ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઉત્તમ ગડા
ટુરિસ્ટ અને બીજી વાર્તા :
વાર્તાકાર ઉત્તમ રાવજીભાઈ ગડા
જયેશ ભોગાયતા
વાર્તાકાર ઉત્તમ ગડાનો પરિચય :
શ્રી ઉત્તમ ગડાનો જન્મ ૧લી જુલાઈ, ૧૯૪૮માં ઓરિસ્સામાં થયો હતો. નાના-નાનીને ત્યાં ઉછેર. એસ.એસ.સીનાં વર્ષોમાં મુંબઈ આવ્યા. કચ્છી ગુજરાતી. સુશ્રી યોગિનીબેન ગાંધી સાથે પ્રેમલગ્ન કર્યું. મુંબઈને કર્મભૂમિ બંને અર્થમાં વ્યવસાય અને સર્જન-લેખન – રંગભૂમિ, ટેલિવિઝન, સિનેમા. એમની જાણીતી નાટ્યકૃતિઓ ‘વૉટ્સએપ’ અને લઘુ નાટકો; ‘શિરચ્છેદ’ (ગદ્યપર્વમાં પ્રકાશન) છે. ઉત્તમ ગડાએ હિન્દી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે. ‘ખિલાડી ૪૨૦’, (નીરજ વોરા), ‘યૂં હોતા તો ક્યા હોતા?’ (નસરુદ્દીન શાહ); ‘મહારથી’ (શિવમ્ નાયક); અને ‘Straight’ (પાર્વતીરામ ગોપાલન). પુત્ર અમેરિકામાં સ્થાયી છે. ૯ જૂન, ૨૦૨૦માં અવસાન.
ઉત્તમ ગડાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટુરિસ્ટ અને બીજી વાર્તા’ ડિસેમ્બર ૨૦૧૬માં પ્રગટ થયો હતો. નવભારત સાહિત્ય મંદિર મુંબઈ, અશોક પ્રકાશન મંદિર અમદાવાદ અને સાહચર્ય પ્રકાશન, મુંબઈ એમ ત્રણ પ્રકાશકોનું સંયુક્ત પ્રકાશન. યોગીની તથા અવિવાને અર્પણ કર્યો છે ભરત નાટકનો ઋણસ્વીકાર કરતાં વાર્તાકારે નોંધ્યું છે : ‘મારામાંનો વાર્તાકાર કૉમામાં ન સરી પડે એની સતત કાળજી રાખવા બદલ અને આ સંગ્રહ તમારા હાથમાં મૂકવા બદલ ભરત નાયકનો ખાસ આભાર.’ વાર્તાકારનું પ્રાકથન વાર્તાકારની વાર્તા વિભાવના રજૂ કરે છે : કૉલેજકાળ દરમિયાન લખવાનું શરૂ કર્યું, ત્યારે ટૂંકી વાર્તા એ જ મારો પ્રેમ હતો. પણ સંજોગોવશાત્ નાટકોના રવાડે ચડી ગયો અને ફિલ્મો અને ટેલિવિઝન. એ બધાનાં લખાણમાં વાર્તા, ટૂંકી વાર્તા છપાય અને વંચાય એ અર્થમાં લગભગ બાજુએ રહી ગઈ. પણ નાટક, ફિલ્મો કે ટેલિવિઝનની બધી કૃતિઓના હાર્દમાં વાર્તા તો હોય જ છે. એટલે એ રીતે વાર્તા સાથે સતત જીવતો રહ્યો... ચાર દાયકા સુધી એમાં આવીને ગયેલા અને રહેલા, બદલાવોના જુવાળને કુતૂહલથી જોતો રહ્યો. ટૂંકી છપાયેલી વાર્તાઓના ભાવ, સ્વભાવ અને અભાવ તપાસતો રહ્યો. સર્જકો ટૂંકી છપાયેલી વાર્તા સાથે રમતા અને પંપાળતા, એને સજાવતા, શણગારતા, એની સાથે પ્રેમાલાપ, સંવનન કરતા અને સાથે છેડતી, અપમાન, આંગળી અને બળાત્કાર કરતા રહ્યા એની સાક્ષી બની રહ્યો... એક વાત સમજાઈ કે સારી વાર્તા પારા જેવી હોય છે. એની છણાવટ કરવા એને મૂઠીમાં પકડવા જઈએ તો વેરાઈ જાય. સાથે વાર્તા વાંચ્યાનો આનંદ પણ. છતાં હાથમાં કંઈ આવતું નથી. એને હથેળીમાં રાખી એમાં પ્રતિબિંબિત થતી બારીઓમાં ડોકિયું કરી એમાં છુપાયેલ વિશ્વ અને જીવનના અંશો શોધવાની મજા છે... ત્યાં તાજેતરમાં એવા દિમાગી દૌર આવ્યો જ્યારે ઉપરાઉપરી વાર્તાઓ લખી અને છપાવી.... (પૃ. ૪) વાર્તાકારે Tom Clancyનું એક અવતરણ મૂક્યું છે : ‘The difference between reality and fiction is that fictoin has to make sense.’ Tom Clancyનું આ અવતરણ વાસ્તવિકતા અને ફિક્શનમાં ભેદ પાડી પાડીને ફિક્શનનું મૂળ કાર્ય શું છે તે દર્શાવે છે. has to make sense અર્થ આપવાનું. ગ્રહણક્ષમ બનાવવાનું ઉત્તમ ગડાની વાર્તાઓ reality અને factionના સંયોજનથી નવો અર્થ નિષ્પન્ન કરે છે. જગત વિશે નવો અર્થ, મનુષ્ય વિશે નવો અર્થો. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ છે. એમની એક અગ્રંથસ્થ ટૂંકી વાર્તા ‘અણધારણા’ ‘સાહચાર્ય’ વાર્ષિક ૨૦૧૭માં પ્રગટ થઈ હતી. તંત્રી ભારત નાયક. ઉત્તમ ગડા મારા ખાસ મિત્ર હતા. એમનો વાર્તાસંગ્રહ આવ્યો ત્યારે અમે ફોન પર લાંબી વાત કરી હતી. પ્રસ્તુત સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો વર્ષ ૨૦૧૬નો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. ઉત્તમ ગડાની પ્રથમ ટૂંકી વાર્તા ‘અશ્વારોહણ’ સુરેશ હ. જોષી સંપાદિત ‘સાયુજ્ય’ વાર્ષિકી અંક માર્ચ, ૧૮૮૩માં પ્રગટ થઈ હતી એ વાર્તા મેં ‘સંક્રાન્તિ’ સર્જાતી ગુજરાતી પ્રતિનિધિ વાર્તા (પ્ર. આ. ૧૯૯૪) વાર્તા સંપાદન માટે પસંદ કરી હતી. આશરે ૩૩ વર્ષ પછી એમનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી નવલિકાચયન’ વર્ષ ૨૦૧૧માં એમની ‘સૅક્સ ઍન્ડ ધ સિટી’ વાર્તા (પ્રથમ પ્રકાશન ‘એતદ્’ના જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧) પસંદ કરી હતી. આ રીતે ઉત્તમ ગડાની વાર્તાઓ સાથે મારો ગાઢ અનુબંધ રહ્યો છે. અમેરિકામાં એમનું અચાનક મૃત્યુ થયું તે જાણીને મને ખૂબ દુઃખ થયું હતું. આજે જ્યારે એમની વાર્તાઓ વિશે લખતો હોઉં છું ત્યારે મને વારંવાર મન થઈ આવે છે કે ઉત્તમ ગડા હયાત હોત તો એમની વાર્તાઓ વાંચતાં વાંચતાં જે મૂંઝવણો થાય છે તેના વિશે વાતો કરી લેત, પણ જ્યારે યાદ આવે કે ઉત્તમભાઈ તો નથી હવે ત્યારે મન ખિન્ન બની જાય છે. ઉત્તમ ગડાની ચૌદ વાર્તાઓ વાંચી લીધા પછી ભાવક તરીકે તમારા મગજમાં તરંગો જન્મે છે. એમની વાર્તાસૃષ્ટિમાં રહ્યા પછી વાસ્તવિક જગતનો અર્થ બદલાઈ જાય છે. તેમાં ખાસ કરીને માનવીય સંબંધોમાં રહેલી અનેક વિસંગતિઓનું સત્ય અનુભવીએ છીએ. એમની પાત્રસૃષ્ટિ તદ્દન નવી છે. એ કોઈ વર્ગના પ્રતિનિધિ નથી. એ માનવીય છે, મહાનગરના છે, દેશના છે વિદેશના છે. પાત્રો માનસિક રીતે ક્ષુબ્ધ છે. એકલાં છે, વિખૂટાં પડેલાં છે, શંકાશીલ છે, દમિત છે, લગ્નવિચ્છેદના દુઃખથી પીડાય છે. અજંપો છે, શૂન્ય છે, તો કેટલાંક પાત્રો નિર્દોષ છે, પોતાના જીવનમાં સુખી છે, પૈસાની લાલચ નથી, પ્લૅટૉનિક લવની શક્તિ આજીવન એકલતામાં, પ્રતીક્ષામાં ગાળી નાખે છે. દરેક વાર્તાનું ઘટનાતત્ત્વ અનોખું છે, એકબીજાથી સાવ અલગ પ્રકારનું છે. એમની વાર્તાનો ઘટનાવેગ વાચકને વાર્તા સાથે બાંધી રાખે છે. વાર્તાનો મેલોડ્રામેટિક ઘટનાક્રમ સપાટ નથી સંકુલ છે. એ ઘટનાક્રમનો અનુભવ જગતે કે મનુષ્યનો માન્ય અર્થ કે માન્ય ધારણાને તોડી નાખે છે ને નવું દર્શન કરાવે છે. વાર્તાના ઘટનાક્રમનું ચાલકબળ અકસ્માતો છે ખરા, પરંતુ એ અકસ્માતો પાછળ બળ છે માનવીય વૃત્તિઓનું, ઇચ્છાઓનું, વિકૃત વર્તનોનું. તેને કારણે અકસ્માતો ગૌણ બની ગયા છે ને તેમના વડે વ્યંજિત અર્થ માનવનિયતિની કરુણતાનો છે. વાર્તાસંગ્રહની પ્રત્યેક વાર્તાનાં ઘટનાતત્ત્વ, પાત્રો અને લેખનરીતિ એકબીજાથી સાવ જુદા પડે છે તેથી પ્રત્યેક વાર્તા વિશે નોંધ કરીએ તો તેમની સમગ્ર સર્જકતાના વિશેષો પ્રગટ થઈ શકે. સંગ્રહની પ્રથમ ટૂંકીવાર્તા ‘અશ્વારોહણ’ જેનું રચનાવર્ષ ૧૯૮૩ છે. આ વાર્તાની રચનારીતિ પર આધુનિક વાર્તાની અસર જોવા મળે ખરી, પણ તેમાં વાસ્તવ અને કપોળકલ્પિતનું સંયોજન કર્યું છે એ સંયોજન પદ્ધતિ મૌલિક છે. વાર્તાલેખન પર હૉલીવૂડની સાઇન્સ ફિક્શનની મૂવીની પણ અસર છે જે એમની દૃશ્યનિર્માણ પદ્ધતિમાં અનુભવી શકીએ. પાત્રનો ચૈતસિક વ્યાપાર અને ક્ષુબ્ધ કરે તેવો પરિવેશ આ બંનેનું સન્નિધિકરણ જીવનની શૂન્યતાને નિરૂપે છે. વાર્તા મહાનગરના યાંત્રિક, થકવી નાખે તેવા વાસ્તવનો સંદર્ભ છે પરંતુ વાર્તાનું પાત્ર એ પરિવેશને જે દૃષ્ટિએ સંવેદે છે તેની અસર ઝીલે છે, ભીંસ અનુભવે છે તેનું magic realityમાં રૂપાન્તર સાધીને ક્ષુબ્ધ ચેતનાનું વાસ્તવ સર્જ્યું છે. ‘અશ્વારોહણ’ શીર્ષક પાત્રની વેગીલી ચિત્તગતિનું રૂપક છે. સમયનિર્દેશક આધુનિક ડિજિટલ ઉપકરણોનું સૂક્ષ્મ આણ્વિક સ્વરૂપ છે તેવું જ માનવમનનું છે. ડિજિટલ સેકન્ડમાં માનવમનની ગતિનાં સન્નિધિકૃત દૃશ્યો નવું વાસ્તવ સર્જે છે. તેથી વાસ્તવનું representation નથી. પરંતુ વાસ્તવની સપાટી ભેદીને તેના નિગૂઢ એવા અતિવાસ્તવને મૂર્ત કરે છે. ઑફિસના વાતાવરણથી વાર્તાનો આરંભ થાય છે. ઘડિયાળમાં ડિજિટલ સેકન્ડ, ટેલેક્સ મશીન પર આવતા સંદેશાઓ, પૉસ્ટકાર્ડ લખતો ટાઈપિસ્ટ, સાંજનું છાપું વાંચતા બે ક્લાર્ક એ સિવાય ઑફિસ ખાલી. ટેબલ- ખુરશીના ગોડાઉન જેવી લિફ્ટ. ‘પ્રકાશનું ગોળ ચકતું તેલનાં ટીપાંની જેમ સ્ટેઈનલેસ સ્ટીલ પર સરકતું ઊતરતું હતું.’ ‘કાટ ખાઈ ગયેલા વિશાળ પતરા જેવા સાંજના આકાશ.’ આ બંધિયાર વાતાવરણથી નીકળીને પોતાના ઘેર પહોંચે છે ત્યાં એક ચાલીના ઘરનું વાતાવરણ છે તે તો વધુ ભીંસે તેવું છે. મકાનની બંધિયાર બૂ, લસણના વઘારની વાસ, કબાટના કાચમાં ટી.વી.ના સ્ક્રીનનો ભૂરો પડછાયો, માખી ચવાઈ ગઈ એવો સ્વાદ. ફર્શ પર પોતું કરતી સ્ત્રી – આ ભીંસી નાખતા વાતાવરણથી મુક્ત થવા તેનું ચિત્ત મહાનગરના ગુનાહિત વાસ્તવને દર્શાવતી ઍક્શન ભરપૂર સિનેમાની સૃષ્ટિમાં પલાયન કરે છે. વાસ્તવિકતાથી છૂટવાનો મરણિયો પ્રયાસ. પલાયન જાણે કે આત્મરક્ષણ માટે એક કવચનું કામ કરે છે. ગુનાહિત સૃષ્ટિની સાથે મેલોડ્રામેટિક સેન્ટિમેન્ટવાળી કથા માનવીય વાસ્તવનાં નિગૂઢ રૂપો દર્શાવે છે. પત્નીના ગર્ભાશયમાં ચાંદું છે, ઑપરેશન કરાવવું પડશે, પણ પત્નીની વાતને કાન દેતો નથી ને ભ્રમણાની સૃષ્ટિમાં અશ્વારોહણ કરતો રહે છે. માનસિક તાણ ઊભી કરતી સમસ્યાઓથી ભાગી છૂટવા બહુ તોડી ફોડી નાખતી ચૈતસિક સૃષ્ટિમાં પલાયન કરી માનસિક રાહત મેળવે છે. આધુનિક જીવનની બિહામણી સંતાપકારી, છિન્નભિન્ન કરતી વજનદાર, વાસ્તવિકતાથી સંક્ષોભકારી તોડફોડ કરતી સિનેમેટિક સૃષ્ટિમાં ભાગી છૂટીને જાણે કે સંતુલન સાધે છે. અશ્વગતિએ પલાયન સાધતી ચિત્તની ગતિ આધુનિક મનુષ્યની જીવનશૈલી પ્રગટ કરે છે. ‘સિસ્ટમ’ વાર્તાનું પ્યૂનનું પાત્ર ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સની કામ કરવાની ભ્રષ્ટ નીતિરીતિનું બયાન આપે છે. નામ છે રઘુનાથ મંગાભાઈ કોબાળ. જે શેઠને ઇન્ટરોગેશન માટે ડિપાર્ટમેન્ટ બોલાવે છે ને ટૉર્ચર કરે છે. મનોયંત્રણા, મારપીટ, ભયનું વાતાવરણ ઊભું કરીને અધિકારીઓ પૈસા પડાવે છે. સરકારી ખાતાની સિસ્ટમને ખાયકીની ઊધઈ નીચેથી ઠેઠ ઉપર સુધી કોતરી ખાય છે. રઘુનાથનું દામ્પત્યજીવન પણ એક ભ્રષ્ટ સિસ્ટમ બની ગયું છે. પૈસા, લાલચ અને ગણતરીને કારણે અંગત સંબંધો ભ્રષ્ટ થઈ ગયા છે. રઘુનાથ પત્ની પતિ પાસેથી વારંવાર ગિફ્ટ મેળવવાની લાલચમાં ગર્ભપાત કરાવી નાખે છે. ઑફિસ અને ઘર લોભ-લાલચને કારણે ભ્રષ્ટ થઈ ગયાં છે. ‘અશ્વારોહણ’ પછીની આ વાર્તા વાર્તાલેખનની દૃષ્ટિએ સાવ જુદી છે. ક્રાઈમ સ્ટોરી જેવું ઘટનાતત્ત્વ છે. માણસપણું ભ્રષ્ટ કરતી લાલચુ સિસ્ટમ ગૃહસ્થજીવનને પણ છિન્નભિન્ન કરે છે. જોકે વાર્તા બહુ જ વાચાળ છે છતાં કથકનો આક્રોશ સરકારી સિસ્ટમની પોલ ખોલે છે. ‘હૉટ-ચોકલેટ-સોસ’ એક સંકુલ વાર્તા છે. માનવીય સંબંધોનું અવ્યાખ્યેય વાસ્તવ નિરૂપે છે. ટીવી સિરિયલમાં અભિનય કરતાં પાત્રો, એ પાત્રોની વાસ્તવિક જિંદગીમાંના સંબંધો એ બન્નેનું સન્નિધિકરણ આભાસી અને વાસ્તવિકતાની સીમાઓને ભૂંસી નાખે છે. ઉત્તમ ગડા વાર્તાના ધ્વનિને વિધાનો અને અભિધામૂલક વાક્યો વડે સરળ કરીને નાખે છે. એમનો આશય પોતાની વાત વાચકોને સીધી પહોંચે એ છે. ટેલિવિઝન સિરિયલમાં અભિનય કરતા બે પાત્રોના સંવાદો વડે રજૂ થતી જિંદગીનું ચિત્ર. પ્રેમ, આશંકા સૅક્સનો આનંદ. પરિવારના પ્રશ્નો અભિનય કરનાર પાત્રો છે રઘુવંશી અને રેણુ. રેણુ વાસ્તવિક જીવનમાં ડિવોર્સી છે. દીકરો ધવલ. રઘુવંશી અને રેણુ વચ્ચે પ્રૉફેશનલ અને ઇમોશનલ સબંધ. રેણુ અલિપ્તતાના કાંટાળા તારની વાડ ચારે તરફ ગોઠવી મુક્ત, નવી જિંદગી જીવતી હતી. વાર્તાકારે રઘુવંશી અને રેણુ મળે છે ત્યારે રેણુના હાથનું બારીક વર્ણન કર્યું છે. એ વર્ણન રઘુવંશીની સ્પર્શ કરવાની લાગણી સૂચવે છે. એ જ રેણુના દેહનું બારીક નિરીક્ષણ, રઘુવંશીની કામી ઇચ્છાનો ઊભરો છે. રઘુવંશી શહેરમાં નવો છે પણ એને શહેર ગમવા લાગ્યું દિવસે વિચારવાનો સમય નહોતો મળતો અને રાત્રે શક્તિ નહોતી રહેતી. રેણુ સાથે રિહર્સલમાંથી સંબંધ બંધાવા લાગ્યો. ક્ષણોમાં પસાર થતા પ્રવાહોવાળો સંબંધ. રઘુવંશી પણ ડિવોર્સી. આતંકના પ્રદેશમાંથી આવતો હતો. નફરત, ઘૃણા. સંબંધોના નામ પર એણે થૂંકી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં રહેતાં બે પાત્રો એકબીજાની હૂંફ ઝંખે છે. પરંતુ નવા સંબંધની નિરર્થકતાનું ભાન પણ છે : ‘નવા સંબંધોની ભેંકાર ગુફાઓની દીવાલોમાંથી લાગણી ચૂયા કરે અને હૈયું આ અંધારામાં ફાંફાં મારતું. આ દીવાલો ચાટી ચાટી તૃપ્ત થવાની કોશિશ કરતું રહે – એ હવે એને મંજૂર નહોતું’ રઘુવંશીની અનુભૂતિ. તો બીજી તરફ ‘રેણુની આતુરતા નગ્ન થતી જતી હતી.’ રઘુવંશીએ રેણુ પાસે ફ્લેટ બુકિંગમાં ખૂટતા પૈસા માગ્યા. રેણુએ નકાર કર્યો પણ તે ક્ષુબ્ધ હતી. રઘુવંશીએ નકારના ભાવથી છુટકારો મેળવવા સિગારેટ પીધી. હૈયાની હળવાશ માણતાં એ ઊંડો કસ લઈ છોડેલા ધુમાડા પાછળથી રેણુની કાર જતી જોઈ રહ્યો. રેણુ હજુ પણ અસ્વસ્થ હતી. ‘મને કિનારા પર શા માટે લાવ્યા છો? મધદરિયે જ્યાં તોફાન ઊપડવાનું છે ત્યાં લઈ જાઓ’ આવી સંકુલ મનોદશાગ્રસ્ત રેણુ યુ-ટર્ન લઈ પાછી આવી. રઘુવંશીને શોધતી હતી. રઘુવંશી ગલ્લા પાછળ અને સિગારેટના ધુમાડા પાછળ. – અને હવે તો વરસાદ પણ – એને સંતાડતો હતો. બંને વચ્ચે એક અંતરાલ સર્જાઈ ગયો. છૂટાં પડી ગયાં. રઘુવંશી ખોવાઈ ગયો. વાર્તાનો અંત એક ટીવી સિરિયલના એપિસોડથી આવે છે. બે પાત્રો છે. દાદા અને પૌત્રી આસ્થા. દાદા ઘડપણના દર્દથી પીડાય છે. ઘરમાં ઉપેક્ષિત. આસ્થા દાદાને નિરપેક્ષ ભાવે પ્રેમ કરે છે. આસ્થા અને દાદા વચ્ચેના સંવાદો પરસ્પર માટેની તીવ્ર લાગણી વ્યક્ત કરે છે. દાદા લખવા ઇચ્છતા હતા પણ લખી શક્યા નહીં. એમને સંબંધો વિશે. સ્ત્રી-પુરુષોના સંબંધો વિશે લખવું હતું ને શીર્ષક આપ્યું હોટ ચોકલેટ-સોસ. પરોક્ષ. અમૂર્ત આડા સંબંધો. એપિસોડના અંતે દાદા મૃત્યુ પામ્યા. સડી ગયેલા સંબંધોનો અંત. એપિસોડ પૂરો. ને વાર્તા અંત પામી. ટીવી સિરિયલમાં અભિનય કરતા અભિનેતાઓની આભાસી જિંદગીની સમાંતરે અભિનેતાઓની વાસ્તવિક જિંદગીની વાસ્તવિકતા એકબીજા જોડે અથડાઈને નવો અર્થસ્ફોટ કરે છે. જીવનની શૂન્યતા, વિવશતા સંબંધોનું તકલાદીપણું ને વિસંગતિ – વાસ્તવની સીમાઓને વિસ્તારે છે, ને સમકાલીન જીવનનું સત્ય વ્યક્ત થયું છે. વાર્તાનું સૂચક વાક્ય ‘બધા સૂર્યો બુઝાઈ ગયા’ જીવનમાં સંબંધોના આવેલા અંતને સૂચવે છે. ‘ભ્રમ’ વાર્તા માનસિક રીતે અસામાન્ય પાત્રોની વિચિત્ર દશા વિશે છે. વાર્તાનો ઢાંચો નાટકનો છે. સંવાદ વડે વાર્તા લખી છે. સાયક્રીએટ્રિસ્ટ ડૉક્ટર અને નીલેશ કોટક વચ્ચેના સંવાદોથી વાર્તા બની છે. નીલેશ કોટકનાં પત્ની શેફાલી ડિલ્યુઝન – ભ્રમથી પીડાય છે. એમને ભ્રમ છે કે તે મૃત્યુ પામી છે. બંને બાળકો પણ મૃત્યુ પામ્યાં છે. શેફાલીના ડિલ્યુઝનનું કારણ છે એમની ડિવોર્સી બહેન તેજલ જે શેફાલીની સાથે રહે છે. મૉડેલિંગ કરે છે. સુંદર છે. શેફાલી એમને માટે મિશ્ર લાગણીઓ ધરાવે છે લવ અને હૅટની. શંકા કરે છે કે તેજલને નીલેશની સાથે અફેર છે. એને કારણે એ સતત ભ્રમમાં રહે છે. આ ભ્રમનો ઇલાજ કરવા માટે નીલેશ ડૉક્ટરની પાસે શેફાલીનું બેકગ્રાઉન્ડ કહેવા આવ્યો છે. એમની અને ડૉક્ટર વચ્ચેની વાતચીતમાં માનવમનની આંટીઘૂંટી જાણવા મળે છે. વીકીપીડિયા આધારિત અધૂરું જ્ઞાન, મનની ભાષા વાંચવાની ક્ષમતાથી ઊણપ. એ બંને ડૉ. રાજેશના રિપોર્ટની રાહ જુએ છે. ડૉ. રાજેશ શેફાલી વિષે શું નિદાન કરે છે. પરંતુ ફાઇલ આપી છે તેજલની. તેજલ પણ સાયક્રીએટ્રિસ્ટને મળે છે. નીલેશ વાર્તાને અંતે ડૉક્ટરને ચોટદાર વાત કહે છે કે તમારે બધાને સારવારની જરૂર છે. સાવ સરળ વાતચીતના સ્વરૂપ પાછળ માનવમન અને માનવ-સંબંધોની કુંઠાઓ વ્યંજિત થઈ છે. ‘સ્વર્ગ’ એક ઘટનાપ્રધાન વાર્તા છે. વાર્તાનાં બે મુખ્ય પાત્રો છે વાર્તાકથક હું અને એની મમ્મી. બંને પાત્રો એકબીજાને ખુશ રાખવા, આનંદ અપાવવા માટે જે પ્રયત્નો કરે છે સુખી ભવિષ્ય માટે મહેનત કરે છે તે વાર્તાનું કેન્દ્ર છે. વાર્તાના આરંભે હું અને એની મમ્મીને હવામાં તરતાં બતાવ્યાં છે. એક સ્વપ્નિલ સૃષ્ટિનું વાતાવરણ. ને વાર્તાના અંતે પણ એક સ્વપ્નિલ સૃષ્ટિનું ચિત્ર છે, સ્વર્ગનું દ્વાર છે. વાર્તા ફ્લેશબૅક પદ્ધતિએ નિરૂપાઈ છે. હું ને ઓસનપર્લ રિસોર્ટમાં જુનિયર ઍક્ઝિક્યુટિવ તરીકે ઍપૉઇન્ટમેન્ટ થઈ હતી. ચાલીસ હજારનો બૉનસ ચૅક પણ મળ્યો હતો. સિમોન બ્રેસલર નામની એક ફ્રેંચ લેખિકાનો જીવન બચાવવા બદલ એને બૉનસ ચૅક મળ્યો હતો. ઍપૉઇન્ટમેન્ટ લેટર અને બોનસના ચૅક મમ્મીને બતાવવા તે ખૂબ આતુર હતો. સરપ્રાઈઝ આપવા ઇચ્છતો હતો. મમ્મીના જન્મદિવસની ઉજવણી માટે મુંબઈની તાજ હૉટેલનું પૅકેજ લે છે. અને મમ્મીને વૈભવી જિંદગીનો આનંદ અપાવવો હતો. એનું એક મેઘધનુષી સ્વપ્ન હતું. જાણે કે બંને સ્વર્ગમાં પ્રવેશવા આતુર હતાં. મમ્મી અનાથ હતી. પિતા પણ અનાથ હતા. પિતાનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ. મમ્મી અથાણાંની ફેક્ટરીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી. બસના આઠ રૂપિયા બચાવવા રોજ ચાલીને જતી હતી. ખૂબ જ કરકસર કરતી હતી. ઘર સાવ જર્જરિત હતું. દીકરા માટે ઘર લેવા દીકરાનો પગાર કાયમ બૅન્કમાં જમા કરાવતી. મમ્મીનો જન્મદિવસ ઊજવવા મુંબઈ તાજમાં જાય છે. મમ્મીને માટે નવો ડ્રેસ, બ્યૂટી પાર્લર, તાજના વૈભવી રૂમમાં રહેવાનું – એ મમ્મીને રાજી રાખવા ખૂબ જ આવેશમાં હતો. પરંતુ મમ્મીને આ બધો વૈભવ નિરર્થક લાગતો હતો. પૈસા વેડફી નાખવા જેવું લાગ્યું. જો કે, બધું બોલી લીધા પછી મમ્મીને અફસોસ પણ થયો. આ આનંદના વાતાવરણને ડહોળી નાખ્યું. હૉટલ પર થયેલા આતંકવાદી હુમલાએ. સીમોન બ્રેસલર પણ તે જ હૉટલમાં હતી. એમના પર ઍટેક થયો. એ મરણ પામી. હુંને સાથળમાં ગોળીઓ વાગી. શૂઝ લોહીથી ભરાયેલા. મમ્મીને ગોળીઓ વાગી. મમ્મી રડતી હતી. રડવાનું કારણ દીકરાને પોતે જે નહોતું કહેવાનું તે કીધું તે હતું. ફરી હુમલો મમ્મીની આંખમાંથી લોહીનો ફુવારો. આંખ સામે લાલ અંધારું. જે અંતે સાવ કાળું બની ગયું. હુંને અફસોસ હતો કે મમ્મીને બૉનસ ચૅક ને ઍપૉઇન્ટમેન્ટ લેટર બતાવી ન શક્યો. વાર્તાનો પ્રતિકાત્મક અંત. હું મમ્મીને સ્વર્ગનો આનંદ આપવા આતુર હતો પણ મમ્મી ના પાડી રહી હતી. બીજી દિશામાં લઈ જઈ રહી હતી. ‘મને બરાબર સંભળાતું હતું. પણ હું એક મહા-મૂંઝવણમાં હતો. તમે સ્વર્ગના દરવાજે આવીને ઊભા હો અને તમારે અંદર દાખલ ન થવું હોય, તો ત્યાંથી તમે ક્યાં જાઓ?’ (પૃ. ૭૨) એ મમ્મીને સ્વર્ગમાં લઈ જવા આતુર હતો. મમ્મીએ સ્વર્ગમાં જવું નહોતું. છતાં તે પરાણે લઈ ગયો ને કરુણ અંત. દરેક મનુષ્યનું સ્વર્ગ અંગત હોય છે. એમની સમજ અને સંવેદનાએ સર્જેલું સ્વર્ગ બીજુ સ્વર્ગ સ્વીકારતી નથી. મમ્મીનું સ્વર્ગ – એમનાં સપનાં જુદાં હતાં. હુંનું સ્વર્ગ જુદું હતું. વૈભવશાળી જિંદગીની ભેટ આપીને મમ્મીને સ્વર્ગનો આનંદ આપવાનું સ્વર્ગ. એ બંને સ્વર્ગનો કરુણ અંત હિંસા વડે. વાર્તાકાર એક સાથે અનેક સ્તર પર વાર્તાને ગતિ આપે છે. તેમાં અન્ય પાત્રોનાં પણ નાનાં નાનાં સુખ છે, સપનાઓ છે, લાગણીઓ છે, ઉષ્મા છે, મિત્રતા છે. એ બધાંનું એક સૂત્રે પરોવાવું ને તેમાંથી માનવીય કરુણતાનો અર્થબોધ જન્મે છે. હિંસાની ભયાનકતા. વાર્તાકાર જરા પણ મુખર બન્યા નથી. હિંસાની ભયાનકતા મમ્મી-દીકરાના સ્વર્ગ છીનવાઈ જવાના – કરુણ અંતથી નિરૂપી છે. લેખિકા સીમોન બ્રેસલેરનું કરુણ મૃત્યુ. એની સાથે બીજા અનેક નિર્દોષ માણસોની હત્યા.
બેબી
વાર્તાનું મુખ્ય પાત્ર બકુલેશ ચોરડિયા-બીસીની પત્ની સુજાતાના આકસ્મિક મૃત્યુથી દુઃખી છે. એનું વિચારતંત્ર વેરણછેરણ થઈ ગયું છે. ઊર્મિ નામની સોળ વર્ષની દીકરી છે. બેબી કહે છે. બેબીની સલામતીનો પ્રશ્ન. બેબી માટે આચારસંહિતા બનાવે છે. ઘરમાં કેદીની જેમ રાખે છે ચાંપતી નજરે. એને ડર છે કે બેબી કંઈક અજુગતું કરી બેસશે જેમ આરતીએ બીસી સાથે કર્યું હતું. બીસીનો પ્રજ્ઞાપરાધ ભાવ વાસ્તવિકતાને સમજી શકતો નથી. બીસીની વર્તમાનથી ભૂતકાળમાં અને ભૂતકાળમાંથી વર્તમાનમાં એમ થતી આવનજાવન એમની વિક્ષિપ્ત મનોદશાને સૂચવે છે. બેબીને બેંગકોકની ફ્રી ટ્રીપની કૂપન મળી છે પણ બીસી ના પાડે છે ત્યારે બેબી રોષ વ્યક્ત કરે છે અંતે બીસી નરમ પડે છે ને જવાની ના પાડે છે. સંભવ છે બેબીએ આરતીની જેમ આપઘાત કર્યો હોય. બીસીએ સુજાતા સાથે લગ્ન કર્યું હતું તેના આઘાતથી આરતીએ આપઘાત કર્યો. બેબીએ પણ બીસીના કડક વર્તનથી આપઘાત કર્યો હોય. અપરાધભાવથી પીડાતા બીસી વાસ્તવિકતાના તાણાવાણાને ગૂંથી શકતા નથી. બેબીએ ઘર છોડી દીધું હોય. હૉસ્પિટલથી પાછા આવ્યા બાદ બીસી બેબીનો પાસપોર્ટમાં ફોટો જોઈને ધ્રુસકે ધ્રુસકે રડે છે. બેબીનો પાસપોર્ટ તો ડ્રોઅરમાં જ હતો એટલે એનો અર્થ કે બેબી બેંગકોક નથી ગઈ. ગુમ થઈ ગઈ છે મિસિંગ છે ને ફરિયાદ લખાવે છે. હૉસ્પિટલમાં લાશ જોવા જાય છે ત્યારે તે લાશ તરફ સરખું ધ્યાન પણ નથી કરી શકતા. એ ક્ષણે આરતીના આપઘાતની ઘટના યાદ આવી હશે. સુજાતાના અકસ્માતની ઘટના યાદ આવી હશે. બીસીના ચિત્તતંત્રમાં સમયની ભેળસેળ થઈ ગઈ છે તેથી વર્તમાનને ગ્રહણ કરવાની – પ્રત્યક્ષ વર્તમાનને અવગત કરી શકતા નથી. બેબીએ ઘર છોડી દીધું છે. એક અપરાધભાવગ્રસ્ત પાત્રની મનોવિક્ષિપ્ત દશાનું રહસ્યભર આલેખન.
પોઝિટિવ થિંકિંગ
એક સામાન્ય કક્ષાની વાર્તા છે. પોઝિટિવ થિંકિંગ વિશેના મોટીવેશનલ લેક્ચર્સ સાંભળવાથી મનની નેગેટિવ વિચારો કરવાની ટેવ બદલાતી નથી.
કન્ટ્રોલ + એ, ડિલિટ
આ વાર્તા એક સામાન્ય સ્તરનો પ્રયોગ છે. વાર્તા લખતા વાર્તાકારની વાર્તા. વાર્તાકારની પોતાનાં પાત્રો સર્જવાની, પાત્રોની જિંદગીમાં ઘટનાઓ- દુર્ઘટનાઓ સર્જવાની સ્વતંત્રતા ને તેમાં મેલી મુરાદથી ખદબદતું વિકૃત સર્જક માનસ. વાર્તાને આરંભે કાગળ અને પેન વડે લખવાના આનંદને વર્ણવે છે. ગજબના સુંદર સુવાચ્ય, મરોડદાર છપાયેલા હોય એવા અક્ષરોનો રોમાંચ ઓસરી ગયો છે. આજ કમ્પ્યૂટર પર લખાતી વાર્તા. વાર્તાકારે શિખા તેજપાલ અને સેજલ મુનશીને ભેગાં કર્યાં. વાર્તાકારે એક કરતાં વધુ પાત્રોનું મિશ્રણ કરીને એક પાત્ર બનાવ્યું. એકવીસમી સદીની વાર્તાલેખન પર માર્મિક ચોટ.
જિગસો પઝલ
ઉત્તમ ગડાની વાર્તાકાર તરીકેની મુખ્ય લાક્ષણિકતાઓ તદ્દન નવી છે. એમને ટેલિવિઝન અને સિનેમાજગતનો પ્રત્યક્ષ અનુભવ છે. એ જ રીતે નાટ્યકળાનો, રંગભૂમિનો. આને કારણે એમની દૃશ્ય નિરૂપણની કળા વિશિષ્ટ છે. વાચક સમક્ષ દૃશ્ય રચાતું આવતું હોય તેમ શબ્દો કૅમેરાની ગતિએ આગળ વધતા દેખાય. બીજી લાક્ષણિકતા છે વાર્તાનું એક કરતાં વધુ સ્તર પર લેખન. વાર્તાનાં કેન્દ્રીય પાત્રોની જિંદગીની સમાંતરે અન્ય ગૌણ પાત્રો જે કેન્દ્રીય પાત્રો સાથે જોડાયેલાં છે તેમની જિંદગીનું નિરૂપણ કરે છે. આ પદ્ધતિને કારણે એક સાથે અનેક પાત્રોની સંકુલ જિંદગી માનવીય વાસ્તવિકતાનું સંકુલ સત્ય રજૂ કરે છે. સુખની કલ્પનાઓ કરનારાં પાત્રોના જીવનમાં એક જ ઘટના કેટલી બધી ઊથલપાથલ કરી નાખે છે, વેરણછેરણ કરી નાખે છે. આપણા સૌની સુખદ જીવનની કલ્પનાઓ એક જ ઘટનાથી ધરાશાયી થઈ જાય છે. એક જ દુર્ઘટના માત્ર એક જ પાત્રના જીવનને નહીં પણ એની સાથે જોડાયેલાં કે ન જોડાયેલાં પાત્રોની જિંદગીનો કરુણ અંત લાવી છે. ઉત્તમ ગડાએ આ વાસ્તવ સરસ રીતે નિરૂપ્યું છે. માણસ એકલો નથી એની જિંદગીના તાર બીજા અનેકની જિંદગી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. એકને ધક્કો વાગે છે તો બીજા કેટલાયને ધક્કો વાગે છે. એક માણસનો કોઈ નિર્ણય બીજા અનેકના જીવનને અસર કરે છે. એમની અન્ય બે લાક્ષણિકતા છે. તેમાંની પહેલી છે બે કાળનું સન્નિધિકરણ. પાત્રનાં ચૈત્રસિક સ્તરે બે કાળમાં અંદરના ધક્કાથી થતી આવનજાવન વાસ્તવિકતાની એકપરિમાણી છબીને તોડી નાખે છે. ભૂતકાળની ઘટનાનો ધક્કો વર્તમાનને જુદી દિશામાં હડસેલી દે છે. બંને કાળની ઘટનાઓ બંને કાળ વચ્ચેનું સ્થૂળ અંતર ભૂંસી નાખે છે. વાચક તરીકે આપણે ખૂબ જ સભાન રહેવું પડે. નાનું અમથું વાક્ય, ક્ષણનો ફ્લેશબૅક, પાત્રોની ઉક્તિઓ કાળ બદલી નાખે છે. બીજી લાક્ષણિકતા તે ઘટનાઓ વચ્ચે કોઈ સીધું સૂત્ર ન આપવું તે. બધું હવામાં લટકતું. છેડાઓ લટકતા લાગે. પણ કોઈ મૂળભૂત સંવેદનાને જો અનુભવી શકીએ તો બધું ગૂંથાયેલું દેખાય. ઉત્તમ ગડા એક તટસ્થ તો ક્યારેક સાવ કોરા તો ક્યારેક નિર્મમ પ્રકૃતિના કથકની પસંદગી કરે છે. એ કથક જરા પણ ઊર્મિલ નથી, રોતલ નથી. પાત્રની અંતઃચેતનાનાં સ્તરોમાં પેસીને પાત્રનું સંકુલ રૂપ રચે છે. દક્ષિણ અમેરિકન કથાસાહિત્યના લેખકો અને ફિલ્મોનો જાણે કે, ખૂબ આનંદ લીધો છે! હૉલીવૂડની ઍક્શન ફિલ્મોની અસર એમની વાર્તાઓ પર છે. વાર્તાનું ગદ્યકથન, વર્ણન, આલેખન અને દૃશ્યાત્મકતા વડે ખૂબ જ સજીવ અને નક્કર છે. ‘જિગસો પઝલ’ વાર્તા ઉપરની બધી જ લાક્ષણિકતાઓ ધરાવે છે. વાર્તાની બે ભૂગોળ, અમેરિકન અને કચ્છનું ગામડું. પૂર્વજોનો વંશવેલો કે પૂર્વજોનું વંશવૃક્ષ જાણવાની તીવ્ર ઇચ્છા વાર્તાનું કેન્દ્ર છે. જિગસો પઝલ ગૅમમાં જેમ ઘણી પઝલ ઉકેલવાની છે જિંદગીમાં. અમેરિકામાં જન્મી ત્યાં ઉછરેલો સોળ વર્ષનો અનુજ માતાપિતા સાથે વતન કચ્છમાં આવે છે. અનુજને પોતાના પૂર્વજોનું વૃક્ષ જાણવું હતું. કુળનો વેલો જાણવો હતો. અનુજની પૂર્વજોનું વૃક્ષ જાણવાની ઇચ્છા વાર્તાને અંતે પૂરી થઈ છે પરંતુ એ વૃક્ષમાં ઘણી આડીઅવળી ડાળીઓ છે. પૂર્વજોની વંશાવલિમાં અનેક ચોંકાવનારી ઘટના છે. વાર્તાકારે એ બધી ઘટનાઓને ગૂંથીને અનુજની ઇચ્છાને પૂરી કરી છે. પાટડી ગામનો ડેલો. ડેલાના માલિક તખુભા. ડેલામાં ભુરભા રહેતા. કેસર એક પંદર વર્ષની કુંવરી. કેસર અને અનુજ એકબીજાને પસંદ કરવા લાગે છે. થોડી હળવી ક્ષણો, સ્પર્શ, મીઠી મશ્કરી. તેમાં સંદર્ભ આવે છે જશુબાના ઓરડાનો ને ઓરડો બધાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. કેસર અનુજને જસુબાનો ઓરડો બતાવવા રાત્રે બોલાવે છે. બંને ઓરડાના ઠંડા વાતાવરણમાં મળે છે તે પછીની સંવવનની ક્ષણો સાથે આ જ ઓરડામાં બનેલી ઘટના જીવતી થાય છે. રાજવી ગજસિંહનો પરિવાર કેશવસિંહજીના ઘરે લગ્નપ્રસંગે આવે છે. ગજસિંહની કુંવરી જશવંતી અને કેશવસિંહજીના કુંવર તખ્તસિંહની નજર મળે છે. રાત્રે આ જ ઓરડામાં સમાગમ કરે છે. જશવંતીએ કુંવરનો સ્કેચ દોરેલો ને કબાટમાં મૂકેલો – જશવંતી બાળકને જન્મ આપે છે. દાયણે બાળકને સોનીને વેચી દીધો. તખ્તસિંહ કુંવારા રહ્યા. પરંતુ સમાધાન કરી સોની પાસેથી દીકરો પાછા લાવ્યા. તે સુંદરજી. સુંદરજીનો દીકરો જયસિંહ ને જયસિંહનો દીકરો અવિનાશ ને અવિનાશનો દીકરો અનુજ. અનુજને કેસર સાથેની સમાગમની ક્ષણોના પ્રકાશમાં ભૂતકાળ દેખાય છે. કાળખંડ જુદા પણ ઘટના એક સરખી. જશુબાના ઓરડાની વસ્તુઓ રંગબેરંગી કપડાં, પેન્સિલથી દોરેલા સ્કેચ, પેટી પરનું સરનામું, પલંગ પર પાથરેલી રેશમી રજાઈ અને અનુજ-કેસરની મધુર ક્ષણોનું રંગદર્શી નિરૂપણ ભૂતકાળ પર ઢાંકેલું ઢાંકણ ખોલે છે. તખુભા અનુજને મિલકતનો ચોથો હિસ્સો આપે છે. વારસદાર બનાવે છે. અનુજ નેટિવ છોડતાં મનોમન બોલે છે કે તે ભૂતકાળનું પુનરાવર્તન નહીં કરે, કેસરને અમેરિકા લઈ જવાનું નક્કી કરે છે. પૂર્વજોની વંશાવલિમાં પડેલાં અજ્ઞાત સત્યોનું ઉદ્ઘાટન એ જ કુળની સાચી ઓળખ. નામોની હારમાળા જાણવાથી કુળની ઓળખ ન મળે.
સૅક્સ ઍન્ડ ધ સિટી
વાર્તાનું કેન્દ્ર છે પાત્ર કૃષ્ણકાંત ધામરોળ. ટૂંકું નામ કેડી. આ પણ એક ઘટનાપ્રધાન વાર્તા. કેડીના જીવનની કથા. કેડીનો જન્મ પાસદમાં. કેડીનું જીવન ખેતરો-વાડીમાં રખડીને પસાર થયું હતું. ફાધરને અકસ્માત થયો. ઓગણીસ વર્ષનો કેડી ફાધર જ્યાં સ્ટોર્સ-ઇન્ચાર્જ હતા ત્યાં કેડીને કેશિયરની નોકરી મળી. પણ શહેરમાં એનો જીવ રુંધાતો. કેડીને ગામમાં છોકરીઓ જોવા ન મળતી. સ્ત્રીઓ પરિણીત–અપરિણીત. જ્યારે મુંબઈમાં તો છોકરીઓ જ છોકરીઓ. એ સ્થિતિમાં એક વરસાદી સાંજે કેડીના જીવનમાં એક સુંદર છોકરી થોડી મિનિટ માટે આવી અને કેડીના જીવનનો એ ભાગ બની ગઈ. વરસાદી વાતાવરણમાં એક છોકરીનો ચહેરો જોયો. હલાવી નાખ્યા કેડીને. છોકરીએ કેડીને પલળતા બચાવવા પોતાની છત્રીમાં લીધા. છોકરીએ કેડીનું મન અસ્વસ્થ કરી નાખ્યું. બીજે દિવસે છોકરી ન આવી. છોકરીનું નામ નવબારની ટ્રેન પરથી નવબાર આપ્યું. એ રોજ સાંજે નવબારની રાહ જોતા. પણ એ ક્યારેય ન આવી. નવબારની રાહ જોતાં જોતાં એમની જિંદગી પસાર થતી રહી. માતાપિતાનું મૃત્યુ. વાળ ઓછા થયા, કમર મોટી થઈ ગઈ, લગ્ન કરવાનું ટાળ્યું, સ્ત્રીઓથી દૂર રહ્યા. એની સમગ્ર ચેતના નવબારની આસપાસ ફરતી રહી. નવબારને પહેલીવાર જોઈ ત્યારે કેડીને ફીલિંગ બાયોલૉજિકલ હતી, પરંતુ એ ક્યારેય બીજી વાર ન મળી ને એને જેમ જેમ ઝંખતા રહ્યા તેમ તેમ એમને લાગણીઓનું ઊર્ધ્વીકરણ થતું રહ્યું છેલ્લે એ પ્લેટોનિક લવની કક્ષાએ પહોંચે છે, સ્પિરિચ્યુઅલ સ્તર પર પહોંચી. આ શહેર પણ સૅક્સથી ભરપૂર છે. પણ કેડી તેમાં પડ્યા નહીં. સૅક્સના કાદવના તળાવ જેવા આ શહેરમાં એક કમળ જેવો શુદ્ધ. ઋષિ જેવું જીવન જીવ્યા. એ નિવૃત્તિ પછી પોતાની જિવાયેલી જિંદગીનું અવલોકન કરે છે. જિંદગી વેડફી નાખ્યાનો અફસોસ. સુખ માટે પૈસાની દોડ. તેમ છતાં તેમની જિંદગી હતી જે પોતાની રીતે જીવ્યા હતા. જીવનનો સાર પામ્યા. નવબાર કોઈ દૈવી શક્તિ રૂપે આવી હતી. એ એના આભારી હતા. વાર્તાનો આરંભ એક સૂચક દૃશ્યથી થયો છે. કેડી ટ્રેનની બારીમાંથી ગ્રાન્ટ રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર લાગેલું ‘સૅક્સ ઍન્ડ ધ સિટી’ ફિલ્મનું હૉર્ડિંગ્સ જોયું. સૅક્સ અને શહેર. કેડી પોતાની જિંદગી આ બંનેને દૂર રાખીને જીવ્યા. નિવૃત્તિ પછી કેડી રાબેતા મુજબ તૈયાર થઈ પારલાના પ્લૅટફોર્મ પર પહોંચી જતા. નવ ને બારની ટ્રેન આવતી ને તેમાં યંત્રવત્ બેસી જતા. ચર્ચગેટ પરથી એ જ ટ્રેનમાં પાછા ફર્યા. એ વખતે એમણે ગ્રાંટ રોડ સ્ટેશનના પ્લૅટફોર્મ પર ‘સૅક્સ ઍન્ડ ધ સિટી’ ફિલ્મનું પોસ્ટર જોયું. આ પોસ્ટરને જોઈને કેડીને પોતાના ભૂતકાળ યાદ આવે છે. વાર્તાને અંતે કેડી એમના રૂટિન પ્રમાણે પારલા સ્ટેશનના પ્લૅટફોર્મ પર આવ્યા. નવ ને બારની ટ્રેન આવી પણ કેડી એમાં ચઢ્યા નહીં. એ બાંકડા પર બેસી આજુબાજુ જોતા રહ્યા. એ વિચારતા હતા કે જ્યારે શહેરમાં આવ્યા ત્યારે જે શહેર ઓગણીસ વર્ષની પાતળી, બહુ રૂપાળી નહીં તોય ઠીક ઠીક દેખાવડી જેવું હતું. એ શહેર આજે પંચાવન વર્ષની બેડોળ ચરબીથી ફૂદ ફૂદ ગયેલી બીમાર, વિકૃતિઓના શિકાર બનેલી, છતાં ભારે મેકકપ નકલી વિગ અને પ્લાસ્ટિકનાં અંગો સાથે બિહામણી લાગતી, સૅક્સવિહીન સ્ત્રી જેવું થઈ ગયું હતું. એ ક્ષણે કેડીને આભાસ થયો કે નવબાર એ જ સ્લીવલેસ બ્લાઉઝ અને પીળાં ફૂલોની પ્રિન્ટવાળી સ્કર્ટમાં, હાઈ હિલવાળા શૂઝ સાથે કાળા વાળ ઝુલાવતી ઊતરી રહી હતી. નવબાર કેડીની પાસે આવી. બેન્ચ પર એમની બાજુમાં બેઠી. અને કેડીની હડપચી પકડી એમનો ચહેરો પોતા તરફ ફેરવ્યો. હૃદયના ધબકારા પૂરઝડપે ભાગવા લાગ્યા. નવબાર ઊઠીને હળવેથી કેડીના ખોળામાં બેઠી. ખભા તરફ નમી કેડીના કાનમાં કંઈક કહ્યું. શું કહ્યું તે વાર્તાકારે નથી જણાવ્યું. એ બે વાક્યો સાંભળી કેડીના આંખમાંથી ચોધાર આંસુ વહેવાં લાગ્યાં એનો અર્થ એ કે નવબારે I love you, do you love me? એ બે વાક્યો બોલી હશે. નવબારે કેડીનાં ચશ્માં બેઉ હાથે ઉતારી, એની કુમળી આંગળીઓ કેડીના તાવથી ગરમ ગાલ પર મૂકી, બેઉ અંગૂઠાથી આંસુ લૂછ્યાં. કેડીએ એ બે વાક્યોને એના આત્માની તિજોરીમાં રાખી, તિજોરી બંધ કરી દીધી. કેડીને નવબારને ફરી મળવાની, એમનો સહવાસ માણવાની ઝંખના, એમનો સ્પર્શ, વહાલ પામવાની ઇચ્છા – એ સર્વે લાગણીઓની પૂર્તિ કરતી એમની ઇચ્છાએ સર્જેલું કાલ્પનિક મિલન સાચા પ્રેમનું સ્વરૂપ છે. સૅક્સથી ખદબદતા શહેરમાં આ કક્ષાનો પ્રેમ સાવ જ જુદો છે. વાર્તાકારે કેડીના મરણની ટૂંકી નોંધ છાપામાં આવી છે તે નોંધ મૂકીને કેડીની વેદનાને અને શહેરની નિર્મમતાને વ્યંજિત કરી છે. ‘અ મૅન લાઇંગ ડૅડ ઑન પ્લૅટફોર્મ ફોર ફોર અવર્સ – એવી હેડલાઇનવાળો અહેવાલ છાપામાં પ્રકાશિત થયો. જેમાં રેલવે પોલીસની બેદરકારીની અને ખાસ કરીને શહેરની લાપરવાહી ‘અપેથી’ની ટીકા થઈ હતી. સાથે બેન્ચ પર સૂતેલા કેડીની તસવીર હતી. એની પાછળ મોટું પોસ્ટર હતું – ‘સૅક્સ ઍન્ડ ધ સિટી’ ફિલ્મનું.’ (પૃ. ૧૩૧) છાપાંના અહેવાલની ભાષા. કેડી પર દયા ખાતાં વાક્યો ને ફિલ્મનું પોસ્ટર શુદ્ધ પ્રેમની નિરાધાર દશાને સૂચવે છે. સૅક્સ માટે ભૂખ્યા શહેરમાં કેડી અને નવબારનો શુદ્ધ પ્રેમ કરુણાની અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પોસ્ટરનો સરસ વિનિયોગ.
ટુરિસ્ટ
ઉત્તમ ગડાની વાર્તાલેખનકળાનો ઉત્તમ નમૂનો ‘ટુરિસ્ટ’ વાર્તા છે. વાર્તાકારે સ્મરણવ્યાપારની પ્રયુક્તિ દ્વારા પૃથ્વી પરના જુદાં જુદાં શહેરોને -દેશોને સાંકળ્યાં છે. એ સાંકળ વડે જીવનના અર્થને શોધવાનો પ્રયત્ન છે. માનવીય સંબંધો અને પાત્રોની વ્યક્તિચેતનાના સંકુલ રૂપોનું નિરૂપણ કર્યું છે. પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડતા લગ્નતેર સંબંધોનું બિહામણું રૂપ નિરૂપ્યું છે. પતિ અને પતિના સ્વજનો દ્વારા થતું પત્નીનું શોષણ. શારીરિક દમન અને ઘરકામનો ઢસરડો. એ બધાથી સ્ત્રીની ક્યારેય મુક્તિ નથી. વાર્તાકારની ઘટના નિરૂપણની સિનેમેટિક પ્રયુક્તિએ પાત્રો અને સ્થળોને મૂર્ત કર્યાં છે જે વાચકની સંવેદનશીલતાને તીવ્ર બનાવે છે. વાર્તાનું મુખ્ય પાત્ર ટુરિસ્ટ છે. પણ એની કોઈ સીધી ઓળખ કે માહિતી નથી આપી. પણ એમનો સ્મૃતિવ્યાપાર એમના અન્ય સાથેના સંબંધો રજૂ કરે છે. વાર્તાનું પ્રથમ વાક્ય ખૂબ જ સૂચક છે. ‘પહેલીવાર ટુરિસ્ટને આ અનુભવ થયો ત્યારથી એ જીવન, જિંદગી કે જેને લાઇફ કહે છે એની વ્યાખ્યા વિશે વિચાર કરતો થઈ ગયો હતો.’ (૧૩૩) આ અનુભવ એટલે કયો અનુભવ? એ વાચકે શોધવો પડે. નૈરોબી વાર્તાનાં, ઘટનાસ્થળો છે ટૉરેન્ટો જતી ફ્લાઇટસ, સ્લોવાકીઆની રાજધાની બ્રાસ્તીસ્લાવા, મુંબઈ, દુબઈ, અમેરિકા. આ બધાં સ્થળોએ જે ઘટે છે તેનું નિરૂપણ છે. આ નિરૂપણ ટુરિસ્ટનો સ્મૃતિવ્યાપાર છે? એને થયેલા અનુભવો છે? એને સ્મૃતિભ્રંશ થયો છે? પોતાનું નામ યાદ નથી, ક્યાંથી આવ્યો છે? શા માટે આવ્યો છે. કોઈ વસ્તુ, નામ કે સંદર્ભ સાથે એનું જોડાણ થાય કે તરત જ એનો સ્મૃતિવ્યાપાર શરૂ થઈ જાય છે. જેમકે ટૉરેન્ટોની ફ્લાઇટ્સમાં ઍરહોસ્ટેસે વાઇન લેવાનું પૂછ્યું ને ટુરિસ્ટનું મન - સ્મૃતિ પહોંચી ગઈ બ્રાસ્તીસ્લાવા જ્યાં દાન્યુબ નદીના કાંઠે આવેલી કાફેમાં બેઠો હતો. વાર્તાને અંતે પણ એ જ કાફેમાં બેઠો છે ને પોલીસ તથા ગુજરાતી ભાઈ એનું નામ જાણવાની કોશિશ કરે છે. એને પોતાનું સાચું નામ યાદ નથી આવતું. એના ચિત્તમાં બધાં પાત્રો કુમાર, વિદ્યુત બધાં ઘૂસી ગયાં છે. વિદ્યુતની દીકરી ઈવાનું ઉન્માદી વર્તન. એનું સાપ માટેનું આકર્ષણ, સાપ સાથેની સંવનનની વૃત્તિ, વિદ્યુતને સાપનો ડર, વિદ્યુતનું સાપને મારી નાખવું, ઈવાનો આક્રોશ. વિદ્યુતને ગુનેગાર ઠેરવતો આક્રોશ, માધવી અને અશ્વિનનું ખંડિત દામ્પત્યજીવન, પતિના હંસિકા સાથે લગ્નેતર સંબંધ, સગડીની ગરમીમાં સસરાને રોજ બાર બાર ફૂલકાં રોટલી જમાડતી માધવીનો કલ્પનામાં પતિ સાથે વેર લેવાનો રોષ, લાચારી, દમન, અન્યાય સહન કરતી માધવીની કરુણ જિંદગી. કુમાર અને શૈલજા ભાઈ-બહેન. શૈલજાનો પતિ નિખિલકુમાર જેના દાંત સડી ગયા છે મોઢામાંથી વાસ આવે છે. નિખિલકુમાર શૈલજાને ગાલ પર લાફો મારે છે, ગેટઆઉટ કહીને કાઢી મૂકવા જેવું વર્તન. શૈલજા કહે છે કે અમેરિકામાં સુખ એનું સેલ હોય ત્યારે બહુ સસ્તામાં મળી રહે છે, પણ ટકાઉ નહીં કારણ કે સુખ ચાઈનાથી બનીને આવે છે. કુમાર દુબઈમાં અમ્યુઝમેન્ટ પાર્ક બની રહ્યો છ, તે કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. એક વિરાટ ભુલભુલામણી–મેઝ બનાવવાનો કૉન્ટ્રેક્ટ કુમારની કંપનીને મળ્યો છે. ભુલભુલામણીની રચના બહુ સંકુલ છે. એક વાર પ્રવેશ કર્યા પછી જો ભૂલા પડો તો સામે નીકળવાનું કે પાછા વળવાનું બહુ મુશ્કેલ, રિસ્ક લેનારને મજા આવે. થ્રીલ માટે પણ. શૈલજાને થ્રીલ લેવાનું ખૂબ ગમતું. શૈલજા પોતાની યાંત્રિક અને નીરસ જિંદગીમાં કોઈ થ્રીલ ઝંખે છે. વિવાન અને શૈલજા ભુલભુલામણીમાં જાય છે ને કુમારની બૂમોથી શૈલજા એકલી જ પાછી આવે છે. શૈલજાની આંખમાં ગાંડપણ હતું, પાગલ બની ગઈ જાણે! પોતાને પ્રેત માને છે. કુમારને કહે છે આપણા બંનેના કેટલાં બધાં સિક્રેટ છે! વિવાન પણ એમનાં સિક્રેટનું પરિણામ છે. શૈલજા ફરી ભુલભુલામણીમાં ભાગી જાય છે. ટુરિસ્ટ બ્રાસ્તીસ્લાવામાં દાન્યુબ નદીને કિનારે બેઠો છે ત્યાં એ જે ગીત યાદ કરે છે લાલ દુપટ્ટા ઊડ ગયા રે બૈરી હવા કે ઝોંકે સે એ જ ગીતની પંક્તિ શૈલજા અમેરિકામાં ગાય છે. વાર્તાનો અંત. પોલીસ ઑફિસર આવે છે. સાથે ગુજરાતી ભાઈ બેઠા હતા. ટુરિસ્ટને પૂછે છે કંઈ યાદ આવે છે? ટુરિસ્ટ પોતાની બધી વસ્તુઓ પાસપોર્ટ, લેપટોપ બધું જ વિઝિટર લઈ ગઈ. સુરભિના નામથી ફરી સ્મૃતિવ્યાપાર. સુરભિ અને વિરલ અનાથાશ્રમમાંથી અંકુર નામના બાળકને લેવા જવાની હતી. ખુશીથી છલકાતી હતી. પણ એ ખુશી થોડી ક્ષણો માટે જ હતી. પણ સુરભિની વાત સાંભળવામાં ગુજરાતી ભાઈને રસ નહોતો. ટુરિસ્ટને પોતાનું સાચું નામ યાદ નહોતું. જ્યારે ગુજરાતી ભાઈએ પૂછ્યું કે આ ટુરિસ્ટ કોણ છે? તે બોલે છે કે હું ટુરિસ્ટ છું. ગુજરાતી ભાઈએ નૅપ્કિન પરના શબ્દો વાંચ્યા : ‘પહેલીવાર ટુરિસ્ટ આ અનુભવ થયો ત્યારથી એ જીવન, જિંદગી કે જેને લાઇફ કહે છે, એની વ્યાખ્યા વિશે વિચાર કરતો થઈ ગયો હતો...’ (પૃ. ૧૬૩) વાર્તાનું પહેલું વાક્ય આ જ છે પણ ત્યાં પૂર્ણવિરામ છે જ્યારે છેલ્લા વાક્યમાં પૂર્ણવિરામ નથી પણ ડોટ્સની હાર છે, જાણે કે એમની વિચારવાની પ્રક્રિયાનો કોઈ અંત નથી! ‘પહેલીવાર ટુરિસ્ટને આ અનુભવ થયો ત્યારથી’ આ વાક્યખંડમાં પહેલીવાર, આ અનુભવ થયો અને ત્યારથી આ ત્રણ વિગતો ખૂબ જ સૂચક છે. ટુરિસ્ટને પહેલો અનુભવ કયો થયો હતો? ને એક પછી એક નવાં નવાં પાત્રોની જિંદગીમાં બનતી ઘટનાઓ આવતી જાય છે એ ઘટનાઓ ટુરિસ્ટને થયેલા અનુભવો છે? એ અનુભવોને સ્મરણ રૂપે કહે છે? સ્પષ્ટ થતું નથી. અને જો, એ બધા એમના અનુભવો છે તો જેનો અનુભવ થાય છે એ વખતે પોતે પોતે કયા સ્વરૂપે, કયા પાત્ર રૂપે ત્યાં હાજર હતો? પણ વાર્તાકારે એમની ઉપસ્થિતિનો કોઈ નિર્દેશ કર્યો નથી. ઈવા કોબ્રા સાપનો વીડિયો યૂટ્યુબ પર અપલોડ કરે છે ત્યારે દુબઈમાં કુમાર પણ હતો એ વીડિયો જુએ છે! તો શું વાર્તાકારે એવા કથકને સર્જ્યો છે જે પૃથ્વીના નકશા પર એક જ સમયે ઘટતી ઘટનાઓનાં દર્શન કરતો કરતો તેમના અનુભવો લેતો લેતો બધું કહેતો જાય. માનસિક સંતુલન ખોરવી નાખે એવા આઘાતક અનુભવોની અસરથી ટુરિસ્ટ પોતાની ઓળખ ભૂલી જાય. વાર્તાનો વિષય મનુષ્યના માનસિક વાસ્તવનો છે ને તેમાં સ્ત્રી કેન્દ્રમાં છે. પત્ની, બહેન, દીકરી, સંતાનવિહોણી સ્ત્રી, અને આ સ્ત્રીપાત્રો પુરુષ પાત્રોથી દમિત છે. શોષણનો ભોગ બન્યાં છે. ટુરિસ્ટ પુરુષોની ક્રૂરતા, જંગલિયત, આક્રમકતા, બીજી સ્ત્રીઓ સાથે મોજ કરવાની લંપટ વૃત્તિવાળા, ના અનુભવોથી જ ક્ષુબ્ધ છે, સ્મૃતિભ્રંશથી પીડાય છે. વાર્તા ખુલ્લા છોડાવાળી છે. તેના એક કરતાં વધુ અર્થઘટનો થઈ શકે તેવી સંકુલ છે. ઉત્તમ ગડાનાં પાત્રોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ તો પાત્રોનાં motives જાણી શકીએ.
ઍક્શન થ્રીલર
અમર પંડિત ઍક્શન થ્રીલર મૂવીનો રાઇટર છે. એમણે એક ઍક્શન થ્રીલર વાર્તાનો પ્લોટ રાજેન નાયરને સંભળાવેલો પરંતુ અમર પંડિતને સ્ટ્રોક આવી જવાથી હૉસ્પિટલમાં – ICUમાં છે ને બેડ પર સૂતાં સૂતાં એમનું દિમાગ બે દિશામાં સતત વિચારે છે. એક દિશા છે ઍક્શન થ્રીલર વાર્તાનો પ્લોટ બનાવવાનો અને બીજી દિશા છે પત્ની સેજલ અને જતીન વચ્ચેના સંબંધની. એને શંકા છે કે એ બંને ખાનગી મળે છે. આખી વાર્તા વારાફરતી આ બે દિશામાં ચાલી છે. ઍક્શન વાર્તામાં થ્રીલર વાર્તામાં સ્ત્રી-પુરુષ વચ્ચેના અવૈધ સંબંધની કથા છે. એક તરફ Fact છે બીજી તરફ Fiction. પરંતુ સેજલ જતીન વચ્ચેના અવૈધ સંબંધનું વાસ્તવ પણ વાર્તાકાર અમર પંડિતના મગજનું પ્રોજેક્શન છે. એ જ રીતે અમર પંડિતની વાર્તાનું વાસ્તવ પણ એના મગજનું પ્રોડક્શન છે. તો Fact અને ફિક્શનના વાસ્તવને જુદા કેવી રીતે પાડીશું? વાર્તાને અંત સેજલ અમર પંડિતની શંકાનું નિવારણ કરે છે ત્યારે અમર પંડિતની શંકા એ માત્ર એના દિમાગનું પ્રોજેક્શન હતી. તેથી અમર પંડિત સૂચક વાક્ય બોલે છે : ઘણીવાર આંખ નથી જોતી હોતી, દિમાગ જોતું હોય છે. અને દિમાગ એની સામે એ નહીં, એને જે જોવું હોય એ જુએ છે. કઈ વાસ્તવિકતા ખરી આંખને દેખાય એ કે દિમાગને દેખાય એ?’ (પૃ. ૨૦૮) અતિશય લંબાણ અને ચીલાચાલુ થ્રીલર પ્લોટને કારણે વાર્તા સામાન્ય બની છે.
અવગતિ
વાર્તાનો પરિવેશ અમેરિકાનું ફિલાડેલ્ફિયા શહેર અને ગુજરાતનું એક ગામડું છે. આગળ નોંધ્યું છે તેમ ઉત્તમ ગડાની વાર્તાઓ ઘટનાપ્રધાન છે. એ એક આદિ, મધ્ય અને અંતરના ક્રમવાળો પ્લોટ ઘડે છે જેમાં Flash Back અને સ્મૃતિવ્યાપારની પ્રયુક્તિ વડે ક્રમિકતાને તોડતા જાય છે ને વાર્તા બહુસ્તરીય સર્જે છે. વાર્તાનો ઘટનાક્રમ ગતિમાન બને છે પાત્રોની વૃત્તિઓ, ઇચ્છાઓ, લાલસાઓથી. પાત્રો પોતાનું જીવન જીવતાં જીવતાં જે કરે, અનુભવે હતાશ થાય, નિરાશ થાય, ઈર્ષ્યા કરે, વેર લે, સજા કરે, ઈજા પહોંચાડે, તેમાંથી સંબંધોની વાસ્તવિકતાનું સત્ય પ્રગટ થાય છે. વાર્તાના બે મુખ્ય પાત્ર. અંબુભાઈ અને સુમીબેન. વાર્તાનો આરંભ અંબુભાઈને આવેલ એક સપનાથી થાય છે. અંબુભાઈ ડૉલરનાં બંડલો ખાડામાં સંતાડે છે ને એલાર્મના અવાજથી એનો સ્વપ્નક્રમ તૂટી પડે છે. અંબુભાઈ રોકવુડ કસીનામાં જોબ કરે છે મેન્ટેનન્સ સુપરવાઇઝરની. અંબુભાઈ કસીનોમાં એકલતા અનુભવતા હતા. એમને કોઈની સાથે વાત કરવી હતી. એનું મન ગ્લાનિથી ભરાઈ આવ્યું હતું. બીજું પાત્ર સુમીબહેન. ફિલાડેલ્ફિયાના સબર્બન હાઉસમાં રહે છે. વાસંતી નામની સ્ત્રીને ભાડૂત તરીકે રાખે છે. સુમીબહેન અને વાસંતી ભાગ્યે જ વાત કરતાં. સુમીબહેનનું સાચું નામ કુસુમ હતું. સુમીબહેન ટાઇમપાસ માટે રોજ રોકવુડ કસીનો જતાં. કસીનોની બસ ફ્રીમાં લઈ જતી. દસ ડૉલરની કૂપન આપતા રમવા માટે અને દસ ડૉલર ફૂડ કોર્ટ માટે. બંને ફ્રીમાં. છેલ્લા એક વરસથી રોજ સવારના સાતથી સાંજના સાત સુધી કસીનોના સ્લોટ મશીન પર વિતાવતા. સ્લોટ મશીન્સનો વિભાગ વિશાળ. ઉંમરવાળા માટે ઓછા જોખમ સાથે રમનારાઓનો ફેવરિટ. અંબુભાઈનું કામ આ સ્લોટ મશીનોનું ધ્યાન રાખવાનું. એક વાર અંબુભાઈની નજર સુમીબહેન પર અટકી. મનોમન વિચારવા લાગ્યા કે આ તો સાલી ગુણી જાત સાથે શરત લગાવવા લાગ્યા. સુમીબહેન કાયમ એક પેનીવાળા મશીન પર બેસી જતાં. સુમીબહેનની નજર પણ અંબુભાઈ પર પડી. પણ એ થોડીવારમાં દૂર જતાં રહ્યાં. સુમીબહેને ભૂતકાળની ખાણ ખોદી નાખી – અરે! આ તો જયલો. અંબુભાઈને દિમાગની સ્ક્રીન પર ગુણીનો ચહેરો દેખાયો. એકબીજાને ઓળખી પાડતાં પહોંચી જાય છે ગામડે. વાર્તાકારે વર્તમાનના ઘટનાક્રમને Flash Backથી તોડી નાખ્યો ને નવો પરિવેશ, નવાં કાર્યો, નવી ઘટનાઓ ગુણી હલકટ. નીચલી પાયરીની બદમાશ અને ચોર હતી. સ્કૂલમાં સાથે ભણતાં હતાં. એકવાર અંબુભાઈએ ગુણીને ચોરી કરતા પકડી હતી. ગુણીએ અંબાલાલને કમર પર જોરદાર ચોંટિયો ભર્યો. બીજા હાથે બ્લાઉઝના બટન ખોલી બ્લાઉઝ ખભા પર સેરવી લીધું ને ધમકી આપી કે મારાં કપડાંમાં હાથ નાખી મારી છાતી પકડી. અંબાલાલ રોવા લાગેલા. કમરે ચાઠું પડી ગયું. સુમીબહેનને રાતે સૂતી વખતે આ ઘટના યાદ આવી તેથી ઊંઘ નહોતી આવતી. જયલાનો વિચાર કરતા હતા. સુમીબહેનનું ગામ સનાર. મૂળ નામ કુસુમ. જયલો આડી લાઇને ચડેલો ગુંડો. કુસુમના બાપા અને કાકા વચ્ચે ઝઘડો થયો. મારામારી થઈ. તેમાં જયલાએ કુસુમ પર હાથ ઉપાડયો. ઘસડી. ધકેલી. જયલાનો લગ્નવિચ્છેદ થયો. ગમે તેમ કરી અમેરિકા જતો રહ્યો. કુસુમનું લગ્ન અમેરિકન સિટિઝન નરેન્દ્ર સાથે. ડિપ્રેશનમાં જીવન. સનાર ગામનાં જયલો અને કુસુમ અમેરિકામાં બની ગયાં અંબુભાઈ અને સુમીબહેન. બંને કસીનોમાં એકબીજાને જુએ છે. સમયનું ચક્ર કેવું ઘૂમ્યું. કુસુમ નોકર જેટલાં કામો કરતી. નરેન્દ્રનું અવસાન. કુસુમ–સુમી–સુમીબહેન બની. બંને એકબીજાને મળવા આતુર હતાં સાથે સાથે એકબીજાને ધિક્કારતાં પણ હતાં. નફરત કરતા હતા. સુમીબહેન વિચારના પ્રભાવમાં તણાયાં ને જયલા સાથે કારમાં લઈ જઈ રહ્યાનું દૃશ્ય કલ્પી લીધું. પ્રેમ, મિત્રતા અંબુભાઈ પણ વિચારના પ્રવાહમાં તણાયા. સુમીને મળ્યા. ચોંટિયો ભર્યો. કુસુમે બાયલો કહ્યો હતો. તે વેર વાળી લીધું મનોમન. બંનેનું એકબીજાનું કાલ્પનિક મળવું પણ કેટલું જુદું છે, સુમીબહેનમાં પ્રેમ છે, અંબુભાઈમાં ક્રૂરતા. વાર્તાનો અંત. જબરો twist છે. સુમીબહેન કસીનો જવા નીકળ્યાં. એમણે અંબુભાઈને મળવાનું નક્કી કરેલું, પણ સમરને કારણે કસીનો જવા માટેની બસ બંધ. આખામાં પાણી આવી ગયાં. ધ્રુસકે ધ્રુસકે રડવાનું મન. સુમીબહેનનાં આંસુએ વાર્તાનું પરિણામ બદલી નાખ્યું. પીડા, વેદના, એકલતા ફરી વળી. અંબુભાઈની બદલી એટલાન્ટિકા સિટીના કસીનોમાં. અંબુભાઈએ બિયર વધારે પીધલો. અમિત અવસ્થી નામે લોગ ઈન કરી ફેક ફેસબૂક એકાઉન્ટ ખોલ્યું. સુમીબહેન ઈશિતા બક્ષી નામે. અને બંને બનાવટી નામે વાતો કરતા. એકબીજાથી પરિચિત છતાં અપરિચિત હોવાના દંભ સાથેનો પરસ્પરનો વ્યવહાર એક મોટી બનાવટ છે. વાર્તાકારે સ્પષ્ટ વિધાનોમાં માણસની લાલસાની વાત લખી. સપનાં એ આપણી લાલસા છે. સાચાં ન પડે તો લાલસા અતૃપ્ત રહી જાય. અને અતૃપ્ત લાલસાવાળા આત્મા અવગતિએ જાય. લાલસા પર્વતોના કાળાભીના ખડકો નીચે સંતાયેલા સાપ જેવી હોય છે. એ આવો એક સાપ આજે સરકીને બહાર આવ્યો હતો. લાલસા ક્યારેય તૃપ્ત થશે નહીં. બધાં ઑનલાઇન ઑફલાઇન અવગતિએ જશે. વાર્તાકારે વંધ્ય અને સંક્રમણશૂન્ય વર્તમાન માનવજીવનનું સત્ય મુખર બનીને નોંધ્યું છે.
અણધારણા
અગ્રંસ્થ વાર્તા. પ્રકાશન સાહચર્ય વાર્ષિક ૨૦૧૭. તંત્રી : ભરત નાયક. સં. ગીતા નાયક ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૮મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ રાત્રે ૮ વાગે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી રદ કરવાની જાહેરાત કરી હતી. એ નોટબંધીને કારણે આપણા દેશમાં જૂની નોટને નવી નોટમાં બદલવાની આખી પ્રક્રિયા થઈ હતી. તેમાં ઘણી ખોટી પદ્ધતિઓનો પ્રયોગ થયો હતો. એ આખી ભ્રષ્ટ વ્યવસ્થા અને તેમાં સંડોવાયેલી સંગ્રહખોર ગૅંગમાં વેપારીઓ અને રાજકારણીઓ હતા. એ લોકો આ વાર્તાની પાર્શ્વભૂમિકામાં છે જ્યારે અગ્રભૂમિકાએ બે ગરીબ યુવાનો છે ધવલો અને જોગી. ઉત્તમ ગડાની અન્ય વાસ્તવપ્રધાન વાર્તાઓની જેમ આ વાર્તાનું વાસ્તવિક જગત મુંબઈ છે, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબલોકો છે. ધનલાલચુ વેપારીઓ અને નેતાઓની તુલનાએ આ ગરીબ લોકોની જીવનભાવના ઉદાત્ત છે. એમના નાના નાના અમથા સુખનો સંતોષ છે. પોતાના જીવનમાં સુખી છે. વાર્તાકારે વાર્તાનો ઘટનાક્રમ Flash Back વડે તોડ્યો છે. પણ એ Flash Back વાર્તાનું પાત્ર ધવલાના આંતરમનને સમજવામાં ખૂબ જ ઉપયોગી છે. ધવલો જોગી સાથે ટૅમ્પો ચલાવવાનું કામ કરતો. જોગી બાઉજીના માટે કામ કરતો હતો. જોગી અને ધવલો કીટાણુનાશક દવાના ડબ્બાના કોથળા લેવા આવ્યા ત્યારે બાઉજી દાદા બન્યા તેના માનમાં પાર્ટી રાખી હતી. બાઉજી મિનિસ્ટર હતા. કાળા ભૂરા સૂટવાળા માણસો, હીરાવાળી સ્ત્રીઓ, ધવલની નજર એક છોકરી પર પડી તે મંદા જેવી હતી. આ મંદાના પાત્રનો સંદર્ભ આગળ આવે છે. ટૅમ્પોમાં માલ ભરાય છે. ટૅમ્પો ચાલુ કર્યો. રસ્તામાં બે જણ ભારે સળિયા સાથે જોગી પર તૂટી પડ્યા. મારીને બંને જણ ગાયબ થઈ ગયા. આ ઘટનાની તીવ્ર અસર ધવલને થઈ અને એને એક વર્ષ પહેલાની ઘટના યાદ આવી ગઈ. ધવલો ગામમાં રહેતો હતો. ઉંમર સોળ વર્ષની. ખુશમિજાજી. એક દિવસ અંકિતા નામની છોકરીને સાયકલ પર બેસાડી. ધવલો નિમ્ન વર્ગનો, અંકિતા ઊંચા વર્ણની. બાર જણનું ટોળું આવ્યું ઘરમાં ઘૂસીને ધવલાને ખૂબ માર્યો. ધવલો ગામ છોડીને જેમતેમ મુંબઈ આવ્યો. પોલીસે જે. જે. હૉસ્પિટલમાં દાખલ કર્યો. અનુજ રામાણી નામના ડૉક્ટરે ખૂબ સેવા કરી. શહેરની ફૂટપાથ પર આવી ગયો. મજૂરી કરતો. જીવનમાંથી રસ ઊડી ગયેલો. લાગણીઓને લકવો થઈ ગયો હતો. બંધાતાં મકાનોનાં હાડપિંજરમાં સૂઈ રહેતો. બંસીદા નામના માણસ સાથે પરિચય થયો. એમની પત્ની મંદા. એનો ચહેરો એસિડ ઍટેકને કારણે કદરૂપો. બંસીદાને ગેંગરીન થઈ ગયો. તે ભાગી ગયો. ધવલાને ઝૂંપડી મળી. જોગીને મળ્યો. સ્થિતિ સુધરવા લાગી. જોગી પરના હુમલાને ત્રણ મહિના ત્રણ મહિના વીતી ગયા. ધવલો ખૂબ ઉદાસ રહેતો. જોગી બાઉજીના કીટાણુનાશક દવાના કોથળા ધવલાની ઝૂંપડી નીચેનો ગોદામમાં ભેગા કરતો. ધવલો વિચારમાં હતો ને ઊભો થઈ હાથમાં છરી લઈ નીચે જવા લાગ્યો. મંદાએ પૂછ્યું આ કોથળામાં શું છે? કીટાણુનાશક દવા. ધવલાએ એક કોથળો આગળ ખેંચી છરીથી એના મોઢા પર બાંધેલી સૂતળી કાપી કોથળો ખોલ્યો તો હજાર હજાર રૂપિયાની નોટોનાં બંડલની થપ્પી. બસો અઢીસો કોથળા ભરેલા હતા. ધવલના ચહેરા પર જરાય ભાવ બદલાયા નહોતો. એને તો કીટાણુનાશક દવા પીને મરી જવાનો વિચાર કરેલો. એ તો નોટો પાથરીને સૂઈ ગયો. ધવલાને સપનું આવ્યું. પોતાના મરણ પછીનું બેસણું. કાચની ફ્રેમમાં જડાયેલો ધવલો બહાર નીકળવા તરફડતો હતો. હજાર રૂપિયાની નોટની જાજમ પર ધવલો સફાળો જાગીને આમતેમ જોવા લાગ્યો. ત્યાં ધવલાને ઉતાવળ લાગી પણ પાણીનો ડબો ના મળ્યો તે છેવટે હજારની નોટોનું એક બંડલ ખોલી એમાંથી દશેક નોટ ખેંચી કાઢી એ નાળા તરફ ભાગ્યો. ક્રિયા પતાવી નોટો જમીનમાં દાટી દીધી. ધવલાનું નિસ્પૃહી મન માની ન શકાય તેટલી ઊંચી કક્ષાનું! વાર્તામાં હવે જબરો વળાંક આવે છે. ધવલનો આજે જન્મદિવસ હતો. મંદાએ ડ્રાઇવિંગ લાઇસન્સમાં જોઈ હતી. ધવલાને નવડાવ્યો. સાબુ ચોડી ઘસીને નવડાવ્યો. કોરો કુરતો લેંઘો કાઢ્યો. સરસ જમવાનું ચિકન બિરયાની. મંદાનું વહાલ. મંદાના પ્રેમે એની ભૂખ ઉઘાડી હતી. એ બરાબર જમ્યો. એ વખતે ટીવીના દરેક ચેનલ પર વડા પ્રધાનનો ચહેરો દેખાતો હતો. એ વખતે મંદા આવી. નીચે એના પગ પાસે બેઠી. બેય ઘૂંટણ પકડી એના (ધવલાના) પગ ખોલી એ વચ્ચે સરકી. હાથ નાડા પર ગયા. નાડું ખોલી નાખ્યું. મંદાનો સ્પર્શ. ધવલા સાથે રમવા લાગ્યા હાથ. ધવલાને થયું કાચની પાછળ છે, ફ્રેમમાં પુરાયેલો. અંકિતા સાથે બનેલી ઘટનાનો આઘાત ધવલ ભૂલી શક્યો નહોતો. એ વિચ્છેદના આઘાતે એને નિર્જીવ બનાવી દીધેલો. તે આજે મંદાના સ્પર્શે એ આઘાત જાણે ઓસરવા લાગ્યો. ધવલનો નવો જન્મ જાણે! મંદા વિસ્ફારિત આંખે એને જોઈ રહી – એણે એના બંને હાથ મંદાના વાળમાં ડુબાડી પકડી રાખ્યા. ધવલાએ એક ક્ષણ પાર્ટીમાં જોયેલી કાળા ડ્રેસવાળી છોકરી યાદ આવી ગઈ. મંદાને ગાંડપણ ઊપડ્યું. પાશવી અવાજો કાઢવા લાગી. ચેતના ઓસરતી એના બે પગ વચ્ચે ગંઠાઈને અટકી પડી હતી. મંદા એને ઝનૂન સાથે છુટકારો અપાવવા મંડી પડી હતી. વિદેશી ચેનલ પર રીમોટ અટક્યું. તેમાં એક વાક્ય હતું. ‘Magical realism is defined as what happens when a highly detailed realistic setting invaded by something to strange to believe’ (મેં આ વાક્યના લેખકનું નામ શોધી લીધું : તેનું નામ Matthew Strecher છે.) એક તરફ ટીવી ચેનલ પર વડા પ્રધાનનું ભાષણ ચાલતું હોય એ જ ક્ષણે મંદા સ્પર્શથી ધવલાને સૅક્સનું સુખ આપતી હોય! આ વાસ્તવિક ઘટના માની ન શકાય તેવી છે. ગોદામમાં હજારની નોટોના કોથળા ભરેલા છે. પણ ધવલા-મંદાને એનો મોહ નથી. એમનું સુખ છે પરસ્પરના પ્રેમમાં. મંદાના સ્પર્શથી ધવલાની આંખો અડધી બંધ હતી. એનું હાંફવાનું વધુ તેજ થતું હતું સાથે સાથે મંદાનું પણ. અને ધવલાએ એક દબાયેલી રાડ સાથે મંદાનું માથું એના બે પગ વચ્ચે કચરી નાખવું હોય એમ દબાવી દીધું. બંનેને હોશમાં આવતા લાંબી ક્ષણો લાગી. વાર્તાનો અંત. અચાનક કોઈ દરવાજો ધડધડ હચમચાવતું હતું. અજાણ્યા જણ અંદર આવ્યા. તે ધવલાને સવાલો પૂછવા લાગ્યા. ધવલાએ બધા જવાબો હામાં આપ્યા. એ ગોદામમાં ગયા. એ બાજુએ ધવલાએ મંદાનો હાથ પકડી બેડ પર બાજુમાં બેસાડી. સાયુજ્યની અને કૃતજ્ઞતાની સુંદર ક્ષણ. મંદા એના ખભા પર માથું મૂકી બેસી રહી. એ બંનેને દુનિયાની કોઈ ભૌતિક વસ્તુ માટે લાલચ નહોતી. એ બંનેને મૂલ્ય હતું સહવાસનું, હૃદયના અનુબંધનું. ટીવી ચાલુ હતું અને હજી વડા પ્રધાન દેખાતા હતા. એ હજાર રૂપિયાની અને પાંચસો રૂપિયાની નોટ વિશે કંઈ કહી રહ્યા હતા. જેમાં ન તો ધવલાને કોઈ રસ હતો ન મંદાને. મંદાના સ્પર્શથી ધવલાને પરમ ક્ષણનો આનંદ મળ્યો. મંદાને પણ. મંદાના સ્પર્શથી ફ્રેમમાં જડી દેવાયેલા ધવલાની મુક્તિ થઈ. એ ઊંડા આઘાતમાંથી મુક્ત. એ તરફડતો હતો બહાર આવવા માટે. એ આજે મંદાના સ્પર્શ બહાર આવ્યો. ધવલા-મંદાની પરમસુખની ક્ષણનું મૂલ્ય અમૂલ્ય છે. એ સુખ કોઈ ભૌતિક વસ્તુ ન આપી શકે. એ સુખ આપી શકે પરસ્પર માટેનો નિઃસ્વાર્થ પ્રેમ. ભૌતિક સુખસગવડો અને ધનલાલસા માટે ભ્રષ્ટ થતી જતી પ્રજાને સાચા સુખનું સત્ય આપે છે ધવલ-મંદા. સામાન્ય છતાં અસામાન્ય ને ગરીબ છતાં ઉદાત્ત. ઉત્તમ ગડાની વાર્તાઓ વિષયવસ્તુ અને નિરૂપણરીતિ એમ બંને રીતે એમના અન્ય સમકાલીન વાર્તાકારોથી જુદી પડે છે. એમનું વાસ્તવિક જગત મનોયંત્રણા અને કુંઠિત મનોદશાનું છે. વાર્તાકારે લેખન-નિરૂપણની ટેક્નિકની સાથે ટીવી અને સિનેમાકળાની દૃશ્યરચનાની અને રીતિઓનું સંયોજન કર્યું છે. આ સંયોજનોને કારણે વાર્તા વાંચીએ ત્યારે નજર સામેથી એક પછી એક દૃશ્યો પસાર થતાં હોય તેવો અનુભવ થાય છે. વાર્તા દૃશ્યોની બનેલી છે જાણે! ઉત્તમ ગડાની વાર્તાઓને રસાવાદની ભૂમિકાએ નહીં પામી શકીએ. વાર્તાનાં ઘટકતત્ત્વોની કાર્યસાધકતાની ભૂમિકાએ પણ નહીં. ઉત્તમ ગડાની વાર્તાઓનું અર્થઘટન કરવા માટે પહેલી જરૂર એમના કથન-વર્ણન-આલેખનને બારીક નજરે વાંચવાની. એમની Craftsmanship વિશિષ્ટ છે. એમની બેકાળનું સન્નિધિકરણ કરવાની ટેક્નિક છે તેને કારણે પાત્રના જીવનની ગહન વાસ્તવિકતાની અનુભૂતિ થાય છે મનુષ્યના અજ્ઞાત મનની સૃષ્ટિને વાર્તા દ્વારા મૂર્ત કરી છે. એ સૃષ્ટિ અનેક ભાવસંવેદનોની બનેલી છે. એ ભાવસંવેદનો સાથે તાદાત્મ્ય કેળવવીએ તો જ વાર્તાનું રહસ્ય પામી શકીએ. ડૉ. હીરેન્દ્ર પંડ્યા અને શ્રીમતી આશકા પંડ્યાએ ઉત્તમ ગડાની વાર્તાઓનો મનોવૈજ્ઞાનિક અભિગમથી સરસ અભ્યાસ કર્યો છે. શ્રી રઘુવીર ચૌધરીએ દિવ્યભાસ્કરની પૂર્તિમાં પરિચય આપ્યો છે. ઉત્તમ ગડાની વાર્તાઓનું વિશ્લેષણ કરવા માટે સાચું ઓજાર મૅજિક રિયાલિઝમની વિભાવના છે. શ્રી હીરેન્દ્ર પંડ્યા અને સુશ્રી આકાશ પંડ્યાના વિવેચનગ્રંથમાંથી ઉત્તમ ગડાની વાર્તાઓનું વિશ્લેષણ કરતું એક અવતરણ નોંધું છું. ‘સમકાલીન વાર્તામંથન’ (પ્ર. આ. ૨૦૨૪) વિવેચનગ્રંથમાં પંડ્યાદંપતીએ આશરે ૫૦ પૃષ્ઠમાં ‘વાર્તાકાર ઉત્તમ ગડાઃ કેટલાક વિશેષો’ શીર્ષકથી સર્વાંગી સમીક્ષા કરી છે. પ્રયોગશીલ સિનેમા, માનસશાસ્ત્રના અભિગમો અને ટૂંકી વાર્તાની સ્વરૂપલક્ષી વિભાવના અને ત્રિવિધ ભૂમિકાઓ ઉત્તમ ગડાની વાર્તાઓની કલાત્મકતા વર્ણવી છે. ‘ઉત્તમ ગડાની વાર્તાઓનો પરિવેશ મહાનગર મુંબઈનો છે. વિશાળકાય ઇમારતો, ધક્કામુક્કી અને ભીડથી ભરેલી ટ્રેન-બસ, ઑફિસ અવર્સમાં યાંત્રિક રીતે દોડતા માણસો, એ બધાં પર છવાઈ જતી ચમકદમક અને સિનેમાનાં વિશાળકાય પોસ્ટરો – આ બધું આંખમાં આંજીને વાસ્તવિકતાથી છૂટવા મથતો, પોતાની જાતને વામણો માનતો શહેરનો માનવી એ શહેરી સંસ્કૃતિની ઓળખ કે અભિશાપ – જે ગણો તે- છે. તેનું નિરૂપણ ઉત્તમ ગડા પોતાની વાર્તાઓમાં કરે છે.’ (પૃ. ૯૯૮) ઉત્તમ ગડાની વાર્તાઓ એક કરતાં વધુ પ્રકારના વાસ્તવથી બનેલી છે. વાસ્તવ, પરાવાસ્તવ, મેજિકલ વાસ્તવ, કપોળકલ્પિત, દિવાસ્વપ્નો, તરંગો, આંતરચેતના પ્રવાહ, મનોરોગોનું વાસ્તવ, ભ્રમણા. અને દુઃસ્વપ્નોનું વાસ્તવ. આ બધાં વાસ્તવ મળીને બને છે જીવનનું પરમ વાસ્તવ જે સુગ્રાહ્ય નથી. તર્કથી પર છે.
સંદર્ભસૂચિ :
૧. ‘સમકાલીન વાર્તામંથન’, હીરેન્દ્ર પંડ્યા. આકાશ પંડ્યા. પ્ર. આ. ૨૦૨૪, પ્રકા. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
૨. ‘સંક્રાન્તિ : સર્જાતી ગુજરાતીની પ્રતિનિધિ વાર્તા’, સંપા. જયેશ ભોગાયતા, પ્ર. આ. ૧૯૯૪. પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ
૩. ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’, સંપા. જયેશ ભોગાયતા, પ્ર. આ. ૨૦૧૩ : પ્રકાશન પ્રકાશમંત્રી પ્રફુલ્લ રાવલ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ
ડૉ. જયેશ ભોગાયતા
કવિ, વાર્તાકાર, સંશોધક, સંપાદક
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૯૮૨૪૦૫૩૨૭૨.
Email: tathapi2005@yahoo.com