ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયંત રાઠોડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર જયંત રાઠોડ

સુશીલા વાઘમશી

Jayant Rathod.jpg

સર્જક પરિચય :

વાર્તાકાર, નવલકથાકાર અને કટાર લેખક જયંત રાઠોડનો જન્મ તા. ૧૦ મે ૧૯૬૬ના રોજ અંજારમાં થયો હતો. આદિપુર, કચ્છમાં વાણિજ્યમાં સ્નાતક થયા બાદ પત્રકારત્વમાં ડિપ્લોમા મુંબઈથી કર્યું. હાલ દિનદયાલ પોર્ટ, કંડલામાં ફાઇનાન્સ મૅનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના વાર્તાલેખનનો આરંભ ૨૦૧૬થી થયો અને તેમની વાર્તાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં છપાવા લાગી. જેના ભાગરૂપે પ્રથમ વાર્તાસંગ્રહ ‘ધોળી ધૂળ’ ૨૦૨૦માં પ્રાપ્ત થયો. જીવનને આગવી રીતે જોવા અને અભિવ્યક્ત કરવાનો દૃષ્ટિકોણ તેમને પ્રથમ વાર્તાસંગ્રહથી જ પ્રસિદ્ધિ અપાવે છે. જેનો પુરાવો તેમના વાર્તાસંગ્રહ ‘ધોળી ધૂળ’ને મળેલ પુરસ્કારો – કુમાર આટર્‌સ ફાઉન્ડેશનનો ૨૦૨૦નો રમણલાલ વસંતલાલ દેસાઈ પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તૃતીય શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક તથા કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક જેવા પુરસ્કારો છે. આ સિવાય પણ તેમની વાર્તાઓને અનેક ઇનામો પ્રાપ્ત થયાં છે. તો ‘પોસ્ટમોર્ટમ’ વાર્તાનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. વાર્તાસંગ્રહ : ‘ધોળી ધૂળ’ (પ્ર. આ. ૨૦૨૦) નવલકથા : ‘સરસ્વતી’ (પ્ર. આ. ૨૦૨૪)

વાર્તાકારનો યુગસંદર્ભઃ

રોજબરોજના જીવનમાંથી જાગતાં સંવેદનોમાં સર્જકના આગવા જીવનવાદી દૃષ્ટિકોણથી પરિણમતી વાર્તાઓ એટલે ‘ધોળી ધૂળ’. ઘણીવાર સ્વ જીવન અને આસપાસના જગતમાંથી પ્રાપ્ત થતાં વાર્તાબીજથી નિર્માતી આ વાર્તાઓ મૃત્યુ, અસ્તિત્વનો સંઘર્ષ, એકલતા, શોષણ, પ્રદેશ વિશેષ સંવેદન, માનવમનનાં ઊંડાણો અને મનોગ્રંથિ વગેરે વિષયોને આલેખે છે. પ્રદેશ વિશેષની સાથે માનવમનનાં સૂક્ષ્મ સંચલનોને આલેખતી તેમની વાર્તાઓ વાચકમન પર નોખી છાપ પાડે છે. પરિણામે અનુઆધુનિક વાર્તા પ્રવાહમાં તેમની વાર્તાઓનો અનુભવ આસ્વાદ્ય બની રહે છે.

વાર્તા સર્જન :

DhoLi DhooL by Jayant Rathod -Book Cover.jpg

‘ધોળી ધૂળ’ ૨૦૨૦માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહ છે. સર્જક વાર્તાસર્જનને પોતાના ઢળતી ઉંમરના પ્રેમ તરીકે ઓળખાવે છે પરંતુ તેમનામાં જગતને આગવી રીતે જોવાની, અનુભવવાની દૃષ્ટિ તો કૉલેજકાળથી જ છે. એટલે જ કેટલાક સ્પર્શી ગયેલા અનુભવોને ડાયરીમાં વાચા મળી છે અને એમાંના કેટલાક પ્રસંગોને વાર્તારૂપ પણ પ્રાપ્ત થયું છે. ‘ટાવર ઑફ સાઇલન્સ’ વાર્તામાં મૃત્યુ વિશેનો એક જુદો દૃષ્ટિકોણ વૃદ્ધના પાત્ર નિમિત્તે આલેખાયો છે. વર્ષોથી પોતાની જાતને બાહ્યવિશ્વથી કાપી નાખનાર વૃદ્ધ વર્ષો બાદ પાડોશી પુરુષ દ્વારા બંધ દરવાજો ખોલાતાં બાહ્ય વિશ્વ સાથે ફરી સંવાદ સાધે છે. આ સંવાદ છે મૃત્યુના અનુભવનો!, મૃત્યુના સાહજિક સ્વીકારનો! પિંડને માટીમાં ભળી જવાની વૃદ્ધની માન્યતા પર સમગ્ર વાર્તા ગતિ કરે છે. આ જ દર્શન ‘સર્જકનું મૃત્યુ’ વાર્તામાં છે પણ જુદી રીતે! ‘સર્જકનું મૃત્યુ’ વાર્તા જયંત ખત્રીને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી વાર્તા છે. જયંત ખત્રીનો મૃત્યુ વિશેનો દૃષ્ટિકોણ વાર્તાના કેન્દ્રમાં છે. સંવાદાત્મક શૈલીના કારણે જ વાર્તા ચરિત્ર બનતાં અટકી છે. કેપ્ટન અને ડૉક્ટર વચ્ચે ચાલતા આ સંવાદમાંથી ડૉક્ટર-કળાકારનું ચરિત્ર આકાર લેતું જાય છે. કેપ્ટનને ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ ભગવાન તથાગતનું ચિત્ર ડૉક્ટરના મૃત્યુ વિશેના દૃષ્ટિકોણને સંકેતે છે. તો વાર્તામાં ઘટના તરીકે મૃત્યુ હોવાથી, સાંજના પરિવેશથી આરંભાતી અને સાંજથી પૂર્ણ થતી વાર્તામાં સાંજનો પરિવેશ જીવનસંધ્યાનો સંકેત છે. ‘હનીમૂન’ વાર્તામાં ૪૦ વર્ષ પછીની ઉંમરે હનીમૂન પર જતી નાયિકાનું સંવેદન જગત છે. હનીમૂન મનાવવાનો નિશાનો આ પ્રયત્ન રેઢિયાળ બની ગયેલા જીવનમાંથી મુક્તિનો છે. ૪૦ પછી સામાન્ય રીતે બધા તીર્થયાત્રાએ જાય, પરંતુ નિશા પોતાના હનીમૂન પર જાય છે! સમગ્ર વાર્તા નીશાનો જીવન જીવવા વિશેનો અભિગમ – ‘આજે જીવી લેવાનું કાલની કોને ખબર’ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. પરિણામે હનીમૂનથી પરત ફરતાં અકસ્માતમાં મૃત્યુ પામતી નિશાના મૃત્યુમાં જાણે જીવન જીવવાનો સંતોષ છે! કચ્છની ધોળાવીરા સાઇટ પરથી પ્રાપ્ત થયેલ હડપ્પીય સંસ્કૃતિના અવશેષોને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી વાર્તાઓમાં ‘દટાયેલું નગર’ અને ‘ટીંબો’ મહત્ત્વની છે. ‘દટાયેલું નગર’ના કેન્દ્રમાં ખોદકામ દરમિયાન મળેલ વૃદ્ધ પુરુષના કંકાલ વિશેની વાર્તાકથક સન્યાલ સાહેબની સંવેદના છે. સન્યાલ સાહેબના મનમાં આ વદ્ધ પુરુષનું કંકાલ શા માટે નગર છોડીને ન ગયું? આ પ્રશ્ન જુદાં જુદાં સંવેદનો જગાવે છે. સંવાદાત્મક શૈલીએ વિકાસ પામતી વાર્તામાં એક તરફ સન્યાલ સાહેબ છે તો બીજી બાજુ સાઇટ પરનો ચોકીદાર સુમરો છે. સુમરો માવઠાની આગાહી સન્યાલ સાહેબ સમક્ષ કરે છે પરંતુ સન્યાલ સાહેબને વિશ્વાસ આવતો નથી. સ્વપ્નમાં કંકાલ બનેલ વૃદ્ધ નગર છોડીને જતા ગ્રામજનોને સમજાવવામાં નિષ્ફળ જતાં આખું નગર ખાલી થઈ જાય છે! સવાર પડતાં સન્યાલ સાહેબ જાણે છે કે રાતે ખૂબ વરસાદ પડ્યો છે, જેમાં તણાતું કંકાલ સ્વપ્નમાં જોયેલ વૃદ્ધની વરસાદની આશાને ફળતી સૂચવે છે! ‘ટીંબો’ વાર્તા પણ ધોળાવીરા સાઇટ પર મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિના અવશેષોના ઉત્ખનન સંદર્ભે સર્જાયેલી છે. વાર્તામાં હડપ્પીય સંસ્કૃતિની પ્રજાનો દટાઈ જવાનો ભૂતકાળ કચ્છમાં ૨૦૦૧માં આવેલ ભૂકંપની ઘટના સાથે જોડાયો છે. ધોળાવીરાની સાઇટ પર ખોદકામમાં જોડાયેલ જીવા દ્વારા ભૂકંપમાં ભચાઉ ગામ કેવી રીતે ટીંબામાં રૂપાંતરિત થયું તેનું આલેખન વાર્તાના કેન્દ્રમાં છે. ભૂકંપ પહેલાં ભચાઉ પિયર ગયેલી સગર્ભા પત્ની રૂખીના ભૂકંપમાં દટાઈ જવાની ઘટના સાથે જીવાની સંવેદના જોડાયેલ છે. માટે જ તેનો ટીંબો ખોદાવવાનો આગ્રહ દૃઢ બને છે. ‘મડદા નીકળવા જ ખપે’ જેવા રૂખીના શબ્દો જાણે પોતાના સંદર્ભે જ પડઘાય છે! એ અર્થમાં આ સક્ષમ વાર્તા છે. સંગ્રહમાં મનોવાસ્તવ અને મનોગ્રંથિને આલેખતી વાર્તાઓ વિશેષ સ્થાન રોકે છે. જેમાં ‘ઊભો ખાટલો’, ‘પોસ્ટમોર્ટમ’, ‘તૂટેલો અરીસો’, ‘જજમૅન્ટ’, ‘મીન્ની’, ‘નૌતમલાલની નિવૃત્તિ’, ‘કેસ સ્ટડી’ મહત્ત્વની છે. ‘ઊભો ખાટલો’ વાર્તામાં પતિના અવસાન બાદ તેના ઓરડાનો ખાટલો ઊભો કરી દેવામાં આવે, એવી માન્યતાને કેન્દ્રમાં રાખી નાયિકાના જાતીય આવેગ સામેના સંઘર્ષને આલેખાવામાં આવ્યો છે. પતિના અવસાન બાદ પોતાની જાતને ખેતીકામમાં જોતરી દેતી નાયિકાનો ધરબાયેલો સંઘર્ષ મજૂરણોની વાતોથી જાગૃત બની વંટોળે ચડે છે. આ વંટોળનું સુંદર આલેખન સર્જકના ગદ્યનો સુંદર નમૂનો છે. એક ક્ષણે પોતાની જાતને સંકોરી લેતી નાયિકાનો આ સંઘર્ષ – ખાટલાને નીચો પાડવું, તેના પર ચડી બેસવું, સમગ્ર બળ વાપરી કાથીના વાણને ઉખેડી, સીંદરીનું ગૂંથણ છૂટું પાડવું – જેવી ક્રિયાઓ આલેખાયો છે. વાર્તામાં સ્ત્રીના જાતીય આવેગની તીવ્રતા સળગતા ફાનસ, નાગના સંદર્ભ દ્વારા સૂચવવામાં આવી છે. ‘પોસ્ટમોર્ટમ’ વાર્તામાં પણ નાયિકાનો માનસિક સંઘર્ષ છે. સર્જકના વાસ્તવિક અનુભવમાં કલ્પના ભળતાં તેને નવું રૂપ પ્રાપ્ત થયું છે. પતિનું રેલ્વે અકસ્માતમાં થયેલ મૃત્યુ અને તેની લાશને મેળવવાના ભાગ રૂપે પોલીસસ્ટેશનના પોલીસ દ્વારા થતી તપાસના ભાગ રૂપે પૂછવામાં આવતા પ્રશ્નો નાયિકાના માનસ પડોને ઉખેડે છે. એ અર્થમાં પોસ્ટમોર્ટમ નાયિકાના મનનું છે. નાયિકાના મનને ચૂંથી નાખતા પ્રશ્નો તેના પતિ સાથેના ભૂતકાળની પળોને ઉખેળવા માટેનું નિમિત્ત બને છે સાથે આપણા સરકારી તંત્રમાં થતા અમાનવીય વર્તનનો પણ સંકેત કરે છે. ‘તૂટેલો અરીસો’ અને ‘મીન્ની’ વાર્તામાં નાયિકાની એક સમાન મનોદશાનું આલેખન છે. નિરૂપણરીતિની દૃષ્ટિએ ‘તૂટેલો અરીસો’ નોખી વાર્તા છે. વાર્તામાં ભાવકને વાર્તા સંદર્ભે સીધું સંબોધન છે. વાર્તામાં પતિ દ્વારા થતા સ્ત્રીના શોષણને આલેખવામા આવ્યું છે. મોરની હત્યા બદલ સજા ભોગવીને આઠેક વરસ બાદ અંધકારનો લાભ લઈ, પોતાની જાતને સંકોરતી, સંકોચાતી પોતાના ભૂંગે પહોંચે છે. ઘરમાં રાખેલ તડ પડેલ અરીસામાં પોતાના અસ્પષ્ટ ચહેરાને સ્પષ્ટ જોવાની ઇચ્છાએ અરીસો સાફ કરવા જતાં, તડ પડેલો અરીસો તૂટી જઈ ટુકડાઓમાં વેરાઈ જાય છે. વેરાયેલા કાચ જેવું સ્ત્રીનું આ જીવન કાચના જુદા જુદા ટુકડાઓ દ્વારા કૉલાજ રૂપે આલેખાયું છે. મોરની હત્યા નાયિકાના પતિ દ્વારા થયેલા શોષણનો જાણે પ્રતિકાર છે! ‘મીન્ની’ વાર્તામાં નાયિકા મીન્નીનો માનસિક સંઘર્ષ બિલ્લીના બચ્ચાની ડોક મરડી દેવાની ઘટના દ્વારા આલેખાયો છે. પપ્પાનું સ્ટેશને લેવા ન આવવું, પોતાની જગ્યાએ બિલ્લીના બચ્ચાને સાચવતી મમ્મીની ક્રિયાઓ અને ભૂતકાળમાં તેની સાથે બનેલ આઘાતજનક ઘટના જેવાં પરિબળો મીન્નીની આ માનસિક અવસ્થાનાં કારણો છે. ‘જજમેન્ટ’, ‘નૌતમલાલની નિવૃત્તિ’ માનવમનનાં ઊંડાણોને સ્પર્શતી વાર્તાઓ છે. ‘જજમેન્ટ’ વાર્તા વાંચતાં જયંત ખત્રીની ‘લોહીનું ટીપુ’ વાર્તા યાદ આવે. મનુષ્ય બીજા માટે તરત ચૂકાદો આપી દે છે પરંતુ પોતાના એ જ પ્રકારના વર્તન વિશે એ તરફ જોવા પણ નથી ઇચ્છતો! જેની પ્રતીતિ નાણાવટીનું પાત્ર કરાવે છે. પોતાનાથી અડધીથી પણ નાની ઉંમરની છોકરીને પ્રેમ કરી શકતા નાણાવટી, પોતાની પુત્રી કોશાને પોતાનાથી ડબલ ઉંમરના પાત્ર સાથે લગ્ન કરવાની પરવાનગી આપી શકતા નથી! જે માનવીના આવા બેવડા વલણને પ્રગટ કરે છે. વાર્તામાં વિગતખચીત શૈલીએ થયેલ નાણાવટીનું પાત્રાલેખન વાર્તાની અસરને મોળી પાડે છે. ‘નૌતમલાલની નિવૃત્તિ’ પરંપરાગત વાર્તામાં વાર્તાકથનની શૈલીએ કહેવાયેલી વાર્તા છે. નૌતમલાલનું પાત્ર એવા માનવનું પ્રતિનિધિત્વ કરે છે જેના માટે પોતાનું વ્યવસાયિક પદ અસ્તિસ્વ સાથે જોડાયેલ છે. નિવૃત્તિ નજીક હોવાને કારણે ઑફિસના કર્મચારીનું સાહજિક વર્તન પણ નૌતમલાલને અસલામતીનો અનુભવ કરાવે છે. પોતાની આ માનસિકતાથી પીડિત તેઓ મિસ. મુલચંદાનીનું જાહેરમાં અપમાન કરી બેસે છે અને મિસ. મુલચંદાનીએ આ સંદર્ભે વિમેન કમિશનમાં કરેલી ફરિયાદના ભાગ રૂપે તપાસ માટે પંચ આવવાનો પત્ર આવતાં નૌતમલાલ ક્યારેય નહિ પણ આજે ઑફિસ છોડી ઘરે ચાલ્યા જાય છે! નૌતમલાલની અપમાનિત થયાની આ વેદના અને માનસિક સ્થિતિ પૌત્રને સંભળાવેલ સિંહની વાર્તા દ્વારા વ્યંજિત થઈ છે. ‘કેસ સ્ટડી’ વાર્તામાં સીમાના પ્રયોગશીલ માનસને આલેખવામાં આવ્યું છે. ૪૦ વર્ષ પછી ફરી જીવન જીવવાનું શરૂ કરતી નીશાના ગોત્રની આ નાયિકા છે. સીમા ડિવોર્સ લીધા પછી અને નોકરીમાંથી રાજીનામું આપી ફરી Behavioral Scienceનો અભ્યાસ શરૂ કરે છે. પોતાના અભ્યાસના પ્રયોગ માટે જીવંત ઓબ્જેક્ટ તરીકે સુકેતુને પસંદ કરતી સીમા કેવી રીતે પોતાના પ્રયોગનો ભોગ બને છે, એ વાર્તાનો વિષય છે. સુકેતુને પોતાના ઓબ્જેક્ટ હોવાની થતી જાણ, સીમાનું તેને કિડ તરીકેનું સંબોધન, ફ્રેંચ છોકરીને કિસ કરતાં નહિ આવડે એવી ચેલેન્જ અને નસાની અસર સુકેતુને ઉશ્કેરતાં પરિબળો છે. સભાન બનતી સીમા સુકેતુની પકડમાંથી છૂટવાના પ્રયાસો કરે છે પરંતુ પાબ્લોના પ્રયોગમાં કૂતરો જેમ ખોરાકને જોઈ તેને ખાતાં અટકતો નથી તેવી રીતે સુકેતુ પણ સીમા રૂપી ખોરાક પર તૂટી પડે છે. સીમાનું ખોરાકમાં રૂપાંતર થાય છે અને સુકેતનું શિકારીમાં! આમ, સીમાનું પાત્ર શૈક્ષણિક સિદ્ધાંતને વ્યવહારમાં લાગુ પાડવા જતાં કેવું પરિણામ આવી શકે તેની પ્રતીતિ કરાવે છે. ‘ધોળી ધૂળ’, ‘ખોવાયેલો ચહેરો’, ‘માર્ગ’ અને ‘ક્ષિતિજ’ થોડી જુદા પ્રકારની વાર્તાઓ છે. ‘ધોળી ધૂળ’માં મીઠું પકવીને જીવન ગુજારતી અગરિયા જાતિની વાસ્તવિક સ્થિતિ, સરકાર અને વેપારીઓ દ્વારા થતું તેમનું બેવડું શોષણ નાથિયા ડોસાના પાત્ર દ્વારા આલેખાયું છે. સમગ્ર વાર્તામાં નાથા ડોસાનું પાત્ર આગવી રેખાઓ પ્રાપ્ત કરે છે. ઘૂડખરના અભ્યારણ માટે અગરિયાઓ પાસેથી તેના વ્યવસાયની જમીન છીનવી લેવા સરકારનો લીઝ રદ કરવાનો નિર્ણય અને બીજી બાજુ અગરિયાનું જીવન અને અસ્તિત્વને સામસામે મૂકી વાર્તામાં મૂંગી વક્રતા પ્રગટ થઈ છે. ‘ખોવાયેલો ચહેરો’ આત્મઓળખની વાર્તા છે. પુત્ર દ્વારા વહુને ઉદ્દેશીને બોલવામાં આવેલ શબ્દો – ‘તને આમાં શું ખબર પડે?’ સાવિત્રીને પોતાની સ્થિતિ સાથે જોડે છે. લગ્ન બાદ પતિના વલણ અને ‘ચૂપ બેસ ચૂપ. તને આમાં શું ખબર પડે!’ શબ્દોએ ઘરમાં સાવિત્રીના અસ્તિત્વને ભૂંસી નાખ્યું હતું. તો પતિના મૃત્યુ બાદ રહેમરાહે મળેલી નોકરીમાં પણ મોટા ભાગના સહકર્મચારીઓનું વર્તન પણ એવું જ છે. છતાં પોતાના સ્વભાવ અને કાર્યકુશળતાને કારણે સાવિત્રી શાળાના હેડમાસ્તર પાસેથી માન અને આવકાર મેળવી શકે છે! આ આવકારમાં તેને પોતાનો ખોવાઈ ગયેલો ચહેરો પાછો મળે છે. માટે જ બાપની પ્રતિકૃતિ એવા દીકરાનો સામનો સાવિત્રી મક્કમતાથી કરી શકે છે! અને પોતાની વહુનો હાથ પકડી તેને ગૃહપ્રવેશ કરાવે છે! જે પોતાની ઓળખ પ્રાપ્તિનો સંકેત તો છે જ સાથે પોતાની વહુની ઓળખને જાળવવાનો પણ સંકેત છે! ‘માર્ગ’ અને ‘ક્ષિતિજ’ વાર્તા પ્રમાણમાં નબળી છે. ‘માર્ગ’ વાર્તાનો નાયક સિદ્ધાર્થ સાધના માટે પોતાનું ઘર છોડી વારાણસીના આશ્રમમાં ગુરુજી પાસે આવે છે પરંતુ પ્રયત્નો છતાં સાધનામાં સંપૂર્ણ ધ્યાન પરોવી શકતો નથી અને પુત્રને સંબોધી પત્ર લખે છે. પોતે લખેલ પત્રના જવાબ રૂપે પત્નીનો પત્ર આવે છે જેમાં પત્નીનો પ્રશ્ન – ‘સાધના ઘર-બાર છોડીને જ થઈ શકે, એવું જ્ઞાન ક્યાંથી પામ્યા?’ (પૃ. ૨૨) સિદ્ધાર્થને સંસારના માર્ગે પાછા વાળે છે. સર્જકનું આ દર્શન વાર્તા પર હાવી થઈ જતું લાગે છે! અને સિદ્ધાર્થ અને રાહુલ જેવાં પાત્રોનાં નામકરણ પણ વાર્તાને વાચાળ બનાવે છે. ‘ક્ષિતિજ’ વાર્તા મૃત્યુની રાહ જોતા નાયક આકાશની પ્રેયસીના પ્રેમને ન સ્વીકારી શકવાની વિવશતાને આલેખે છે. ધરા અને આકાશ જેવાં પાત્ર નામો, તેની સ્થિતિ ‘ક્ષિતિજ’ શીર્ષક દ્વારા પ્રગટ થઈ છે! વાર્તામાં રાશનકાર્ડ અને ‘કંટ્રોલ’ શબ્દની સ્પષ્ટતા બિનજરૂરી લાગે છે.

જયંત રાઠોડની વાર્તાકળા

ગદ્ય, પાત્રનિરૂપણ અને નિરૂપણરીતિની દૃષ્ટિએ આ વાર્તાઓ આસ્વાદ્ય છે. ખાસ કરીને સર્જકની વાર્તાઓનું ગદ્ય આકર્ષી રહે તેવું છે. ‘માર્ગ’, ‘ઊભો ખાટલો’, ‘ટાવર ઑફ સાઇલન્સ’, ‘તૂટેલો અરીસો’ આ સંદર્ભે તપાસી શકાય એવી છે. ઉપમા નાવિન્ય સર્જકની ભાષા શક્તિનો પરિચય કરાવે છે : ‘મકબરા જેવું મકાન’ (ક્ષિતિજ), ‘પાષાણમાંથી ખોદેલ યોદ્ધા જેવો પુરુષ’ (દટાયેલું નગર), ‘સૂકાયેલા વહેણ જેવી રેખાઓ’ (દટાયેલું નગર), ‘સૂકી બોરડી જેવી કાયા’ (ઊભો ખાટલો), ‘બાજરીના પોંક જેવી ફોરમ’ (ઊભો ખાટલો), ‘લીલાછમ ચેરિયા જેવા માણસો’ (સર્જકનું મૃત્યુ), ‘થોર જેવા જિદ્દી માણસો’ (સર્જકનું મૃત્યુ), ‘સરહદે ઊભા રહેતા સંત્રી જેવો’ (ધોળી ધૂળ), ‘બાવળ જેવા માણસો’ (ધોળી ધૂળ), અજાણ્યો અને નિરુપાય – ખોરાકની શોધમાં ગામમાં ઘૂસી આવેલા પ્રાણી જેવો નાથિયો (ધોળી ધૂળ), ‘ભેંસની પીઠ જેવી ડામરની સડક’ (તૂટેલો અરીસો), ‘હોમાતા તલ જેવો તતડાટ’ (ખોવાયેલો ચહેરો), ‘હિલ સ્ટેશન જેવી ચહેરાની તાજગી’ (હનીમૂન), ‘શરીર ઉપર ઊઠી આવતા બનિયાનનાં નિશાન જેવી આદત’ (હનીમૂન), ‘જાળામાં સપડાયેલાં જંતુ જેમ છટપટાતા વિચારો’ (મીન્ની) – અહીં નાવિન્ય તો છે જ, સાથે આ ઉપમાઓ પ્રદેશ વિશેષને પ્રગટ કરી પાત્રના માનસને ઉઘાડી આપે છે! તો એકને એક ઉપમાનું પુનરાવર્તન ‘દટાયેલું નગર’ વાર્તામાં કઠે છે. ‘મીઠું મો’, ‘પ્રેઝન્ટ’, ‘ખપે’, ‘ઈંયા’, ‘ઈ’, ‘ભૂંગો’, ‘પટ’ જેવા કચ્છી શબ્દપ્રયોગો પરિવેશ નિર્માણમાં કાર્યસાધક ભૂમિકા ભજવે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓ સર્જકના દર્શનને પ્રગટ કરે છે. કેટલીક વાર્તાને બાદ કરતાં મોટાભાગની વાર્તામાં આ દર્શન ઘટ્ટ બનીને આવ્યું છે પરિણામે ટૂંકી વાર્તાનું કાઠું જળવાયું છે. માનવમનનાં ઊંડાણને તાગવાની અને આલેખવાની શક્તિ સર્જક પાસે છે. જેનો પરિચય આ વાર્તાઓ કરાવે છે.

સંદર્ભ :

૧. ‘ધોળી ધૂળ’, જયંત રાઠોડ, પ્ર. આ. ૨૦૨૦, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ.

ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય દયાપર કૉલેજ
લખપત, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮