ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રમેશ ર. દવે
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
રમેશ ર. દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં થયો હતો. તેઓ ચુડા તાલુકાના (સુરેન્દ્રનગર) નાગનેશ ગામના વતની છે. તેમની માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમના માતા સણોસરા(ભાવનગર)માં શિક્ષિકા હતાં, આથી તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું. માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના મામા મનુભાઈ પંચોળી ‘દર્શક’ પાસે ‘ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા’ આંબલા ખાતેથી પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં તેમણે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતેથી હિન્દી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને ૧૯૭૨માં આ જ વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉ. ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ’એ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. તેમની અધ્યાપન-કાર્યની યાદી પણ પણ વિવિધતાસભર છે. તેમણે સાવરકુંડલા, ગઢડા (સ્વામિના) અને માલપરાની હાઈસ્કૂલમાં ભણાવ્યું છે. ૧૯૭૨થી ૧૯૭૫ સુધી મ્યુનિસિપાલિટીની શાળઓના સુપરવાઇઝર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી વડિયા કૉલેજમાં ભણાવ્યું. ૧૯૮૧થી ૨૦૦૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્યકોશના અધિકરણ લેખક તરીકે ફરજ બજાવી. અમદાવાદમાં આવ્યા પછી ત્યાંનું સાહિત્યિક વાતાવરણ તેમના માટે ઉપકારક રહ્યું. વળી જયંત કોઠારી અને રઘુવીર ચૌધરીનો સતત સત્સંગ તેમના વિવેચન અને સર્જનને પોષતો રહ્યો. ૧૯૯૭થી પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે ચારેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું છે. ૧૯૯૭થી ૨૦૦૨નાં વર્ષોમાં તેમણે ‘પરબ’ના સંપાદક તરીકે પણ કાર્યનિષ્ઠ ભૂમિકા ભજવી છે. કિશોરવયથી જ વિપુલ વાચન અને કહેવાયેલી કે સાંભળેલી વાતને પોતાની રીતે કહેવાની કે મઠારીને લખવાની મથામણમાં રહેતા આ લેખકને એમાંથી જ વિવેચન સાંપડ્યું. વિવેચનની દૃષ્ટિ એ પ્રવૃત્તિથી કે સ્વભાવમાંથી આવી. તેમનું તર્કશાસ્ત્ર ભારે આકરું. કોઈ પણ વાતને પહેલા તર્કના ત્રાજવે તોલે. તર્કને સાહિત્યિક રમણીયતાની સરાણે ચડાવાની એમની જિદ્દે જ એમને લખતો કર્યો હશે એવું તેઓ માને છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ચાલતી ‘પાક્ષિકી’ નામની વાર્તા પઠનની પ્રવૃત્તિ શરૂ કરનાર રમેશ ર. દવે છે. આ પ્રવૃત્તિ ખાસ કરીને નવોદિત વાર્તાકારોને લાભદાયી નીવડી છે. વાર્તાશિબિરોમાં એમણે અનેક વાર્તાકારોને ટૂંકીવાર્તાની ગુરુચાવી બતાવી છે. વાર્તા માટેની તેમની નિસબતને કારણે જ રઘુવીર ચૌધરી જેવા સાક્ષર તેમને ‘વાર્તાગુરુ’ના નામથી ઓળખે છે. રમેશ ર. દવે હાલ અમદાવાદ ખાતે રહે છે.
સાહિત્યસર્જન :
રમેશ ર. દવેએ નવલકથા, નવલિકા, નિબંધ, વિવેચન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમના પ્રારંભિક લેખનમાં લઘુકથા જોવા મળે છે. ૧૯૬૯ના મે મહિનામાં ‘કુમાર’ સામયિકમાં ‘ગોરે નંદ યશોદા ગોરી’ એ કૃતિ પ્રકાશિત થઈ હતી. કદાચ એ વખતે કોઈ સ્પર્ધામાં એ કૃતિ વિજેતા પણ થઈ હતી. પણ એમની ધ્યાનપાત્ર કૃતિ વાર્તા નહીં, નવલકથા હતી. એમણે ૧૯૮૪માં ‘પૃથિવી’ નામની નવલકથા આપી. એ નવલકથાનું ખાસ્સું વિવેચન પણ થયું. ત્યાર પછી એમનું સાહિત્ય સર્જાતું રહ્યું. જેમાંનું મોટાભાગનું નિબંધ અને કથાસ્વરૂપનું છે. કેટલાક લેખકોની કોઈ એક કૃતિ એટલી પ્રચલિત બની જતી હોય છે કે એ લેખક એ કૃતિના નામથી જ ઓળખાય છે. રમેશ ર. દવે સાથે પણ એવું બન્યું છે. તેમની ‘શબવત્’ નામની ટૂંકીવાર્તા એટલી હદે પ્રચલિત થઈ ગઈ કે રમેશ ર. દવેની ઓળખ બની ગઈ. તેમનો પહેલો વાર્તાસંગ્રહ પણ ‘શબવત્’ નામે આવ્યો. તેમણે ‘પૃથિવી’ (૧૯૮૪), ‘સમજપૂર્વક’ (૧૯૮૯), ‘સથવારો’ (૧૯૯૦), ‘કોશિશ’ (૧૯૯૫), ‘સંશય’ (૨૦૦૪) નામની પાંચ નવલકથાઓ લખી છે. તો ‘શબવત્’ (૧૯૯૫), ‘જલાવરણ’ (૨૦૦૧), ‘તથાસ્તુ’ (૨૦૦૮), ‘ગોધૂલિવેળા’ (૨૦૧૧), ‘ખંડિયેર’ (૨૦૧૪) નામના પાંચ વાર્તાસંગ્રહો આપ્યો છે. તેમણે ‘અને જળમાં લખવાં નામ’ (૧૯૯૮), ‘માનસી હે પ્રિય!’ (૧૯૯૯) નામના બે નિબંધસંગ્રહ પણ આપ્યા છે. વિવેચનક્ષેત્રે તેમણે ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ, ખંડ ૧, ૨, ૩’ (૧૯૮૫, ૧૯૮૫, ૧૯૮૮) અને ‘નવલકથાકાર દર્શક’ (૧૯૮૯) નામના બે ગ્રંથો આપ્યા છે. મલિક મોહમદ જાયસીના કાવ્યોના અનુવાદનું પુસ્તક ‘જાયસી’ (૧૯૯૬)માં આપ્યું છે, તેમણે સંપાદનક્ષેત્રે વિપુલ કામ કર્યું છે. એની સૂચિ પણ ઘણી લાંબી છે. ‘દર્શક અધ્યયન ગ્રંથ’ (૧૯૮૪), ‘સગાઈ પેટલીકર – શબ્દ અને કાર્ય’ (અન્ય સાથે ૧૯૮૫), ‘જલભેરુ જયંતિ દલાલ’ (અન્ય સાથે (૧૯૮૫), ‘જયંતિ દલાલ અધ્યયન ગ્રંથ’ (૧૯૮૬), ‘અધિત - નવ’ અન્ય સાથે ૧૯૮૬), ‘કોડિયું – ઝેર તો પીધાં જાણી જાણી વિશેષાંક’ (૧૯૮૭), ‘ગુજરાતી ટૂકીવાર્તા કોશ’ (અન્ય સાથે ૧૯૯૦), ‘ગુજરાતી કવિતાચયન’ (૧૯૯૨થી ૯૫), ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ - ૨’ (અન્ય સાથે, ૧૯૯૦), ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’ (૧૯૯૫), ‘પન્નાલાલનું પ્રદાન’ (અન્ય સાથે ૧૯૯૫), ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ - ૩’ (અન્ય સાથે, ૧૯૯૬), ‘ગુજરાતી ગ્રામચેતનાની નવલિકાઓ’ (અન્ય સાથે, ૧૯૯૮), ‘ગુજરાતી લલિત નિબંધ’ (અન્ય સાથે, ૧૯૯૮), ‘૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૦), ‘ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો’ (અન્ય સાથે, ૨૦૦૩), ‘ચૂંટેલી વાર્તાઓ જયંતિ દલાલ’ (૨૦૦૪), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૫’ (૨૦૦૫), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૬’ (૨૦૦૬), ‘પરબસૂચિ’ (અન્ય સાથે, ૨૦૦૭). રમેશ ર દવેની નોંધનીય હકીકત એ પણ છે કે તેમની મોટાભાગની શક્તિ તેમણે સંપાદનોને આપી છે. તેમની સર્જકતા કદાચ એ થકી જ અટકી ગઈ છે. ૨૦૧૪ પછી એમણે એક જ પુસ્તક આપ્યું છે. રમેશ ર. દવેનાં પુસ્તકો ‘સમજપૂર્વક’ (૧૯૮૯), ‘શબવત્’ (૧૯૯૫), ‘જળમાં લખવાં નામ’ (૧૯૯૭), અને ‘માનસી હે પ્રિયે!’ (૧૯૯૯)ને ગુજરાત સાહિત્ય અકાદમીનાં ઇનામો પ્રાપ્ત થયાં છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
ભારતની આઝાદીના વર્ષમાં જન્મેલા રમેશ ર. દવેના લેખનકાર્યના આરંભકાળમાં ગુજરાતી ટૂંકીવાર્તા સુરેશ જોષીના વાવડામાં આમતેમ ઝોલાં ખાતી હતી. એમ કહી શકાય કે ૧૯૬૦થી ૧૯૭૫ના પંદર વર્ષ દરમિયાન ટૂંકીવાર્તાનો જીવ ખોળિયામાં ડચકાં ભરતો રહ્યો હતો. એવા સમયે અમુક એવા વાર્તાકારો આવ્યા જેમણે અનુઆધુનિકકાળનો પાયો નાખ્યો અને વાર્તાને કલાકીય સ્વરૂપમાં ફરી પાટે ચડાવી. એ વાર્તાકારોમાં પ્રામાણિક પ્રયત્નો કરનારા એક રમેશ ર. દવે પણ હતા. ૧૯૮૦ પછી સુરેશ જોષીના વિચારનાં વળતાં પાણી થયાં પછી ખરેખરનો ‘વાર્તાનો જમાનો’ આવ્યો. એ ગાળાના રમેશ ર. દવે ખાસ નોંધપાત્ર વાર્તાકાર ગણી શકાય. એમની વાર્તાઓમાં ગ્રામચેતના, નગરચેતના, નારીચેતના તો ક્યારેક દલિતચેતના પણ એમના અનુભવવિશ્વની બલિષ્ટતાનો નિર્દેશ કરે છે. એટલે રમેશ ર. દવે સ્પષ્ટ રીતે અનુઆધુનિક સમયના વાર્તાકાર છે.
ટૂંકીવાર્તા વિશે રમેશ ર. દવેની સમજ :
રમેશ ર. દવેના પહેલા વાર્તાસંગ્રહ ‘શબવત્’ના નિવેદનમાં તેઓ કહે છે, ‘સુરેશ જોષીએ ટૂંકીવાર્તાના સ્વરૂપ અંગે જે કહ્યું-કર્યું તે એમને મુબારક, પરંતુ પ્રતીતિકારક ઘટના-પ્રસંગ અને ઊડીને આંખે વળગે અથવા કહો કે, એકલા બેઠા અમસ્તાં યાદ આવ્યા કરે એવાં ચરિત્રો એ વાર્તાની, કરોડરજ્જુ સમી અનિવાર્ય સામગ્રી છે. આ સામગ્રી જો નકરી, નરવી અને ટકોરાબંધ હશે તો ભાષા અને શૈલી પણ તેને અનુરૂપ સમર્થ અને સ-રસ જડી આવશે જ.’ રમેશ ર. દવેનું વાર્તા અંગેનું આ સ્પષ્ટ નિવેદન તેમની વાર્તા વિભાવના પ્રગટ કરે છે. ‘પાત્રો મારી જીવનમૂડી છે’ એવું કહેનાર આ વાર્તાકાર ગુજરાતના લોકજીવનમાં ચુસ્ત ગોઠવાયેલા સમાજજીવનથી બરોબર પરિચિત હતા. એટલે જ તેમની વાર્તાઓની પાત્રસૃષ્ટિ નિરાળી છે. જેટલું વિષય વૈવિધ્ય છે એટલાં જ પાત્રો પણ નોખાં છે. એ પાત્રોની આર્થિક, સામાજિક, ધાર્મિક, તેમજ સાંસ્કૃતિક ચેતના પણ જુદી જુદી છે. રમેશ ર. દવેની વાર્તા ગુજરાતના સમાજજીવન અને ભૂમિને વફાદાર રહી છે. તેમનાં પાત્રોમાં ખેડૂત, ખેતમજૂર, કાછિયા, શેરડીના સંચાવાળા, ઑફિસર, સરકારી કર્મચારી, અધ્યાપક, ડૉક્ટર, મુખ્યમંત્રીથી મજૂર સુધીના આવે છે. એમનાં આ પાત્રો વાર્તાઓમાં વય, વ્યવસાય, જીવનની સમજ અને લક્ષણોથી પ્રગટ થયાં છે. એમની વાર્તા વિશેની સમજ ‘વાર્તા કેવી હોય એનાં કરતાં લખાયેલી એ વાર્તા છે કે નહીં’ એ વિશે પાકી હતી.
રમેશ ર. દવેના વાર્તાસંગ્રહોનો પરિચય :
રમેશ ર. દવેના ૧૯૯૫થી ૨૦૧૪ દરમિયાન પાંચ વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એ સંગ્રહોમાં કુલ ૮૧ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. એમની અગ્રંથસ્થ ૨૪ વાર્તાઓ થઈને તેમણે કુલ ૧૦૫ વાર્તાઓ લખી છે. આ વાર્તાકાર વાર્તાના સ્વરૂપ માટે ચોક્કસ છે. તેમની પાસે પાત્રોની વિશિષ્ટ મનઃસ્થિતિ કે મનોસંચલનો અને પાત્રની લાગણીસહિત ભાવજગતમાં સંતાયેલી સંકુલતાઓ સુધી પહોંચવાની ઊંડી સૂક્ષ્મ દૃષ્ટિ છે. જગત ઉપરના માનવજીવનમાં એટલી બધી વિવિધતા છે કે દરેક મનુષ્યના જગતને જોવાની, સમજવાની, તેના મનમાં અનેક જાતનાં આશ્ચર્યો છે. મનુષ્યની લાગણીઓના વિવિધ રૂપો છે. એમને જાત જાતની ઇચ્છાઓ છે. બે મનુષ્ય એક સરખા લાગતા હોવા છતાં એકસરખા નથી. એમાં બારીક જુદાપણું છે. આ લેખક એ જુદાપણું શોધી કાઢે છે. તે પછી વાર્તાની મૂળ શરતોના દાયરામાં રહીને તેનું નિરૂપણ કરે છે. રમેશ ર. દવેને પરંપરાગત જીવનરીતિમાં અલગ તત્ત્વ શોધવાની મથામણ છે. એટલે એમની વાર્તાઓના વિષયો સામાન્ય માણસ વિચારી ન શકે તેવા છે. ‘શબવત્’, ‘મગનલાલ’, ‘નામે ચંદુલાલ બિચારા’, ‘મોક્ષ’, ‘અંદર-બહાર’, ‘હા રસ્તો એક જ છે’ વગેરે વાર્તાઓ જનસામાન્યના ખ્યાલથી વિપરીત છે, અરૂઢ છે. આ વાર્તાઓનાં પાત્રોની વિરલ મનઃસ્થિતિનું કલાત્મક આલેખન જે તે વખતે ખાસ્સી ચર્ચા જગાવેલી. ‘શબવત્’માં પોતાના પ્રમોશન માટે બોસ પાસે પોતાની સુંદર પત્નીને મોકલતા ક્લાર્કની માનસિકતા તો ઠીક, પણ એની સ્ત્રી બોસ પાસે જતાં પહેલાં વિચારે છે કે મારે મડું થઈને પડી રહેવું. એકાદ બે કલાક સહન કરી લઈશ. પણ બને છે ઊલટું. પોતાના ધણીનો બોસ અત્યંત શાલીન પુરુષ નીકળે. એ સ્ત્રીએ અત્યાર સુધી ન અનુભવેલું સુખ આપે છે અને ત્યારે જ એ સ્ત્રીને પોતાના પતિ સાથેના જંગલિયતભર્યા સહશયનની ઘડીઓ યાદ આવે છે. અહીં જે સ્ત્રી પરપુરુષ સાથે મડું થઈને પડી રહેવાનું વિચારે છે એ જ સ્ત્રી પોતાના પતિ પાસે મડું થઈને પડી રહે છે. એ ભાવ વિપર્યાસ વાર્તા સંવિધાનનું જ એક ઘટક છે. આ માટે નાયિકાનો પતિ સાથેનો ત્રાસદાયક જાતીય સંબંધ અને બોસ સાથેના રુચિકર સંબંધનો વિરોધ સંભાળપૂર્વક શબ્દબદ્ધ થયો છે. અશ્લીલતાને જરાય સ્પર્શ કર્યા વિના એક વિશિષ્ટ સંવેદન અને સંબંધનો સંકેત કરતી આ વાર્તા આપીને લેખકે ચીલો ચાતરવાનો પડકાર સુપેરે ઝીલ્યો છે. ગુજરાતી વાર્તામાં કોઈ લેખકે આવી હિંમત બતાવી નથી. (જોકે કદાચ આ પ્રકારની કોઈ રશિયન ફિલ્મ પણ છે) ‘નોખુંખોરડું’, ‘સગપણ’, ‘કરારભંગ’, ‘ગામ તો છે’, ‘મગનું નામ મરી’ જેવી વાર્તાઓમાં ગ્રામ્યજીવનની સમસ્યાઓ અને સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતા ઝિલાઈ છે. અહીંયાં ગ્રામીણ પરિવેશની સાથે પાત્રોના વ્યક્તિગત જીવનની, સ્વભાવમાં રહેલી વૃત્તિઓની કોઈ ને કોઈ સંવેદનાઓ આલેખાઈ છે. નાજુક ક્ષણ કે ભાવસ્થિતિઓને આલેખતી વાર્તાઓમાં ‘જલાવરણ’, ‘અવઢવ’, ‘નિર્જન પગદંડીઓ’, ‘લંબાયેલો હાથ’, ‘આસમાની’, ‘ત્યાં જ ઊભી છું’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘પ્લીઝ સર મને સમજો’ અને ‘દીકરીનો વિવા’ જેવી વાર્તાઓ સમાજની વાસ્તવિકતા બતાવે છે. કોઈ કારણસર ન કરવાનું કરી બેસતા અને અપરાધભાવ અનુભવતાં પાત્રો ‘ને સામે છે મારું મન’. ‘માણસનું મન’ જેવી વાર્તાઓમાં અત્યંત રસાળ બનીને આવ્યાં છે. ‘ગઢ-ઉંબર’ વાર્તાની અપરણિત નાયિકા બોસના ઉપકાર તળે દબાઈને બોસને વશ તો થાય છે, પણ એનો અપરાધભાવ તીવ્રતાથી નાયિકાના મન ઉપર છવાયેલો રહે છે. જે કર્યું જ નથી એવા ગુનાના અપરાધભાવથી પીડાતો ‘આજે કંઈ નહીં થાય’ના નાયકના મનના તળિયે પડેલી વૃત્તિઓ ઉજાગર થઈ છે. માનવમનની સંકુલતાના ઊંડાણોમાં દટાયેલી જાતજાતની વૃત્તિઓ તરફ અજાણપણે કે ઇચ્છાથી દોરવાતાં પાત્રોના ભાવજગતનું આલેખન કરવામાં રમેશ ર. દવે કાબેલિયત ધરાવે છે. જગતની ઉભરાતી ભીડમાં કોઈ એવું પાત્ર જડી આવે જેના મનમાં વાર્તાની તક પડી હોય એવાં પાત્રોને ખોળી કાઢવાનો કસબ આ વાર્તાકારને હસ્તગત છે. અલબત્ત દરેક વખતે વાર્તા બની શકી હોય એવું બન્યું પણ નથી. અરૂઢ વિષયવસ્તુ દરેક વખતે સંતપર્ક વાર્તા આપી શકતું નથી, તે છતાં લેખકે પ્રયત્નો કરેલા છે. આ લેખકની મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી બળુકી સાબિત થઈ છે, કેન્દ્રમાં રહી છે. વાર્તાઓમાં સ્ત્રીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વાર્તા ગ્રામીણ હોય કે શહેરી, વાર્તાનાં સ્ત્રીપાત્રો ઘટનાનાં ચાલકબળ બન્યાં છે. ‘સગપણ’ વાર્તામાં ભર્યાસંસારની માલિકણ એવી કાશી પોતાની પાછળ પાગલ બનેલા પ્રેમીને સાચવે છે. આ પાત્ર અદ્ભુત ઊપસ્યું છે, પ્રભાવક બન્યું છે. ત્યારે ‘હેં દેવાયત ભા, તમે શું કરશો?’ની યુવાન સામાજિક કાર્યકર સીમા દારૂની ભઠ્ઠીઓના સૂત્રધાર અને માથાભારે દેવાયતભાને પડકારે છે. સીમા આ વાર્તા દ્વારા સ્ત્રીઓની સાંપ્રત પ્રતિનિધિ બનીને ઊભરે છે. ‘તો ગામ તો છે’ની ખેડૂતસ્ત્રી મોંઘી દલિત યુવતી લીલી માટે ગામના પંચની સામે થાય છે. ‘મા-શી’ની નાયિકા અન્નપૂર્ણા પોતાના જેવી જ પરિસ્થિતિમાં મુકાયેલી પાડોશી સ્ત્રી દીપ્તિને લઈને ઘર શહેર છોડીને ચાલી જાય છે. ‘આસમાની’ વાર્તામાં વૃદ્ધ પ્રિયતમાની અંતિમ ઇચ્છા પૂરી કરવા એમને મળવા જતી વેળા પત્ની કૌશલ્યા પતિને નિશાનીરૂપે પહેરવાનું આસમાની શર્ટ ભેટ આપે છે. આ બધી જ સ્ત્રીઓ એકબીજાની પ્રતિકૃતિ બની રહેવાને બદલે અલગ અલગ વ્યક્તિત્વ ધારણ કરે છે.
એક જ વિષયને જુદી જુદી રીતે વાર્તામાં કેવી રીતે આલેખી શકાય તે જોઈએ. ‘ખંડિયર’, ‘ના, પાછી નહીં ફરું’ને વાંચતાં બંનેનું કથાનક એકસરખું જ લાગે છે. બંને વાર્તાની નાયિકા સુંદર અને વિચારશીલ છે. સમાજ માટે ઉપયોગી કામ કરે છે અને બન્ને ગેંગરેપનો ભોગ બને છે. ભોગ બનેલી બન્ને સ્ત્રીને પોતાના પરિવાર તરફથી કોઈ જ સધિયારો નથી. આખરે બેય સ્ત્રીઓ ઘર છોડવા મજબૂર બને છે. બેય વાર્તાના કથાવસ્તુમાં આટલી સમાનતા હોવા છતાં બંને વાર્તામાં વાર્તાકારનું લક્ષ્ય કંઈક જુદું જ છે. લેખકે બને સ્ત્રીઓના ઘર છોડી દીધા પછી વાર્તાઓને જુદા જ બિંદુ પર અટકાવી છે. આ લેખકની કમાલ છે. ‘ખંડિયેર’ની પરણીત મેઘનાને કોઈ આશા દેખાતી નથી જ્યારે ‘ના પાછી નહીં ફરું’ વાર્તાની આરતીને એવો વિચાર આવે છે કે મારા ગર્ભમાં રહેલા બાળકનો આમાં શું વાંક? આરતી કુંવારી મા બનવાનું વિચારીને જીવે છે. એ બાળકને જન્મ આપી કદી પોતાના ઘરે પાછી નહીં ફરે એવો નિશ્ચય કરે છે. જ્યારે મેઘના આજીવન પોતાની વ્યથાનો ભાર લઈને જીવે છે. ‘એંઠું ધાન’ જેના ઉપર બળાત્કાર થયેલો છે એવી શિક્ષિકા સમાજ સામે ઝઝૂમતી દેખાય છે. સમાજના તિરસ્કારભર્યા વ્યવહાર સામે ઝઝૂમતી, બળાત્કાર પામેલી શિક્ષિકાની વ્યથા ઉજાગર કરે છે. એટલે એકસરખા કથાવસ્તુને જુદા જુદા આયામો દ્વારા પણ રજૂ કરી શકાય, એકસરખા વિષયવસ્તુને કેવી અલગ અલગ રીતે લખી શકાય, તેનાં કેવાં કેવાં પરિણામો હોઈ શકે તે અવલોકવાની દૃષ્ટિ આ વાર્તાકાર પાસે છે. રમેશ ર. દવેની કેટલીક વાર્તાઓનાં પાત્રો આ મૃતલોક કહેવાતા જગતમાં જડવાં મુશ્કેલ છે. આટલા સારા અને ઉદાર માણસો હોઈ શકે ખરા? એવો પ્રશ્ન પણ થાય. આવાં ઉદાત્ત પાત્રો આ લેખકની વિશિષ્ટતા છે. ‘તથાસ્તુ’નો ચંદ્રહાસ પરણીત છે. તેની પત્ની નચિકેત નામના પુરુષને ચાહે છે. પણ કોઈ ભારતીય પુરુષ ભાગ્યે જ કરે એવો સ્વીકાર ચંદ્રહાસ કરે છે. તે પત્નીના સંબંધને સ્વીકારે છે એટલું જ નહીં, નચિકેતની પત્ની સુનિતાને વેરની આગમાંથી મુક્ત કરે છે. એને સ્વસ્થ જીવનના પાઠ શીખવે છે. જોકે આવી વાર્તાઓ લખવી સહેલી છે, પણ વાર્તાને તર્કની દલીલે સાચી સાબિત કરવી મુશ્કેલ છે. ‘સ્ટેચ્યુ’ના નાયક જસ્ટિસ ચિત્તપાવનની પ્રેમિકાએ એમને સ્ટેચ્યુ બનાવી દીધેલા છે. ચિત્તપાવન એને પ્રેમાજ્ઞા સમજીને સ્વીકારીને આનંદપૂર્વક જીવન વિતાવે છે. એવું જ ‘આસમાની’માં છે. એક ભારતીય સ્ત્રી પોતાના રોષને દબાવી કે મારીને, કોઈ જ ધિક્કારની લાગણી લાવ્યા વગર પતિની પ્રેમિકાને સ્વીકારી લે છે. એ વિચારે છે એમ કરવાથી પતિની પ્રેમિકાનું મોત સુધરી જશે. આવું આપણા સમાજમાં બનતું હોતું નથી. પણ રમેશ ર. દવેની વાર્તામાં બને છે. આવાં પાત્રો સંજોગોથી વિરુદ્ધનું જીવન આનંદથી, કોઈ જાતનો રંજ રાખ્યા વગર જીવે છે. જોકે કોઈને એવો પ્રશ્ન થાય પણ ખરો કે પોતાના મનને સમજાવી લેવું એટલું સહેલું છે ખરું? તેમાંય જ્યારે મુદ્દો પતિ-પત્નીનો હોય ત્યારે આવાં પાત્રો સમાજજીવનની વાસ્તવિકતા સામે પડકાર ઊભો કરે છે. છતાં માણસનું મન અતિ જટિલ છે. એ જટિલતામાં આવા ભાવ પણ હોઈ શકે છે. લેખકે એવા ભાવ પકડીને વાર્તાઓ રચી છે. ભલે અસ્વાભાવિક લાગે છતાં લેખકની વાર્તામાં એ પાત્રો સાચાં લાગે છે. અપ્રતીતિકર લાગતાં નથી. જેમ આ લેખકની પાત્રસૃષ્ટિ નિરાળી છે, કથાવસ્તુ નિરાળાં છે, તેમ વાર્તાઓમાં પ્રયોજાયેલી ભાષા અને વર્ણનો પણ અનોખાં છે. આ બાબત લેખકની ભાષાસજ્જતાનો પુરાવો છે. તેમનું આ ભાષા સામર્થ્ય તેમને સવ્યસાચી વાર્તાકાર કહેવા પ્રેરે છે. તળ ભાષા બોલતાં પાત્રોની માનસિકતા, આક્રોશ, મિજાજ સમગ્ર પરિવેશને પ્રભાવિત કરે છે. તળભાષામાં લખાયેલી આ લેખકની વાર્તાઓ વાર્તાકારના તળ સાથે મૂળિયાં જોડાયેલાં છે એવું નિર્દેશ કરે છે. વાર્તાઓમાં તત્સમ્, તદ્ભવ અને દેશ્ય શબ્દોની સાથે ઉક્તિઓ, રૂઢિપ્રયોગો, કહેવતો પાત્રના સ્વતંત્ર મિજાજનાં દર્શન કરાવે છે. આ લેખક ગ્રામીણ પરિવેશમાં પાત્રોની રોજબરોજની ભાષામાંથી સર્જનઘટક શોધી લે છે. તેના ઉપયોગ વડે વાર્તાનાં પાત્રોને એક ચોક્કસ આયામ આપે છે. ‘નોખું ખોરડું’ વાર્તા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો અમુક પાત્રોની લાક્ષણિકતાઓ તેમના સંવાદોમાં છે. ‘ગામ તો છે’ વાર્તાની મોંઘીની આ ભાષા જુઓ – ‘આ લીલકી ને એના બાપા ટીટાભાયને ગામ કાઢી મૂકશે તો હું ઈમના હારું અમારી વાડી ખોયડું સણાવીશ ને કોય કડિયા સણવા નૈં આવે કો અમીં શાર જણાં હબાહબ ખોયડું સણી નાખ્શું. પશી ગામની દેન હોય તો ગામ કરે અમારો દેતવા બંધ.’ દલિતના પક્ષે ઊભી રહેતી મોંઘીને કયા ગાંધીએ આવું શીખવ્યું હશે? આવાં પાત્રો ગામે ગામ પડ્યાં હોય છે.
‘કશીક નવી વાત, કશીક નવી રીતે ન કહેવાની હોય, ન કહી શકવાની હોય તો વાર્તા લખવી શા માટે?’ રમેશ ર. દવેએ ક્યાંક આવું કહ્યું છે. માટે જ તેમની વાર્તાઓ રચનારીતિની વિવિધ પ્રયુક્તિઓમાં વિહરે છે. તેઓ કોઈ એક રચનારીતિમાં બંધાઈ રહેતા નથી. તેમણે કથનકેન્દ્રસંબંધી વિવિધ પ્રયોગો પણ કરેલા છે. તેમણે પરંપરાગત કથનપદ્ધતિ ઉપરાંત વાર્તા નિરૂપણ પદ્ધતિઓના અવળા-સવળા પ્રયોગો દ્વારા અલગ જ કથનકેન્દ્ર ઉપસાવવાનો પ્રયત્ન કરેલો છે. ‘કલ્પવૃક્ષની કુંપળ’ વાર્તામાં ફેન્ટસીનો પ્રયોગ ધારદાર નીવડ્યો નથી. કોઈ એક જ ઘટનાને વાર્તાનાં જુદાં જુદાં પાત્રો વડે કહેવી તે એક રસ પમાડે તેવી પ્રયુક્તિ છે. ‘ખંડિયેર’માં આ પ્રયોગ થયેલો છે. અપહરણ અને ગેંગરેપનો ભોગ બનેલી નાયિકાની કહાની નાયિકાની દીકરી, નાયિકાનો પતિ, સાસુ, કામવાળી અને છેલ્લે રાધિકા એમ જુદાં જુદાં પાત્રોના જુદાં જુદાં કથનકેન્દ્રથી વાર્તા કહેવાય છે. એવું જ ‘હા, રસ્તો એક જ છે’માં છે. આ વાર્તા પણ જુદાં જુદાં ચાર કથનકેન્દ્રોથી કહેવાય છે. જોકે લેખક માને છે કે એમ કરવાથી પ્રથમ પુરુષ એકવચનની એકવિધતાથી બચી શકાય છે. પણ સામાન્ય રીતે વાર્તામાં જ્યારે ખંડ પડે છે ત્યારે વાર્તાની ગતિ તૂટે છે, વાચકને નવા આયામ માટે તૈયાર થવું પડે છે. લેખક માટે એ સહજ હોઈ શકે છે પણ વાચકનો વાર્તા રસભંગ થાય છે. રમેશ ર. દવેની વાર્તાઓમાં પ્રયોગશીલતા પણ ધ્યાન ખેંચે છે. અભિધાથી વ્યંજના તરફ ગતિ કરતી તેમની વાર્તાઓ જોતાં આવું જોવા મળે છે. ‘મગનલાલ’ નામની વાર્તામાં એક સામાન્ય માણસ મગનલાલ અને રાજ્યના મુખ્યમંત્રી એમ બે વિરોધી બિંદુઓને એક જગ્યાએ એકઠા કરીને વિસ્તાર્યા છે. આ લેખકનો કલાપ્રપંચ જરા વિશિષ્ટ છે. અહીં લેખકનો સર્જકકર્મ વિશેષ ફલિત થતો જોવા મળે છે. ‘નોખું ખોરડુ’ વાર્તામાં પરસ્પર આકર્ષાયેલાં એક આધેડ વયની સ્ત્રી અને એના પુત્રની ઉંમરના દિયરના ઉન્મત રાગાવેશનું સન્નિધિકરણ વાર્તાને જુદી દિશામાં જાય છે. આધેડ ઉંમરની સ્ત્રી જ્યારે યુવાન દિયર સાથે જોડાય છે ત્યારે તેનું માતૃત્વ જાગી ઊઠે છે. આ બાબતથી વાચકના મનમાં પાત્રો તરફ કોઈ રોષ જાગતો નથી. પણ વિશિષ્ટ પાત્રને માણ્યાનો એહસાસ થાય છે. ‘અંદર-બહાર’ વાર્તાનાં બે કેન્દ્રસ્થ પાત્રો પુત્રી અને પિતા જ છે. પિતાની સમજ, પુત્રીના સ્નેહની સામે અન્યની જડતા – આવા વિરોધાભાસમાંથી કારુણ્ય ઉત્પન થાય છે. આ કારુણ્ય અત્યંત આસ્વાદ્ય છે. આ વાર્તાની કરુણવક્રતાને લેખકે જે રીતે નિષ્પક્ષ બનીને આલેખી છે તેમાંથી જ વાર્તાના કલાઅંશો પ્રગટ્યા છે. વૈશ્વિક અખિલાઈનો અનુભવ આ વાર્તામાંથી મળી રહે છે. જોકે, ‘બીલીપત્ર’, ‘મોટીબા, તમે તો ભાગ્યશાળી’, ‘બપોરની ટપાલના બે પત્રો’, ‘તેજપાલ ઍન્ડ તેજપાલ’, ‘નાળછેદ’, ‘માનસી હે પ્રિય!’ જેવી નબળી વાર્તાઓ પણ આ લેખકના સંગ્રહોમાં છે. સમગ્રતયા રમેશ ર. દવે અનુઆધુનિક યુગના એક મહત્ત્વના વાર્તાકાર છે એવું તેમના સંગ્રહોની વાર્તાઓમાંથી પસાર થતાં અનુભવાય છે. રમેશ ર. દવેની પાત્રસૃષ્ટિ, પાત્રો મુજબનો પરિવેશ, ગ્રામીણ પાત્રોની તળભાષા, સમાજના વિવિધ સ્તરોમાંથી આવતા લોકો, એમના વ્યવસાયો, વ્યવસાય મુજબની ભાષા, માનવમનના તળિયે પડેલી અધૂરપો, ઇચ્છાઓ, બુરાઈઓ, અચ્છાઈઓ અને એક ચોક્કસ વિતરાગ તેમની વાર્તાઓનાં પાત્રો દ્વારા વ્યક્ત થયો છે. ભાષાસજ્જતા બાબતે આ લેખક ચોક્કસ છે. કથનકેન્દ્રો એક જ શા માટે એવો એમને થતો પ્રશ્ન એમને જુદા જુદા કથનકેન્દ્રના પ્રયોગો તરફ દોરી જાય છે.
રમેશ ર. દવેના વિવેચકો :
ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સંપાદક ડૉ. રમેશ ર. દવે નવલકથા અને વાર્તાના સ્વરૂપના ઊંડા અભ્યાસી છે. ઉત્તર – આધુનિક તબક્કામાં વાર્તાના વિષયવસ્તુનો વ્યાપ વધ્યો, એમાં રમેશ ર. દવેનો નોંધપાત્ર ફાળો છે. ગ્રામજીવનનાં પાત્રોની એમની માવજત નોખી છે. સ્ત્રી-પુરુષ સંબંધની વિષય-અવસ્થાઓનું નિરૂપણ એમની વાર્તાઓમાં સૂક્ષ્મતાથી થયું છે. પ્રશિષ્ટ ભાષા અને બોલચાલની ભાષા પર એમનો કાબૂ ધ્યાન ખેંચતો રહ્યો છે.
– રઘુવીર ચૌધરી
માનવમનની ગલીકૂંચીનું અવગાહન કરી ‘માણસ’ નામની જણસની ઓળખ પામવાનો લેખકનો આશય અને પ્રયત્ન અહીં પણ છે. બોલી યોજવા તરફ લેખકનું વલણ ઢળતું રહે છે પણ તેમને નાગર ભાષા કે માહોલ આલેખવામાંયે મુશ્કેલી નથી.
– હરિકૃષ્ણ પાઠક (જલાવરણની પ્રસ્તાવનામાંથી)
‘પાત્રો મારી જીવનમૂડી છે.’ એમ કહેતા આ વાર્તાકારની પાત્રસૃષ્ટિ ભાતીગળ છે. તેમની વાર્તાઓમાં જેટલું વિષય-વસ્તુનું વૈવિધ્ય વરતાય છે તેટલું જ વૈવિધ્ય છે પાત્રસૃષ્ટિનું. અહીં વય, વ્યવસાય, જીવનવલણો અને સ્વભાવ-પ્રકૃતિનું વૈવિધ્ય તો છે જ પણ એમની આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતના પણ નિરનિરાળી છે. આ વાર્તાકાર કોઈ એક જ રચનારીતિમાં બંધાઈ જાય તેવા નથી. વિવિધ રચનાપ્રયુક્તિઓ પ્રયોજે છે. પત્ર, ડાયરીલેખન, સંવાદો તેમની અનેક વાર્તાઓમાં કથનગત માધ્યમ – ઉપકરણ બનીને આવે છે. કશીક નવી વાત, કશીક નવી રીતે ન કહેવાની હોય, ન કહી શકવાની હોય તો વાર્તા લખવી શા માટે? – એવું માનતા આ વાર્તાકાર રચનારીતિમાં અનેક પ્રયોગો કરે છે.
– પારુલ કે. દેસાઈ (રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓમાંથી)
મોટાભાગની વાર્તાઓ સંવાદપ્રધાન છે. પાત્રો સતત ચર્ચાઓ જ કર્યા કરે છે. લેખકના મનોરાજ્યમાંથી ધાણીફૂટ સંવાદો ફૂટ્યા જ કરે છે તેથી એમ કહેવાનું મન થાય કે ‘ભાઈ નાટક લખો, સફળ થશો’
– બિપિન પટેલ (‘તસ્થાસ્તુની પ્રસ્તાવનામાંથી)
સંદર્ભ :
૧. રમેશ ર. દવેના પાંચ વાર્તા સંગ્રહો – ‘શબવત્’, ‘જલાવરણ’, ‘તથાસ્તુ’, ‘ખંડિયેર’, ‘ગોધૂલિવેળા’.
૨. ‘રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ’, સંપાદકો પારુલ કંદર્પ દેસાઈ, કંદર્પ કે. દેસાઈ
૩. ‘તથાસ્તુ’, ‘શબવત્’ અને ‘જલાવરણ’ની પ્રસ્તાવનાઓ
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭.