ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અનિલ વ્યાસ
આરતી સોલંકી
નામ : અનિલ નટવરલાલ વ્યાસ
જન્મતારીખ : ૧૯ એપ્રિલ ૧૯૬૦
જન્મસ્થળ : અમદાવાદ
વતન : ઉમરેઠ
અભ્યાસ : એમ.એ., એમ. ફિલ., ઍવૉર્ડ ઇન મેનેજમેન્ટ, પ્રેક્ટિશનર
વ્યવસાય : આરોગ્ય વિભાગ, નર્સિંગ એસોસીએટ્સ
સાહિત્યસર્જન : ‘સવ્ય અપસવ્ય’, ‘અમારું માણસ’ અને ‘તારે શ્રુતિને મળવું છે?’ (ત્રણ વાર્તાસંગ્રહો)
વાર્તાકારનો યુગસંદર્ભ :
અનિલ વ્યાસ અનુઆધુનિક યુગના વાર્તાકાર છે.
ટૂંકી વાર્તા વિશેની અનિલ વ્યાસની સમજ :
અનિલ વ્યાસ એક ઇન્ટરવ્યૂમાં વાર્તાના સ્વરૂપને સમજાવતા જણાવે છે કે : “વાર્તાને ઉપયોગી ન હોય તેવી કોઈ પણ બિનજરૂરી વિગત, પ્રસંગ, સંવાદ કે શબ્દ ન રહી જવો જોઈએ. વાર્તા રચાયા પછીના વાચન સમયે આ બધો ભાર હળવો કરવો કે જેથી વાર્તાનું વહાણ ડૂબે નહીં.”
અનિલ વ્યાસની વાર્તાકળા :
‘સવ્ય અપસવ્ય’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. આ ૨૨ વાર્તાઓ મારફત લેખકે મનુષ્યના મનુષ્ય વચ્ચેના વર્તન-વ્યવહારો અને મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટોળાનો ભાગ બની ગયેલો માણસ અને એકાકી જીવન જીવતો માણસ બન્નેની પરિસ્થિતિ એક જ હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં મનુષ્યસ્વભાવનાં બદલાતાં વલણો એ અહીં આ વાર્તાઓના કેન્દ્રમાં છે. મનુષ્યમાં ઊંડે ઊંડે ક્યાંક હજુ પણ જીવતી રહેલી માણસાઈને લેખક ઓળખી બતાવે છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા છે, ‘તું ઉષા છે, તારું નામ ઉષા છે?’ આ વાર્તામાં કથક વાર્તાનાયક પોતે જ છે. તેના હૃદયમાં યાદોનાં ટોળાઓ ઊમટે છે. તે ઉષાની પ્રતીક્ષા કરી રહ્યો છે. સમય પસાર થાય છે અને તેનું હૃદય વધારે ને વધારે ઉષાની યાદમય બનતું જાય છે. આ વાસ્તવિકતા છે કે ભ્રમણા? – એવો પ્રશ્ન પણ કથકને થાય છે. ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલી છોકરીને પૂછી બેસે છે કે ‘તું ઉષા છે?’ અને ત્યાં વાર્તા પૂરી થાય છે. અહીં ઉષા એટલે કોણ? તે પ્રશ્ન બનીને રહી જાય છે. નાયકની એકલતાને ઉઘાડ આપવાનો પ્રયાસ અહીં લેખકે કર્યો છે. ‘આકાશ તરફ આંગળી’ વાર્તામાં પોત-પોતાના અહમ્ને જ મહત્ત્વનો રાખી જીવનારાં બે પાત્રો શૈલ અને જયદેવ છે. આમ તો તે પતિ-પત્ની છે. પરંતુ લાંબા સમયથી અલગ રહે છે. પુત્ર મનનના આગ્રહને વશ થઈ જયદેવ શૈલને તેડવા માટે જાય છે. પણ શૈલ પાછી આવતી નથી. બંનેના મનમાં ઊંડી ઊંડી ઇચ્છા એવી જ છે કે બંને એકબીજાને ભેટીને પોતપોતાના સુખદુઃખની વાતો કરે પણ પોતાના અહમ્ના લીધે એવું કરી શકતાં નથી. જિંદગીને જોવાની એક અલગ દૃષ્ટિ આ બંને પાત્રો પાસે છે. જયદેવ દિલથી ઇચ્છે છે કે શૈલ તેની સાથે આવે પણ પહેલ કરી શકતો નથી. પોત-પોતાના અહમ્ના લીધે એક સુખી પરિવારનું અધઃપતન થાય છે, એ આ વાર્તાનો મહત્ત્વનો ભાગ છે. સમયે સમયે વ્યક્તિની કદર કરી લેવી જોઈએ, એ આ વાર્તા આપણને શીખવે છે. ‘ઉઘાડ’ વાર્તા વાચકને જુદા પરિવેશમાં લઈ જાય છે. ‘ઉઘાડ’ એટલે બધું સ્પષ્ટ થવું, ચોખ્ખું થવું. અહીં લેખક કયાં ઉઘાડની વાત કરે છે તે પ્રશ્ન બની જાય છે. મેઘા અને વિનાયકમાં સંબંધો અહીં કેન્દ્રસ્થ છે. મેઘા વિનાયકને કશુંક કહેવા ઇચ્છે છે એવું વિનાયકને સતત લાગે છે પણ કહી શકતી નથી. વાર્તાના અંતે લેખકે એક જ વાક્યમાં આખી વાતનો ઉઘાડ કરી આપ્યો છે. ‘હથેળી પર મસ્તક’ વાર્તામાં લેખકે નેહાના પાત્ર મારફત પિતાની ગેરહાજરીમાં ઊછરેલી એક અલ્લડ છોકરીનું ચરિત્ર આલેખ્યું છે. નેહા પોતાના મનનું ધાર્યું જ કરે છે. તેને બીજા કોઈની કોઈ પરવા નથી. વાર્તાના અંતે આલોક તેને પરણવાની વાત કરે છે ત્યારે પણ તે તેની વાતને ઉડાડી મૂકતાં કહે છે કે સામેના આંબલીના ઝાડ પર જે બગલી છે તેનું મસ્તક કાપી જે મારી હથેળી પર મૂકશે તેને ઉપર હું પરણીશ. ‘મંકોડો’ વાર્તામાં મંકોડો શીર્ષક લાક્ષણિક અર્થ સૂચવે છે. પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે અધીરી થયેલી ઋતા સ્વામી નિત્યાનંદ પાસે પોતાનું ભવિષ્ય જોવડાવવા જાય છે. આસન પર બેઠી હોય છે તે દરમિયાન એક મંકોડો તેના પગ પર વારંવાર આવીને ચડે છે. તે ઊભી થઈને કપડાં ખંખેરે છે ને તેના સુંદર પગ પર સ્વામીજીની નજર પડે છે અહીંથી વાર્તામાં વળાંક આવે છે. પોતાની જાતને દોષ આપતા સ્વામીજી ત્યાંથી ખસી જાય છે અને તેનું મન વિચારોના ચકડોળે ચડે છે. ચારે તરફ તેને હારબંધ મંકોડાઓ જ દેખાઈ રહ્યા છે અને વાર્તા પૂરી થાય છે. ‘અવચ્છિન્ન’ વાર્તામાં કથક તરીકે વાર્તાની નાયિકા ઉષા છે. જેણે પોતે માતૃત્વને ક્યારેય ભીતરથી અનુભવ્યું નથી તેવી ઉષા અનાથાશ્રમમાં અનેક બાળકોનો સહારો બનીને રહે છે. આ વાર્તામાં બીજું મહત્ત્વનું પાત્ર છે વિશાલનું જે ઘણા સમયથી આ અનાથાશ્રમમાં રહે છે. તે સતત તેની મા વિશે જાણવા માંગે છે પણ તેની માની કોઈ ભાળ મળતી નથી. આ વાર્તામાં વિશાલની એકલતાને લેખકે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. માનસિક ગાંડપણની સ્થિતિ સુધી પહોંચેલો વિશાલ વાર્તાના અંતે ઉષાને જ પોતાની મા ગણી લે છે ત્યારે અત્યાર સુધી તેના મનના એક ખૂણામાં ઘર કરી ગયેલી એકલતા દૂર થાય છે અને તે નવી દુનિયામાં પ્રવેશે છે. અહીં લેખકે જે રીતે પરિવેશનું આલેખન કર્યું છે તે વાચકની આંખ ભીની કરી દે એવું છે. ‘તરાપો’ શબ્દનો અર્થ વાંસ કે લાકડાને એકબીજા સાથે બાંધીને બનાવેલો પાણીમાં તરે એવો પાટ જેવો ઘાટ, એવો થાય છે. આ વાર્તામાં વિનાયક પોતાના વતનમાં આવે છે તે દરમિયાન વરસાદના લીધે રસ્તાઓ બંધ થઈ જાય છે અને તેને ન ઇચ્છવા છતાં ત્યાં જ રોકાઈ જવું પડે છે. વિનાયકને તેની મા સાથે લાગણી છે પણ તેના પિતાને એ ધિક્કારે છે. વરસાદનું બળ વધે છે અને વિનાયકના પિતાની તબિયત બગડતાં તેનું મૃત્યુ થાય છે. આ બાજુ પાણીનો વેગ વધે છે અને ગામ, શેરીઓ, મકાન બધું જ તણાતું જાય છે. વિનાયકના પિતાની અંતિમ ક્રિયામાં આવેલા લોકો પણ એક પછી એક પાણીના પ્રવાહને જોઈ ભાગી જાય છે. માત્ર વિનાયક અને તેની મા બે જ બચે છે. વાર્તાના અંતે વિનાયક તેના બાપની લાશને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ પાણીના વેગના લીધે તે બચાવી શકતો નથી. વાચકને વિનાયકના પાત્ર પ્રત્યે ઘૃણા અને સહાનુભૂતિ બંને થાય છે. જીવતાં જેણે બાપની સેવા ન કરી તે મરતાં તેની લાશને બચાવવાનો પ્રયત્ન કરે તેનું શું મહત્ત્વ? આજકાલ લોકો એવું જ કરી રહ્યા છે. જેની જીવતાં કદર ના કરી હોય તેને મરી ગયા પછી ફૂલનો હાર ચડાવવાનો શો મતલબ? આવો સળગતો સામાજિક પ્રશ્ન લેખક અહીં વ્યક્ત કરે છે. ‘ભૂખ’ વાર્તા આપણને કોરોના જેવી વૈશ્વિક મહામારીની યાદ અપાવે એવી વાર્તા છે. આ વાર્તામાં પણ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો તે સમયનો પરિવેશ આલેખાયો છે. એક જગ્યાએ પાર્સલ પહોંચાડવા જતાં નાયકને ખબર પડે છે કે મરકીનો રોગ ફાટી નીકળ્યો છે. તેના ખિસ્સામાં રહેલું પાકીટ પણ કોઈ ચોરી જાય છે. વાર્તાનાયક ભૂખ અને તરસથી વલખાં મારે છે. અને વાર્તાના અંતે ભૂખ ન જીરવાતાં તે પોતાની ભૂખ સંતોષવા માટે પોતે દર્દી બનીને એક હૉસ્પિટલમાં દાખલ થઈ જાય છે. અને પોતાને પણ મરકીનો રોગ થયો છે એવું કહે છે. ભૂખ માણસને શું શું ન કરાવે એનું ઉદાહરણ આ વાર્તા બની રહે છે. ‘વેરવી’ વાર્તામાં લેખકે જુદો જ પરિવેશ આલેખ્યો છે. આ વાર્તાનો નાયક કૌશિક તેને ત્યાં ખેતરમાં કામ કરનારની દીકરી કુંદન પ્રત્યે આકર્ષાય છે અને પોતાની વૃત્તિઓ વશમાં ન રહેતાં તેના પર બળાત્કાર કરે છે. કૌશિકને આખી ઘટના ઘટ્યા બાદ તેણે કરેલા કાર્ય પર પારાવાર પસ્તાવો થાય છે એટલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લે છે. કુંદનના બાપને હકીકતની જાણ થતાં તે બદલો લેવા જવાનું વિચારે છે. તે દરમિયાન તેને ખબર મળે છે કે કૌશિકે આત્મહત્યા કરી છે. આ સાંભળી કુંદનના બાપને વધારે ગુસ્સો આવે છે અને વેર લેવા માટે તે કૌશિકની બેન કેતકી પર પોતે દુષ્કર્મ આચરશે અને પોતાનું વેર વાળશે એવું કહે છે. ત્યારે કુંદનની મા તેને આમ કરતાં રોકે છે અને હકીકતથી સભાન કરે છે. ‘સળ’ વાર્તામાં લેખકે સતત અરીસામાં પોતાનો ચહેરો જોઈને રાજી થતી ઋચા જ્યારે આગ દુર્ઘટનામાં પોતાનો ચહેરો ગુમાવી બેસે છે ત્યારે તેની કરુણતાભરી સ્થિતિનું વર્ણન કર્યું છે. તેને સતત એવું લાગે છે કે તેને બચાવવા માટે તેના પરિવારજનોએ બધું જ વેચી દીધું ને છતાં પણ લોકો તેને જોશે એટલે મોઢું બગાડીને જતા રહેશે. આવી જિંદગી જીવવા કરતાં તો મૉત વધારે સારું એવો વિચાર કરી વાર્તાના અંતે તે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરે છે. ઋચાની મા હૈયાફાટ રુદન કરે છે ત્યારે ઋચાના પિતાને ઇચ્છવા છતાં આંખમાં એક પણ આંસુ આવતું નથી. એક રીતે તે હવે નિરાંતનો શ્વાસ લે છે પણ આ નિરાંતનો ભાવ કોઈ તેના ચહેરા પર જોઈ ન જાય કે તેના ચહેરા પર તેનો સળ ના ઊપસી આવે તે જોવા માટે તે અરીસામાં જુએ છે અને વાર્તા પૂર્ણ થાય છે. સમગ્ર વાર્તામાં લેખકે કરુણતામય વાતાવરણ સર્જી આપ્યું છે. ‘ડુગડુગી’ વાર્તામાં લેખકે મદારી જેમ પોતાના ઇશારાઓથી માંકડું ડોલાવે છે એમ કિરીટ પોતાની ઇચ્છાઓના જોરે પોતાના દીકરા અખિલને ડોલાવે છે તેની વાત છે. અખિલ એ બીજા ધોરણનો વિદ્યાર્થી છે. વર્ગમાં તેનો નવમો નંબર આવ્યો છે તે જાણી કિરીટ ખૂબ ગુસ્સે ભરાય છે. અર્ચના અખિલને વ્હાલ કરે છે અને સમજે છે કે અખિલ હજુ બાળક છે. તેના માટે તેનું બાળપણ મહત્ત્વનું છે. આજકાલ અંગ્રેજી મીડિયમ પાછળ ઘેલા થયેલા વાલીઓ પણ પોતાનાં બાળકોનું બાળપણ આમ જ એળે જવા દે છે તે વાત પર લેખકે સીધો કટાક્ષ કર્યો છે. જે વાર્તા પરથી આ સંગ્રહને નામ અપાયું છે તે વાર્તા એટલે ‘સવ્ય-અપસવ્ય’ વાર્તા. આ વાર્તાનો કથક વાર્તાનાયક કેતન પોતે છે. કેતનના પિતાનું અવસાન થયું છે અને તર્પણવિધિ શરૂ છે તે દરમિયાન ગોર મહારાજ એમને જુદી જુદી વિધિઓ કરાવે છે. એ તમામ વિધિ સાથે કથકના મનમાં અગાઉ બનેલી ભઈ સાથેની ઘટનાઓ ખૂલતી જાય છે. જેનાથી ભઈનું ચરિત્ર વાચક સામે ખૂલતું આવે છે. અહીં લેખકની સંકલનકળા એવી છે કે ઘટનાઓ ઊલટસૂલટ થયા કરે છે. ઘડીમાં વર્તમાનની કોઈ એક ક્ષણ છે તો વળી ઘડીમાં કથક આપણને ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓમાં લઈ જાય છે. સવ્ય અને અપસવ્ય એટલે ડાબું અને જમણું, સાચું અને ખોટું જેવા લાક્ષણિક અર્થો અહીં પણ આપણને પમાય છે. આ વાર્તામાં પિતાના અવસાન બાદ સજ્જાવિધિમાં બેઠેલા પુત્રના ચૈતસિક પ્રવાહોનું નિરૂપણ તનાવપૂર્ણ સંદર્ભ રચે છે. સજ્જાવિધિની સમાંતરે પુત્રને પિતાના આકરા સ્વભાવની યાદ તાજી થતી આવે એવી આલેખનરીતિ ક્રમશઃ પુત્રનો મનોદાબ તીવ્ર બતાવે છે. વાર્તાનાયકની, મરણની ઘડીએ રાડો પાડતા વ્યથિત પિતાનું ચિત્ર નજર સામે જીવંત થતાં ‘નહિ વહેરાય, નહિ વહેરું’, એવી બૂમો પાડતાં નાસી જવાની આઘાતક ઘટના સંબંધના રહસ્યને વર્ણવે છે. સજ્જાવિધિને અધૂરી છોડીને નાસી જવાનો નિર્ણય વાર્તાનાયકનો પિતા પ્રત્યેનો ગાઢ અનુબંધ સૂચવે છે. સજ્જાવિધિની અંતર્ગત જ પુત્ર પિતાને જાણે કે સ્મૃતિ વડે પુનર્જીવિત કરે છે. ‘પાણીનું પોત’ વાર્તામાં આપણા સમાજના સામાજિક પ્રશ્નો કેન્દ્રસ્થાને છે. શશીકાંતના પિતાને એકલવાયુ જીવન સાલે છે. એટલે પોતાના દીકરાની ઑફિસમાં આવી ભવાડાઓ કરે છે. તેનો દીકરો સુખેથી જીવન જીવે તે તેને પાલવતું નથી. શશીકાંતની વહુ સ્વાતિ તેના સસરાથી સાવ કંટાળી ગયેલી છે એટલે તેની સાથે કોઈપણ સંજોગોમાં તે રહેવા તૈયાર નથી. બાપ દીકરા વચ્ચેના સંબંધોને જુદી રીતે લેખક અહીં આલેખે છે. વાર્તાના અંતે પોતાના દીકરા નિકુંજને પાણીમાં લીટા કરતો જોઈ શશીકાંતને પોતાની ભૂલ સમજાય છે. ‘નખપ્રશ્ન’ વાર્તાના નાયક સંજય ચૌધરીને વાર્તાની શરૂઆતમાં આસ્થા દલાલ નામની એક વ્યક્તિને મળવાનું કહેવામાં આવે છે. આ નામ સાંભળતાં જ સંજય ચૌધરી પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને વાચક સામે ખુલે છે એક નિર્દોષ પ્રેમકથા. આ વાર્તા વર્તમાનથી શરૂ થઈ ભૂતકાળના લાંબા પટ ઉપર વિહરી વળી પાછી વર્તમાનમાં આવે છે. આસ્થાનાં લગ્ન થઈ ચૂક્યાં છે પરંતુ કોઈ અકસ્માતમાં તેણે તેનાં બાળકો અને પતિને ગુમાવ્યા છે. આ બાજુ સંજય ચૌધરી પણ હજુ સુધી પરણ્યો નથી. તે આસ્થાને પોતાની પાસે રાખવા ઇચ્છે છે પણ આસ્થા એને પૂછી બેસે છે કે આપણો સંબંધ નખ જેવો છે તે વધે તો સારું કે કપાય તો? મેં તો એ નખ કાપી નાખ્યા છે સંજય. એવું કહી તે ચાલવા લાગે છે અને વાર્તા પૂર્ણ થાય છે. અહીં લેખક એક સાથે બે પાત્રોની વ્યથા, એકલતાને વ્યક્ત કરે છે. ‘અવજોગ’ વાર્તા પણ આપણા સામાજિક પ્રશ્નોને કેન્દ્રસ્થ કરતી વાર્તા છે. આ વાર્તાની નાયિકા પોતાના પ્રેમી પરેશને પરણવા ઇચ્છે છે પણ તેના પિતાએ તેનાં ઘડિયા લગ્ન નિખિલ સાથે નક્કી કરી નાખ્યાં છે. દૃષ્ટિના પપ્પા તેની સમાજમાં આબરૂ જાળવવા માટે દૃષ્ટિને નિખીલ સાથે પરણાવવાનું વિચારી લે છે. અહીં દૃષ્ટિની મા, તેના પિતા કે તેનો પ્રેમી પરેશ કોઈ દૃષ્ટિનો વિચાર કરતા નથી. પોતાની જિંદગીનો આટલો મોટો નિર્ણય લેવાનો અધિકાર પણ દૃષ્ટિને નથી? – એવો આપણા સમાજનો સળગતો પ્રશ્ન અહીં લેખક વ્યક્ત કરે છે. આ વાર્તામાં લેખકે ‘અવજોગ’ શીર્ષકને પણ લાક્ષણિક અર્થમાં પ્રયોજ્યું છે. ‘ખૂણો’ વાર્તામાં કથક વાર્તાની નાયિકા કલાબેન પોતે છે. તેમનું જીવન પણ આમ ખૂણામાં ધકેલાઈ ગયેલું છે. કલાબેન બધાને મદદ કરે છે, ઘરનાં કામકાજ કરાવે છે પણ તેને કોઈ ગણતું નથી. તેની ગણના ઘરના ખૂણા જેવી છે. કલાબેનના જીવનનો સંઘર્ષ આ વાર્તામાં કેન્દ્રસ્થાને છે. ‘ચચરાટ’ વાર્તામાં પણ કથક વાર્તાની નાયિકા પોતે જ છે. પતિની હાજરીમાં સતત પતિનાં મહેણાંટોણાં સાંભળવાની આદતે પતિની ગેરહાજરી તેને ખૂબ સાલે છે. તેને એક રીતે તો હવે કોઈનું સાંભળવું નહીં પડે, કોઈ રોકટોક કરવાવાળું નથી એ વાતનો સંતોષ છે. પરંતુ બીજી બાજુ તેમને તેના પતિની યાદ પીડે છે. ‘દસ્તખતના દરવાજેથી’ વાર્તામાં લેખકે ઘર છોડીને પોતાના ડ્રાઇવર સાથે ભાગી ગયેલી મમતા અને તેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરતા મલયનું પાત્ર આલેખ્યું છે. મલય તેનાં બાળકો માટે થઈને, તેના પરિવાર માટે થઈને મમતાને પાછી લાવવા માંગે છે. તેને મમતાની ભાળ મળે છે ત્યારે તે તેને લેવા માટે જાય છે. મમતા જે સંસ્થામાં હતી ત્યાંનાં અગ્રણી બેન મમતાને એમ ને એમ તેના પતિ પાસે જવા દેવા તૈયાર નથી. તે મલયને પાક્કું લખાણ કરવાનું કહે છે અને આવી ભૂલ બીજીવાર નહીં થાય એવું મલય પરાણે લખી આપે છે. લેખકે અહીં, મલયે કોઈ ભૂલ કરી હતી? જો ભૂલ કરી હતી તો કઈ ભૂલ? – તે વાતને રહસ્યમય જ રાખી છે. આ સિવાય મમતા આ સંસ્થામાં કઈ રીતે પહોંચી તે પણ રહસ્ય છે. જો તે કોઈ સાથે ભાગી છૂટી હતી તો તે વ્યક્તિ અત્યારે ક્યાં? – એ પણ પ્રશ્ન બની રહે છે. માનવસંબંધનાં ભિન્ન ભિન્ન રૂપોનું દર્શન કરાવવાના પ્રયોજનવશ સર્જાયેલી વાર્તાઓમાં ‘સંબંધ’ વાર્તા આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. આ વાર્તામાં લેખકે ચરોતરી બોલીનો ખૂબ સફળતાથી વિનિયોગ કર્યો છે. કાળુની માંદગી સાચવવા આવેલી રૂડીને જોઈ કાળુને તેની ભૂલ સમજાય છે. કાળુએ રૂડીને ઘરમાંથી કાઢી મૂકેલી ને એની જગ્યાએ બીજી બૈરી લાવેલો. પરંતુ જ્યારે તેને જરૂર છે ત્યારે રૂડી જ તેની મદદે આવે છે એ જાણી તેને પોતે કરેલી ભૂલ પર પસ્તાવો થાય છે. વાર્તાના અંતે તે રૂડીને પૂછે છે, આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી? ત્યારે રૂડી કાળુની રજા માંગી ત્યાંથી નીકળી જાય છે. આ વાર્તામાં કયો સંબંધ સાચો? એવો પ્રશ્ન વાચકને થાય છે. ‘નરવણ’ વાર્તામાં લેખક વાચકને એક નવી જ દુનિયામાં લઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછી માત્રામાં જે વિષય પર લખાયું છે તેવા વિષય પર લેખક આ વાર્તા લખે છે. મા બહુચરની આરાધના કરીને જીવતો એક સંપ્રદાય અને જિંદગીને જીવવા માટેનો તેનો સંઘર્ષ અહીં આ વાર્તાના કેન્દ્રમાં છે. વાર્તાનો નાયક પોતે એ જ સંપ્રદાયનો છે પણ પોતાના પરિવાર સાથે જીવે છે. પરંતુ જ્યારે વાર્તાના અંતે તેને રણવીરસિંહના લગ્નની કંકોત્રી મળે છે ત્યારે તે તેના આવેગને રોકી શકતો નથી અને ઘણા સમયથી કબાટમાં સાચવીને મૂકેલા ચણિયાચોળી પહેરે છે અને રણવીરસિંહના ઘર બાજુ પ્રયાણ કરે છે. ત્યાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિનું ભાન થતાં ત્યાંથી પાછો આવીને પોતાની મેડીએ ચડી જાય છે અને પોતાની જાતને ફેંકી દે છે. ‘હરામી’ વાર્તા પણ વાચકને એક જુદી દુનિયામાં પ્રવેશ કરાવે છે. આ વાર્તાની નાયિકા કાજલ મોટી હિરોઈન બનવા માંગે છે માટે પ્રભાતના પ્રેમને ઠુકરાવે છે. સ્ટેજ પ્રોગ્રામો કરે છે ને લોકો વન્સમોર વન્સમોરની બૂમોથી સ્ટેજ ગજવે છે. પ્રભાત કાજલને સાચા દિલથી ચાહે છે એટલે તે એને સમજાવે છે કે અત્યારે તે જે કરી રહી છે તેનાથી તેની બદનામી જ થશે. પણ કાજલ કોઈનું માનવા તૈયાર નથી. વાર્તાના અંતે પ્રભાત પણ કાજલનો પ્રોગ્રામ જોવા માટે ઓડિયન્સમાં આવીને બેસે છે. ને કાજલ તેને જોઈ હરામી એવો શબ્દપ્રયોગ કરે છે. અહીં વાચકને પ્રશ્ન થાય કે ખરેખર હરામી કોણ, પ્રભાત કે પછી કાજલ? ‘દીવાલ’ આ સંગ્રહની અંતિમ વાર્તા છે. વાચકના મનમાં એક ઊંડી સંવેદના આ વાર્તા જગવી જાય છે. મનસુખલાલ અને રવિશંકર પાડોશીઓ છે. પરંતુ બન્ને પરિવારને બનતું નથી, વારંવાર ઝઘડાઓ થાય છે એટલે મનસુખલાલ અને તેની પત્ની સરોજબેન વચ્ચે દીવાલ ચણાવી લેવાનું વિચારે છે ને તે માટે સૌ પૈસા એકઠા કરે છે. એવામાં રવિશંકરના દીકરાને અકસ્માત થાય છે અને તેમને તાત્કાલિક પૈસાની જરૂર છે એટલે મનસુખલાલ પોતાના પરિવારની વિરુદ્ધ જઈને પણ રવિશંકરની મદદ કરવા તૈયાર થાય છે. મનસુખલાલના પાત્રમાં રહેલી માણસાઈ વાચકને સ્પર્શી જાય એવી છે. અહીં લેખક કઈ દીવાલની વાત કરે છે? શું દીવાલ ચણી લેવાથી ભીતરની સંવેદના મરી પરવારવાની? બાહ્ય રીતે તો તેઓ એકબીજાની વચ્ચે દીવાલ ચણી લેવા ઇચ્છતા હતા પણ માણસાઈ એ સૌથી મોટો ધર્મ છે. મનસુખલાલના હૃદયમાં ધરબાયેલી માણસાઈ આ વાર્તાને ઊંચા ગજાની બનાવે છે. આ સંગ્રહની તમામ વાર્તાઓમાં લેખકે માણસના મનને તાગવાનો પ્રયાસ કર્યો છે અને લેખક સફળ પણ થયા છે. દરેક વાર્તા વાચકના મનમાં એક સંવેદન જગવી જાય છે. માણસના માણસ સાથેના સંબંધોને અહીં લેખકે લાક્ષણિક રીતે વ્યક્ત કર્યા છે. અહીં તમામ પ્રકારનાં પાત્રો છે જે વાચકને એક એવી દુનિયામાં પ્રવેશ કરાવે છે, જ્યાં વાચક પણ એમની સાથે એમના સંઘર્ષનો સહભાગી બની વિહરે છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના નિમિત્તે એક વાત નોંધતાં જયેશ ભોગાયતા નોંધે છે કે : “સમકાલીન વાર્તાસંગ્રહો તથા વાર્તાસંપાદનોની પ્રસ્તાવનાઓ વાંચતાં એવું લાગે છે કે મોટાભાગના વાર્તાકારો તેમના વાર્તાવિષયો, વાર્તાઘડતરમાં પ્રોત્સાહિત કરનારા મિત્રો, સ્વજનો તથા ઇનામો-ઍવૉર્ડોની વાતો નોંધીને આત્મશ્લાઘા કરી લે છે. પરંતુ વાર્તાસ્વરૂપ વિશે કે વાર્તાના ઘટક વિશે ચર્ચા કરતા નથી. જે સ્વરૂપ સાથે પોતાનો મુકાબલો થયો છે તેની પ્રક્રિયાગત વિગતોની નોંધો વિશેષ લાભદાયી બને. સર્જનબાહ્ય પરિબળોથી પુરસ્કૃત કરવાનાં સાંપ્રત વલણોએ જ ટૂંકી વાર્તા જેવા દુઃસાધ્ય સ્વરૂપને સસ્તું કરી નાખ્યું છે તેવી દશામાં વાર્તાસર્જન પ્રવૃત્તિનું વસ્તુલક્ષી અભ્યાસદૃષ્ટિથી વિવેચન થાય તે અનિવાર્ય બન્યું છે. બાકી તો સભાઓમાં ઊંચા ઊંચા સાદે, હોંશેહોંશે પોંખનારાઓના બૂમબરાડા વાર્તાસ્વરૂપની જ વલે કરી નાખશે.”
સંદર્ભગ્રંથ
- ૧. ભોગાયતા જયેશ, ‘કથાનુસંધાન’. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ - જાન્યુઆરી ૨૦૦૪ (પ્રથમ આવૃત્તિ)
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
‘અમારું માણસ’ : અનિલ વ્યાસ
આરતી સોલંકી
નામ : અનિલ નટવરલાલ વ્યાસ
જન્મતારીખ : ૧૯ એપ્રિલ ૧૯૬૦
જન્મસ્થળ : અમદાવાદ
વતન : ઉમરેઠ
અભ્યાસ : એમ.એ., એમ. ફિલ., ઍવૉર્ડ ઇન મેનેજમેન્ટ, પ્રેક્ટિશનર
વ્યવસાય : આરોગ્ય વિભાગ, નર્સિંગ એસોસીએટ્સ
સાહિત્યસર્જન : ‘સવ્ય અપસવ્ય’, ‘અમારું માણસ’ અને ‘તારે શ્રુતિને મળવું છે?’ (ત્રણ વાર્તાસંગ્રહો)
વાર્તાકારનો યુગસંદર્ભ :
અનિલ વ્યાસ અનુઆધુનિક યુગના વાર્તાકાર છે.
ટૂંકી વાર્તા વિશેની અનિલ વ્યાસની સમજ :
અનિલ વ્યાસ એક ઇન્ટરવ્યૂમાં વાર્તાના સ્વરૂપને સમજાવતાં જણાવે છે કે, “વાર્તાને ઉપયોગી ન હોય તેવી કોઈ પણ બિનજરૂરી વિગત, પ્રસંગ, સંવાદ કે શબ્દ ન રહી જવો જોઈએ. વાર્તા રચાયા પછીના વાચન સમયે આ બધો ભાર હળવો કરવો કે જેથી વાર્તાનું વહાણ ડૂબે નહીં.”
‘અનિલ વ્યાસની વાર્તાકળા :
આ સંગ્રહમાં કુલ સાત વાર્તાઓ છે. જેમાંની મોટાભાગની વાર્તાઓ પતિ-પત્ની વચ્ચેના સંબંધોનાં વિવિધ પરિમાણો રજૂ કરે છે. અમુક વાર્તાઓમાં સ્ત્રી-પાત્રો મહત્ત્વનાં છે. આ સંગ્રહમાં લેખકે મોટાભાગની વાર્તાઓમાં વાસ્તવિક સમાજનું નિરૂપણ કર્યું છે. આપણે આ સાતે વાર્તાઓનો વિગતે પરિચય મેળવીએ. ‘ફફડાટ’ વાર્તા આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. અહીં શીર્ષક પરથી જ વાચકને સમજાય કે લેખક કોઈ ફફડાટની વાત કરવા ધારે છે. આ વાર્તામાં નાયક જન્મેજય છે. જન્મેજય પોતાના પરિવાર સાથે રહે છે. એક દિવસ બાજુમાં રહેલી કાનન નામની સ્ત્રીને કીસ કરે છે. આ વાર્તામાં લેખકે આવું કાર્ય કરીને જન્મેજયના મનની અપરાધભાવ દમિત મનોદશાને આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટના પછી જ જન્મેજયના મનમાં સતત ફફડાટ રહે છે કે કાનનના ઘરના લોકો હમણાં જ આવશે અને તેના પરિવારમાં દરાર પડશે. એવા ફફડાટ વચ્ચે જન્મેજય જીવે છે. તેની પત્ની સુજાતા અને દીકરો વેદાંત તેને ખૂબ ચાહે છે એટલે એમણે કરેલા કૃત્ય પ્રત્યે તે પારાવાર પસ્તાવો અનુભવે છે. આ વાર્તા નાયકપ્રધાન વાર્તા છે. ‘છેડા-છુટ્ટા’ વાર્તામાં લેખકે નિખિલ નામના બાળકનું ચરિત્ર આલેખ્યું છે. ઘરે મમ્મી-પપ્પાના ઝઘડાઓને લીધે નિખિલ હોમવર્ક પૂર્ણ કરી શકતો નથી માટે સ્કૂલમાં તેને સજા ફટકારવામાં આવે છે ત્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. લેખકે વાર્તામાં આગળ વધતા નિખિલના મમ્મી-પપ્પાના ઝઘડા પાછળનું કારણ કયું હતું તેનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે. નિખિલના પિતા નંદિની નામની અન્ય કોઈ સ્ત્રીને ચાહે છે એટલે તેનાં મમ્મી સાથે ઝઘડાઓ કરે છે. આ ઝઘડાઓએ હવે ડિવોર્સનું સ્થાન લઈ લીધું છે. પતિ-પત્નીના સંબંધોને જુદી રીતે વ્યક્ત કરતી આ વાર્તા છે. નિખિલ સતત તેના ઘરના વાતાવરણથી પીડાય છે અને પરિણામે સ્કૂલમાં પણ કોઈ સાથે ભળી શકતો નથી. ધીમે ધીમે તેના મિત્રો એક પછી એક અલગ થઈ રહ્યા છે. ઘરના ઝઘડાઓ બાળકના મન ઉપર કેવી ગંભીર અસર પાડે છે તેની આ વાર્તા છે. આ વાર્તાનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અભ્યાસ થઈ શકે એમ છે. લેખક અહીં કોની કોની વચ્ચે છેડા છુટ્ટાની વાત કરે છે તે પ્રશ્ન બની જાય છે. વાર્તાના શીર્ષકમાં છુટાછેડા જેવી પ્રચલિત સંજ્ઞાને બદલે ‘છેડા-છુટ્ટા’નો ધ્વનિ પતિ પત્નીને જોડનાર કોઈ મજબૂત તત્ત્વ જાણે ઘસાઈ રહ્યું છે. બાળક નીરવના સંદર્ભે ‘છેડા-છુટ્ટા’ શીર્ષક સંતાનનો માતા-પિતાથી થતા માનસિક વિચ્છેદને સૂચવે છે. અને એમ સંતાનની પોતાની પણ વિઘટન થવાની, વેરવિખેર થવાની યાત્રાને વર્ણવી છે. આ વાર્તા લેખકે થોડી લંબાણપૂર્વક કહેવાને બદલે અમુક એવી ઘટનાઓનું જ આલેખન કર્યું હોત તો વાર્તા ધારી અસર પાડી શકત. ‘પાશ’ વાર્તામાં લેખકે સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધા પર કટાક્ષ કર્યો છે. આ વાર્તાની નાયિકા રેખા પોતાના એકલવાયા જીવનથી પીડાય છે. તેનો પતિ ડૉક્ટર સલીલ મોટી હૉસ્પિટલમાં સર્જન ડૉક્ટર છે. એટલે તે તેની પત્ની કે પરિવારને સમય આપી શકતો નથી. પરિણામે તેની પત્ની રેખા ડિપ્રેશનનો ભોગ બને છે. તેને ઘણા બધા ડૉક્ટરને બતાવવામાં આવે છે પણ બધાનું કહેવું એક જ છે કે તે ડિપ્રેશનનો શિકાર છે. ડૉક્ટર સલીલ મનમાં વિચારે છે કે તેને કોઈપણ વાતની ખોટ નથી તો પછી રેખાને કઈ વાતની ચિંતા હશે? તે તેને ભુવાઓ પાસે પણ લઈ જાય છે અને વિધિઓ પણ કરાવે છે. ભણેલાગણેલા વ્યક્તિ પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ બને છે એ વાત ઉપર લેખકે કટાક્ષ કર્યો છે. રેખાને કંઈક વળગ્યું છે તેવી વાત પણ વહેતી થાય છે ત્યારે વાચકને પ્રશ્ન થાય કે ડૉક્ટર સલીલ જેવી વ્યક્તિ પણ આવું વિચારી શકે? આ વાર્તા આમ જોઈએ તો વર્તમાન જીવનસંદર્ભને કારણે પતિ-પત્ની વચ્ચેની સ્નેહની કડી કેવી શિથિલ થઈ રહી છે તે વાસ્તવનું નિરૂપણ છે. સમકાલીન જીવનસંદર્ભમાં પુરુષ વડે પોતાના વ્યવસાયને અપાતી અગ્રતાને કારણે દાંપત્યજીવનમાં સર્જાતા ખાલીપાથી છુટકારો મેળવવા માટેનું સજીવ બળ હૃદયની હૂંફમાં છે એવો વાર્તાકારનો સૂર પ્રતીકાત્મક દૃશ્ય વડે ધ્વનિત થાય છે. ‘નવચંડી’ વાર્તા સ્ત્રીચરિત્રપ્રધાન વાર્તા છે. આ વાર્તા વાચકને એક જુદા પરિવેશમાં લઈ જાય છે. વાર્તાની શરૂઆતમાં પ્રહલાદ ગોર નવચંડીની તૈયારી કરતા જોતી સુભદ્રા ભૂતકાળમાં તેમના લાંબા જીવનપટ્ટ પર ફરી વળે છે. સુભદ્રાનો સ્મૃતિવ્યાપાર તેની જીવનકથાનો પરિચય આપે છે. વાર્તાનાયિકા સુભદ્રાનો જન્મ થયો ત્યારે જ તેની મા ગુજરી ગયેલી એટલે બધાના મેણાટોણાઓ સાંભળીને સુભદ્રા મોટી થાય છે. તેના મોટાભાઈ તેને ખોડિયાર માતાની છબી બતાવી કહે છે કે આજથી આ ખોડિયાર તારી માતા છે. અહીંથી સુભદ્રાના જીવનમાં પરિવર્તન આવે છે તે ભક્તિના રંગે રંગાય છે. વાર્તાની શરૂઆત સુભદ્રા નવચંડી યજ્ઞ કરાવે છે ત્યાંથી થાય છે. આ સમયે પ્રહલાદ ગોર કહે છે કે, બહુ દુઃખ વેઠેલું સુભદ્રાએ નહીં? ત્યાંથી કથા આરંભાય છે અને અંતે એ નવચંડી યજ્ઞ પૂર્ણ થાય છે તેની સાથે કથા પણ પૂર્ણ થાય છે. નવચંડી યજ્ઞ શરૂ થયો ત્યાંથી પૂર્ણ થયો તેની વચ્ચેના સમયમાં ભૂતકાળની કથા ખૂલતી જાય છે અને વાચકને સુભદ્રાની સાચી ઓળખાણ થાય છે. આ વાર્તામાં પણ લેખકે સમાજની અંધશ્રદ્ધા, વહેમો વગેરે બાબતો પર વ્યંગ કર્યો છે. ‘અમારું માણસ’ વાર્તા કરુણ વાર્તા છે. આ વાર્તા પતિ પત્ની વચ્ચેના ગાઢ સ્નેહસંબંધને નિરૂપવાનો વાર્તાકારનો નિર્ધાર અતિભાવક કથનને કારણે વાચાળ બની ગયો છે. વાર્તાની શરૂઆત નાયક સંજયની પત્નીનું મૃત્યુ ધરતીકંપની દુર્ઘટનાને કારણે મૃત્યુ થયું છે અને લાશ ઓળખવા માટે સંજય આવ્યો છે ત્યાંથી થાય છે. સામે પડેલી સ્ત્રી પોતાની પત્ની સ્વાતિ નથી તે સંજય તરત જ પામી જાય છે. બધા સંજયને કહે છે કે તે સ્વાતિ જ છે પણ સંજય સતત નકારતો રહે છે. સંજયના મનમાં અનેક વિચારો આવે છે. પોતે તેની પત્ની સ્વાતિને એકલી મૂકીને બહાર બચી જવા માટે દોડી આવેલો તે ક્ષણને યાદ કરી પસ્તાવો અનુભવે છે. પોલીસ ઑફિસર વારંવાર તેને કહે છે કે આ છેલ્લી લાશ છે અને અહીં અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોની સંખ્યા પ્રમાણે પણ આ છેલ્લી જ લાશ છે અને આ તમારી પત્ની જ છે. સંજયને વિશ્વાસ છે કે સામે પડેલી લાશ તેની પત્નીની નથી જ તેમ છતાં વાર્તાના અંતે તેને પરાણે એ લાશ સ્વાતિની છે એવા કાગળ ઉપર સહી કરવી પડે છે. અને તેના કાકા ઑફિસરને કહે છે કે લાવો અમારું માણસ. અહીં કરુણતા એ છે કે સંજય સામે પડેલી લાશ સ્વાતિની નહીં પણ તેના ફ્લેટમાં રહેતી અન્ય કોઈ સ્ત્રીની છે તે વાત જાણવા છતાં સંજય કશું કરી શકતો નથી. પતિ પત્નીના સંબંધોને પણ લેખક અહીં સુપેરે વ્યક્ત કર્યા છે. અહીં વાચકને બીજો એક પ્રશ્ન એ પણ થાય કે સામે પડેલી લાશ કોઈપણ રીતે ઓળખી ન શકાય એવી હતી તો પછી સંજયને કેમ ખબર પડી કે તે લાશ તેના ફ્લેટમાં રહેતી હેમાંગીની જ છે. એક બાજુ લેખક સંજયનો સ્વાતિ પ્રત્યેનો પ્રેમ આલેખે છે તો બીજી બાજુ વાચકના મનમાં આવા પ્રશ્નો પણ પેદા કરે છે. અંતે મુકાયેલું વાક્ય ‘લાવો અમારું માણસ’થી લેખકને શું અભિપ્રેત હશે તે સજ્જ વાચક તરત જ પામી જાય છે. આ વાર્તાનું શીર્ષક પણ એક પ્રકારનો વ્યંગ્યાર્થ દર્શાવે છે. ‘ન દેખાતી દીવાલો’ એક નિવૃત્ત સ્ત્રીની ક્રમશઃ એકલતાની દીવાલો વચ્ચે ચણાતા જવાની વ્યથાની વાર્તા છે. સ્ત્રીપાત્રની વ્યથાને સમાંતર શહેરી સભ્યતાની સલામતીની ભીતિગ્રસ્ત દશા પણ રજૂ થઈ છે. અવિશ્વાસ અને અસલામતીને કારણે સામાજિક માનવવ્યવહારોનો કેવો અંત આવી રહ્યો છે તેની તીવ્ર અનુભૂતિ કરાવતું વાર્તાનું સ્ત્રીપાત્ર એકલતાને કારણે હદપાર થતું રહે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે સમય જતાં પરિવર્તન આવે એ સ્વભાવિક છે. પણ આજકાલ માણસોના જીવનમાં એટલાં બધાં પરિવર્તનો આવ્યાં છે કે તેને પોતાના પરિવાર સાથે કે વૃદ્ધ માતા-પિતા પાસે બેસીને વાત કરવાનો સમય પણ નથી તે વાત પર આ વાર્તામાં લેખકે કટાક્ષ કર્યો છે. આ વાર્તાની નાયિકા વૃદ્ધ સ્ત્રી એવા જ દુઃખથી પીડાય છે. તેની ઇચ્છા બધાની સાથે હળીમળીને રહેવાની છે પણ તેને સૂચના આપવામાં આવી છે કે તેમણે ઓરડીની બહાર નહીં નીકળવાનું તેને જે કંઈ જોઈતું હશે તે બધું જ તેને ઓરડીમાં મળી રહેશે. અહીં વાચકને પ્રશ્ન થાય કે માણસને બધું જ મળી જાય પણ જે પ્રેમ તે મનોમન ઇચ્છે છે એ જ ન મળે તો કેવી પરિસ્થિતિ સર્જાય? આ બદલાયેલા સમાજમાં માણસ-માણસ વચ્ચેના સંબંધોમાં પણ કેવો બદલાવ આવ્યો છે તેનું વાસ્તવિક ચિત્ર આપણને આ વાર્તામાંથી મળે છે. અહીં ‘ન દેખાતી દીવાલો’ શીર્ષક પણ સાર્થક નીવડે છે. કેમકે અહીં વૃદ્ધાના તેના પરિવાર સાથેના સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક આવી ન દેખાતી દીવાલો ચણાવવા લાગી છે. ‘અમસ્તું’ વાર્તા આ સંગ્રહની અંતિમ વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં પણ ક્યાંક ને ક્યાંક પતિ પત્ની વચ્ચેના સંબંધો જ છે. પતિના અવિશ્વાસને લીધે એક સ્ત્રીને કેટલું ગુમાવવું પડે છે તેનું હૃદયદ્રાવક વર્ણન આ વાર્તામાં છે. બાલ્કનીમાં બેસીને સામેની અગાસી પર કસરત કરતા યુવાનને જોયા કરતી પત્ની પર પતિ કુશંકા કરે છે. પ્રૌઢ વયની પત્નીને અમસ્તા જોવાથી મળતા આનંદને શંકાથી જડ એવો પતિ સમજી શકતો નથી. પતિની શંકાથી વ્યાકુળ બનેલી પત્નીને જીવન ગોઠવેલું અને બહારથી સજાવેલું લાગવા માંડે છે. જીવન સાવ નિર્જીવ છે એવું અનુભવવા લાગે છે. પતિના શંકાભાવથી કંટાળેલી પત્ની યુવાનને અગાસીમાં આવવાની ના પાડવા માટે યુવાનના ઘેર જાય છે. પણ યુવાનને જોઈ તે બોલી શકતી નથી તે અમસ્તી જ તેને તાકી રહે છે. પતિના શંકા ભાવથી ત્રસ્ત પત્નીની મનોદશાનું નિરૂપણ લગ્નજીવનના કુંઠિત રૂપને સૂચવે છે. પુરુષની પત્ની પરની વર્ચસ્વપ્રધાન માનસિકતા કેટલી આઘાતક છે તેની વાસ્તવિકતા વર્ણવી છે. વાર્તાના અંતે અગાસીમાં આવતા છોકરાને ત્યાં બેસવાની ના પાડવા ગયેલી પત્ની કશું જ બોલી શકતી નથી અને ‘ના, ના તેમ જ અમસ્તુ’ બોલીને પાછી આવે છે તેમાં પત્નીનો પતિના અવિશ્વાસનો ઇનકાર કરવાનો ભાવ વાંચી શકાય છે. આ સંગ્રહમાં આલેખાયેલી સાતેય વાર્તાઓ સંદર્ભે શ્રી જયેશ ભોગાયતા નોંધે છે કે : “વાર્તાકારની સાતેય વાર્તાઓ કથાબીજમાંથી બહુ મોટું વૃક્ષ વિકસાવી શકાય તેવી ક્ષમતાવાળી નથી. તેથી એ કથાબીજની ક્ષમતાનો ખ્યાલ રાખ્યા વિના જ્યાં લંબાણ અને ભાવુકતાનો આરોપ થયો છે એ વાર્તાઓ બિનપ્રભાવક રહી છે. કથાબીજને ખીલવવા માટેની સર્જન સભાનતા ખૂબ મહત્ત્વનું પોષકબળ છે. એમાં જ્યારે સર્જનવિવેક નથી જળવાતો ત્યારે બિનપોષક તત્ત્વોનો ખડકલો થવાથી કથાબીજ મૂરઝાઈ જાય છે. ટૂંકીવાર્તાનું કલાસ્વરૂપ ક્ષણે ક્ષણે સર્જક પાસે સ્વીકાર અને પરિહારના આત્મવિવેકની અપેક્ષા રાખે છે એમાં જે પાર નથી પડતા તે વાર્તાઓ નર્યા લંબાણથી નિર્જીવ બની જાય છે.”
સંદર્ભગ્રંથ :
- ૧) ‘વાચનવ્યાપાર’, જયેશ ભોગાયતા, પ્રથમ આવૃત્તિ ૨૦૧૧.
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮
‘તારે શ્રુતિને મળવું છે?’ : અનિલ વ્યાસ
આરતી સોલંકી
નામ : અનિલ નટવરલાલ વ્યાસ
જન્મતારીખ : ૧૯ એપ્રિલ ૧૯૬૦
જન્મસ્થળ : અમદાવાદ
વતન : ઉમરેઠ
અભ્યાસ : એમ.એ., એમ. ફિલ., ઍવૉર્ડ ઇન મેનેજમેન્ટ, પ્રેક્ટિશનર
વ્યવસાય : આરોગ્ય વિભાગ, નર્સિંગ એસોસીએટ્સ
સાહિત્યસર્જન : ‘સવ્ય અપસવ્ય’, ‘અમારું માણસ’ અને ‘તારે શ્રુતિને મળવું છે?’ (ત્રણ વાર્તાસંગ્રહો)
વાર્તાકારનો યુગસંદર્ભ :
અનિલ વ્યાસ અનુઆધુનિક યુગના વાર્તાકાર છે.
ટૂંકી વાર્તા વિશેની અનિલ વ્યાસની સમજ :
અનિલ વ્યાસ એક ઇન્ટરવ્યૂમાં વાર્તાના સ્વરૂપને સમજાવતા જણાવે છે કે : “વાર્તાને ઉપયોગી ન હોય તેવી કોઈ પણ બિનજરૂરી વિગત, પ્રસંગ, સંવાદ કે શબ્દ ન રહી જવો જોઈએ. વાર્તા રચાયા પછીના વાચન સમયે આ બધો ભાર હળવો કરવો કે જેથી વાર્તાનું વહાણ ડૂબે નહીં.”
અનિલ વ્યાસની વાર્તાકળા :
જુદા જુદા પરિવેશમાં આલેખાયેલી કુલ ૧૫ વાર્તાઓ આપણને આ સંગ્રહમાં મળે છે. ભારતીય પરંપરાની સાથે સાથે વિદેશી પરંપરાને અનુસરીને વાર્તાઓનું પોત બંધાયું છે. વિદેશી પરિવેશની વચ્ચે વસવાટ કરતા લેખક ભારતીયતાને પણ એટલી જ જીવંત રાખી શક્યા છે. લેખકને સતત આ બધું જ આકર્ષતું રહ્યું છે. પ્રેમ કે લગ્નનું મૂલ્ય ભારતીય પરંપરામાં જેટલું છે તેવું કદાચ ત્યાં નથી એ આપણને આ વાર્તાઓમાંથી પમાય છે. અનિલ વ્યાસ આપણી ભાષાને વિદેશમાં પણ જીવંત રાખનારા સર્જકોમાં મહત્ત્વનાં સર્જક બની રહે છે. તેમની વાર્તાઓ વાચકને આ બંને સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે. આપણે ‘તારે શ્રુતિને મળવું છે?’ સંગ્રહની ૧૫ વાર્તાઓને સમજવાનો પ્રયાસ કરીએ. ‘આધાર’ આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આ વાર્તામાં લેખકે એક સાથે બે સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરતાં પાત્રો આલેખ્યા છે. એક બાજુ સ્કૉટલેન્ડમાં ઉછરેલી ગ્રેસ છે તો બીજી બાજુ સરલાબેનનું પાત્ર છે. પશ્ચિમની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારસરણીને પણ લેખકે સામસામે અથડાવી છે. વિદેશમાં ઉછરેલી ગ્રેસ ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી બિપિનચંદ્ર સાથે છેલ્લા બે વર્ષથી વાતચીત કરે છે. એ તેમની દાદી સરલાબેન બનીને વાત કરે છે. વિદેશી પરિવેશમાં જીવેલી ગ્રેસને તેના ગ્રાન્ડપાના ગુજરી ગયા પછી સરલાબેન એકલા પડી ગયા છે એવું લાગે છે. એટલે તેમનો આધાર બની રહે એ માટે બિપિનચંદ્રની પૂરી જાણકારી મેળવ્યા પછી તે તેની સાથે સરલાબેન બનીને છેતરપિંડી કરે છે. સોશિયલ મીડિયા થકી કેવી કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેનો સાચો ચિતાર પણ આ વાર્તામાંથી મળી રહે છે. અહીં ગ્રેસનું પાત્ર વાચકને જુદી રીતે વિચારતા કરી મૂકે એવું છે. ‘એકલતા’ વાર્તાનું શીર્ષક જ વાચકને ઘણું બધું કહી જાય છે. આ વાર્તામાં લેખકે બે પાત્રો પ્રૌઢ જમીનદાર રાયન અને એનું ખિસ્સું કાપતા પકડાયેલો કિશોર વયના વિનેશની એકલતા વર્ણવી છે. પ્રૌઢ જમીનદાર રાયન વિનેશને તેના ઘેર લઈ જાય છે અને મરતા પહેલા તેમની બધી જ મિલકત વિનેશના નામે કરી દે છે. તેમના પરિવારમાં જેક નામનો કૂતરો, વેલેરી નામની બિલાડી અને ઘોડાનો તબેલો છે. વાર્તાના અંતે ઉમેરાયેલું સોફીનું પાત્ર વિનેશની એકલતાને તીવ્રતાથી વાચક સુધી પહોંચાડે છે. ‘કૅન્સર’ વાર્તામાં લેખક કૅન્સરના દર્દી પણ પોતાના ભાઈબહેનોની પરિવાર ભાવનાને લોભ લાલચના કૅન્સરથી બચાવવા મથતા અને કૅન્સરના રોગમાંથી તેને ન બચાવી શકતા ડૉક્ટરને ઉદારતાપૂર્વક માફ કરતા કુમુદબેનનું પાત્ર આલેખ્યું છે. કુમુદબેનને પોતાનો પરિવાર જોડીને રાખવો છે. તેના પરિવારને કોઈ લોભ લાલચનું કૅન્સર ન જાગે તે માટે તેઓ સતત પ્રયત્ન કરે છે. ભારતીય સમાજમાં જોડાયેલી પરિવાર ભાવના અહીં કુમુદબેનના પાત્ર મારફત અનુભવાય છે. અહીં લેખક કયાં કૅન્સરની વાત કરે છે? શરીરના કે મનની લોભ-લાલચના? એ પ્રશ્ન બની જાય છે. ‘છેતરાટ’ વાર્તાનું શીર્ષક જ લાક્ષણિક અર્થ સૂચવે છે. અહીં કથક વાર્તાના નાયકની પત્ની ઉષા છે. પ્રેમ લગ્નના પતિ જેસનનું ૪૧ વર્ષ પછી મૃત્યુ થયું છે અને બેસણાની વિધિ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ છે. અહીં આ ક્ષણથી વાર્તા આરંભાય છે. જેસનના છબીકલાના શોખના અવશેષો ઉથલાવતા જેસન તેના મિત્ર સમીર સાથે ગે-સંબંધ ધરાવતો હતો તેની જાણ કથકપત્નીને થાય છે ત્યારે છેતરાટની જિંદગી જીવાયાની વેદના અનુભવે છે. પતિની આ હકીકત જાણવા માટે તે ઘણાં પ્રયત્ન કરે છે. જુદા જુદા જેસન સાથે જોડાયેલા લોકોને મળે છે. અને જ્યારે તેને વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે તેનું હૃદય ભીતરથી કંપી ઊઠે છે. અહીં કથા નાયિકાની વેદના, વ્યથા, પીડા અને ભીતરથી છેતરાયાની ભાવનાને લેખકે વાચા આપી છે. ‘ઝોલ’ વાર્તામાં લેખકે દાંપત્યજીવનની વાત કરી છે. શાર્લેટને તેની પડોશી સખી સુનંદા કહે છે લગ્ન એ બે માણસોનો નહીં કુટુંબોનો સંબંધ હોય છે. એ વાત જેને કોઠે ચડે, ઠરે જ નહીં એવા એટલે કે એક નહિ બે નહીં ત્રણ. માત્ર ત્રણ જ નહીં ચાર ચાર લગ્ન જેમાં સાહજિક વર્તન વ્યવહાર અને પરંપરા ગણાય એવા સમાજ સંસ્કૃતિમાં ઉછરેલી શાર્લેટે ઇથન સાથે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં છૂટાછેડા લઈને ચાર લગ્ન કરી ચુકેલી માતાના પુત્ર રોજર સાથે પોતાના બીજા પણ રોજરના ત્રીજા લગ્નથી જોડાય છે. પેલી બાજુ ઇથને પણ શાર્લેટથી અલગ થયા પછી ઓલિવિયા સાથે લગ્ન કર્યું છે. પણ એને શાર્લેટ ભુલાતી નથી. બંને મળતા રહે છે તન મનથી પણ શાર્લેટને સતત ખચકાટ અનુભવાય છે. રોજર દ્વારા સ્પષ્ટ ના પડાવી ને તે ઇથનની મુક્ત તો થાય છે પણ એ રાતે એ પડખા બદલ્યા કરતી હતી પણ ઊંઘ આવતી ન હતી. કોઈના અનાદર પર ક્યારેય એનું મન આટલું રોળાયું નહોતું. ‘ડૂમો’ વાર્તાનો નાયક સુલય પોતાની માતાના મૃત્યુ સમયે રડવા ઇચ્છે છે પણ તેના ગળામાં યાદોનો ડૂમો ભરાઈ આવે છે અને રડી શકતો નથી. તે ઘટનાનું ખૂબ કરુણતાથી લેખકે આલેખન કર્યું છે. આ વાર્તામાં વર્તમાન અને ભૂતકાળને લેખકે જોડી દીધા છે. વાર્તાનાયકને ભૂતકાળની એક એક નાનીમોટી ઘટનાઓ યાદ આવે છે. જેનાથી તેની મૃત માતાનું ચરિત્ર વાચક સામે ખૂલતું આવે છે. વિદેશી પરિવેશમાં પણ એક પ્રકારનું વાતાવરણ રચી આપે છે. જે વાર્તાના શીર્ષકથી આ વાર્તાસંગ્રહને શીર્ષક અપાયું છે તે વાર્તા એટલે ‘તારે શ્રુતિને મળવું છે?’ આ વાર્તામાં લેખકે અસફળ પ્રણયજીવનની વાત કરી છે. ચૈતાલી અને મનન બાળપણથી જ એકબીજા પ્રત્યે લાગણી અનુભવે છે પરંતુ તેનો નિર્દોષ પ્રેમ લગ્નમાં પરિણમી શકતો નથી. અહીં કથક વાર્તાનાયક મનન પોતે જ છે. વાર્તાના અંતે ચૈતાલી અન્ય કોઈ યુવકને પરણીને તેના પછી મનનના ઘરે આવે છે ત્યારે તેને જાણવા મળે છે કે ચૈતાલીનું સાસરિયામાં નામ બદલીને શ્રુતિ રાખવામાં આવ્યું છે. આ વાત સાંભળીને મનનનું હૃદય ભીતરથી કંપી ઊઠે છે. પરંતુ તે કશું જ કરી શકતો નથી. વાર્તાની શરૂઆતમાં વાચકને પ્રશ્ન થાય છે કે આ શ્રુતિ એટલે કોણ? જેનો જવાબ લેખક વાર્તાના અંતે આપે છે. બાળપણથી જ પોતાના મનગમતા વ્યક્તિ સાથે જીવતરનું પગથિયું ઇચ્છતી આ વાર્તાની નાયિકા ભૂમિ તેમ કરવામાં નિષ્ફળ જાય છે. તેનું આલેખન લેખકે ‘પગથિયા’ વાર્તામાં કર્યું છે. ભૂમિ અને નચિકેત એકબીજાને ચાહે છે પરંતુ ઇઝહાર કરી શકતા નથી. વાર્તાના અંતે ભૂમિની બહેન સ્નેહા ખબર આપે છે કે નચિકેતની સગાઈ યશોધરા નામની છોકરી સાથે નક્કી થઈ ગઈ છે. આ વાત સાંભળી ભૂમિનું હૃદય થડકારો ચુકી જાય છે. આ વાર્તામાં પણ ‘તારે શ્રુતિને મળવું છે?’ વાર્તાની જેમ નિષ્ફળ પ્રણયની વાત છે. ભૂમિનો ચહેરો અને દેખાવના લીધે કોઈ છોકરો તેને પસંદ કરતો નથી અને વાર્તાના અંત સુધી તે કુંવારી જ રહે છે. જેની સાથે તે જીવતરનું પગથિયું ચડવા ઇચ્છતી હતી તે નચિકેત તો અન્ય કોઈ સાથે જીવનમાં આગળ વધવાનો નિર્ણય કરી લે છે. ‘પ્રેમ નહીં પણ...’ વાર્તાની નાયિકા એલીસાએ બાળપણથી પોતાના માતા-પિતાને સતત ઝઘડતાં જ જોયા છે. એટલે લગ્ન જેવા પવિત્ર સંબંધ પરથી તેનો વિશ્વાસ ઊઠી જાય છે. આ વાર્તામાં કથક નાયિકા એલીસા પોતે જ છે. એલીસાની સાથે ડૉક્ટરીનું ભણતો સીડ એટલે કે સિદ્ધાર્થ દીક્ષિત એ ભારતીય છે અને એલીસાને ચાહે છે. એલીસા એ વિદેશી પરિવેશમાં ઉછરેલી છે. વાર્તાના અંતે સિદ્ધાર્થ એલીસાને લગ્ન માટે પ્રપોઝ કરે છે ત્યારે એલીસા ના પાડીને જતી રહે છે. બાળપણથી જ આજુબાજુના પરિવેશની અસર બાળકના મન પર કેવી પડતી હોય છે અને એના કેવા ભયંકર પરિણામો આવતા હોય છે તે વાતની પ્રતીતિ આ વાર્તા કરાવે છે. ‘મંગળ-સૂત્ર’ વાર્તામાં લેખકે ખરા અર્થમાં મંગળસૂત્રની વિભાવના સ્પષ્ટ કરી છે. વિદેશી પરિવેશમાં ઉછરેલી તોરલ બાળવયે જ થઈ ગયેલા લગ્નને લગ્ન ગણતી નથી. અને પોતાના બાળપણના પતિ જિગરને છોડી વિદેશમાં માતા પિતાની આજ્ઞા વિરુદ્ધ જઈ વિલિયમને પરણે છે. અને તેને મારીશા નામની દીકરી અવતરે છે. તોરલની મા કુમુદબેન દીકરીએ કરેલા વિશ્વાસઘાત માટે તોરલ કે મારીશા એકેયને મળવા ઇચ્છતા નથી. વાર્તાના અંતે જિગરના અથાગ પ્રયત્ન થકી કુમુદબેન તોરલ અને મારીશાને મળવા તૈયાર થાય છે. આ સમયે તૈયાર થતી વખતે તોરલ જિગરે આપેલું મંગળસૂત્ર પહેરે છે. અહીં જિગર ખરા અર્થમાં તોરલના જીવનમાં મંગલકારી બનીને આવે છે. ‘માંકડ’ વાર્તામાં એકસાથે બે સંવેદન ઝીલાય છે. અહીં ભારતીય સંવેદનને અકબંધ રાખીને વિલાયતી હવાને પોતાની કરવાનો પ્રયત્ન કરતું પાત્ર મનોજ છે. મનોજ પૈસા કમાવવા માટે વિદેશ આવ્યો છે. પરંતુ અહીંનું તંગ વાતાવરણ તેને માફક આવતું નથી. તે ઘરે પરત જવા ઇચ્છે છે પરંતુ ઘરના લોકોની ઇચ્છા એવી છે કે તે વધારે કમાઈને પછી ભારત આવે. અહીં મનોજના પાત્ર પ્રત્યે વાચકને સહાનુભૂતિ જાગે છે. તેને સમજવાવાળું કોઈ નથી. અહીં લેખકે લંડનના પરિવેશની સાથે સાથે અમદાવાદના વાતાવરણને પણ ઝીલ્યું છે. ‘વહીવટ’ વાર્તાનો નાયક શાહ જિલ્લા ક્ષય કેન્દ્રમાં સિનિયર ક્લાર્ક છે. અને સાથે સાથે ધિરધારનો ધંધો પણ હતો. આ વાર્તામાં લેખકે રાજકારણ પર કટાક્ષ કર્યો છે. શાહની રાજરમતના લીધે એક અધિકારીને નિર્દોષ હોવા છતાં બદલીના યોગ સધાય છે. તે ઘણા પ્રયત્નો કરે છે પણ શાહની રાજરમત સામે તેના બધા જ પ્રયત્નો વ્યર્થ છે. વાર્તાના અંતે અધિકારી પટેલ જેની તાત્કાલિક બદલી હાથ ધરાઈ છે તે ઘણા પ્રયત્નો કરે છે. અધિકારી પટેલને ઈશ્વરમાં શ્રદ્ધા છે પણ રાજકારણ સામે ઈશ્વર પણ મદદે આવતા નથી એ વાતની પ્રતીતિ અધિકારીને થાય છે. રાજકારણની જીત થાય છે અને એક નિર્દોષ અધિકારી હારી જાય છે. ‘અશુભ’ વાર્તામાં લેખકે જ્યોતિષશાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખીને જીવનારા લોકો પર વ્યંગ કર્યો છે. આ વાર્તાની નાયિકા અર્ચના પોતે જ વાર્તાકથક છે. તેનો જન્મ થયો ત્યારે તેનું ભવિષ્ય જોવડાયેલું અને જ્યોતિષે કહેલું કે એના બાપા માથે ભાર છે એટલે મઘા નક્ષત્રની વિધિ કરાવી પડશે. અહીંથી લોકોમાં એક વાયકા ફરતી થયેલી કે અર્ચના અશુભ છે માટે લોકો સવારમાં તેનું મુખ ન જુએ. કોઈ પ્રસંગમાં જો અર્ચનાની હાજરી હોય તો તે બધાને અકળાવતી. અહીં લેખકે અર્ચનાની મનોસ્થિતિ આલેખી છે. આ વાર્તાનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ રસપ્રદ અભ્યાસ થઈ શકે છે. કોઈ વ્યક્તિ આ રીતે જ્યોતિષશાસ્ત્રનો ભોગ બનીને સમાજનો કેવી રીતે સામનો કરે છે તેનું વાસ્તવિક નિરૂપણ લેખકે આ વાર્તામાં કર્યું છે. ‘સાવ અચાનક’ વાર્તા વાચકને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે. પ્રેમ શબ્દ કેટલો પવિત્ર છે એ વાતની પ્રતીતિ આ વાર્તા કરાવે છે. અહીં વાર્તાકથક નાયક અભય પોતે છે. વાર્તાની શરૂઆત પૂજાનું મૃત્યુ થયું છે અને લાશ ઓળખવા માટે અભયને જવાનું છે તેવો ફોન આવે છે ત્યાંથી થાય છે. અભય અને પૂજા સાથેના સંબંધો ભૂતકાળની કથા મારફત વાચક સામે ખુલતા જાય છે. પૂજાના લગ્ન પછી તે અમેરિકા રહે છે અને અત્યારે અમદાવાદ આવી છે તે દરમિયાન તેની સાથે અકસ્માત સર્જાય છે અને તેનું મૃત્યુ થાય છે. સુનીલ તેનો પતિ છે પરંતુ તેની યૌનસંબંધો માટેની ભૂખ તેને વાચકનો અપ્રિય બનાવી મૂકે છે. સુનીલ અને અભયના પાત્રની વચ્ચે લેખકે અહીં એક બીજું વિપુલનું પાત્ર આલેખ્યું છે. પૂજા વિપુલને ચાહે છે પરંતુ તેના લગ્ન નક્કી થયા ત્યારે કે ત્યાર પછી ક્યાંય વિપુલનો ઉલ્લેખ નથી એટલે લેખકે અહીં ઇરાદાપૂર્વક આ પાત્રને આગળની કથામાંથી બાકાત રાખ્યું હોય એવું પણ બને. ‘આ પાર... પેલે પાર’ વાર્તા આ સંગ્રહની અંતિમ વાર્તા છે. આ વાર્તામા લેખકે સુનીતા, છાયા અને નિખિલના પાત્ર મારફત એક વિશિષ્ટ કથા આલેખી છે. નિખિલની સગાઈ પહેલા છાયા સાથે થઈ હોય છે પણ તે ક્યાંક નાસી જાય છે એટલે ફરીથી તેની સગાઈ સુનિતા સાથે નક્કી થાય છે. સુનિતા અને નિખિલ વચ્ચે થતી વાતચીત ઘટનાઓ મારફત છાયાનું પાત્ર વાચક સામે ખુલતું આવે છે. છાયાએ જતા પહેલા નિખિલને ચશ્મા ગિફ્ટ કરેલા. આ મફત લેખક શું કહેવા ધારે છે તે પ્રશ્ન છે? કદાચ છાયાએ નિખિલને જગતને જુદી રીતે જોવા માટેના દૃષ્ટિકોણ માટે ચશ્મા ભેટ કર્યા હશે? નિખિલ છાયાને ખૂબ ચાહે છે માટે તે સુનીતાને અપનાવવામાં ખચકાટ અનુભવે છે. પરંતુ વાર્તાના અંતે તેનો ન ઇચ્છવા છતાં સુનીતા તરફ હાથ લંબાય છે. અનિલ વ્યાસની વાર્તાઓમાં તેના શીર્ષકો ખાસ ધ્યાન ખેંચે એવા છે. ‘આધાર’, ‘એકલતા’, ‘છેતરાટ’, ‘ડૂમો’, ‘સાવ અચાનક’, ‘કૅન્સર’ આ બધી જ વાર્તાઓના શીર્ષકો જોઈએ એટલે તરત જ સમજાય કે લેખકે આ વાર્તાઓમાં સાચે જ હૃદયની લાગણીઓ ઘોળીને વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ વાર્તાઓમાં બીજી એક મહત્ત્વની બાબત એ છે કે લેખકે અહીં ભારતીય અને વિદેશી બંને પરિવેશ આલેખી બંનેની સંસ્કૃતિ, રહેણીકરણીનો પરિચય પણ કરાવ્યો છે. ‘તારે શ્રુતિને મળવું છે?’, ‘પગથિયાં’, ‘મંગળસૂત્ર’, ‘પ્રેમ નહિ પણ...’, ‘સાવ અચાનક’ જેવી વાર્તાઓમાં લેખકે નિષ્ફળ પ્રણયને આલેખ્યો છે. આ વાર્તાઓમાં કથનગત વૈવિધ્ય જળવાયું છે પરંતુ કથાવસ્તુ પુનરાવર્તન પામતું હોય એવી લાગે છે. લેખકે આ તમામ વાર્તાઓ મારફત વાચકના હૃદયમાં ક્યાંક ધરબાયેલી લાગણીને ફરીથી જીવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના લખતી વેળા રમેશ ર. દવે નોંધે છે કે, ‘અનિલની આ વાર્તાઓ પૈકી પાંચ વાર્તાઓ તેનાં વિષયવસ્તુ, પાત્ર અને સ્થળ-નામ, કથાભાષા વગેરે ઘટકતત્ત્વોમાંથી અલગ તરી આવે છે. પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ ઝીલતી આ વાર્તાઓ ઉપર, વાર્તાકારના, વિદેશ કહેતાં –લંડનનિવાસ-ની પ્રત્યક્ષ અસર છે. અલબત્ત, એમ થવું સહજ સ્વાભાવિક છે. કલાકાર જે કંઈ શ્વસે તે જ એના ચિત્તમાં વસેને!’ અનિલ વ્યાસના આ સંગ્રહની વાર્તાઓ વિશે હર્ષદ ત્રિવેદી નોંધે છે કે, ‘આ સંગ્રહની ‘આધાર’, ‘છેતરાટ’, ‘ઝોલ’, ‘માંકડ’ અને ‘સાવ અચાનક’ જેવી વાર્તાઓ પોતાના ખિસ્સામાં અનિલમુદ્રાઓ ખખડાવે છે. ભારતીય સંવેદના અકબંધ રાખીને એણે વિલાયતની હવાને પોતાની કરવાનો પ્રયત્ન કર્યો. પરિણામે, આપણને આ સંગ્રહમાં છે તે વાર્તાઓ મળી. દેશી-વિદેશી પાત્રો મળ્યા ને સાથોસાથ મળી અનિલના લેખનની નૂતન ધાર. આ વાર્તાઓ ગુજરાતી વાર્તાનો પણ એક નવો આયામ-મુકામ બની રહેશે એવી શ્રદ્ધા સેવવાના અનેક કારણો છે મારી પાસે. અનિલની ભાષા વહેતાં ઝરણ જેવી છે. પાત્રો સુરેખ અને સંકુલ છે. રચનારીતિમાં સાહજિકતા છે. બહારનો સંઘર્ષ વધુ કે અંદરનો એ કળવું મુશ્કેલ છે.”
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક,
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮