ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કુલડી
કુલડી
હરીશ નાગ્રેચા
કુલડી (હરીશ નાગ્રેચા, ‘અને...છતાં...પણ’, ૧૯૯૮) બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પણ ચા પીધેલી કુલડીની જેમ વપરાઈ ગયેલી ગણાય - એવા મમ્મી ઇન્દુના વલણથી બેચેન થયેલી ટી.વી. પ્રોડ્યુસર પિયાસી સગાસંબંધી તથા મિત્ર એવી સૌ સ્ત્રીઓને પૂછે છે કે તમારા પર બળાત્કાર થાય તો તમારા પતિ તમારી સાથે કેવી રીતે વર્તે? ઉત્તર ન આપતાં સૌ તેની ઉપર અકળાય છે. ઈન્ટરવ્યૂ આપવા દિલ્હી જતી પિયાસી બહેનપણી દ્વારા વિડીયોકૅસેટ મોકલી, સૌને પૂછેલો પ્રશ્ન મમ્મીને પણ પૂછે છે: અહલ્યાની અવદશા માટે જવાબદાર કોણ? ઇન્દ્ર કે ગૌતમ? કૅસેટ પૂરી થતાં ધીમે ધીમે વિલાતી પિયાસીની છબી સમક્ષ હાથ લંબાવતા ઇન્દુ બોલી ઊઠે છે: ‘પિયુ!’ સંબંધને માત્ર સ્પર્શના ત્રાજવે જ મૂલવવાનો હોય અને સંવેદનાનું કોઈ મૂલ્ય ન હોય એવા પુરુષપ્રધાન સમાજ સમક્ષ આ વાર્તાએ પ્રશ્ન ઊભો કર્યો છે.
પા.