ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રઈશ મનીઆર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર રઈશ મનીઆર :
એક મૂલ્યાંકન

મિતેષ પરમાર

Raish Maniyar.jpg

ડૉ. રઈશ મનીઆર, મૂળે મનોવિજ્ઞાન સાથે જોડાયેલ આ સાહિત્યકાર, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પોતાની કલમને કસોટીએ ચડાવી ચૂક્યા છે. ૧૯મી ઓગસ્ટ, ૧૯૬૬ના રોજ વલસાડના કિલ્લાપારડીમાં જન્મ અને પછી સુરતને કર્મભૂમિ બનાવી. આ બંને જગ્યાઓની નિશાની એમના સાહિત્યમાં છૂપી રહી શકી નથી. ગઝલ એમની પહેલી ઓળખ. ‘કાફિયાનગર’ (૧૯૮૯), ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ (૧૯૯૮), ‘આમ લખવું કરાવે અલખની સફર’ (૨૦૧૨) વગેરે... કાવ્યસંગ્રહો. ‘ગઝલ : રૂપ અને રંગ’ અને ‘ગઝલનું છંદોવિધાન’ જેવાં ગઝલશાસ્ત્રનાં પુસ્તકો. હાસ્યના ક્ષેત્રે નિબંધો અને હઝલ જેવા કાવ્યસ્વરૂપથી પ્રદાન નોંધાવી ચૂક્યા છે. જાણીતા ગુજરાતી કવિ મરીઝ પરનું એમનું પુસ્તક ઘણું જાણીતું બન્યું. ગદ્યક્ષેત્રે પહેલાં ‘લવ યૂ લાવણ્યા’ નામની નવલકથા અને હવે ટૂંકીવાર્તાનો સંગ્રહ ‘ડૂબકીખોર’ તેમની પાસેથી મળે છે. નાટકના રસિયાઓના કાને આ નામ વારંવાર પડ્યું છે. ‘સાત સમંદર સૌની’, ‘અંતિમ અપરાધ’, ‘અનોખો કરાર’ અને ‘ચંદાનું વૅકેશન’ જેવાં ૧૮ જેટલાં નાટકો તેઓ લખી ચૂક્યા છે. આ સિવાય અનુવાદક્ષેત્રે એમનું કામ ઘણું નોંધપાત્ર રહ્યું છે. જાવેદ અખ્તર – તરકશ (૨૦૦૫), સાહિર લુધ્યાનવી – આવો કે સ્વપ્ન વણીએ કોઈ (૨૦૦૬), ગુલઝાર – બંધ કાચની પેલે પાર (૨૦૧૧), કૈફી આઝમી – કેટલીક કવિતાઓ (૨૦૦૨) આ એમનું અનુવાદ કાર્ય છે. આમ, હમણાં સુધી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે એમને શયદા ઍવૉર્ડ (૨૦૦૧), નર્મદ સુવર્ણચંદ્રક (૨૦૧૨) અને નાટક માટે પણ સંજીવકુમાર નાટ્યસ્પર્ધા અને ચિત્રલેખા નાટ્યસ્પર્ધા માટે બેસ્ટ રાઇટરનો ઍવૉર્ડ વગેરે અનેક ઍવૉર્ડ મળી ચૂક્યા છે. આમ, અનેક ક્ષેત્રોમાં સફળ દેખાતા આ સાહિત્યકાર વાર્તાકાર તરીકે કમાલ કરી શક્યા છે કે નહીં તે હવે એમના ‘ડૂબકીખોર’ વાર્તાસંગ્રહમાં ડૂબકી લગાવ્યા પછી જ જાણી શકીએ.

Dubakikhor by Raish Maniyar - Book Cover.jpg

કુલ બાર જેટલી વાર્તાઓનો સમાવેશ આ સંગ્રહમાં થયો છે (૧. ડૂબકીખોર, ૨. ચંદાનું વૅકેશન, ૩. એક અરસા પછી, ૪. સવા ત્રણની બસ, ૫. સૌભાગ્યવતી, ૬. ઉપર કશું છે?, ૭. શનિરવિ, ૮. એકાંત, ૯. અનમોલ રતન, ૧૦. કજોડું, ૧૧. કબૂલાતની કોટડી, ૧૨. અનુબંધ.) વાર્તાસંગ્રહ અર્પણ કર્યો છે જાણીતા વાર્તાકાર મધુ રાયને અને એની પ્રસ્તાવના લખવામાં આવી છે જાણીતા ફિલ્મ લેખક (પીકે, મુન્નાભાઈ એમ. બી. બી. એસ) અભિજાત જોશી દ્વારા. નોંધ તો અહીંથી જ શરૂ થાય છે. પ્રસ્તાવના પુસ્તક માટે દ્વારરૂપ બનવી જોઈએ... પણ અહીં લખવા ખાતર લખવામાં આવી હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પ્રસ્તાવનાકારને ‘ઉપર કશું નથી’ નામની વાર્તા ગમી છે પણ ખરેખર આ નામની કોઈ વાર્તા આ સંગ્રહમાં છે જ નહીં પણ ‘ઉપર કશું છે’ નામની વાર્તા છે. પ્રૂફની ભૂલ કહેવી કે શેની? આવી પ્રૂફની બીજી પણ ભૂલો આ સંગ્રહમાં હાજર છે. વાર્તા અંગે વાત કરતા પહેલાં વાર્તા અંગે વાર્તાકારના કેટલાક મતો નોંધવા આવશ્યક છે.

  • વાર્તાકારે મોપાસાં, સ્ટેફાનઝ્‌વીગ, એન્તોન ચેખોવ અને ટાગોર વગેરે વાર્તાકારો પાસેથી વાર્તાકલા શીખી છે. અને તેઓ માને છે કે પ્લોટ, થીમ કે વર્ણનોમાં ક્યાંક ગમતા વાર્તાકારની અસર ઝીલાઈ જ જાય.
  • આવાં મોટાં નામો ટાંક્યા પછી તેઓ સ્પષ્ટતા કરે છે કે તેઓ ક્લાસિકલ લેખક નથી. પછી કહે છે કે પોતે પોપ્યુલર લખનાર પણ નથી. પછી આગળ ફરી કહે છે કે માત્ર વિવેચકો વખાણે એવું કૉમ્પ્લેક્સિટીવાળું, અટપટું કે મુશ્કેલ પણ લખી શકતો નથી. ‘કૉમ્પ્લેક્સિટીવાળું’ જ વખણાય છે એવા મત સાથે લેખક હજી દૂરના ભૂતકાળમાં હોય એવું લાગે છે.
  • વાર્તા શા માટે લખું છું? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “આપણી આસપાસથી અલપઝલપ પસાર થઈ જતાં દૃશ્યોમાં, ક્ષણોમાં, પરિસ્થિતિમાં, પાત્રોમાં, ભાવપલટાઓમાં મનોમન થોભીએ તો એક વિશ્વ દેખાય. વર્તમાનથી છેડો ફાડીને હું એ મુકામો પર રોકાયો છું અને પછી મારી કલ્પનાસૃષ્ટિએ એ વિશ્વને ઝીલીને જે વિશ્વ રચ્યું છે, એ મારી વાર્તાઓ છે.” અને અંતે “સારો લેખક દરેક વાર્તાની અંદર આખો સંસાર સમાવવાની કોશિશ કરતો હોય છે.” (પ્રસ્તાવના : લેખકની વાત)

આમ, ટૂંકી વાર્તા અને એમાં સંસાર જેવું વ્યાપક પરિમાણ ગોઠવવા જતાં સ્વરૂપ સાથેનું ખેંચતાણ અને અનુભવાતી બરડતા આ સંગ્રહની વાર્તાઓમાં તરત દેખાઈ આવે છે. ‘ડૂબકીખોર’ અને ‘અનુબંધ’ વિશેષપણે લાંબી ટૂંકી વાર્તા કહી શકાય એવી છે જ્યારે ‘ચંદાનું વૅકેશન’, ‘એક અરસા પછી’, ‘ઉપર કશું છે’, ‘અનમોલ રતન’ વાર્તામાં પણ લંબાણ છે. વાર્તા નિરૂપણની બે પરંપરા Showing અને Tellingમાંથી આ વાર્તાકારની વાર્તાઓમાં મુખ્યત્વે Telling પર વિશેષ ભાર મુકાયો છે. આગળ ઉદાહરણ સાથે જોઈએ કે ઘણી જગ્યાએ Overtelling પ્રવેશી જાય છે. આ વાર્તાઓમાં ઊડીને આંખે વળગે એવું કોઈ ઘટકતત્ત્વ હોય તો તે વાર્તાનાં પાત્રો. અને ખાસ કરીને નારી અને એમાંય માતાનાં પાત્રો. બકુલા ઘાસવાલા પણ આ જ બાબતને કંઈક આ રીતે નોંધે છે, ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વૅકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં, દીકરાની રાહમાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, ‘શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવનવહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે.” આમ, મોટાભાગની વાર્તાઓ પાત્રપ્રધાન હોય એવું કહી શકીએ છીએ. ‘ડૂબકીખોર’, ‘ચંદાનું વૅકેશન’, ‘સવા ત્રણની બસ’, ‘શનિરવિ’ અને ‘એકાંત’ મર્યાદાઓ સાથે પણ વાર્તાસંગ્રહની ધ્યાનપાત્ર કહી એવી વાર્તાઓ છે. ‘ડૂબકીખોર’ ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુના જીવનની વાત છે. વારાણસીનો પરિવેશ અને એમાં નેત્રા નામની ફોટોગ્રાફર અને એનો અનિકેત નામનો ડાયલોગ રાઇટર મિત્ર. અહીં આ બેની નજરે જોવાયેલું છોટુનું જીવન છે. વાર્તાકારે પસંદ કરેલા વિષયવસ્તુ, પરિવેશ અને સાથે આવતાં જતાં કાવ્યાત્મક વર્ણનો સરસ ગૂંથાયાં છે. વાર્તા લાંબી હોવા છતાં ક્યાંય વાર્તાનો દોર વછૂટી જતો નથી. પણ ઘણી વાર્તામાં નોંધી શકાયું છે તે વાર્તાનો અંત આવતા વાર્તા શિથિલ બનવા લાગે છે. જાણે વાર્તાકારને અંત સુધી પહોંચાડવાની ઉતાવળ આવી હોય અને વાર્તાને વળાંક આપી પૂર્ણવિરામ. પાંચ લીટીનો છેલ્લો ફકરો (વાર્તાનો અંત) વાર્તાને બાળબોધ પ્રકારની વાર્તા નજીક લઈ જઈને મૂકી દે છે. “વિશાળ જગતમાં રોજ સ્થળેસ્થળે અનેક ઘટનાઓ બને છે, પણ ગંગામૈયાની ગોદમાં બનેલી આ ઘટનામાં સોનુ બચી ગયો હતો આ ઘટનાથી જ સોનુ એકાએક મોટો પણ થઈ ગયો હતો. આ ઘટનાથી જ એની આજીવિકા શું હશે એ પણ નક્કી થઈ ગયું હતું. ગંગામૈયા જ એની મોટામાં મોટી સ્કૂલ હતી. એ સ્કૂલે મોંઘી ફી લીધી, પણ સોનુને ઍડમિશન મળી ગયું.” (ડૂબકીખોર વાર્તાનો અંત)આ જ સમસ્યા ‘અનુબંધ’, ‘સવા ત્રણની બસ’ વગેરે વાર્તામાં અનુભવાય છે. આ સિવાય અપ્રતીતિકરણનો પ્રશ્ન ઘણી વાર્તાઓમાં ઊભો થાય છે. ‘એક અરસા પછી’ વાર્તામાં પ્રસાદ અને વીતરાગ નામનાં બે પાત્રોની વાત છે. એક અરસા પછી મળેલાં આ બંને પાત્રો અલગ જ સ્થિતિમાં જીવી રહ્યાં હોય છે. વીતરાગ અરસા પછી ફરી જ્યારે પ્રસાદના સંપર્કમાં આવે છે એ ક્ષણની ગોઠવણ જ ઘણી કૃત્રિમ માલૂમ પડે છે. અને એમાંય અંતે તો “આપણે જીવીએ છીએ એ જીવન આપણને ખોખલું લાગે છે. આપણાથી જુદી રીતે જીવતું કોઈ દેખાય, તો એનું આપણને આકર્ષણ થાય છે.” ધૂમકેતુ ‘પોસ્ટઑફિસ’ વાર્તામાં ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય’ જેવું વાક્ય આપતા વાર્તાની વ્યંજતાને હલકી અળપાવી દે છે. એમ અહીં પણ ઘણી વાર્તાઓમાં આવાં વાક્યો વાર્તાને અળપાવી દે છે. આવી કેટલીક મર્યાદાઓ સાથે પણ ‘શનિરવિ’ અને ‘ચંદાનું વૅકેશન’ જેવી વાર્તા કળાત્મકતાના ઘાટને પામી શકી છે. વાર્તાકારે અપંગતાને કારણે રવિને મળેલું મહત્ત્વ ભાઈ શનિના જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે એ આખી વાત સુંદર રીતે વણી શક્યા છે. મજૂર દંપતી વાલજી અને કમલાનું પહેલું બાળક તે શનિ. અને બીજું બાળક જન્મતા જ સહજ રીતે તેને નામ મળી જાય છે રવિ. કમલાએ પોતાના ભાઈબહેનને આપોઆપ ઊછરતાં જોયેલાં તેથી બાળકો તો આપોઆપ જ મોટાં થઈ જાય છે એવું એ વિચારતી. પણ રવિના પ્રસંગમાં એવું બનતું નથી. રવિ એક વરસનો થયો અને ઉપરના બાર દિવસ થયા પછી પણ રવિ ટટ્ટાર બેસતો નહોતો. અચાનક ખબર પડે છે કે રવિ તો સેરિબ્રલપાલ્સીનો દર્દી છે. હવે ચાલુ થાય છે કમલાના રોજના ધક્કા. એમ.ડી.ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રવિ એક કેસસ્ટડી બની ગયો હતો. કમલા અને વાલજીનું જીવન પણ બદલાઈ જાય છે. કમલાએ કામ મૂકીને રવિને લઈને કસરત કરાવવા રોજ હૉસ્પિટલ આવવું પડતું. કસરત કરાવતી નર્સ એના બૉયફ્રેન્ડ સાથે વાત કરવામાં મશગૂલ રહેતી. આ બધાની વચ્ચે રવિ ક્યારે સાજો થશે એની કોઈ પાક્કી ખબર નહોતી. એમ.ડી.ના એ વિદ્યાર્થીઓ વચ્ચે બિંદી નામની એક વિદ્યાર્થિર્ની આશાનું કિરણ બની. બિંદીએ રવિના કેસ પાછળ ઘણી મહેનત કરી. અચાનક વળાંક આવે છે અને રવિની અપંગતા એના કામે આવે છે. દિવ્યાંગોને મળતી ઘણી સરકારી યોજનાઓનો લાભ રવિને મળે છે. જે રવિ ચાલવા સક્ષમ નથી, એક કરોડપતિએ દિવ્યાંગોને હવાઈ મુસાફરી કરાવવાનું નક્કી કર્યું અને રવિને એનો લાભ મળે છે. દિવ્યાંગો માટેની વિશિષ્ટ શાળામાં એને ભણવા મળે છે. આની સામે ભાઈ શનિ માતા અને પિતા બંનેના પ્રેમથી વંચિત રહ્યો છે. અને તેથી રવિ પ્રત્યેનો ઈર્ષ્યાભાવ એને એક અપ્રિય બાળક બનાવી દે છે. અને પિતાના મારની સામે એક વખત શનિ બોલી ઊઠે છે, “મારો! હજુ મારો! લૂલો થઈ જાઉં ને તો...” આમ, શનિના મુખે આ ના બોલાવડાવ્યું હોત તો પણ એના મનમાં પ્રગટેલો ભાવ અનુભવાઈ રહ્યો હતો. ‘ચંદાનું વૅકેશન’ વાર્તા વિરલ રાચ્છ દ્વારા નાટ્ય રૂપાંતર પામી એકાંકી રૂપે ભજવાઈ ચૂકયું. લાખ રૂપિયા આપીને કમ્મુમાસીએ ગગન પંજાબી નામના વ્યક્તિ પાસેથી ચંદાને ખરીદેલી. ગગને ચંદાને વચન આપેલું કે એક દિવસ આવીને એને લઈ જશે. ચંદાની ૧૪ દિવસની રજા કમ્મુમાસીને પોષાઈ નથી. રજા પરથી પાછાં આવતાંની સાથે જ એને કામ પર ચડાવી દેવામાં આવી છે. પણ ધંધામાં ચંદાનું ધ્યાન પહેલાં જેવું નથી. દાસ આહિર ચંદાનો નિયમિત ગ્રાહક હતો. એ વારંવાર ચંદાને ખરીદીને લઈ જવાની વાત કરતો. રમઝૂ માટે કમ્મુમાસી આશ્રયદાતા હતી. એને અને ચંદાને ખાસ્સું બનતું. ગગન ચંદાના વૅકેશન પરથી પાછા આવ્યા બાદ એરિયામાં દેખાવા લાગ્યો હતો. ગગન કોઠા પર આવે છે અને ચંદા ૧૪ દિવસ ક્યાં હતી તેનાં રહસ્યો ઊઘડતાં જાય છે. સમગ્ર વાર્તા પાત્ર, પરિવેશ અને સઘનતાના સંદર્ભે સૌથી વધુ કળાત્મક બની શકી છે.

સંદર્ભ :

૧. ‘ડૂબકીખોર’, લે. રઈશ મનીઆર, પ્રથમ આવૃત્તિ ૨૦૨૧
૨. મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ, લે. બકુલા ઘાસવાલા (ઓપિનિયન ડિજિટલ મૅગેઝિન)

મિતેષ પરમાર
શોધછાત્ર
ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય
ગાંધીનગર
મો. ૮૮૬૬૧ ૯૪૦૨૦