ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દશરથ પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર : દશરથ પરમાર

આશકા પંડ્યા

Dasharath Parmar.jpg

વાર્તાસંગ્રહો :

૧. પારખું (ઈ. ૨૦૦૧)
૨. બે ઈ-મેઈલ અને સરગવો (ઈ. ૨૦૧૩)
૩. દરબારગઢની બીજી મુલાકાત (ઈ. ૨૦૨૩)

સર્જક પરિચય :

વાર્તાકાર, વિવેચક અને સંપાદક દશરથ પરમારનો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૬૭ના રોજ વડનગર તાલુકાના પીંપળદર ગામમાં. માતાનું નામ ચંચળબહેન અને પિતાનું નામ કરશનલાલ. એમ.કૉમ. સુધીનો અભ્યાસ અને એલ.આઈ.સી.માં આઈ.ટી. વિભાગમાં અધિકારી. સાહિત્ય પ્રત્યેના લગાવને કારણે નોકરી દરમિયાન ગુજરાતી સાહિત્ય સાથે બી.એ. અને એમ.એ. કર્યું. તેમની પાસેથી ‘પારખું’, ‘બે ઈ-મેઈલ અને સરગવો’ તથા ‘દરબારગઢની બીજી મુલાકાત’ આ ત્રણ વાર્તાસંગ્રહો મળે છે. ‘મોહન પરમાર અધ્યયન ગ્રંથ ભાગ-૨’નું સંપાદન તેમણે કર્યું છે. તેમના વ્યક્તિત્વવિકાસમાં તેમના દાદા કાળીદાસ ખેમચંદનો ફાળો અગત્યનો છે. દાદાની સામેવાળાને પોતાની વાત ગળે ઉતારી દેવાની આવડત વાર્તાલેખનમાં ઉપયોગી થઈ હોવાનું તેઓ માને છે. શાળાજીવન દરમિયાન કરેલાં કડિયાકામ અને ખેતમજૂરી, ખુલ્લાં ખેતરો-સીમ, વગડો, પશુપક્ષી, વનસ્પતિ આદિનો સંગ, ગ્રામજીવનના અનુભવો અને પુસ્તકોના વાચને આ સર્જકના સંવેદનવિશ્વને ખાતર-પાણી પૂરું પાડ્યું. તેમની વાર્તાઓના હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. ‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ (ઈ. ૨૦૧૩), ‘કલાગુર્જરી, મુંબઈનું પારિતોષિક (ઈ. ૨૦૨૧), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર (ઈ. ૨૦૧૩), ‘શ્રી રમણ પાઠક ‘વાચસ્પતિ’ પારિતોષિક’, ‘શ્રી મહેન્દ્ર ભગત ટૂંકીવાર્તા પુરસ્કાર’, ‘શ્રી રતિલાલ ચંદરિયા મેમોરિયલ ઍવૉર્ડ’ જેવા અનેક પારિતોષિકોથી સન્માનિત આ સર્જકની રચનાઓ પર ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓએ એમ.ફિલ. અને પીએચ.ડી. કર્યું છે.

કૃતિ પરિચય : ૧. ‘પારખું’ (ઈ. ૨૦૦૧)

Parkhum by Dasharath Parmar - Book Cover.jpg

‘પારખું’ સંગ્રહમાં ૨૧ વાર્તા (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સર્જકે સંગ્રહ ‘પૂજ્ય બુન-બાપા’ને અર્પણ કર્યો છે. મણિલાલ હ. પટેલે ‘વાર્તા અને જીવનની સંનિધિ’ શીર્ષકથી તેની પ્રસ્તાવના લખી છે. સર્જક નિવેદનમાં નોંધે છે, ‘ગ્રામ્ય જીવનના વસવાટનાં વર્ષોએ મારું સંવેદન-વિશ્વ ઘડ્યું છે, એટલે તળના લોકોની સંવેદનાનું આલેખન થાય એ સહજ, સ્વાભાવિક છે. આ ક્ષણે અલબત્ત, હું મને સમયનાં બે બિંદુઓ પર ઊભેલો પણ જોઈ રહ્યો છું. ખરા બપોરે ને ખુલ્લા વગડે કાળી મજૂરી કરતી કાયા અને ઍરકન્ડીશન્ડ ઑફિસમાં કૉમ્પ્યુટરના કી-બોર્ડ પર ફરતી આંગળીઓ – આ બે અંતિમો વચ્ચે શ્વસતા વાર્તાકારને શોધીને એક સમતલ ભૂમિ પર મૂકવાનો મારે સતત પ્રયત્ન કરવો પડે છે!’ સંગ્રહની ૨૧ પૈકી ‘ચૂવા’, ‘રમત’, ‘પાટ’, ‘ગીધાનુભૂતિ’, ‘ખેંચાણ’, ‘સાંધણી’ અને ‘સંતાપ’ – આ સાત સિવાયની ચૌદ વાર્તાઓ ક્યાંકને ક્યાંક અને કોઈકને કોઈક રીતે સ્ત્રી-પુરુષ સંબંધને સ્પર્શે છે. ‘ત્રીજું ઘર’, ‘મુસાફરી’, ‘સંતાપ’ અને ‘આઠમું નોરતું’ જેવી વાર્તાઓમાં આ સંબંધની પુરુષના દૃષ્ટિકોણથી રજૂઆત થઈ છે. ‘અંધારું’, ‘ગંધ’, ‘અભરખો’, ‘ઉકેલ’, ‘ઊંઘ’, ‘થપ્પો’, ‘છૂટકારો’, ‘થેપડો’, ‘જોડાજોડ’, ‘જાકારો’ અને ‘પારખું’ – આ વાર્તાઓ સ્ત્રીના દૃષ્ટિકોણથી સ્ત્રીનાં જાતીય સંવેદનોને, તેના અનેક કોણને આલેખે છે. સંગ્રહનાં સ્ત્રીપાત્રો ગામડાનાં છે. તેમાંય ઘણાંખરાં નિમ્ન વર્ગનાં છે. હસુબેન, સુધા, શારદા જેવાં નારીપાત્રોને બાદ કરતાં અન્ય સ્ત્રીપાત્રો વિશેષ ભણેલાં નથી. અહીં પુરુષો દારૂ પીવે છે. અનેક સ્ત્રીઓ સાથે સંબંધો રાખે છે. નાતરિયા વર્ણના હોઈ એકથી વધુ લગ્ન કરે છે. તેમના વાડામાં ભેંસ, પાડાઓ, ભૂંડ વગેરે ફરે છે. અહીં પન્નાલાલની રચનાઓમાં જોવા મળતી રમણીય પ્રકૃતિ, ખેતરો, મેળા, સામસામે ગવાતા દુહા કે લોકગીતો નથી. દશરથ પરમાર તો બળબળતાં ઉનાળામાં આ બંધિયાર પરિવેશમાં ગૂંગળાતી, મૂંઝાતી, દાઝતી નારીના હૈયાની વાત કરે છે. પરિવેશનો આ ભેદ સમજ્યા વિના સંકુચિત ગ્રામસમાજ અને તેની અદૃશ્ય જાળથી બંધાયેલાં આ સ્ત્રીપાત્રોને સમજી ન શકાય. ‘અંધારું’ની ચંપા ને મંજુ, ‘ગંધ’ની કમળા ને કાંતા, ‘અભરખો’ની હસુ, ‘ઉકેલ’ની સોમી ને વજી, ‘ઊંઘ’ની સુધા, ‘થપ્પો’ની કૈલાસ ને તેની મા, ‘છૂટકારો’ની અંબા, ‘થેપડો’ની રમલી, ‘જોડાજોડ’ની અંતરકુંવર, ‘જાકારો’ની વિલાસકુંવર તથા ‘પારખું’ની પુષ્પા – આ બધી સ્ત્રીઓની જાતીયવૃત્તિ, ઈર્ષ્યા, મમત્વ, ફેન્ટસી, ભોળપણ, અપરાધબોધ, માતૃત્વ, તિરસ્કાર જેવી વૃત્તિઓને સ્ત્રીના દૃષ્ટિકોણથી સર્જક આલેખે છે. હસુ શિક્ષિકા છે. અંતરકુંવર ને વિલાસકુંવર દરબાર છે. સુધા શિક્ષિત છે. સોમી, વજી, કાંતા, કમળા, અંબા નિમ્નવર્ગની છે. કૈલાસ ને રમલી યુવાનીના ઉંબરે ડગ માંડતી સ્વપ્નિલ મુગ્ધાઓ છે. અંબા પિતાની સામે પોતાની તીવ્ર જાતીયવૃત્તિઓની વાત કહી ન શકતાં પીડાય છે. આ માત્ર બાહ્ય વૈવિધ્ય નથી પણ સર્જક આ સ્ત્રીઓના અંતરમાં ભાવકને લઈ જાય છે. તેથી મણિલાલ પટેલનું આ વિધાન યોગ્ય છે. ‘દશરથ પરમારની વાર્તાઓમાં નારીસંવેદનાનું આલેખન ધ્યાનપાત્ર છે. નારીની વ્યથાકથા તરફ એમનો પક્ષપાત છે.’ (પૃ. ૧૧) ‘ગંધ’માં કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે. એકવાર નાનાભાઈ હરજીવનની ત્યક્તા કમળાને સ્નાન કરતી જોઈ ગયા બાદ તેના તરફ તીવ્ર કામના અનુભવતો મોટોભાઈ મનસુખ પોતાની પત્ની કાંતાને કમળાની સાડી પહેરેલી જુએ કે તરત તેના મનમાં કમળા રમવા લાગે પરંતુ સામાજિક સંરચના મુજબ આ અયોગ્ય છે એમ સમજતો મનસુખ અચકાય. પત્ની કાંતાને કમળાની સાડીમાં જોઈ કલ્પનામાં ખોવાઈ જતો મનસુખ દીવો ‘રાણો’ કરીને ઘણાં લાંબા સમય બાદ કાંતા સાથે સંબંધ બાંધે ત્યાં વાર્તા પૂરી થાય છે. આરંભે કંતાઈ ગયેલા દેહવાળી કાંતાના શરીર પર કમળાની સાડી જોઈને મનસુખ બરાડે, ‘એટલી વાર ના પાડ્યું સઅ કઅ તારઅ નેંનીના હાલ્લા ના પે’રવા તોય હાળી બૈરાંની જાત.’ (પૃ. ૪૪) કાંતા મનસુખની આ વૃત્તિ જાણે છે કે કેમ એ વાત સર્જકે અધ્યાહાર રાખીને કલાકીય સંયમ જાળવ્યો છે. મનસુખની ફેન્ટસી કાંતા માટે સુખદ સાબિત થાય છે. અંતે તૃપ્ત થયેલી કાંતા મારકણી આંખે મનસુખને તાકતી બબડે છે, ‘ઘણા દા’ડે આજ ઉતાવળ આઈ જી સઅ...’ (પૃ. ૪૯) પ્રથમ દૃષ્ટિએ મનસુખની ફેન્ટસી અને જાતીયવૃત્તિની લાગતી આ વાર્તામાં એક જ લસરકામાં કાંતાની ફેન્ટસી અને જાતીય વૃત્તિને સંયમિત રીતે દર્શાવીને સર્જકે કમાલ કરી છે. ‘ઊંઘ’ વાર્તામાં સર્જક સુધાના પાત્ર દ્વારા લાગણીના મુદ્દે થતા નારીના શોષણને રજૂ કરે છે. સુધાનો પતિ વિનાયક જાણીતો સાહિત્યકાર છે. ક્લબમાં પ્રથમ પ્રેમ વિશે વાત કરતાં વિનાયક જે બોલે છે તે સાંભળીને સુધા આઘાત પામે છે. ‘મેં મારી પ્રેયસીનું મારી પત્નીમાં આરોપણ કરીને મારા મનનું સમાધાન શોધી લીધું છે અને મારે નિખાલસપણે કબૂલવું જ રહ્યું કે આજેય એ મારા સર્જનમાં પ્રેરકબળ બનીને સતત મારા પડખે ઊભી છે ને એટલે તો હું લખું છું.’ (પૃ. ૮૮) ‘નિખાલસપણું’ આ શબ્દ સુધાના દૃષ્ટિકોણથી જોઈએ તો અણીદાર ભાલા જેવો હૃદયભેદક બની રહે છે. ચાળીસીમાં પહોંચેલી સુધાએ પોતાનું આખું જીવન વિનાયક પાછળ સમર્પિત કરી દીધું હતું. વિનાયકની ચોક્કસ રંગના કપડાં પહેરવાં કે અમુક ઢબના વાળ ઓળવાની તેની સાથેની ચેષ્ટા પાછળ તેનો પ્રેમ રહેલો છે એમ સુધા માનતી રહી છે, પરંતુ આટલાં વર્ષો બાદ જાહેરમાં વિનાયક પોતાના પ્રથમ પ્રેમ વિશે વાત કરે છે ત્યારે સુધાનો ભ્રમ ભાંગે છે. વિનાયકની પર્સોના સાચી માની વર્ષો સુધી પોતે છેતરાયાનો ભાવ અનુભવતી સુધાને રાત્રે ઊંઘ આવતી નથી. સ્ત્રી-પુરુષ સંબંધમાં શારીરિક-માનસિક ત્રાસ, જાતીય શોષણ જેવી બાબતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સર્જક આ વાર્તામાં જે સંવેદન રજૂ કરે છે તે બહુ સૂક્ષ્મ છે. એક સ્ત્રી પર અન્ય સ્ત્રીનું આરોપણ કરી તેને જે છે તે ન રહેવા દેવી. વિનાયકે સુધાને તેની પ્રેમિકા ભાવનાની પ્રતિકૃતિ બનાવી દીધી છે. જાહેરમાં વિનાયકના આ કપટને લોકો તાળીઓથી વધાવે છે. સત્ય જાણ્યા પછી સુધા મોટા દીકરા પાસે જવાનું નક્કી કરી લે છે. ‘અંધારું’ વાર્તામાં ઘટના ફક્ત એક રાતની છે. નિઃસંતાન પત્ની અને સંતાન માટે બીજા લગ્ન કરતો પતિ, પરિણામે થતી પહેલી પત્નીની દશા – એ જાણીતું કથાનક છે. સર્જક આ જાણીતા કથાવસ્તુને એક નવો જ વળાંક આપી દે છે. તેમણે બીજી પત્નીના દૃષ્ટિકોણથી આખી વાત મૂકી આપી છે. મંજુ બળદેવની ત્યક્તા છે. ચંપા ધનજીની પત્ની છે. નિઃસંતાન ચંપા બધાંની વિરુદ્ધ જઈને ધનજીનાં બીજાં લગ્ન મંજુ સાથે કરાવે છે. મંજુ પણ ચંપાને ભગવાનસમી માને છે, પણ ચંપાને જ્યારે મંજુ ગર્ભવતી છે એ વાતની ખબર પડે છે ત્યાંથી એનું મંજુ સાથેનું વર્તન બદલાઈ જાય છે. આ ખુશીના સમાચાર મંજુ ચંપાને કહેવા ઉતાવળી બને છે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. ચંપા ગમે તે રીતે મંજુથી અળગી રહે છે. વાર્તાનો પરિવેશ ગામડાનો છે. નાતરિયા વર્ણમાં મંજુની ફારગતિની વાત છાની ન જ રહી શકે. ચંપા જો ધનજીના ઘરનો દીવો બળતો રાખવા માંગતી હોય તો મંજુ સાથે તેના લગ્ન ન જ કરાવે. તો પ્રશ્ન થાય કે ચંપાએ આમ શા માટે કર્યું? ચંપા અનુભવી હોવાથી જાણે છે કે ધનજીને તે બીજા લગ્ન કરતાં નહીં રોકી શકે. તેથી ગામડાની અભણ લાગતી આ બાઈ ધનજીનાં સામે ચાલીને લગ્ન કરાવે પણ કન્યા એવી પસંદ કરે જેે મા ન બની શકવાને કારણે છૂટાછેડા મળ્યા હોય. ચંપાને આત્મવિશ્વાસ છે કે મંજુ મા નહીં બની શકે તેથી તેનો દબદબો યથાવત રહેશે. આથી તેનું ચિત્ત મંજુ સાથે પ્રતિક્રિયા રચના કરી તેના પર હેત રાખતી હોય તેવું વર્તે છે. વાર્તાનો અંત વિસ્ફોટક છે. મંજુને જ્યારે ચંપાના મનોભાવ સમજાય છે ત્યારે તે ભીતરથી ફફડી ઊઠે છે. અહીં ‘અંધારું’ ચંપાના અચેતન મનમાં રહેલા દુરિતને વ્યક્ત કરે છે. બીજી તરફ તે મંજુના મનમાં જન્મેલા ભયને રજૂ કરે છે. ‘ઉકેલ’ વાર્તાની વજીની ઇચ્છા સોમીનાં લગ્ન પોતાના ભાઈ જેહાજી સાથે થાય તેવી છે. જેહાજી દારૂ વેચવાનો ધંધો કરતો હોઈ સોમી તેની સાથેની સગાઈ તોડી નાંખે છે. એ વાતે વજી સોમીને પોતાની દુશ્મન માની લે છે. વાર્તાના આરંભથી અંત સુધી વજી સોમીને ગાળો ભાંડતી જોવા મળે છે. તે સોમીની એકેએક ગતિવિધિ પર નજર રાખે છે. સોમીના ભેમાજી જોડેના ઝઘડા, રાતના ઉજાગરા, સોમીની અધૂરી જાતીય ઇચ્છાઓ, તેની માતૃત્વની ઝંખના. એટલું જ નહીં, સોમી રજસ્વલા થઈ કે નહીં એ માટે વરગણી પર સૂકવેલાં કપડાં પરના લોહીના ડાઘ પણ વજીની નજર બહાર નથી. માનસશાસ્ત્રીય દૃષ્ટિએ વજીની આ ચેષ્ટાઓ તપાસીએ તો એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે વજી સોમીને સ્નેહ કરે છે. સોમીનું દુઃખ તે જોઈ શકતી નથી, પરંતુ બતાવે છે જુદું. વજીની સોમી માટેની લાગણી માત્ર એક પ્રસંગે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અંધારી રાતે ભેમાજીના પગ પકડીને સોમી તેની પાસે એક બાળકની ઝંખના કરતી હોય છે. જવાબમાં ભેમાજી તેને કહે છે, છોકરા જણવાની એટલી જ ઇચ્છા હોય તો વાસમાં ઘણા જવાનિયા છે. આ સંવાદ સાંભળીને વજી અકળાઈ જાય છે. ‘પીટ્યા રાંડવા! તારમં પાંણી નહીં નં બાપડીનં ઈનો ધરમ સુકાવ સઅં?’ (પૃ. ૭૯) માનસશાસ્ત્રીય દૃષ્ટિએ વજીના પાત્રને જોઈએ તો નારીમનનું નવું જ પરિમાણ જોવા મળે છે. વાર્તાના આરંભે વજીના સંતાનોને સોમી ગાંઠના પૈસે બરફના ગોળા ખવડાવતી જોવા મળે છે. સોમીની માતૃત્વની ઝંખના તો એ પ્રસંગે પ્રગટ થઈ જાય છે. બીજી તરફ વજીને પોતાના ભાઈની નપુંસકતા અને ભાભીના નિઃસાસા પણ ખબર છે. આથી વજીના ચિત્તમાં આ બંને સ્ત્રીઓના દુઃખની સેળભેળ થયાં કરે છે. સોમી ભેમાજી વિના ચલાવી લેવા તૈયાર છે જો એક બાળક તેને મળી જાય તો. સોમીની આ છેલ્લી રાત છે. બીજા દિવસે તે ઘર છોડી ચાલી નીકળવાની છે. તેની પીડાની સાક્ષી વજી સામે ચાલીને રાત્રે દારૂ પીને આવેલા ચેહરજી પાસે સોમીને ધકેલી દે છે. ત્યાં તેના મોઢા પર કઈંક સારું કર્યાનો ભાવ છે. ઉચ્ચ વર્ગના નૈતિક ધોરણ મુજબ આ બાબત વ્યભિચાર લાગે, પરંતુ જ્યારે એક નારીના દૃષ્ટિકોણથી જોઈએ તો વજીની દરિયાદિલીને સમજી શકાય. ઉપલક નજરે આ વાર્તા માત્ર સ્ત્રીના આવેગની લાગે, પરંતુ લેખકે આખી વાર્તા વજીની આંખે રજૂ કરી છે એ વાત ધ્યાનમાં લઈએ તો જ વાર્તાનું રહસ્ય પામી શકાય. ‘થપ્પો’, ‘થેપડો’ અને ‘છૂટકારો’ – આ ત્રણ વાર્તાઓની નાયિકાઓ અનુક્રમે કૈલાસ, રમલી અને અંબા એક જ કુળની જણાય છે. ‘થપ્પો’ અને ‘છૂટકારો’માં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. જ્યારે ‘થેપડો’ નાયિકા રમલીના મુખે કહેવાય છે. ત્રણેય નાયિકાઓ યુવાનીના ઉંબરે ઊભી છે. કૈલાસના પિતા નથી. તેમણે મા-દીકરી બંનેને ત્યજી દીધેલાં. અંબા અને રમલીની મા નથી. કૈલાસ બાળપણના ભેરુ અમરતને ચાહે છે. અમરતને પણ કૈલાસ ગમે છે, પરંતુ તેનાં લગ્ન સાથે ભણતી દક્ષા સાથે થાય છે. અમરત દક્ષાને પરણીને ગામમાં આવે છે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. કૈલાસની બા દીકરીની લાગણીઓ જાણે છે પણ ઇચ્છતી નથી કે તે દુઃખી થાય. તે રડતી કૈલાસની પીઠ પસવારતાં કહે છે, ‘મું તારા મનની બધીય પીડાઓ જાણું સું, બુન! તી કોઈ દન કીધું ન’તું, પણ મનં ખબેર્ય સઅ કઅ તારો જીવ અમરત હંગાથ મળી જ્યો સઅ... પણ આપણી વૈણ્યનં તું ઓળખતી નહીં. એ તને હખેથી જીવવા ના ડ્યોત.’ (પૃ. ૯૮) અત્યાર સુધી કોઈ પોતાના પ્રેમને સમજતું નથી એ વાતે દુઃખી કૈલાસ બા તેના હૃદયની વાત સમજે છે એ જાણી હળવી થઈ જાય છે. આ વાર્તામાં કૈલાસ અને તેની બા વચ્ચે ‘સિસ્ટરહુડ’ જોવા મળે છે. ‘થપ્પો’ વાર્તા એક કોડીલી સ્વપ્નિલ કન્યાના પ્રથમ પ્રણય ભંગ અને તેમાંથી બહાર નીકળવાની ક્ષણને આલેખે છે. ‘થેપડો’ની રમલીનો પ્રશ્ન કૈલાસ કરતાં વધારે વિકટ છે. રમલીનાં લગ્ન અમદાવાદ કૉલેજમાં ભણતા તેની જ્ઞાતિના એક છોકરા સાથે થાય છે. લગ્ન બાદ ફિલ્મ જોવા ગયેલી રમલી નાયિકાના દુઃખને સાચું માની રડવા લાગે છે. તેનો વર તેને સમજાવે છે કે આ એક કાલ્પનિક વાર્તા છે. રમલીને અણસાર પણ આવતો નથી કે લગ્નના સાત દિવસ પછી તેનો વર તે ભણેલી નથી એ વાતે તેને છોડી દેશે. આણા વખતે તે રમલીને તેડાવતો નથી અને સાથે ભણતી એક યુવતી સાથે ભાગીને લગ્ન કરી લે છે. સામાજિક સંરચના મુજબ સાત જ દિવસમાં પતિએ કરેલો ત્યાગ રમલીના માથે કલંક લગાડી દે છે. વાર્તાના અંતે ભાંગેલા થેપડાની જેમ ભાંગેલા હૈયાવાળી રમલીના મુખમાંથી શબ્દો સરી પડે છે, ‘ફટ ભૂંડા! તારઅ ભણેલી જ બાયડી જોઈતી’તી તો તે રાત્યે જ ભહવું તું. રામાંપીરના હમ્મ! આંશ્ય ઊંચી કરીનં તારા હાંમુ ના જોવાંત... પણ આમ અધવચ્ચ...’ (પૃ. ૧૩૪) સામાજિક સંરચના મુજબ જોઈએ તો રમલી અભણ હોવાથી તેનાં લગ્ન તૂટ્યાં એવો જવાબ મળી રહે, પરંતુ રમલી ઓછું ભણી છે એ વાત તેને મેળામાં મળ્યા પછી તેનો ભાવિ પતિ જાણી જ ચૂક્યો હોય. આથી લગ્ન કર્યા બાદ સાત સાત દિવસ તેની જોડે હરવું-ફરવું અને સંબંધ બાંધવો ત્યાર બાદ તેને તરછોડવી. અહીં તેના વરની ક્રૂરતા જોવા મળે છે. એક કુંવારી યુવતીનાં સ્વપ્નો તૂટ્યાંની કથા એટલે ‘થેપડો’ વાર્તા. ‘થેપડો’ એ માટીમાંથી બનાવવામાં આવતું અનાજની કોઠી ઢાંકવાનું પાત્ર છે, એમાં તિરાડ પડે તો સાંધી ન શકાય. અહીં થેપડો રમલીના ભગ્ન હૃદયનું પ્રતીક બને છે. ‘છૂટકારો’ની અંબા આખા સંગ્રહમાં જુદી તરી આવતી નાયિકા છે. આ વાર્તાને નારીની સીધેસીધી જાતીય ઝંખનાની વાર્તા કહી શકાય. અંબાનાં લગ્ન અમરત સાથે થયાં હતાં. અઢાર-અઢાર વર્ષ સુધી કોઈ પુરુષ જોડે જાતીય સંબંધ ન બાંધનારી અંબા લગ્ન પછી પતિ સાથે ભરપૂર જાતીય સુખ માણવાના સ્વપ્નાં જોતી હોય છે, પરંતુ લગ્નની પહેલી જ રાતે તેનું આ સ્વપ્ન તૂટી જાય છે. દશરથ પરમારે આ વાર્તામાં જે વિષયને આલેખ્યો છે તેમાં અશ્લીલતામાં સરી જવાનો ભય છે, પરંતુ સર્જકની તટસ્થતાને લીધે આમ બનતું નથી. અંબાના અદમ્ય જાતીય આવેગ અને તેની પતિ જોડે ઝંખના અધૂરી રહેતાં અંબાની જે અવદશા થાય છે તેનું વર્ણન કરતાં સર્જક લખે છે, ‘કેટલાય વખતથી માંયલીકોર કશુંક અંગારા જેવું દઝાડી મેલતું હતું. કાંક આળસ મરડીને ઊભું થતું હતું. અંબા એને ધારે તોય રોકી-ઠારી શકે તેમ નહોતી.’ (પૃ. ૧૧૮) છૂટાછેડા થયા પછી પરત ફરેલી અંબા પર તેના પિતા વસ્તાનું ધ્યાન નથી. વાર્તાની સંરચના સમજવા જેવી છે. બેશરમ અંબાની વૃત્તિઓ જાણી વસ્તો ગુસ્સે થાય છે. તેમાંય અંબુડો પાડો ભેંસ સાથે સંબંધ બાંધતો નથી અને ગ્રાહક પાછું જાય છે. દીકરી પરનો ક્રોધ અંબુડા પર ઊતરે છે. અંબા પણ જાણે છે કે પિતા જોઈ ગયા છે. સર્જક કુશળતાપૂર્વક બાપ-દીકરી વચ્ચેના શરમના પડદાને જાળવી રાખે છે. વસ્તાને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાય એ રીતે વાર્તા આગળ વધે છે. આરંભે વસ્તાનો ક્રોધ અને અંતે વસ્તાની સમજદારી એ બે બિંદુએ વાર્તા વિસ્તરે છે. અંબા પરનો આક્રોશ, નપુંસક જમાઈ મળ્યાનું દુઃખ, કપરા સમયમાં પત્ની પાની નથી એ વાતની પીડા, અંબુડો પણ કમાણી કરી આપવા સક્ષમ નથી એ વાસ્તવિકતા અને સૌથી ઉપર બાપ તરીકે દીકરીની પરિસ્થિતિ ન સમજી શક્યાનો વસવસો – આ બધું જ આરંભના અંબુડાના પ્રસંગ વડે સર્જકે દર્શાવ્યું છે. આ દૃષ્ટિએ વસ્તાનું પાત્ર ધ્યાન ખેંચે છે. પિતા-પુત્રીના સંબંધની જુદા પ્રકારની આ વાર્તા છે. ‘અભરખો’ની હસુબેન, ‘જોડાજોડ’ની અંતરકુંવર અને ‘જાકારો’ની વિલાસકુંવર – આ ત્રણેય સ્ત્રીઓની વય મોટી છે. ‘અભરખો’ વાર્તા શિક્ષિકા તરીકે નોકરી કરતી હસુ બસમાંથી ઊતરે છે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. બીજા દિવસથી શાળામાં વૅકેશન પડવાનું છે પણ હસુબેન પોતાની સાથે નોકરી કરતા, વયમાં નાના રાહુલ જોડે શામળજીના ગેસ્ટ હાઉસમાં જવાનાં છે. ઘરે આવેલી હસુને બે સ્વપ્નો આવે છે. બીજા દિવસે તે જવાનું માંડી વાળે છે. એના બદલે પતિ ધનજીને મંડળીમાંથી લોન લઈ સ્કૂટર ખરીદવાનું કહે છે અને રજાઓ પછી રોજ લેવા-મૂકવા આવવાનું કહે છે. ધનજી હસી પડે છે. જવાબમાં લટકું કરીને હસુ કહે છે, ‘મારો આટલોય અભરખો પૂરો નીં કરો?’ આ વાર્તા પહેલી નજરે સહજપણે ચાળીસીમાં પ્રવેશ્યા પછી સ્ત્રી પોતાનાથી વયમાં નાના પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે એ વાતને રજૂ કરતી લાગે. હસુના લગ્નને પંદર વર્ષ થઈ ગયાં છે. પતિ ધનજી નમાલો છે, કમાતો નથી. વળી, દેખાવે આકર્ષક નથી. હસુ નિઃસંતાન છે. ટૂંકમાં કહીએ તો ધનજી આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક એકેય રીતે હસુને સંતુષ્ટ કરી શકે તેમ નથી. છતાં હસુ રાહુલની સાથે જવાનું ટાળે તો નવાઈ લાગે, પરંતુ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ હસુને જોનાર સુજ્ઞ ભાવક વાર્તાના આરંભે પામી જાય કે હસુ રાહુલ જોડે નહીં જાય. હસુની એડલર કથિત જીવન-રીતિમાં આ બાબત જોવા મળે છે. હસુ વિધવા માની સૌથી મોટી દીકરી છે. પાછળ ત્રણ બહેનો છે. માએ સંઘર્ષ કરીને તેને ભણાવી હોય છે. માંડ અઢાર-ઓગણીસ વર્ષની વયે હસુ પોતાના જાતીય આવેગને વશ થઈ તખુજી દરબાર જોડે સંબંધ બાંધી બેસે છે. નાતમાં વગોવણી થાય તે પહેલાં હસુની મા ચેતી જાય છે અને તેને ધનજી જોડે પરણાવી દે છે. લગ્ન બાદ હસુ ધનજીમાં મન પરોવી દે છે. ધનજી હાઇવે પર પચાસ-સાઠની સ્પીડે સ્કૂટર ભગાવતો અને એની કમરે હાથ વીંટાળી બેઠેલી હસુ હવામાં ઊડતી હોય તેમ હરખાતી. એડલર જેને જીવન-રીતિ કહે છે તે મુજબ હસુ માની શિખામણ સ્વીકારે છે. તખુજી સાથે સંબંધથી જોડાઈ હોવા છતાં નાની બહેનોનો વિચાર કરીને હસુ જાતને વાળી લે છે. ધનજી સાથે તે સ્કૂટર પર ફરીને પણ ખુશ રહી શકે છે. હસુ મુશ્કેલીઓથી દૂર ભાગતી જોવા મળતી નથી. આવેગથી કોઈ પગલું ભરતી નથી. તો પછી પ્રશ્ન થાય કે બુદ્ધિશાળી ને કહ્યાગરી હસુ તખુજી સાથે શા માટે જોડાઈ? રાહુલ તરફ શા માટે આકર્ષાઈ? સર્જક નારીમનના જાણકાર છે. સાથે જ માનવમનનાં રહસ્યોને પણ સમજે છે. હસુમાં રહેલી બે હસુ તેમણે સહજ રીતે વાર્તામાં મૂકી આપી છે. હસુનો ઉછેર ગરીબ પરિવારમાં થયો છે. વિધવા માની મુશ્કેલીઓ અને અપેક્ષાઓ નાનકડી, નિર્દોષ હસુને અકાળે મોટી બનાવી દે છે. પરિસ્થિતિવશ વહેલી પરિપક્વ બની ગયેલી હસુને કિશોરી હસુનો ભોગ આપવો પડે છે. એક કિશોરી તરીકેની ઇચ્છાઓને, સંવેદનાઓને દબાવવી પડે છે. આ દબાણ સહન ન કરી શકતાં તે તખુજી જોડે જોડાઈ જાય છે. લગ્ન બાદ આરંભનો સુખી તબક્કો વીત્યા બાદ હસુને પતિની શારીરિક ખામીની જાણ થાય છે. નિઃસંતાન હોવાનું દુઃખ જાણે ઓછું હોય તેમ ધનજી દારૂના રવાડે ચઢી જાય. મહુડાની ગંધ, ઉજાગરા, નળિયાં તાકતાં પડી રહેવું – ઇત્યાદિ હસુની સ્ત્રીસહજ જાતીયવૃત્તિ અને તેની અતૃપ્તિ તરફ સંકેત કરે છે. આવી અસંખ્ય રાતો ને દિવસો પસાર થયા પછી અચાનક રાહુલ સાથેનો મેળાપ પંદર-પંદર વર્ષથી કોરી હસુની અંદરની પેલી કિશોરીને જાગૃત કરી દે છે. વાર્તાના અંતે હસુની સ્વ-નિરીક્ષણની વૃત્તિ તેનાં બે સ્વપ્નો રૂપે પ્રગટ થાય છે. પરિપક્વ હસુ – જે બાળપણથી વાસ્તવિકતાને જોવા, સમજવા અને સ્વીકારવા ટેવાયેલી છે – તે હસુ સમજી જાય છે કે રાહુલને માત્ર તેના શરીરમાં જ રસ છે. રાહુલ તેની જોડે લાગણીથી જોડાયેલો નથી. વળી, પોતે પણ માત્ર જાતીયવૃત્તિથી રાહુલ તરફ દોરવાઈ છે. જેથી કોઈ નવી યુવતી રાહુલને મળશે કે તરત તે પ્રૌઢ હસુને છોડી દેશે. મનોવિજ્ઞાન જેને ઊર્ધ્વીકરણ કહીને ઓળખાવે છે એ પ્રયુક્તિનો આશ્રય હસુનો અહમ્‌ લે છે. આ ઊર્ધ્વીકરણ એટલે ધનજીની કમરે હાથ વીંટાળી સ્કૂટર પાછળ બેસવું. એટલે ‘અભરખો’ વાર્તા ખરેખર તો એક સ્ત્રીના તીવ્ર મનોમંથનની ક્ષણને નિરુપતી વાર્તા બની રહે છે. ‘જોડાજોડ’ની અંતરકુંવર અને ‘જાકારો’ની વિલાસકુંવર બંનેમાં અધિ-અહમ્‌નું પ્રાબલ્ય વધારે છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘જોડાજોડ’ વાર્તામાં મા ન બની શકવાની વાતે દોલતસિંહ અંતરકુંવરને ત્યજીને બીજાં લગ્ન કરે છે. લગ્નના એકાદ વર્ષ પછી દોલતસિંહને ખ્યાલ આવી જાય છે કે ખામી તેનામાં છે. દરબાર પોતાની સાથે આવવા અંતરકુંવરને મનાવે છે, પરંતુ તે ના પડે છે. દરબારના મૃત્યુ પછી તેની વિધવા તરીકે પૂરેપૂરો મલાજો જાળવીને તે જીવતી હોય છે. શાળાનો શિક્ષક તેની બાજુમાં રહેવા આવે છે. બંને ખેંચાણ અનુભવે છે. અંતે બંને ગામથી દૂર ચાલી નીકળે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સર્જકે અંતરકુંવરના દૈહિક આકર્ષણને સૂચવતા બે-ત્રણ સંકેતો મૂક્યા છે, પરંતુ જેમ વાર્તા આગળ વધે તેમ એક વિધવા સ્ત્રીને મોટી વયે મળતા સાચા પ્રેમની કથા જણાય. નિઃસંતાન, વિધવા, એકલતા વેંઢારતી, ખાલીપો અનુભવતી એક માની પ્રૌઢ સ્ત્રીને મોટી ઉંમરે સાચો સ્નેહ મળે ત્યારે શું અનુભવે તેની પ્રતીતિ સર્જકે અંતરકુંવરના પાત્ર વડે કરાવી છે. ‘જાકારો’ સંગ્રહની વિશિષ્ટ વાર્તા છે. વિલાસકુંવર પણ અંતરકુંવરની જેમ અધિ-અહમ્‌નું પ્રાબલ્ય ધરાવતી નારી છે. વાર્તામાં પ્રમુખ ઘટના જોઈએ તો દરબાર ભૂપતસિંહે આપેલ મોતી નામનો કૂતરો તેની પાસે આવતી કૂતરીથી દૂર ખસવા લાગે છે. આ જોઈ ગુસ્સે થયેલી વિલાસકુંવર મોતીને જોરથી લાત મારી, બારણું પછાડી અંદર ચાલી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. લગ્નની પહેલી રાતે વિલાસ ભૂપતસિંહ સામે લગ્નપૂર્વેના ભવાનસિંહ સાથેના શારીરિક સંબંધની કબૂલાત કરી દે છે. અકળાયેલો ભૂપત તેનો ત્યાગ કરે. ભૂપત આજે નહીં તો કાલે માનશે એમ વિચારી વિલાસકુંવર ઝૂર્યા કરે છે. આપણી સમાજવ્યવસ્થામાં સ્ત્રીના ચરિત્ર વિશેના ખ્યાલો નૈસર્ગિક કરતાં વિશેષ તો અધિ-અહમ્‌ની ભૂમિકાવાળા વધુ છે. એમાંય અંતર અને વિલાસ જેવી સ્ત્રીઓ તેમના ઉછેરને કારણે ‘મોરલ એંગ્ઝાઈટી’ વધુ અનુભવતી હોય છે. મિથ્યાભિમાની અને દંભી દરબાર વિલાસની કબૂલાતને આધાર બનાવીને, તેને ‘બોટેલું ધાન’ કહીને વધુ અપમાનિત કરે છે. એમ કરી વિલાસના અપરાધબોધમાં વધારો કરે છે. પાંચ પાંચ વર્ષ પછી દરબાર પીગળે છે પણ વિલાસને શારીરિક સુખ આપી શકતો નથી. પોતાની નપુંસકતા માટે દરબાર તાર્કિક પ્રપંચ રચી વિલાસને અપરાધી ઠેરવે છે. ચાલાક દરબારની આ વાત સ્વીકાર્યા બાદ મોતી નામનું એક કુરકુરિયું લઈ આવે છે અને વિલાસના ખોળામાં મૂકતાં કહે છે, ‘હું તારો ગુનેગાર છું પણ જો હું આ દુનિયામાં ન રહું તો આ કુરકુરિયાને ભૂપતસિંહ દરબાર માની જાળવજો’. ત્યાર બાદ તે ગિરનારની તળેટીમાં બાવો થઈ જાય છે. ભોળી વિલાસ મોતીને જતનથી સાચવે છે પણ પેલી કૂતરીવાળી ઘટના બને છે ત્યારે તે સમજી જાય છે કે દરબારને મન પોતે માત્ર મિલકત હતી, વ્યક્તિ નહીં. ભૂપતસિંહે પોતાની ખામી છુપાવી રાખીને ચાલાકીથી વિલાસને અપરાધી ઠેરવી. ગર્વિષ્ઠ વિલાસ આ બોજ વેંઢારતી રહી. મોતીને લાત મારવાની ચેષ્ટા તેનો આક્રોશ સૂચવે છે. આમ, મનોવિશ્લેષણાત્મક અભિગમથી જોઈએ તો એક નપુંસક પતિએ કુટિલતાથી ગર્વિષ્ઠ પત્નીના કરેલા દમન અને શોષણની કથા એટલે ‘જાકારો’. ‘પારખું’ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં કહી શકીએ કે સર્જક દશરથ પરમાર નારીહૃદયની અકથ્ય વેદના, પીડા, જાતીય આવેગ, સુખ-દુઃખ, આક્રોશ, આશા, ઈર્ષ્યા, સ્નેહ આદિને સમજે છે. ગામડાની નિરક્ષર સ્ત્રીઓ તરફ તેમનો સમભાવ છે. આ સમભાવના કારણે જ તેઓ સ્ત્રી હૃદયનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સંવેદનોને વાર્તામાં કંડારી શકે છે. આ અર્થમાં સર્જક દશરથ પરમાર સ્ત્રીહૃદયના ‘પારખું’ સર્જક બની રહે છે.

૨. ‘બે ઈ-મેઈલ અને સરગવો’ (ઈ. ૨૦૧૩)

Be Email ane Saragavo by Dasharath Parmar - Book Cover.jpg

આ સંગ્રહમાં પણ ૨૧ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સંગ્રહની પ્રસ્તાવના રઘુવીર ચૌધરીએ ‘વિખરાયેલા માળાની વાર્તાઓ’ શીર્ષકથી લખી છે. આ સંગ્રહમાં સ્ત્રીના મનોભાવો, સંવેદનો નિરૂપતી વાર્તાઓ તો છે જ. સાથે પ્રૌઢ પુરુષોની એકલતા, સ્નેહની ઝંખના, વિરહ જેવા ભાવો નિરૂપતી વાર્તાઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત એક ત્રીજો ફાંટો કે જે ત્રીજા સંગ્રહમાં વિશેષ વિકસ્યો તેના બીજસરીખી ‘છેહ’, ‘અનપેક્ષિત’, ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’ જેવી રચનાઓ પણ સંગ્રહમાં સ્થાન પામી છે. ‘ઠેસ’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘થળી બહાર પગ’, ‘ચીલ’, ‘ભેટો’ અને ‘શલ્યા’ – આ છ વાર્તાઓ સ્ત્રીના સંકુલ મનોજગત અને આપણી સામાજિક સંરચનામાં સ્ત્રીના થતાં અનેક પ્રકારનાં શોષણને આલેખે છે. ‘ધીમેધીમે હોલવાતી સાંજ’, ‘વળાંક પર અંધારું’ અને ‘ચિલોત્રાની જેમ’ – આ ત્રણ વાર્તામાં પ્રૌઢ વયના પુરુષનું મનોજગત આલેખાયું છે. ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’માં પિતાના આનુવાંશિક લક્ષણો (ડીએનએમાં રહેલાં ઈર્ષ્યા, કામવાસના, જ્ઞાતિવાદી માનસ, લોભ આદિ) કેવી રીતે પુત્રમાં તેની પણ જાણ બહાર આવે છે તેનું કલાત્મક નિરૂપણ થયું છે. ત્રીજા સંગ્રહમાં આવી અન્ય વિશેષ સંકુલ પ્રકારની વાર્તાઓ મળે છે. ‘છેહ’ અને ‘અનપેક્ષિત’ અનુક્રમે દલિતોનાં ધાર્મિક શોષણ અને દલિતનાં દલિત વડે થતાં શોષણ અને ઑફિસ કલ્ચરમાં ઊંડે ઊતરી ગયેલા જ્ઞાતિવાદને આલેખતી રચનાઓ છે. વળી, આ બંને વાર્તાઓમાં કથકના હળવા વ્યંગ્ય કટાક્ષ, વક્રોક્તિઓના લીધે વાર્તાનો અંત કરુણ વેધક બને છે અને વાર્તાનું પરિમાણ વિસ્તરે છે. સર્જકની આ ખાસિયત ત્રીજા સંગ્રહમાં સોળે કળાએ ખીલી છે. ‘થળી બહાર પગ’ અને ‘ચીલ’ – બંનેમાં નાયિકા આર્થિક રીતે પગભર હોવા છતાં શોષણનો ભોગ બને છે. તેમાં અનુક્રમે સર્વજ્ઞ અને ‘હું’નું કથનકેન્દ્ર છે. આ બંને વાર્તાઓમાં બા-બાપુજી, સાસુ-દિયર, સાવકી મા, ભાઈ-ભાભીનાં વાણી-વર્તન ગ્રામસમાજની દુરિત વૃત્તિને રજૂ કરે છે. ‘થળી બહાર પગ’ વાર્તાનો આરંભ સાસુના શબ્દો સાંભળ્યા પછી અરુણાના ચિત્તમાં જે વંટોળ ઊભો થાય છે તે ક્ષણથી થાય છે. અરુણાએ નક્કી કરી લીધું છે કે તે બા-બાપુજીને સમજાવીને પાછાં મોકલી દેશે. બા બાળપણથી અરુણાને શીખવાડતી હતી, ‘સ્ત્રીનો અવતાર અરુણા! બે ઘરની થળીઓની અંદર જ પૂરો થતો હોય છે. લગ્ન ન થાય ત્યાં લગી બાપના ઘરની થળી નહીં ઓળંગવાની... ને લગ્ન પછી સાસરીના ઘરની. અરે! આભ તૂટી પડે તોય એ ઘરની થળી ઓળંગતાં સો વાર વિચાર કરવાનો! ચાર માણસોની કાંધે ચડી, આપણી નનામી નીકળે, ને રંગેચંગે એ થળી ઓળંગીએ એટલે આપણો અવતાર ધન્ય-ધન્ય સમજવો, બેટા!’ (પૃ. ૧૩૪) અરુણાને પતિના સ્થાને નોકરી મળવાની છે. કમાતી વહુ હાથમાંથી છટકી ન જાય એ માટે સાસુ શોક પ્રગટ કરવા આવેલા સગાંસંબંધીઓમાં અફવા ફેલાવી દે છે કે અરુણાને પણ બળવંતની જેમ એઇડ્‌ઝ છે. સાસુ ગામના ઉતાર એવા નાના દીકરા મહેન્દ્ર સાથે અરુણાને પરણાવી દેવા માગે છે! જેથી પોતાનું ઘડપણ સચવાઈ જાય. ભલે ને અરુણાનું આખું જીવતર ભડકે બળે. સાસરીનું ઘર અરુણાને ‘અજગર જેવું’ લાગે છે. ચોતરફથી ફસાઈ ગયાની લાગણી અનુભવતી અરુણાની ભીંસને આ ઉપમા સચોટ રીતે વ્યક્ત કરે છે. વાર્તાની સંકલના જોવા જેવી છે. અરુણા ભીંસમાંથી છૂટવા મથતી હોય ત્યાં વાર્તા ફ્લેશબૅકમાં જાય. અરુણાનાં સંસ્મરણો વડે વાર્તા ભૂતકાળમાં જાય છે. તેના વડે સર્જક કુશળતાથી સામૂહિક અચેતન અને સામાજિક સંરચનાને પણ વાર્તામાં ગૂંથી લે. સ્ત્રીને કેવી રીતે ચાલાકીથી થળીમાં પુરાઈ રહેવાનું શિક્ષણ બાળપણથી આપવામાં આવે છે. બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણતી અરુણાને પરીક્ષામાં ક્લાસ જાળવી રાખવાની ચિંતા છે. મા-બાપને સમાજની ચિંતા છે. લગ્ન પરીક્ષા પછી ગોઠવીશું એમ કહીને બા અરુણાને મનાવી લે છે. સામા પક્ષવાળા લગ્નની ઉતાવળ કરે અને એ ધમાલમાં અરુણા પરીક્ષામાં ક્લાસ ગુમાવે. રડતી અરુણાને બા કહે કે, એમ.એ.માં ક્લાસ લાવજે. બળવંત બહુ સારા છે. આગળ ભણવાની ના નહીં પાડે. સાસુ બીમાર પડે એટલે લગ્નના ત્રીજા જ મહિને અરુણાનું આણું થઈ જાય. લગ્ન પછી અરુણા આગળ ભણવાની વાત કરે ત્યારે ‘સારો’ બળવંત મોઢું મચકોડીને કહે, ‘હવે આગળ ભણીને તારે ક્યાં નોકરી કરવા જવું છે? અમને બધાંને શાંતિથી રાંધી ખવડાવે તોય ઘણું છે...!’ (પૃ. ૧૩૨) બળવંતનો જવાબ પુરુષના સામૂહિક અચેતનને વ્યક્ત કરે છે. અરુણાની બાની દલીલો સમાજના સામૂહિક અચેતનમાં રહેલા સ્ત્રીને દબાવી દેવાના ખ્યાલને વ્યક્ત કરે છે. નવાઈ એ છે કે આ સમાજ કે અરુણાના મા-બાપ બળવંતને એઇડ્‌ઝ કેમ થયો એ સવાલ ઉઠાવતા નથી. ભણતર, નોકરી, લગ્ન જેવી દરેક મહત્ત્વની ક્ષણે સ્ત્રીને ‘ના’ સાંભળતાં શીખવું પડે છે. લગ્ન પછી બધું કરવા મળશે એવું સપનું આંખમાં આંજીને ફરતી સ્ત્રીને ખ્યાલ આવતો જ નથી કે તેના ‘અચ્છે દિન’ ક્યારેય નહીં આવે. આવી રીતે ક્રમશઃ સ્ત્રીને આશ્રિત બનાવી દેવાય છે અને થળીની અંદર પૂરી દેવામાં આવે છે. અહીં ‘થળી’ પ્રતીક છે. થળી એટલી મજબૂત બની ગઈ છે કે બળવંત એઇડ્‌ઝ જેવાં જાતીય રોગનો ભોગ બને છે ત્યારેય અરુણાને વિચાર નથી આવતો કે બળવંત આ જાતીય રોગ ક્યાંથી લઈ આવ્યો? સિવિલમાં ત્રણ-ત્રણ મહિના સુધી બળવંતની ચાકરી કરતી અરુણા બાને ઉદ્દેશી મનોમન કહેતી, ‘ભલે એમનો રોગ મારાય કોઠામાં આવીને સમાઈ જાય. પણ, એમનો હાથ કદી નહીં છોડું!’ અરુણાના હૃદયની વાત કોઈ સાંભળનાર છે તો તે સવજી માસ્તરનો મનુ. લગ્ન પૂર્વે અરુણા હૈયાનો ઉભરો મનુ સામે જ ઠાલવતી. એ જ મનુ અત્યારે પણ અરુણાના નિર્ણયમાં બળ પૂરે છે. સાસુએ ફેલાવેલી અફવાને કારણે બધાં અરુણાને અડતાં પણ ગભરાય છે. ત્યારે મનુ એક માત્ર એવી વ્યક્તિ છે જે અરુણાને માથે હેતથી હાથ મૂકે છે. અરુણા પણ તેને ભેટીને રડી પડે છે, પોતાની બાને ભેટીને નહીં. આ સંકેત સૂચક છે. અરુણાને પણ થળી બહાર ઊભેલો મનુ દેખાય છે. વાર્તાકારે અડધી રાતે અરુણાને તેડવા આવી જતો મનુ બતાવ્યો નથી. પ્રેમના બળે અરુણા જાતે જ થળી ઓળંગી જાય છે. આંખમાં પડતું કસ્તર, બારીના સળિયા, વદચોથની રાતનો માંદલો ચંદ્ર જેવાં નાના નાના સંકેતો સર્જકે ગૂંથ્યા છે. આરંભે બીજાના આશરે જીવતી, બીજાના નિર્ણયો વાંધા-વિરોધ વિના સ્વીકારતી અરુણા અંતે સાસરી છોડી પિયર ન જતાં મનુ તરફ જવાનો નિર્ણય લે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘ચીલ’ની નાયિકા અરુણા જેવી જ સંવેદનશીલ છે. અહીં સર્જક ખેડૂત બાપની ચાલાકી અને તેના નપુંસક વેરનો ભોગ બનતી દીકરીની વેદના આલેખે છે. ઉચાટ, અકળામણ, દ્વિધા અને બાપા સમજશે એવી આશાના તંતુ સાથે નાયિકા શાળાએથી વહેલી નીકળી, બસ પકડી ગામ જવા નીકળે ત્યાંથી વાર્તા શરૂ થાય. બસની બાહ્ય ગતિની સમાંતરે નાયિકાના સંસ્મરણોની આંતરિક ગતિ જોવા મળે. આ સ્મૃતિઓમાં પોતાને મૂકીને પ્રેમી સાથે ભાગી જતી મા, સાવકી માના ત્રાસ વચ્ચે ભણતી નાનકડી બાળકી પર મા જેવી ચરિત્રહીન હોવાના મુકાતા આરોપો, મોટીવયે તેની નોકરીની આવકમાંથી થતું ઘરનું સમારકામ, ભાઈઓનાં લગ્ન અને બીજા વહેવારો – આ બધું છે. નથી તો એકમાત્ર બાપના સ્નેહ, હૂંફથી ભરીભરી કોઈ યાદ. આજે મિલકતની વહેંચણીમાં પણ બાપની હાજરીમાં નાયિકાને કાણો પૈસો આપવામાં આવતો નથી. ઉપરાંત મા-બાપ જે ભાઈને ત્યાં હોય એ ભાઈને, મા-બાપની ખાધા-ખોરાકી પેઠે દર મહિને નાયિકાએ પાંચસો રૂપિયા આપવા એવો નિર્ણય કુટુંબીજનો લે. વાર્તાના અંતે બાપને ખેતરમાં ચીલના બદલે ઘઉંના છોડ ખેંચી કાઢતી તે જુએ ત્યાં વાર્તા પૂરી થાય છે. કથક નાયિકા હોઈ નાયિકા જે જુએ, અનુભવે તે જ કહે. બાળપણથી બાપની હૂંફ ઝંખતી નાયિકાને સાવકી માનો દોષ દેખાય પણ બાપની વૃત્તિ ન સમજાય. સર્જકે સંકેતોથી બાપનાં દુરિતને ઉપસાવ્યું છે. નાયિકાને ભણાવવામાં પૈસા ખરચતાં અચકાવું, નોકરી કરતી દીકરી પાસે વારેતહેવારે પૈસા માગવા અને તેની સગાઈની વાતો પાછી ઠેલવી – આદિમાં બાપની વેરવૃત્તિ જોવા મળે છે. પત્નીના ભાગી જવાથી ગામમાં પતિની બદનામી તો થાય. બીજાં લગ્ન અને બીજી પત્નીથી બે દીકરા થાય એટલે બાહ્ય રીતે સુખી લાગે. ભાગેડુ સ્ત્રીની કૂખે જન્મેલી પુત્રી પોતે સાચવવી પડે અને તે પુત્રીનું મોં જુએ અને પહેલી પત્નીનું પરાક્રમ યાદ આવે જ. પરિણામે બાપની દમિત વેરવૃત્તિ રસ્તો ખોળે. બીજી પત્નીથી દબાતા હોવાનો અભિનય કરતા રહીને, દીકરીનું સતત લાગણીના મુદ્દે શોષણ કરતા રહેવું. નાયિકા બાપની આ વૃત્તિથી અજાણ છે ત્યાં વાર્તાનો ખરો કરુણ રહેલો છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘ઠેસ’નો આરંભ શ્રાવણ વદ એકમની બપોરથી થાય છે. સવિતા અને વીણા બંને એક જ વાસમાં રહે છે. એક કાળે બંને બહેનપણીઓ હતી પરંતુ સવિતાને જોવા આવેલો છોકરો વીણાને પસંદ કરી જાય છે ત્યારથી બેઉનો સંબંધ બગડે છે. વીણાના પતિનું મૃત્યુ થતાં તે પિયર પાછી ફરે છે ત્યારે સવિતા વીણાનું અપમાન કરે છે. આ બધા પ્રસંગો વાર્તાનો આરંભ થયો તે પૂર્વે બની ચૂક્યા છે. આ વેળાના ગરબા માટે વીણા ગાંઠ વાળીને બેઠી છે કે તે જ ગરબા ગવડાવશે. સવિતાને જીતવા નહીં દે. વીણા ગરબા ગવડાવતી હોય ત્યાં જ સવિતાના પતિના મૃત્યુના સમાચાર આવે. વેર વાળવાની તક મળી એમ માની તે સવિતાના ઘરે પહોંચે. ત્યાં ન-માયી, લાચાર, નિરાધાર સવિતાને જોઈ આપોઆપ વીણાનો હાથ હેતપૂર્વક સવિતાના બરડે ફરવા લાગે ત્યાં વાર્તા પૂરી થાય. સાવ સરળ એવી આ કથા સમયસંકલના, કથનકેન્દ્ર અને પરિવેશની ગૂંથણીના કારણે આસ્વાદ્ય બની છે. વીણાના ચિત્તમાં ક્રોધનું આલંબન સવિતા છે. વાસણ પડવાં, વીણાનો પગ અથડાવો, ચણિયાનો દોરો પગની સેરમાં ભરાઈ જવો ઇત્યાદિ અનુભાવો વડે સર્જક વીણાના આક્રોશને સ્પર્શક્ષમ બનાવે છે. કથક વીણાના ચિત્તમાં ચાલતા વિચારોને તેની ચેષ્ટાઓ વડે દર્શાવે છે. વીણા અને સવિતા વચ્ચેના સંઘર્ષના પ્રસંગોને પણ કથકે વાસણ ઘસતી વીણાની સ્મૃતિઓ રૂપે વર્ણવ્યા છે. વિધવા થયેલી સવિતાને જોઈને ‘વીણાને અચાનક લાગ્યું કે એક ન-માયી છોકરીના રાંડવાની સઘળી પીડા પોતાની કાયામાંથી નીકળીને સવિતાની કાયામાં પ્રવેશી પ્રસરી વળી હતી.’ (પૃ. ૬૨) અંતે ‘ઠેસ’નો આખો સંદર્ભ જ બદલાઈ જાય છે. વીણાના પગમાં લાગતી ઠેસથી વધારે ઊંડી ઠેસ તો વિધવા થવાની છે. એ પીડા પળેપળ અનુભવતી વીણા સવિતાને એ જ પરિસ્થિતિમાં જુએ છે ત્યારે તે સવિતાના અંતરમાં વાગેલી ઠેસ પોતે અનુભવે છે. ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’ વાર્તામાં પ્રેમલગ્ન કરનારી નણંદ પૂર્વીને નાયિકા સાસરિયાઓને ખબર ન પડે એ રીતે મળવા જાય અને આશિષરૂપે પૂર્વીને પોતાનું મંગળસૂત્ર આપી દે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં પણ સમયસંકલના, સ્મૃતિઓ અને પરિવેશ ધ્યાન ખેંચે છે. કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે પણ કથક બધી જ ઘટનાઓ નાયિકાના દૃષ્ટિકોણથી વર્ણવે છે. આખી વાર્તામાં નાયિકાનું નામ નથી. તેનો ઉલ્લેખ દીકરી, વહુ, પ્રેમાળ ભાભી અને પ્રેમિકા તરીકે થયો છે. પૂર્વી નૈનેશ સાથે ઘર છોડીને જતી રહી છે એ વાતને દસ દિવસ વીતી ગયા છે. અગિયારમા દિવસની સાંજનો સમય તે વાર્તાનો સમય છે. સાત વર્ષથી પૂર્વી સાથે રહેતી નાયિકા પૂર્વીના હૃદયની વાત પતિ સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. આ અપરાધબોધ પણ નાયિકાને પીડે છે. આછા લસરકામાં પ્રેમાળ સસરા, રૂઆબદાર સાસુ અને સંવેદનહીન પતિનું ચિત્ર વાર્તાકારે રચી દીધું છે. વાર્તાનો ઘણોખરો હિસ્સો નાયિકાની સ્મૃતિઓ રૂપે આલેખાયો છે. આરંભે નાયિકાની પિયરની સ્મૃતિઓ છે જેમાં પપ્પા, બહેન અને મા – ત્રણેયની એક જ ફરિયાદ છે કે ‘નિર્ણય લેવામાં તું બહુ ઢીલી.’ આ સ્વભાવને લીધે નાયિકાએ પ્રેમી મનોજને પણ ગુમાવ્યો હતો, પરંતુ આ વખતે નાયિકા મક્કમ નિર્ધાર સાથે શાક લેવાના બહાને ઘરની બહાર નીકળી પૂર્વીને મળવા જાય છે. પર્સમાં શાકભાજી અને રિક્ષાભાડા જેટલા જ પૈસા છે. એ ક્ષણે નાયિકા પૂર્વીને પોતાનું મંગલસૂત્ર પહેરાવી દે છે. વાર્તાના આરંભે નિર્ણય લેવામાં અચકાતી નાયિકા અંતે એક જ ક્ષણમાં નિર્ણય લઈ લેતી જોવા મળે છે. પ્રથમ દૃષ્ટિએ વાર્તા પૂર્વીની જણાય પરંતુ હકીકતમાં તો પૂર્વીનો નિર્ણય નાયિકાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવે છે. મંગળસૂત્ર કાઢી નાખવાની ચેષ્ટા આ પરિવર્તનને સૂચવે છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘ભેટો’માં શ્રાવણના પહેલા સોમવારે ભરાતા મેળાનો પરિવેશ છે. વાલીના પહેલા ધણી ત્રિકમનું અકાળે અવસાન થતાં વાલી તેના દીકરા ટીનીયાને પિયરમાં મૂકી બીજાં લગ્ન માંડે છે. વાલીનો બીજો પતિ ટીનીયાને સ્વીકારવા તૈયાર નથી. શ્રાવણના પહેલા સોમવારે મંગુના છોકરાની બાબરી ઉતરાવવા મેળામાં આવેલી વાલી ટીનીયાને શોધી રહી છે. મેળાનું વાતાવરણ અને વાલીના વિચારોની સહોપસ્થિતિથી વાર્તાનું પોત બંધાયું છે. વાલીની આજીજી ગણકાર્યા વિના રણછોડ દાંત કચકચાવીને બબડે છે, ‘માંહાંણમાં જ્યો તારો ટીનીયો.’ આ સાંભળીને વાલી રણચંડી બની રણછોડને ધક્કો મારી પિયર તરફ ચાલી નીકળે છે. સ્ત્રીના માતૃત્વની વાત અહીં આલેખાઈ છે. ‘ધીમેધીમે હોલવાતી સાંજ’માં જે.બી. નવા ઘરમાં વાસ્તુ પછી અગાશીમાં ચઢે છે. વર્ષો પહેલાં ઘર છોડીને ચાલી ગયેલી સરલાની નવા ઘરે રાહ જુએ છે. બાવળના ઝાડ પર નર સુગરી માળો બનાવીને માદા સુગરીની વાટ જોઈ રહ્યો છે. માદા સુગરી માળામાં આવતી નથી. ફોન પર થયેલી વાતચીતથી સરલા નથી આવવાની એ વાત તો જે.બી. જાણે જ છે. અંતે નર સુગરી સાથે સામ્ય જોઈ સ્વસ્થ થતા જે.બી. બાવળ કપાવી વરંડો તૈયાર કરવાનું કૉન્ટ્રાક્ટરને કહે ત્યાં વાર્તા પૂરી થાય છે? કથકની સહાનુભૂતિ જે.બી. તરફ હોવા છતાં તેની તટસ્થતાને લીધે જે.બી.નું પાત્ર દૈવી બની જતું નથી. લગ્ન પછી પણ બેકસીટ ડ્રાઇવિંગની સરલાના મા-બાપની ટેવના લીધે સરલાનું લગ્નજીવન તૂટે છે. સુગરીના માળાથી લગ્નજીવનની વાત પ્રતીકાત્મક રીતે સૂચવાય છે. બાવળનું કપાવવું અને વરંડાનું ચણતર જે.બી.ની સ્વસ્થતા સૂચવે છે. ‘વળાંક પર અંધારું’ના આત્મારામની પત્ની માયા સાત વર્ષથી પથારીવશ છે. તેની સેવા-ચાકરીમાં તેમણે જાત નીચોવી દીધી છે. પત્નીની માંદગી અને પોતાની હૂંફની ઝંખના આત્મારામને વિધવા કલ્પના તરફ દોરી જાય. તે મનોમન ઇચ્છે કે માયા મરી જાય તો સારું. માયાના મૃત્યુ બાદ સતત એક માસ અને સાત દિવસ સુધી કલ્પનાને દીકરા-વહુની હાજરીના લીધે આત્મારામ મળી શક્યા નથી. આટલા સમયથી કલ્પનાની યાદોમાં મશગૂલ આત્મારામ શિયાળાની સાંજે કલ્પનાને મળવા ઘરેથી નીકળે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વાર્તામાં બપોરથી સાંજ સુધીનો ભૌતિક સમય સર્જક આલેખે છે. કલ્પનાના ઘરે જઈ રહેલા આત્મારામને પાછળથી કોઈ ટોકતું હોય તેવો ભાસ થાય. ‘આમ મોટા ઉપાડે નીકળી પડ્યા છો, પણ ઈન્હેલર ઘેર ભૂલીને તો નથી આવ્યા ને?... ને પગ-બગ ભાંગીને આવશો તો તમારી કઈ સગલી?’ (પૃ. ૫૩) પત્ની માયાનો અવાજ સાંભળીને આત્મારામના પગ આપોઆપ દિશા બદલી નાખે છે. વાર્તા દ્વિધાગ્રસ્ત પ્રૌઢનાં સંવેદનોની છે. પાત્રોનાં નામ સૂચક છે. કથક આત્મારામ અને માયા વિશે ટીકાટિપ્પણી કરતો રહે છે. અલબત્ત, કથકનો હસ્તક્ષેપ માયાના પાત્રને અમુક અંશે હાનિ પહોંચાડે છે. આરંભે તડકાનો ઉલ્લેખ કલ્પના માટેની આત્મારામની તડપ સૂચવે છે. શિયાળાનો ઘટ્ટ અંધકાર, મંદિર તરફનો માર્ગ, આરતીનો ધ્વનિ અને ધુમ્મસ આત્મારામનું દ્વિધાગ્રસ્ત અને અપરાધબોધ અનુભવતું ચિત્ત દર્શાવે છે. ‘ચિલોત્રાની જેમ’નો કેદાર તૂરી જૂના જમાનાનો સફળ અભિનેતા છે. તૂરી દલિતો માટે ભવાઈ-નાટક-સંગીત રજૂ કરતા કલાકાર હોય છે. તૂરી શ્રાવણ માસમાં ક્યારેય માગવા ન નીકળે. પત્ની વાલી મૃત્યુ પામી છે. દીકરો રમેશ વ્યસની થઈ ગયો છે. પુત્રવધૂ જેમતેમ કરીને ઘર ચલાવે છે. જમાનો બદલાયો હોઈ વંશપરંપરાગત વ્યવસાય બંધ છે. નળિયાંવાળાં ઘર રહ્યાં નથી એટલે નળિયાં સંચવાનું કામ મળતું નથી. છત્રી સાંધવાનું કામ કેદાર જાણે છે પણ વરસાદ ન હોય ત્યાં છત્રી સંધાવે કોણ? બેહાલીને બેકારીને વશ થઈને કેદાર ટેક તોડીને શ્રાવણમાં માગવા નીકળે છે. અહીં ચિલોત્રો પ્રતીક છે. ચિલોત્રો વૃક્ષની બખોલમાં સગર્ભા ચિલોત્રીને વસાવે, પોષે છે. બચ્ચાં જન્મે ને ઊડવાલાયક થાય પછી તે બખોલનું બહારથી બીડેલું પોલાણ ખોતરી કાઢે છે. કેદાર પણ આ ચિલોત્રાની જેમ પરિવાર માટે સમાધાનકારી રસ્તો અપનાવે છે. દૃશ્યાત્મક રીતે થતો વાર્તાનો ઉઘાડ, સર્વજ્ઞ કથક હોવા છતાં કેદારની નજરે થતું બેહાલ ઘરનું નિરૂપણ, સંપન્ન ભૂતકાળની સ્મૃતિઓની બેહાલ વર્તમાન સાથેની સંનિધિ, ચિલોત્રાનું પ્રતીક – આ બધી બાબતોના લીધે વાર્તા આસ્વાદ્ય બને છે. ‘અનપેક્ષિત’માં પરિવેશ ઑફિસનો છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. વાર્તાનું પોત સંવાદોથી ઘડાયું છે. હળવા વ્યંગ-કટાક્ષ અને વક્રોક્તિસભર સંવાદોથી ગંભીર વિષય સહ્ય બન્યો છે. સરકારી કચેરીઓમાં લગભગ બધે કર્મચારીને નામના બદલે અટક અર્થાત્‌ ‘જ્ઞાતિ’થી બોલાવવાનો ‘કુરિવાજ’ જોવા મળે છે. શિક્ષિતોમાં ઊંડે ઊતરી ગયેલો જ્ઞાતિવાદ અને ઑફિસ કલ્ચરમાં જોવા મળતી કર્મચારી વર્ગની નિસરણીના લીધે થતું શોષણ – આ બંને વાત સર્જક અહીં વણી લે છે. ‘અનપેક્ષિત’નો બ્રાન્ચ મૅનેજર પી.જી. ગુજરાતી ગેસ્ટ હાઉસમાં રહે છે. પોતે કઈ જ્ઞાતિનો છે એ ખબર ન પડી જાય તેનું ધ્યાન રાખે છે. ઑફિસમાં વારંવાર પરમારને જ ધમકાવે છે. એ જોઈને સાયકોલોજીનો અભ્યાસી ભાર્ગવ કહે છે, ‘કોઈ વ્યક્તિ કે જાતિનું વરસો સુધી કોઈપણ પ્રકારે શોષણ કરવામાં આવ્યું હોય અને જો એવી વ્યક્તિના હાથમાં સત્તાનાં સૂત્રો આવી જાય તો એ પેલા શોષકને પીડવાની એક પણ તક ચૂકતો નથી!’ (પૃ. ૨૫) અંતે ભાર્ગવનું અનુમાન સાચું પડે છે ત્યારે કથક પરમારનો મનોભાવ વર્ણવતાં લખે છે, ‘હિંદુસ્તાન યહીં પર માર ખા ગયા!’ (પૃ. ૩૦) વાર્તામાં ઘણોખરો હિસ્સો જ્ઞાતિ, પેટાજ્ઞાતિની ચર્ચાઓ રોકે છે. સુરેશ પટાવાળાને આવતું રાજા-પ્રધાનનું સ્વપ્ન પણ સૂચક છે. સુરેશ, પરમાર, ભાર્ગવ, જોશીજી, શિવરામ બધા પી.જી.ની ‘દવા’ શોધી રહ્યા છે. તેની જ્ઞાતિ જાણ્યા બાદ હરખાઈ જતા ભાર્ગવ, જોશીને જોઈને ખ્યાલ આવી જાય કે હવે પાવરનું પ્રસરણ નીચેથી ઉપરની તરફ થશે. વાર્તાનો આરંભ આ રીતે થાય છે. ‘પહેલાં પૂરા વેગથી; પછી મધ્યમ અને છેવટે ક્રમશઃ મંદ પડતો-ડચકાતો બુલબુલનો સ્વર બ્રાન્ચના ખૂણે-ખૂણે ફરી વળ્યો.’ (પૃ. ૧૯) આ વિધાન સમગ્ર ઑફિસમાં વિસ્તરેલા પી.જી.ના પાવરને દર્શાવે છે. તેની સામે અંતે આવતું વિધાન હવે સત્તાનું પ્રસરણ નીચેથી ઉપરની તરફ થવાનું છે તેનો સંકેત બની રહે છે. ‘ખાલીખમ્મ થઈ ગયેલી બ્રાન્ચમાં બુલબુલ ફરીથી બમણા વેગે ટહુક્યું, ક્યાંય લગી ટહુકી-ટહુકીને ખાલી ખૂણાઓમાં ભટકતું રહ્યું.’ (પૃ. ૩૦) ‘છેહ’માં ત્રણ ખંડ છે. દલિત ડોશી, તેનો પતિ, રણછોડ માસ્તર, પશા મનોર, મેનાં વહુ મુખ્ય પાત્રો છે. વર્ષોથી આભડછેટ વેઠનારી ડોશી માસ્તર અને મેનાં વહુના પ્રેમાળ આમંત્રણને સ્વીકારી લે છે. ડોસો તેને ચેતવણી આપતાં કહે છે, ‘લાભ વના લોટઅ એ લાલો નંઈ, ડોશી!’ માઈને ચમત્કારી માની બેઠેલી ડોશી ટ્રેક્ટરમાં બેસી માઈના સમારોહમાં જાય છે. ત્યાં માઈને દલિત-સવર્ણ એવો ભેદ કરતા ઉદ્‌ઘોષકને ધમકાવી નાખતા જુએ છે. “ક્યોં દલિત કહે હમ ઉનકો? જબ સર્જનહારને કોઈ ભેદ નહીં રખા તો ફીર હમ ક્યોં રખ્ખે? હમ આજ સે ઉન્હે ‘સમભાવી’ કહ કે પુકારેંગે.” (પૃ. ૧૬૯) રાતે પરત ફરીને ડોશી ઓટલા પર ભજન ગાતી સ્ત્રીઓની વચ્ચે મૂકેલી માઈની છબીને પગે લાગવા જાય ત્યાં મેનાં વહુ અને બીજી સ્ત્રીઓ ડોશીને ધક્કો મારી ફેંકી દે. ત્યારે તેને સવારની વાતચીતનો મર્મ સમજાય. તરત ડોશી માઈની છબીવાળી ખુરશી ફંગોળે અને ઓટલાના સામા ખૂણે જઈ રામદેવપીરનું ભજન ગાવા માંડે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાનો ટોન હળવા વ્યંગ-કટાક્ષથી બંધાયો છે. ભેદભાવ ન રાખવાની વાત કરનાર માઈ ‘સમભાવી’ કહી ભેદ તો રચી જ દે છે. દલિતોનો હાથા તરીકે ઉપયોગ કરતા ધર્મગુરુઓની અને તેના અનુયાયીઓની વિશ્વાસઘાતની વૃત્તિ સર્જકે દર્શાવી છે. ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’માં પિતાની જે મર્યાદા પુત્ર ધિક્કારતો હોય તે જ મર્યાદા પુત્રના વાણી-વર્તનમાં ડોકાતી જોવા મળે છે. પટેલ પિતાની જ્ઞાતિવાદી માનસિકતાને ધિક્કારતો ‘કાયાન્તરણ’નો વૈજ્ઞાનિક સેમ પટેલ પ્રયોગ નિષ્ફળ જતાંની સાથે આસિસ્ટન્ટને કાળિયો કહી ગાળો દે. ‘શલ્યા’માં અહલ્યા અને ગૌતમ ઋષિનાં પાત્રો વડે સદીઓથી થતા નારીના શોષણની વાત રજૂ થઈ છે. પુરાકથાનો વિનિયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘વિચ્છેદ’માં આગળ વધવાની ઝંખનામાં ઘર, કુટુંબ, ગામ અને સમાજથી કપાઈ ગયેલા સરકારી અધિકારીની વેદના વ્યક્ત થઈ છે. ‘કાટમાળ’ અને ‘ફરક તો પડે છે’ અનુક્રમે ભૂકંપ અને રમખાણો પછીની સ્થિતિને આલેખે છે. ‘કાટમાળ’ પ્રમાણમાં નબળી રચના છે. ‘પારખું’માં ગ્રામપરિવેશનું નિરૂપણ કરનાર સર્જક ‘બે ઈ-મેઈલ અને સરગવો’માં વિષયવૈવિધ્ય અને પરિવેશની દૃષ્ટિએ આગળ ધપે છે. કાળો કોશી, સુગરી, ચિલોત્રો જેવાં પંખીઓનો પ્રતીક તરીકે થયેલો વિનિયોગ, વિષય અનુરૂપ કથકની પસંદગી અને ચુસ્ત સમય સંકલના, એક જ વાર્તામાં એકથી વધુ સ્તરની ગૂંથણી, રચનારીતિ અને ભાષાકર્મ વિશે વધેલી સભાનતા આદિના લીધે આ સંગ્રહ દશરથ પરમારનો નવો વળાંક દર્શાવે છે.

૩. ‘દરબારગઢની બીજી મુલાકાત’ (ઈ. ૨૦૨૩)

Darabargadh-ni Biji Mulakat by Dasharath Parmar - Book Cover.jpg

‘પારખું’માં પોતે જોયેલ, જીવેલ ગ્રામજીવનનું આલેખન કરનાર દશરથ પરમાર ‘બે ઈ-મેઈલ અને સરગવો’માં સ્ત્રી-પુરુષ સંબંધ પર અસર કરતી આપણી કૌટુંબિક-સામાજિક સંરચનાને આલેખે છે. ‘દરબારગઢની બીજી મુલાકાત’માં સર્જક સમકાલીન સામાજિક, ધાર્મિક, રાજકીય સંદર્ભોને વણી લે છે. ગ્રામજીવનથી શરૂ થતી વાર્તાયાત્રા સામાન્ય માનવીને ચોતરફથી ઘેરતી પાવર, રાજકારણની અદૃશ્ય જાળને ઉઘાડી પાડવા સુધી પહોંચી છે. વાર્તાના વિષયમાં પરિવર્તન આવવાની સાથે વાર્તાની સરેરાશ લંબાઈ પણ વધી છે. આ પ્રકારના વિષયોને આલેખવા માટે જરૂરી રચનારીતિની શોધ પણ સર્જક કરે છે. ઝીણું નકશીકામ તો આ સંગ્રહમાં પણ જોવા મળે છે. પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધી સ્ત્રીનાં સંવેદનોને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખે છે. તેમનાં સ્ત્રી પાત્રોમાં એક પ્રકારનું સાતત્ય જોવા મળે છે. વ્યક્તિ લિંગ, જ્ઞાતિ, ધર્મ, કુટુંબ, સમાજ એમ અનેક વિભાગમાં વહેંચાયેલો છે. આપણી સંકુલ સમાજવ્યવસ્થામાં આ ભેદભાવો પેઢી દર પેઢી વારસાગત જળવાય છે. જ્ઞાતિગત ભેદભાવ, સ્ત્રી-પુરુષ સંબંધવિષયક ખ્યાલો, સ્ત્રીની અવગણના કે તિરસ્કાર આદિ સંદર્ભે આ ‘વારસો’ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ‘ચીલ’, ‘નવેળી’, ‘કાયાન્તરણ’, ‘નંદુ’, ‘લવસ્ટોરી-૨૦૧૪’, ‘અંતર્વાહી’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘દરબારગઢની બીજી મુલાકાત’ અને ‘અનપેક્ષિત’ જેવી વાર્તાઓમાં આ વિષમય વારસાગત સંસ્કારોનું અનેક કોણથી આલેખન થયું છે. આ અર્થમાં દશરથ પરમાર આપણી સામાજિક સંરચનાના DNAની તપાસ કરનાર વાર્તાકાર છે. તેમની રચનાઓમાં એકથી વધુ સ્તર જોવા મળે છે. આ સંગ્રહમાં ‘તલાજીનું ખેતર’, ‘ચોકીદાર’ તથા ‘ખેતર અને હું’ – આ ત્રણ રચનાઓ ખેડૂતવર્ગની મુશ્કેલીઓને આલેખે છે. ‘બંધારણ સભા-એક અહેવાલ કથા’ અને ‘ફૂલચંદ જાદવના જીવનનો ઉત્તરાર્ધ’ દલિત સંવેદનનો જુદો કોણ રજૂ કરતી વાર્તાઓ છે. ‘ફોટો’માં એક મુગ્ધાની ઝંખનાની પડખે સર્જક નેતાઓની ફોટા, પ્રસિદ્ધિની લાલસા, સરકારની સંવેદનહીનતાને તાગે છે. ‘આફ્ટરશોક’માં ભૂકંપની વાત છે. ‘આમાંથી કોઈ પણ નહીં’માં ચૂંટણીપ્રક્રિયા અને નોટાના વોટની વાત વડે નેતાઓ સામે આક્રોશ વ્યક્ત થયો છે. સંગ્રહની ૨૧ પૈકી ૧૩ જેટલી વાર્તાઓ કોઈક ને કોઈક સમકાલીન સમસ્યાને બાથમાં લે છે. ત્યાં જ સર્જકની બદલાયેલી ધરીનો ખ્યાલ આવી જાય. ‘અંતર્વાહી’માં સ્ત્રીના વિચારોની અવહેલના, પુરુષનું એકહથ્થુ શાસન, પિતાની હઠનો ભોગ બનતાં સંતાનો, કુટુંબમાં નાના ભાઈ-બહેન સાથે થતું વર્તન અને વારસાગત વૃત્તિઓને વાર્તાકાર આલેખે છે. વાર્તાકથક નાનો દીકરો ચિરાગ છે. ચિરાગ માને લઈને ગામડે જાય છે ત્યાંથી માંડી રાત્રે સૂઈ જાય છે ત્યાં સુધીનો – એક દિવસનો સમય વાર્તામાં રજૂ થયો છે. કથક ચિરાગનું ચિત્ત અતીત અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાય છે. મમ્મીનું ચિરાગની ધારણા બહારનું વર્તન તેને આંચકો આપે છે. કથક મમ્મીની સાથે સ્વને પણ ધ્યાનપૂર્વક જુએ છે. તે મમ્મીની સાથે ગામમાં ફરે છે. એટલે તે પણ વર્તમાન પ્રસંગોમાં સીધેસીધો સંડોવાયેલો છે. કથકની આ પ્રકારની સંડોવણીના લીધે વાચકને ચિરાગ અને મમ્મી-બંનેની લાગણીઓનો આલેખ મળે છે. અંતે આવતું આ વિધાન ‘મમ્મીના શરીરમાંથી કશુંક છૂટું પડીને જાણે મારા શરીરમાં સમાઈ રહ્યું’ – આ વિચારયાત્રાના પરિણામે ચિરાગમાં પણ આવેલા પરિવર્તનને સૂચવે છે. પ્રથમ નજરે વાર્તા મમ્મીના પાત્રને નિરૂપતી લાગે, પરંતુ વાર્તા જેટલી માની છે એટલી જ દીકરા ચિરાગની છે. મમ્મીનો આ એક દિવસનો સાથ ચિરાગને લઘુતામાંથી બહાર લાવે છે. મા ચૂપચાપ દાદા-પપ્પાની વાત માનતી આવી છે પણ તેણે પોતાના સ્વત્વને મરવા દીધું નથી. પતિની હઠે બાળકોના આશા-અરમાનોનો ભોગ લીધો એ વાતનું પણ તેને ઊંડું દુઃખ છે. મમ્મીનો આ આંતરિક સંઘર્ષ તેના સ્વાસ્થ્યનો ભોગ લે છે. વાર્તાના અંતે નેહાભાભીની ચિરાગ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવે કે ચિરાગના મોટાભાઈમાં તંતોતંત પપ્પાનો વારસો ઊતર્યો છે. એક તરફ મમ્મીનો અંશ બનતો ચિરાગ અને બીજી તરફ પપ્પાનો ખરો વારસદાર સુમન – આ પ્રકારનો અંત વાચકને વિચારતા કરી મૂકે છે. ‘ચોકીદાર’ અને ‘તલાજીનું ખેતર’ – આ બંને વાર્તાઓ ખેડૂતના ‘એક્ઝિસ્ટન્સ’, ‘આઈડેન્ટિટિ ક્રાઈસિસ’ની વાત કરે છે. એકમાં શારીરિક ભૂખ કેન્દ્રમાં છે તો બીજીમાં પેટની ભૂખ કેન્દ્રમાં છે. આ વાર્તાઓમાં બીજું સ્તર છે સરકાર અને કંપનીઓની સાંઠગાંઠનું, ખેડૂતોની અવદશાનું અને તેના પરિણામે તૂટતી ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સામાજિક સંરચનાનું સચોટ ચિત્રણ. ‘તલાજીનું ખેતર’ વાર્તાનો આરંભ જુઓ. ‘શરીરમાં હતી એટલી તાકાત એકઠી કરીને તલાજી બેઠા થયા. ઢોયણીની ઈસ પર હાથ મૂકી ઊભા થવા ગયા ત્યાં જ એમના વજનથી બરાબર તંગ થયેલા વાણની એક દોરી તડાક દઈને તૂટી. તૂટી ગયેલા વાણની અઢળક દોરીઓ, સેવો પાડવાના સંચામાંથી નીચે લટકતી ઘઉંના લોટની સેવોની જેમ આમતેમ ઝૂલતી હતી.’ આરંભે જ તૂટતી વાણની દોરીનો ઉલ્લેખ અંતે તલાજી પણ તૂટી જશે તેનો સંકેત બની રહે છે. વાણની લટકતી દોરીઓને ‘ઘઉંના લોટની સેવોની’ ઉપમા આપી છે તે પણ નોંધપાત્ર છે. વાર્તામાં મુખ્ય પાત્ર ખેડૂત છે. સમય હોળી પછીનો છે. આ સમય એટલે ઘઉં વાઢવાની વેળા. તે જ સમયે ગામડામાં ઘઉંના લોટની સેવો પણ બને. વાર્તામાં કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે, પરંતુ વાર્તાકાર તલાજીની નજરે પ્રસંગો આલેખી રહ્યા છે. વાર્તાની સંકલના પણ સ-રસ છે. વાર્તાકારે ભૂખ અને ભૂતકાળની સ્મૃતિઓના તાણાવાણાથી વાર્તાની સંકલના રચી છે. તલાજીની ભૂખ તીવ્રમાંથી તીવ્રતમ બનતી જાય તેમ તેમ અતીતની સમૃદ્ધિનાં સંસ્મરણો પણ તીવ્રતમ થતાં જાય છે. ભૂખ અને ભૂતકાળ અસહ્ય બનતાં તેને ભૂલવા માટે તલાજી દેશી દારૂ ગટગટાવે છે. વાર્તાના અંતે દારૂ પીધેલો તલાજી પોતાના ખેતરની જગ્યાએ કંપનીનો વિશાળ ગેટ જુએ છે અને જાણે કે, વાણની દોરીની જેમ તડાક દઈને તેની અંદર પણ કઈંક તૂટે છે. જેનો ખ્યાલ તેના પ્રલાપ વડે મળે છે. ભૂતકાળનાં સુખદ સંસ્મરણોનો ભાર, વર્તમાન સમયની અવદશા અને ભૂખમરો તથા તેમાંથી છૂટવા વલખાં મારતો તલાજી ખેડૂત તરીકેની ઓળખ ભૂલી જાય છે. વાર્તામાં આરંભથી અંત સુધી ભૂખ અને સંસ્મરણોની ગૂંથણીમાંથી જ તલાજીનું ખેડૂત તરીકેનું ભૂંસાતું જતું અસ્તિત્વ સર્જકે ઉપસાવ્યું છે. ‘ચોકીદાર’માં મહા મહિનાની વદ ચોથની કડકડતી ઠંડીની એક રાત્રિના થોડાક જ કલાકોનું આલેખન છે. શકુ મનામણાં પછી પાછી ફરી છે એટલે કોઈ પણ રીતે આજે રાત્રે તેને મળવા જવું એમ કમલેશ વિચારી રહ્યો છે. પત્નીની હૂંફ ઝંખતો કમલેશ કંપનીના ગેટથી ઘર તરફ ચાલી નીકળે છે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. રસ્તામાં તેને આવતા વિચારો અને સ્મૃતિઓ રૂપે વાર્તાકાર ઉપરોક્ત પ્રસંગો વણી લે છે. તે બારીની સાંકળ ખખડાવે છે ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઊઠે છે. સામેથી મૅનેજરની ગર્જના સંભળાય છે, ‘અબે કમલેશ! કહાં હૈ તૂ? લગા કે સો ગયા થા ક્યા? સુનતા નહીં? સાલે મેરી નીંદ હરામ કર દી! વો મોહસીન આયા હૈ, રેત કા ડમ્પર લે કે. જા, જલ્દી ગેટ ખોલ. ઔર સુન, ફિર સે સો મત જાના. આજ શામ સે ટ્રકવાલોં કી હડતાલ ખતમ હો ગઈ હૈ. થોડી દેર કે બાદ ઔર લોગ ભી આયેંગે ઠીક હૈ?’ આ સાંભળીને કમલેશ ઠરી જાય છે. તાણમાંથી છૂટવા માટે મોંમાં તમાકુ મૂકીને લથડતી ચાલે કંપનીના રસ્તે પાછો વળે છે. ત્યાં જ પાછળથી બારી ખુલવાનો અવાજ સંભળાય છે અને વાર્તા પૂરી થાય છે. બારીની સાંકળના રણકારની પડખે ફોનની રિંગથી કમલેશનું શરીર ઠીકરું થઈ જાય છે અને તે કંપની તરફ પાછો વળી જાય છે. ફોનની વાતચીતથી કમલેશના ચિત્તમાં પ્રણયનું સ્થાન વિષાદ લઈ લે છે એમાં જ વાર્તાની ચમત્કૃતિ રહેલી છે. આ દૃષ્ટિએ જોઈએ તો કમલેશ માટે શકુ એ આલંબન વિભાવ છે. તેને અનુરૂપ ઉદ્દીપકો, કમલેશના સંચારી ભાવો અને તેની શારીરિક ચેષ્ટાઓ અર્થાત્‌ અનુભાવોની સુયોગ્ય ગૂંથણી વાર્તામાં થઈ છે. વાર્તામાં આરંભથી જ શૃંગાર અને વિષાદ એમ બંને ભાવોને પોષક સામગ્રી સમાંતરે જોવા મળે છે. તેથી વાર્તાનો અંત ચોંટાડેલો લાગતો નથી. ઊલટું ભાવોદયની રીતિએ વાર્તાને તપાસીએ તો આધુનિક જીવનની યાંત્રિકતા વધારે વેધક રીતે અનુભવાય છે. વાર્તાના આરંભનું વર્ણન કંપનીના પરિવેશની સાથે મલ્ટિનેશનલ કંપનીઓની નીતિ તરફ પણ સંકેત કરે છે. પતરાની નાની ઓરડી કર્મચારીનું મર્યાદિત જગત અને ‘ઊંચો વરંડો’ આસપાસની દુનિયાથી કપાઈ ગયાનો ભાવ સૂચવે છે. ઊંચો વરંડો કંપનીની અમર્યાદ સત્તા પણ દર્શાવે છે. રેતી-કપચી-બ્લોકના ઢગલા સંવેદનહીનતા અને યાંત્રિકતા સૂચવે છે. લાઇટનું અજવાળું કંપનીનો કર્મચારીઓ પરનો પરોક્ષ કાબૂ સૂચવે છે. લાઇટના ધૂંધળા અજવાળામાં કમલેશ જેવા કેટલાંયનું જીવન ધૂંધળું બની જાય છે. વાર્તાના આરંભે આવતી આ લાઇટ અને વાર્તાના અંતે મોબાઇલ સ્ક્રીનનું અજવાળું એકમેક સાથે જોડાઈ જાય છે. આ કૃત્રિમ લાઇટની સામે વદ ચોથના ચંદ્રનું અજવાળું જાણે કે વિલાઈ જાય છે. શકુની યાદમાં ઘરે જતા કમલેશને હોર્ડિંગ પરની છોકરીમાં પણ શકુ દેખાય છે. હોર્ડિંગ, પોસ્ટર, સ્લોગન એ વર્તમાન જગતનું વાસ્તવ છે. તેની માયાજાળ અને ચમકદમક સામાન્ય માનવીની આંખ આંજી નાખે છે. હોર્ડિંગ્સની આ દોટ હવે છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગઈ છે. ‘ખેતર અને હું’માં કથનકેન્દ્ર ‘હું’નું છે. મુખ્ય પાત્ર વર્ષોથી શહેરમાં રહે છે. તે ખેતર વેચવા માટે ગામ આવવા નીકળે ત્યાંથી વાર્તા શરૂ થાય અને વેચાઈ ગયેલા ખેતરમાં ઊભો હોય ત્યાં વાર્તા પૂરી થાય છે. આ ‘હું’ કોઈ પરંપરાગત ગ્રામીણ કથાનાયકનો ‘હું’ નથી. આ ‘હું’ સ્વની સાથે સમાજનાં પરિવર્તનોને જોનાર, ઝીલનાર સભાન અને સંવેદનશીલ એવા નાયકનો છે. તેથી વાર્તામાં નાયકના અંગત સંવેદનોની સમાંતરે સરકાર અને કંપનીની મિલીભગત, કંપનીઓનું જમીનો પચાવી લેવાનું ષડ્‌યંત્ર, ખેડૂતોની કથળતી આર્થિક સ્થિતિ અને આત્મહત્યા, શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્નો, જંતુનાશક દવાઓથી પ્રકૃતિને થઈ રહેલી હાનિ, વિકાસની ગુલબાંગો વચ્ચે પણ માળખાગત સુવિધા વિનાના ગામડાં જેવી અનેક બાબતો જોવા મળે છે. પરિવેશ પણ ઘણું સૂચવે છે. જેમ કે, ગામની બહારનો ભાગ. ‘રેતી-સિમેન્ટ-કોંક્રીટના પહોળા રોડ. રોડની આસપાસ છાતી કાઢીને ઊભેલા ત્રણ-ચાર માળનાં કતારબદ્ધ શોપિંગ સેન્ટરો. મોબાઇલનાં ઊંચા-ઊંચા ટાવરો. ત્રણ માળનું બસ સ્ટેશન. દીવાલો પર રંગીન પોસ્ટર.’ આ બાહ્ય ચમકદમક જોઈ નાયક ગામનો વિકાસ થઈ ગયાનું અનુભવે. જેવો તે ગામની અંદર પ્રવેશે કે તરત તેનો ભ્રમ ભાંગી જાય. અંદરનું ગામ આવું છે. ‘દબાણવાળા, ઉબડખાબડ અને સાંકડા-કાદવયુક્ત રસ્તા. શેરી સાવ સૂમસામ હતી, ખાલીખમ્મ. મોટાભાગનાં ઘર બંધ હતાં. કેટલાંકની હાલત ખંડેર જેવી થઈ ગઈ હતી.’ નહેરમાં પાણી નથી પણ સ્મશાન આધુનિક છે. ગામની અંદર રસ્તા નથી પણ કંપની તરફ જતો રોડ પાક્કો બની ગયો છે. પરિવેશથી સમજાઈ જાય કે સુવિધાઓ કંપનીઓ માટે છે, ગામલોકો માટે નહીં. આ ત્રણેય વાર્તાઓ તૂટતી ગ્રામીણ આર્થિક, સામાજિક સંરચનાનો આલેખ બની રહે છે. અલબત્ત, ‘ખેતર અને હું’ અન્ય બે વાર્તાઓની તુલનમાં થોડી શિથિલ અને નબળી રચના છે. ‘ફૂલચંદ જાદવના જીવનનો ઉત્તરાર્ધ’નો ફૂલચંદ એક પાત્ર નહીં પણ સિસ્ટમનું પ્રતીક છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તામાં બે ખંડ છે. પ્રથમ ખંડમાં નાયબ મામલતદારના પદેથી નિવૃત્ત થતા ફૂલચંદના વિદાય સમારંભનું વર્ણન છે. આ સમારોહનો બધો ખર્ચ સરકારી ખજાનામાંથી નીકળે છે. તેમાં ફૂલચંદ માટે પરદુઃખભંજન, ગરીબોના બેલી, પરગજુ, હસમુખા, વિવેકી, લાંચ-રુશ્વત વિરોધી, ન્યાયપ્રિય જેવાં વિશેષણો છુટ્ટા હાથે ફેંકાતાં રહે છે. બીજા દિવસે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિમય રહીને કેવી રીતે આર્થિક ઉપાર્જન થતું રહે તેવા વિકલ્પો વિચારતા ફૂલચંદ જોવા મળે. આ વિકલ્પો ફૂલચંદના કોણથી આલેખાયા હોઈ સર્જક તેના ભ્રષ્ટ વ્યક્તિત્વને તંતોતંત ઉપસાવી શક્યા છે. છેવટે દીકરાની સલાહને અનુસરીને જ્ઞાતિનું કાર્ડ રમીને ફૂલચંદ નગરપાલિકાની ચૂંટણી લડે, જીતે અને સત્તા માટે સત્તાધારી પક્ષમાં જોડાય. પ્રમુખશ્રી તેમને સફાઈ કમિટીના અધ્યક્ષ બનાવવાની વાત કરે ત્યારે નાખુશ થઈ જતા ફૂલચંદ આર્થિક ગણતરી સમજ્યા પછી તૈયાર થઈ જાય. દીકરાની ફાઇનાન્સની પેઢી ડૂબી ગઈ છે. આ તરફ વ્યાજખોરોની ચુંગાલમાં સપડાયેલો વાલ્મિકી સમાજ પણ દેવાળિયો છે. ફૂલચંદ સમાજના ઉદ્ધારક બનીને આગળ આવે. સમાજના લોકોને બચાવવા તેમનો દીકરો પોતાની ફાઇનાન્સની પેઢીમાંથી સફાઈ કર્મચારીઓનાં દેવાં ભરી દે અને પછી કર્મચારીઓના પગારમાંથી પાછલા બારણે રકમ કાપી લે. ‘સમાજસેવાની સાથે સાથે આમાં તો બે પેઢીનો ઉદ્ધાર પણ થવાનો એ સમજી ચૂકેલા ફૂલચંદ પ્રમુખશ્રીના ચરણોમાં ઢળી પડે છે.’ ‘બંધારણ સભા-એક અહેવાલ કથા’ અને ‘લવસ્ટોરી-૨૦૧૪’ – આ બંને વાર્તાનો આરંભ એક અંગ્રેજી વિધાન અને ડિસક્લેઇમરથી થાય છે. બંને વાર્તાના ડિસક્લેઇમર જુદાં છે. ‘લવસ્ટોરી-૨૦૧૪’માં વાર્તાકથક વાર્તા અને વાસ્તવિક ઘટનાઓ વચ્ચે કોઈ સામ્ય જોવા મળે તો તે કેવળ અકસ્માત છે એમ કહીને પોતે કલ્પનાને આધારે વાર્તા લખી છે એવું ભારપૂર્વક જણાવે છે. ‘બંધારણ સભા’માં તો પહેલા જ વિધાનમાં વાર્તાકથક પી. ડી. અગ્રવાલ પોતાને અહેવાલલેખક તરીકે ઓળખવીને સત્યઘટના લખી રહ્યો છે એવું ભારપૂર્વક જણાવે છે. આ વાર્તાની સંકલના અને વાર્તાનો ટોન – આ બે તત્ત્વો જ વાર્તાની ખરી કમાલ છે. વાર્તાની સંકલના જોઈએ તો, સવારથી કથક પી.ડી.નું પ્લાનિંગ આડા પાટે ચઢ્યા કરે. ગુરુના દર્શને જાય અને ગુરુ ન મળતાં દર્શન કરવા સાંજ સુધી બેસી રહે ને બસ ચૂકે. જીપ મળે ને પંક્ચર થાય. પંક્ચર પણ એ જ ચાર રસ્તે થાય જ્યાં બાબાસાહેબની પ્રતિમાની બરાબર સામેના મેદાનમાં જ્ઞાતિની સભા ચાલતી હોય. સભાની અંદરનો અહેવાલ લખતા લખતા પી.ડી.ની અંદરનો વાર્તાકાર જાગી ઊઠે અને મૂળ વાત બાજુ પર રહી જાય. પોતે સમાજથી અળગો રહ્યો હોવા છતાં સમાજના નિયમોની ટીકા કરતા યુવાનોની વાતો સાંભળીને તેની અંદરનો સમાજસુધારક જાગે. તે સમાજની બંધારણ સમિતિ સામે ઝંપલાવી દે. પરિણામે ચશ્માં તૂટે, શર્ટ ફાટે, નીચે પડે ને માંડ માંડ બચે. કથક પી.ડી.ની જેમ જ બંધારણ સભાના આગેવાનો પણ સ્વાર્થ માટે આખા સમાજને આડા પાટે ચઢાવે છે. વાર્તાની આ પ્રકારની સંકલના વિષયને વળ ચઢાવે છે. પી.ડી.નું પાત્ર પણ સેટાયર છે. ગુરુજીને મળવા જવાનું ન ચૂકનાર પી.ડી.એ સમાજ બાજુ વળીને જોયું નથી. તે પોતાની મર્યાદાઓ પણ કહેતો રહે છે. તે ખટપટિયો નથી. તેનો ‘હું’ સભામાં જવાથી તૂટે છે. ‘હું’ની અહીં સર્જકે ઠેકડી ઉડાડી છે. આંબેડકરની પ્રતિમા અને તેમના જ્ન્મદિને જ જ્ઞાતિનું બંધારણ ઘડવાની પ્રક્રિયા એ મહત્ત્વના સંકેતો છે. ‘લવસ્ટોરી-૨૦૧૪’માં અભય પ્રિયદર્શી દલિત છે. આરતી પટેલ સવર્ણ છે. વાર્તાના અંતે સગર્ભા આરતી અને અભયની કરપીણ હત્યા થાય છે. વાર્તામાં ત્રણ સ્પષ્ટ ભાગ છે : એક, આરંભે આવતું વાર્તાકથકનું ડિસક્લેઇમર, બીજું, વાર્તાકથકે મઠારીને મૂકેલી અભયની ડાયરી અને ત્રીજું, ડાયરીની બહારની ઘટનાઓનું કથક દ્વારા થતું વર્ણન. ડાયરીમાં આરતી સાથે અભય ભાગીને લગ્ન કરે ત્યાંથી માંડીને આરતી સગર્ભા હોવાનું જાણી, અભય બધું ભૂલી જાય એટલી જ ઘટનાઓ વર્ણવી છે. વાર્તાકાર પોતે શી રીતે અભયને મળ્યા એમ કહીને પોતાને વાર્તામાં કથક તરીકે સંડોવે છે. આરંભે અભયની ડાયરીથી દૂર ભાગતો વાર્તાકાર અંતે ડાયરીમાંથી ઊઠેલા પ્રશ્નોના ઉત્તરો શોધતો જોવા મળે છે. વાર્તાકથકનાં પણ બે રૂપ છે. એક, અભયની ડાયરી વાંચતો. બે, સત્ય શોધવા મથતો. કથકની આ પ્રકારની ગૂંથણીના લીધે માત્ર બે મહિનાની મહત્ત્વની વિગતો – તેમાંય સમકાલીન, રાજકીય, ધાર્મિક, સામાજિક સંદર્ભો વાર્તાનો અનિવાર્ય અંશ બન્યા છે. ડાયરીમાં એક મહિનાની નોંધ છે. તેમાં પણ નવ દિવસ અગત્યના છે. વાર્તાનું વ્યાપક વસ્તુ ચુસ્ત સમયસંકલના, કથનકેન્દ્ર, ડાયરી અને અખબારી અહેવાલની પ્રયુક્તિને લીધે કલાત્મક ઘાટ ધારણ કરે છે. ‘ફોટો’ની ભીખીની એક માત્ર ઝંખના છે પોતાનો ફોટો પડાવવાની. મુગ્ધા ભીખીના બાળપણથી માંડીને લગ્ન સુધીના પ્રસંગો સર્જકે આવરી લીધા છે. અઢાર વર્ષે તેનાં લગ્ન થાય છે. એ રીતે અહીં ભીખીના જીવનનાં અઢાર વર્ષોનો આલેખ મળે છે. વાર્તામાં રાતથી લઈ બીજા દિવસની સાંજ સુધીનો સમય આલેખાયો છે. એટલે ગણતરીના કલાકોમાં અહીં મુગ્ધા ભીખીના જીવનના લાંબા ફલકને આવરી લેવાનો પ્રયાસ થયો છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તા પણ વ્યંગ્ય-કટાક્ષસભર ભાષાના કારણે નોંધપાત્ર બની છે. સર્જકે ભીખીની ઘેલછા સામે વર્તમાન પત્રો, ટી.વી., પોસ્ટરોથી માંડી બધે જ છવાઈ જતા મંત્રીઓની લાલસા મૂકીને વાર્તાનું પરિમાણ બદલી કાઢ્યું છે. આ રીતે જનમાનસ પર પકડ જમાવી લેવાની રાજકારણીઓની વૃત્તિને સર્જકે ઉઘાડી પાડી છે. વીનેશ અંતાણી દશરથ પરમાર વિશે કહે છે, ‘જીવન પ્રત્યેની નિસબત અને વાર્તાકળા પ્રત્યેની નિષ્ઠાને લીધે આ વાર્તાકારનું સર્જન સામાન્ય વાચકથી માંડીને વાર્તામર્મીઓનો સ્નેહાદર પામી શક્યું છે. આપણી વાર્તાની આજ અને આવતીકાલ દશરથ જેવા વાર્તાકારના હાથમાં સલામત છે.’ વિષયવૈવિધ્ય, એકાધિક સ્તરવાળી રચનાઓ, રચનારીતિની સભાનતા, સમયસંકલના, બદલાતી રાજકીય-સામાજિક પરિસ્થિતિ વિશેની ચોક્કસ અને સૂક્ષ્મ સૂઝ, સામાજિક વારસારૂપે ઊતરી આવતા દુર્ગુણો, માન્યતાઓનું નિરૂપણ, સ્ત્રીના સંકુલ સંવેદનોનું સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખન, બારીક નકશીકામ અને પ્રથમ સંગ્રહથી માંડી ત્રીજા સંગ્રહ સુધી સતત પરિવર્તનશીલ અને વિકાસમાન રહેતી તેમની વાર્તાયાત્રાને લીધે સર્જક દશરથ પરમાર અનુઆધુનિક ગુજરાતી નવલિકાક્ષેત્રે સશક્ત વાર્તાકાર બની રહે છે.

ડૉ. આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭