ રચનાકલાના વ્યાપાર લેખે જ સ્વીકાર પામતો રહ્યો છે એટલે આગળ ફરી ફરીને નોંધ્યું છે તે (કવિતા) મૂળ ‘અંતઃક્ષોભ’થી તેનો સંબંધ રહ્યો નથી. બીજું, તેમણે રોમેન્ટિકોના કાવ્યસિદ્ધાંતને અનુસરી જે ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત સ્થાપ્યો તે ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ વધુ તો લાગણીમૂલક વ્યાપાર જ રહ્યું. રોમેન્ટિકોએ તો પોતાના ‘અંતઃક્ષોભ’ને જ રહસ્યોપલબ્ધિ ગણી તેમાં જીવાતુભૂત વ્યાપાર લેખે વિશિષ્ટ કલ્પનાશક્તિનો ખ્યાલ સ્થાપ્યો. રમણભાઈની કાવ્યચર્ચામાં ‘અંતઃક્ષોભ’થી વિચ્છિન્ન એવી રચનાકલાના વ્યાપાર લેખે ‘કલ્પના’નો સંપ્રત્યય સ્વીકારાયો. એક દૃષ્ટિએ એમ પણ નોંધી શકાય, કે દીર્ઘ કવિતાની રચનાકલાની ચર્ચા કરતાં તેઓ જ્યારે ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના વ્યાપારોને ‘અંતઃક્ષોભ’ જોડે સાંકળવા ચાહે છે ત્યારે એ પ્રસંગે ‘અંતઃક્ષોભ’નો સંપ્રત્યય મૂળનું રહસ્ય ગુમાવી બેસતો જણાય છે. (આગળ આપણે પ્રસંગે પ્રસંગે ચર્ચા કરતાં નોંધ્યું છે કે રોમેન્ટિકોને તો સર્જકચિત્તમાં જ પૂર્ણ સાકાર થતી કવિતાની કલ્પનાનો ખ્યાલ અભિમત હતો. અને તેમાં ‘અનુકરણ’ અને ‘કલ્પના’ દ્વારા વિશેષ કશું જ સાધવાનું રહેતું નથી). રમણભાઈની પ્રસ્તુત ચર્ચામાં તેમના મૂળ કાવ્યસિદ્ધાંતની ભૂમિકા જાળવીને આગળ વધવાનો પ્રયાસ થયો છે, અને એ કારણે તેમાં કેટલીક નબળી કડીઓ પણ પ્રવેશી છે. આમ છતાં તેમના અનેક વિચારો પરિપક્વ, ગહન અને સ્થિરદ્યુતિરૂપ બનતા ગયા છે.
કલ્પના દ્વારા ‘સત્યના તત્ત્વ’નું
અનુસંધાન : એક બીજી મૂલ્યવાન ચર્ચા
રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ એ નિબંધમાં ‘કલ્પના’ના વ્યાપારને એક વિશિષ્ટ કવિશક્તિરૂપે વર્ણવ્યો છે. એમાં તેમણે, આમ તો, પાશ્ચાત્ય કલામીમાંસક રસ્કિનને અનુસરી પ્રસ્તુત ‘વૃત્તિમય ભાવાભાસ’ના કાવ્યદોષની ચર્ચા કરી છે. (એ વિશે આપણે આવતા પ્રકરણમાં વિસ્તારથી ચર્ચા કરવા ધારી છે). એ આખી ચર્ચાનો વિકાસ ખૂબ જ રસપ્રદ છે. મૂળ ભીમરાવના ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં રમણભાઈએ એ કૃતિની અમુક કડીઓ લક્ષમાં લઈ ‘વૃત્તિમય ભાવાભાસ’ની ટૂંકી ચર્ચા કરેલી.[44] એ ચર્ચામાં તેમણે મુખ્ય ભૂમિકા એ સ્વીકારેલી કે પ્રકૃતિ જડ છે એટલે પ્રકૃતિમાં સત્ત્વોમાં માનવહૃદયના ભાવોનું આરોપણ એ આસ્વાદરૂપ બનતું નથી. તેમના આ મંતવ્ય સામે મણિલાલ અને આચાર્ય આનંદશંકરે અપવાદ લીધેલો. એ બંને વિદ્વાનોએ કાવ્યસૃષ્ટિની લોકોત્તરતાનો નિર્દેશ કરેલો અને કવિપ્રતિભાની નૂતન સૃષ્ટિ નિર્માણ કરવાની શક્તિનો મહિમા કરેલો. અહીં આપણે મુદ્દાને સ્પષ્ટ કરવા આવશ્યક પૂર્વાપર સંબંધ જોઈ લઈએ. આચાર્ય આનંદશંકરે પોતાના લેખ (‘પૃથુરાજરાસા’ના એક અવલોકનમાંથી એક ચર્ચા)માં કવિની કલ્પનાના સ્વરૂપને સ્પષ્ટ કરતાં નોંધેલું : “કવિની સત્ય વિરુદ્ધ કલ્પનાનો ઉદેશ ભાવનાત્મક સત્યને પ્રત્યક્ષ કરી આપવાનો છે, બીજી રીતે કહીએ તો કવિનું સાધ્ય સત્ય છે અને એની કલ્પનાનો પાયો પણ ભાવનાત્મક સત્ય ઉપર જ છે, પણ એ સાધ્યનું સાધન, એ પાયા ઉપર ચણેલી ઇમારત, એ તો સત્ય વિરુદ્ધ એટલે કલ્પનાત્મક છે; માત્ર જે અર્થમાં સત્યનું પ્રત્યક્ષ કરાવનાર અસત્ય ભાસતું અસત્ય પણ સત્ય છે તે અર્થમાં એ કલ્પનાને પણ સત્ય જ – અલૌકિક સત્યસ્વરૂપ – કહેવામાં બાધ નથી. માત્ર નિયમ એટલો જ છે કે આ સાધનભૂત કલ્પના સત્ય વિરુદ્ધ હોવા છતાં સત્યસ્વરૂપ કાવ્યભાવનાથી વિરુદ્ધ ન હોવી જોઈએ; અર્થાત્ નિર્બળ, ચમત્કારરહિત, શુષ્ક અથવા ઉન્નત ભાવ કે ગતિને પ્રતિકૂલ હોવી ન જોઈએ – એટલા નિયમ ઉપરાંત કવિની કલ્પના ઉપર અધિક અંકુશ મૂકવાનો આપણને હક નથી. આ સાધનભૂત કલ્પનાનો ‘સત્ય’ સાથે એવો વિરોધ પણ સંભવે કે જે કાવ્યત્વને હાનિ કરે. પણ તેટલા ઉપરથી ‘સત્યવિરુદ્ધ’ કલ્પના હંમેશાં અકાવ્યત્વ ઉત્પન્ન કરે છે એવો સાર્વત્રિક નિયમ સિદ્ધ થતો નથી.”[45] આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત વિચારણા કવિતાના સત્ય વિશેના એક અતિ જટિલ કોયડાને સ્પર્શે છે. તેમની પ્રસ્તુત ચર્ચામાંનું વક્તવ્ય પણ એટલું જ દુર્ગાહ્ય છે. આપણે તેમની આ ચર્ચામાંથી ફલિત થતા મહત્ત્વના મુદાઓ અહીં નોંધીશું. (અ) કવિની કલ્પના દેખીતી નજરે ‘સત્ય વિરુદ્ધ’ લાગે પણ તેનો ઉદ્દેશ ‘ભાવનાત્મક સત્ય’ને પ્રત્યક્ષ કરી આપવાનો છે. અહીં “સત્ય” અને ‘ભાવનાત્મક સત્ય’ એ જુદી કોટિનાં ‘સત્યો’ જણાય છે. દેખીતી નજરે કલ્પના ‘સત્ય વિરુદ્ધ’ લાગે એટલે કે વૈજ્ઞાનિક સત્યથી વેગળી લાગે પણ તે દ્વારા અંતે તો ‘ભાવનાત્મક સત્ય’ એટલે કે પરમ સત્યની જ ઉપલબ્ધિ થાય છે, એવો કોઈક ખ્યાલ અહીં અભિમત જણાય છે. (બ) કવિનું સાધ્ય ‘સત્ય’ છે, પણ તે ભૌતિક સત્ય નહિ પણ પરમ રહસ્ય. એવા પરમ રહસ્યની ઉપલબ્ધિ આ ‘કલ્પના’ દ્વારા શક્ય બને છે. (ક) ‘કલ્પના’ એ સાધન માત્ર છે, ‘સત્ય વિરુદ્ધ’ છે; પણ એનો પાયો ‘ભાવાનાત્મક સત્ય’ છે. અર્થાત્ એના અંતસ્તત્ત્વ રૂપે ભાવનાત્મક સત્યની પ્રતીતિ થાય છે. આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાનું રહસ્ય આકલિત કરતાં એટલું કંઈ સમજાય છે કે તેઓ ‘કલ્પના’ દ્વારા ‘પરમ સત્ય’ની ઉપલબ્ધિ શક્ય બને છે એ ખ્યાલ પર ભાર મૂકે છે. અને એના સાધનરૂપ એવી આ ‘કલ્પના’ એ દેખીતી નજરે ‘અસત્ય’ લાગતી છતાં વાસ્તવમાં એ ‘અસત્ય’ નથી. રમણભાઈએ પ્રસ્તુત મુદ્દાઓને અનુલક્ષીને ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચામાં જે ઉત્તર આપ્યો છે તેમાં તેમણે ‘કલ્પના’ શક્તિનો વિશિષ્ટ ખ્યાલ રજૂ કર્યો છે. તેઓ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહે છે : “અમારો વાંધો માત્ર વૃત્તિમય ભાવાભાસ સામે ન હોય પણ કલ્પનામય સૃષ્ટિ સામે પણ હોય એમ સ્વીકારી લઈ રા. આનંદશંકરે ચર્ચા કરેલી જણાય છે. પરંતુ અમારો આશય તેવો નથી.... કદાચ એમ કહેવામાં આવશે કે વૃત્તિમય ભાવાભાસમાં “સત્યના આવા એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં” આવે છે તે કારણથી અમે એ ભાવાભાસને ‘અકવિત્વ’થી દૂષિત કહ્યો છે તો જ્યાં જ્યાં સત્ય વિરુદ્ધ કલ્પના આવે ત્યાં ત્યાં અકવિત્વ થાય એવો અમારો સિદ્ધાંત ફલિત થાય છે. પરંતુ આવું અનુમાન કરવામાં એ વાત ભુલાઈ જાય છે કે અમારો વાંધો સત્યના તત્ત્વ વિરુદ્ધ કરેલી કલ્પના સામે છે... ચિંતકો પેઠે કવિઓએ પણ ‘સત્યનાં તત્ત્વ’ પ્રાપ્ત કરવાનાં છે, તેથી સત્યના આવા એક મહોટા ‘તત્ત્વ’ વિરુદ્ધ કલ્પના’ કરવી એ અકવિત્વમય છે એ અમારું કહેવું હતું.”[46] આમ, રમણભાઈએ આચાર્ય આનંદશંકરના અપવાદનો રદિયો આપતાં પોતાની સૈદ્ધાંતિક ભૂમિકા વધુ સ્પષ્ટ કરી છે. કવિની કલ્પના ‘સત્યના તત્ત્વ’ને ઉપલબ્ધ કરી આપે ત્યાં સુધી જ તે આવકાર્ય છે એમ તેઓ સ્થાપવા ચાહે છે. એ પછી ચર્ચાને સહેજ આગળ લઈ જવા તેઓએ ‘અનુકરણ’ અને ‘કલ્પના’ના વ્યાપારનું રહસ્ય સ્પષ્ટ કરી લેવાનો પ્રસંગોપાત્ત એક પ્રયત્ન અહીં પણ કર્યો છે. “જગતની ઘટનાના સાધારણ નિયમોવાળાં ભૌતિક કારણોને બદલે કવિ કલ્પનાના અમીરસથી પોતાની આનંદમય સૃષ્ટિ રચે છે, પરંતુ વિશ્વવ્યવસ્થાનાં સત્ય તત્ત્વો દર્શાવવાનો કવિનો હેતુ હોય છે તેથી કલ્પના વડે પણ વિશ્વની એ વાસ્તવિકતાનું અનુકરણ ઉપજાવવાનો તેનો પ્રયાસ હોય છે. વિશ્વવ્યવસ્થામાં જે તત્ત્વ નથી તે સૃજવાનો પ્રયાસ કવિ કદી કરે તો વ્યર્થ છે કેમકે એવી સૃષ્ટિમાં મનુષ્યને કંઈ હિત રહ્યું નથી. વિશ્વની વ્યવસ્થામાં જે સત્ય તત્ત્વો છે તે જેમાં અન્તભૂત હોય તેવી જ કલ્પનામય સૃષ્ટિથી મનુષ્યને જ્ઞાન, ઉન્નતિ તથા આનંદનો લાભ થાય છે.”[47] અહીં રમણભાઈ પણ કવિકલ્પનાનું ગૌરવ કરવા પ્રવૃત્ત થયા છે. આ વિશ્વવ્યવસ્થાનાં ‘સત્યનાં તત્ત્વો’ કવિની કલ્પના દ્વારા જ ઉપલબ્ધ બને છે એમ તેઓ પણ સ્વીકારે છે અને આવી, ‘સત્યનાં તત્ત્વો’ ઉપલબ્ધ કરી આપતી કાવ્યસૃષ્ટિ જ તેમને ઇષ્ટ છે, એમ તેઓ ભારપૂર્વક નોંધે છે. આચાર્ય આનંદશંકરના વિચારો અને પોતાના વિચારો વચ્ચેનો અવકાશ ઓછો કરવાના પ્રયત્નરૂપે તેઓ ચર્ચા આગળ ચલાવે છે અને કવિકલ્પનાનું કાર્ય વર્ણવતાં તેનું અનુપમ શક્તિસ્વરૂપ પ્રગટ કરી આપે છે. તેઓ કહે છે : “ઉપર દર્શાવ્યું તેમ, સત્ય વિરુદ્ધ કલ્પના તથા વાસ્તવિકતાના નિયમના અનાદર સામે અમારો વાંધો નથી, ‘કલ્પના’ શબ્દમાં જ સત્યવિરોધ અને અવાસ્તવિકતાનો સમાવેશ થાય છે. અને કલ્પના તે કવિજનનું મહાન સાધન છે, કલ્પનાની પાંખો વડે જ સાધારણ રસહીન જનસમૂહના સંસર્ગમાંથી ઊંચે ચડી અદ્ભુતત્ત્વનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી સાધન અને સાધ્યના ભેદની વિસ્મૃતિ ન થાય અને કલ્પના તે જ ‘ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રતિરોધ નથી.”[48] અહીં તેઓ કલ્પનાના ઉડ્ડયનનો ખ્યાલ રજૂ કરે છે. તેમની પ્રસ્તુત વિચારણા કાવ્યવાસ્તવના સત્યાસત્યને લગતા એક અતિ ગૂઢ અને જટિલ કોયડાને સ્પર્શે છે. ‘કલ્પના’ એ કવિજનનું મહાન સાધન છે એમ તેઓ કહે છે. (આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે દીર્ઘ કવિતાની રચનાકલામાં ‘કલ્પના’ એ મુખ્યત્વે તો આગંતુક, ઐચ્છિક કોટિનો વ્યાપાર જ લેખાયો છે. અહીં તે ‘સાધન’ રૂપે સ્વીકાર પામ્યો છે, જો કે એ સાધન ‘મહાન’ છે.) પરંતુ એ ‘સાધન’ સ્વયં કોઈ સત્યરૂપ હોય એમ અહીં અભિપ્રેત નથી. કાવ્યાનુસંધાનની ક્ષણનું બયાન આપતાં તેઓ કહે છે કે એ ક્ષણે ‘કલ્પના’ અને ‘સત્ય’ એટલે કે ‘સાધન’ અને ‘સાધ્ય’ એ બેનો ભેદ ભૂલી જવાય છે, એટલે કે ‘કલ્પના તે જ ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ થાય છે. બાકી કાવ્યવાસ્તવના સંદર્ભની બહારના કોઈ પરિચિત – કોઈ વૈજ્ઞાનિક સત્યની તુલનામાં તો તે ભ્રાંતિ કે મિથ્યા સ્વરૂપ જ છે. આમ કાવ્યના વ્યાપારરૂપે ‘કલ્પના’ એ કોઈ સત્યયુક્ત નહિ પણ ‘સત્યના તત્ત્વ’ની ઉપલબ્ધિનું ‘સાધન’ છે. આચાર્ય આનંદશંકર અને રમણભાઈની પ્રસ્તુત વિચારણામાં કેટલુંક મૂલગત સામ્ય છે, કદાચ તેઓ પરસ્પરની નજીક આવી પહોંચ્યા છે. બંનેએ કવિના સાધ્ય લેખે ઉચ્ચતર સત્યનો સ્વીકાર કર્યો છે. બંનેએ એવા ઉચ્ચતર સત્યની ઉપલબ્ધિ માટે કલ્પનાનો મહિમા કર્યો છે. આમ છતાં રમણભાઈના કરતાં આચાર્ય આનંદશંકરની ‘કલ્પના’ની વિભાવના વધુ સંગીન છે. આપણે આગળ ઉપર ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા કરતાં જોઈશું કે જ્યારે રમણભાઈએ કવિની કલ્પનાને કેટલીક સીમા આંકી આપી છે, ત્યારે આચાર્ય આનંદશંકર અને મણિલાલે કવિકલ્પનાના નિઃસીમ વ્યાપાર માટે અવકાશ અર્પ્યો છે. આચાર્ય આનંદશંકરે તો કવિતાના આગવા વાસ્તવનો મહિમા કર્યો છે. સ્વયં કાવ્યવાસ્તવ એ એક આગવો રહસ્યાનુભવરૂપ સંદર્ભ છે. એમાંથી જ એનું આગવું ઋત ઉત્ક્રાન્ત થાય છે. એટલે કે, એનું સ્વકીય સત્ય સિદ્ધ થાય છે એ ખ્યાલ તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે. પાશ્ચાત્ય કાવ્યવિવેચનમાં કોલરિજે ‘કલ્પના’નું આગવું ગૌરવ કર્યું છે. સર્જકની કલ્પના એ આ વિશ્વની સર્જકચેતનાનો જ અંતર્ગત સહકારી અંશ છે એમ તેણે પ્રતિપાદિત કર્યું છે.[49] આ કલ્પનાશક્તિ એ જ્ઞાનમાત્રની સૂક્ષ્મ ચેતના છે. અને સ્વૈર લીલયારૂપ પણ છે. એનો આ સિદ્ધાંત એના અનુગામી ચિંતકો દ્વારા વધુ ને વધુ વ્યાખ્યા પામતો રહ્યો છે. એડમન્ડ હોલ્મસ નામના વિદ્વાને કવિકલ્પનાને બ્રહ્માંડનાં રહસ્યો ઉપલબ્ધ કરી આપનારી ક્રાન્તદૃષ્ટિ ગણાવી છે.[50] તો બીજા એક વિદ્વાન એલ.સી. નાઇટે કલ્પનાને સમગ્ર સર્જનની સૂક્ષ્મ ગતિરૂપ ચેતના લેખવી છે.[51] આમ, પાશ્વાત્ય વિવેચનામાં ‘કલ્પના’નો સંપ્રત્યય ખૂબ વિકસતો રહ્યો છે. કોલેરિજનો તો આ ચિંતકોનો કલ્પનાનો સિદ્ધાંત એ માત્ર લલિતકલાઓમાં જ સીમિત રહેતો નથી એ જ્ઞાનમાત્રની સૂક્ષ્મ ચેતના બની રહે છે. જગતના પદાર્થોનું હાર્દ એ કલ્પના દ્વારા જ ઉપલબ્ધ બને છે. વિદ્યુલ્લેખા જેવા ઝબકારથી તે સહજમાં અંતઃસ્વરૂપ અજવાળી આપે છે.[52] આચાર્ય આનંદશંકર અને રમણભાઈની ઉપરોક્ત કાવ્યચર્ચામાં કવિની સાધનભૂત ‘કલ્પના’નું ઘણું ગૌરવ થયું છે. કવિના પરમ સત્યના સાધ્ય માટે એ એક મહાન સાધન છે, એમ તેમણે સ્વીકાર્યું છે. જો કે સાધનભૂત કલ્પના એ સ્વયં કોઈ પરમ સત્યનું જીવાતુભૂત તત્ત્વ નથી કે તેનું હાર્દ નથી – એ રીતે કોલેરિજની imaginationની વિભાવના કરતાં તેમ ભારતીય ‘પ્રતિભા’ના ખ્યાલ કરતાં તેનું સ્થાન કંઈક ઊતરતું છે, પરંતુ કવિતાની કલામાં તેનું અસાધારણ મહત્ત્વ તો છે જ. રમણભાઈની સમગ્ર કાવ્યચર્ચામાં ‘કલ્પના’નો સંપ્રત્યય ભિન્ન ભિન્ન સંદર્ભમાં વિભિન્ન સંકેતો પ્રગટ કરી આપે છે. (અ) આરંભમાં ‘કવિતા’ નિબંધમાં બેકનના કાવ્યસિદ્ધાંતની વ્યાખ્યા કરતાં તેનો મૂળભૂત કલ્પનાનો ખ્યાલ સરળ રૂપમાં તેમણે રજૂ કર્યો છે. (બ) રચનાકલાના બે વ્યાપારો ‘અનુકરણ’ અને ‘કલ્પના’, એ ‘કલ્પના’ વ્યાપાર આગંતુક છે અને મનને આધીન વ્યાપાર છે. (ક) કવિતાની બિંબસૃષ્ટિના રચનાર વ્યાપાર લેખે ‘કલ્પના’ એક વિધાયક બળ છે. અલંકારરચનામાં ય એ ભાગ ભજવે છે. (ડ) કવિની કલ્પના એ વિશ્વના પરમ સત્યની ઉપલબ્ધિનું મહાન ‘સાધન’ છે. આમ, તેમની કાવ્યચર્ચામાં ‘કલ્પના’નો સંકેત બદલાતો-વિસ્તરતો રહ્યો છે. જો કે રસપ્રદ મુદો એ છે કે તેમણે રોમેન્ટિકોને અભિમત ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો હોવા છતાં એ ‘અંતઃક્ષોભ’ કે ‘પ્રેરણા’ના જીવાતુભૂત તત્ત્વ લેખે તેમણે ‘કલ્પના’નો વિશિષ્ટ સંકેત (રોમેન્ટિકોને અભિમત) કોઈ ખાસ ભારપૂર્વક સ્વીકાર્યો નથી.
કવિતા અને વિજ્ઞાન
રમણભાઈની સમગ્ર કાવ્યવિચારણામાં પાશ્ચાત્ય કાવ્યવિવેચનાના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો પણ સ્થાન પામ્યા છે તે ખૂબ જ સૂચક છે. ‘કવિતા’ નિબંધમાં મેકોલેના વિચારને ટાંકી તેમણે, કવિત્વશક્તિ પર વિજ્ઞાનનો પ્રભાવ એ વિશે ચર્ચાની માંડણી કરેલી. પણ કવિતાની ઉત્પત્તિમાં જ્ઞાન અનિવાર્ય નથી એવો અભિપ્રાય સીધેસીધો દર્શાવી તેમણે એ ચર્ચા વિકસાવી નહોતી. ‘કાવ્યાનંદ’માં તેમણે એ મુદ્દો ફરીથી હાથમાં લીધો છે અને ત્યાં એ વિશે વિગતે ચર્ચા કરી છે. એમની પૂર્વે નર્મદે પણ એ વિશે અછડતો નિર્દેશ કરેલો તે આપણે જોઈ ગયા છીએ. રમણભાઈની પ્રસ્તુત ચર્ચાને સ્પષ્ટ કરવા પાશ્ચાત્ય વિવેચનાની આછીપાતળી ભૂમિકા રચવા પ્રયત્ન કરીશું. અલબત્ત, એ પ્રશ્નનો આખો ઐતિહાસિક વિકાસ દર્શાવવાનું અહીં શક્ય નથી, તેમ તેટલું આવશ્યક પણ નથી. પાશ્ચાત્ય કાવ્યવિવેચનામાં કવિતા વિ. જ્ઞાન એ પ્રશ્નની માંડણી આમ તો પ્લેટોના કાવ્યવિચારમાં થયેલી છે પણ સત્તરમી સદીમાં પુનર્જાગૃતિના સમયથી કવિતા અને વિજ્ઞાન એ પ્રશ્ન જાણે કે વધુ સ્પષ્ટ રૂપમાં આકાર લે છે. આરંભકાળના અનેક ચિંતકોએ, વધતા જતા વિજ્ઞાનની સામે, કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી. જો વિજ્ઞાન દ્વારા સ્થૂળ વિશ્વજીવનનું ઉપરછલ્લું ‘સત્ય’ પ્રગટ થતું હોય તો કવિતાની કલ્પના કોઈ ભ્રાંતિ નથી, તે દ્વારા કવિ પણ પરમ સત્યની ઉપલબ્ધિ કરે છે. એ મુદ્દો રોમેન્ટિકોએ ભારપૂર્વક રજૂ કર્યો. એ ગાળામાં કવિતાને વૈજ્ઞાનિક સત્યોના સંદર્ભમાં ચકાસી જોવાનું વલણ વધ્યું. આરંભકાળના ચિંતકો-Giovanni Battisa Pigna, Gabriel Zinano આદિ એમ કહેવા લાગ્યા કે કવિની દૃષ્ટિ બધાં વિજ્ઞાનોનાં રહસ્યને પ્રાપ્ત કરવા સમર્થ હોય છે અને કવિતા દ્વારા વિજ્ઞાનોનું રહસ્ય ઉપલબ્ધ થાય છે.૫૨[53] Scipione Ammirato નામના વિદ્વાને એમ કહ્યું કે કવિનો ‘દિવ્ય આવેશ’ એ પણ વિશિષ્ટ કોટિનું જ્ઞાનમાત્ર છે અને દીર્ઘ પ્રયત્ન પછી વિજ્ઞાનને પ્રાપ્ત થયેલા સત્ય કરતાં તે ચઢિયાતું હોય છે.[53] સત્તરમી-અઢારમી સદીમાં ભૌતિકવાદી તત્ત્વવિચાર વિકસ્યો અને આ વિશ્વ એ માત્ર જડ નિયમોનો ચરખો છે એવું પ્રતિપાદિત થવા લાગ્યું. આ સમયે જડચેતનનો દ્વૈતવાદી દૃષ્ટિકોણ વધુ પ્રબળ બન્યો. બેકને પ્રકૃતિની અનંતતાનો વિચાર રજૂ કર્યો.[53] અઢારમી સદીમાં પણ કવિતા અને વિજ્ઞાનને યુક્ત કરવાના પ્રયત્નો થયા. બર્કનો ‘ભવ્ય અને સુંદર’ (The Beautiful and the sublime) એ વિશેનો નિબંધ એ દ્રષ્ટિએ સૂચક છે.[53] આ યુગમાં કવિતા અને વિજ્ઞાનની અન્ય શાખાઓ વચ્ચે ભેદરેખા ચાલુ રહી. રોમેન્ટિક યુગમાં વર્ડ્ઝવર્થ-શેલી આદિએ કવિતામાં પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે એ મત સ્થાપી વિજ્ઞાન પર તેની સર્વોપરિતા દર્શાવી. આ ગાળામાં Thomas Love Peacock નામના, વિદ્વાને ‘four Ages of Poetry’ નામની પુસ્તિકામાં એમ દર્શાવ્યું કે કવિતા સત્યના ભોગે લાગણી જગાડે છે.[53] અને તેથી તે વ્યર્થ પ્રવૃત્તિ બની રહે છે. મેકોલેએ પણ લગભગ આ જ મતનું સમર્થન કર્યું.[53] ‘કવિતા’ નિબંધમાં તેમણે મેકોલેની દલીલમાંથી એક અત્યંત મહત્ત્વનો ખંડ ઉતાર્યો છે : “માણસને પહેલું ઇંદ્રિયગોચર જ્ઞાન થાય છે અને ત્યારપછી પૃથક્ સવિકલ્પક જ્ઞાન થાય છે. સમસ્ત પ્રજાના જ્ઞાનનો પણ આવો જ ક્રમ છે. મનુષ્યના જ્ઞાનની વૃદ્ધિ સારુ અનુભવથી વધેલું સામાન્ય જ્ઞાન અવશ્ય છે. પણ કલ્પના વડે નવી સૃષ્ટિ કરવામાં તો સામાન્ય થવા નહિ પામેલા વિશેષ જ્ઞાન વિના ચાલે જ નહિ. જેમ મનુષ્યનું જ્ઞાન વધતું જાય છે અને તે વધારે વિચાર કરતો થાય છે તેમ વિશેષ જ્ઞાન તરફ તેનું લક્ષ ઓછું જાય છે. ઉપર કહ્યું તેમ, કવિતા માટે વિશેષ જ્ઞાનની જરૂર છે તેથી મનુષ્યનાં જ્ઞાન અને વિચારશક્તિની વૃદ્ધિ થાય તેમ કવિતાશક્તિ ઘટતી જાય.”[54] આગળ નોંધ્યું છે તેમ, ‘કવિતા’માં આ પ્રશ્નની માંડણી કર્યા પછી તેઓ એની ચર્ચા કરતા નથી. માત્ર કવિતાની ઉત્પત્તિ માટે જ્ઞાન આવશ્યક નથી એવો મત રજૂ કરી તેમણે એ ચર્ચા સમેટી લીધી છે. ‘કાવ્યાનંદ’માં કવિતાના પ્રયોજન લેખે રસાનુભવની પ્રતિષ્ઠા કર્યા પછી તેઓ કવિતા અને જ્ઞાનનો વિલક્ષણ કાર્યપ્રદેશ તપાસવા ચાહે છે ત્યાં તેઓ મેકોલેની વિચારણાનો તંતુ ફરીથી સાંકળી લઈ એ વિશેની ચર્ચા વિકસાવે છે. આ પ્રશ્નની માંડણી કરતાં તેઓ બે મુદ્દાઓ આગળ ધરે છે : (અ) કવિતાની ઉત્પત્તિ ઉપર જ્ઞાનની અસર (બ) કવિતાના સ્વરૂપ ઉપર જ્ઞાનની અસર આમાંના પ્રથમ મુદ્દાને વિગતે ચર્ચતાં તેઓ ફરી વાર ભારપૂર્વક કહે છે કે માણસમાં કવિત્વશક્તિ એ નૈસર્ગિક ભેટ છે અને કવિતાની ઉત્પત્તિ ઉપર જ્ઞાનવિજ્ઞાન કોઈ પ્રતિકૂળ અસર કરી શકે નહિ.[55] તેઓ એવી દલીલ કરે છે કે જ્ઞાનનો વિકાસ થતાં મનુષ્યપ્રકૃતિની અન્ય શક્તિઓ નષ્ટ થઈ નથી તો કવિત્વશક્તિને નાશ પામવાનું કોઈ કારણ નથી.[56] સાહિત્યના ઇતિહાસનો આધાર લઈ તેઓ કહે છે કે પ્રાચીન કાળમાં વ્યાસ, વાલ્મીકિ અને હોમર જેવા મહાકવિઓ થયા તો મધ્યકાલમાં દાન્તે, શેક્સપિયર, મિલ્ટન અને કાલિદાસ આદિ કવિઓ થયા. વળી, અર્વાચીન યુગમાં વર્ડ્ઝવર્થ શેલી આદિ કવિઓ પણ એવી જ મહાન પ્રતિભા ધરાવનાર થયા. એ સર્વ હકીકત લક્ષમાં લેતાં કવિત્વશક્તિનો કોઈ પ્રકારે હ્રાસ થવાને કારણ નથી.[57] હકીકતમાં મનુષ્યની મૂળભૂત ચિત્તવૃત્તિઓ-પ્રેમ, ભય, વિસ્મય, ઉત્સાહ, શોક આદિ હજીયે સ્ફુરતી રહી છે અને સૃષ્ટિવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં અનેક નવીન રહસ્યોનું ઉદ્ઘાટન થાય છતાં એ ચિત્તવૃત્તિઓ તો અક્ષય્ય જ રહેવાની છે.[58] સૃષ્ટિવિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ થયેલાં નવાં રહસ્યોને માનવી હંમેશાં વિસ્મય અને અદ્ભુતભાવથી નિહાળશે. આમ, કવિત્વશક્તિ માટે નવું ક્ષેત્ર નિર્માણ થશે.[59] પોતાના યુગના પ્રસિદ્ધ ચિંતક હર્બર્ટ સ્પેન્સરની વિચારણાનો આધાર લઈ તેઓ કહે છે : “શિલ્પ, ચિત્ર, સંગીત, કવિતા એ સર્વમાં સૃષ્ટિવિજ્ઞાન આધારરૂપ છે એટલું જ નહિ પણ સૃષ્ટિવિજ્ઞાન પોતે કવિત્વપૂર્ણ છે. સૃષ્ટિવિજ્ઞાન અને કવિતા એકબીજાથી વિરુદ્ધ છે એવો જે મત પ્રવર્તમાન છે તે ભ્રમિત છે. એ બેશક ખરું છે કે જ્ઞાનગ્રહણ (cognition) અને ચિત્તક્ષોભ (emotion) એ માનસિક અનુભવો એકબીજાથી જુદા છે અને એકમાં બીજાનો સમાવેશ થતો નથી. અને એ પણ બેશક ખરું છે કે ચિંતનની શક્તિઓ બહુ જ પ્રવૃત્ત થાય ત્યારે લાગણીઓ શિથિલ થઈ જાય છે અને લાગણીઓ બહુ જ પ્રવૃત્ત થયાથી ચિંતનની શક્તિઓ શિથિલ થઈ જાય છે; અને એ અર્થમાં તો મનની બધી પ્રવૃત્તિઓ એકબીજાથી ઊલટી છે. પણ એ ખરું નથી કે સૃષ્ટિવિજ્ઞાનની હકીકતો કવિત્વહીન છે અથવા સૃષ્ટિવિજ્ઞાનની કેળવણી કલ્પનાના વ્યાપારને તથા સૌન્દર્યની પ્રીતિને પ્રતિકૂલ છે. પણ ઉલટું, સૃષ્ટિવિજ્ઞાન ન જાણનારને જ્યાં બધું શૂન્ય દેખાય છે ત્યાં સૃષ્ટિવિજ્ઞાનની માહિતીથી કવિતાના પ્રદેશ દૃષ્ટિ આગળ ઊઘડે છે.”[60] આમ, જ્ઞાનવિજ્ઞાનની વૃદ્ધિથી કવિતાની ઉત્પત્તિમાં કોઈ હાનિ નથી, બલકે ફાયદો છે એવા નિર્ણય પર તેઓ આવે છે. પરંતુ સ્પેન્સરની જે વિચારણા તેમણે ઉદ્ધૃત કરી છે તેમાં મેકોલેના મૂળ સંશયનો સંતોષકારક ઉત્તર નથી. મેકોલે એવો સંશય વ્યક્ત કરે છે કે માનવીનો ઉત્તરોત્તર બૌદ્ધિક વિકાસ થતો જાય છે તેમ તેમ વસ્તુજગતને મૂર્ત સઘન રૂપમાં ઓળખવાની દૃષ્ટિનો હ્રાસ થાય છે. વિજ્ઞાન સમગ્ર જ્ઞાનવિજ્ઞાનને Abstract Concept રૂપમાં મૂકવા ચાહે છે એ દૃષ્ટિએ વિજ્ઞાનનો અભિગમ કવિતાથી ભિન્ન છે. કવિતા એ સ્વાયત્ત, વિશિષ્ટભાવ રૂપ ‘મૂર્ત’ વસ્તુ છે અને કવિની અનુભૂતિમાં એ વસ્તુને બને તેટલા અખિલ રૂપમાં જોવા સમજવાનો પ્રયત્ન હોય છે. વૈજ્ઞાનિક જ્યાં માત્ર તથ્ય (fact) રજૂ કરે છે ત્યાં કવિની અનુભૂતિ એને મૂલ્ય (Value) અર્પે છે. આ દૃષ્ટિએ આજના કવિનું કાર્ય દુષ્કર બન્યું છે, તેની મથામણ એ ‘મૂલ્ય’ નિર્માણ કરવાની છે. રમણભાઈએ સ્પર્શેલો પ્રશ્ન આ સદીમાં આઈ. એ. રિચાડ્ર્સે બીજા સંદર્ભમાં ફરી છણ્યો છે. ‘Science and poetry’માં તે કહે છે : “The poet is not writing as a scientist. He uses these words because the interests whose movement is the growth of the poem combine to bring them just in this form, into his consciousness as a means of ordering, controlling and consolidating the uttered experience of which they are themselves a main part. The experience itself, the tide of impulses sweeping through the mind, is the source and the sanction of the words.”[61] આમ, રિચાડ્ર્સને કવિગત શબ્દસૃષ્ટિ—કવિતાનું આગવું મૂલ્ય છે. કાવ્યનો શબ્દ વૈજ્ઞાનિકના કથન કરતાં જુદું જ કાર્ય કરવા સર્જાયો છે અને કવિનો શબ્દ એ સાધન અને સાધ્ય બંને છે એમ તે માને છે. આધુનિક યુગમાં, કવિ અને વૈજ્ઞાનિકની વિભિન્ન કાર્યપદ્ધતિની વિચારણા, અનેક ચિંતકોએ ફરી ફરીને કર્યા કરી છે. આપણે આ મુદ્દો પૂરો કરતાં પૂર્વે એક વિશિષ્ટ વિચારણા નોંધીશું. દોન કેમરન એલન ‘Four Poets on Poetry’ની પ્રસ્તાવનામાં : વૈજ્ઞાનિક અને કવિનો ધર્મ અને તેની કાર્યપદ્ધતિ પર જે પ્રકાશ પાડે છે, તે નોંધપાત્ર છે. તેઓ કહે છે : “The scientist is eager, I think, to convey his impressions of the average of appearances in the linguistic cart of non-subjective symbols that will be recognized by his fellow scientists, who will answer him in the same symbols. The poet is not averse to symbols; he is in fact, trapped by them into his poem; put his notion of symbols is entirely different from that of scientist.....For the scientist the symbol is a means of conveying fact; for the poet it is a way of transmitting emotion. This emotion has no connection with hysteria or with nervous agitation. It is plainly the motion attendant on a creative act carried through or on the uniqueness of the metaphor that releases the poet from further speculation.”[62] અર્વાચીન સમયમાં જેમ જેમ સર્જકતાનો સંપ્રત્યય બદલાતો રહ્યો તેમ તેમ કવિકર્મ પર ભાર મુકાતો ગયો. પ્રસ્તુત વિચારણામાં આધુનિક ચિંતક દોન કેમરન એલન કવિની સૃષ્ટિમાં સ્થાન પામતાં પ્રતીકોની વિશેષતા દર્શાવતાં એમ કહે છે કે એ સૌમાં લાગણીનું તત્ત્વ અભિવ્યાપક રહ્યું હોય છે. કવિનિર્મિત શબ્દસૃષ્ટિ એ રીતે ભિન્ન સ્વરૂપની સિદ્ધ થાય છે. વૈજ્ઞાનિક અને કવિ બંને પોતપોતાની રીતે પરમ સત્યની ખોજ કરતા હોય છે પણ બંનેનાં સાધન અને સિદ્ધિ નિરાળાં છે. વિજ્ઞાનના વિકસતા યુગમાં કવિને માટે ક્ષેત્ર ખુલ્લું રહે છે. જો કે તે સાથે જ તેનું કાર્ય દુષ્કર બન્યું જણાય છે. આધુનિક કવિઓએ ભાષાના માધ્યમ માટે જે ગંભીર દૃષ્ટિ કેળવી છે તેનું એક કારણ આ પણ છે કે જ્ઞાનવિજ્ઞાનના સર્વ ક્ષેત્રમાં પ્રયોજાતી ભાષા વધુ ને વધુ અમૂર્ત બનતી ગઈ છે. વિજ્ઞાન તેની શાસ્ત્રીય પરિભાષાને, તેની માધ્યમરૂપ ભાષાને, એક ચોક્કસ ઢાંચામાં બાંધી લે છે. આજના કવિ માટે આ એક વિષમતા જન્મી છે. એટલે જ તો તે સવિશેષ ‘શબ્દનો શોધક’ બની રહ્યો છે. રમણભાઈની પ્રસ્તુત વિચારણાનો બીજો મુદ્દો આ છે : “કવિતાના સ્વરૂપ ઉપર જ્ઞાનની અસર.” આ મુદ્દાને અનુલક્ષીને તેઓ કવિતાની રચના અર્થે કવિએ પ્રાપ્ત કરવાના જ્ઞાન વિશે ચર્ચા કરે છે. આ વિષયમાં તેમનું મંતવ્ય એટલું સ્પષ્ટ છે. તેઓ એમ માને છે કે કવિતાના સ્વરૂપમાં કવિનો અભ્યાસ કે તેનાં જ્ઞાનવિજ્ઞાનની ઉપલબ્ધિ અવશ્ય ભાગ ભજવે છે. અલબત્ત, કાવ્યશિક્ષણના ગ્રંથો વાંચ્યાથી કે માત્ર જ્ઞાન સંપાદન કર્યાથી કવિત્વશક્તિ સિદ્ધ થતી નથી પણ બીજી બાજુ એય સાચું છે કે પ્રતિભાસંપન્ન કવિઓએ પણ પોતાની કવિત્વશક્તિના વિકાસ અર્થે અભ્યાસ કરવો જોઈએ. મમ્મટાચાર્યે કવિત્વશક્તિના પોષણ અર્થે કવિએ અભ્યાસ અને નિપુણતા પ્રાપ્ત કરવી જોઈએ એવો આદેશ આપ્યો છે. પાશ્ચાત્ય ચિંતક હર્બર્ટ સ્પેન્સરના મંતવ્યનો આધાર લઈ તેઓ એમ કહે છે કે સર્જકપક્ષે તેમ ભાવકપક્ષે જ્ઞાનનો યોગ થવો ઈષ્ટ છે. કવિ સહજોપલબ્ધિથી ઘણું સિદ્ધ કરી શકે એ કથન અંશતઃ સાચું છે. “વિશેષ બુદ્ધિપ્રભાવ સાથે જ્ઞાનનો યોગ થાય ત્યારે જ મહોટામાં મહોટી કૃતિઓ સિદ્ધ થઈ શકે છે.”[63] આમ તેઓ ઉત્તમ રચનાની સિદ્ધિ અર્થે અંતઃપ્રેરણાથી વિશેષ જ્ઞાનાદિની સહાય સ્વીકારે છે. રમણભાઈની કાવ્યવિચારણામાં સાચી કવિતા તો ‘અંતર્ભાવ’ પ્રેરિત જ હોય એવો આરંભકાળનો મત પાછળથી ફરી ફરીને નવો ઘાટ લેતો રહ્યો છે. પ્રસ્તુત વિચારણામાં તેઓ કવિને માટે વિશાળ ગહન જ્ઞાનવિજ્ઞાનની અપેક્ષા સ્વીકારે છે એ હકીકત પણ એટલી જ નોંધપાત્ર છે.
પાદટીપ
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ.૧૯
- ↑ એજન : પૃ. ૧૯
- ↑ એજન : પૃ. ૨૦
- ↑ એજન : પૃ. ૨૦
- ↑ એજન : પૃ. ૨૦
- ↑ એજન : પૃ. ૨૦
- ↑ ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રં. ૧લો : પૃ. ૩૫
- ↑ જુઓ પ્રકરણ ૬ પૃ. ૩૩, ૩૭
- ↑ જુઓ પ્રકરણ ૬ પૃ. ૩૩, ૩૭
- ↑ ‘કાવ્યાનંદ’ નિબંધમાંનાં કેટલાંક વિધાનો જુઓ :
(અ) કવિત્વ તે જાતે જ સ્વયંભૂ ઉદયથી હૃદયોઊર્મિમાં ઉદ્ભૂત થાય છે. અને એવી ઊર્મિની ક્ષણે કવિને થયેલું દર્શન વ્યંગ્ય કરી તે પ્રકટ કરવાના કવિ કલ્પનાનો ઉપયોગ કરે ત્યારે કલ્પના ભાવવિષયક થાય છે.’ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૨૮૧.
(બ) ‘ભાવપ્રેરણા ઉત્પન્ન થયા પછી કલાવિધાન વિના ઝાઝો વખત ચાલતું નથી.” એજન પૃ. ૨૯૬
(ક) “ભાવપ્રેરણા જ્યાં અતીવ ઉગ્ર અને ઉત્કટ હોય ત્યાં તો પ્રથમ તો ઘણું બધું તે સ્વરૂપે જ આવિર્ભૂત થાય છે, એમ છતાં આવિર્ભાવ આગળ વધતાં થોડી વારમાં કલાનો યોગ થવા માંડે છે.” એજન પૃ. ૨૯૭ - ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૪૧
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૫૯
- ↑ આ ‘રાગધ્વનિ’ શબ્દને અનુલક્ષીને રમણભાઈએ પાદટીપ મૂકી તે વિચારણા માગે છે. પાદટીપ આ પ્રમાણે છે :
“અહીં ‘રાગધ્વનિ’ને બદલે ‘રસધ્વનિ’ નહિ વપરાય, કેમકે રસધ્વનિમાં સર્વાનુભવરસિક કવિતા પણ આવશે, રાગધ્વનિ તો સ્વાનુભવરસિક જ. તે માટે ઉત્પત્તિ વિચારતાં અમે રાગધ્વનિ પદ વાપરીએ છીએ.”
નોંધ : આપણે ગયા પ્રકરણમાં એક મુદ્દો એ છણ્યો હતો કે રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ તે જ ‘રસધ્વનિકાવ્ય’ એમ સમીકરણ કરવાનો અતિઆગ્રહપૂર્વક પ્રયત્ન કરેલો. અહીં તેઓ એ આગ્રહ છોડી દે છે. તેઓ જોઈ શક્યા છે કે ‘રસધ્વનિકાવ્ય’નો સંકેત વ્યાપક છે અને માત્ર ‘રાગધ્વનિકાવ્ય’ (એટલે કે ‘સ્વાનુભવરસિક’ કવિની કૃતિ)પૂરતો જ સીમિત નથી, આમ, તેમને આરંભમાં સ્વીકારેલી ભૂમિકા – ‘રાગધ્વનિકાવ્ય’ તે જ ‘રસધ્વનિકાવ્ય’એ અહીં ત્યજી દેવાનો પ્રસંગ આવેલો છે. - ↑ કવિતા અને સાહિત્ય : ગ્રં. ૧લો : પૃ. પર
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ.૫૩-૫૪
- ↑ (અ) “કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે.” – કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૧૦
(બ) “જે ઘડીએ કવિતા ઉત્પન્ન થાય તે ઘડીએ જ તે શબ્દમાં રચાવી જોઈએ, એવો નિયમ નથી. લાગણીથી ક્ષોભ થાય ત્યારે કવિતા ઉત્પન્ન થાય.” – એજન : પૃ. ૧૨.
(ક) “ફક્ત ચિત્તમાં લાગણીથી થયેલા ક્ષોભથી ઉત્પન્ન થયેલી કવિતા ઘણી થોડી છે અને તે ઘણી થોડી જ હોય. ઈશ્વરદત્ત પળો ઘડી ઘડી નથી આવતી અને આવે ત્યારે બહુ વાર ટકતી નથી. આથી અંતર્ભાવપ્રેરિત કાવ્યો ઘણાં લાંબાં નથી હોતાં.”
– એજન : પૃ. ૧૯.
- ↑ જુઓ આ પ્રકરણમાં પૃ. ૯૧–૯૩ની ચર્ચા
- ↑ જુઓ પ્રકરણ ૬ ઠ્ઠાની પૃ. ૨૮–૩૯ પરની ચર્ચા
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો પૃ. ૧૨
- ↑ (અ) “પણ વાસ્તવિક રીતે કવિતા સ્વયંભૂ અને સ્વચ્છંદ છે.” – કવિતા અને સાહિત્ય ગ્રંથ ૧લો : પૃ. ૯
(બ) “હાલ સ્વયંભૂ તરીકે કવિતાને નીરખતાં તેનું મૂળ શોધીએ. વડર્ઝવર્થે કહ્યું છે કે “કવિતા તે મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તક્ષોભ છે.” એજન પૃ. ૯.
(ક) “સ્વયંભૂ ઊર્મિથી જ મન કવિત્વની વૃત્તિમાં આવે છે.”
– એજન પૃ. ૨૪૫.
- ↑ “કવિ કોઈ ફૂલ જુવે, કોઈ સુંદર રૂપ જુવે, કોઈ સૃષ્ટિનો દેખાવ જુવે, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુવે, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે.” – કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૧૦–૧૧.
- ↑ કેટલાંક વિધાનો જુઓ : (અ) “કોઈ વખતે કવિને ચિત્તક્ષોભ થાય, તેના મનમાં કંઈ ભાવ ઊછળી આવે, અને ચિત્ત શાંત થયા પછી કોઈ વખતે તે ક્ષોભના સ્મરણથી જે લખાય તે કવિતા.” – એજન પૃ. ૯.
(બ) “લાગણીથી ક્ષોભ થાય ત્યારે કવિતા ઉત્પન્ન થાય” – એજન પૃ. ૧૧.
(ક) “આ ઈશ્વરદત્ત પળમાં ચિત્તને જે લાગે, જે તર્ક આવે તેનું નામ લાગણી, અને તે જ ચિત્તમાં ક્ષોભ કરીને કવિત્વશક્તિને સફળ કરે” – એજન પૃ. ૧૨<br. (ડ) “કવિતા વિચારવિષયક નહિ પણ વિકારવિષયક છે. વિકાર એટલે મનનું બદલાવું, હૃદયમાં લાગણી થાય, ભાવનું ઉત્પન્ન થવું. વિકાર મનના પ્રયાસથી, ચિત્તે ઇચ્છા ક્યાંથી ઉત્પન્ન થતા નથી પણ હૃદયની કોઈ સ્થિતિને લીધે આપોઆપ ઉદ્ભૂત થાય છે.” – એજન. પૃ. ૧૨-૧૩. - ↑ નોંધ : રોમેન્ટિકોના મતે કાવ્યાનુભૂતિની ક્ષણે ઉદ્ભૂત રહસ્યાનુભવ સ્વયં કાવ્યરૂપે પ્રગટ થાય છે. એમાં ભાષાનું માધ્યમ એ સર્જનાત્મક ભાગ ભજવતું નથી. જ્યારે આધુનિક સર્જકો અને વિદ્વાનો એવો સિદ્ધાંત આગળ ધરે છે કે સર્જનમાં ભાષા એ એક વિધાયક બળ છે. આ મુદ્દા માટે જુઓ ડૉ. ભાયાણીની ‘કાવ્યની સર્જનપ્રક્રિયા’ લેખની ચર્ચા ‘કાવ્યમાં શબ્દ’ આર. આર. શેઠની કું. મુંબઈ ૧૯૬૮) પૃ. ૨૪૧-૨૪૨
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) પૃ. ૨૯૭
- ↑ એજન : પૃ. ૨૯૭–૨૬૮
- ↑ ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથ : ૧લો : (‘કાવ્યાનંદ’) : પૃ. ૨૬૭
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૨૭૦–૨૭૧
- ↑ એજન : પૃ. ૨૭૧
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૨૭૨–૨૭૩
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) પૃ. ૨૭૪
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) પૃ. ૨૭૯
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૨૮૨–૨૮૩
- ↑ જુઓ પ્રકરણ ૬ : પૃ. ૩૭ની ચર્ચા.
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) પૃ. ૨૯૨
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) : પૃ. ૨૯૨–૨૯૩
- ↑ જુઓ ‘ગુજરાતી કાવ્યતત્ત્વવિચારણા-૧’, પૃષ્ઠ ૧૨૯ (પાદટીપ ૭૦)
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : કાવ્યાનંદ પૃ. ૨૯૩
- ↑ “અને એકલું અનુકરણ હોય છે ત્યાં કાવ્યાનન્દનો પ્રસંગ બહુ જ ઓછાં હોય છે.” – કવિતા અને સાહિત્યઃ ગ્રંથ ૧લો : પૃ. ૨૯૨
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૨૯૩
- ↑ (અ) જુઓ ડૉ. ભાયાણીની ‘કાવ્યની સર્જનપ્રક્રિયા’ લેખની ચર્ચા પૃ. ૨૩૭ (‘કાવ્યમાં શબ્દ’ આર.આર. શેઠની કું. મુંબઈ, ૧૯૬૮)
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો (‘કાવ્યાનંદ’) પૃ. ૨૯૫
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (કાવ્યાનંદ) : પૃ. ૨૯૫–૨૯૬
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’) પૃ. ૨૯૭
- ↑ નોંધ : રમણભાઈ, મણિલાલ અને આચાર્ય આનંદશંકર એ સર્વ વિદ્વાનોની પ્રસ્તુત ચર્ચા-વિચારણા અને તેમના વાદવિવાદોની વિગતે વિચારણા પ્રકરણ ૮માં કરી છે. અહીં તો પ્રસ્તુત ‘કલ્પના’ની વિભાવના પૂરતો મર્યાદિત સંદર્ભ જ રજૂ કર્યો છે.
- ↑ કાવ્યતત્ત્વવિચાર : સં. રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ૧૯૪૭ની આવૃત્તિ : પૃ. ૧૩૯–૧૪૦.
- ↑ ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રંથ ૧લો ‘વૃત્તિમય ભાવાભાસ’ પૃ. ૨૧૬–૨૧૭.
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : ‘વૃત્તિમય ભાવાભાસ’ : પૃ. ૨૧૭
- ↑ એજન પૃ. ૨૧૭
- ↑ The Primary imagination I hold to be the living power and prime agent of all human perception, and as a repetition of the finite mind of the eteranl act of creation in the infinite I AM. The secondary, I consider as an echo of the former co-existing with the conscicus will, yet still as identical with the primary in the kind of its agency and differing only in degree and in the mode of its operation, It dissolves, diffuses, dissipates in order to re-create; or where this process is rendered impossible, yet still, at all events, it struggles to idealize and unify”-Biographia Literaria : Ed. by George watson : London J.M. Dent and Sons Ltd; Revised Ed. ૧૯૬૦ pp. ૧૬૭.
- ↑ “The Poet’s imagination does more than give him insight into human nature. It gives him insight into the heart of Cosmic Nature, into the very ’soul of things’, The subtle and indefinable atmosphere of beauty with which he invests his creations, and which we rightly. regard as one of this highest products of his imagination is no more mirage of on overheated brain. Experience, as genuine as it is obscure has generated it; and reality as profound as it is impalpable to its counterpart.”
– ‘What is Poetry?’ - ↑ “It is, then simply in the growth and strenghening of the imagination that the value of literature resides. Imagination, as I have used the term, is simultaneously the central creative drive of each human being and the organ of all knowledge in which the individual is involved as more than a detached observer. It is an active, relating realizing power, through which the limited self with the unlimited desires and its abysmal ignorance of everything that cannot be used or manipulated, grows into a person freely moving in a world of values and relationships. It is the mediator between the unkown depths within and the little known world outside.”
The Critical Moments : In Search of Fundamental Values. pp. ૮૦. - ↑ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘પ્રતિભા’ના સંપ્રત્યય વિશે શ્રી. ડોલરરાય માંકડના લેખ ‘પ્રતિભાનું સ્વરૂપ’ (‘સંસ્કૃતિ’ના ૨૯૦મા અંક : વર્ષ ૧૯૬૩ ઓગસ્ટ)માં નોંધપાત્ર ચર્ચા છે. એમાં અંતની નિષ્કર્ષરૂપ વિચારણા આ પ્રમાણે છે :
“રસને અનુરૂપ શબ્દાર્થને શોધવામાં લીન (જાણે કે સ્તંભિત) થયેલા ચિત્તવાળા કવિની, સ્વરૂપના તત્કાળ સ્પર્શથી જાગ્રત થયેલી પ્રજ્ઞા તે જ પ્રતિભા છે. અહીં ‘સ્વરૂપ’ના સ્પર્શથી” એટલે જે દૃશ્યજગતથી પર એવું સત્યસ્વરૂપ છે તેના સ્પર્શથી ‘તત્કાળ’ એટલે અપ્રયત્ન પ્રેરિત જાણે કે સ્વયંભૂ પ્રજ્ઞા. આ કવિનું ક્રાન્તદર્શીત્વ છે, આ એની અપરોક્ષાનુભૂતિ છે અને આને લીધે જ ક્રાન્તદર્શી કવિ ત્રણે લોકમાં રહેલા ભાવોનો સાક્ષાત્કાર કરી શકે છે. આ પ્રજ્ઞાને પ્રતિભાને ભગવાન શંકરના તૃતીય લોચનરૂપ કહી છે તે, આમ, સર્વથા યથાર્થ છે.” (પૃ. ૨૮૮) - ↑ 53.0 53.1 53.2 53.3 53.4 53.5 : Encyclopaedia of Poetry and poetics = science and poetry pp -૭૪૭ (princentry ૧૯૬૫)
- ↑ ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રંથ ૧લો : ‘કવિતા’ : પૃ. ૩
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (કાવ્યાનંદ) પૃ. ૩૦૧
- ↑ એજન પૃ. ૩૦૨
- ↑ એજન પૃ. ૩૦૨
- ↑ એજન પૃ. ૩૦૩
- ↑ એજન પૃ. ૩૦૩
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : (‘કાવ્યાનંદ’), પૃ. ૩૦૪
- ↑ Science and Poetry
- ↑ ૯-૧૦
- ↑ કવિતા અને સાહિત્ય : ગ્રંથ ૧લો : પૃ. ૩૦૭