ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મીનલ દવે
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
શિક્ષિત પરિવારનું સંતાન એવાં મીનલ દવેનો જન્મ સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં ૧૧મી માર્ચ ૧૯૬૦ના રોજ થયો હતો. પિતાજી સરકારી અધિકારી અને માતા શિક્ષિકા. આમ એમના ઘરનું વાતાવરણ શિક્ષિત અને વાચનમય. મહાનગરના વાતાવરણથી કેળવાયેલાં મીનલ દવેની વિશેષ રુચિ આત્મકથા, નાટક અને ભારતીય સાહિત્યમાં રહી છે. સૌરાષ્ટ્રમાંથી સ્નાતક થયાં. પછી એમણે ૧૯૮૦માં એમ. એસ. યુનિવર્સિટી વડોદરામાંથી એમ.એ. કર્યું અને બત્રીસ વર્ષ પછી ૨૦૧૨માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી Ph.D.ની ડીગ્રી લીધી. એમને અધ્યાપનનો લાંબો અનુભવ છે. ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસુ મીનલ દવેએ મુખ્યત્વે વિવેચન, ઇતિહાસ, નવા પ્રવાહો વિશે ભણાવ્યું છે. ભીલોડા કૉલેજ, અંકલેશ્વરની કૉલેજ અને છેલ્લે ચાર દાયકાની લાંબી સેવા આપ્યા બાદ ભરુચની કૉલેજમાંથી નિવૃત્ત થયાં છે.
સાહિત્યસર્જન :
મીનલ દવેએ ‘પરબ’, ડિસેમ્બર ૨૦૨૧ના એક લેખમાં લખ્યું છે. “અધ્યાપન અને લગ્નજીવન સાથે જ શરૂ થયાં. આદર્શ પત્ની, ગૃહિણી, વહુ બનવાનાં તાનમાં અને ભણાવવાના ગાનમાં એવી ખૂંપી ગઈ કે લખવાનું યાદ જ ન આવ્યું. હા, વાંચતી હતી. ખૂબ વાંચતી. એક દિવસ અચાનક બ્રહ્મજ્ઞાન થયું. કોઈ સાથે વાત કરતાં કરતાં અચાનક ધક્કો વાગ્યો અને ૪૧મા વર્ષે ફરી કલમ માળિયેથી ઊતરીને હાથમાં આવી, પહેલી વાર્તા ‘ઝુરાપો’ લખી. ‘પરબ’માં પ્રકાશન માટે મોકલી. રમેશ ર. દવેએ ભાષાની એકાદ બે ભૂલ સુધારવાનું કહીને પ્રકાશિત કરી. એ વર્ષનું ‘પરબ’ની શ્રેષ્ઠ વાર્તાનું ઇનામ પણ મળ્યું, અને લખવાની ઇચ્છા જાગી ઊઠી.” અહીં એક લેખકની અંદરની વાત સાંભળવા મળી છે. એમણે એક જ વાર્તાસંગ્રહ ‘ઓથાર’ આપ્યો છે. આ સિવાયના ગ્રંથોમાં મોટાભાગનું સંશોધન છે અને સંપાદન છે. એમણે ‘સાહિત્ય સમાજનો આયનો’ નામનો સંશોધનગ્રંથ આપ્યો છે. તેલુગુ લેખિકા વોલ્ગાની પ્રથમ નારીવાદી નવલકથાનું ‘સ્વેચ્છા’ નામે તથા કન્નડ લેખક એસ એલ ભૈરપ્પાની ‘ગોધૂલિ’ નવલકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે. ડૉ. સતીશ વ્યાસ સાથે યશવંત પંડ્યાનાં એકાંકીઓનું સંપાદન કર્યું છે. વચન નામે મધ્યકાલીન કન્નડ કાવ્યોના અનુવાદો કર્યા છે. આ ઉપરાંત મનોહર ત્રિવેદીની વાર્તાઓનું સંપાદન કરી રહ્યાં છે. આમ મીનલ દવેએ ભલે સર્જન ઓછું કર્યું છે પણ અન્યોનું સર્જન ખૂબ પચાવ્યું છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર મીનલ દવે અનુઆધુનિક યુગના વાર્તાકાર છે. એમની વાર્તાનાં લક્ષણો પણ એમને અનુઆધુનિક વાર્તાકાર હોવાનું પ્રમાણ આપે છે. મીનલ દવેની વાર્તાઓમાં સ્ત્રી શોષણનો પડઘો જરૂર છે, પણ કોઈ હેતુપૂર્વકના ચળવળકારી લેખિકા તરીકે સ્થાપિત થવાનો તેમનો કોઈ ઇરાદો હોય એવું જણાતું નથી કે ન તો એમની વાર્તાઓની એવી ગતિ છે. સ્ત્રી હોવાની સ્વાધીનતાના ઝંડા ઉપાડવાને બદલે એઓ સ્ત્રી-શોષણના પ્રશ્નને કલાત્મક બનાવી ઉકેલને સમય ઉપર છોડી દે છે. એઓ ફરિયાદી બનતાં નથી. એમની કલમ મોટાભાગે મધ્યમવર્ગીય સ્ત્રીઓ અને સવર્ણ કોમની સ્ત્રીઓના ન દેખાતા પ્રશ્નો તરફ ઢળી છે. લેખિકાએ પોતાની કલમનો કૅમેરા એવાં પાત્રો તરફ માંડ્યો છે, જેમને થયેલા અન્યાયોનો અવાજ કાં તો વિરમી ગયો છે અથવા એ કાળ સમાપ્ત થઈ ગયો છે. પણ તેથી આ લેખિકાનો વ્યાયામ નિષ્ફળ જતો નથી. એ અર્થમાં મીનલ દવે નારી ચેતનાના હામી દેખાય છે. આ લેખિકા શાંત પ્રવાહે વહીને નારીગૌરવગાન ગાય છે. એ ગાનમાં મગરૂરી છે અને કારુણ્ય પણ વહે છે. એ મગરૂરી અને કારુણ્યનાં મૂળિયાં એમના જન્મથી વર્તમાન સુધી પાંગરતાં રહ્યાં છે.
ટૂંકીવાર્તા વિશે મીનલ દવેની સમજ :
મીનલ દવેની વાર્તા વિશેની પાકી સમજ એમના એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ઓથાર’માંથી મળે છે. મીનલ દવેએ વિવેચન ભણાવ્યું છે. વાર્તાના સ્વરૂપને એઓ નખશિખ સમજ્યાં છે. એટલે જ તેમની વાર્તાઓ વાર્તાકલાની શરતોને અનુસરતી ચાલે છે. એમના પુસ્તક ઓથારમાં એઓએ માત્ર બસો શબ્દો જેટલી પોતાની પ્રસ્તાવનામાં પોતાની વાર્તા વિશે, વાર્તાકલા વિશે લખવાનું ટાળ્યું છે. વાર્તા વિશે પણ એમનો સ્વતંત્ર અભિપ્રાય નથી. કદાચ એટલે જ એમની વાર્તાઓ Neet Stories બની શકી છે. વાર્તામાં લાંબાં અને બિનજરૂરી લખાણો ટાળવા અને છુપાવીને કહેવાની કલા તેમને હસ્તગત છે. વાર્તામાં ભીંસ દેતું વાતાવરણ ઊભું કરવું એમને સહજ છે. એમના સંગ્રહ ‘ઓથાર’ની વાર્તાઓમાં આનંદના ગુબ્બારા ઊછળતા નથી, હર્ષોલ્લાસનો કલશોર નથી. પણ દબાયેલાં ડૂસકાં છે. પોતાના માણસોથી તો ક્યારેક પરિસ્થિતિથી ચૂપ થઈ ગયેલાં સ્ત્રી-પાત્રોની વેદના છે. ચીમળાતા જીવનની કથાઓ અંત ભણી પહોંચે છે ત્યારે ભાવકને આઘાતની ઊંડી ખાઈ પાસે ઊભો રાખી દે છે. ભારતીય સ્ત્રીઓની ચિત્તમાં પડેલી સ્ત્રી હોવાની છબીને સલામત અને ઊજળી રાખવાની મથામણ કરતાં સ્ત્રી-પાત્રોની કથાઓ લેખિકાના સ્ત્રીના મનોજગતને ભરપૂર જાણ્યાનું પ્રમાણ છે. મીનલ દવે ટૂંકી વાર્તાની ગતિ અને એની સીમા સાચવીને ચાલતાં લેખિકા છે.
‘ઓથાર’નો પરિચય
ઓથારમાં કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થયેલી છે. વાર્તાકારે પ્રસ્તાવનામાં લખ્યું છે કે મને મારી વાર્તા હંમેશા નબળી જ લાગે છે. જોકે પોતાનું સર્જન નબળું લાગવું એ સારી નિશાની કહેવાય, પણ પંદર વર્ષમાં પંદર વાર્તા લખાય એ લેખિકાના મનની કોઈ જુદી સ્થિતિ બતાવે છે. ‘ઓથાર’ની તેર વાર્તાઓમાંથી એક બાળકની વાર્તા છે, એક તરુણની વાર્તા છે, એક યુવાનની વાર્તા છે અને એક વૃદ્ધની પુરુષની છે. અન્ય નવ વાર્તાઓ સ્ત્રીઓની છે. એવી સ્ત્રીઓ જેઓ કામકાજી મહિલાઓ છે અથવા ઢળતી વયના પડાવ ઉપર ઊભેલી છે. પુરુષોની કથાઓ પૈકી ચારમાંથી ત્રણ સામાન્ય કહી શકાય તેવી વાર્તાઓ છે. એક વાર્તા છોકરીનાં લક્ષણો લઈને જન્મેલા છોકરાની છે. છોકરાનું નામ પણ બેયમાં ચાલે એવું બોબી છે. આ વાર્તા સારી હોવા છતાં કશુંક ખૂટતું હોય તેવું લાગે છે. બાકીની નવ વાર્તાઓમાં સ્ત્રી-વિષયકમ જુદા જુદા પ્રશ્નો છેડાયા છે. જોકે પહેલી વાર્તા જેના ઉપરથી આ સંગ્રહનું નામ ‘ઓથાર’ રખાયું છે એ વાર્તા આખાય સંગ્રહમાં જુદી પડે છે અને સંગ્રહના નામને સાર્થક કરે છે. સ્ત્રી જ્યારે વયના જુદા જુદા પડાવે થયેલા અન્યાય, અવગણના અને બાદબાકીની પીડાનું સરવૈયું કાઢે છે ત્યારે જે નિરાશા અને હતાશા સામે આવે છે, એ સ્તબ્ધ કરી દે તેવી છે. મીનલ દવેના હાથે પુરુષની વાર્તા કરતાં સ્ત્રીની વાર્તા બહુ સુંદર અને લાલિત્યના ઘાટે ઘડાઈ છે. ઓથારમાં ભાવક પણ એક ઓથાર અનુભવે છે.
મીનલ દવેની વાર્તાકલા :
મીનલ દવેની વાર્તાઓ શાંત, આક્રોશ વિનાની અને નિયતિને સ્વીકારીને જીવતી સ્ત્રીની છે. એમનાં સ્ત્રી પાત્રો ખુલ્લી રીતે પોતાને થયેલા અન્યાયોના ગાણાં ગાતાં નથી, પણ ખટકો અને ભાર જરૂર અનુભવે છે. પહેલી વાર્તા ‘ઓથાર’ની નાયિકા જે રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરે છે. કોમી હુલ્લડો પછીના સમયમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે તેને સૂમસામ રેલવે સ્ટેશન ઉપર બુરખો પહેરેલી મહિલાની બીક લાગે છે. વાર્તાનું કલાત્મક પાસું છે કે એ બુરખાવાળી સ્ત્રી જ ઊતરવાનું સ્થળ આવતાં કહે છે કે, ‘તમે હતા એટલે હું ટ્રેનમાં ચડી છું’ અહીં નાયિકાના આત્મવિશ્વાસમાં દંભ પ્રવેશે છે અને તે કહે છે ‘એમા બીક શેની? હું તો રોજ અપડાઉન કરું છું.’ આ વાર્તામાં ઘટના બરાબર પકડાઈ છે. ‘ચકુ’ બહુ ઓછા ખેડાતા વિષયની વાર્તા છે. દીકરાને ઇજનેર બનાવવાની લ્હાયમાં ભૂલી જવાયેલી દીકરી ચકુ જ વૃદ્ધત્વમાં મા-બાપ સાથે રહે છે. ‘ઉંબરો’ વાર્તામાં જક્કી બાપ અને ભાઈનો ડારો દેતા સ્વભાવ વચ્ચે શોભનાએ બાળપણ અને યુવાની વિતાવી છે. એ ઓથાર આજીવન એના મન ઉપર રહે છે. વાર્તાને અંતે પોતાને થયેલો અન્યાય પોતાની ભત્રીજી સહન નહીં કરે એવો શોભનાનો પડકાર વાર્તાને એક જુદી દિશામાં લઈ જાય છે. ‘સામેનું ઘર’ સન્નિધીકરણની યુક્તિનો આધાર લઈને લખાયેલી વાર્તા છે. ઘરકામ અને સાસુ-સસરાને સંભાળવામાં દોડાદોડ કરતી નોકરિયાત માલા એમની બારીમાંથી દેખાતા ઇસ્ત્રીવાળા ડોસાના ઘરમાં એક રાત રહેવા મળે એવી ઇચ્છા કરે છે. બે ઘરની જુદી જુદી સ્થિતિ આલેખીને લેખિકાએ કમાલ કરી છે. અહીં પણ એક જાતનો ઓથાર અનુભવાય છે. લેખિકાને ઝીણું ઝીણું નકશીકામ ફાવે છે એની પ્રતીતિ ‘ઘર’ વાર્તામાં થાય છે. પંખી માટેની પાણીની ઠીબ, ખિસકોલી વગેરે પ્રતીકોથી વાર્તા કલાત્મક બની છે. ‘બળ્યું આ જીવવું’ વાર્તામાં ઉંમરના જુદા જુદા પડાવ પર નાયિકાને થયા કરે છે કે તેણે નકરા અન્યાય જ સહન કર્યા છે. આ વાર્તામાં રહેલો પ્રચ્છન્ન ઓથાર ભાવક પણ અનુભવે છે. નાની ઘટના કે પ્રસંગોમાંથી વાર્તા બનાવવાની કળા લેખિકાને હસ્તગત છે. આ સંગ્રહનાં તમામ સ્ત્રી-પાત્રો એક ઓથારમાં જીવે છે. લેખિકાનો આ પહેલો સંગ્રહ છે, છતાં એમા વાર્તાની સમજ નિતરે છે. ક્યાંય સસ્તું લખાણ કે સંવાદ નથી. આ સંગ્રહમાં રતિરાગની એક પણ વાર્તા નથી. લેખિકા સસ્તા બની ગયેલા વિષયથી બચ્યાં છે. સંગ્રહમાં કોઈ પણ વાચકને જકડી રાખે એવું વિવિધ વાતાવરણ છે. વાર્તાઓમાં પ્રતિરોધનું લક્ષણ મીનલ દવેને આધુનિકોત્તર તરફ દોરે છે.
મીનલ દવેની વાર્તા વિશે વિવેચકો :
“મીનલ દવે આ સંગ્રહથી જ બહુ મોટી અપેક્ષાઓ ઊભી કરે છે. સમકાલીન વાસ્તવ સામે ભાગેડુવૃત્તિ દાખવનારાઓ, એનો મુકાબલો ટાળતા સર્જકોથી એ જુદાં પડ્યાં છે”
– ભરત મહેતા, ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૨૦૧૯, પૃ. ૧૬
‘ઓથાર’ની વાર્તાઓ અનુઆધુનિક સંદર્ભે. યૂ ટ્યુબ વિડીઓ
–મહેન્દ્રસિંહ પરમાર
સંદર્ભ :
૧. ‘ઓથાર’ની લેખિકાની પ્રસ્તાવના
૨. ‘બુદ્ધિપ્રકાશ’ જૂન ૨૦૧૯, પૃ. ૧૩થી ૧૬
૩. ‘ઓથાર’ની વાર્તાઓ અનુઆધુનિક સંદર્ભે. યૂ ટ્યુબ વિડીઓ – મહેન્દ્રસિંહ પરમાર
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭