ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અશ્વિન રણછોડભાઈ દેસાઈ
સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
અશ્વિન રણછોડજી દેસાઈ ‘આફતાબ’નો જન્મ ૧૮-૦૫-૧૯૪૭માં સુરતના પલસાણા ગામમાં થયો હતો. વાણિજ્યમાં સ્નાતક થયા બાદ સી.એ.નો અભ્યાસ કરી બૅન્ક ઑફ બરોડામાંથી નિવૃત્ત થયા. નવલકથા, ટૂંકી વાર્તા, સંપાદન ક્ષેત્રે તેમનું વિશેષ પ્રદાન છે. તેમના સાહિત્ય સર્જન માટે તેમને ૧૯૭૮માં કુમારચંદ્રક પ્રાપ્ત થયો છે. તેમના ‘વિખૂટાં પડીને’ વાર્તાસંગ્રહને ૧૯૮૭માં અને ‘સરોજ પાઠક : સંવેદન અને સર્જન’ સંપાદન ગ્રંથને ૧૯૮૯માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નવલકથા : ‘ગુંબજ’ (૧૯૭૮), ‘આકાશથીયે દૂર તારું ઘર’ (૧૯૭૯), ‘પરિચયના દીવા સાવ ઝાંખા’ (૧૯૮૦), ‘કારણ આપો તો તમે સાચા’ (૧૯૮૩), ‘રૂપ નીતરતો ચહેરો’ (૧૯૮૫), ‘પગલાં પાછળ પગલાં’ (૧૯૮૭), ‘ફૂલ શૈયા’ (૧૯૮૭) વાર્તાસંગ્રહ : ‘કોઈ ફૂલ તોડે છે’ (પ્ર. આ. ૧૯૭૭), ‘વિખૂટાં પડીને’ (૧૯૮૭) સ્મૃતિ ચિત્રો : ‘આવી તમારી યાદ’
વાર્તાકારનો યુગસંદર્ભ :
આધુનિકયુગમાં સર્જન આરંભનાર સર્જકની વાર્તામાં મુખ્ય વિષય તરીકે નગરમાં જીવતો માનવી આલેખાયો છે. સર્જકે મુંબઈ જેવા મહાનગરમાં વસનારા માનવીના દૈનિક જીવનના આલેખન દ્વારા ગામડામાંથી મહાનગરમાં આવી વસેલ માનવીની પોતાના ઘર માટેની, સ્વજન માટેની અને શહેરીજીવનમાં ગોઠવાવા માટેની મથામણ અને સંઘર્ષને આલેખવાનો પ્રયાસ આ વાર્તાઓમાં કર્યો છે. ‘કોઈ ‘કોઈ ફૂલ તોડે છે’ સંગ્રહની પ્રસ્તાવનામાં જ્યોતિષ જાનીનું આધુનિક વાર્તાના બદલાતા સ્વરૂપ વિશેનું નિરીક્ષણ યોગ્ય છેઃ ‘આજની આધુનિક વાર્તાને અનુભૂતિ કે સંવેદન, ચરિત્ર કે પરિસ્થિતિ, પ્લોટ કે પોઇન્ટ ઑવ વ્યૂ-નાં ફૂલ ખીલવવાં નથી, તોડવાં છે. સાહિત્યમાં માત્ર સુષ્ઠુ અને શુભનો યોગ અને યુગ વીતી ચૂક્યા છે. એ જેટલું જિગરનું કામ નથી એટલું ટેક્નિકનું કામ છે’ અનુગાંધીયુગમાંથી આધુનિકયુગમાં આવતાં વાર્તાનું બદલાયેલ આંરભિક સ્વરૂપ અશ્વિન દેસાઈની વાર્તાઓમાં જોવા મળે છે. ગામડામાંથી મહાનગરમાં આવી વસેલા માનવીના પ્રશ્નો, સંઘર્ષો નોખા છે પરિણામે તેની અભિવ્યક્તિરીતિ પણ નોંખી જ હોવાની. આધુનિકયુગના આરંભિક ગાળામાં સર્જાયેલી આ વાર્તાઓ વિષય અને અભિવ્યક્તિ બન્ને દૃષ્ટિએ નવીનતાનો અનુભવ કરાવે છે. બીજા વાર્તાસંગ્રહથી તેમની વાર્તાઓમાં વિષયની દૃષ્ટિએ વૈવિધ્ય આવે છે. હૃદયથી જોડાયેલ પારિવારિક સંબંધો અને વર્તમાન પ્રશ્નો વગેરે વિષયોને આલેખતી તેમની વાર્તાઓ અનુઆધુનિકયુગ તરફની ગતિ સૂચવે છે.
વાર્તા સર્જન :
અશ્વિન દેસાઈના વાર્તાસંગ્રહ ‘કોઈ ફૂલ તોડે છે’ અને ‘વિખૂટાં પડીને’ બન્નેમાં ૨૬-૨૬ મળીને કુલ ૫૨ વાર્તાઓ છે. ‘કોઈ ફૂલ તોડે છે’ વાર્તાસંગ્રહની વાર્તાઓના મુખ્ય વિષયો નગરજીવન, નિષ્ફળ પ્રણય સંબંધ અને ઔપચારિક બનતા જતા પારિવારિક સંબંધો છે. ‘ટેકરીઓની પેલે પાર’, ‘જુદાઈ’, ‘યાદ’, ‘સલામતી પ્યાર અને સુખી જીવન’, ‘કોઈ ફૂલ તોડે છે’, ‘તુષાર અથવા નીલેશ અથવા તરલ અથવા...’, ‘ગેરસમજ’, ‘લિલામ’, ‘બેવફાઈ’, ‘ખાખરાનાં ફૂલ’, ‘વિખૂટાં પડીને’ વાર્તાઓ જવાબદારીના ભારને કારણે, અસમાન સામાજિક દરજ્જાને કારણે, પારિવારિક વિરોધ, પ્રેમને સ્થાને સંબંધમાં પ્રવેશતી ઔપચારિકને કારણે નિષ્ફળ પ્રેમસંબંધને આલેખે છે. ‘ટેકરીઓની પેલે પાર’માં નાયિકા આશાની પ્રેમી અમરને એકવાર પ્રેમથી ન જમાડી શકવાની નિરાશાનું આલેખન છે. પ્રેમીને ન પરણી શકતી આશા વર્ષો બાદ પતિ સાથે ઘરે આવેલ પ્રેમી અમરને એક વાર ભાવથી જમાડવાની ઇચ્છાથી મનોમન પોતે શું શું કરશે એની કલ્પનાઓ કરવા લાગે છે, પરંતુ અંતે અમર આવવાની જગ્યાએ તેના ન આવવાની ચિઠ્ઠી આવતાં તેને એકવાર જમાડી લેવાની આશા પણ અપૂર્ણ રહે છે! તો ‘જુદાઈ’ વાર્તા નગરથી ઘણા સમય બાદ ઘેર જતા નાયકના માનસને આલેખે છે. ગાડીમાં બેઠેલો નાયક ગામડે જઈ સલોની વિશે, તેની સાથે કેવી કેવી વાતો કરશે –-તેની કલ્પનાઓ કરવા લાગે છે, પરંતુ વાસ્તવમાં સલોનીને મળતા મિલન આતુર હૈયાના સ્થાને પામે છે માત્ર ઔપચારિકતા! ચોટદાર અંત પર પરિણમતી વાર્તા નાયકની અપેક્ષાભંગ સ્થિતિને આલેખે છે. ‘યાદ’ વાર્તાનો નાયક બૅૅન્કનો કલાર્ક છે. નિયમિત ગાડી પકડીને બૅન્ક પહોંચ્યા બાદની રોજની એ જ યાંત્રિક દિનચર્યાની વચ્ચે એક પાસબુકમાં ઈરા દેસાઈનું નામ તેના હૃદયને ઝંકૃત કરે છે, પરંતુ તેના વિશે તપાસ કરતાં પોતે જેની અપેક્ષા રાખી છે તે ઈરા દેસાઈની જગ્યાએ ૩ વર્ષની માઈનોર ઈરાનું ખાતું મળતાં નિરાશા પામે છે! સમગ્ર વાર્તામાં ગાડી પકડવાથી માંડીને બૅન્કમાં પહોંચ્યા બાદની નાયકની દિનચર્યાનું ઝીણવટપૂર્વકનું આલેખન નગરમાં વસતા માનવીના યાંત્રિક અને નિરસ જીવનને આલેખે છે. આવા નગરજીવનમાં એક સાચાં સ્વજનની આશા પણ જાણે ઠગારી છે, તેની પ્રતીતિ આ વાર્તાઓ કરાવે છે. ‘સલામતી પ્યાર અને સુખી જીવન’ અને ‘તુષાર અથવા નીલેશ અથવા તરલ અથવા...’ વાર્તામાં પ્રેમને ન સ્વીકારનાર પરિવારજનો અને તેની સામે સમાધાન કરી લેતી નાયિકાઓ નિમિત્તે મધ્યમવર્ગીય સમાજની માનસિકતા અને તેને અનુકૂળ થઈ જતી કન્યાઓની વાસ્તવિકતા આલેખાઈ છે. ‘સલામતી પ્યાર અને સુખી જીવન’માં સોનલના જીવનનાં નિખિલ, તરલ, પ્રવીણકુમાર અને અનિલકુમાર જેવા છોકરાઓનો પ્રવેશ અને તેની સાથે થોડા સમયમાં જોડાઈ જતી સોનલ મધ્યમ વર્ગીય સામાજિક વાસ્તવિકતાને આલેખે છે. સર્જકની સરળ ગદ્યશૈલી જાણે ટાઢા ડામનું કામ કરે છે. તો ‘તુષાર અથવા નીલેશ અથવા તરલ અથવા...’માં વાર્તાની નાયિક અંજુની ઉંમર થતાં પરિવાર તરફથી થતા દબાણને કારણે શીર્ષકને અનુરૂપ એક પછી એક છોકરા જોઈ પોતાનો અમર માટેનો પ્રેમ જાહેર થઈ જશે તો? –એવી અંજુની સાશંક અને ભયભીત માનસિકતા આલેખાઈ છે. ‘કોઈ ફૂલ તોડે છે’ વાર્તા સામાજિક વર્ગભેદના કારણે દીકરીના પ્રેમને ન સ્વીકારી શકતા પિતા પ્રતાપરાયની માનસિકતાને આલેખે છે. નાયક અને પ્રતાપરાય વચ્ચનો સંઘર્ષ પ્રતાપરાયની ફૂલ તોડવાની ક્રિયા દ્વારા સંકેતિત થયો છે, ફૂલ તોડવા જતાં પ્રતાપરાયને વાગતો કાંટો, ડાળીનું થોડી વાર હલીને સ્થિર થઈ જવું, પ્રતાપરાયનું ફરી ડાળી નમાવીને મૂળમાંથી ફૂલને પકડવું, વધારે ખેંચવા છતાં ન તૂટતું ફૂલ, પ્રતાપરાયનું આંચકો મારી ફૂલને તોડવું – જેવી ક્રિયાઓ પ્રેમ અને સમાજ વચ્ચેના સંઘર્ષને સંકેતે છે. ‘ગેરસમજ’ મૃત્યુ પામેલ નાયકના કથનકેન્દ્રથી કહેવાયેલ વાર્તા છે. પોતાના અચાનક થયેલ મૃત્યુને કુતૂહલથી જોનાર નાયક દરેક પરિવારજન અને ઑફિસ સ્ટાફ પર પોતાના મૃત્યુથી કેવી પ્રતિક્રિયાઓ જન્મી તેનું કથન કરે છે અને બીજા દિવસે મિત્ર સમક્ષ ખરખરો કરવા આવેલ રેખા દ્વારા દુલારીનું ખરખરામાં ન આવવાનું કારણ નાયક અને દુલારી વચ્ચેના સંબંધ સંદર્ભે ગેરસમજ હોવાનું કથન સ્વયં મૃતનાયકને પણ આશ્ચર્યમાં મૂકે છે. સમગ્ર વાર્તા સ્વયં મૃતનાયક કથક દ્વારા હળવી રીતે કહેવામાં આવી હોવાથી મૃત્યુ જેવી આઘાતક ઘટનાનો ભાર લાગતો નથી, ઉપરાંત પોતાના સંબંધનો અસ્વીકાર કરતી નાયિકા પ્રેમસંબંધની ક્ષણિકતા અને રંગ બદલતા માનવીને આલેખે છે. ‘લીલામ’ વાર્તામાં ભૂતકાળનો પ્રેમસંબંધ સમય અને સ્થિતિ બદલાતાં માત્ર ઔપચારિકતા બની રહે છે તે નાયિકાના કેન્દ્ર દ્વારા અસરકારક રીતે આલેખાયું છે. ‘બેવફાઈ’માં નાયિકાનું પત્રશૈલીમાં આત્મકથન વ્યક્ત થયું છે. નાયિકા ભૂતકાળના પ્રેમી અશોકના હાર્ટ ફેઇલના સમાચારથી પ્રેરાઈ પોતાનું આત્મકથન વ્યક્ત કરે છે. જેમાં પોતાનો બાળપણનો પ્રેમસંબંધ, બન્નેનું છૂટા પડવું, અશોકનું અન્યને પરણી જવું, નાયિકા દ્વારા તેનો સ્વીકાર અને અશોકના હાર્ટ ફેઇલ પર નાયિકાની પ્રતિક્રિયા – ‘મારા માનવામાં આવે એવી વાત નહોતી! તારું હાર્ટ ફેઇલ થઈ શકે? અને તારા મગજની ધોરી નસ પણ એમ કંઈ તૂટી જાય એવી તો નહોતી! મારે શું કરવું એ કંઈ મને સમજાતું નહોંતુ! મને ગજબની ગૂંગળામણ થવા લાગી!’ (પૃ. ૧૬૦) નાયિકાનું આ વક્રકથન અશોક સંદર્ભે નાયિકાના મનોભાવને સાંકેતિક રીતે પ્રગટ કરે છે. ‘ખાખરાનાં ફૂલ’ મિત્રકથક દ્વારા સંવાદાત્મક શૈલીએ વિકસતી વાર્તા છે. ચાર બ્હેનોની જવાબદારી તળે દબાયેલ મૂકેશ પોતાને પ્રેમ હોવા છતાં પરણી શકતો નથી! તેની સામે તેના જ શેઠના બીજી વાર થતાં લગ્ન ઉચ્ચ અને મધ્યમ વર્ગ વચ્ચેની ભેદકતાને સાંકેતિક રીતે આલેખે છે. ‘વિખૂટાં પડીને’ વાર્તામાં નાયકની નાયિકાના ભવિષ્ય વિશેની કલ્પના છે. વર્તમાન બિંદુએથી આરંભાતી વાર્તા ભવિષ્ય વિશેની કલ્પના પર વિરમે છે. નાયક અને નાયિકાનું છૂટાં પડવું અને નાયકની નાયિકાના ભવિષ્યજીવન વિશેની કલ્પનામાં વૃદ્ધ બનેલી નાયિકા નાયકને ઓળખશે કે નહીં, અને પોતે પણ પોતાના પ્રેમનો આ ઉત્સાહ યથાવત્ રાખી શકશે કે કેમ? તેના વિશેની નાયકની સાશંક મનોદશા આધુનિકયુગના માનવીને આલેખે છે. ‘ભૂલી જવું...’, ‘નદીકિનારો’, ‘અહીં તો’, ‘બંસરી’ જેવી વાર્તાઓ વર્તમાનમાં શહેરમાં આવી વસેલ માનવીની ભૂતકાળના ગ્રામ્યજીવનની ઝંખના અને ઝુરાપાને આલેખે છે. ‘ભૂલી જવું...’નો નાયક પોતાની ઘડિયાળને કાંટે ચાલતી રેઢિયાળ દિનચર્યાનું કથન કરતાં પોતાના ગામડાના ભૂતકાળની દિનચર્યાને ભૂલી ગયો હોવાનું સ્વીકારી, આ શહેરી જીવનમાં ટેવાઈ ગયા હોવાનું સ્વીકારે છે. પરંતુ ભૂલી જવાનો સ્વીકાર એ જ તેના ગ્રામ્ય ભૂતકાળની ઝંખનાને પ્રગટ કરે છે. નાયકની વર્તમાન દિનચર્યા સાથે ગ્રામ્ય જીવનના ભૂતકાળનું સન્નિધિકરણ તેના ભૂતકાળના ઝુરાપાને સઘન બનાવે છે. આવો જ વર્તમાન સુવિધાપૂર્ણ શહેરી જીવનને ભૂલી જઈને પ્રકૃતિ અને ગ્રામ્યજીવનની ઝંખનાનો ભાવ ‘નદીકિનારો’ વાર્તામાં કલ્પના અને આત્મકથનાત્મક શૈલીએ અભિવ્યક્તિ પામ્યો છે. તો ‘અહીં તો’ વાર્તા ગામડેથી અનેક સ્વપ્નો લઈ મુંબઈ આવેલ નાયકના અપેક્ષા ભંગને આલેખે છે. સુવિધા, હવાઉજાસવાળા ઘરની અપેક્ષાની સામે ‘ખોલી’, ઘડિયાળના કાંટે જીવતા અને ગાડી પકડવા માટે ભાગતા મુંબઈવાસીઓ, ટોળામાં વૈયક્તિક ઓળખ ગુમાવેલ માનવી, ઑફિસને જીવન સમજી ઘરને રાત કાઢવાની જગ્યા માનતો માનવી, પ્રગતિ માટે હૃદયના આનંદને ગુમાવી બેઠેલ માનવી વચ્ચે વરસો પછી પણ પરાયાપણાના નાયકના અનુભવ દ્વારા નગરના માનવીની એકલતા અને નિરાશાનું આલેખન થયું છે. ‘બંસરી’ વાર્તામાં સવારના એલાર્મથી જાગતા નાયકનું પોતાના ગામના ભેંસના ભાંભરવાથી જાગતા મિત્ર રતિલાલની અને પોતાની દિનચર્યાનું સમાન કથન અને સરખામણી તેના નીરસ અને બોઝિલ જીવનને આલેખે છે. વાર્તાને અંતે ગાડીની રાહ જોતા નાયકની સામે મિત્ર રતિલાલની લીમડા ઉપર ચડીને બંસરી બજાવવાની ક્રિયા દ્વારા પ્રગટતું ગ્રામ્ય અને શહેરી જીવનનું દૃશ્ય યાંત્રિકતાની સામે આનંદમય જીવનને સંકેતે છે. ‘મરણ’, ‘આંખની સામે’, ‘ ‘ક્ષ’ ઉપરથી કોઈ ગીત આવે છે?’, ‘ઘર એટલે ઘર એટલે ઘર’, ‘ઘોડે ચડીને આવજો ગુણવંતરાય’ જેવી વાર્તાઓ નગરના માનવીની આર્થિક વિટંબણાઓ અને અનેક વર્ષોની નોકરી અને વસવાટ છતાં સન્માન, હૂંફના અભાવને આલેખે છે. ‘મરણ’માં મરણ પામેલ નાયકનો આ રોજની ઘર અને નોકરીની વિટંબણામાંથી મુક્તિના અનુભવને અંતે નાના દીકરાની ચિંતા, છેલ્લી વાર કેટલાક રહી ગયેલાં કામ કરવાની ઇચ્છા આરંભિક સંવેદનથી વિરુદ્ધની સ્થિતિને આલેખે છે. “ક્ષ’ ઉપરથી કોઈ ગીત આવે છે?’ વાર્તામાં નાયક અજય પિતાની ક્ષયની બીમારીના કારણે નાની વયે ઘર, પરિવારની જવાબદારીનો બોજ વેંઢારતાં પોતાનું વ્યક્તિગત જીવન તો જાણે ભૂલી જ ગયો છે. યુવાન વયે અનેક ગીતો લલકારનારા યુવકોની સરખામણીએ વાર્તાને અંતે ગીત શોધવા મથતો અજય સામા છેડાનો છે. ‘ઘર એટલે ઘર એટલે ઘર’ વાર્તા સામાન્ય માણસના ઘર માટેના સંઘર્ષને આલેખે છે. ધરતીકંપમાં ગામડાનું કાચું ઘર ગુમાવનાર નાયક ગામ છોડી અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં એક પછી એક ઘર બદલતા આખરે ગેસ્ટહાઉસમાં પોતાનું જીવન ગુજારી રહ્યા હોવાનું આત્મકથન નાયકની ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’ કહેવતને પ્રત્યક્ષ કરે છે. તો ‘ઘોડે ચડીને આવજો ગુણવંતરાય’માં આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા પોતાનું વ્યક્તિગત જીવન જીવવાનું ભૂલી જતા માનવીનું આલેખન નર્મ-મર્મ શૈલીમાં થયું છે. પોતાની આ સ્થિતિને હસી કાઢતા ગુણવંતરાયનું પાત્ર દયનીય છે! ‘આંખની સામે’ જરા જુદા પ્રકારની વાર્તા છે. હૉસ્પિટલમાં કોઈ પણ જાતની ઓળખાણ વગર એક વ્યક્તિ પોતાની ચામડી આપી નાયિકાને બચાવે છે પણ નાયિકા તેને મળી શકતી નથી. જીવનદાન આપનારની સામે પોતાની ઓળખ છુપાવી રાખવા માટેનો તેના સાથી જમાલનો સતત આગ્રહ વાર્તામાં અંત સુધી નાયિકા સંદર્ભેની ગુપ્તતા જાળવી રાખી સુંદરલાલને મળવોનો ઇન્કાર તેના વ્યવસાયને સંકેતે છે! ‘તમે અને આપણી સલોની’ અને ‘સૂનું આંગણું-સૂના ચોક’ થોડી નોખી વાર્તાઓ છે. ‘તમે અને આપણી સલોની’ આત્મકથનાત્મક શૈલીએ રજૂ થયેલી વાર્તા છે. મૃત માતા પોતાના પતિને સંબોધીને પોતાનું સંવેદન રજૂ કરે છે. બાળપણથી પિતાના અતિશય લાડકોડથી ઉછેરેલ સલોની મોટી હિરોઈન બને છે અને તેના જીવન અને કામના દરેક નિર્ણય પિતા લે છે. દીકરી માટે સ્વાર્થી બનતા પિતાના કારણે પોતાની જ દીકરી પરના તમામ અધિકાર ખોઈ બેસતી માતાનું વક્રકથન તેના હૃદયભાવને સંયમિત રીતે આલેખે છે. તો ‘સૂનું આંગણું-સૂના ચોક’માં મિસિસ ઉંબરગાંવવાલાના પાત્ર નિમિત્તે પોતાના પાંચ વર્ષના બાળકને ગુમાવનાર માતાની માનસિકતા આલેખાઈ છે. ‘વિખૂટાં પડીને’ અશ્વિન દેસાઈના બીજા વાર્તાસંગ્રહમાં કુલ ૨૬ વાર્તાઓ સંગ્રહિત છે. આ બીજા સંગ્રહની વાર્તાઓમાં પ્રથમ સંગ્રહની વાર્તાઓ કરતાં વિષય અને ભાવની દૃષ્ટિએ વૈવિધ્ય આવે છે. નગરજીવનના આલેખન પરથી સર્જકની દૃષ્ટિ સરકારીતંત્રની ખામીઓ, ગરીબી અને કાગળ પરનો વિકાસ, હૃદયથી જોડાયેલ પારિવારિક સંબંધો, ઉચ્ચવર્ગની અમાનવીયતા વગેરે જેવા વિષયો પર ફરી વળે છે. હૃદયથી જોડાયેલ પારિવારિક સંબંધોને આલેખતી વાર્તાઓમાં ‘સગપણનાં ફૂલ’ અને ‘ગુલમહોર’ સુંદર વાર્તા છે. ‘સગપણનાં ફૂલ’માં દત્તક આપી દીધેલ પોતાની નાની બ્હેન પ્રત્યે મોટી બ્હેનનો સાચુકલો ભાવ મોટી બ્હેનના કેન્દ્રથી આલેખાયો છે. મોનાનાં તોફાનો અને પોતાની આર્થિક સ્થિતિના કારણે મોનાના માતા-પિતા દ્વારા મોનાને સમૃદ્ધ પરિવારને દત્તક આપી દેવી, કાર અકસ્માતમાં મોનાના વર્તમાન માતા-પિતાનું અવસાન, તેના સગાં માતા-પિતા અને મોટી બ્હેનનું તેને મળવા જવું, માતાનું પોતાની સાથે રોકાવા વિશે પૂછતા મોનાનો ઇન્કાર, અંતે મોટી બ્હેન દ્વારા તેની પાસે જઈ પ્રેમપૂર્વક મોના સંબોધતા મોનાનું તેને વળગી રડી પડવું જેવી ઘટનાઓ દરમ્યાન સમગ્ર વાર્તામાં મોટી બ્હેનનો મોનાને દત્તક આપવા સમયેનો અણગમો, વારંવાર તેને માતાના મારથી બચાવવાનો પ્રયાસ, મોનાની તપાસ અને અંતે પ્રેમપૂર્વકનું સંબોધન મોટી બ્હેનના મોના પ્રત્યેના તેના હૃદય સંબંધને આલેખે છે. એવી જ પારિવારિક સંબંધની વાર્તા ‘ગુલમહોર’ શીર્ષક અનુરૂપ તાપ સામે ખીલતા ગુલમહોર રૂપે મોટાભાઈના પ્રેમને સંકેતે છે. નાની ઉંમરે પાંચ વાગ્યામાં ઊઠી, પેપર નાખવા જતો, ત્યાંથી છૂટી ચાની કેન્ટિનમાં નોકરી કરતો, ત્યાંથી નોકરી છૂટતા કરિયાણાંની દુકાનમાં નોકરી કરતો, માની સાથે રોટલો મરચું ખાઈ લઈ નાનાભાઈને શાળામાં દાખલ કરાવવા માટે આ સંઘર્ષમાં પણ આનંદ અનુભવતા મોટાભાઈનું પાત્ર સ્પર્શી જનારું છે. ‘વહેલી સવારની કળી’ વાર્તાનો નાયક ધરમદાસ નામ પ્રમાણેના ગુણો ધરાવનાર પાત્ર છે. નાની વયે પોતાના પરિવાર માટે ભણતરની સાથે પ્રામાણિકતાપૂર્વક નોકરી કરનારો ધરમદાસ અકાળે પુખ્ત બની માતા, નાના ભાઈ-બ્હેનની જવાબદારી હોંસે હોંસે ઉઠાવે છે. એટલું જ નહિ, પોતાના સંબંધી માટે છોકરી જોવા જનાર ધરમદાર પુખ્ત યુવકનો અનુભવ કરાવે છે પરંતુ તેની સામે પોતે ક્યાં ઉંમરલાયક થયો છે એવો તેનો પ્રશ્ન તેના સરળ વ્યક્તિત્વને આલેખે છે. જવાબદારીના ભારની જગ્યાએ અકાળે આવી પડેલ જવાબદારી પ્રત્યે નાયકનો હકારાત્મક સ્વીકાર વાર્તાની વિશેષતા છે. વાર્તામાં સહકર્મચારી કથક દ્વારા ધરમદાસનું પાત્ર તટસ્થ રીતે આલેખન પામ્યું છે. ‘ફ્લાય-ઓવર’, ‘કાયદો અને વ્યવસ્થા’, ‘ટેકરીઓ વચ્ચેનું ગામ’ વાર્તાઓ ગરીબી, સરકારીતંત્રની વાસ્તવિકતાને નર્મ-મર્મ શૈલીએ આલેખે છે. ‘ફ્લાય-ઓવર’ વાર્તામાં ઘરકામ કરનાર લખમીના પાત્ર દ્વારા આપણા દેશની દારુણ ગરીબીનું આલેખન થયું છે. વિકાસના માર્ગે હરણફાળ ભરતા આપણાં દેશમાં એક તરફ ફ્લાય-ઓવર બનવા જઈ રહ્યો છે, જ્યારે લખમીના પરિવારની જેમ રોડ પર રહેનાર લાખો લોકો પાસે રહેવા માટે ઝૂંપડા બરાબર પણ જગ્યા નથી! સર્જકે ફ્લાય-ઓવર બનવાના સમાચારથી આનંદિત લખમીના પાત્ર દ્વારા આ વિરાધને ઉપસાવી આપ્યો છે. ફ્લાય-ઓવરની ઓથે ઝૂંપડી બાંધવા મળશે એવી આશામાં જીવતો લખમીનો પરિવાર કહેવાતા વિકાસની સામે દેશની વાસ્તવિકતાને પ્રગટ કરે છે. ‘કાયદો અને વ્યવસ્થા’ વાર્તામાં ખેતી છોડી શેરડીના રસનું કોલુ ચલાવતા બુધુભાઈના પાત્ર દ્વારા બદલાતા કાયદાઓને કારણે વાસ્તવિક રીતે ખેતી કરનાર ખેડૂતની વાસ્તવિકતાનું આલેખન થયું છે. નવા ગણોતિયાના કાયદાને કારણે વર્ષોથી ખેતી કરનાર બુધુભાઈ પાસેથી તેના જમીન માલિક દ્વારા ખેતી કરવા આપેલી જમીન પાછી લઈ લેતા શહેરમાં શેરડીનો કોલુ ચલાવી ગુજરાન ચલાવવાની ફરજ પડે છે, પરંતુ ત્યાં પણ સુધરાઈના નામે મશીન લઈ જવાને કારણે તેમને પાછા ગામ ભેગા થઈ જવાનો વારો આવે છે. સર્જકે આ વિરોધ હળવી શૈલીમાં આલેખીને આપણા કાયદાઓ અને વ્યવસ્થા પર કટાક્ષ કર્યો છે. ‘ટેકરીઓ વચ્ચેનું ગામ’ ખ્યાત અભિનેતા અમિતાભના નામના આધારે ઓળખકાર્ડ અને સરકારી તંત્રો દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રોએ વ્યક્તિની વાસ્તવિક ઓળખને પ્રમાણપત્ર આધારિત બનાવી દીધાનો અનુભવ આલેખ્યો છે. અમેરિકા જવા માટે ગ્રામપંચાયતના દાખલાની જરૂરિયાતને કારણે અમિતાભ પોતાના ગામ પલસાણા આવે છે, ત્યાં તેને, તેના પિતાને, પરિવારને આખું ગામ ઓળખે છે, પરંતુ ગ્રામપંચાયતમાં તેનો રેકોર્ડ ન મળતાં તેને ગ્રામપંચાયતમાંથી દાખલો આપવાની ના પાડી દેવામાં આવે છે. જે આપણા વર્તમાન અમાનવીય તંત્રને સંકેતે છે. ‘વિકલ્પ’, ‘કુશળ હશો’, ‘મઝામાં...’, ‘માછલીઘર’, ‘સુરભિનું સ્મિત’, ‘વરસાદના દિવસો’, ‘ગામ જવાનો રસ્તો’, ‘એકાદી ઘટના’, ‘તારી આંખનો કાળો તલ’ નિષ્ફળ પ્રેમસંબંધને આલેખતી વાર્તાઓ છે. આત્મકથનાત્મક શૈલીએ વિકસતી વાર્તા ‘વિકલ્પ’માં નાયકને પ્રેમની સજા રૂપે ગામની શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે, પરંતુ નાયકે પ્રેમ કરવાનું છોડ્યું નથી પરિણામે જ નાયિકા સમક્ષ પોતાની પાસે હજુ વિકલ્પ હોવાનું કહી પોતાના પ્રેમનું દૃઢીકરણ કરાવે છે. આ વિકલ્પ તરીકે નાયક પોતાની સરખામણી સંગીત કાર્યક્રમમાં કરુણરાગ ગાનાર કલાકારના મોઢા પર બેઠેલી નાયિકાને ટગર ટગર જોઈ રહેલ માખી તરીકે કરે છે, જે નાયકપક્ષની કરુણતાને ઘૂંટે છે. ‘કુશળ હશો’ વાર્તા પત્રશૈલીએ લખાયેલી છે. ‘કુશળ હશો’ વાર્તામાં શાળા સમયમાં પાંગરેલા પ્રેમની પરિવારને જાણ થતાં નાયકને મુંબઈ મોકલી દેવામાં આવે છે પરિણામે સરસ્વતીચંદ્ર અને કુમુદની જેમ પીયૂષ અને સરુનો પ્રેમ અપૂર્ણ રહે છે. નાયક નાયિકાએ એકબીજાને લખેલા પત્રોમાં બદલાતા સંબોધનો ક્રમશઃ વિકસતા પ્રેમને આલેખે છે. ‘મઝામાં...’ શાળાજીવનના નિષ્ફળ પ્રેમની સાથે નાયકના મુંબઈ વસવાટ પછી તેનું નગરના સંવેદનહીન વ્યક્તિ તરીકેનું પરિવર્તન આલેખે છે. નાયકના આત્મકથન દ્વારા નગરજીવનની એકલતા, સંવેદનહીનતા અને યાંત્રિકતાનો અનુભવ સ્વસ્થશૈલીએ પ્રગટ થયો છે. તો ‘માછલીઘર’ વાર્તામાં ભૂતકાળના પ્રેમીઓ માછલીઘર પાસે આકસ્મિક મળી જતાં માત્ર ઔપચારિક સંવાદ ‘કેમ છો?’, ‘હા, મજામાં!’, ‘તમે કેમ છો?’ એના સિવાય કશું બોલી શકતાં નથી. જે ભૂતકાળના તીવ્ર પ્રેમને સ્થાને વર્તમાનમાં એ સંબંધમાં આવેલી ઓટને લાક્ષણિક રીતે સંકેતે છે. ‘સુરભિનું સ્મિત’ અમર અને સુરભિના નિષ્ફળ પ્રેમની સાથે નાયકની સ્વાર્થીવૃત્તિની સામે સુરભિની તટસ્થતાને આલેખે છે. અન્યને પરણેલ અમર બાળકના જન્મ સમયે પત્નીનું મૃત્યુ થતાં, પોતાના બાળક માટે સુરભિ સામે લગ્નનો પ્રસ્તાવના મૂકે છે. જવાબમાં સુરભિનો બાળકની જવાબદારી સ્વીકારી લગ્નના પ્રસ્તાવનો ઇન્કાર તેના સ્વાભિમાન અને દૃઢતાને પ્રગટ કરે છે. ‘વરસાદના દિવસો’ વાર્તા ભૂતકાળમાં વરસાદના દિવસોમાં ઈલા સાથે છત્રી નિમિત્તે જોડાઈને દૃઢ થતો પ્રેમ નાયકના વર્તમાન અને ભૂતકાળના સન્નિધિકરણ દ્વારા નિરૂપાયો છે. વર્તમાનમાં છત્રી તો છે પરંતુ ઈલા વગરના વર્તમાનમાં નાયકનો ભૂતકાળના વરસાદના એ દિવસો ખોઈ દેવાનો વસવસો તેની એકલતાને આલેખે છે. એવી જ વાર્તા ‘ગામ જવાનો રસ્તો’ છે. વર્તમાનમાં મુંબઈમાં વસેલા નાયકનું ગામ સાથે જોડાયેલ પ્રેયસી બીના પ્રત્યેનું સંવેદન આલેખન પામ્યું છે. મુંબઈમાં બીનાનું આકસ્મિક મળી જવું પરંતુ ઓળખી ન શકવું, નગરજીવનની સંવેદનહીનતાને પ્રગટ કરે છે. વાર્તાને અંતે પૈસા કમાવવાની હોડમાં સર્જનથી વિમુખ થતો નાયક મહાનગરમાં જીવતા માનવીની સર્જનાત્મકતાની લુપ્તતાનો સંકેત છે. ‘એકાદી ઘટના’માં તુષારની દિનચર્યાનું ઝીણવટભર્યું આલેખન તેના યાંત્રિક જીવનને આલેખે છે. સમગ્ર વાર્તામાં તુષારના ભૂતકાળમાં બનેલી કોઈ આઘાતક ઘટનાનું રહસ્ય ઘુંટાયું છે. ‘તારી આંખનો કાળો તલ’ અપૂર્ણ પ્રેમ સંબંધને પત્રશૈલીએ આલેખતી વાર્તા છે. સીમાની આંખનો કાળો તલ નાયકને તેના પ્રત્યે આકર્ષે છે અને આંખમાં રહેલો આ તલ જ બન્નેના પ્રેમનું માધ્યમ પણ છે. બન્ને વચ્ચે થતા પત્રવ્યવહારમાં બદલાતાં સંબોધનો (તારી આંખનો કાળો તલ!, તારા તલની સીમા!, આપની આંખનો ‘ખટકતો’ તલ!) પ્રેમના વિકાસ અને ઓટને પ્રગટ કરે છે. ‘મા, મને ખીર નથી ભાવતી!’ વાર્તા શ્રીમંત વર્ગના લોકોની સંવેદન જડવૃત્તિ અને દંભનું આલેખન કેન્દ્રમાં છે. દીકરાના જન્મદિન નિમિત્તે અનેક મહેમાનોને નિમંત્રણ આપતી માતાનું પોતાના દીકરાની બર્થડે પાર્ટીમાં દીકરાને ઉછેરનાર, તેને ભાવતી ખીર-પુરી બનાવનાર નોકરાણીના દીકરા સાથે તિરસ્કારભર્યુ વર્તન તેના દંભ અને સંવેદનજડતાને પ્રગટ કરે છે, તો એ જ માતાના દીકરા દ્વારા બાઈના દીકરા સાથે થતું સમભાવી વર્તન બાળકના નિર્મળ મનને આલેખે છે. ‘ઘરની વેરાની’માં શીર્ષકને અનુરૂપ ચ્હેરા પરથી સ્વસ્થ લાગતા માણસના ભીતરની એકલતાનું આલેખન વિધુર પુલિનના પાત્ર દ્વારા થયું છે. સ્ત્રી કથક હોવાને કારણે સમગ્ર વાર્તાનું કથન ભાવવાહી બન્યું છે. ‘સોનચંપાનો છોડ’ બાલમુકુંદ દવેના કાવ્યનું વાર્તા સ્વરૂપ છે. પ્રથમ સંતાન તરીકે પુત્ર પ્રાપ્ત કરનાર સૌભાગ્યશાળી માતાની પુત્ર ગૂમ થતાં ભાવશૂન્ય મનોદશાનું આલેખન વાર્તાના કેન્દ્રમાં છે. ‘સમજદારી’ સંયમિત રીતે વિકાસ પામતી સંગ્રહની સુંદર વાર્તા છે. કૉલેજના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે થતી શારીરિક સતામણીની સાથે શિક્ષક પત્નીનો પોતાના પતિના વિદ્યાર્થીની સાથેના વર્તનની સામેનો પ્રતિકાર વાર્તાની વ્યંજનાને કાયમ રાખે છે. કોઈ પણ કામ પહેલાં પ્રેક્ટિસની જરૂરિયાતને સ્વીકારનાર શિક્ષક પત્ની પતિના વર્તનની મૂક સાક્ષીની સાથે પોતાનો ભાર હળવો કરનાર પણ લાગે છે! ‘રંગબેરંગી માછલીઓ’ વાર્તામાં સ્ટીમરના માધ્યમે દરિયા માર્ગે થતી ગેરકાનૂની હેરફેરમાં સંડોવાઈને ટૂંકો રસ્તો લઈ પૈસા કમાનાર પુત્રની સામે નૈતિક રીતે જેટલું પણ મળે તેમાંથી જીવનનિર્વાહ કરનાર માછીમાર પિતાનું સંવેદન છે. સર્જકે માછીમાર પિતા-પુત્રના પાત્ર દ્વારા બે પેઢી વચ્ચેના વૈચારિક ભેદ અને પૈસા કમાવવાની દોડના કારણે પતનને માર્ગે જતી નવી પેઢીને અસરકારક રીતે આલેખી છે. ‘ગાંડપણ’ વાર્તામાં સ્વાર્થી માતાની સામે દીકરીને નિઃસ્વાર્થ પ્રેમ અને સાથ આપનાર પિતાનું આલેખન છે. તો ‘ગાલીચો’ વાર્તા સુખી-સમૃદ્ધ પરિવારમાંથી ખંડિત થતા પરિવારને કારણે પિતા નવનીતરાયની વેદનાને આલેખે છે. દીકરાઓની અલગ થવાની ઇચ્છાને સ્વીકારી નવનીતરાય ત્રણે દીકરાઓને અલગ કરે છે, વાર્તાનો અંત આઘાતક છે. એક જૂના ગાલીચા માટે ત્રણે દીકરાઓના દાવા બાદ ચિઠ્ઠી દ્વારા મોટાના ભાગમાં ગાલીચો આવતાં, મોટાના બે દીકરાઓની અત્યારથી જ એ ગાલીચાના બે ભાગ કરવાની વાતો નવનીતરાયના આઘાતને બેવડાવે છે!
અશ્વિન દેસાઈની વાર્તાકળા :
અશ્વિન દેસાઈની આરંભિક વાર્તાઓ ગામડેથી નગરમાં ગયેલા સામાન્ય માણસની ઘરની અને નોકરીના સ્થળની રોજબરોજની દિનચર્યાનું સૂક્ષ્મ આલેખન આ આધુનિક બનતા ભારતમાં વસતા માનવીની વાસ્તવિકતાને આલેખે છે. ખાલી થતાં ગામડાંઓ અને શહેરોમાં ઊભરાતી ભીડમાં પોતાની વૈયક્તિતા, સુવિધા માટે સાચા આનંદને ગુમાવતા માનવી અને વર્તમાનની સામે ભૂતકાળનાં ગ્રામ્યજીવનને ઝંખતા માનવીનું આલેખન તેમની વાર્તાનો વિશેષ છે. અશ્વિન દેસાઈની મોટાભાગની વાર્તાઓમાં મધ્યમવર્ગના માનવીનું રોજબરોજનું દૈનિક જીવન, નગરમાં સ્થાળાંતર બાદ ગ્રામ્યજીવનનો ઝુરાપો, સુવિધાઓને સુખ માની બેઠેલ નગરનો માનવી, નગરમાં વર્ષોના વસવાટ પછી પણ પરાયાણાનો અનુભવ, આજની મોંઘવારી અને પરિવારની જવાબદારીમાં પીસાતો માનવી, ગાડી પકડવાની ચિંતા અને ઑફિસનું નિરસ વાતાવરણ, જવાબદારીને કારણે પ્રેમને ન સ્વીકારી શકતા પાત્રની વિવશતા, નગરમાં આવ્યા બાદ હૃદયના સંબંધને ભૂલી જતો માનવી, આર્થિક અસમાનતાને કારણે અધૂરા રહેતા પ્રેમસંબંધો, પ્રેમને ન સમજી શકતો પરિવાર, સંયુક્ત પરિવારોમાંથી વિભક્ત થતાં પરિવારને કારણે જન્મતી વેદના, સંબંધોમાં-પરિવારમાં પ્રેમ અને હૂંફને સ્થાને પ્રવેશેલ વ્યવહારિકતા, ક્ષણભંગુર-સ્વાર્થી પ્રેમ સંબંધો વગેરે વિષયો દ્વારા મહાનગરમાં જીવતા માનવીને પ્રયુક્તિઓની પળોજણમાં પડ્યા વગર સરળ તો ક્યાંક વક્ર આત્મકથનાત્મક શૈલીએ રજૂ કર્યો છે. તો બીજા વાર્તાસંગ્રહ દ્વારા માનવીય ભાવાત્મક વિષયની સાથે વર્તમાન સરકારી તંત્રના કાયદાઓ, વ્યવસ્થાઓ, ગરીબી, વિકાસની વાસ્તવિકતાને નર્મ-મર્મ કટાક્ષની શૈલીએ થયેલું આલેખન તેમને આધુનિકયુગથી આગળ લઈ જાય છે. મોટાભાગની વાર્તાઓ આત્મકથનાત્મક શૈલીએ અથવા તો સાક્ષી કથક દ્વારા કહેવાતી હોવાને કારણે ભાવસઘનતાનો અનુભવ કરાવે છે. કથન કેન્દ્રની દૃષ્ટિએ તેમની વાર્તાઓ વિશેષ છે. મૃત કથક, સાક્ષી કથક, મિત્ર કથક, સહકર્મચારી અથવા પાડોશી દ્વારા થયેલા કથનને કારણે વાર્તામાં તટસ્થતા જળવાઈ રહી છે. વર્તમાન સમયમાં સ્વાર્થી અને ઔપચારિક બનતા જતા સંબંધોની સામે ‘સગપણનાં ફૂલ’ અને ‘ગુલમહોર’ યાદગાર વાર્તા છે. ‘જુદાઈ’, ‘યાદ’, ‘કોઈ ફૂલ તોડે છે’, ‘વિકલ્પ’ નિષ્ફળ પ્રેમસંબંધનું સંયમિત આલેખન કરતી વાર્તાઓ તરીકે નોંધપાત્ર છે. તો કેટલીક વાર્તાઓ ભાવ અને શૈલીની એકવિધતાના કારણે માત્ર પાત્ર બદલાયાં હોવાનો અનુભવ કરાવે છે – (‘કુશળ હશો’ અને ‘તારી આંખનો કાળો તલ’, ‘સોનચંપાનો છોડ’ અને ‘સૂનું આંગણું-સૂના ચોક’, ‘તમે અને આપણી સલોની’ અને ‘ગાંડપણ’) પરંતુ ભાવનું સઘન નિરૂપણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.
સંદર્ભ :
૧. ‘કોઈ ફૂલ તોડે છે’, અશ્વિન દેસાઈ, પ્ર. આ. ૧૯૭૭, આર. આર. શેઠની કંપની, અમદાવાદ
૨. ‘વિખૂટાં પડીને’ અશ્વિન દેસાઈ, પ્ર. આ. ૧૯૮૭, લોકપ્રિય પ્રકાશન, મુંબઈ (૧૯૮૪)
ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય દયાપર કૉલેજ
લખપત, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮