ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દીપક રાવલ
અંતર-મનમાં ડોકિયું
દશરથ પરમાર
[‘બારી’, દીપક રાવલ, બીજી આવૃત્તિ : ૨૦૧૬]
સર્જક પરિચય :
વાર્તાકાર, વિવેચક, અનુવાદક દીપક રાવલનો જન્મ ૪.૩.૧૯૫૭ના રોજ ધંધુકામાં. પ્રાથમિક શિક્ષણથી સ્નાતક સુધીનો અભ્યાસ ત્યાં જ પૂર્ણ કરી, ૧૯૮૧માં આદિવાસી આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ભિલોડામાં ગ્રંથપાલ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૮૮થી ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક. ત્યાં જ ૨૦૦૦થી આચાર્યપદે રહ્યા બાદ ૨૦૦૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ઇંગ્લૅન્ડ ગમન. ત્યાં ‘ગુજરાત સમાચાર’માં ઍસોસિએટ ઍડિટર થયા. ૨૦૦૯માં પરત ફરી, પાલનપુરની ફાઇન આટ્ર્સ કૉલેજના આચાર્ય પદે. ૨૦૧૪થી ગુજરાતી વિભાગ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં પ્રોફેસર ઍન્ડ હેડ રહ્યા બાદ ૨૦૧૯માં વયનિવૃત્તિ. બાળપણમાં મોટીબા અને દાદાજી પાસેથી વાર્તાઓનું રસપાન કર્યા બાદ અભ્યાસકાળમાં મળેલા સાહિત્યરસિક શિક્ષકો અને આચાર્યએ એમની ભીતરના વાર્તારસને સંકોરેલો; જેના ફળસ્વરૂપે ૧૯૮૮ આસપાસ વાર્તાલેખનનો આરંભ. વિવેચન-સંપાદન ક્ષેત્રે પણ સક્રિય લેખકનાં ‘મુક્ત દીર્ઘ કવિતા’ (૧૯૯૨, ૨૦૨૨), ‘સાહિત્યનો આસ્વાદ’ (૧૯૯૩), ‘શબ્દપ્રેક્ષા’ (૨૦૦૩), ‘ગુજરાતી નવલિકાચયન’ (૨૦૦૩), ‘એક હતો રાજા’ (સતીશ વ્યાસનાં દીર્ઘ નાટકોનું સંપાદન : ૨૦૨૨) વગેરે પુસ્તકો પ્રગટ થયાં છે. ‘સદા સદ્ગુરુ સાથે’ (જીવનચરિત્ર : ૧૯૯૯) ઉપરાંત ‘દસ ધર્મ’ (મુનિ શુભકરણજી), ‘દરિયો’ (વિષ્ણુ પ્રભાકર), ‘મારી કથા : ઉસ્તાદ અલાઉદ્દીન ખાં સાહેબ’, ‘છેલ્લા સાક્ષી’/‘અંતિમ સાક્ષી’ (સ્વેતલાના એલેક્સિવિચ), ‘અવાક’ (ગગન ગિલ) વગેરે અનુવાદનાં પુસ્તકો છે. વિવિધ ભાષાઓના સો જેટલા કાવ્યાનુવાદો પણ કર્યા છે. જીવનની અત્યંત કષ્ટદાયક પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા દીપક રાવલ સાહિત્ય ક્ષેત્રે અનેક પુરસ્કારોથી વિભૂષિત થયા છે, જેમાં મુખ્યત્વે United Writers’ Associationનો ‘Life Time Achievement Award-૨૦૦૩’, Eminent Citizen of India Award-૨૦૦૪, ‘સુભદ્રાકુમારી ચૌહાણ જન્મશતાબ્દી સન્માન-૨૦૦૪’ વગેરેનો સમાવેશ થાય છે.
કૃતિ પરિચય :
૧૯૯૮માં પ્રગટ થયેલ ‘બારી’ વાર્તાસંગ્રહની; એક વાર્તાના ઉમેરણ સાથે, બીજી આવૃત્તિ (કુલ પૃષ્ઠ : ૧૧૮) ૨૦૧૬માં પ્રગટ થઈ. આ સંગ્રહના ‘ખિડકી’ નામે હિન્દીમાં અને ‘Addiction & Other Stories’ નામે અંગ્રેજીમાં અનુવાદો પણ પ્રકાશિત થયા. ગાયત્રી પરિવારના ગુરુદેવ પં. શ્રીરામ શર્મા આચાર્યજી અને માતાજી ભગવતીદેવીને સંગ્રહ અર્પણ કરીને લેખકે ‘બીજી આવૃત્તિ વેળાએ’ અને પ્રથમ આવૃત્તિના ‘વાર્તાની વારતા’ શીર્ષકથી લખેલા નિવેદનમાં જીવનની વિપદાઓ ઉપરાંત સર્જનયાત્રા વિશે વિગતે વાત કરી છે. બે વાર્તાઓને બાદ કરતાં સંગ્રહની દસ વાર્તાઓ સર્વજ્ઞ કથનકેન્દ્રથી કહેવાઈ છે. બાહ્ય રીતે સુખી દંપતીની નિઃસંતાન હોવાની આંતરિક પીડા, આથમી ગયેલી સામંતશાહી, વતનઝુરાપો, સુષુપ્ત પરિવારભાવના, નિઃસ્વાર્થ માનવસંબંધો, મુગ્ધાવસ્થાનાં પ્રચ્છન્ન પ્રણયસંવેદનો, અવૈધ સંબંધોની દામ્પત્યજીવન પર થતી વિપરીત અસરો, સ્ત્રીમનની સંકુલતા, મોટી ઉંમરે પરસ્પર હૂંફ ઝંખતાં સ્ત્રી-પુરુષ – જેવા વૈવિધ્યસભર વિષયોને આલેખતી વાર્તાઓમાં પાત્રોનાં મનોસંચલનો સહજ રીતે આલેખાવાની સાથોસાથ પ્રતીકોના માધ્યમથી એમના માનસપલટા પણ કલાત્મક રીતે આલેખાયા છે. પ્રથમ વાર્તા ‘બારી’માં ચાલીસી વટાવી ચૂકેલ દંપતીની નિઃસંતાન હોવાની પીડા સબળ અભિવ્યક્તિ પામી છે. બારીમાંથી લાંબા-પહોળા મેદાનમાં દેખાતું એક અજાણ્યું વૃક્ષ શોભાને નાના બાળક જેટલું વહાલું લાગે છે; જેને એ સતત તાક્યા કરતી. એના પરિણામે કેટલીક વાર એ ઑફિસેથી પરત ફરતા પતિ જયંતીલાલના આગમનને પણ વિસરી જતી હતી. બાવીસ વર્ષના સહજીવન દરમ્યાન બન્ને વચ્ચે પૂરેપૂરી સમજ વિકસેલી છે. શોભાને સંતાન ન થતાં વરસો પહેલાં જયંતીલાલનાં બાએ એની બીજી પત્ની કરવાનું પણ વિચારેલું, જેમાં જયંતીલાલને બા સાથે બોલવાનું પણ થયેલું. ક્યારેક નાના બાળકની જેમ વર્તતા પતિને શોભા માતૃભાવપૂર્વક સંભાળી લે છે. બાળપણમાં શોભા એના ઘરમાં સૌથી વધારે લાડકી હતી. પરંતુ, એ બારીમાંથી નીચે પડી ન જાય એ બીકે બારી પાસે ઊભી રહેવા દેવામાં આવતી નહોતી. જ્યારે અહીં તો બારી જ શોભાનું સર્વસ્વ છે. કોઈ રોકટોક નથી. વૃક્ષ સાથે પરસ્પરાવલંબન અનુભવતી શોભાને અંધારામાં એના એકલા પડી જવાની ચિંતા સતાવે છે. વાર્તાન્તે, પતિના ચીડાવાના ભયથી બારી બંધ કરતાં આ તરફ રહી જાય છે શોભા. અને પેલી તરફ વૃક્ષ. વચ્ચે રહી જાય છે, કેવળ બારી. આમ, વૃક્ષ, બારી અને બન્ને બાજુ વહેંચાઈ જતા અંધારાના પ્રતીકથી શોભાનું બે ભાગમાં વહેંચાઈ જવું અને એકલતાની વ્યથા સુંદર રીતે આલેખાઈ છે. અલબત્ત, શોભા અને જયંતીલાલના પાત્રની રેખાઓ ક્યાંક ધૂંધળી બની જતી અનુભવાય છે. ‘ઊભરો’માં આથમી ગયેલી સામંતશાહીને લીધે દયનીય હાલતમાં મુકાયેલા નાનભા બાપુની અવદશાનું યથાર્થ આલેખન છે. બાવન ગામમાં જેની ડેલી અને ડાયરો વખણાતાં એ બાપુના પેટમાં ત્રણ દિવસથી અન્નનો દાણો ગયો નથી. ચા-બીડી-અફીણના પણ ઉધારા થઈ ગયા છે. જેના જન્મ વખતે ગામ ધૂમાડાબંધ જમેલું એ દીકરો તખુભા શહેરમાં ક્યાંક ટૂંકા પગારની નોકરી કરે છે. એના મનીઑર્ડરની રાહ જોતા બાપુ વાણિયાને ત્યાંથી કરગરીને ચા-ખાંડ લઈ તો આવે છે, ત્યાં પેશાબ લાગતાં પીપળાના થડ પાસે બેસી પડે છે. કડક કસુંબા જેવી ચાનું સપનું જોતા બંધાણી બાપુને પેશાબના ફીણફરફોટા છેતરે છે. એને ચાનો ઊભરો સમજી પહેરણની ચાળ ખોલે છે, ત્યાં ચા-ખાંડનાં પડીકાં પેશાબમાં પડી જાય છે. મગન ટપાલી પણ દીકરાના સમાચાર લાવતો નથી. તેથી, નિરાશા અને છાતીમાં ભરાયેલા ડૂમા સાથે ડેલીએ પરત ફરેલા બાપુ છુટ્ટા મોંએ રડી પડે છે. થોડી વારે ભીતરનો ઊભરો શમે છે, ત્યાં ભીંજાયેલાં ચશ્માં આંખે લટકી પડે છે. એમના અંતિમ સમયની આલબેલ પોકારતો કાગડો વંડી પર બેસી કા.. કા.. કરી રહે છે. વીતી ગયેલી વેળાની જાહોજલાલી અને સાંપ્રત સમયની કરુણ સ્થિતિના સબળ સન્નિધિકરણથી વાર્તા સુંદર ઘાટ પામી છે. ‘લીમડો’ અને ‘બંધાણ’ – પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી રચનાઓ છે. ‘લીમડો’માં અતીતરાગની વાત છે. ઘણાં વરસે ફુવા સાથે ગામનું ઘર કોઈને ન આપવાની મક્કમતા સાથે ગામ જતા નાયકનું ચિત્ત ભૂતકાલીન ઘટનાઓમાં અટવાયા કરે છે. બા-બાપુજી, ભવ્ય ભૂતકાળ અને બાળપણની અનેક સ્મૃતિઓનો સાક્ષી ફળિયાનો લીમડો એને સતત સાંભરતો રહે છે. બાળસખી રમલી સાથે ઘર-ઘરની રમતથી માંડીને મુગ્ધાવસ્થાનાં રમીલા સાથેનાં પ્રણયસંવેદનોનો સાક્ષી લીમડો છે. એ કાકાએ પૈસાની જરૂર પડતાં કપાવી નાખ્યાનું જાણી હતપ્રભ અને ભાંગી પડેલો નાયક ફુવાને કહે છે કે, કાકાને કહેજો કે મારે એ ઘર કે પૈસા કશું જોઈતું નથી. અને યંત્રવત્ ત્યાંથી ચાલી નીકળે છે. અતીત અને વર્તમાનની સુરેખ ગૂંથણી વાર્તાને રસપ્રદ બનાવે છે. વર્તન પરથી વાર્તાનો નાયક ધૂમકેતુની પાત્રસૃષ્ટિમાંથી ભૂલો પડેલો હોય તેવો જણાય છે. ‘બંધાણ’માં વિધિની વક્રતા મૅલોડ્રામેટિક રીતે આલેખાઈ છે. શિક્ષક તરીકેની નોકરી કરવા એક ગામમાં ગયેલો મોહન જોઈતાકાકાને ત્યાં ભાડૂવાત તરીકે રહે છે. પુત્ર સાથેના નામ-સામ્યને લીધે જોઈતાકાકા અને જડીબા એને દીકરાની જેમ સાચવે છે. નાયક ધીમે ધીમે દુઃખી દંપતીના ભૂતકાળના પ્રસંગોથી અવગત થાય છે. જોઈતાકાકાના, દુશ્મનની છાતી ફાડી નાખે એવા બે જુવાનજોધ દીકરા યુવાનીમાં મરણ પામ્યા છે. મોટા કાનજીને કોઈએ ભોળવીને અફીણનો એવો બંધાણી બનાવી દીધેલો કે છેવટે ટી.બી. થયો અને એ બંધાણે એનો જીવ લીધો. જૂનાગઢમાં રહેતો પાકો સત્સંગી અને પૂજાપાઠનો વ્યાસંગી નાનો પુત્ર પ્રોફેસર મોહન એક વાર બધા મિત્રો સાથે ક્યાંક ફરવા નીકળેલો. ત્યાં મિત્રો રસ્તામાં એક હોટલ પાસે જીપ ઊભી રાખી ચા-પાન-બીડી માટે જાય છે. નિર્વ્યસની મોહન જીપમાં જ બેસી રહે છે. ત્યાં જ અંધાધૂંધ પીને નીકળેલો એક ટ્રકવાળો ટ્રકને જીપ સાથે ભટકાડી દે છે. એમાં મોહન મૃત્યુ પામે છે. ‘અરર! બધા સાથે હોટલમાં ગયો હોત તો બચી જાત ને?’ નાયકના આ પ્રશ્નના ઉત્તરમાં જોઈતાકાકા કહે છે કે, ‘એ જીપમાં કેમ બેસી રહ્યો? તને ખબર છે? એને કોઈ બંધાણ નહોતું ને!’ – આ કથનથી બબ્બે દીકરા ગુમાવનાર માવતરની પીડા સાથે અનાથ જેવા નાયકની પીડાનું સબળ અનુસંધાન રચાય છે. પરિણામે, વૃદ્ધ દંપતીને છોડીને ગામ જવા તત્પર થયેલો નાયક બસ ચૂકી જવાના દુઃખને બદલે એમની સાથે ‘બંધાણ’ અનુભવે – એવી કથાસંયોજના કરીને લેખકે વાર્તાને સુખાન્ત બનાવી છે. અહીં બંધાણનો નવો અર્થ ઊઘડે છે. ‘સંકોચ’ અને ‘છબી’માં પણ ‘લીમડો’ની જેમ મુગ્ધાવસ્થાનાં પ્રણયસંવેદનો ગૂંથાયાં છે. ‘સંકોચ’માં એક મિત્રને ત્યાં યોજાનાર પ્રસંગમાં આવનાર બાળસખીને મળવા જતા મોટી ઉંમરના, અંતર્મુખી નાયકના ભ્રમનિરસનની અને સંકોચ ન છોડી શકવાની માનવસહજ નબળાઈ આલેખાઈ છે. ‘છબી’માં પણ નાની અને દોહિત્રના માધ્યમથી અકથ્ય પ્રણયસંવેદનની જ વાત રજૂ થઈ છે. ભાવપૂર્વક કનૈયાની સેવાપૂજા કરતાં જતનમા સમક્ષ અહર્નિશ કનૈયાની છબી જ વિદ્યમાન રહે છે. પરંતુ, નાનકાની એક ચિત્ર દોરવાની વાતે એ ક્યાંયનાં ક્યાંય પહોંચી જાય છે. માસ્તર પિતા પાસે ચિત્ર શીખવા આવતા કાળિયા નામના એક છોકરાએ નાનકડી જતુડીને ચિત્ર દોરતાં શીખવેલું. પિતાજીએ દોરવા આપેલા કનૈયાનું ચિત્ર પણ એણે દોરી આપેલું. એ ચિત્ર જતને સંતાડીને મૂકી રાખેલું. વાર્તાની સાંપ્રત ક્ષણમાં કનૈયાનું ચિત્ર દોરાઈ ગયા પછી પણ આંખોમાં પેલા ભાવ ન લાવી શકતાં જતનમા ચિત્રની રેખાઓને વારંવાર ઘૂંટ્યા કરે છે, એમાં કાળિયાની સ્મૃતિ આંસુરૂપે આંખમાંથી વહી નીકળે છે. અને ચિડાઈ ગયેલાં જતનમા નાનકાના ખોળામાં પાટીપેન મૂકી જતાં રહે છે. વાર્તાની આ ક્ષણ ખૂબ મહત્ત્વની છે. ‘કાયર’ અને ‘ઠેરના ઠેર’ એક જ કુળની વાર્તાઓ છે. બન્નેમાં અવૈધ સંબંધો અને એનાં પરિણામોને તાગવામાં આવ્યાં છે. ‘કાયર’માં પત્નીના પોતાના નાનાભાઈ સાથે અવૈધ સંબંધની જાણ હોવા છતાં નાયક કશું કરી શકતો નથી. એના પર નાનપણથી જ કાયરનું લેબલ લાગી ચૂક્યું છે. પુત્રી આશા આ વાત જાણતાં આત્મહત્યાનો નિરર્થક પ્રયાસ કરે છે. એ ઘટનાની આસપાસ ગૂંથાયેલી કરુણાંત વાર્તામાં અંતે નાયકનો અંતરાત્મા ડંખે અને કાયરતાના લેબલને નકારતો ‘ના... ના... ના... હું કાયર નથી...’ કરતો બાલ્કની તરફ ધસી જાય છે. મુશ્કેલીઓથી ભાગી છૂટવું એના કરતાં એનો સામનો કરવો જોઈએ – એવું માનતો નાયક દીકરીનું આત્મહત્યા કરવાનું સાહસિક અને બહાદુરીભર્યું પગલું ઉચિત ઠેરવતો હોય એમ જીવનથી હારીને એવું જ આચરણ કરી બેસે છે, એ આ વાર્તાનો પ્રધાન સૂર છે. ‘ઠેરના ઠેર’માં સસરા અને પુત્રવધૂના અનૈતિક સંબંધોની જાણ થતાં પતિ દ્વારા કામી પિતાને વહેલી પરોઢે અંધારામાં ઝૂડી નાખવા છતાં એ સંબંધમાં કોઈ પરિવર્તન આવતું નથી. ગ્રામજીવનનું અધિકૃત આલેખન અને સંવાદોમાં પ્રયોજાયેલ લોકબોલી એ આ કૃતિનું જમા પાસું છે. ‘પુનરાગમન’માં પોતાને અનહદ ચાહતા પતિ આનંદના આકસ્મિક અવસાનના ત્રીજા જ દિવસે જન્મેલા પુત્ર દેવુમાં ઉમાને સદ્ગત પતિ દેખાયા કરે છે. એની પ્રત્યેક ક્રિયાને ધ્યાનપૂર્વક નિહાળતી ઉમા કશોક જુદો જ ભાવ અનુભવતી રહે છે. એક વાર આનંદનો સૂટ પહેરી એની સમક્ષ ઉપસ્થિત થતા દેવુને એ ‘પપ્પાની યાદગીરી આપણે સાચવવાની કે નહીં? જા, આ કપડાં બદલી નાખ અને વ્યવસ્થિત હતાં ત્યાં મૂકી દે!’ કહી પતિ સાથેનાં સ્મરણોમાં રમમાણ થઈ જાય છે. વાર્તાન્તે એ સમાધાન શોધી લે છે કે, આનંદ પુત્ર સ્વરૂપે મારી અધૂરી ઇચ્છાઓ તૃપ્ત કરવા આવી પહોંચ્યો છે. એની એ પ્રતીતિ શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને અંતે મનની દુવિધા દૂર થતાં ઉમા પુત્રને નવા સ્વરૂપે જોતી થાય છે. વાતાવરણમાંથી ઉકળાટનું ગાયબ થઈ જવું, વરસાદની સવારી અને ભીની માટીની સુગંધથી ઘર ભરાઈ જવું, જેવો બાહ્ય પરિવેશ ઉમાના આંતરિક પરિવર્તનનો સૂક્ષ્મ સંકેત બની રહે છે. ‘ઇદમપિ ગમિષ્યતિ’ બે મિત્રોના આંતરસંબંધની વાર્તા છે. શહેરમાં ઠાઠથી રહેવા ટેવાયેલો નાયક ધંધામાં ભયંકર મંદી આવી જતાં બાળપણના મિત્ર સાથે સુખદુઃખની વાત કરવાના આશયથી વતનમાં આવે છે. ભાભી પાસેથી મિત્ર બટુક મોટો તપસ્વી બની ગયાનું જાણી એની સાથેની મુલાકાત પછી બટુકે આપેલી દર ત્રણ કલાકે ખોલવાની ચાર પડીકીઓ નાયકના જીવનને અલગ દિશા અને દૃષ્ટિકોણ અર્પે છે. એમાંય ચોથી પડીકીમાં લખેલા સૂત્ર ‘ઇદમ્ અપિ ગમિષ્યતિ’માંથી નાયકને જીવનની સઘળી સમસ્યાઓનું સમાધાન સાંપડે છે. અલબત્ત, તીવ્ર સંઘર્ષમય ક્ષણોનો અભાવ તથા ધર્મ અને અધ્યાત્મની સાંકેતિક ભાષાના કારણે વાર્તા શિથિલ બની રહે છે. ‘બંધ ગળાનો કબજો’ સંગ્રહની અતિ મહત્ત્વની કહી શકાય તેવી વાર્તા છે. બાળપણથી દુઃખી બાલુભાઈ હંમેશાં બીમાર રહેતી કર્કશા પત્નીના સુખથી વંચિત નિવૃત્ત શિક્ષક છે. પત્ની અત્યારે લકવાગ્રસ્ત છે. સામેના ઘરવાળો સ્વાર્થી નારણ એક કાંકરે બે પક્ષી મારતો હોય એમ બાલુભાઈને પત્નીની સારવાર માટે લીલા નામની એક વિધવાને રાખવા પ્રેરે છે. પોતાની પત્ની કરતાં પણ વધારે ધ્યાન રાખતી લીલાની કામ પ્રત્યેની ધગશ અને સ્વભાવથી પ્રભાવિત થયેલા બાલુભાઈ એના તરફ આકર્ષણ અનુભવે છે. એના પ્રત્યેની અનુકંપા અને અનુરાગને લીધે જ પત્નીના અવસાન પછી પણ એને છૂટી કરતા નથી. શિયાળામાં ટાઢથી ઠરતી લીલાની એમને એટલી ચિંતા થાય છે કે, હરદ્વાર જતા એક મિત્ર પાસે બંધ ગળાનો ગરમ કબજો મંગાવે છે. નારણને બાલુભાઈના લીલા તરફના ખેંચાણની ખબર છે. બાલુભાઈને ચિંતા છે કે, ભોળી પારેવડી જેવી લીલાને દુષ્ટ નારણ ફસાવી દેશે તો? પરિણામે, તેઓ લીલાને આ વાતથી અવગત કરાવી પેલા કબજાની વાત કાઢે છે. લીલા કશી આનાકાની કરતી નથી. તેઓ લીલાના દેહને સ્પર્શી લે છે. પરંતુ, મનની ઇચ્છા એક બિલાડીને લીધે તત્કાલ પૂર્ણ થતી નથી. હાથવગું સુખ માણી ન શકવાની વાતે જાતને ધિક્કારતા બાલુભાઈ જુએ છે કે, લીલા પેલી બિલાડીને કચકચાવીને લાત મારી ભગાડી મૂકે છે. પછી પગ પછાડતી, બાલુભાઈ સામે નજર કર્યા વગર ચાલી નીકળે છે. બીજે દિવસે સવારે એને પેલો કબજો આપવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા બાલુભાઈ જુએ છે કે, ધીમી ચાલે આવેલી લીલા નારણના ઘરમાં પ્રવેશે છે. બાલુભાઈ નિરાશ થઈ રડી પડે છે. પણ બીજી જ ક્ષણે જોશથી સટાકો સંભળાય છે. જુએ છે તો લીલા નારણને જોરદાર લાફો મારી, સડસડાટ આ તરફ આવી રહી છે. એના ઘરમાં પ્રવેશવાની સાથે જ બાલુભાઈ બારણું બંધ કરી જુએ છે તો ધ્રૂજતી લીલાની છાતી પર નખના ઉઝરડા હતા. બાલુભાઈ ઓશિકા નીચેથી પેલો કબજો કાઢી લીલાની છાતી પર ઢાંકી દે છે. અને બન્ને એકબીજાને વળગી પડે છે. અહીં, ‘બંધ ગળાનો કબજો’ એ પરસ્પરની હૂંફ અને સંવેદનાનું પ્રતીક બની રહે છે. ‘બારી’માંથી પસાર થયા પછી કહેવાનું થાય કે, સંગ્રહની મોટાભાગની રચનાઓમાં વાર્તાકાર દીપક રાવલ ભૂતકાળ અને વર્તમાનની સહોપસ્થિતિ, સ્મૃતિવ્યાપાર, પાત્રોના આંતરજગતનું નિરૂપણ, ફ્લૅશબૅક વગેરે ટેક્નિક્સ અપનાવી વાર્તાને માર્મિક અને રોચક બનાવે છે. અલબત્ત, એમનાં પાત્રો અતિશય લાગણીશીલ, ભાવુક જણાય છે. આમ, જીવનની અનેક વિપદાઓ વચ્ચે શ્વસતાં સંવેદનશીલ મનુષ્યોના જીવનની વિવિધ વૃત્તિઓનું માનવસહજ આલેખન એ દીપક રાવલનો વિશેષ છે.
દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email : dasharth.parmar૦૨@gmail.com