zoom in zoom out toggle zoom 

< ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો

ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કનુ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર કનુ આચાર્ય

પ્રભુદાસ પટેલ

Kanu Acharya.jpg

સર્જક પરિચય :

નવલકથાકાર, વાર્તાકાર, સંશોધક-સંપાદક, રેખાચિત્રકાર એવા કનુ આચાર્યનો જન્મ ૧૪.૧૦.૧૯૪૯ના રોજ સાંતલપુર(બનાસકાંઠા) તાલુકાના વારાહી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમશીભાઈ અને માતાનું નામ કુંવરબા હતું. તેમણે પ્રાથમિકથી માંડીને માધ્યમિક સુધીનું શિક્ષણ ગામની વારાહીની સ્કૂલોમાં પ્રાપ્ત કરેલું. પિતાજીને થયેલો અસાધ્ય ટી.બી.નો હુમલો અને એકાદ-બે વર્ષ પછીના તેમના દેહાવસાનને કારણે પિતાજીની હાટડી ચલાવવાની જવાબદારી આવી પડતાં આ સર્જકે ધોરણ ૧૧ સુધીનું શિક્ષણ માંડ માંડ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પૂરું કરેલું. ઓલ્ડ એસ.એસ.સી પછી પ્રાથમિક શિક્ષકની નોકરી મળતાં તેઓએ વારાહી અને ભાંભરમાં ફરજ બજાવેલી. કૌટુંબિક આર્થિક જવાબદારીઓ વચ્ચે પણ તેમણે બી.એ., એમ.એ. અને બી.એડ. સુધીનું એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે શિક્ષણ પ્રાપ્ત કરીને, પ્રાથમિક શિક્ષકથી માંડીને માધ્યમિક શાળાના આચાર્ય (ડાયસ માધ્યમિક શાળા) સુધીની મૂલ્યનિષ્ઠ ફરજ બજાવીને હાલ તેઓ વયનિવૃત્ત થઈ સર્જનમાં પ્રવૃત્ત છે. તેમની શિક્ષક અને આચાર્ય તરીકેની કારકિર્દી રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે પોંખાઈ છે. તેમની કેટલીક વાર્તાઓ વાર્તાસ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે પોંખાઈ છે. તો ‘સખી બદલો સમણાં’ (નવલકથા) તથા ભોપલો બકાવી ગયો બાકી’ (હાસ્ય વાર્તાસંગ્રહ)ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

બ્રાહ્મણોની વસ્તી વચ્ચે પાંગરેલા આ સર્જકને બાળપણથી જ રામાયણ, મહાભારત અને વિશ્વકર્માપુરાણ સાંભળવાનો લાભ મળેલો, તેના પરિપાકરૂપે જ તેઓ પણ ચોથું ભણતા ત્યારે ફળિયાનાં બાળકો સમક્ષ ‘દેવી ભાગવત’ની કથા માંડતા. વળી નાની વયથી જ કેળવાયેલો વાચન શોખ તેમની લેખન પ્રવૃત્તિનું પણ નિમિત્ત બનેલો.

કનુ આચાર્ય પાસેથી ૧૫ સંશોધન-સંપાદન, ૧૦ ધાર્મિક સાહિત્ય અને ૭ નવલકથા, ત્રણ ટૂંકીવાર્તા તથા પાંચ રેખાચિત્ર સ્વરૂપનાં પુસ્તકો સાંપડે છે. લોકસાહિત્યના સંશોધન અને સંપાદન નિમિત્તે તેમણે ફિલ્ડવર્ક કર્યાં હશે, લોકસંપર્ક કર્યા હશે, લોકોનાં હૃદય જીત્યાં હશે, લોકોના સમાજ અને સંસ્કૃતિને પચાવી હશે, અને લોકનાં હૃદય સુધી પહોંચવા અને સમજવા માટે તેમની લોકબોલીને પણ અંકે કરી હશે – તેથી જ આ સર્જકના સર્જનાત્મક સાહિત્યમાં સમાજ સાથેની નિસબત અને હાંસિયાના સમાજનું તેની બોલી સમેત હૂબહૂ પ્રતિબિંબ ઝિલાતું પ્રતીત થાય છે.

‘આંતર-બાહ્ય’, ‘ગાંધીનો દીકરો થા મા’ અને ‘પિયાલો’ તેમના વાર્તાસંગ્રહો છે. અહીં વાર્તાકાર કનુ આચાર્યની વાર્તાકલાને ચર્ચવાનો ઉપક્રમ સેવાયો છે.

વાર્તાકાર કનુ આચાર્ય (૧) આંતર-બાહ્ય (પ્ર. આ. ૨૦૧૧, પૃ. ૧૫૫)

Aantar-Baahya by Kanu Acharya - Book Cover.jpg

પુસ્તકના આરંભે મુકાયેલી સર્જકની પ્રસ્તાવનામાં લોકસેવા અને સમાજ ઉત્કર્ષનું કામ કરનાર તથા લેખકને સમાજસંમુખ કરનારા લોકકર્મી-લોકધર્મી મહેશભાઈ ભણશાલી, દોલતભાઈ પરમાર અને ‘રખેવાળ’ના તંત્રી અમૃતભાઈ શેઠ પ્રત્યે વ્યક્ત થયેલી કૃતજ્ઞતામાં સર્જકની સમાજ પ્રતિબદ્ધતાનો સુપેરે પરિચય થાય છે. ઉપરાંત ફારૂક શેખના ‘હાંસિયાને તાગવા મથતો સર્જકીય પુરુષાર્થ’ નામના લેખમાં વાર્તાકાર કનુભાઈ આચાર્યની સમાજ પ્રતિબદ્ધતા અને વાર્તાકળાનો સંક્ષિપ્ત તારણો રૂપે સરસ નિચોડ મળે છે. આ સંગ્રહની ૧૧ વાર્તાઓ વસ્તુનાવીન્ય દાખવે છે. ઉપરાંત આગવું ભાવસંવેદન, ભાષા અને પરિવેશ – આ વાર્તાઓના વિશેષો છે.

‘આંતર-બાહ્ય’, ‘મૂઆ કાળીયા’, ‘કૂણા પાનનો સડો’, ‘દોરડું’ અને ‘એ જ કાટલાં’ જેવી રચનાઓમાં ગ્રામ્ય તળલોકના સરાણિયા, બજાણિયા, નટ અને ઠાકોર જેવા વિચરતા-વિમુક્ત સમુદાયોના જીવનસંઘર્ષ, સારપને અને સમાજવ્યાપ્ત બાળમજૂરી, અફીણના વ્યસન અને સ્ત્રીના અવમૂલ્યને નિરૂપવાનો ઉપક્રમ પ્રાપ્ત થાય છે. આ રચનાઓમાં લોકકર્મી-સંશોધક કનુ આચાર્ય વાસ્તવના કલારૂપાંતરમાં સફળ બનતા ડોકાય છે.

સર્વજ્ઞ કથનકેન્દ્રમાં કહેવાયેલી ‘આંતર-બાહ્ય’ વાર્તામાં મુખ્યપાત્ર મોહન ભગતની સ્મૃતિરૂપે અને તેમના દૃષ્ટિકોણથી ક્ષુધાપીડિત સરાણિયાઓએ કરેલી કબૂતરોની હત્યાને કેન્દ્રમાં રાખીને સરાણિયા પુરુષો, સ્ત્રીઓ અને નિર્દોષ બાળકો પર પોલીસ તથા ગામલોક દ્વારા થતી નિર્મમ મારામારી અને હિંસાનું હૃદયવેધક નિરૂપણ થયું છે. મોહન ભગત આ કથાના નાયક છે. જેઓ ભગત તરીકે દરરોજ કરતાલ વગાડીને ગામમાં પ્રભાતફેરી ફરે છે, બે-ચાર ભજન ગાય અને ગામમાંથી થોડા દાણા ભેગા કરીને પંખીઓને નાખે છે. પરંતુ એક દિવસ સવારમાં ભગત પક્ષીઓને દાણા નાખતા હોય છે ત્યારે સરાણિયાઓને કબૂતર મારતા જોઈ ગયેલો ધુડો મેરાઈ ભગતનું ધ્યાન દોરે છે અને વાત ગામમાં ફેલાઈ ગયા પછી, ‘આ તો પાતક થયું કહેવાય.. ગામ ક્યારે સુખી ન થાય’ – એમ માનતું ગામલોક હોબાળે ચડે છે. મોહન ભગતના નામે પોલીસ ફરિયાદ થાય છે અને પછી તો પોલીસની હાજરીમાં સરાણિયાઓને ‘મારો, પાપીઓને મારો.. ઠોકો... તમ તમારે, ઠોકો સરાણકાંને... હેડમાં ગાલી દ્યો હેડમાં’ – જેવા શોર, બૂમ-બરાડા અને કિકિયારીઓ વચ્ચે પોલીસ એકએક કરીને સરાણિયાઓને ભગત સમક્ષ ઓળખ રજૂ કરવા કહે છે. પુરુષ, સ્ત્રીઓ અને બાળકોને ઢોરમાર મરાય છે, ગાળો ભંડાય છે. સરાણિયાઓ પરના ત્રાસથી વ્યથિત મોહન ભગત ચક્કરભમ્મર દશામાં ‘મને કંઈ સૂઝતું નથી’ એમ કહીને બેસી પડે છે, ત્યારે શામળભગત અને ઉશ્કેરાયેલા જુવાનિયાઓ ભગત પાસે દોડી જાય છે. ધૂડો મેરાઈ દોષનો ટોપલો મોહન ભગત પર નાખતાં ખોટી ફરિયાદ બદલ ભગતને જ બાનમાં લેવાનું કહે છે. જ્યારે મરેલાં કબૂતર મળે છે, ત્યારે ગામલોકો કિકિયારીઓ કરે છે. ‘ગામ આખાને પાપ લાગે’, ‘પાપ ધોવા માટે ગામના મંદિરે જગન કરવો પડશે’ એવું લોકમુખે ચર્ચાય છે. ઝનૂને ચડેલા યુવાનો ભગતને એક બાજુ રાખીને ખુદ ફરિયાદી બનવા તૈયાર થાય છે. સરાણિયાઓને ઠુંસીઠુંસીને ડબ્બામાં ભરવામાં આવે છે અને આખું ટોળું પોલીસ સ્ટેશને ઊમટે છે. બીજા દિવસની સવારે મોહન ભગત પ્રભાતફેરી કે દાણા લેવા ફરકતા નથી ત્યારે ખડખડાટ હસી પડેલા શામળભગત મણીમાને કહે છે, “મણીમા, ચિયા મોઢે આવે? ભગતીનો કાચો રંગ હતો ને, તે ઊતરી જ્યો.” સરાણિયાઓ સાથેના ત્રાસનો આ આખો ઘટનાક્રમ દિવસ વીત્યા પછી, રાત્રે ઊંઘી ન શકતા મોહન ભગતની સ્મૃતિઓ રૂપે મૂકીને સર્જકે તેમના દૃષ્ટિકોણથી સરાણિયાઓ પરના ત્રાસના હૃદયવેધક દૃશ્યોરૂપે વસ્તુગ્રથન કર્યું છે. રાત્રે ઊંઘી ન શકતા ભગત તેમને ગુરુએ શીખવ્યું છે તેમ, ઇંગળા, પિંગળા અને સૂક્ષ્મણાના જોગ સાધે છે ત્યારે તેમના મનમાં સરાણિયાઓના ત્રાસનું કોઈ ને કોઈ દૃશ્ય તાદૃશ થઈ આવતાં, પ્રતિક્રિયારૂપે ક્યાંક ભગત ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરે, મુઠ્ઠીઓ ભીંસીને બોલી પડે, પથારીમાંથી હડફ દઈને બહાર ધસી જાય અને તેમને ઉબકા આવવા – જેવી વિવિધ પ્રતિક્રિયામાં ભગત જાગી પડે, તેમની પત્ની તેમને ખાવાનો આગ્રહ કરે, પતિ-પત્નીના સંવાદો સધાય અને વળી મન એકાગ્ર કરવાની વૃત્તિમાં ત્રાસનું કોઈ દૃશ્ય જોતાં ભગત છળી પડે. આ પ્રકારની ક્રિયા-પ્રતિક્રિયાઓમાં કથન, દૃશ્ય, વર્ણન, સર્જનભાષા અને (ભૂખ માટે) ભૂંડના કલ્પનના સંયોજનથી ચુસ્ત વસ્તુસંરચના સિદ્ધ થઈ છે. અહીં બન્ને હિંસાની સંનિધિ બનેલા ભગતને સરાણિયાઓને ભોગવવા પડતા ત્રાસ આગળ પેટક્ષુધામાં કબૂતર મારવાની થયેલી હિંસા જાણે કે ફિક્કી લાગે – તેવો સર્જક દૃષ્ટિકોણ પણ સુસ્પષ્ટ થાય છે. વળી જે બાહ્ય બની ગયું છે તેને ભીતરમાં અનુભવવું અને એ અસહ્ય થઈ પડતાં કોઈ ને કોઈ બાહ્ય પ્રતિક્રિયા રૂપે પ્રગટ થાય છે – તે દૃષ્ટિએ ‘આંતર-બાહ્ય’ શીર્ષક પણ સાર્થક બન્યું છે.

‘કૂણાપાનનો સડો’ બજાણિયા કોમ અને અન્ય હાંસિયાની કોમના બાળમજૂરોના શોષણ, યાતના, સ્વપ્ન અને મનોરથોની વાર્તા છે. આ વાર્તામાં બાળનાયક નરભો અને ધમલો હોટેલમાં નોકરી કરે છે. તે બે ઉપરાંત યુવાન વશરામ હોટેલમાં મહારાજ તરીકે કામ કરે છે. રાત્રિના ત્રણ વાગ્યે શેઠનો માર ખાતાં, ઝબકીને જાગી ગયા પછી આખો દિવસ શેઠની ગાળો અને આદેશનો અમલ કરતા આ બાળમજૂરોને રાત્રે દસેક વાગ્યે ઊંઘવાનું સુખ મળે છે. નરભાને તેણે છાપરી માટે રડતી બાળસખી ઝમકુને પોતે ‘મોટો આદમી થઈને તેને હવેલી બનાવી આપશે’ – એવું કહેલું તે સતત સ્મરણમાં છે. પરંતુ મોટો આદમી થઈને, દોરડા ઉપર દોડવાના ખેલ કરીને, ખૂબ પૈસા રળીને સપનું પૂરું કરવાને બદલે તેને હોટેલમાં કમાવા જવાની નોબત આવી છે.

હોટેલમાં ચકુશેઠની ગાળો ખાતા નરભો અને ધમલો ભાગી છૂટવાનો વિચાર કરે છે, પરંતુ બન્નેના દારૂડિયા બાપાઓના ત્રાસ અને મારની બીકે એ વિચાર ઠરી જાય છે. તે બંને મોટા આદમી થઈને મહારાજ વશરામની જેમ (શેઠની ગાળો અને ત્રાસ વિના) ઠાઠથી જીવશે તેવા મનોરથ સેવે છે. ‘ચકુશેઠ ભગવાનની પ્રાર્થના કરે છે’ – તેથી તેઓ ખૂબ સુખી છે એમ માનતો નરભો હોટેલમાં આવતા ગોરમહારાજને ખુશ કરીને સુખી થવાની સલાહ માંગે છે. અને ‘કૃષ્ણ તો વાલીડો ઝૂંપડીને ય બંગલો બનાવી દેશે’ એવી શ્રદ્ધાના તારે સુધરી ગયેલો નરભો દરરોજ વહેલા ઊઠીને સ્નાન અને પ્રાર્થનાથી પરવારીને કામે મંડી જાય અને ચકુ શેઠની વાહ વાહ લૂંટે છે ત્યારે તેમાંય નરભાને તો સાક્ષાત્‌ શ્રીકૃષ્ણ રીઝ્યા હોય તેવી શ્રદ્ધાભરતી હૃદયમાં ઊમટે છે. ધુળેટી ઉપર નરભાનો બાપ કહળો તેને ઘેર લઈ જાય છે, તેની મા તેને ભેટી પડે છે ત્યારે શ્રદ્ધાળુ નરભો તેની માના કાનમાં ‘બઈ બઈ, હવે મારો બાપો તને ચ્યારે ય આંગળી નઈ અડાડે. તું જોજે ને? એવું આશ્વાસન આપે છે પરંતુ ઉત્સાહ ઉત્સાહમાં ઝમકુની છાપરીએ પહોંચીને, તેને સ્થાને બંગલી બની ગયેલી જુએ ત્યારે કૃષ્ણની કૃપા માનીને તે હરખ હરખ થઈ જાય છે, પરંતુ પોતાની બાળસખી ઝમકુ તેનું અપમાન કરીને બારણું બંધ કરી દે છે તે, અને દારૂ ઢીંચેલો તેનો બાપ તેની માને ‘નરભાને બદલે તે સોડી જણી હોત ને તો તારી ખઈ રોગની દવા તો થી જાતને ઠોચીની’ કહી દઈને અડબોથ ઝીંકી દે – આ બે આઘાતને લીધે શહેરની હોટેલમાં પાછો ફરેલો નરભો મહારાજ આગળ પોતાનો ડચૂરો ઠાલવે છે અને પોતાની એકમાત્ર ઇચ્છા પ્રગટ કરતા કહે છે કે, “ઈ કરસનિયાને કો કે મારે વસરામા રોખા ભડભાદર આદમી નથી થાવું. મને છોડી બનાવી દ્યો... ઝટપટ... આદમી તો ગત્તુએ નઈ!” (૧૪૬) ત્યારે આઘાતનો ધક્કો ગોરબાપાને જ નહીં, ભાવકને પણ વાગે છે. કાલ તો ટેમ જોઈને ગોરબાપાને કહી દેવું કે... ની મનઃસ્થિતિમાં ઊંઘી ન શકેલા નરભાની ક્રિયાથી આરંભાએલી આ રચનામાં અંતે ગોરબાપા સમક્ષ પાત્રનો ડચૂરો ઠાલવી દેવાથી રચનાનું ભાવવર્તુળ સરસ પૂરું થાય છે, પરંતુ રચનાની સમયસંકલના સંદિગ્ધ છે. નરભાની અજાગૃત અવસ્થાથી પ્રારંભ પછી સ્વપ્નની યુક્તિ દ્વારા વાર્તાનાયકનો ઝમકુ સાથેનો સંબંધ સરસ સ્પષ્ટ થયો છે. સ્વપ્નભંગ પછી વર્તમાનના પ્રસંગો દ્વારા ચકુશેઠના ત્રાસ, નરભાના બાળમાનસમાં રમતા મનોરથો, કૃષ્ણશ્રદ્ધા અને શેઠની વાહવાહીથી તેના આનંદ ઉમળકાનું સરસ ચિત્ર અંકિત થયું છે. ઘેર ગયા પછી નરભાના આઘાતના પ્રસંગો અને અંતે છોકરી બનવાનું મનોરથ – આ અંત પણ કૃતિમાંથી જ રસાઈને આવ્યો હોઈ ઉચિત-સ્વાભાવિક બન્યો છે. બાળમાનસને ઝીલતું વર્ણન અને લોકબોલીના સંવાદો તેમજ પ્રસંગોની સંવેદનક્ષમતા આ કૃતિનાં જમા પાસાં છે. રચનામાં ચુસ્ત સમયસંકલનાનો અભાવ છતાં આરંભની વાર્તાક્ષણ સાથે ભૂતકાળ-વર્તમાનના પ્રસંગોની ગૂંથણી કરીને સર્જક વાર્તાને ઉચિત અંત તરફ લઈ ગયા છે. તો આ જ વિષયવસ્તુની ‘એ જ કાટલાં’ અને ‘મૂઆ કાળિયા’ બંને વાર્તાઓમાં સઘન વેદનશીલતા, પ્રભાવશાળી પાત્રનિરૂપણ કલા અને લય-કાકુ-લ્હેજાસભર રોચક પાત્રબોલીનું સંયોજન છતાં પ્રસંગબાહુલ્ય નિરૂપણરીતિ આ વાર્તાઓની મર્યાદા બની રહે છે. ‘એ જ કાટલાં’માં પતિ સાથે કદમ મિલાવી મજૂરીમાં સહાય કરતી અને હેતમાં નવડાવતી રાની તો ‘મૂઆ કાળિયા’માં પણ ક્યારેય મજૂરી કરી ના હોવા છતાં પતિ નરસંગા સાથે કદમ મિલાવી મજૂરીમાં ઢસડાતી અને સ્ત્રીલોલુપ મુકાદમને ભીંસમાં લેતી ઉજમ પ્રભાવશાળી સ્ત્રીપાત્રો છે. અને ‘દોરડું’માં જ્ઞાતિ-વર્ણ બાહ્ય મૈત્રી સંબંધોનું વિષયવસ્તુ ચુસ્ત સમય સંકલનામાં વસ્તુગૂંથણી પામ્યું હોવા છતાં, મંદ કાર્યવેગ અને પાત્રસંવેદનના નિરૂપણને લીધે મોળી પડતી અનુભવાય છે.

‘વહેણ’ અને ‘અજવાળું બોલવા દે તો ને?’ – આ બંને વાર્તાઓમાં પણ સર્જકની સામાજિક નિસબત સાંપ્રત સમયના વૃદ્ધજીવનના પ્રશ્નો અને ખેડૂતના પ્રશ્નને તાગે છે. ‘વહેણ’ વૃદ્ધાવસ્થામાં દીકરા અને વહુ દ્વારા થતી અવગણના, મા-નો દીકરા પ્રત્યેનો સભર માતૃ-વાત્સલ્યભાવ અને છેવટે બદલાતા માતૃત્વવહેણની વાર્તા છે. વાર્તાનાયિકા રાધાને તેનો દીકરો મનુ એકાદ વર્ષથી વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો છે. ધીમે ધીમે મા-થી અંતર કેળવતા દીકરાએ છેલ્લા બે મહિનાથી મા-ની મુલાકાત પણ લીધી નથી, અને ફોન પણ કર્યો નથી. છતાં દીકરો તેના જન્મદિવસે મા-ના આશીર્વાદ લેવા ચોક્કસ આવશે જ – ના વિશ્વાસે રાધા વહેલી સવારથી જ દીકરાની પ્રતીક્ષામાં છે. વૃદ્ધાશ્રમની સવારની પ્રાર્થના અને સહઅસ્તિત્વના પાઠ પછી દીકરો તેને મળવા આવી પહોંચ્યો હશે – એ ખ્યાલે મહારાજના લાંબા વક્તવ્યથી કંટાળો – અકળામણ અનુભવતી નાયિકાની ક્રિયાથી આરંભાતી આ વાર્તામાં સર્જકે વૃદ્ધાશ્રમની ચા-નાસ્તો, આરામ અને કથાશ્રવણ – જેવી પ્રવૃત્તિઓ વણી લઈને નાયિકાની અતીતસ્મૃતિઓ, એકોક્તિઓ, પાત્રસંવાદો, કથન અને દીકરાની સ્મૃતિમાં નાયિકાનું હરખહરખ થઈ જવું, કથા લંબાવતા મહારાજ પ્રત્યે નાયિકાને ખીજ થવી, પ્રાર્થના પૂરી થતાં દરવાજે દોડી જઈને ચોકિયાતને દીકરા વિશે પૂછવું, દીકરાને આશીર્વાદ આપ્યા વિના ચા-નાસ્તો ન કરવો, સ્કૂટરચાલકને દીકરો માની લઈને તેને નજીકથી જોવા બારી નજીક સરકવું, પોતાનો દીકરો પ્રેમાળ છે એમ માની લેવું અને બીજાઓને ઠસાવવું, દીકરાના પુણ્ય માટે સુવાવડી કૂતરીને દૂધ-રોટલો ખવડાવવાં અને અંતે દીકરો ન આવતાં ગલૂડિયાના મોઢામાં થાન મૂકીને દૂધ રેડી ધવરાવવું જેવી ક્રિયાઓ દ્વારા વાર્તાનાયિકાની માતૃસંવેદના સભર વાત્સલ્યભાવ અને બદલાતા ભાવવહેણને સરસ વણી લીધાં છે. વહેલી સવારના સાતેક વાગ્યાના આસપાસથી આરંભ પામતી આ વાર્તા સાંજે સાતેક વાગ્યે પૂર્ણ થાય તેવી ૧૨ કલાકની ચુસ્ત સમયસંકલના, છતાં ક્યાંક અતીત દૃશ્યોનું બિનજરૂરી લંબાણ અને રાવણકથાની અનુચિત પ્રસ્તુતિ વાર્તાપ્રવાહમાં બાધક બનતી અનુભવાય છે.

‘અજવાળું બોલવા દે તો ને’માં શહેરી અને ગ્રામ્યજીવનની ભૌતિક સુવિધાની અસમતાઓ, ખેડૂતોની બેહાલી અને મૈત્રીસંબંધોનું નિરૂપણ થયું છે. આ વાર્તાનો નાયક રમણ દરજીનો વ્યવસાય કરે છે. તેના ફાળે જમીનનો એક જ ટુકડો છે, પરંતુ તેને કૂવાને અભાવે અન્ય ખેડૂતો પર આશ્રિત રહેવું પડે છે. રમણ એવી આર્થિક બેહાલીમાં જીવે છે કે, તેની પાસે મુંબઈ જવાનું ભાડું પણ નથી, પછી યુવાન દીકરી હકુને પરણાવવાનો જોગ તો કેવી રીતે કરી શકે? તેની પત્ની નબુ મુંબઈમાં વસતા તેના ધનાઢ્ય મિત્ર લાલા શેઠની મદદ માગવાનું કહે છે, પરંતુ રમણ માગવા જવાની આનાકાની કરે છે. સુદામા-કૃષ્ણનું દૃષ્ટાંત આપતી નબુ “આપણે ચાં મફતમાં લેવા છે? આવતી સાલ વરસ સારું આવશે તો એક કટકી પડી છે ઈ વેચીને ય પૈસા ભરી દઈશું?” – એવા આશ્વાસન સાથે રમણને મુંબઈ જવા મનાવી લે છે, અને તેના મિત્રને ખૂબ ભાવતા ઘઉંના પુંખ થેલીમાં ભરીને તેને વિદાય આપે છે. પરંતુ મુંબઈ મિત્રને ત્યાં પહોંચ્યા પછી મિત્રની જાહોજલાલી – સરભરા અને લાલાશેઠની ગામપૃચ્છા તથા મોબાઈલની વાતોમાં રમણની ભાવ-પોટલી અટવાય છે. લાલાશેઠના ફાર્મ હાઉસ, સ્વિમિંગપૂલ અને થિયેટર – બધે જ ઝળઝળા અજવાળું – ધોધમાર પાણી જોઈને તે ગામની અપૂરતી વીજળી અને ખેડૂતોની બેહાલીના વિચારે દુઃખી દુઃખી થઈ જાય છે. અંતે દુઃખી દુઃખી વાર્તાનાયક ઘઉંની પુંખની પોટલી લઈને, વ્યથા સાથે પાછો ફરે છે.

મુંબઈથી નિરાશ થઈને પાછા ફરતા અને ઘરના ઉંબરે ઠેંસ પામતા વાર્તાનાયકની ક્રિયાથી આરંભ પામેલી આ રચનામાં પ્રારંભે નટુના અને વાર્તાનાયકની પત્ની નબુના રમણ સાથેના સંવાદો, રમણના મુંબઈના અનુભવોનું અતીતદર્શન, પાત્ર ક્રિયા-પ્રતિક્રિયાઓથી વસ્તુગ્રથન થયું છે. પ્રારંભની વાતચીત દ્વારા રમણના કુટુંબની આર્થિક બેહાલી, કૃષ્ણ-સુદામાના સંદર્ભો સાથે પત્ની નબુએ તેને કેવી તૈયારી સાથે મુંબઈ મોકલ્યો હતો તે અને પાછા ફરેલા રમણનું પાકીટ ન ખૂલતાં “શું ભર્યું છે માં ય બધું પુંખ તો પાછો આપીને આયા છો ને?” – નબુની આવી ટકોર સાથે જ વાર્તાનાયક અતીતમાં સરી પડે છે. મુંબઈગરા મિત્રની ડાઇનિંગ હોલની સરભરા, મિત્ર દ્વારા ઉત્સુકતાથી ગામ વિશેની પૂછપરછ, મોબાઈલ ફોન ઉપર લાલાશેઠની લાંબીલાંબી વાતોમાં અટવાયેલા ઘઉંના પુંખનું વિષયવસ્તુ વિસ્તરે છે, પરંતુ ઘઉંના પુંખ અંગેની પત્નીની ટકોર પછી અતીત દર્શનમાં ગયેલો રમણ લાલાશેઠનું ફાર્મહાઉસ, સ્વિમિંગ પૂલ, હેલોજન લાઈટો, ફુવારાનું પાણી, ડાન્સ કરતી અર્ધનગ્ન સ્ત્રીઓ વગેરેનું સ્મરણ કરતાં વર્તમાન ક્ષણે ઊબકો આવી જતાં ઊલટી કરે, અંધાપો આવી ગયાની ફરિયાદ કરે અને તેને માંડ ખાટલા સુધી પહોંચાડાય. તાવથી ધગધગતા રમણને તુલસીનો ઉકાળો પીવડાવાય અને વાર્તાને અંતે પત્ની નબુ દ્વારા રમણનું પાકીટ ખોલવા જતાં, ચરરર અવાજે પાકીટ ચિરાઈ જાય, ચેનની તીણી અણી નબુની આંગળીમાં ભોંકાય, તે સાથે જ પાકીટમાંથી કાળા પડી ગયેલા, ખૂબ ગંધાતા ઘઉંના પુંખને લોહી ટપકતી આંગળીએ નબુ તાકી રહે – ત્યાં વાર્તા અંત પામે છે. વાર્તામાં પુરાકલ્પનની માવજત વર્તમાન અર્થ સંદર્ભને સરસ મૂકી આપે છે, પરંતુ વાર્તાનાયકનો પ્રસ્તારી અતીત વ્યાપાર વાર્તાલાઘવની દૃષ્ટિએ મર્યાદા બની રહે છે.

‘ઓછપ’ મનુષ્યની ઓછપ-અધૂરપને કોઈ ને કોઈ રૂપે ભરવાની માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણની વાર્તા છે, જેમાં ઘણી જગ્યાએ છૂટક છૂટક કામ કરતો વાર્તાનાયક રામસી વાર્તાકથક(મહેન્દ્ર)ને ત્યાં માળી તરીકે કામ કરે છે. ઊંચો-પહોળી છાતી અને તાકાતવર દેહ ધરાવતો રામસી આત્મીયતાથી વૃક્ષોને છાતીએ લગાડતો-વાતોએ ચડતો પ્રકૃતિપરાયણ આદમી છે. કથકને ઘેર ટી. વી. જાહેરાતો જોઈને વખોડતો અને કથકને અજાણ્યો સ્ત્રીસંગ ન કરવાની સલાહ આપતો રામસી કથકનો પ્રિય માણસ બની ગયો છે. વળી તે વાતે વાતે પોતાના ઠકરાણીનાં રૂપ-ગુણની એવી વાતો કરે છે કે, કથક પણ પોતાના મનમાં ખડી થયેલી ઠકરાણાંની છબીને રૂબરૂ પામવા તલપાપડ છે. એક વખત તો ઇચ્છા પણ પ્રગટ કરી દે છે, પરંતુ રામસી તેને રાજપૂત સ્ત્રીઓની મર્યાદાની વાતો કરીને રોકી દે છે. પરંતુ રામસીના ગંભીર અકસ્માત અને હૉસ્પિટલે પહોંચ્યાના સમાચાર પામ્યા પછી હૉસ્પિટલ તરફ પ્રયાણ કરતો કથક ‘રામસીનાં રૂપરૂપના અંબાર જેવાં ઠકરાણાં આજ જોવા મળશે’-ના ખ્વાબમાં રાચે છે, પરંતુ હૉસ્પિટલે પહોંચ્યા પછી તો રામસીનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. તેનું કોઈ સગુંસંબંધી દેખાતું નથી. અને રામસીનાં ઠકરાણાં જોવા ચોતરફ નજર ફેરવતા કથકને એકમાત્ર રામસીના ઓરડીના સાથીના મુખે ‘રામસી તો સમાજમાં સ્ત્રીઓની અછતે અને પૈસાના અભાવે બૈરું બૈરું કરતો મર્યો’ – એમ જાણે છે ત્યારે આઘાત અને ભોંઠપ અનુભવે છે. કથકના મુખે કહેવાયેલી આ વાર્તા રામસીના અકસ્માતના સમાચાર જાણ્યા પછી કથક કાર લઈને નીકળે છે ત્યાંથી આરંભ પામે છે અને રામસીના પોસ્ટમોર્ટમ પછી તેના અંતિમ સંસ્કારની જવાબદારી કથકને જ ઉપાડવી પડશે તેવી ક્ષણે અંત પામે છે. આરંભ અને અંત વચ્ચે સ્મૃતિઓ રૂપે તેના કથન, ક્વચિત્‌ વર્ણન અને રમતિયાળ સંવાદોથી વસ્તુવિન્યાસ થયો છે.

‘હું ટપાલી છું’ અને ‘કુંડાળાની આણ’ વાર્તાઓમાં પ્રણયભાવની સૂક્ષ્મ માવજત સર્જકતાસભર છે. ‘હું ટપાલી છું’ સર્વજ્ઞ કથનરીતિમાં કહેવાયેલી પાત્રપ્રધાન વાર્તા છે. અહીં વાર્તાનાયક પસા(પોસ્ટમેન)ની દૃષ્ટિએ માણકીનું પાત્ર જોરદાર ઉઠાવ પામ્યું છે. પસો બ્રાહ્મણ સમાજનો છે. પોસ્ટઑફિસના સ્ટાફથી માંડીને ગામલોકો તેને ટપાલીને બદલે ‘ગોરભા’ તરીકે સંબોધીને માન-સન્માન આપે છે. તે માંડ સાતમું ભણેલો છે અને તેની પત્ની મેટ્રિક પાસ છે. તે નાનકડા ગામમાં હોંશેહોંશે ટપાલ વહેંચે છે અને કોક અભણની ટપાલ વાંચી પણ આપે છે. તેના રોજિંદા આ ફરજકર્મમાં પતિની ચોક્કસ દિવસે રાહ જોતી અને પોસ્ટમેનને અહોભાવથી જોતી, પત્ર પામીને હેતથી તેના પર આંગળાં ફેરવતી, તે પત્ર મોટેભાગે પોસ્ટમેન પાસે જ વંચાવતાં ઓળઘોળ બની જતી અને પતિની નાની નાની બાબતોમાં ચિંતા કરતી, ગામના ઉતાર સમા ઈશલાને સીધોદોર કરી દેતી પતિપ્રેમી અને સ્વમાની માણકી પોસ્ટમેન માટે અહોભાવ અને આદર્શનું સ્થાન બની ગઈ છે. તે મનોમન ભણેલી પત્ની રેખા અને અભણ ભાણકીના હેત અને પ્રેમની સરખામણી કર્યા કરે છે, અને મનોમન તારણ કાઢી બેઠો છે કે, હેત અને પ્રેમ તો અભણ માણસો જ કરી શકે. અને જ્યારે જ્યારે કથાનાયક તેની પત્ની સમક્ષ માણકીના પતિપ્રેમની વાત કરે છે ત્યારે તેને પત્નીનો છણકો ય વહોરી લેવો પડે છે. પરંતુ એક દિવસ હોંશે હોંશે માણકીનો પત્ર પહોંચાડવા તેના ઘરે પહોંચેલો કથાનાયક માણકીને ઈશલા જેવા પરપુરુષ સાથે અંગત ક્ષણો માણતો ધારી લે છે ત્યારે તેનું નૂર ઊડી જાય છે, તેનો વિશ્વાસ ડગી જાય છે અને ટપાલ વહેંચતાં અભણ મેતુભા પસાને પત્ર વાંચવાનું કહે છે ત્યારે તે ટપાલ સામે નજરે નાખ્યા વિના, ‘મેતુભા હું તો ટપાલી’ – કહીને સડસડાટ ચાલતી પકડે છે ત્યારે તેના અપેક્ષા-શ્રદ્ધાભંગ, ઉદાસી, ગમગીની, દુઃખ અને અકળામણ વ્યંજનાગર્ભ રૂપે વ્યક્ત થાય છે. અહીં પરોક્ષરૂપે માણકીનું પ્રભાવશાળી પાત્રચિત્ર અંકિત થયું છે. માણકીના પતિની કાલે તો ટપાલ આવશે-ના ખ્યાલે... પસાના ઊંઘવાના ઉધામા, વહેલા જાગીને સૌથી પહેલા પોસ્ટઑફિસમાં પહોંચી જવું, જાતે જ શોર્ટીંગમાં લાગી જવું અને માણકીનો પત્ર શોધવાનો રઘવાટ – જેવી ક્રિયાઓ દરમિયાન અન્ય પાત્રો સાથેના સંવાદ, પાત્રની મનોયંત્રણા અને માણકી સાથેનું સંધાન, કથન, દિવાસ્વપ્ન જેવી યુક્તિઓ દ્વારા પોસ્ટમેન અને તેની પત્ની સાથેનો વિસંવાદ અને પતિપ્રેમી અને હેતાળ માણકીનું અપ્રત્યક્ષ પાત્ર ખૂલતું જાય છે. માણકીના ઘેર અણગમતું દૃશ્ય જોયા પછી બીજી શેરી તરફ વળી જતા પોસ્ટમેનનો પગ કાદવમાં પડવો, તેને ધોવાના પ્રયત્ન, ભૂંડ-ભૂંડણીનું સંવનન દૃશ્ય અને તેના નીરસ અને ઉદાસ વર્તનમાં માણકીનો અહોભાવભંગ પામેલા કથાનાયકની મનોસ્થિતિ સૂચક અને અસરકારક રીતે વ્યક્ત થઈ છે. અહીં ભાવક પણ કથાનાયકની જેમ અપેક્ષા ભંગ થાય, પરંતુ રચનાની ખૂબી એ છે કે, વાર્તાને અંતે પસા ટપાલીને માણકીની ખાસ સહેલી મેતુભાનો પત્ર વાંચવાનો આગ્રહ કરતાં કહે છે, ‘વાંસી દ્યોને સાએબ? તમારે માણચીની ટપાલ વાંસવા લસવાની તો હમણાં નિરાંત થઈ જી સ..! માણચીનો ધણી હવારની લોકલમાં જ આયો..’ (પૃ. ૩૨)

અહીં ભાવકના મનમાં તો માણકીનું શીલવાન ચરિત્ર અક્ષુણ્ણ રહે છે, પરંતુ એ ન સાંભળી શકેલા પસાની મનઃસ્થિતિનું શું? માણકીના સૌંદયવર્ણન અને અનુભવોની આસ્વાદ્ય-રસાળ ભાષા પણ નીખરી આવે તેવી છે. સવારના નવેક વાગ્યાથી આરંભાતી અને ત્રણેક વાગ્યે પૂરી થતી વાર્તાની ચુસ્ત સમયસંકલના પણ વાર્તાનું જમા પાસું છે.

તો ‘કુંડાળાની આણ’ મુગ્ધ પ્રણયના અધિકારભાવ-અપરાધબોધ અને ગામડાના વેરભાવની હૃદયસ્પર્શી વાર્તા છે. વાર્તાનાયિકા હરચી અને શ્યામલીના કૂયલી (પાણી ભરવા માટેનો વિરડો) માટેના દ્વંદ્વ અને વાર્તાનાયકની સન્ન મનોદશાથી કથાનાયકના મુખે કહેવાતી આ રચના આરંભે નાટ્યાત્મક સ્થિતિ પછી, વાર્તાક્ષણના તંતુ મેળવતાં મોકળાશે કથન કરીને ગામડાના મુગ્ધપ્રણય અને પાણીના પ્રશ્ને તંગદિલી અને વેરભાવના કથાનકને વણી લે છે.

પાણીના પ્રશ્ને હરચીનો શામલી સાથેનો ઝઘડો વણી લઈને સર્જકે હરચીના કથાનાયક પ્રત્યેના મુગ્ધ પ્રણયભાવ અને શામલીના ભાઈ જેસંગાના પ્રચ્છન્ન વેરભાવની સૂક્ષ્મ માવજત થઈ છે. આરંભે કથાનાયક દ્વારા પોતાની અને વાર્તાનાયિકા હરચીની સરખામણી, નાનપણમાં તેમની ધણી-ધણિયાણીની રમત અને એકાદ પ્રસંગ દ્વારા હરચીનો મુગ્ધ પ્રણયભાવ સૂક્ષ્મ નજાકતથી નિરૂપ્યો છે. કુયલીએ પાણી ભરવાના પ્રસંગમાં હરચીના હાથની બંગડી ફૂટતાં, વાગેલા તેના હાથે કથાનાયક દ્વારા ચેદેંડુ બાંધી અપાતી ક્ષણે હરચી ગડેડાટ રોઈ પડે છે. બીજા દિવસે કથાનાયક ગામના પાદરે છાણના પોદળા વીણતી હરચીની મુલાકાત લે છે અને રડવાનું કારણ પૂછે છે ત્યારે હરચી કહે છે, “મારી બંગડી ફૂટે ને તો તું....? હું બંગડીને નથી રોતી, એના ભાયગને રોઉં છું.” – કહેતાં ગળગળી બની જાય છે તેમાં સખ્યભાવે વર્તતી કથાનાયિકાનો પ્રણયભાવ સ્પષ્ટ પ્રમાણી શકાય છે. તો પાણીના કારણે ઝઘડો વહોરી બેઠેલી શામલી અને હરચીને જુદી પાડતાં જેસંગો હરચીને તિરછી નજરે જોઈ રહે છે તેના અંકોડા રચનાના અંતે પમાય છે. છાણના પોદળા વીણતી વાર્તાનાયિકા અમુક પોદળા છોડી દે છે ત્યારે કથાનાયક કારણ પૂછે છે, તેના પ્રત્યુતરમાં નાયિકા સ્પષ્ટતા કરે છે કે, જે પોદળાની આજુબાજુ કુંડાળું કર્યું હોય તે પોદળો તેની માલિકીનો. અને એ રીતે હરચી શામલીના પોદળાને અડતી પણ નથી. અને એક દિવસ અચાનક હરચી તળાવમાં ડૂબીને મરણ પામે છે ત્યારે કથાનાયકને ઘેરો આઘાત લાગે છે. તે બીજા દિવસે રેવાડોસીને મા સાથે વાત કરતા સાંભળે છે કે, “હરચીએ મૂઈએ કુંડાળાની આળ તોડી તે...” અને કશું ન સમજી શકેલો કથાનાયક હરચીની રાખના ટીંબે જઈને ફરિયાદ કરે છે, “હરચી,... તેં કુંડાળાની આણ તોડી... તને પાપ લાગ્યું ને?” અને માંદગીમાં પટકાય છે ત્યારે પણ “હરચી કુંડાળાની આણ ન તોડે” એમ બબડ્યા કરે છે. અને વર્ષો પછી તેને જાણવા મળે છે કે, “હરચીને તો શામલીના માથાભારે ભાઈ જેસંગાએ ખેતરમાં અંતરિયાળ ઘેરેલી, ને એના પેટમાં વધી ગયેલા પાપે?” ત્યારે એવો અપરાધ ભાવ અનુભવે છે કે, તે વખતે પોતે જ તળાવને ફરતે કુંડાળું દોરી દીધું હોત તો હરચીને આમ અંતરિયાળ ખોઈ ન બેસત. સરસ વસ્તુગૂંથણી, પાણી માટે વલખતા પ્રદેશના રાતના પરિવેશનાં વર્ણનો, કથાનાયકના કથન અને પાત્રસંવાદોમાં લય-કાકુ અને લહેજાદાર તાજગીસભર બોલીનો વિનિયોગ વગેરે આ વાર્તાઓના વિશેષો છે.

‘મિશન’ વાર્તામાં ‘મશીન’ અર્થાત્‌ યાંત્રિકીકરણની આધુનિક સમાજજીવન પરની અસર (નારી અવમૂલ્યન અને બેરોજગારી) ઘનીભૂત રીતે વ્યક્ત થઈ છે. ગ્રામ્યજીવનમાં જ્યાં સુધી યાંત્રિકીકરણ નહોતું થયું ત્યાં સુધી તો સામાન્ય માણસ પણ મજૂરી કરીને જીવી શકતો, પરંતુ કપાસનાં કાલાં ફોલવાની આડ પર કાલાં તોલીને મજૂરીના હિસાબથી માંડીને પૈસાની ચૂકવણીનું કામ કરતા અરજણને મગન શેઠ ‘હવે તો કાલાં ફોલવાનાં મિશન (મશીન) આયાં સે’ – એવું કહીને કામ આપવાથી છૂટી પડે છે ત્યારે અરજણનાં તો હાંજા ગગડી જાય છે. તાલુકા સ્થળે કાલાં ફોલવાનું મશીન લાગી જતાં ગરીબોની રોજી છીનવાઈ ગઈ છે. એક તો જાલમસંગ દરબાર દ્વારા સતત ઉઘરાણી, બીજી તરફ ઘરમાં ય અન્ન ખૂટવા આવ્યું છે. ત્યારે મજૂરમાંથી એકાએક ધનવાન બની ગયેલો ગોવિંદ કાના અરજણને ટી.વી.માં આવતી સીનસીનેરી બતાવીને, સ્ત્રીઓ તો પૈસા કમાવાનું મશીન છે એમ ઠસાવી દે છે. વળી પોતાની બકરી વેચવા ઇચ્છતા અરજણને હજાર રૂપિયા આપી, લલચાવીને બાપુને ઘેર લઈ જાય છે. અરજણ બાપુની પોચીપોચી ગાદી ઉપર બેસે છે, કડક કડક ચા પીવે છે, સિગારેટ ખેંચે છે ત્યારે મૂછમાં હસીને અંગ્રેજીમાં કશુંક પૂછતા બાપુને ગોવિંદ જવાબ આપે છે, “તખુ. બાપુ, એનું નામ તખુ.” અને પોતાની પત્નીનું નામ સાંભળીને સમસમી ઊઠતા છતાં લાચાર અરજણ છેવટે ગોવિંદ પરનો મિજાજ ગુમાવે છે. ગોવિંદે આપેલી લાલચને પોતાની પત્ની સમક્ષ કહેવી કે ન કહેવી-ની અવઢવથી આરંભ પામેલી આ વાર્તામાં ઘરે પહોંચવાના રસ્તામાં જ જાલમસંગ દરબારની ઉઘરાણી, ધમકી સાંભળીને ચક્કરભમ્મર થઈ ગયેલા અરજણની બીડી પીવાની ક્રિયા, તે દરમિયાન ધેન્ગા ભરવાડ સાથેના સંવાદો તથા મંદિરના ઓટલે બેસતાં કાળિયા ઠાકોર પ્રત્યે થઈ આવેલી અશ્રદ્ધા વણી લઈને માર્મિક કથન-સંવાદો-એકોક્તિ, દૃષ્ટાંત કથા જેવાં ઘટકોને કલાત્મક રૂપે વણી લઈને ચુસ્ત, ગતિશીલ વસ્તુસંકલના સિદ્ધ થઈ છે. વાર્તાને અંતે મંદિરને ઓટલે બેસીને અવઢવ અને ગુસ્સામાં દાંત તળે જીભ કચરાઈ જતાં મોઢામાંથી લોહી નિંગળતી હાલતમાં ઘરે પહોંચેલો અરજણ બૅં બૅં કરીને પોતાની સામે છલાંગ લગાવતી પ્રિય બકરી(લાડચી) જાણે તેનો ઉપહાસ કરતી હોય તેવું અનુભવતાં તેનાથી મોઢું ફેરવી લે, પાળેલા કૂતરાને પણ ધારિયું મારવા ધસી જાય ત્યારે ત્યાં દોડી આવેલી પત્ની તખત ‘કામનું નચ્ચી થી જ્યું?’ એમ પૂછે છે ત્યારે તેની જીભ થોથવાઈ જાય અને તે ચીસ પાડી ઊઠે, અને પત્નીને ‘મિશન’ બનવાનું કહેતાં તેની જીભ લબડી જાય ત્યારે શ્રમજીવી અને પતિપ્રેમી તખત કહે છે, “હું મિશન? હું તે વળી ચ્યમ કરીને મિશન થતી હોઈશ?.... હે આમ સાવ હિંમત હારી જ્યા સો.. તે? ભડભાદર આદમી થેઈને?” અને પત્નીના જુસ્સાથી પોરસાયેલો અરજણ બકરીને પોતાના ચાળા પાડતી અનુભવતાં ધારિયું લઈને મારવા દોડી જાય અને છેવટે લાચારીમાં રડવા માંડે – આવા અંતમાં તખતની નારીઅસ્મિતાની સાથોસાથ ગરીબવર્ગની વ્યથા-લાચારી અને નિઃસહાયતાનું ઘેરું ચિત્ર અંકિત થયું છે.

‘ઓછપ’, ‘કુંડાળાની આણ’ અને ‘દોરડું’ – પ્રથમ પુરુષ કથનકેન્દ્રની આ ત્રણ વાર્તાઓ સિવાયની આઠ રચનાઓ સર્વજ્ઞ કથનકેન્દ્રથી કહેવાઈ છે. આ સંગ્રહમાંથી પસાર થતાં કહી શકાય કે સર્જક પોતે લોકસાહિત્યના સંશોધક-સંપાદક હોઈ વિષયવસ્તુ માટે તેમને લોકજીવનનું મોટું ક્ષેત્ર સાંપડ્યું છે. વાસ્તવિક જીવનનાં સંવેદનોને વાર્તાઘાટ આપવા તેમણે કથન, ક્યાંક સન્નિધિકરણ અને પાત્રની બોલી દ્વારા પાત્ર અને પરિવેશ જીવંત કરીને, સરસ માવજત દ્વારા વાર્તા નીપજાવવાનો પુરુષાર્થ કર્યોં છે. સંગ્રહની મોટા ભાગની સફળ વાર્તાઓ જોતાં, વાર્તાકાર કનુ આચાર્ય પાસેથી નિઃશંક મોટી આશાઓ જન્મે છે

(૨) ‘ગાંધીનો દીકરો થા મા’ (૨૦૧૪, પૃ. ૧૩૦)

Gandhi-no Dikaro Tha Maa by Kanu Acharya - Book Cover.jpg

‘ગાંધીનો દીકરો થા મા’ બાર વાર્તાઓને પ્રગટ કરતો વાર્તાસંગ્રહ છે. જેના પ્રારંભે મુકાયેલા સ્વામી નિજાનંદના ‘કણસાટનો કલમી’ લેખમાં કેટલીક વાર્તાઓની સંક્ષિપ્ત સમીક્ષાઓની સાથોસાથ વેદના અને વલોપાતની વાર્તાઓ તરીકેનો પરિચય સાંપડે છે. તો સર્જકીય પ્રસ્તાવનામાં સર્જકે પોતીકી ભોંયના વંચિત સમાજને વાર્તામથામણ રૂપે શબ્દાકાર કર્યાનો એકરાર પ્રાપ્ત થાય છે. આમ, પ્રારંભિક લેખ અને સર્જકની પ્રસ્તાવના દ્વારા ભાવક સ્પષ્ટ પ્રમાણી શકે છે કે આ સંગ્રહમાં શોષિત અને હાંસિયાના સમાજના પ્રશ્નો-સમસ્યાઓ અને સંવેદનાઓનું નિરૂપણ છે.

‘હોર્ડિંગ’ બાળમજૂરીની વ્યથા અને કોમી તંગદિલીની વાસ્તવિકતાને તિર્યકરૂપે મૂકી આપતી લાઘવસભર રચના છે. આ વાર્તામાં રોડ પર લગાવાતું હોર્ડિંગ (સ્મૃતિ સહાયક), કથાનાયક યુસુફના કામનું સ્થળ, રહેઠાણની છાપરી અને પોલીસ સ્ટેશન – એમ ચાર ક્રિયાસ્થળોને આવરીને, બે જ દિવસના સમયખંડમાં ચુસ્ત વસ્તુગ્રથન થયું છે. વાર્તાનાયક યુસુફને ભણવાની વયમાં, તેનો અબ્બા બીજી બીબીને પરણી ભાગી છૂટ્યો હોઈ ત્રણ બહેન અને માની ભરણપોષણની જવાબદારી તેના ઉપર આવી પડી છે. કડિયાકામની મજૂરીમાં જોડાયેલો યુસુફ ઘરની છાપરી ઢાંકવા માટેનાં ચાર-પાંચ પતરાંના ખર્ચ માટે પણ સંઘર્ષ અનુભવે છે. મજૂરીએ જતાં-આવતાં હોર્ડિંગને જોતો કથાનાયક ‘હોર્ડિંગ જેટલા પતરાથી તો મારી છાપરી ઢંકાઈ જાત’ અને હોર્ડિંગમાં દોરાયેલું સ્કૂલે જતા બાળકનું ચિત્ર જાણે તેનો ઉપહાસ કરતું હોય તેવા અનુભવમાં ગુસ્સે થઈને ચિત્રને પથરો ઝીંકી દે છે અને અંતે યુસુફે રાહદારીને પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો, તેની પાછળ કોઈની સાજિસ છે – એવી લોકઆશંકાએ પોલીસ દ્વારા ઝબ્બે કરાય છે, અને જ્યારે પ્રામાણિક ડીએસપીની નજરમાં નિર્દોષ સાબિત થાય છે ત્યારે લોકમુખે ચર્ચા થાય છે : “પોલીસ ને ગેંગ વચ્ચે તોડ થઈ ગયો... યાર, બધું ભીનું સંકેલાઈ ગયું...” (પૃ. ૨૨) હોર્ડિંગની યુક્તિ અહીં છાપરીએથી મજૂરી માટે આવતા-જતા વાર્તાનાયક માટે ક્યાંક સ્મૃતિ સહાયક બનીને અતીત અને વર્તમાનના અંકોડા મેળવવામાં અને કથાનાયકની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં ખાસ્સી ઉપકારક બની છે. વાર્તાના પ્રારંભે જ રોડ ઉપર લાગતા હોર્ડિંગને જોઈ આશ્ચર્યચકિત બની જતો વાર્તાનાયક પોતાની અભણદશા માટે તેના અબ્બાની સ્મૃતિઓમાં ખોવાઈ જાય, તેને અમ્માએ પતરું ખરીદવાના સોંપેલા કામની સ્મૃતિ થઈ આવે, ઉપરાંત હોર્ડિંગ અને સિગારેટ પીતા વ્યવસ્થાપકને જોઈ કથાનાયકનું ભાવિસુખનાં દિવાસ્વપ્નોમાં ખોવાઈ જવું, વળી વાર્તાને અંતે ચિત્રના બાળકનો કટાક્ષ અનુભવીને ગુસ્સામાં તેને પથ્થર ઝીંકવો – આ બધી ક્રિયા-પ્રતિક્રિયાઓ, મનોભ્રમણા, દિવાસ્વપ્ન વગેરેનાં કથન, પરિવેશ, વર્ણન તથા પાત્રભેદક ખીચડી હિન્દી સંવાદોથી સરસ વિષયવસ્તુ મૂર્ત થયું છે. વરસાદનો પરિવેશ પણ વાર્તામાં અર્થભેદક બનીને આવ્યો છે. વાર્તાને અંતે પ્રામાણિક પોલીસ અધિકારીની સાચી સમજને કારણે કથાનાયક બચી જાય છે. બાળમાનસને સમજ્યા વિના, તેને રાહદારી હુમલામાં ખપાવી દઈને કોમી તંગદિલી ઊભી કરતી આપણી સમાજવ્યવસ્થા તથા સાંપ્રત જાહેરાતયુગની શિક્ષણવ્યવસ્થા સામે અભણ યુસુફની સંનિધિ પણ અહીં કળારૂપે સરસ અર્થભેદક બની છે. આમ, વસ્તુ અને માવજત બંને દૃષ્ટિએ ‘હોર્ડિંગ’ ચડિયાતી રચના છે.

‘બાળમજૂર’/‘સ્ત્રીમજૂર’ વાર્તા બાળમજૂરી અને સ્ત્રીશોષણ તથા ભરણપોષણ માટે ગરીબ વર્ગને ભોગવવી પડતી લાચારી, વ્યથા અને નિઃસહાયતાની રચના છે. જેમાં બાબુડો અને શુભલી બાળ મજૂરો છે. તેઓ બંને આત્મીયભાવે સંકળાયેલાં છે. કારખાનામાં મજૂરી દરમિયાન ચોકીદાર લખમણ શુભલી સાથે અડપલું કરે છે ત્યારે ચૂપચાપ સહન કરી લેવામાં માનતી શુભલી માત્ર બાબુને ન કહેવાના સમ ખવડાવીને વાત કરે છે. હકીકત જાણ્યા પછી લખમણ પ્રત્યે કરડાઈથી જોતો કથાનાયક શુભલીનું રક્ષણ કરવા કટિબદ્ધ થાય છે. પરંતુ કારખાના ઉપર ઓચિંતી રેડ પડ્યા પછી કારખાનું બંધ થવાની નોબત આવે છે, ત્યારે આ ગરીબ વર્ગના મજૂરોને મજૂરી શોધવા લાચાર અને નિરૂપાય બનવું પડે છે. અધિકારીઓ સાથે વારંવારની મુલાકાતો અને વ્યવહાર સમજ્યા પછી ફરી કારખાનું શરૂ થાય છે, પરંતુ કારખાનાના શેઠ બાળનાયક બાબુડાને બાળમજૂર તરીકે સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. છેવટે બાબુને બદલે તેની માને મજૂરીએ મોકલવાની નોબત આવે છે ત્યારે લખમણની હરકતોને જાણી ગયેલો કથાનાયક મા-ની મજૂરીનો વિરોધ કરે છે, અને મજૂરીએ જતી બાને રોકવા આડો ફરે છે, ત્યારે કાળઝાળ થઈ ગયેલા પિતાના લાત પ્રહારે ભોંય પડીને ઊબકા ખાતાં કહે છે, “મને થયું કે હમણાં મારું હોજરુ ગળામાંથી ઠલવાઈ ને... ઢગલો થઈ જશે.” (પૃ. ૧૧) અહીં વાર્તાનાયકની ભૂખ માટે બધું સહન કરી લેવાની લાચારી પ્રગટ થાય છે. એકાદ મહિનાના સમયખંડને આવરી લેતી આ વાર્તા બાળનાયક (કથક) બાબુના મુખે સ્મરણોરૂપે, ત્રણેક સમયબિંદુમાં રજૂ થઈ છે. “ખડખડાટ હસતી.. બોલતી.. ઊછળતી.. કૂદતી શુભલી સાવ ઠેઠડે ઠેં થઈ ગઈ” જેવી તંગ વાર્તાક્ષણથી આરંભ પામેલી આ વાર્તામાં પહેલા અને બીજા દિવસના સમયબિંદુઓમાં કારખાનામાં શુભલીની છેડછાડ, રાત્રે ઘેર ઊંઘતા કથાનાયકને અનુભવાતી મા સાથે પિતાની છેડછાડ, બીજા દિવસે કથાનાયકનો શુભલીની પાસે ને પાસે રહેવાનો નિર્ણય, કારખાનામાં અધિકારીઓની રેડ જેવા ટૂંકા ટૂંકા પ્રસંગો સ્મૃતિરૂપે વણી લઈને સર્જકે સ્મરણ કથનની તાજગીસભર ભાષા, સંનિધિકરણ અને સંવાદો દ્વારા કથાનાયકને કરવી પડતી બાળમજૂરીનું કારણ, અધિકારીઓનું બેવડું વલણ, સ્ત્રીઓને ભોગવવી પડતી યાતના સરસ તાદૃશ કરી છે. પરંતુ કારખાનું બંધ થયા પછીનો સમય વાર્તાક્ષણથી ખંડિત થઈ જતો હોવાથી વાર્તાક્ષણ લથડે છે. અંતરિયાળ ગરીબવર્ગની કંગાલ સ્થિતિને લીધે કરવી પડતી બાળમજૂરી અને સ્ત્રીશોષણનું સંવેદન બળકટ હોવા છતાં ઉચિત સમયસંકલનાના અભાવે રચના ફિક્કી પડતી અનુભવાય છે.

‘ગાંધીનો દીકરો થા મા’ આપણી વર્ણભેદની અસમાનતા, શોષિતોના સ્વમાન ઉપર કુઠારાઘાત, અન્યાય-દમનની સ્પર્શક્ષમ વાર્તા છે. વર્ણ આધારે માણસનું મૂલ્ય આંકતી આપણી સમાજવ્યવસ્થાની વરવી વાસ્તવિકતાનું વાર્તામાં સચોટ ચિત્ર ઝિલાયું છે. આ વાર્તાનો નાયક ઠીકરનાથ અભ્યાસ કરે છે, તે ફુલવાદી-મદારી જ્ઞાતિનો છે અને ટાગોર હોલ, અમદાવાદમાં વિચરતી જ્ઞાતિના કલાકારો માટે કાર્યક્રમની પ્રસ્તુતિ માટે રેલવેમાં મુસાફરી કરી રહ્યો છે. તે સહનશીલ છે તો એટલો સ્વમાની પણ છે. ભુજથી અમદાવાદ જવા નીકળેલી રેલવેમાં સફર કરતા કથાનાયકને આરંભે જ સીટમાં બેસવા બાબતે એક ગામડિયો પેસેન્જર તેના દેખાવ, જ્ઞાતિ, અને સ્વમાનથી વર્તવા બદલ લાત, ગાળ, ધક્કા વ્યવહાર કરીને ચૂપ કરી દે છે. છતાં તે રેલવેમાં જ ખેલ માંડે છે. મોટાભાગના પેસેન્જર તેનાં વખાણ કરે છે ત્યારે આગળનું જંક્શન આવતાં ગામડિયો મુસાફર ટી.ટી. અને પોલીસને ફરિયાદ કરીને કથાનાયકને ફસાવી દે, ત્યારે તેની પાસે ટિકિટ હોવા છતાં તેની સચ્ચાઈ અને સ્વમાનનો રણકો પોલીસતંત્રથી પણ ખમાતો નથી. માર અને અત્યાચાર સહન કરીને તેને જેલકોટડીમાં પુરાવું પડે, અને બીજા દિવસે જેલમાંથી નીકળી ઠીકરનાથ પોલીસને પોતાને જવાની વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરે અને ગાંધીજીની જેમ ઉપવાસ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તે પોલીસ દ્વારા ધક્કે ચડે, તેની જોળી ઉછાળી મુકાય અને તેનો કાર્યક્રમનો સામાન વેરણછેરણ કરી દેવાય અને તે પછડાઈ પડે ત્યારે ‘ગાંધી નો દીકરો થા મા’ – એવા પોલીસના મહેણા દ્વારા સર્જકે આપણા લોકતંત્રમાં કાયદાનો અમલ કરાવનારું તંત્ર પણ સત્યથી કેટલું વિમુખ અને ચુસ્ત વર્ણાગ્રહી – વર્ણ ભેદી છે – તે તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. રેલવેસ્ટેશને ગાડીની રાહ જોતા અને તેમાં બેસતા કથાનાયકની ક્રિયાથી વાર્તાનો આરંભ પામતી આ વાર્તા છેલ્લે પોલીસની કોટડીમાંથી નીકળ્યા પછી પણ જ્ઞાતિવાદી માનસિકતાને હાથે ધક્કો ખાતા, અપમાનિત થતા અને પછડાઈ પડતા વાર્તાનાયકની ક્રિયામાં અંત પામે છે. દોઢએક દિવસના સમયબંધમાં સર્જકે સહજ રીતે કથાનાયક અને પ્રતિનાયક એવા જાડિયો મુસાફર, ટી.ટી. અને પોલીસતંત્રને સામસામે મૂકી ક્રિયા-પ્રતિક્રિયા, આક્ષેપ અને તેનો જવાબ, ક્યાંક ક્યાંક કથાનાયક સાચો છે એવું પાત્રસમર્થન, કથાનાયકની સ્મૃતિઓ, જેલયાતના, કથન-સંવાદો સંઘર્ષ રૂપે મૂકીને વાર્તાવસ્તુની ગૂંથણી કરી છે. વાર્તાની સંવાદભાષા પણ પોલીસની અવળાઈ, તોછડાપણું અને નિમ્નવર્ગ પ્રત્યેની સૂગને સચોટ રૂપે પ્રગટ કરે છે. જેમકે, “તારી તે જાતના વાદી.. ગુનો નથી કર્યો? ગુનો કેમ નથી કર્યો? બોલ.. બોલ?”, “સાહેબ, આ અળસિયું આમ આપની સામે બોલે, ઈ ગુનો જ કે’વાય ને?”, “અરે સાબ, જૂઠા સાઇપ રાખવા ઈનાથી બીજો મોટો ગુનો કિયો?” આમ, અત્યંત સંવેદનશીલ વિષયવસ્તુ અને તેની લાઘવસભર વસ્તુગૂંથણી, સંઘર્ષ, પાત્ર સંવાદો અને ‘ગાંધી મિથ’ની કલાત્મક રજૂઆતને કારણે વાર્તા આકર્ષક બની છે.

‘વ્હાઇટ ભીખ’ વાર્તામાં ભિખારી વર્ગની કુટુંબભાવના અને નીતિપરાયણ વ્યક્તિત્વનું નિરૂપણ થયું છે. જેઠાણી-દેરાણીના સંવાદ રૂપે ઊઘડતી આ વાર્તામાં સમુડીનો પતિ જગલો સૂતરફેણી લાવ્યો છે. અને સમુડી તેની જેઠાણી ધનકીને ભાવથી મીઠાઈ આપે છે ત્યારે ધનકી ગદ્‌ગદિત બની જાય છે, પરંતુ જગલો તો બનીઠનીને વરનો મિત્ર હોય તેવો ડોળ કરીને, જમણવારમાં પણ ઘૂસી જાય અને પોતે ધરાઈને ખાધા પછી મનગમતી મીઠાઈ લાવે છે, તે વાતે ભાભી ધનકી ભય અનુભવે છે. આરંભે મીઠાઈ ઓળખવાની ધનકી-સમુડીની વાતોમાં જગલાનો છળ કરીને માગવાનો તથા મોટાભાઈ માવજીનો પૂર્વજોની સિકોતર ભક્તિને લીધે નીતિથી માંગી ખાવાનો સ્વભાવ વ્યક્ત થાય છે. ધનકી સૂતરફેણી ખાતાંખાતાં, વાટકામાં ચટકેલી કીડી મીઠાઈના કણને ખાય તે ક્રિયાને રસથી જોતાં આનંદ અનુભવે છે. વાર્તાને અંતે પતિ માવજી પોતાના ભાઈનું છળ-પરાક્રમ જાણ્યા પછી ભાઈ જગલા ઉપર ગુસ્સે થાય, તેને સિકોતર માતાના સ્થાનક પાસે માફી મંગાવે અને પ્લાસ્ટિકની થેલીમાં લાવેલી મીઠાઈ સમસ્ત કુટુંબને ખાવા માટે આપી દે તેમાં સંયુક્ત કુટુંબની ભાવના ઉપરાંત ભિખારીઓની ચોરી-છળ કે છેતરપિંડીથી ન ખાવાની નીતિ-ભાવના સ્પર્શી જાય છે. પણ રચનામાં ચુસ્ત વાર્તાક્ષણનો અભાવ વર્તાય છે.

‘પુઅર થીંકીંગ’માં ગામડાના ધનિકવર્ગના પોકળ, બોદા-કૃતક સંબંધો, અર્થવાદી માનસિકતા અને દાંભિક ભક્તિ તથા શોષણભાવને સમાન્તરે ગરીબ-મધ્યમ વર્ગના સહજ સંબંધો, નિઃસ્વાર્થ પ્રેમભાવના અને પારદર્શક વ્યક્તિત્વનું નિરૂપણ થયું છે. વાર્તામાં ગામડાના ધનાઢ્ય – જમીનદાર શેઠ એવા દેવચંદ શેઠ અને માણેકબાનો નાનકડો પરિવાર છે. મુંબઈમાં રહેતો દીકરો અભિષેક શહેરની મધ્યમ વર્ગની યુવતી શ્વેતાના રૂપ ઉપર મોહી પડીને, પરણીને તેને ઘેર લાવ્યો છે. (ઘરે મા-બાપને તેણે શ્વેતા કરોડપતિ બાપની દીકરી હોવાનું કહીને મનાવી લીધા હોય તેવું ખુશખુશાલ છે) આગળના દિવસે જ શ્વેતા-અભિષેક ગામડે આવ્યાં છે. બીજા દિવસની સવારથી વાર્તા ઊઘડે છે ત્યારે શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં અને માળા ફેરવતાં નોકરાણી મંજુને ‘રાંડ’ કહે ત્યારે નીચે આવવા માંગતી શ્વેતાના પગ બીજા માળની સીડીના વળાંકમાં જ ચોંટી પડે તથા નોકરાણીના મુખે પોતાના માટે ‘વહુરાણી’ સંબોધન સાંભળીને મંજુ પ્રત્યે શ્વેતાનો સમભાવ પ્રગટ થાય છે. આરંભે મંજુના વહુરાણી વિશેના પ્રશ્નો-કુતૂહલનો માણેકના પ્રત્યુત્તર રૂપે અને શ્વેતાના મનમાં થતી મંજુ અને માની સતત સરખામણી(સન્નિધિ) અને શ્વેતાના નીચે આવ્યા પછી સંવાદો, કથન અને પ્રતિભાવરૂપે શ્વેતાની સરખામણી અને અતીત વણી લઈને – માણેકબાનો ધર્મદંભ, દહેજભૂખ અને મંજુ તથા શ્વેતાની માના ગરીબ છતાં સ્નેહાળ, મહેનતકશ અને સંસ્કારી વ્યક્તિ તરીકેનાં ચરિત્રો ઊભરતાં જાય છે. અભિષેક શ્વેતાને પોતાની જમીનજાયદાદ બતાવવા નીકળે છે ત્યારે ખેતરો બતાવ્યા પછી ખુશ થઈને શ્વેતાને કશુંક માગવાનું કહે છે. સંતોષી શ્વેતા તો ‘તું છે ને?’ કહીને અટકે છે અને બા પાસેથી દસ હજાર રૂપિયા વ્યાજે લઈને મફત કામ કરતી મંજુના પગારની વાત કરે છે ત્યારે છંછેડાઈને નર્વશ થઈ જતો અને શ્વેતાના ‘રૂપ જ બધું છે, અખિલેશ?’ પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્વેતાને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવડાવી – ખૂબ રળી લેવા ઇચ્છતો અને મંજુનું વાસણ ઘસવાનું કામ શ્વેતાને કરતી જોઈ દાંત ભીંસીને ‘સાલુ, થીંકીંગ જ જ્યાં પુઅર હોય ત્યાં?’ ત્યાં જ અટકી જતી રચનામાં વાર્તાના શીર્ષકનો અર્થ-વ્યત્યય સ્પર્શી જાય છે. સર્જક પાસે સંવાદો, કથન, પાત્રઅતીત, સંનિધિકરણ, પાત્રની પ્રતિક્રિયાના સંયોજન દ્વારા વાર્તાવસ્તુને વણી લેવાની આવડત, છતાં પ્રચંડ વાર્તા ક્રિયાને અભાવે વાર્તા પુરુષાર્થ નબળો પડતો અનુભવાય છે.

‘સાયબા, ભેત્યું ચણાવ...’ રોજીરોટી માટે ગામડાની મોકળાશ ત્યજીને શહેરની નાની ઓરડીમાં ભીંસ વચ્ચે જીવતા પરિવારમાં શારીરિક સંબંધો માટે તરસતાં અને છેવટે ખુલ્લા રસ્તાની ઝાડીમાં પણ નિરાંતે એકાંતપળો ન માણી શકતાં પતિ-પત્નીની લાચારી, વ્યથા અને નિઃસહાયતાના વિશિષ્ટ વિષયવસ્તુની વાર્તા છે. શહેરની નાની ઓરડીમાં ઘણા પ્રયત્નો પછી એકાંત પળો પામવામાં નિષ્ફળ ગયેલા પતિ છગાના આગ્રહે રસ્તા ઉપર એવું ઠામ શોધવા મજબૂર બનેલા પતિ છગાને પરસેવો થઈ જવો, પત્ની આગળ કાલુકાલુ બોલવું અને તેનો હાથ પકડીને દાબી દેવો, પત્નીનું શરમાઈને આગળ ચાલવા માંડવું... જેવી પ્રતિક્રિયાઓ કથન, ક્રિયા અને સંવાદો દ્વારા સરસ પાત્રમનઃસ્થિતિ મૂર્ત થઈ છે. વળી ગામડામાંથી શહેરમાં આવ્યા પછી ઓરડીમાં ગૂંગળામણ અનુભવતી પત્નીની અકળામણ અને પતિ છગા દ્વારા એકાંત શોધવાના અને શારીરિક સંબંધો માટે થતા પ્રયત્નોથી વાર્તાવસ્તુ વેગવંતું બન્યું છે. રસ્તા ઉપર છગો તેની પત્નીને ઝાડી બતાવે છે. અને છગાના સ્મરણરૂપે તેણે મિત્રના આગ્રહથી નાની ઓરડીમાં દીવાલ ચણવાના કરેલા વિચારો, મિત્રની વેશ્યા પાસે જવાની સલાહ, ઓરડીમાં સાડી ટીંગાડી દેવાનો નિરર્થક પ્રયત્ન અને છેવટે મોકળાશ માટે પત્નીની ગામડે પાછા ફરવાની સલાહ અને છેવટે જાતીય વૃત્તિને દબાવવા છગાનો ભૂખ્યા રહેવાનો પ્રસંગની સ્મૃતિઓમાં વાર્તા ચાલે છે. અનુકૂળ જગ્યા આવતાં છગો તેની પત્નીને કહે છે, “લે, આ આવી ઝાડી. ચાંપ રાખ ચાંપ.” અહીં પણ મોકળાશ ન અનુભવી શકતી પત્નીની પ્રતિક્રિયાઓ અને અનુભાવ દ્વારા તેની મનોસ્થિતિ સરસ પ્રગટ થઈ છે. ભય અનુભવતી પત્નીને એકલતાપણાની લાગણી જ નથી થતી, મોકળાશ જ વર્તાતી નથી. તે ભયથી કંપે છે. અને છગો તેને આલિંગનમાં લે ત્યાં જ વાંદરાની હૂપાહૂપ સાંભળીને ભયગ્રસ્ત તેની પત્ની બેભાન થઈને ઢળી જાય – એવી કરુણ ક્રિયામાં વાર્તા પૂર્ણ થાય છે. આમ વિશિષ્ટ વિષયવસ્તુ, સરસ વસ્તુગૂંથણી, પાત્રોની ક્રિયા- પ્રતિક્રિયાઓ-અનુભાવ અને રોચક સંવાદગૂંથણીને લીધે સફળ વાર્તા બની રહે છે.

‘ડચૂરો’ માતૃ-વાત્સલ્યભાવની વાર્તા છે. આ વાર્તાની નાયિકા તખુ ગામમાં કચરા-પોતું અને વાસણ-કૂસણ કરીને પતિને ભરણપોષણમાં સધિયારો આપે છે, પરંતુ તેની ત્રણ પુત્રીઓમાંની એક આશા જન્મથી જ મૂક-બધિર છે. અને ઘરથી માંડીને આડોશીપાડોશીઓ આશાને ગાંડી કહીને બોલાવે ત્યારે તેનો અંતરાત્મા કકળી ઊઠે છે. નાનપણથી જ મૂક-બધિર આશાને બોલતી કરવા તેણે ભૂવાને ધુણાવ્યાથી માંડીને બહુચર માતાની બાધા અને દવાઓ કરાવી છે, પરંતુ આશામાં કોઈ ફેરફાર થયો નથી. દસેક વર્ષની ઉંમર પછી તો આશાની હરકતો અને તોફાનો વધી પડે છે. પુત્રીને ગાંડી ના માનતી તખુને સૌ મે’ણાંટોણાં સંભળાવે છે. પુત્રીને બોબડી તરીકે સ્વીકારતી, પરંતુ તેના ગાંડપણને હરગિજ ન માનવા તૈયાર તખુ ડૉક્ટરની સલાહ મુજબ બે-ત્રણ ઘરમાં નવાં કામ શોધીને તથા એકાદ કટકો સોનું વેચીને પણ ફીની વ્યવસ્થા કરીને આશાને મૂક-બધિર સ્કૂલમાં મૂકી આવે છે. અને આશાને ગાંડી માનતાં પોતાનાં સાસુ આગળ હરખ પ્રગટ કરતા કહે છે કે, “અરે... મૂઈને શીખર વરહોથી માંયલી પા શું ભરાણું તું.. તે ડચૂરો હેઠો બેઠો... ઈ ભેળું જ ગાંડપણ ગ્યું હલૂલૂ... હૂ કરતું” અને તે ગોળ ઘૂમરી ખાય છે તેમાં તેના માતૃવાત્સલ્યની પરાકાષ્ઠા અનુભવાય છે. સર્વજ્ઞ કથનમાં કહેવાયેલી આ વાર્તા આરંભથી જ આશાનાં તોફાનો અને પાડોશીઓનાં ‘ગાંડી ગાંડી’નાં મહેણાંના વિચારે વાસણ ધોવા-મૂકવામાં બેદરકારી સેવતી મંગુડીની તંગ મનોસ્થિતિથી આરંભ પામી છે. વાસણના ખખડાટે જાગી ગયેલી મકાન માલિક તેને ‘કામ કરવું હોય તો વહેલી આવજે’ અને કામ બાબતે તતડાવે ત્યારે તખુના હાથ ઢીલા પડી જવા, માથું નીચે ઝૂકી જવું.. જેવી પ્રતિક્રિયાઓ કામ છૂટી જવાના તેના ભયને દર્શાવે છે. ઘરે ઉંબરામાં પગ મૂકતાં તેનું હૈયું ફરકી ઊઠે, પરંતુ દીકરીને થાંભલી સાથે બાંધેલી જોતાં ચીસ પાડીને આશા ગાંડી નથી એવું કહીને તેના કાંડા પર જામેલા લોહીના ટશિયાને પંપાળે, ફૂંક મારે વળી દીકરીને સાજી કરવા ભૂવા ધુણાવે, માતાજીને બાધા ચડાવે... લોકો જે સલાહ આપે તે મુજબ કરે અને છેવટે ખર્ચનો જોગ કરીને મૂકબધિર સ્કૂલમાં લઈ જાય. શિક્ષિકાઓ અને ચાર-પાંચ મૂકબધિર છોકરીઓની ઇશારાની ભાષાથી આશા હર્ષથી રોમાંચિત અને ખુશખુશાલ થઈ જાય અને તેને મૂકીને ઘેર આવ્યા પછી પોતાની સાસુ આગળ આશાનો ડચૂરો કઈ રીતે બેઠો – તેની વાત કરતાં ડચૂરામુક્ત થઈને હર્ષથી ગોળ ઘૂમરી ખાતી તખુડીનો સભર વાત્સલ્યભાવ વાર્તામાં તેની વાણી અને પ્રતિક્રિયાઓમાં સરસ ઝિલાયો છે. કથન, સંવાદો અને એકોક્તિઓથી વસ્તુગૂંથણી પામેલી આ સીધીસાદી રચનામાં દસથી બારેક દિવસનું સમયસંકલન પણ સરસ જળવાયું છે.

‘ઉકેલ’ વાર્તામાં સરકારશ્રીની કૃષિઉપજની ભાવનીતિના અભાવે અને કુદરતના કોપ આગળ દેવાળિયા બનતા ખેડૂતની લાચારી, નિઃસહાયતાનું ચિત્ર ઘેરા રંગે રંગાયું છે. આ વાર્તાના નાયક ખેતા પટેલ આગલા વર્ષે ખૂબ બટાકાનું ઉત્પાદન થયું હોવા છતાં યોગ્ય ભાવને અભાવે, કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખી શકે તેટલી યે ઉપજ પામી શક્યા નથી. વળી બીજા વર્ષે તલનું વાવેતર કરે છે, પરંતુ તલનો પાક પણ નિષ્ફળ જાય છે અને હપ્તા ન ભરી શકાતાં દીકરા ચંદનનું ટ્રેક્ટર ખેંચાઈ જાય છે, દીકરાનાં લગ્ન અટકી પડે છે, લેણદારોની ઉઘરાણીઓ તેજ બને છે, દીકરો અને પત્ની ઈશ્વરમાં આસ્થા માંગતા ખેતા પટેલને મેણાંટોણાં સંભળાવે છે અને સ્વજન સમા બળદોને પોષક આહાર પણ ખવડાવી શકાતો નથી – આવી મનઃસ્થિતિમાં તલના સોઠામાં બળીને આત્મહત્યા કરવા ઇચ્છતા ખેતા પટેલની માનસિક સ્થિતિ જોખમાય છે. આમ, ખેડૂતની કંગાલિયતનું કરુણ ચિત્ર સાંપડે છે. ખેતા પટેલની ગાંડપણની અવસ્થા અને લોકમશ્કરીઓથી શરૂ થતી આ વાર્તામાં ખેડૂતના આશા-અરમાનો, સરકારી કૃષિ ભાવનીતિ અને કુદરતના પ્રકોપે ધીમેધીમે પાયમાલી તરફ જતા અને અંતે રાત્રે ઊંઘી ન શકાતાં આત્મહત્યાના દુઃસ્વપ્નમાં પાગલ બની જતા ખેતા પટેલની પાયમાલીનું ચિત્ર નાના નાના પ્રસંગો દ્વારા અને તેમાં કથન, સ્વપ્ન, પાત્રગત તીવ્ર સંવેદન-સંવાદો, ગ્રામીણ પરિવેશ, લોકમશ્કરીઓ અને પાત્ર એકોક્તિઓના સંયોજન દ્વારા સર્વજ્ઞકથન કેન્દ્રમાં સરસ મૂર્ત થયું છે.

‘તને કેમ સમજાવું’નો ભરથરી કોમનો વાર્તાનાયક કેસરો રાવણહથ્થા સાથે ભજન, લોકગીત અને દુહા લલકારીને લોકરંજનથી લોકપ્રિયતાની સાથોસાથ રોજીરોટી પણ પામે છે, પરંતુ તેના હૃદય તાર હલાવી ગયેલી એક યુવતીની વાજિંત્ર સાથે દુહા સાંભળવાની ઇચ્છા આગળ, તે પૂરી કરવામાં મનનું સમતોલપણું ગુમાવે છે. રચના સંવેદનસભર છે, સમતોલપણું ગુમાવતા હૉસ્પિટલમાં માંદગીના બિછાને પડેલા વાર્તાનાયકની સ્થિતિથી ઉચિત વાર્તારંભ થયો છે, ત્યાર પછી અતથી ઇતિ સુધી બધું કહી દેનારા પ્રસંગોની ગૂંથણીને કારણે આ રચના માત્ર સંવેદનકથાની છાપ અંકિત કરે છે.

‘હાથ પડ્યું હથિયાર’ દલિત અને સ્ત્રીચેતનાની વાર્તા છે. આ વાર્તામાં ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં હરિજન સ્ત્રીઅનામતની સીટ આવતાં સવર્ણ આગેવાનો પીએચ.ડી.નો અભ્યાસ કરેલી દેવલને બિનહરીફ ચૂંટી કાઢે છે, પરંતુ ગામના ગૌચર હટાવવા સંબંધથી પંચાયતના ઠરાવનો કડક અમલ થાય ત્યારે વાર્તાનાયિકા દેવલને સમજાય છે કે તેને તેના અભ્યાસને લીધે નહીં, પરંતુ તે દલિત અને સ્ત્રી હોઈ તેની પસંદગી થઈ છે ત્યારે તે નર્વસ બની જાય છે. પરંતુ ભીંસમાં મુકાયેલો તેનો પતિ એટ્રોસિટીની ફરિયાદ કરે છે, પોલીસ દ્વારા સવર્ણોની ધરપકડો થાય છે. અને ગામ આગેવાનો દેવળને એટ્રોસિટી સંબંધે કડક સવાલો કરે છે ત્યારે સંયમ આદેશ સ્વસ્થતાથી વર્તતી દેવલ તેમને શાણપણભર્યા સવાલો પૂછીને નિરુત્તર કરી દે છે ત્યારે તેની સ્ત્રી તરીકેની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. માત્ર પંદર કલાક જેટલા સમયખંડમાં, સર્વજ્ઞ કથનકેન્દ્રમાં કહેવાયલી આ વાર્તાનો આરંભ વાર્તાનાયક ચંદુડાના બારસાખ સાથે લથડી પડવાની કુતૂહલપ્રેરક ક્રિયાથી થયો છે. વાર્તાનાયક દારૂના નશામાં ગામલોકોને ગાળો ભાંડે છે/ એટ્રોસિટી નોંધાવ્યાનો બબડાટ કરે છે/ વાર્તાનાયિકાને પણ ગાળોથી નવાજે છે ત્યારે વાર્તાનાયિકાની સ્મૃતિરૂપે લોકોએ ચંદુડાની ખરાબ સોબત અને વ્યસન વિશે કરેલી વાતો સાચી લાગે છે. અને ચંદુડો તેને “સરપંખ ભલે બૈરું હોય... પણ ખરો વટ તો એના ધણીનો હોય” – એવું સંભળાવે છે ત્યારે વાર્તાનાયિકાને એ બધો ખેલ ગ્રામપંચાયતના સભ્ય મનુડાનો લાગે છે. વિચારોમાં ખોવાયેલી વાર્તાનાયિકાનાં સ્મરણો રૂપે પંચાયત મિટિંગમાં ગૌચર દૂર કરાવ્યાનો ઠરાવ અને મનુડાએ તેનું હૃદય જીતવા માટે કરેલા હાર પહેરાવવાના ઉધામા, બીજોલ સુથારે મિટિંગમાં કરેલી સ્ત્રીવિષયક હીન ટિપ્પણી અને જેમણે જમીન પચાવી પાડી છે તેવાઓ માટે પહોંચી વળવાની મનુની તત્પરતા – એ બધું યાદ આવતાં મનુની લોલુપ વાતો અને ચેષ્ટાઓથી પોતે કઈ રીતે દૂર રહેલી એટલું જ નહીં, વાત વાતમાં મનુએ કહેલી ગામલોકોએ અને તેણે દેવલના અભ્યાસ અને પતિના સીધાપણાનો ફાયદો ઉઠાવતાં, માત્ર પોતાનું ધાર્યું કરવા માટે જ સરપંચની ઉમેદવાર બનાવી હતી તે વાતનું સ્મરણ થઈ આવતાં દેવલ આખી રાત ઊંઘી શકતી નથી. અને સવાર પડે છે ત્યાં તો પોલીસની ગાડી અને એટ્રોસિટીના ચિત્કારો. એટ્રોસિટી માટે દેવલને જવાબદાર ગણતા ગામ વડીલો કહે છે, “બસ ને? તુએ દલિત બનીને ઊભી રહી ને?” ગામ-તરકટ પામી ગયેલી દેવલ પ્રત્યુત્તર આપે છે, “ગામે મને શિક્ષિત વ્યક્તિ તરીકે સ્વીકારી જ ક્યાં હતી?” તો બધી લપથી છૂટવા તેનો પતિ ચંદુડો કહે છે, “ભગત બાપા, અમારી પાસે બચાવનું બીજું હથિયાર ક્યાં હતું?” પરંતુ દેવલને એટ્રોસિટીનું સસ્તું હથિયાર માન્ય નથી. તે તો આ બધાય ઘટનાકાંડના લીડર મનુભાઈને પણ કટાક્ષ કરી દે છે કે, તે સ્ત્રીત્વના શસ્ત્રથી નહીં પરંતુ એક સરપંચ... માણસ અને શિક્ષિત વ્યક્તિ તરીકે કાર્ય કરવા તત્પર છે. અને આહ્‌વાન કરે છે કે, એટ્રોસિટી તો પાછી ખેંચાશે પરંતુ કાયદાના પાલન અને ગૌચરની મુક્તિ માટે મારી સાથે કોણ ઊભું રહેશે તે કહો? અને ત્યારે સૌ ભોંઠપ અનુભવતા રહી જાય છે. આમ, ચુસ્ત સમયસંકલનામાં થયેલી કુતૂહલપ્રેરક વસ્તુગૂંથણી, દેવલના અડગ-નીડર-શીલવાન પાત્રવ્યક્તિત્વ અને સૂચક અંતને લીધે આ રચના વિષય અને અભિવ્યક્તિ બંને દૃષ્ટિએ સ્પર્શી જાય તેવી છે.

આમ, સર્જકના આ બીજા સંગ્રહમાં પણ વિપુલ વસ્તુનાવીન્ય છે. ‘આંતર-બાહ્ય’ની વાર્તાઓની વંચિત પાત્રસૃષ્ટિ અને સંવેદનાનો અહીં વિસ્તાર અનુભવાય છે, અને પાત્રને અનુરૂપ વિવિધ બોલી-ભાષાનો સફળ વિનિયોગ થતો જોવા મળે છે. આ સંગ્રહમાં ‘હોર્ડિંગ’, ‘ઉકેલ’, ‘ડચૂરો’, ‘ગાંધીનો દીકરો થા મા’, ‘હાથ પડ્યું હથિયાર’ અને ‘સાયબા ભેત્યું ચણાવ’ જેવી સ્વરૂપસિદ્ધ સફળ વાર્તાઓ મળે છે. તો ‘બાળ મજૂર’, ‘વ્હાઇટ ભીખ’, ‘તને કેમ સમજાવું?’ અને ‘પુઅર થીંકીંગ’ જેવી સંવેદનધર્મી રચનાઓ ચુસ્ત વાર્તાક્ષણને અભાવે મધ્યમ સ્તરની અને ‘વહાલ’ અને ‘અજવાળાનાં વાવેતર’ સંવેદના અને માવજત – બંને દૃષ્ટિએ ઊણી ઊતરતી રચનાઓ છે.

(૩) ‘પિયાલો’ (૨૦૧૮, પૃ. ૧૩૨)

Piyalo by Kanu Acharya - Book Cover.jpg

સંગ્રહની પ્રસ્તાવનામાં સર્જકે સહૃદયતાપૂર્વક આ સંગ્રહની વાર્તાઓ માટે ‘સુજોસાફો’એ પોતાની વાર્તાકલાને ઘડી, મઠારી એક નવી દિશા આપ્યાનો સ્પષ્ટ એકરાર કર્યો છે. તો ‘વિવિધરંગી વાર્તાસૃષ્ટિ’ શીર્ષકથી પ્રાપ્ત થતા મોહન પરમારના અભ્યાસલેખમાં આ સંગ્રહની વાર્તાઓના વિષયવૈવિધ્ય, પાત્રગત સંવેદનાની ચર્ચાની સાથોસાથ વાર્તાકળાનાં સબળ પાસાઓની સંક્ષેપમાં સરસ ચર્ચા સાંપડે છે. આ વાર્તાસંગ્રહમાં જુદાજુદા વિષયવસ્તુની ૧૪ જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે, જેમાંની દસ સર્વજ્ઞકથનમાં, એક સાક્ષીકથનકેન્દ્ર અને ચાર વાર્તાઓ પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં કહેવાઈ છે.

‘પિયાલો’ ખેતીકામ માટે રખાતા ‘હાળી’ને કાયમ માટે બાંધી રાખવા માટે બીજાઓની જેમ અમલના બંધાણી બનાવીને નહીં, પરંતુ વાત્સલ્યનો પિયાલો પીવડાવીને પોતાનો કરી લેવાની વાત્સલ્યપ્રીતિની વાર્તા છે. આ વાર્તામાં નાનકડા નાથિયાને તેની મા કંકુએ ધરમીને પોતાની પિયરની બેન ગણીને તેના ભરોસે, દસેક હજારની ઉચ્ચક રકમ નક્કી કરીને ભાગિયા તરીકે મૂક્યો છે, અને ધનીએ તેને પુત્રવત્‌ ગણીને તેને પોષ્યો છે અને ખેતીનું કામ પણ લીધું છે. પરંતુ કંકુના મરણ અને દસેક વર્ષ પછી નાથિયાનો મામો વીહો હથિયારબંધ ટોળા સાથે ઊમટીને નાથિયાને છોડાવી જાય છે, ત્યારે ધરમીને નાથિયા વગર ચેન પડતું નથી. અને બળદ પણ તેના વિના ઝૂરે છે. ‘નાથિયો પાછો આવશે જ’ – એવો ધરમીનો ભરોસો છેવટે સાચો પડે છે ત્યારે નાથિયાને ભેટી પડેલી ધરમીને જોતાં, નાથિયા પાછળ દોડી આવેલા તેના મામા વીહાના હાથમાંથી લાકડી નીચે પડી જાય – તેમાં સર્જકે પ્રેમ પિયાલાનો વિજય થતો દર્શાવ્યો છે. ધરમીના નાથિયા પ્રત્યેના તીવ્ર વિરહ-વિલાપથી આરંભ પામેલી આ રચનામાં પુત્ર સમાન નાથિયાના પ્રેમમાં ઝૂરતી ધરમી ધૂન ને ધૂનમાં નાથિયાના પણ રોટલા ઘડી કાઢે છે અને રોટલો તવામાં બળી જઈને ધુમાડો નીકળે છે ત્યારે પડોશણો દોડી આવે, ધરમીને સાંત્વના આપે, અને પડોશણોના સંવાદો, અને ધરમીની સ્મૃતિઓથી નાથિયો કઈ રીતે પોતાને ત્યાં ભાગિયા તરીકે આવેલો અને પુત્રવશ તેને ઉછેરેલો તેનાં ભાવચિત્રોમાં તથા અભાવગ્રસ્ત ધરમી અને બળદોનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. વિરહથી આરંભાયેલી કૃતિનું નાથિયાના મિલન સાથે સરસ ભાવવર્તુળ પૂર્ણ થાય છે. મુખ્ય પાત્ર ધરમીની અભાવગ્રસ્ત પીડામાં તેની ભાવ ચેષ્ટાઓ-પ્રતિક્રિયાઓ તથા લય-ભાવસભર જીવંત બોલીમાં વાર્તાનું સરસ પોત વણાયું છે. અંતનું મિલન દૃશ્ય ‘પિયાલો’ શીર્ષકને સાર્થક કરે છે. વળી એકાદ કલાકના સમય બંધમાં શોષિતો પ્રત્યેના પ્રેમ-સદ્‌ભાવને સર્વજ્ઞ કથનકેન્દ્રમાં સિદ્ધ કરતી ‘પિયાલો’ ઉત્કૃષ્ટ લાઘવસિદ્ધ રચના છે.

‘માટીનો કોઠો’ પતિસુખથી વંચિત ગ્રામ્ય નવયુવતીની વેદનાને સંકેતાત્મક-સંયત ભાષામાં મૂકી આપતી નમૂનેદાર વાર્તા છે. વાર્તાનાયિકા હરિસીને મુખે તેના પહેલા જ આણે તેડી લાવવાના પ્રસંગથી ઉઘાડ પામતી આ વાર્તામાં હરિસીને તેડવા ગયેલા તેના પિતાજી સાથે તેનો પતિ પણ સ્ટેશને મૂકવા આવ્યો છે. સસરો આઘોપાછો થતાં તે પત્નીને કહે છે, “તું તારે રે’વું હોય એટલું રે’જે...” આ વિધાનના પ્રત્યુતરમાં હરિસીનો ચહેરો વજ્જર બની જાય અને તે દુઃખી દુઃખી થઈ જાય. પતિનો ચહેરો પણ પલળેલા ગાભા જેવો થઈ જાય. આવા કેટલાય સંકેતો વાર્તાવસ્તુને ઉપકારક બન્યા છે. વળી વાર્તાનાયિકાના સ્મરણ રૂપે ભાભીએ કહેલા દિયરના સસલા જેવા પોચટપણાની અને નાતના રિવાજના સંદર્ભે યાદ આવી ગયેલી ગોરજીની વિધિ અને વચનો નાયિકાની વેદનાને ઘૂંટે છે. પતિસુખ ન પામી શકેલી નાયિકાની વેદના અને પતિનું પોચટપણું તેનાં વચનો અને પ્રતિક્રિયાઓમાં સરસ સ્ફૂટ થતું જાય છે. ઉપરાંત છકડામાં બેઠા પછી તેમાં બેઠેલી બાયુનું ટીકી ટીકી ટીકીને જોવું અને તાજી જ પરણેતર વિશેના વિધાનોથી હરસી વિંધાતી રહે, ગામનું પાદર આવતાં જાનડીઓનાં વિદાયગીતોની સ્મૃતિ અને વાસ્તવિક સ્થિતિની સંનિધિમાં તેણે વર માટે કરેલાં સખી તેજુડી સાથેનાં શિવજીનાં વ્રતો અને દૂધ ચડાવવાની ક્રિયાઓ અને ફોઈએ કહેલી પતિધર્મ, અને વિપત્તિમાં પણ સાસરીમાં ટકી રહેવાની સલાહો તેની વેદનાને વળ આપે છે. ત્યાં જ પિયર પહોંચેલી નાયિકાને તેની મા પિયરના સુખ સંબંધે પૂછીને પોતાની દીકરી તો વજ્જર જેવી છે એવું ગૌરવ લે અને તેના માટે દૂધ બનાવવાનું અને કંસાર બનાવવાનું કહે ત્યારે દૂધ અબખી ગયું અને માપ પ્રમાણે કાળજું બદલાઈ જાય એવું ફોઈનું કથન યાદ કરાવતી હરિસી સખી તેજુડીને મળવા દોડી જાય છે ત્યારે તેના દુઃખનો પોપડો ફૂટી જાય છે. સખી તેજુડી હરિસીને તેના પતિ વિશે પૂછે છે ત્યારે ફફડતા સૂરે ‘અદ્દલ શિવજી જેવો જ’ – એવા પ્રત્યુત્તર અને સખીના ‘હવે મારો હાહ બેઠો’ એવા સંતોષ સામે રાડ પાડી ઊઠે અને મા પણ દોડી આવે ત્યારે વાર્તાનાયિકાનું દુઃખ અને ઊભરો અંતની વાર્તાનાયિકાની ઉક્તિભાષામાં સઘન રૂપે મૂર્ત થયું છે જેમ કે, “મારી અંદર બધું ઘુમરાઈ રહેલું. વલોણાની જેમ બધું અંદર ફરે. અંદર બધું હિંસકાયું... તૂટ્યું ને.. કુચ્ચે કુચ્ચા ઊડવા માંડ્યા.... શિવજી એટલે શું તને ખબર છે? અદબહેરી! આ તો બે આંખો બંધ અને ત્રીજી વચ્ચેની કપાળવાળી ખૂલી તે બધું બારીને ભસમ કરેલો આદમી!... લિંગ માથે દૂધની ટબુડિયું ઢોળી ઢોળી ને થાચી, ઈ દૂધ મજરે ન આયુ તેજુડી!” (પૃ. ૨૧-૨૨) કહીને પોંકે પોંકે રોઈ પડતી નાયિકાની ક્રિયામાં વાર્તા પૂર્ણ થઈ છે. નાયિકાની તીવ્ર એકોક્તિભાષા ભાવકનો વિશ્વાસ જીતીને સમભાવ પ્રેરે છે. કથન અને સંવાદ બંનેની તળપદી ભાષાનો વ્યંજનાસભર વિનિયોગ થયો છે. એકાદ બે કલાકની સમય ચુસ્તીમાં, સરસ-સચોટ વસ્તુવિન્યાસ, સંકેતો અને સન્નિધિઓની માવજત – બધું જોતાં આ વાર્તા વિશિષ્ટ વિષયની અસરકારક માવજતની વાર્તા બની રહે છે.

‘દવા’ વિચરતી કોમ પરના અત્યાચાર-દમન અને તેમની માણસ તરીકે ટકી રહેવાની મથામણની વાર્તા છે. આ વાર્તાનો નાયક ભભૂતનાથ વાદી-મદારી કોમનો છે. આ જ્ઞાતિના લોકો સરકારશ્રીની યોજના મુજબ સુધારાવાળાઓની સલાહને વશ વર્તીને પરંપરાગત વ્યવસાય અને દારૂની લત છોડીને અન્ય કામોમાં વળ્યા છે. ભભૂતનાથ પણ કડિયાકામમાં જોતરાયો છે, પરંતુ તેના કુટુંબને બે જ દિવસમાં અનિષ્ટ તત્ત્વો દ્વારા મારકૂટ કરીને ગોચરની જમીન મુક્ત કરવાની ધમકી અપાઈ છે. વળી ત્રીજા દિવસે કામે ગયેલા ભભૂતનાથને કડિયાકામમાંથી પણ જાકારો મળે છે. વ્યથિત અને લાચાર વાર્તાનાયકનું મન દુઃખ ભૂલવા માટે વ્યસનના માર્ગે વળે છે, અને અડ્ડાની માલિક સકીના પણ વાર્તાનાયકને રોકે છે, પણ તેના દુઃખની કથની સાંભળીને મફતમાં બે થેલી દારૂ આપી દે છે. દારૂ પીને છાપરી તરફ પહોંચેલા ભભૂતનાથને સુધારાવાળા ઈશ્વરલાલ જોઈ જતાં, પ્લોટ જશેની હાયમાં તેના પગ ડગમગે છે, પરંતુ હકીકત પામી ગયેલા ઈશ્વરલાલની આંખમાં પણ વેદનાનો અણસાર પામી ગયેલો ભભૂતનાથ હાશકારો અનુભવે છે. એક તરફ સકીનાનો અડ્ડો અને બીજી તરફ પોતાની છાપરીએ જતો રસ્તો. આમ, બે રસ્તાઓ વચ્ચે અટવાઈ ગયેલા વાર્તાનાયકની મનઃસ્થિતિથી ઊઘડતી વાર્તા પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં, રમતિયાળ – નિર્દોષ વાદીબોલીમાં કહેવાઈ હોઈ હાસ્યને ઓથે ગંભીર વિષયવસ્તુ જાણે ભાવક સન્મુખ પ્રત્યક્ષ થાય છે. પાત્રની મનોદશા જુદીજુદી પરિસ્થિતિમાં સરસ સ્ફૂટ થઈ છે. ચુસ્ત સમયસંકલનામાં ઉજ્જ્વળ ભવિષ્યની આશામાં પરિસ્થિતિવશ વ્યથાનિવારણ માટે દારૂ-દવાનો આશ્રય લેતા નિમ્નવર્ગની લાચારીને પ્રગટ કરતી ‘દવા’ મનોહર વાર્તા છે.

‘મહારાણાનો અંશ’ સાક્ષીકથનરૂપે કહેવાયેલી પાત્રપ્રધાન રચના છે. જેમાં મહારાણા પ્રતાપ માટે યુદ્ધનાં હથિયારો બનાવી આપનારા ખેમાભાણાનું આતિથ્યવત્સલ, સ્વમાની અને ખુમારીસભર પાત્રવ્યક્તિત્વ ખડું થઈ શક્યું છે. કથક અને તેના સાથીઓ ગરીબોને ઠંડીમાં ગરમ ધાબળા અને રજાઈઓ વહેંચવા નીકળ્યા છે. તેઓ ખેમાભાણાને ત્યાં જાય છે ત્યારે ઠંડીમાં ઠરતો ખેમોભાણો ગરદન ઝાટકીને, ટટ્ટાર થઈને કહી દે છે, ‘મ્હાણે ઈની જરૂર કો ની કો.. ની.. કો... ની...’ – આ વિધાનથી શરૂ થતી વાર્તા મોટેભાગે ખેમાના ઘરના પરિવેશ, રાચરચીલું, લોખંડ ગાળવાની ભઠ્ઠી વગેરેના કથનમાં અને ટોળીના સભ્ય અને ખેમાના નામ-કામથી પરિચિત વશરામાના પાત્રના કથન-સંવાદો દ્વારા તથા ખેમાના ઘરની ભીંતે લટકાવેલા ધૂંધળા મહારાણા પ્રતાપના ફોટાના સંદર્ભે ખેમાભાણાના રાણાપ્રતાપ અહોભાવ અને વર્તન-વ્યવહારો દ્વારા વાર્તાવસ્તુ ગતિ સાધે છે. ઠંડીમાં ઠરવા છતાં, ખેમોભાણો પોતાના ઘરમાં ઓઢવા-પાથરવાનું છે એમ કહીને ધાબળા અને રજાઈઓ લેવાની સ્પષ્ટ ના પાડી દે છે – તેમાં તેની ખુમારી સચોટ વ્યક્ત થઈ છે. અંતે ખેમો રાણાપ્રતાપના ફોટાને મઢાવી આપવાની શરતે રજાઈઓ લેવા સંમત થાય છે. મહારાણા પ્રતાપનાં યુદ્ધનાં હથિયારો ઘડનાર ખેમોભાણો રાણાપ્રતાપ જેવી જ ખુમારી ધરાવે છે. અંતે રાણાપ્રતાપના મઢેલા ફોટા સાથે કથક ખેમાને ત્યાં જાય છે ત્યારે ખેમાના રોમેરોમમાં વીજળી દોડવા માંડે છે અને તે કથકને ધન્યવાદ આપતા કહે છે, “ખમ્મા થાને ખૂબ ખૂબ ધનવાદ... આજ મ્હારા રાણોજી ફૂટરા દીખણ લાગા હૈ.” આમ, કુતૂહલપ્રેરક આરંભ, વાર્તાલાઘવ, સબળ પાત્રનિરૂપણ, ભેદક પાત્રબોલી, સચોટ વસ્તુગૂંથણી અને સમયસંકલના બધે વાને ‘મહારાણાનો અંશ’ સરસ વાર્તા છે.

ધાર્મિક-સેવાપરાયણ વ્યક્તિત્વમાં બે પેઢીઓ વચ્ચેના અંતરને વ્યક્ત કરતી ‘ડંખ’ વાર્તામાં પેઢીઓની પરંપરા મુજબ ગરીબ લોકોને મફત છાશ આપતા, સાથે સ્વજન જેવો વ્યવહાર કરતા અને પંખીઓને ચણ આપતા ભક્તિપરાયણ સ્વભાવના હરજી પટેલ અને વાલીની સેવાપરાયણ પ્રવૃત્તિને પરણ્યા પછી પહેલા જ આણે આવેલી વહુ દક્ષા તેના આણાના બીજા જ દિવસે આર્થિક ખોટની ગણતરીએ બંધ કરી દે ત્યારે હરજી પટેલ અને વાલી ખળભળી ઊઠે છે. ઓછામાં પૂરું દીકરો પણ દક્ષાને સાથ આપે છે ત્યારે તેઓ આઘાત અનુભવે છે. પરંતુ કર્મકારણના ભેદમાં માનતા હરજી ભગત વહુના રડ્યા પછી તેણે તેના કટુઅતીતથી એવું વર્તન કર્યું છે એમ જાણે છે ત્યારે પશ્ચાત્તાપથી વહુ સુધરી જશે એવો સંતોષ માને છે. મધમાખી અને વહુની સંનિધિની માવજત ઠીક ઠીક ઉપકારક બની છે. તો અંતે વહુનો કટુઅતીતનો વૃત્તાંત પણ અણધાર્યો અને સગવડિયો લાગે છે. સરસ આરંભાયેલી વાર્તા મંદ વાર્તાક્ષણને લીધે જામતી નથી.

રમેશ ર. દવેની ‘શબવત્‌’ વાર્તા સાથે વિષય-સામ્ય ધરાવતી ‘વિક્ષોભ’ની વાર્તાનાયિકા અમી શેઠની શારીરિક ભૂખ સંતોષીને પતિની નોકરી બચાવે છે, પરંતુ તેનો અપરાધબોધ ધ્યાનાર્હ બની રહે છે. વાર્તાના પ્રારંભથી જ અમીના અપરાધબોધ વચ્ચે વિષયવસ્તુની સરસ ગૂંથણી થઈ છે. પ્રિયંક શેઠ મૂકી ગયા પછી અમીની ઘસીઘસીને નાહવાની ક્રિયા, કપડાં બાળી નાખવાના પ્રયત્નો, રસોડામાં જતાં ખંચકાટ, સાધ્વી સત્યપ્રભા વચનો યાદ કરીને પ્રગટ થતો અપરાધબોધ, પડોશી રમલી જાણી જશેની ચિંતા, વત્સલ પતિ સુરેશની નોકરી જવાની ચિંતા અને પોતે શેઠને મળીને સમજાવવા આપેલી ખાતરી, આખરી ઉપાય તરીકે લવાયેલી ઝેરની બાટલી અને તેને જોઈને અમીને થઈ ગયેલી ઊલટી – આ અંશોની ગૂંથણીથી અમી અને સુરેશ વચ્ચેના પ્રેમાળ સંસારની સાથોસાથ અપરાધબોધની વાત સરસ ગૂંથાય છે. અંતે મંદિરમાં જતાં સંક્ષોભને કારણે અમી પતિને માસિકધર્મનું કારણ દર્શાવી મંદિરમાં જતી નથી, પરંતુ તેના પશ્ચાત્તાપને પામી ગયેલાં સાધ્વીજી તેનો મંદિર પ્રવેશ કરાવે, હાંફળોફાંફળો પતિ અમીને મંદિરમાં આવવાનું કારણ પૂછે, ત્યારે અપરાધબોધ અનુભવતી અમી થરથર કાંપતી હાકોટા કરે... અને સૌ ‘માતાજી પધાર્યાં છે’ – એમ માની ધૂપ-અગરબત્તી ધરે ત્યાં પણ અપરાધબોધ સાથે વાર્તા સરસ અંત પામે છે.

‘મેરા દર્દ ન જાને કોય’માં વાર્તાનાયિકા કુસુમને એકાએક ઢીંચણમાં ટચાકાનો અનુભવ થતાં, સંબંધી કોઈ સ્ત્રીને પગની સામાન્ય અસરને લીધે પગ કપાવવો પડેલો તેની સ્મૃતિમાં તે પણ ગભરાઈને દીકરી અને બધે સ્વજનોમાં જાણ કરી દે, સ્વજનો અને ઓળખીતા તેની ખબર લેવા આવે, નવી નવી સલાહો મુજબ દવાખાનામાં એક્સ-રે થાય, અને ડૉક્ટર દ્વારા ક્લીન ચીટ મળે છતાંય અંતે એક સખી દ્વારા કોઈની નજર લાગી હશે-ની આશંકામાં દોરા ધાગાની પણ વિધિ થાય પરંતુ અંતે પડોશી તરીકે નવા નવા આવેલા પરપ્રાંતીય પોસ્ટમાસ્ટર અને વાર્તાનાયિકા કુસુમની સવારે સૂર્યને પાણીની અંજલિ ચડાવતા થતી નજરની આપ-લે અને વર્તન મૂકીને ઢીંચણના ટચકાને અર્થની નવી ધાર આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ યુક્તિ સફળ થઈ નથી. ચોક્કસ વાર્તાક્ષણને અભાવે વિષયવસ્તુ વેડફાઈ જતું અનુભવાય છે.

‘મારી પાસેય પાંચસોની નોટ છે, હો!’ માનવમનની છૂપી સંવેદનાની વાર્તા છે. નોટબંધીના બીજા દિવસે વાર્તાનાયિકાના ઘરે કામ કરતી ઝબલી હાંફળીહાંફળી દોડી આવે અને સમાચાર આપે કે, “માસી, પાંચસો ને હજારની બધી નોટો કાગળિયાં થઈ ગઈ.” પતિસુખને સર્વસ્વ માનતી કુસુમે કોઈ અલગ બચત કરીને પાંચસો-હજારની નોટો ભેગી કરી નથી. તે કામવાળીની નોટો બૅન્કમાં બદલાવવા રાખી લે છે, પરંતુ કુસુમને જ્યારે તેની બહેનપણીઓ અને સંબંધી સ્ત્રીઓ કોલ કરીને તેમની પાસે તો સિત્તેર હજાર... લાખની બચત રૂપે નોટો છે એવું કહીને કુસુમે પતિથી છાની એવી રકમ ભેગી ન કર્યાં બદલ તેને ભોળી અને ભોટ ગણીને ટોકે છે ત્યારે તે મનોમન ભોંઠપ અનુભવે છે, પરંતુ સોસાયટીની સ્ત્રીઓ જ્યારે બૅન્કમાં નોટ બદલવા જાય છે ત્યારે નોટ ન હોવાનો વસવસો કુસુમને કોરી ખાય છે. તેને ખાંખાંખોળા કરતા માત્ર ૫૦૦ની એક નોટ હાથ લાગે છે તે અને કામવાળીના ૫૦૦૦ મળીને સાડા પાંચ હજારની નોટો બદલવાનું થાય છે તે તેના માટે મોટું આશ્વાસન બની રહે છે. બૅન્કના નિયમ મુજબ પહેલા દિવસે કુસુમ ૪૦૦૦ની નોટો બદલી શકે છે, પરંતુ અન્ય સ્ત્રીઓ આગળ વટ પાડવા તે “બુન, મારે તો કાલે ય બૅન્કમાં આવવું પડશે” એમ કહે છે તેમાં આત્મલઘુતા અનુભવતી કુસુમની છૂપી સંવેદના સભર રૂપે વ્યક્ત થઈ છે. આરંભે ગભરાતા આવેલી કામવાળીની નોટબંધીની ફરિયાદ અને નોટો બદલાવવાની ચિંતાથી આરંભાયેલી આ વાર્તામાં સંબંધી અને સખીઓની ફોન ઉપર વાતચીત, નોટબંધીની ચિંતા વગેરેના સંયોજનથી હળવા વાતાવરણમાં વાર્તાવસ્તુ વિસ્તરે છે. સામાન્ય પ્રસંગને પણ અહીં માનવમનના વિષય સુધી વિસ્તાર્યો છે – તેમાં સર્જકની વિશેષતા ગણવી રહી.

‘ધરમેલું’ નિમ્ન અને ગરીબવર્ગના પુરુષની ભાતૃધર્મની વાર્તા છે. આ વાર્તામાં સરપંચ રાજભાનાં ધર્મપત્ની ધર્મિષ્ઠાબાએ રાજપૂત પરંપરા અનુસાર ‘ધરમેલું વિધિ’ અંતર્ગત ગામના જ કોળી એવા લખમણને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો છે. લક્ષ્મણ ઉપર તેણે પૂજારીની દીકરીને સગર્ભા બનાવી આત્મહત્યા તરફ પ્રેરવાનો આરોપ હોઈ તે કેદખાનામાં છે. સરપંચ રાજભા ગામથી છાના તેમના ખાસ સાથી હનુભાને સાથે લઈને લક્ષ્મણને મળવા જેલમાં જાય છે. તેથી હનુભાનું મન રાજભા ઉપરથી ઊતરી ગયું છે, વળી તેને લક્ષ્મણ પ્રત્યે પણ ભારોભાર તિરસ્કાર છે. પરંતુ લક્ષ્મણને મળતાં ગળગળા થઈ ગયેલા રાજભા લક્ષ્મણની ઇચ્છા મુજબ બળેવ ઉપર ધર્મિષ્ઠા બાને રાખડી બાંધવા જેલમાં લઈ આવવાનું વચન આપે છે ત્યારે હનુભા અકળાઈ જાય છે. રાજભા પણ પોતાની પત્ની ધર્મિષ્ઠાને તેમની ઇચ્છા મુજબ, ચિંતાનું પોટલું ઉતારી દેવા, માત્ર પોતાની એક જ વાત માની લેવાની વિનંતી કરતા બળેવે લક્ષ્મણને રાખડી બાંધવા જેલમાં જવાની વાત કરે છે, ત્યારે ધર્મિષ્ઠા બા ‘રાજ, ધરમેલાના ભાઈનો સંબંધ તો તે દિ જ પૂરો થઈ ગયો હતો.. જે દિ...’ – આવું કહે છે ત્યારે રાજભા જેસલ જાડેજાનાં પાપોની યાદ કરાવતાં માફ કરી દેવાનું સૂચવતાં, પોતે લક્ષ્મણને વચન આપી બેઠાનું જણાવે છે. છતાંય ધર્મિષ્ઠાબા પોતાના વચન ઉપર અડગ રહેતાં ‘એ કાંડે રાખડી ન શોભે ઠાકોર, એણે ધરમેલાનો ધરમ અભડાયો. એ કાંડાને તો તલવારથી વાઢી દેવાય’ એમ કહે છે ત્યારે રાજભા મ્યાનમાંથી તલવાર કાઢીને પોતાનો જ હાથ વાઢી દેવાનું કહે છે ત્યારે ધર્મિષ્ઠાબાના ‘હેં’ ચિત્કારમાં બળાત્કારી ઘટનામાં પોતાના પતિ રાજભાના કુકર્મનો અને લક્ષ્મણે ધર્મના ભાઈ તરીકે સુપેરે ધર્મ નિભાવ્યાનો ઘટસ્ફોટ થાય છે.

રાજભા અને હનુભા લક્ષ્મણને મળવા નીકળ્યા છે અને ગાડી ગલીમાં પાર્ક કરીને ઊતર્યા પછી જેલની કોટડી તરફ આગળ વધી રહ્યા છે – આ ક્ષણથી આરંભ પામતી વાર્તામાં રાજભા અને હનુભાનું જેલ કોટડી તરફ પ્રયાણ, રાજભાનું લક્ષ્મણને ગળે મળીને મળવું અને ધર્મિષ્ઠાબાને બળેવ ઉપર લક્ષ્મણને રાખડી બાંધવા જવું... આ ત્રણ ક્રિયાસ્થળોને કેન્દ્રમાં રાખીને મનોમન ભોંઠપ, અકળામણ, ભય, અપરાધભાવ અનુભવતા રાજભાના વર્તનને સૂચવતા એકાદિક સંકેતો, હનુભાનો પ્રશ્ન અને રાજભાનો પ્રત્યુત્તર, ધરમેલાનો વિધિ – એ અંતર્ગત સવાલો અને જવાબો તથા જેસલ જાડેજાનો સંદર્ભ, અને કથન વણી લઈને સરસ વસ્તુગ્રથન કર્યું છે. રચના એકદમ ચુસ્ત અને લાઘવસભર છે. સમય સંકલનાની દૃષ્ટિએ પણ ચુસ્ત છે. ધરમેલુ શીર્ષક પણ યથાર્થ નીવડ્યું છે. તો ‘રાજધર્મ’માં ધરમેલુ વાર્તાનું અનુસંધાન છે. અહીં મૂળ ઘટનાક્રમથી અજાણ હનુભા અને ગ્રામજનો રાજભાના સરપંચ તરીકેના રાજીનામાથી દુઃખી અને નારાજ છે. તેમની સમક્ષ રાજભા પોતાનું પાપ અનાવૃત્ત કરી દે છે, અને રાજધર્મ નિભાવ્યાનો દાખલો પૂરો પાડે છે. પણ વાર્તામાં કથાવસ્તુ ઓગળીને આવ્યું નથી. ધરમેલું જેવો કલાવ્યાપાર સર્જકથી ચૂકી જવાયો છે.

‘જો.. જો.. હું મોટો માણસ’ વાર્તા ફરજના ભાર તળે દબાયેલો નિમ્ન વર્ગનો માણસ પોતે ધારે તોય પોતાના વર્ગનું કલ્યાણ કરી શકતો નથી –એવા વિષયવસ્તુને નિર્દેશે છે. વાર્તાનાયક શંકર ગરીબ વર્ગમાંથી, ખૂબ વેઠીને અભ્યાસના બળે કલેક્ટર ઑફિસમાં ઊંચા હોદ્દા ઉપર છે. શંકરે ગરીબી જોઈ છે અને શેઠનું શોષણ પણ અનુભવ્યું છે. ઘેર અનાજ ખૂટતાં તેની બા શેઠ પાસેથી અનાજ મેળવવા માટે રેશનકાર્ડ ગીરવે મૂકીને અનાજ લઈ આવે અને ત્રણ ચાર મહિના સુધી રેશનકાર્ડનો દુરુપયોગ કરીને ગામ શેઠ અનાજના પૈસા ભરવા છતાં માને ધક્કા કરાવે છે. અને એક દિવસ શેઠને ત્યાં રેશનકાર્ડ લેવા ગયેલી અને ઘરે આવેલી માને પલળેલા ગાભા જેવી જોતાં વાર્તાનાયકના પિતા ગુસ્સે થઈને શેઠને કુહાડો ઝીંકી દે છે ત્યારે પોલીસકેસ થાય છે અને કથાનાયકના કુટુંબને શહેરવટો ભોગવવો પડે છે. ગામમાંથી વિદાય લેતી વખતે વાર્તાનાયકને તેના બાળસાથીઓ અને બાળસખી સેજુડી સ્ટેશન સુધી મૂકવા આવેલાં. ત્યારે બાળસખી સેજુડીએ રડતા રડતા તેને કહેલું, “શંકરા, તું છે ને મોટો મનેખ બનીશ ને, ત્યાં સુધી હું તારી વાટ જોઈશ.” અને વાર્તાનાયક શંકર મોટો અધિકારી બન્યો છે. તેની સમક્ષ કેટલીક સ્ત્રીઓ બીપીએલ કાર્ડ રદ થવાની ફરિયાદ લઈને આવી છે. તે સ્ત્રીઓમાં તેને સેજુડીની પણ ઝાંખી થાય છે. વાર્તાનાયક શંકર પુરવઠાઅધિકારીને તતડાવે છે, પરંતુ વાર્તાનાયકે જ ગરીબી ઘટી ગઈ હોઈ અમુક ટકા કાર્ડ રદ કર્યાનો ઘટસ્ફોટ થાય છે ત્યારે વાર્તાનાયકની માએ ગામના શોષણખોર શેઠ સામે જે અવાજ ઉઠાવ્યો હતો તેવો જ વાર્તાનાયકને અવાજ સંભળાય છે, “ફાટ્ટી મૂઆ, તું ય કેટ (કાર્ડ) ગળી જ્યો??” કલેક્ટર કચેરીની વિશાળ ઑફિસમાં અડધી પાંપણ ભીડીને નતમસ્તક ઊભેલી પાંચ સ્ત્રીઓને જોતાં જ તેમાં એકને પોતાની બાળસખી સેજુડી ધારી લઈને પોતાના બાળપણમાં ખોવાતા કથાનાયકની સ્મૃતિઓ વણી લઈને અતીત-વર્તમાનના અંકોડા મેળવીને વાર્તાની સરસ વસ્તુગૂંથણી થઈ છે. બાળઅતીતના પ્રસંગોમાં કથાનાયક અને સેજુડીની લાડા-લાડીની રમત, બાળમસ્તીનાં તોફાનો, સહજ બાળમૈત્રી અને પ્રણય તથા સેજુડીએ સેવેલી કથાનાયકની મોટા માણસ તરીકેની કલ્પના વગેરે રોચક અને આકર્ષક છે. તો મુક્તિશેઠનો વૃત્તાંત ગામડાના શેઠોની શારીરિક અને આર્થિક શોષણનીતિને સ્પષ્ટ કરે છે. વર્તમાન-અતીતના સરળ કથનમાં જીવંત લોકબોલીના સંવાદો વાર્તાનો પરિવેશ રચી આપે છે, સાથોસાથ પાત્રભેદ પણ ખડો કરે છે. વાર્તાનાયકને સખી સેજુડીને ‘જો.. જો.. સેજુડી, હું મોટો માણસ બની ગયો’ એમ કહેવું હતું, પણ વાર્તાને અંતે તેને ‘ફાટી મૂઆ, તું કેટ ગળી જ્યો’ – એવા માના અવાજનો અણસાર થાય ત્યાં માણસમાત્રની કરુણ નિયતિનું સૂચન સભરરૂપે પમાય છે. આમ, વાર્તાના દરેક પાસામાં ‘જો... જો.... હું....’ વાર્તા ખરી ઊતરે છે.

‘સવળે ખોબે’ માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણની વાર્તા છે, જેમાં ગ્રામ્યસમાજના ધર્મદંભીઓ અને સાચુકલા ધર્મપ્રેમીઓનું ભેદનિરૂપણ છે. આ વાર્તામાં ગામમાં કથા કહેવાના નિમિત્તે જ્ઞાનદાસ મહારાજ ગામના આગેવાન તરીકે ઝઘડાખોર અને નશાખોર નથા રામજી જેવાને પણ નિમંત્રિત કરે છે ત્યારે નથા રામજી આશ્ચર્ય સહ આનંદ અનુભવે છે. ગામમાં કથા કહેવા માટે સરપંચથી માંડીને ધર્મપ્રેમી ગામ આગેવાનો ખર્ચનો વિચાર કરીને કથા કહેવાનો ઇનકાર કરે છે, પરંતુ ઝઘડાખોર અને નશાખોર નથા રામજીની કથા વંચાવવાની જીદને કારણે ગામ આગેવાનોને ઝૂકવું પડે છે. કથા શ્રવણને બીજે દિવસે નથા રામજી ગામ ગોચરની બાજુના પોતાના ખેતરની વાડ કાઢી નાખે છે ત્યારે ગામ આગેવાનો નથા રામજી ગામ ગોચરની જમીન પડાવી લેશે એવી આશંકા અનુભવે છે. ગામ આગેવાનો જ્ઞાનદાસ મહારાજને ફરિયાદ કરે છે. ગામલોક ભેગું થાય છે તેમાં ગામના સરપંચથી માંડીને ધર્મપ્રેમી ગણાતા માણસોએ પણ ગામનું ગોચર પડાવી નાખ્યાનો પર્દાફાસ થાય છે, પરંતુ કથાશ્રવણ પછી હૃદયપરિવર્તન પામેલો નથારામજી ‘તેણે તો ગોચરની જમીન ગામને પાછી આપવા વાડ કાપી છે’ – એવી ચોખવટ કરતાં સૂર્ય-ચંદ્રની સાખે બાવજી સામે ખોબો ધરી દે છે ત્યારે સાચ-જૂઠ સ્પષ્ટ થઈ જાય છે. આરંભે નથારામજીના અપશુકનને નિમિત્તે પત્ની અને બળદો ઉપર કઠોરતાના નિરૂપણ દ્વારા તેના કટુ વ્યક્તિત્વનો પરિચય આપી, કથાશ્રવણ નિમિત્તે ગામ આગેવાનોમાં સમાવેશ થતાં જ કહેવાતા ધર્મપ્રેમીઓના વિરુદ્ધમાં કથા કરાવવાનો નિર્ણય કરાવવામાં અને છેવટે ગોચર ખુલ્લું કરવાના નિર્ણય – આ પ્રકારના નિરૂપણમાં માનસશાસ્ત્રીય સચ્ચાઈનો અનુભવ થાય છે. લાઘવગુણ, વસ્તુવિન્યાસ, સમયસંકલનાની દૃષ્ટિએ પણ વાર્તા ઉચિત છે.

‘ચોપડા ચોખ્ખા કરવા છે’માં મરણાસન્ન પડેલા વાર્તાનાયક રતુભાઈના મરણની સૌ કોઈને પ્રતીક્ષા છે, પરંતુ ગડમથલમાં તેમના પ્રાણ અટક્યા છે. સ્વજનો તેમને છેલ્લી ઇચ્છા વિશે પૂછે છે, પરંતુ રતુભાઈના માત્ર હોઠ ફફડે છે. કોઈ તેમની નાડી પકડીને તેમને કશું ના થાય એમ પણ કહે છે. તો કોઈ દીવામાં ઘી પૂરે છે, પણ રતુભાઈને બોલાતું નથી. આવી અંતિમ ક્ષણોમાં રતુભાઈના ભાઈબંધ અને સરપંચ રતુભાઈ સાથે ગ્રામપંચાયતના સભ્ય તરીકે રહેલા ચંદુભાઈ જેવા તો રતુભાઈએ પોતાને કોઈ લાભ ન અપાવ્યો હોઈ અને પોતાની ઇચ્છા વિરુદ્ધ ગામતળની જમીન ખુલ્લી કરાવી હોઈ તેમને પાપી માનીને, પાપની સજા ભોગવતા હોવાનું જણાવે. પરંતુ રતુભાઈને ગમતું ભજન ગવાયા પછી રતુભાઈને સુરતા આવે છે. અને તેઓ ચોપડા ચોખ્ખા કરવાની વાત કરે છે. તેઓ પંચાયતમાં વસા ભારાએ તેમને ચા પીવડાવેલી તેના બાકી રહેલા વીસ રૂપિયા પણ ચૂકવે છે. તો મિત્ર ચંદુએ તેમને દ્વારકાયાત્રા દરમિયાન માળા લેવા માટે પાંચ રૂપિયા આપ્યા હતા અને પોતે ભૂલી ગયા હતા તે જણાવીને તેમને પાંચ રૂપિયા ધરે છે ત્યારે ફફડી ગયેલું ચંદુનું હૈયું બોલી ઊઠે છે, “મારો ચોપડો તો... મારો ચોપડો તો!” અને રતુભાઈને બાઝી પડતા ચંદુભાઈ અંતે પ્રાયશ્ચિત્ત કરે છે. ગામડાના મરણસન્મુખ માણસની કોઈનું ઋણ રહી ગયાની ગૂંગળામણ અને સાચકલાઈની આ વાર્તા રતુભાઈની ગૂંગળામણ, સ્વજનના જીવ થાળે પાડવાના પ્રયત્નો, ચંદુ જેવા સ્વાર્થી મિત્રોની ટીકા -આવા જુદા જુદા અંશોમાં કથન, પાત્ર સંવાદોમાં સરળ રૂપે વહે છે અને અંતે પાત્રના સાચુકલાપણાનો સચોટ પરિચય કરાવે છે.

‘જય-પરાજય’માં વૃદ્ધાશ્રમનો પ્રશ્ન નિરૂપાયો છે. પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં રચાયેલી આ વાર્તાના કેન્દ્રમાં વૃદ્ધાશ્રમ છે. આ વાર્તાનાં નાયક-નાયિકાને દીકરા અને વહુએ ઘરેથી હડસેલી નથી મૂક્યાં, પરંતુ સાસુ માટે વહુની નાના-નાના કામમાં અમથી ટકોર અને વાર્તાનાયક સાથે દીકરાએ બેહૂદું વર્તન કર્યું હોઈ, પતિના સન્માન ખાતર ભાવના તેના પતિને મનાવીને વૃદ્ધાશ્રમ સુધી લઈ આવે છે. વાર્તાના આરંભે જ વૃદ્ધાશ્રમે પહોંચેલાં નાયક-નાયિકામાં હળવીફૂલ નાયિકા આગળ છે, જ્યારે પતિ તેની પાછળ માંડ હડસેલાતો ચાલે છે. વૃદ્ધાશ્રમે રહેવા પતિનું મન માનતું નથી – તે સ્થિતિ અહીં વર્તનમાં મૂર્ત થઈ છે. વૃદ્ધાશ્રમના પરિચિત સ્વજનો સાથેની વાતચીત અને નાયક નાયિકાના પ્રતિભાવો રૂપે વાર્તાવસ્તુના અંકોડા ગૂંથાયા છે. વૃદ્ધાશ્રમનાં સ્વજનો તો એમ જ માની બેઠાં છે કે, નાયક-નાયિકા તેમની ખબર લેવા આવ્યાં છે. તો નાયક-નાયિકાની વાહવાહી કરીને પોતાના દીકરા અને વહુને દોષ દે છે. પત્ની ભાવનાની વૃદ્ધાશ્રમ અંગેની પૂછપરછમાં અકળાઈ જતો વાર્તાનાયક વૃદ્ધાશ્રમમાં રહેવા તૈયાર નથી તેની પ્રતીતિ કરાવે છે. પરંતુ પોતાની પુત્રવધૂ દક્ષા વિશે બહુ વખાણ સાંભળ્યા પછી, વાર્તાનાયિકા ભાવના હૃદયપૂર્વકનો ખુલાસો કરે છે ત્યારે પતિના સ્વમાન માટે બધુંય છોડી દેવા તત્પર સ્વામિની સ્ત્રીનાં દર્શન થાય છે. વાર્તાનાયિકા ભાવનાના મુખે યોજાયેલી સર્જનાત્મક ભાષા પણ એટલી જ હૃદયવેધક છે. તે કહે છે,

“માસી, ફૂલની પાંદડી ઝીણું ઝીણું ખોતર્યા કરે. નાનકડા જખમની પીડા વેઠાતી હતી... હજુ પણ વેઠી લેત! સ્ત્રી તો સહન કરી શકે, પણ એક દિવસ સગા દીકરાએ ઊઠીને એના બાપને... ને મારો આદમી જેવો ફૂલના ઘાથી એવો જખમી થયો કે... મારા ખોળામાં માથું મૂકીને તૂટી પડ્યો. બસ માસી, બસ. તે દિવસથી મેં નક્કી કરી લીધું કે મારા આદમીનું અપમાન તો સહન નહીં જ કરું.” અને વાર્તાનાયક જાણે ગળગળો થઈને નાયિકાની ગોદમાં શિશુવત્‌ ઝૂલી રહ્યો હોય તેવી નિઃસહાયતા અનુભવે છે. સાંપ્રતમાં પ્રસ્તુત વિષયવસ્તુ, સહજ વસ્તુગૂંથણી, લાઘવગુણ અને અસરકારક ભાષાકર્મની દૃષ્ટિએ જય-પરાજય વૃદ્ધાશ્રમના પ્રશ્નોની અસરકારક વાર્તા છે.

આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં, સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે, અગાઉના બે સંગ્રહની વાર્તાઓ કરતાં ‘પિયાલો’ની વાર્તાઓ તેના વિષયવસ્તુને અનુરૂપ નિરૂપણરીતિની પસંદગી, લાઘવકળા અને વાર્તાસ્વરૂપ સિદ્ધ કરવામાં સૌથી વધુ સફળ બની છે. સર્જક લોકકર્મી હોઈ વિવિધ સ્તરનાં પાત્રો અને તેમની સંવેદનાથી સારી રીતે વાકેફ છે. તેમને પાત્રને અનુરૂપ બોલી યોજવાની જબરી ફાવટ હોઈ તેમની વાર્તાભાષા પાત્રભેદ ખડો કરવા ઉપરાંત વિષયવસ્તુને અનુરૂપ પરિવેશ સર્જવામાં પણ સફળ બની છે. વળી વાસ્તવલક્ષી પ્રશ્નોના નિરૂપણ માટે તેમને કોઈની નકલ નથી કરવી પડી. પાત્રોના જીવનપ્રશ્નોનું હૈયા-ઉકલતથી, પોતીકી સૂઝથી નિરૂપણ કર્યું હોઈ આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ તેના ભાવ-સંવેદન અને માવજત બંને દૃષ્ટિએ સફળ થતી અનુભવાય છે. અગાઉના બે સંગ્રહોમાં સર્જકનો કૅમેરા મહદંશે વિચરતી કોમનાં પાત્રોના જીવનસંઘર્ષ અને સંવેદનોને નિરૂપવાનો છે. અને વિચરતી કોમને કેન્દ્રમાં રાખીને કાનજી પટેલ પછી કનુ આચાર્ય દ્વારા સંખ્યાબંધ સફળ વાર્તાઓ મળી છે તેવું ટકોરાબંધ કહી શકાય. તેમના ત્રણેય સંગ્રહોમાં ‘મિશન’, ‘અંતર-બાહ્ય’, ‘કૂણાપાનનો સડો’, ‘બાળ-મજૂર’, ‘હોર્ડિંગ’, ‘ગાંધીનો દીકરો થા મા’, ‘વ્હાઇટ ભીખ’, ‘દવા’, ‘મહારાણાનો અંશ’, ‘ધરમેલું’ જેવી વાર્તાઓ દૃષ્ટાંત રૂપ છે. વળી આ સર્જક પાસેથી મળતી ખેડૂતના પ્રશ્નો, વૃદ્ધજીવનના પ્રશ્નો, પશુ અને માનવી વચ્ચેની આત્મીયતાના વિષયવસ્તુની વાર્તાઓ પણ તેમની સમાજ પ્રતિબદ્ધતાની સાખરૂપ છે. ‘આંતર-બાહ્ય’ની સંવેદનસભર વાર્તાઓથી ધ્યાન આકૃષ્ટ કરનારા વાર્તાકાર કનુ આચાર્ય ‘પિયાલો’ની સફર સુધી ખાસ્સા પરિપક્વ થયેલા જણાય છે. વાસ્તવ જીવનના પ્રશ્નોને વાર્તારૂપ આપવા સતત મથતા રહેલા આ સર્જક પાસેથી માત્ર ૩૭ જેટલી વાર્તાઓ મળી છે, પરંતુ કનુ આચાર્ય અનુઆધુનિક વાર્તામાં હાંસિયાથી ય દૂરની પ્રજાને વાર્તામાં સફળતાપૂર્વક મૂકી આપનારા મહત્ત્વના સર્જક છે.

ડૉ. પ્રભુદાસ પટેલ
કવિ, વાર્તાકાર, વિવેચક, બાળવાર્તાકાર
ગુજરાતી વિષયના પ્રાધ્યાપક
અધ્યક્ષ, આટ્‌ર્સ કૉલેજ, વડાલી
મો. ૭૬૦૦૯ ૪૬૦૪૪