ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મોહન પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોહન પરમાર વાર્તાકાર તરીકે

અજય રાવલ

Mohan Parmar 2.jpg

મોહન પરમારનો જન્મ ૧૫-૩-૧૯૪૮ વતન ભાસરિયા જિલ્લો મહેસાણા ખાતે થયો હતો. તેઓ એમ.એ., પીએચ.ડી. થયા છે તેમણે ‘સુરેશ જોષી પછીની વાર્તાનાં વિશેષ પરિમાણો’ વિષય પર શોધકાર્ય કર્યું છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વહીવટી અધિકારી તરીકે વ્યવસાય કરતા હતા, હાલ સેવાનિવૃત્ત. મોહન પરમાર ગુજરાતી સાહિત્યના ખ્યાતસર્જક, વિવેચક અને સંપાદક છે. ગુજરાતી કથાસાહિત્યમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. આ ઉપરાંત, કથાસાહિત્યના વિવેચનનાં છ પુસ્તકો અને અગિયાર વાર્તાસંપાદનો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. જેને અભ્યાસી દ્વારા ઘણો આવકાર મળ્યો છે. મોહન પરમારના આ પ્રદાનને અનેક પારિતોષિક અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત વાર્તાક્ષેત્રે મળેલા પુરસ્કાર જોઈએ તો ‘અંચળો’ વાર્તાસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ ૨૦૧૧માં મળ્યો. એ ઉપરાંત ‘નકલંક’, ‘કુંભી’, ‘પોઠ’ને ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. તો એમની એક વાર્તા ‘વાડો’ને દિલ્હીનો કથા ઍવૉર્ડ ૧૯૯૨માં પ્રાપ્ત થયો છે. અહીં મોહન પરમારના વાર્તાક્ષેત્રના પ્રદાનની નોંધ લઈ, વાર્તાકારની વાર્તાકળાની સમગ્રલક્ષી સમીક્ષા કરવાનો ઉપક્રમ છે.

વાર્તાલેખનનો આરંભ :

મોહન પરમારે વાર્તા લખવાની શરૂઆત ૧૯૭૫માં કરી હતી અને પહેલી વાર્તા ‘સંકેત’ ૧૯૭૫માં ‘ચાંદની’ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હતી. મોહન પરમારની વાર્તાઓ ‘પરબ’, ‘ગદ્યપર્વ’, ‘વિ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘એતદ્‌’ વગેરે સામયિકમાં પછીથી પ્રગટતી રહી. આ સામયિકો થકી એમની સર્જકતા પ્રગટ થતી રહી તો, મોહન પરમારે, હરીશ મંગલમે ૧૯૮૭માં ‘ગુજરાતી દલિત વાર્તા’ નામે એક દલિત વાર્તાઓનું કરેલું સંપાદન અને ‘દલિત વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫) અને દલિત સર્જકોની સમીક્ષાઓથી ગુજરાતી દલિત સાહિત્યને કરેલું યોગદાન નોંધપાત્ર છે. આ બધાં પરિબળો વાર્તાકાર મોહન પરમાર અને અનુ-આધુનિકતા સાહિત્ય માટે પ્રેરક અને પોષક બની રહ્યા છે. મોહન પરમારના વાર્તાસંગ્રહો પ્રગટ થવા લાગ્યા ને તેઓ આ સમયના એક મહત્ત્વપૂર્ણ વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ગુજરાતી આધુનિકતાવાદી અને અનુઆધુનિકતાવાદી વાર્તાઓ એના માનવ સંદર્ભે, વસ્તુસંકલના, પ્રયોજાતી ભાષા સંદર્ભે અલગ પડે છે. બહિર્વાસ્તવ, વિષયવસ્તુ અને નિરૂપણરીતિ સંદર્ભે આ વાર્તાઓ જુદી પડે છે. આ સમયના વાર્તાકારોની વાર્તાઓમાંથી આ લક્ષણો જોવા મળે છે. મોહન પરમારે એની વાર્તા કેફિયતમાં કહ્યું છે કે, ‘હું માત્ર, માત્ર અને માત્ર વાર્તા જ લખું છું. વાર્તાના કોઈ ચોક્કસ ચોકઠામાં હું ગોઠવાયો નથી. હું અનેક કથન દ્વારા મારી વાર્તામાં નિરૂપણ કરવા મથું છું રચનારીતિની દૃષ્ટિએ એક ચુસ્ત બની આવે તેવા મારા પ્રયત્નો હંમેશા રહ્યા છે.’૧ આ રીતે સાતત્યપૂર્વક વાર્તા લખતાં મોહન પરમારે વાર્તાક્ષેત્રે વિપુલ પ્રદાન કર્યું છે. મોહન પરમારના વાર્તાસંગ્રહો આ મુજબ છે ૧) ‘કોલાહલ’ (૧૯૮૦; ૧૨ વાર્તાઓ) ૨) ‘નકલંક’ (૧૯૯૧; ૨૨ વાર્તાઓ) ૩) ‘કુંભી’ (૧૯૯૬; ૨૧ વાર્તાઓ) ૪) ‘પોઠ’ (૨૦૦૧; ૧૮ વાર્તાઓ) ૫) ‘અંચળો’ (૨૦૦૮; ૧૭ વાર્તાઓ) ૬) ‘હણહણાટી’ (૨૦૧૬; ૧૪ વાર્તાઓ) ૭) ‘અચરજ’ (૨૦૨૦; ૧૪ વાર્તાઓ) આમ, સાત સંગ્રહની કુલ વાર્તાસંખ્યા ૧૧૭ થાય છે. મોહન પરમારની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખૂબ જ નોંધપાત્ર છે. નગર કે ગ્રામ, વ્યક્તિ કે સમાજ, ઊંચ કે નીચ જ્યાં જ્યાં મનુષ્ય છે, સંબંધ છે, એમાં કટોકટી છે, સંકુલતા છે એ વાર્તાકાર માટે વિષય બની જાય છે. વાર્તાકાર પછી એને ઘટના, પાત્રો, પરિવેશ વગેરે ઘટકો વડે વાર્તારૂપ આપે છે. એની રચનારીતિ કે નિરૂપણરીતિ વાર્તાએ વાર્તામાં જુદી જુદી હોય છે. આ વિષયવૈવિધ્ય અને નિરૂપણરીતિની દૃષ્ટિએ મોહન પરમારની વાર્તાઓનું વાચન કરી એના વિશેષો બતાવી, એમની વાર્તાકળાની સમીક્ષા કરવાનો, અને, આ સમયગાળામાં એમના પ્રદાન થકી એમને અનુ-આધુનિકતાવાદી વાર્તાઓને ઓળખ આપવા કેવી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એનાં નિરીક્ષણો આપવાનો પ્રયત્ન છે.

Kolahal by Mohan Parmar - Book Cover.jpg

‘કોલાહલ’ નામના સંગ્રહથી વાર્તાક્ષેત્રે પ્રવૃત્ત થનાર વાર્તાકારની ‘સમય’, ‘ફરી કો’કવાર’, ‘સંકેત’ જેવી કેટલીક ધ્યાનપાત્ર છે, આ વાર્તાઓમાં આધુનિક વાર્તાઓ કરતા વિષયવસ્તુ અને નિરૂપણ રીતે બદલાયેલી જોઈ શકાય છે. વ્યક્તિની સામે સમાજ, વસ્તુસંકલનાની સળંગસૂત્રતા, શિષ્ટ ભાષાની સામે બોલી, જેવાં તત્ત્વો ખાસ નોંધપાત્ર છે. જેમ કે, ધનીની બોલી, ‘ઇયંન આયા પછ જજોને. તમને બાંધી રાશ્યા છ... ન આવે તો મારો હંગાથ તમારે કરવો પડશે.’

Nakalank by Mohan Parmar - Book Cover.jpg

બીજો સંગ્રહ ‘નકલંક’ વાર્તાકારના વિકાસનો પરિચાયક બની રહે છે. એકાદ દાયકા પછી આવેલા આ સંગ્રહની બાવીસ વાર્તામાંથી નકલંક, આંધુ, હિરવણુ, વાડો, ચૂવો, શિકાર, કોહ, સાંજ, તણખલું જેવી કળાત્મક વાર્તાઓ મળે છે. ‘નકલંક’ વણકર નાયક કાંતિ અને મુખીની પત્ની દીવા વચ્ચેના સંબંધોનું અહીંયા આલેખન છે. દીવાએ કાંતિને ખેતરમાં આવવા કહ્યું છે પણ એ જતો નથી, નકલંક રહે પણ, દીવાની લાજ સેધાએ લૂંટી, એ કલંકિત થયો. આખી વાર્તાનો પરિવેશ વણાટકામનું બારીકીથી થયેલું વર્ણનઃ’ ઊંચાનીચા થતા રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણા લાગી રહ્યા હતા એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઈ રાચ વેજા પર લબડી પડ્યાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડાયેલી પર હાથના આંગળાની છાપ ઊપસી આવી.’ આરંભે વણાટ અધૂરું મુકાયાનો ઉલ્લેખ ને અંતે પણ વણાટ અધૂરું જ રહ્યું એ ઘટના પાત્રોના મનોભાવને વ્યક્ત કરે છે. ‘આંધુ’ શના સેનમા અને ભોળીદાને એક પરિસ્થિતિમાં મૂકીને આવેલું આંધુ એના પરિવેશને ભોળીદાના ભય આશંકા સાથે મૂકતાં ઊભા થતાં ભાવવર્તુળો, આંધુથી દૂર થઈને નરી માણસાઈમાં પરિણમે છે. એને કળાત્મક રીતે પ્રગટાવે છે. સામાન્ય ઘટના આવા દૃષ્ટિકોણથી અસામાન્ય થઈ ગઈ છે. એમાં પ્રયોજાયેલા બોલી, પાત્રોનું માનસ, ભય, શંકા, વેર સાથે આંધુથી રચાતો પરિવેશ, કથન વર્ણન, કાકુ વગેરે વાર્તાકારની કલાસૂઝને દર્શાવે છે. ‘ચૂવો’ વાર્તામાં દલિત દંપતીના જીવનની કોઠે પડેલી ગરીબાઈની ઘટના વરસાદના જોર સામે ગુણિયાથી એને બચાવવાની મથામણ સામે વરસાદે ભીંજાયેલી ચંપાને જોઈ શનામાં જાગેલી કામેચ્છાના આક્રમણ મૂકીને પરિસ્થિતિજન્ય વિરોધની તાણ આલેખી છે. કામાતુર શનાની ઇચ્છા આડે આવતાં વિઘ્નો હળવાશથી આલેખાયાં છે. વિઘ્નો દૂર થતાં શના વરસી તો પડ્યો પણ તૃપ્તિ ન થઈ. શનાની આછરી જતી કામેચ્છા એ ‘મીણ જેવો થઈને ચૂવામાંથી ટપકતાં પાણી સામે અસહાય સ્થિતિમાં તાકતો રહ્યો’ એવા કથન દ્વારા કહેવાય છે. સન્નિધિકરણની પ્રયુક્તિનો કાર્યસાધક વિનિયોગ થયો છે. ‘હિરવણું’ વાર્તાનાયિકા જીવીના સંકુલ મનોભાવોને પ્રતીકાત્મક રીતે પ્રગટાવે છે એના માટે હિરવણાનો વિનિયોગ વાર્તાને કલાત્મક બનાવવામાં ઘણો ઉપકારક સાબિત થાય છે. એક બાજુ ગલબાજીની પજવણીથી ત્રસ્ત જીવી કામમાં જીવ પરોવી શકતી નથી પણ વાર્તા અંતે ગલબાજીની ગેરહાજરીથી સૂનકાર લાગે છે! જીવીની આવી દ્વિવિધ મનઃસ્થિતિની સંકુલતા વ્પાયક રીતે મનુષ્યચિત્તના અતલને પ્રગટાવે છે. ‘સાંજ’ વાર્તાની દીપ્તિની આવી દોલાયમાન દશાને એક બાજુ પતિ-બાળકો ને બીજી બાજુ સુભાષ તરફ ખેંચાણ – એમાંથી છુટકારો મેળવતી સ્ત્રી તરીકે અને આત્મનિર્ભર બને એવું આસ્વાદ્ય નિરૂપણ થયું છે.

Kumbhi by Mohan Parmar - Book Cover.jpg
AnchaLo by Mohan Parmar - Book Cover.jpg
HaNhaNati by Mohan Parmar - Book Cover.jpg

ત્રીજો સંગ્રહ ‘કુંભી’માં એકવીસ વાર્તાઓ છે, આમાંથી ‘તેતર’, ‘કુંભી’, ‘વાયક’, ‘કળણ’, ‘થળી’, ‘મંડપ’, ‘છીંડું’, ‘ઘૂરી’ જેવી વાર્તાઓ સારી વાર્તાકળાનાં દૃષ્ટાંતો છે. આમાંથી મોટાભાગની વાર્તા સામાજિક વાસ્તવને મૂર્ત કરે છે. રોજબરોજના જીવનમાંથી સંવેદનને ઝીલી એને વાર્તારૂપ આપે છે. જેમ કે તેતરમાં ભૂખ, થળીમાં શોષણ અને પ્રતિકાર, કુંભીમાં સ્ત્રીની અવહેલના, ઘૂરીમાં ભય અને એમાંથી પ્રગટતું હાસ્ય, મંડપમાં અહંકાર, વાયકમાં દ્વન્દ્વ અને અહંકારમાંથી મુક્તિનું આલેખન છે. ‘તેતર’ વાર્તા ભૂખ ને ગરીબીથી ત્રસ્ત હેમતાજીની બદલાયેલી મનોસ્થિતિનું કથન અને વાર્તા સંરચના સરસ રીતે કરીને વાર્તાકારે વાર્તાના અંતે – શિકાર કરેલાં તેતરને ઉઠાવવા જતા એનું તેતરપણું હેમતાજીને વાગતું બતાવીને એની પાસે સ્ત્રીઓના ઠિઠિયારા મૂકીને ભૂખને એની વિભિષિકાને પ્રકૃતિની નિર્મમતાની સહોપસ્થિતિથી વાર્તાસૂરને વ્યંજિત કર્યો છે. ‘કુંભી’ ઘરના મોભ ને છાપરાને ટેકો આપે છે એનો પ્રતીકાત્મક વિનિયોગ, નિઃસંતાન શકરી, સંતાનપ્રાપ્તિ માટે પતિ કરસનને નવી વહુ આવે તો ઘડપણ સુધરે એવી આશા ફળી નહીં ને નવી વહુ આવવાથી સહવાસ/આધાર સુખ પણ છિનવાઈ જાય છે. નવી વહુ સાથેની રતિક્રીડા જોવાની શકરીની મથામણ ઈર્ષ્યા કરતાં વેદનાપૂર્ણ વધારે લાગે છે. એના મનોભાવની અભિવ્યક્તિ માટે થતું કથન, સ્ત્રી માટે વિદારક એવું નવીનું આવવું, એના હક્કને છિનવાઈ જવાની પીડા ને કુંભીનો ટેકો લેતી શકરી પાસે આવતો વાર્તાઅંત પ્રતીકાત્મક બને છે. વાતાવરણ ને બોલીથી આવતી બળકટતા વાર્તાકળાને ઉપકારક બની છે. ‘વાયક’ રૂપાંદેનું સ્ખલન અને એને ખાળવા એનું મનોમંથન એ મુખ્ય છે. વરસાદી વાતાવરણ ગમે છે એમ ચિંતા કરાવે છે. વરસાદને બાંધી દે છે. પશુત્રાડે ભડકે ને રૂપાંદે નીચે પડે એ પહેલા દુધાજી એને ઊંચકીને ભોંય પર મૂકી દે છે આ સ્ખલન અને એથી ઊભી થતી પરિસ્થિતિ’ ‘તમે રૂપાંદે છો કે બાલાજોગણ?’ એ સમયે દુધાજીનો દેહ દેખાય છે પણ પોતે બાલાજોગણ જ છે, એવી આત્મખોજ કરે છે. એકતારાના તાર તૂટવા એ અહમ્‌ ઓગળવાનું પ્રતીક છે. પ્રકૃતિના પરિવેશનો વિનિયોગમાં સર્જકની વાર્તાસૂઝ જોઈ શકાય છે. કથનવર્ણન દ્વારા જન્મતો વાર્તારસથી વાર્તા સાદ્યંત ગતિશીલ રહે છે.

PoTh by Mohan Parmar - Book Cover.jpg

‘પોઠ’ સંગ્રહની અઢાર વાર્તાઓનું વિષયવૈવિધ્ય ખાસ્સું છે. નગર, શહેર, ચાલી, ગ્રામ, ભાગોળ, આશ્રમ અને વણઝારાની એમ વિવિધ વાર્તાઓ’ છે. ‘અશ્વપાલ, પિંગળા, કાનાજી,’ ‘લાગ’, ખળી, ખાંચો, રઢ, આંગણું, ભાગોળ, પોઠ જેવી વાર્તાઓ એની કલાત્મકતાને લીધે ધ્યાનપાત્ર છે. ‘અશ્વપાલ...’ એ વાર્તા ભવાઈમાં સ્ત્રીવેશ ધારણ કરતાં મફા તરફ કાનાજી આકર્ષિત થાય છે. મુખ્ય ઘટના આજે ભરથરીનો ખેલ છે ને પિંગળાનું પાત્ર મફો ભજવવાનો છે એટલે પત્ની જીવુબા સાથે, દારૂના નશામાં જાય છે પિંગળાના પાત્રથી વાસના અંધ બની મફા પર આક્રમણ કરે છે, ઝપાઝપીથી કાનાજીને મફો પુરુષ છે એ ભાન થાય છે અપમાનિત કાનાજીને નશો ઊતરે છે. જીવુબા ગુસ્સે થશે એ વાતે ડરતો કાનાજી જુએ છે કે એણે માને ખાનગીમાં આપેલું માદળિયું પત્નીની ડોકમાં છે! એનાથી બોલાય જાય છે, ‘હટ્‌... રાન્ડ ...પિંગળા!’ આ વાર્તા અંતથી થતો રહસ્યસ્ફોટ શીર્ષકને સાર્થક કરે છે તો, એનો ભર્તૃહરિ સાથે સંબંધ જોડાયને માનવીય સંકુલતાનો એક ખૂણો અજવાળે છે. ‘ખાંચો’, દામ્પત્યજીવનની સંકુલતાનું એક બીજું રૂપ પ્રગટાવે છે. ક્યારેક કોઈ સાથે સ્નેહસંબંધે જોડાયેલાં પત્ની રમીલા એને ભૂલી નથી નાયક શરીરથી લાચાર છે, એને ખાંચા સુધી જવાનું મન થાય છે. તો, રમીલા સંભળાવે છે, ‘હજી ખોડ ભૂલતા નથી. મારો છાલ છોડો હવે! તમારી સગલી કેમ આવતી નથી તમને સાચવવા! આ વાતે આઘાત અનુભવતા પ્રમોદભાઈ ખાંચા સુધી પહોંચી જ જાય છે એમ વિદ્રોહ કરે છે. ખાંચો શીર્ષક એકાધિક અર્થમાં વિસ્તરે છે. ‘લાગ’, ‘ખળી’ અને ‘આંગણું’ વેરઝેરની ભાવનાના જુદાં જુદાં રૂપો રજૂ થયાં છે. ‘ભાગોળ’, હિન્દુ મુસ્લિમ સંઘર્ષ તો ‘વેશપલટો’માં આથી જુદું બન્ને સમાજની એકતાનું નિરૂપણ છે. વાર્તાકાર સમાન ભાવે સમાજને પક્ષપાત વગર આલેખે છે. ‘અંચળો’ સંગ્રહની અઢાર વાર્તાઓમાંથી અંચળો, નાથટેકરી, ઘોડાર, વરસાદ, ભ્રમણા, ટોડલો, પડળ, સમથળ જેવી સારી વાર્તાઓથી નોંધપાત્ર સંગ્રહ બને છે. પાત્રોના તીવ્ર મનોભાવને વ્યક્ત કરતી અંચળો, નાયકના આંતરદ્વન્દ્વને આલેખી ને બઢતી ન સ્વીકારતા નિર્ણય લે છે કે એમ.ડી. નહીં બનું. પ્રથમ પુરુષ એકવચનનું કથનકેન્દ્રથી નાયકની ચૈતસિક વાસ્તવિકતા પ્રતીતિકર લાગે છે તો, ‘પહાડની ટોચો જાણે મારા માટે વેરણ બની હતી’ એનું નિર્વહણ વાર્તા અંતે ‘મેળ પડે તો નિરાંતે ઊંઘવું હતું’ સહજ લાગે છે. સત્તાલાલચ સામે મિત્ર દ્રોણનો અપરાધબોધથી મુક્ત થતો નાયકની ભાવસબલતાને પ્રગટાવવામાં વાર્તાસૂઝ જોઈ શકાય છે. કાયાપલટ સોનાલી નિમિત્તે મનની સંકુલતાને પ્રગટાવે છે. વાર્તારંભે સોનાલી સાસરિયાના – ખાસ તો વિધવા નણંદ – પ્રત્યે અણગમો રાખે છે, પતિ પ્રકાશ મનાવે એની સાથે ગામડે જવા ના પાડે છે, પ્રકાશ આક્ષેપ કરે છે, તને ભાઈની સાથે બંને છે એ નથી ગમતું, એની ગેરહાજરીમાં દોરડાથી રમતી નાયિકાના મનનું પ્રતીક બની રહે છે. પિયરથી કાકા આવે છે એના સ્નેહે નાયિકાનું વર્તન બદલાય છે. પૂર્વગ્રહ ઓગળે છે મોટાભાઈની સેવા કરે છે. ‘કાયાપલટ’ થાય છે, પણ, પ્રકાશ મોટાભાઈની જવાબદારીથી એનો તિરસ્કાર એનોય કાયાપલટ થાય છે! આમ સંન્નિધિકરણથી શીર્ષક વ્યંજના સ્તરે વિસ્તરે છે. ‘વરસાદ’ ગામમાં કલેક્ટર બની કાંતિલાલ પાછો આવે, વરસાદમાં બાળ ગોઠિયાને મળવા નીકળે, ગામના લોકોનું વર્તન વાણીથી આઘાત પામે. મિત્ર, ગુરુ, મુખી, સખીનું વર્તન પીડા આપે આ બધાને મન એ ‘કાંતિડો’ જ છે. પણ, એ જ્યારે પલળતા નાગા-પૂગા નહાતા જુએ છે ત્યારે ‘ખળખળ વહેતા પાણીની નીકમાં આળોટ્યો... ને હું કાંતિડો – પેલો લીમડો ખસેડવા ભેગા થયેલા ટોળા ભેળો ભળી ગયો...’માં વરસાદે અહમ્‌ ઓગાળી દીધો છે અસલ સ્વરૂપમાં મુકાતો નાયક વ્યક્તિમાંથી સામાજિક બને છે એવું રૂપાંતર આસ્વાદ્ય છે. ‘હણહણાટી’ સંગ્રહમાં ચૌદ વાર્તાઓ છે. આમાંથી દેરી, નજર, હણહણાટી, સોનકીડી, શ્યામજી ઘનશ્યામજી, જાળું વાર્તાકલાના વિશેષને પ્રગટાવે છે એથી નોંધપાત્ર વાર્તાઓ ‘દેરી’ દીર્ઘ વાર્તા છે જેમાં તરસંગજીનો દેરી પ્રત્યે લગાવ અને ગામનો અલગાવ સામસામે મૂકીને આકર્ષક વિરોધ- તાણ આલેખીને, તરસંગજી નિર્મળ આસ્થા સામે પ્રભાશંકરની લાભ ખાટવાની વૃત્તિનો વિરોધ, પ્રભાશંકર આથી વિષ્ણુ કથા દેરી સાથે જોડી દે છે, અપૂજ દેરી ખ્યાત થાય ને પછી તરસંગજીને ધક્કે ચડાવવું. પ્રભાશંકરની વધતી જતી મહત્તાને અંતે આમ આલેખાયો છે, ‘દેરીને બદલે પ્રભાશંકર ઝગમગ થવા લાગ્યા. દેરીમાં કશું કળી શકાયું નહીં.’ ને વાર્તાનો અંત ચિત્રાત્મક તો જ, અદૃશ્યને દૃશ્ય રૂપે એ સિનેમેટોગ્રાફિક આલેખન વાર્તાકારની કલાત્મકતાને બખૂબી દર્શાવે છે. તેથી તરસંગજીએ ભરપૂર નિસાસો નાખ્યો. ભીડને ચીરતો નિસાસો પ્રભાશંકર સાથે અથડાયો. પ્રભાશંકરના હાથમાં રહેલા મુગટને ટાપલી મારીને નિસાસો જાળી વાટે દેરીમાં પેઠો. ચોમેર ઘૂમી વળ્યો. દેરી કશાય ઝગમગાટ વિના સૂનીસમ દેખાતી હતી. હવે કાળામેશ પથરા સિવાય કશું દેખાતું નહોતું.’ ‘જાળું’, સંન્યાસી ફરી સંસારમાં સંસારી બને એને જાળુંના પ્રતીકથી મૂર્ત કરે છે. એની પાછળ કારણ છે મુખડાની માયા! જેને વાર્તાકારે ફેન્ટસીથી આલેખ્યું છે. અંતે ભગવાં પર પક્ષી ચરકે એનાથી સૂચન તો ભગવાં ને એટલે સાધુપણાને ડાઘ. મનની આવી અકળ લીલા વ્યક્ત કરી છે. શ્યામજી ઘનશ્યામજીમાં આગળ અને પાછળના દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે એની ફરજ અરસપરસ બદલાતાં અનુભવાતી મૂંઝવણથી માણસની વૃત્તિને ઉજાગર કરતી વાર્તા એના વિષય નાવીન્યને લીધે ધ્યાનપાત્ર છે. ‘નજર’માં નાયિકા રાધાની મનોવ્યાપાર એ કેન્દ્રમાં છે. નજરનાં વિવિધરૂપોની સહોપસ્થિતિથી પ્રગટ થતાં ભાવો ભય, મૂંઝવણ, ગુસ્સો, દૃઢતાની રેખાઓથી અંકાતું ચિત્ર છેવટે તો રાધા નિમિત્તે સ્ત્રીની દશાને વ્યક્ત કરે છે જેને પુરુષોની ખરાબ નજરથી બચવું પડે. ‘કટકા’ દલિતસંવેદનની વાર્તામાં સ્વર્ણ કાંતિલાલ દલિતો પ્રત્યે અણગમો રાખે છે, તિરસ્કાર કરે છે એ દાના તરફ કઠોર વર્તન વાણીથી દર્શાવ્યું છે તો, એને દલિત રૂખી સાથે આડા સંબંધ છે, પેટમાં દુખાવો ઉપડતા દલિતોનું પાણી પીવે છે. આમ, કરણી કથનની આ વિસંગતા એના દંભને ખુલ્લો પાડે છે.

Acharaj by Mohan Parmar - Book Cover.jpg

‘અચરજ’ સંગ્રહની તેર વાર્તાઓમાંથી અડચણ, તળાવ, જગતિયું, ધૂળ, જન્માન્તર, ખાડ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. ‘અડચણ’ રેશનાલિસ્ટ એડવોકેટ રશ્મિન નવરંગસ્વામીએ ઊભા કરેલા તરકટને ઉજાગર કરવાના પ્રયત્નોમાં એની ચુંગાલમાં ફસાયને એને નમતો ભજતો થાય એવા વસ્તુને આલેખે છે. રશ્મિન દ્વારા ધર્મના નામે ચાલતાં ધતિંગ ખુલ્લાં પાડે છે, લેખ લખે છે. આ વાતે એનો મિત્ર દિવ્યકાન્ત નારાજ થાય છે, પુત્ર ધ્વનિલ બીમાર પડે ત્યારે સ્વામી સામે પડ્યો એટલે આમ થયાનું કહે, પત્ની સ્વામીથી પ્રભાવિત, સ્વામીને રાજકારણીની ઘમકી, પીઠબળ, ગુંડાઓનો સહારો વગેરેથી ઘેરાયેલો એ અસહાય બને છે. મજબૂત મનોબળ છતાં એને હ્રસ્વ કરનાર સમાજની આ ઘેરી વાસ્તવિકતાને ઉજાગર કરતી આ વાર્તા આપણા સામ્પ્રતની વરવી બાજુને પ્રગટાવે છે. ‘જગતિયું’ પંચાતિયા વાલા વીરાને શીવાને જ્ઞાતિમાં મળેલ સ્થાન-માનથી ઈર્ષ્યા થાય છે. એના મનમાં છે કે તક આવે ત્યારે એને નીચો બતાવું, ને એ તક આવે છે શીવાના પુત્રએ જીવતાં જગતિયું કરાવવાનો પ્રસંગ ગામ આખાને ભેગા કરી ઊજવે. વાલા વીરાને આ પ્રસંગમાં વિઘ્ન ઊભું કરવામાં જ રસ છે. એ ગામનાં કેટલાક કુટુંબ એ પ્રસંગમાં ન જાય પણ બીજા આગેવાનો બહિષ્કાર માટે સંમત નથી, પણ, વાલા વીરા એ દિવસે સાળાને ઘરે રહેવાનું નક્કી કરે છે. આ તંગ સ્થિતિ બદલાઈ છે, શીવો આગેવાનો સાથે વાલા વીરાને આમંત્રણ આપવા આવે છે. એ રાજીખુશીથી સ્વીકારે છે. વાલા વીરા ઈર્ષ્યાથી અંધ થયા હતા, એથી મુક્ત થાય છે. એમ એનું પણ જગતિયું થાય છે! ‘તળાવ’ બઢતી માટે પ્રપંચ અને એમાંથી થતો અપરાધબોધને આલેખે છે. સરકારી જાહેર બાંધકામ વિભાગના સુપ્રિ. એન્જી. સુમિત દેસાઈ ડૂબીને મૃત્યુ પામે પછી એ પદે કથાનાયકને બઢતી મળે છે. પણ અપરાધભાવ અનુભવતો કથાનાયક એને સ્વીકારવાની ના પાડે છે, પણ, સચિવ એની વાત સ્વીકારતા નથી. કથાનાયકને થતો અપરાધભાવ ‘હું મને અળખામણો લાગવા માંડ્યો’થી વ્યક્ત થાય છે. તો સુમિત દેસાઈ જેવા માણસની ભ્રમણા, એ હાથ પકડી નાયકને કહે, ‘હાથે ઊભી કરેલી પળોજણનો વિષાદ બહુ આકરો હોય છે, નહીં!’ વાસ્તવને આભાસથી રચાતા તાણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘ધૂળ’, ‘જન્માન્તર’, ‘ખાડ’ દલિત હોવાની પીડા સંવેદનાના જુદા જુદા વાર્તારૂપ છે. ‘ધૂળ’માં સ્વર્ણ દલિતોને સામસામે મૂકી દલિત પીડાને બળકટ રીતે મુકાય છે. દલિત એમ કહે તમે અમારી જ્ઞાતના જ લાગો છો. એ ભાવવાહી રીતે મુકાયું છે. તો ‘ખાડ’ પીડિતાના અહેવાલ માટે જતી પત્રકાર પોતાના આવા જ પજવણીના અનુભવમાં મુકાય એનો ધ્વનિ ખાડના પ્રતીકાત્મક વિનિયોગથી કલાત્મક રીતે બતાવવામાં વાર્તાકારની વાર્તાકળા જોઈ શકાય છે. ‘જન્માન્તર’ દલિત તરીકે અપમાનિત ન થવું પડે એટલે સંતાનને જન્મ જ ન આપવો એવી નિરાશા સામે એ અન્યાય સામે લડે માટે જન્મ આપવો. દેઉલકરજીના આ વચન, ‘આ સમાજમાંથી ભેદભાવ ત્યારે જશે જ્યારે માણસ માણસને ઓળખતા શીખશે.’ એ અનેક દલિત પીડિતોની આશા છે, આવો આશાવાદ આ વાર્તામાંથી પ્રગટે છે. સમગ્રતયા જોઈએ તો,

૧. મોહન પરમારની વાર્તાનાં પાત્રો તળનાં હોય કે નગરનાં, સ્વર્ણ હોય કે દલિત એનું લક્ષ્ય તો માનવસૃષ્ટિ રહ્યું છે. માનવતાને તાકતી આ વાર્તાઓ છે ‘આંધુ’ અને ‘જગતિયું’..
૨. વાર્તાના સૂરને પ્રગટાવવામાં પરિવેશનો વિનિયોગ પ્રતીકાત્મક રીતે કરીને વાર્તાને કલાત્મક બનાવવાનું કૌશલ છે વાયક, વરસાદ, ઘૂરી એનાં ઉદાહરણો છે..
૩. વાર્તાક્ષણને ઓળખવાની અને એને અનુરૂપ સહસંબંધકો પ્રયોજીને વાર્તાને આકારે છે હિરવણુ એનું સારું દૃષ્ટાંત છે..
૪. પાત્રની સંવેદના સમષ્ટિની બને એવી બૃહદ્‌તા સમથળ કે ધૂળમાં છે..
૫. શોષણના અનેક રૂપ શારીરિક, આર્થિક, સામાજિક, ધાર્મિક એમ આલેખાયા છે. થળી, ઘોડાર, વેઠિયા, નજર....
૬. મનુષ્યના કૃપણતા અને ઉદારતાને સહજ આલેખાયા છે વાર્તાકાર તટસ્થતાથી બન્ને પાસાં સમભાવથી આલેખે છે..
૭. પાત્રોનું ચિત્રણ ખાસ તો મનોસંચલનોનું સૂક્ષ્મ આલેખન કરી તંગ અવસ્થાને તાદૃશ્ય કરે છે. સાંજની દીપ્તિ કે આંધુના ભોળીદા..
૮. વાર્તાકાર પાસે વાર્તા રચવાની આગવી ભાષા છે એ નગર કે ગ્રામમાં બોલાતી ભાષા પ્રયોજીને વાર્તાને જીવંત કરે છે. તેતરના હેમતાજીની બોલી કે અંચળોની શિષ્ટ ભાષા..
૯. વાર્તાકારે પ્રયુક્તિનો કાર્યસાધક વિનિયોગ કર્યો છે. જેમાં સન્નિધિકરણ, પ્રતીક, કપોળકલ્પિત – વાડો, શિકાર, આંધુ, નજર..
૧૦. વાર્તાકારેમાં પ્રથમ પુરુષ એકવચન – વરસાદ અને સર્વજ્ઞના કથનકેન્દ્રથી મોટાભાગની વાર્તાઓમાં કર્યો છે..
૧૧. દલિત સંવેદનાને આલેખતી ઘણી વાર્તાઓ દલિત જીવન, પરિવેશ, સંઘર્ષ, સમસ્યાઓને વાચા આપે છે.
૧૨. વર્ગભેદ, જ્ઞાતિભેદ એમ તરડાયેલા સામ્પ્રત સમયની વાર્તાઓ છે. ભાગોળ, ખડી વગેરે..
મોહન પરમારે કલાત્મકતા જાળવીને આપેલી વાર્તાઓ સંખ્યાની રીતે નોંધપાત્ર છે. તેમણે કરેલું વાર્તાસર્જન, વાર્તાસંપાદનો અને વાર્તાવિવેચન એમ ત્રણેયની નોંધ લઈએ ત્યારે તેઓ અનુઆધુનિકતા ગુજરાતી ટૂંકી વાર્તાના એક મહત્ત્વના સર્જક બની રહે છે.

સંદર્ભ :

૧. પરમાર, મોહન. ‘ટૂંકી વાર્તા અને હું,’ અહીં ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકી વાર્તા સ્વરૂપ વિચારણા ખંડ -૨’ સં. જયેશ ભોગાયતા, પૃ. ૪૩૦, પ્ર. આ. ૨૦૧૬, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ

પ્રા. ડૉ. અજય રાવલ
એસોસિયેટ પ્રોફેસર,
ઉમિયા આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ ફોર ગર્લ્સ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
Email : ajayraval૨૨@gmail.com
મો. ૯૮૨૫૫૦૬૯૪૨