ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભરત સોલંકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર ભરત સોલંકી

‘શિલ્પી’ બુરેઠા

Bharat Solanki 2.jpg

અનુઆધુનિક વાર્તાકારોમાં ડૉ. ભરત સોલંકીનું નામ હવે અજાણ્યું નથી. બે વાર્તાસંગ્રહ આપનાર આ સર્જક વાર્તાકાર ઉપરાંત સંશોધક, સંપાદક, કવિ, નિબંધકાર, વિવેચક અને અધ્યાપક છે. વર્ષ ૧૯૯૪થી પાટણની પી. કે. કોટાવાલા કૉલેજમાં ગુજરાતીના સક્રિય અધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત ડૉ. ભરત સોલંકીનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૬૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે દરજી પરિવારમાં થયો હતો. પિતાજીને અમદાવાદ વ્યવસાય અર્થે જવાનું થતાં માધ્યમિક શિક્ષણ સરખેજની સાર્વજનિક સ્કૂલમાંથી લીધું. ધોરણ ૧૨માં પ્રથમ નંબરે આવી કાયમી માટે તેજસ્વી વિદ્યાર્થી તરીકે શાળામાં નામ નોંધાઈ ગયું. એચ. કે. આટ્‌ર્સ કૉલેજમાંથી બી.એ. પ્રથમ વર્ગ સાથે અને ભાષાભવન ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની પદવી મેળવી. ભાષાભવનના સાહિત્યના ઋષિ સમા શ્રી ધીરુ પરીખ, શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી સુમન શાહ, શ્રી સતીશ વ્યાસ અને શ્રી મફત ઓઝાએ સાહિત્ય પદાર્થની ધૂન લગાડી. ૧૯૯૧માં એમ.એ. થતાં માત્ર ચોવીસ વર્ષની વયે શામળાજી આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે પસંદગી થઈ. શામળાજી આટ્‌ર્સ કૉલેજમાં ડૉ. જયેશ ભોગાયતાએ તેમને અધ્યાપક તરીકે સફળ બનાવવા માટે તેમની આંગળી ઝાલીને ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું. એ ઉપરાંત શામળાજીના વાતાવરણમાંથી શક્ય એટલી મોટી કૉલેજમાં જવા માટે વિવિધ ડિગ્રીઓનું જ્ઞાન કરાવીને પીએચ.ડી.ના સંશોધનમાં પણ ખૂબ મદદરૂપ થયા. અધ્યાપન અને સાહિત્ય કારકિર્દીમાં સફળ થવા માટે ચોક્કસ રીતે દિશાદર્શન કર્યું. અભ્યાસી જીવ એટલે અધ્યાપન સાથે સાથે અભ્યાસ પણ ચાલે. તેમણે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા પર એમ.ફિલ. કર્યું છે. અને ‘આધુનિક ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ’ વિષય પર પીએચ.ડી. થયા છે. પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે તેમના હાથ નીચે પચીસ વિદ્યાર્થી પીએચ.ડી. થયા છે, અઠ્ઠાવન વિદ્યાર્થી એમ.ફિલ. થયા છે. સૌ પ્રથમ વાર ‘કંકાવટી’માં ‘અંદર તો અજવાળું એવું ચૌદ લોક હું ભાળું’ ગીત પ્રગટ થયું. આમ કવિતાથી થયેલી શરૂઆત પછી નિબંધનો ચસકો લાગ્યો. ‘હીરા માવાની વાડી’, ‘જગજીવન હરિ’, ‘ભજનની ભાવભીની રાતુ’ જેવા નિબંધો ‘તથાપિ’ અને શબ્દસર’માં પ્રગટ થતાં સુપેરે નોંધ લેવાઈ. સુ.જો.સા.ફો.માં વાર્તા લખાતાં નિબંધમાંથી નીકળીને વાર્તા તરફ મોકળાશ મળી. અધ્યાપનકાર્ય સાથે અધ્યયન થતું હતું એ અરસામાં સુમન શાહે ‘સન્નિધાન’ નામની પ્રવૃત્તિ શરૂ કરી તેમાં પચીસ જેટલી કાર્યશિબિરોમાં જોડાવાનું થયું. અનેક સર્જકો પ્રાધ્યાપકોની સાથે રહેવાનું બનતાં કળાપદાર્થની સમજ વધુને વધુ વિકસી. વળી સુમન શાહ પ્રેરિત સુરેશ જોષી સાહિત્ય વિચાર વાર્તાશિબિરોમાં આમંત્રણ મળતાં વાર્તાતત્ત્વ વિશે રસ પાડવા લાગ્યો. સુ.જો.સા.ફો.ની શિબિરમાં બે ત્રણ પેઢીના વાર્તાકારો સાથેનો સેતુ રચાયો અને વિવિધ સામયિકોમાં પ્રગટ થતી વાર્તાઓ ઉત્સાહરૂપ બની. તો બીજો પડાવ ‘જલારામદીપ’ મૅગેઝિનના વિશેષાંકમાં ભાવભીનું આમંત્રણ મળતું રહ્યું. નર્મદ સાહિત્ય સભા સુરતથી અપાતો ‘કેતન મુનશી પારિતોષિક’ પણ એટલો જ પ્રેરક રહ્યો. તેમણે ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા’ (સંશોધન ૧૯૯૭), ‘આધુનિક ટૂંકીવાર્તામાં સન્નિધિકરણ’ (સંશોધન ૨૦૦૪), ‘સન્નિધાન સન્નિધાન’ પુસ્તક ૪થી ૯ (સહસંપાદન), ‘નવલકથા સન્નિધાન’ (સંપાદન), ‘શબ્દાયન’ (વિવેચન ૨૦૧૦), ‘કથાદર્શન’ (વિવેચન ૨૦૧૪), ‘રૂપાંતર’ (વાર્તાસંગ્રહ ૨૦૧૩) ‘કાવ્યપથ’ (વિવેચન ૨૦૧૭) ‘કાકડો’ (વાર્તાસંગ્રહ ૨૦૧૭), ‘કૃતિભાવ’ (૨૦૨૦) અને ‘વીડિયો શૂટીંગ’ વાર્તાસંગ્રહ (૨૦૨૪) પુસ્તકો આપ્યાં છે. તેમના વાર્તાસંગ્રહ ‘કાકડો’નો હિન્દી અનુવાદ ‘પ્રતિશોધ’ નામે મેહુલ પ્રજાપતિ અને આચલ યાદવે કર્યો છે. કૉલેજમાં સક્રિય અધ્યાપક તરીકે સતીશ વ્યાસ લિખિત કવિ ‘કાન્ત’ ઉપર આધારિત નાટક ‘જળને પડદે’નું મંચન યુનિવર્સિટીમાં કરાવ્યું. સુ.જો.સા.ફો.ના બે વાર્તાશિબિરો પાટણમાં કર્યા છે. દિલ્હી સાહિત્ય અકાદમીના યુવાગૌરવ તથા અનુવાદ માટેના એવૉર્ડ માટે ૨૦૧૫થી ૨૦૨૦ સુધી સેવાઓ આપી છે. સાહિત્યસર્જનને ‘જમના શિશુ સદન’ વાર્તા માટે કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી દ્વિતીય પારિતોષિક (૨૦૧૩) ‘કાકડો’ વાર્તા માટે કમળાશંકર પંડ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી દ્વિતીય પારિતોષિક (૨૦૧૪) ‘કાકડો’ વાર્તાસંગ્રહને કુમાર આર્ટ ફાઉન્ડેશન ગોધરા માટે રમણલાલ વ. દેસાઈ પારિતોષિક (૨૦૧૮) જેવાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે. ‘સુરેશ જોષી વાર્તા ફોરમ’ અને ‘ઉત્તર ગુજરાત વાર્તાવર્તુળ’ના પરિપાક રૂપે ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ મેળવનાર ડૉ. ભરત સોલંકી ‘આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ’ વિષય પર સંશોધન કાર્ય કરતાં કરતાં અસંખ્ય વાર્તા વાચનમાંથી પસાર થયા. સુમન શાહના માર્ગદર્શન અને હૂંફથી ટૂંકી વાર્તા લેખનનો અભિગમ કેળવાયો.

વાર્તાસંગ્રહો

(૧) ‘રૂપાંતર’ (૮ વાર્તાઓ ) પ્ર. ફ્લેમિન્ગો પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૧૩ કિંમત રૂ.૫૦ અર્પણ : પૂજ્ય ડૉ. સુમન શાહ તથા પૂજ્ય શ્રીમતી રશ્મીતા શાહને જેઓએ ‘મારા વ્યક્તિત્વ અને સર્જક્ત્વ બંનેને પાંગરતું જોવાની ખેવના રાખી છે.’ (૨) ‘કાકડો’ (૧૪ વાર્તાઓ ‘રૂપાંતર’ની ૭ વાર્તાઓ પુનઃ સમાવિષ્ઠ કરી છે.) પ્ર. પ્રણવ પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૧૭ કિંમત રૂ. ૧૦૦ અર્પણ : ડૉ ભરત મહેતા ‘સાહિત્ય અને શિક્ષણ જગતની મને દિશા ચીંધનાર’. (૩) ‘વીડિયો શૂટીંગ’ વાર્તાસંગ્રહ ડિવાઈન પબ્લિકેશન પ્રથમ આવૃત્તિ ૨૦૨૪ વાર્તાલેખન અને વાર્તા વિભાવના વિષે લેખકના નિવેદનમાં તેમના જ શબ્દોમાં જ જોઈએ – ‘વાર્તાઓ લખતાં અમે સ્વરૂપ કરતાં સંવેદનને સાંગોપાંગ સાચવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક તેમ કરતાં વાર્તાનું સ્વરૂપ કોઈને અળપાયેલું લાગે પણ ખરું પણ સ્વરૂપનો સાવ દ્રોહ પણ નથી કર્યો.’ (‘રૂપાંતર’, પૃ. ૫) ‘વસ્તુ આવે – આવે ને વણસી જાય. ધાર્યુ હોય કોઈ વિષય પર વાર્તા લખવાનું ને લખાય કોઈ બીજા જ વિષય પર. આમ વાર્તાલેખનના પ્રેરણાસ્રોત મારી પાસે વાર્તા લખાવે છે ને લખાય છે વાર્તાઓ.’ વધુમાં તેઓ લખે છે, ‘સતત મારી આસપાસ જીવાતા જીવનમાં વધુ રસ. જીવનને અંતરિયાળ નહીં પણ બર્હિવર્તી વર્તતાં વર્તતાં અનેક અવનવા વિષયો સામેથી આવીને મને અંદરથી ઝકઝોરે છે. પછી તો વસ્તુ, પાત્રો, રસ, સંવાદ, સંઘર્ષ કે ભાષાનું પોત આપોઆપ રચાય છે મારા માનસપટમાં. ને અંતે પ્રગટે છે એક વાર્તા.’ ‘એક સર્જક તરીકે મેં ભાવકવશવર્તી વાર્તાઓ લખી છે કૃતકતાથી, દુર્બોધતાથી કે કલાત્મકતા જેવા ભારેખમ શબ્દોથી અળગા રહી વાર્તાયોગ્ય વિષયવસ્તુને શક્ય એટલી માત્રામાં સર્જનાત્મક બનાવીને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે.’ (‘કાકડો’, પૃ. ૫–૬) ડૉ. ભરત સોલંકીના બે વાર્તાસંગ્રહોમાં અનુક્રમે ‘રૂપાંતર’ની આઠ અને ‘કાકડો’માં ચૌદ કુલ બાવીસમાંથી રૂપાંતરની પુનઃ સમાવિષ્ઠ સાત બાદ કરતા કુલ પંદર વાર્તાઓ મળે છે.

Rupantar by Bharat Solanki - Book Cover.jpg

જે વાર્તાના શીર્ષકથી સંગ્રહનું શીર્ષક પસંદ કરવામાં આવ્યું છે એ વાર્તા ‘રૂપાંતર’ પ્રથમ પુરુષ એકવચનથી કહેવાયેલી છે. વાર્તાનાયક શહેરમાંથી પોતાના વતન ગામમાં ધાર્મિક પ્રસંગે ઘરે આવે છે. વર્ષો પછી વતનમાં આવતાં સ્મૃતિપટ પર સ્મૃતિઓ ઉભરાય છે. નગરચેતના અને ગ્રામચેતનાનું સન્નિધિકરણ યોજાયું છે. બાળપણના દોસ્ત કાળિયાની પરિસ્થિતિ જોઈ માતા દેવીના પ્રકોપથી ડરીને ગામની બહાર રહેવા જવાની સ્થાનિક વહેમ અને ગ્રામજનોની શ્રદ્ધાને આલેખે છે. કાળિયાના કહેવા મુજબ ઘરમાંથી એક એક જણનો ભોગ લેતી માતાના કારણે, વહેમના કારણે તે માતાજીના મઢથી દૂર પ્લોટમાં રહેવા આવે છે. લુખ્ખો સૂકો રોટલો ખાતો કાળિયો માતાને ઘીનો દીવો કાયમ પૂરતો રહે છે. આ કાળુની શ્રદ્ધા અકબંધ છે. છતાં દેવ તરફથી તેની ગરીબ પરિસ્થિતિમાં કશો જ ફેરફાર નહીં પડતાં નાયકની શ્રદ્ધા ડગમગી જાય છે. બસ આ દેવને પથ્થરમાં રૂપાંતર પામતા અનુભવે છે.

Kakado by Bharat Solanki - Book Cover.jpg

‘કાકડો’ વાર્તા બીમાર પડેલા કથાનાયકની કમ્પાઉન્ડર સલમાન દ્વારા લેવાતી કાળજીથી વાર્તા શરૂ થાય છે. દસેક વર્ષ પહેલાંના ફ્લેશબૅકમાં અમદાવાદના નિવાસ દરમિયાન ફ્લેટની નીચે ગેરેજમાં કામ કરતા સુલેમાનના ઘર જેવા સંબંધો રમખાણના સમયે બદલાઈ જતું વર્તન મારો.. કાપો.. સાલે કાફર.. જેવા શબ્દો દ્વારા વ્યક્ત થતી ધાર્મિક કટ્ટરતા અને ગેલેરીમાં ફેંકાયેલા કાકડાથી જીવતે જીવ મારી નાખવા તૈયાર થયેલા સુલેમાનની કોમવાદી આગ હૃદયમાં સળગતી જ રહે છે. દસેક વર્ષના સલમાન અને સુલેમાનના વ્યક્તિત્વનો વિરોધાભાસ સંન્નિધિકરણ રચાયું છે. વાર્તાના અંતે પોતાના વર્ગશિક્ષકની તબિયત માટે આકરા રોજા રાખી બીમાર પડતા સિપાહી હાજીમિયાંના ઘરે જઈ નાયક રોજા છોડાવે છે. કોમી એકતાના સુખદ અંત સાથે વાર્તા પૂરી થાય છે. તુરી સુરેશકુમાર માંગીલાલ ‘કાકડો’ વાર્તા માટે લખે છે, ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં આ પ્રકારનું વિષયવસ્તુ ધરાવતી વાર્તા ભાગ્યે જ જોવા મળે છે. આ વાર્તા અનુઆધુનિક સમયમાં વિષયવસ્તુ તથા અભિવ્યક્તિની દૃષ્ટિએ નૂતન છે તથા કોમવાદથી કોમી એખલાસની વાર્તા બને છે તે આ વાર્તાનું નોંધપાત્ર પાસું છે.’ (‘નોલેજ કન્સર્ટીઅમ ઑફ ગુજરાત-૩૩’ ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૨૦) ‘બાધા’ વાર્તામાં વાડજ પાસેની સ્મશાનભૂમિમાં નાનુંમોટું કામ કરી પોતાનું પેટ ભરતા ઝૂંપડપટ્ટી વિસ્તારનો દીકરો વેલો આડે પાટે ચડેલ, રખડું એવા પિતા કાનજીની જવાબદારી ઉપાડી ગુજરાન ચલાવે છે. બી.આર.ટી.એસ. બસ રૂટની લાઇન દોરીમાં પોતાની ઓરડીઓ જતાં સ્મશાનભૂમિ પર રહેવા મજબૂર બને છે. શ્રાવણ માસના એકધારા વરસાદમાં કામ ના મળતાં ભૂખ્યા દિવસો વિતાવતાં ‘આજે કોઈ લાશ આવે એય ઊંચા ઘરની’ તો શંકરને પાંચ લાડવાનો પ્રસાદ ચડાવવાની બાધા રાખે છે. કથાના અંતમાં લાશ આવે છે પણ કોની? પોતાના પિતા કાનજીની જ કરુણ વાર્તા. ‘બદલો’ વાર્તાની નાયિકા સુધા પોતાના ઓછા ભણતરને કારણે પોતાના ભોળપણનો લાભ લઈ પતિ બીજી સ્ત્રી સાથેનાં નામ જોડી ખોટેખોટા ઝઘડા વહોરે છે. કાયમના કંકાસથી કંટાળી નાયક ઘર બહાર નીકળે છે. બગીચામાં મોનાનો પરિચય થતાં મનમાં પત્ની સાથે બદલો લેવાની ભાવનાથી પરિચય વધારે છે. અને છૂટાછેડા માટે પણ તૈયાર થઈ જાય છે. બીજા દિવસે પત્ની સુધા બીમાર છે અને એનો પસ્તાવો સાંભળે છે. નાયકનું હૃદયપરિવર્તન થાય છે સુખદ વાર્તા. રમણલાલ અને રેવાબહેનનો પોતાના જ ગામમાં મકાન ભાડે રાખે છે. ભડલીમાં કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા પાંચ પાંચ દીકરા સાથેના મોટા પરિવારનું ગુજરાન ચલાવતાં પૂરું ન પડતાં શહેરમાં જવા નક્કી કરે છે દીકરાના વિકાસ માટે અડધું ઘર વેચી મારે છે. દીકરા કુલદીપકના ભવિષ્ય માટે મોટા શહેર અમદાવાદ ભણી ઉપડે છે. અમદાવાદમાં ભણી, નોકરી કરતા કુલદીપક કૉલેજીયન મિત્ર પલ્લવી સાથે લગ્ન કરાવે છે પણ આવનારી વહુ વાઘણ નીકળી. કંકાસ વધ્યો કુલદીપક દારૂના રવાડે ચડ્યો ને નશામાં બાઈક પર ટ્રક સાથે અકસ્માતમાં અવસાન પામે છે. પલ્લવીએ તમામ સંબંધ કાપી પોતાનો હક લઈ લીધો અને રમણલાલ રેવાબહેન દીકરાનો ફોટો લઈ વતન પાછા આવી ગયાં. ‘મારો હાળો ફેરો પડ્યો.’ રમણલાલના વાક્યનું અનુસંધાન સાધતાં રેવાબહેન કહે છે, ‘હા. પણ આખાય આયખાનો ય’થી વાકયથી વાર્તાનો કરુણ અંત આવે છે. ધના પટેલના મકાન જોવા સાથે વાર્તાની શરૂઆત થાય છે. વર્તમાનથી ભૂતકાળમાં વાર્તા ફ્લેશબૅકમાં ચાલે છે. વાર્તામાં બાહ્ય અને આંતરિક સંઘર્ષ ધ્યાનાકર્ષક બન્યો છે. ‘ફેરો’ ટૂંકી વાર્તા માટે હાર્દિક પ્રજાપતિ લખે છે કે, ‘નવલકથાના વિષયવસ્તુ જેવા લાગતા એટલે કે રમણલાલ અને રેવાબેનના સમગ્ર જીવનને નિરૂપતા આવા વિષય વસ્તુને ટૂંકી વાર્તાના લાઘવના સ્વરૂપમાં મૂકી આપવું એ પણ વાર્તાકાર તરીકે સર્જકની સિદ્ધિ બને છે.’ (‘દલિતચેતના’, પૃ. ૩૩ નવેમ્બર ૨૦૧૮) ‘દુર્ગા’ વાર્તા કથાનાયિકાના નામ પરથી નાયિકાપ્રધાન વાર્તા છે. દીકરા-દીકરીનાં લગ્ન ઉકેલીને નવરી થઈ જતી વિધવા દુર્ગા પતિના ફોટા પર હાર કરમાઈ જતો જોઈ સાફસૂફી કરતાં ફ્લેશબૅકમાં ચાલી જાય છે. પરોપજીવી અને વિદ્યાપ્રેમી પતિ હર્ષદ સાથેનો જોવાયેલો દસકો અને આકસ્મિક થયેલ અકસ્માત પછી ઘર સંભાળે છે પણ ભાઈ ભાભી લોહીના સંબંધો પોકળ નીકળતાં જીવનયુદ્ધ જાતે લડી જીવે છે. પતિના કૉલેજના સ્ટાફના મિત્રો દીકરીના લગ્નનો ખર્ચ અને કામગીરી છૂપી રીતે ઉપાડી લે છે. દીકરા પરાગના બ્લડકેન્સરની માંદગીની સારવાર હોય કે લગ્ન બધા જ પ્રસંગો ખૂબ સારી રીતે ઉકલી ગયા. હર્ષદના સતત સત્કર્મનો બદલો મળી રહ્યો હોય એમ તે સદેહે અહીં ન હોવા છતાં પણ પોતે સૌભાગ્યવતી હોવાનો અહેસાસ કરાવે છે. જેના માટે વાર્તાના અંતે સેંથામાં પૂરાતું સિંદૂર અને કંકુનો મોટો ચાંદલો કરી હર્ષદની હાજરી હોવાનું સિદ્ધ કરે છે. ‘ઘર’ રવિવારના નિરાંતના દિવસે બગીચામાં ટહેલતા નાયકે સમાજના થોડાક લોકોને કૌટુંબિક ઝઘડાનો ઉકેલ લાવવા ભેગા થતા જોયા. ચંદુ અને શેનીના સંબંધને છૂટો કરવા પંચાતિયા મથતા હતા. નાનાં બાળકોને રડતાં-રઝળતાં મૂકીને કરાતા ઘરભંગના કિસ્સાને લેખકે છેલ્લે પોતાના ઘરમાં સરસ ચિત્રના માધ્યમથી આલેખ્યો છે. કરુણ વાર્તા. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તા ‘સુખ’ની નાયિકા રિદ્ધિ પતિ સંદીપની નોકરીની વ્યસ્તતામાં વીસ વીસ વર્ષથી એકલી રહે છે. એક ફોન કોલ્સના કારણે કૉલેજ જીવન ફ્લેશબૅકમાં ઊઘડે છે. વિલાસ સાથેનો અનુરાગ પણ પિતાજીના સંસ્કાર બળે નાનપભાવ અનુભવે છે. સમય જતાં સંદીપ નામના યુવાનને પરણી પણ વિશાલને ભૂલી નથી. સ્પોટ્‌ર્સ રૂમમાં અધૂરું રહી ગયેલ સુખ આટલા વર્ષે પૂરું કરવા ફરી તૈયાર થાય છે. કોન્ટેક નંબર ડાયલ કર્યા પછી પિતાજીના ફોટા પર નજર કરતાં જ પોતાના વર્તમાન સુખમાં પરત ફરે છે અહીં ‘ઓકે’ અને ‘કટ’ અને ‘ડિલિટ’ જેવા શબ્દો વાર્તા માટે ખૂબ લેખે લાગ્યા છે. ત્રણ પેઢીના સંસ્કારને એક ધાતુપાત્ર જરમનનો વાડકોના પ્રતીક વડે સુખદ અંત ધરાવતી વાર્તા છે. ‘વેલીડીટી ખલાસ’ વાર્તા બીજા પુરુષ એકવચનમાં લખાયેલી છે. સામાન્ય ગરીબ પરિવારમાં ઊછરેલો વાર્તાનાયક વિનોદ કમ્પ્યુટર એન્જિનિયર થયા પછી વિનોદચંદ્ર બન્યો. વાર્તાનાયક જ્યારે રાત્રે સૂતી વખતે ‘સરપ્રાઇઝ સવારે આપીશ’ તેને કહે છે અને સવારે હાર્ટએટેકનો પ્રસંગ બને છે. ‘આવાગમન’ નાયક બસમાં ઘણા વર્ષે ઘરે વતન આવે છે અમદાવાદ જેવા નગરમાં સદ્ધર થઈને વતન પરત આવે છે. આવતાવેંત મનમાં પાત્રો ઓગળે છે રૂપચંદ શેઠ કાળુભા ગંગામા અને ખાસ તો સુગંધી રૂપચંદ શેઠને ત્યાં કપાસનાં કાલાં ફોલવાના રૂ ખૂલવા સાથે બાળરમત થતી અને ઉંમરના પ્રભાવે એકમેકના સાથે મળેલી સુખદ પળો યાદ આવે છે કે પછી લગ્ન સમયે પણ નાયકની વાટ જોતી સુગંધી વિદાય લેતાં નાયકને માટે ગામમાં કશું જ રહ્યું નહોતું. ગામમાં આવવા માટેનું કોઈ કારણ રહ્યું નથી. ‘જમના શીશુ સદન’વાર્તામાં સદાના વાંઝણાં રહેલાં જમનામા બાધા-આખડી, દવા બધું જ કરી ચૂક્યાં હતાં. એક રાતે લાંબી મુસાફરીમાં ચાલ્યાં જાય છે. તેમના વારસદાર તરીકે નાયક ઓરડાને અને જમીનમાં નાયક દેરી ન બનાવતાં શિક્ષણ માટે યોગ્ય ઉપયોગ કરે છે. અને બાળકોની કીકીયારીથી જાણે જમનામાના ઓરડાને આનંદિત કરે છે એ રીતે ‘જમના શીશુ સદન’ શીર્ષક સાર્થક રીતે પ્રયોજાયું છે. ‘ફણગો’ અને ‘ભરડો’ બંને જાતીયવૃત્તિને આલેખતી વાર્તાઓ છે. નારી જાતિની અધૂરી કામવાસનાને નિરૂપિત કરતી બંને વાર્તાઓમાં નાયિકાની સરખી જ પરિસ્થિતિ છે. ‘ફણગો’ વાર્તામાં ઘણાં અરમાનો લઈને સાસરે આવતી ધૂળી પતિ રઘુ પાસે આવતાં જ અતૃપ્તિ અનુભવે છે. અને ચંદુ સાથે સંબંધ બાંધવા મજબૂર થાય છે. તો ‘ભરડો’માં ધંધામાં રચ્યાપચ્યા રહેતા પતિ સંપતરાયથી અતૃપ્ત રંભાબેન કાર ડ્રાઇવર સાથે રતિસુખ માણવાનો પ્રયત્ન કરે છે. બંને વાર્તાઓમાં પ્રયોજાયેલ પ્રતીક યોજના શીર્ષકને સાર્થક કરે છે. ‘ફણગો’માં ‘ધૂળી વર્ષોથી તરસી ભોંની જેમ રઘુ સામે જોઈ આશ માંડતી ને રઘુ શ્રાવણના સરવડાની જેમ અલ્પ ઝલપ વરસ્યો ન વરસ્યો ને વાદળ થઈ ચાલ્યો જતો. ધૂળી એવી ને એવી અકબંધ, કોરી ને તરસી રહી જતી.’ (‘કાકડો’, પૃ. ૬૮) વાર્તાના અંતમાં રઘુ અને ધૂળી ચોમાસુ આવતાં આનંદિત બને છે પણ રઘુ ખેતરમાં વાવેલું ઊગી નીકળ્યું છે, એ વાત કરે છે. પણ અહીં ધૂળીના મનની સ્થિતિ કંઈક જુદી જ છે. ‘ત્યાં તો એક રાતે રઘુ ફુલાતો ફુલાતો આવ્યો. ધૂળીને બાથમાં ભીડી પથારીમાં પાડી. ધૂળીને લાગ્યું, કોઈ દન નહિ ને આજ. ત્યાં તો રઘુ છાશ જેવું મૂતર્યો. ધૂળી ગામનું જે થાય તે થાય, પણ આ પણ ભાવ્યા આ જ ચાલશે ચાહે પૂછીને ફાટેલી જોઈ લાગે છે બીજાનો બી કપાસ ઘરનું પાણી થોડું અંદરનું અને થોડું ઉપરનું પણ ફૂટ્યો ખરો. રઘુના હરખ સાથે સહમત થવા જતાં જ પેટમાં કંઈક ફરકતું લાગતાં મનમાં જ બબડે છે. ‘હા ભૈ હા, ફણગો ફૂટ્યો ખરો!’ (‘કાકડો’, પૃ. ૭૦) ડૉ. ભરત સોલંકીની ‘ફણગો’ વાર્તામાંથી પસાર થતાં વસ્તુ અને અભિવ્યક્તિ બંને દૃષ્ટિએ વાર્તા સ્પર્શી ગઈ. નારીના જીવનની અતૃપ્ત કામવાસનાને અહીં વાર્તાકારે કલાત્મક રીતે અભિવ્યક્તિ આપી છે. રઘુ, ચંદુ અને ધૂળીની આસપાસ ફરતી આ વાર્તાનું વસ્તુસંશોધન પ્રશંસનીય છે. વર્તમાનની ધરીથી શરૂ થતી વાર્તા ભૂતકાળની કડીઓને ઉમેરતી ફરીથી વર્તમાનકાળમાં આવીને ઊભી રહે છે. વાર્તા અંતની દૃષ્ટિએ આસ્વાદ યોગ્ય છે. તો ભાષાની દૃષ્ટિએ પણ વાર્તાનો સ્વતંત્ર અભ્યાસ થઈ શકે તેમ છે.’ (ડૉ. બી. એસ. પટેલ ‘કિંગ ઓફ એજ્યુકેશન વર્લ્ડ’, નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૩) ‘ભરડો’માં વાર્તાનાયિકા રંભા હોટલના રાત્રી રોકાણ દરમિયાન કાર ડ્રાઇવર સાથે દેહ સંબંધ બાંધવા પ્રયત્ન કરે છે. પરંતુ વાર્તાનાયક રૂમ છોડી બહાર ચાલ્યો જાય છે. ઘરે ગયા પછી પત્ની શોભાની શંકાનું સમાધાન કરવા જતાં રંભા વિશેષ ઉશ્કેરાઈને દેહસંબંધ બાંધવા વિવશ કરે છે. રંભા અને તેના પતિ નાયકના ઘેર જઈ પત્નીને સમજાવવા આવે છે. એ જ રાતે પત્ની રતિસુખ માણવા આક્રમક બને છે. વાર્તામાં પ્રતીક યોજનાની રચનારીતિ સફળ રીતે પ્રયોજી છે. ‘હું રણભૂમિમાં ઘાયલ થઈ પડેલા યોદ્ધા જેવો હથિયાર વિનાનો હેઠે પડ્યો હતો. શોભા વધુ આક્રમક બની મારા શરીર ફરતા હાથ વીંટાળવા લાગી. મેં કણસતાં આંખો બંધ કરી ને શોભા મને સાપણ જેવી લાગી.’ (‘કાકડો’, પૃ. ૯૮) પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી ‘સખીરી! મેં તો પ્રેમદિવાની’ વાર્તામાં વાર્તાનાયકનો મનોસંઘર્ષ સુપેરે પ્રગટ્યાં છે. વાર્તાનાયક પરભુ મેરાઈ કુંવારા છે. તેના જ જ્ઞાતિના રાયચંદ મેરાઈના મૃત્યુના સમાચાર મળતાં જ પોતાની જાતને રાયચંદ સાથે સરખાવતાં રાયચંદના લગ્ન જીવનની કરુણતા અને પત્ની વિનાની એકલતાના સંન્નિધિકરણ દ્વારા પોતાના ભીતરની લાગણી વ્યક્ત કરી છે. લાંબે ગાળે પરણી ન શકવાની પીડા વાર્તાના કથનમાં વ્યક્ત થાય છે. નાયક નપુંસક એના સંદર્ભો લેખકે બખૂબીપૂર્વક પ્રયોજ્યા છે. ‘બા-બાપુજીએ તેલ વગરના તલને પારખી જઈને લગ્ન કરાવવાનું માંડી વાળેલું હોય કે વાર્તાનાયકના ભૂતકાળનાં સ્મરણમાં દોસ્તારો દ્વારા કરાતી હરકત હોય, પાન ખાવા જતા નાયકની હાજરીમાં થતી મિત્રોની અશ્લીલ વાતો હોય, માપ આપવા આવેલી યુવતીના ખુલ્લા ઇજનને સ્વીકારી શકતો નથી. પુરુષત્વની ખામીના કારણે જ લગ્ન કરાવવાનું માંડી વાળેલું. પણ મામા વાર્તાનાયકના અંદરના દર્દને જાણે છે. ઢળતી વયે લગ્ન કરવા સમજાવે છે અને વાર્તાનાયક જીવનની અંતિમ ક્ષણો વિશે વિચારતાં પોતાની નામર્દાનગીને કારણે આવનાર સ્ત્રીને શરીર સુખ નહીં આપી શકે તો? જબરદસ્ત સંઘર્ષ અનુભવે છે. પોતાની જાતને ‘કાના’ સાથે નહીં પણ ‘રાધા’ સાથે સરખાવીને વાર્તાનું શીર્ષક ‘સખીરી! મેં તો પ્રેમદિવાની, મેરો દર્દ ન જાને કોઈ’ (‘રૂપાંતર’, પૃ. ૨૬) આ વાર્તામાં નાયકનો મનોગત સંઘર્ષ કલાત્મક રીતે વ્યક્ત થયો છે. ‘આમ, સમગ્ર વાર્તા એકલતા, મૃત્યુ અને તેમાંથી પ્રગટતા ભયનું સૂચન કરે છે. સાથે જ એ ભયમાંથી જાગી ગયેલા નાયકની વળતી અવસ્થાએ જીવનને માણી લેવાની હકારાત્મક લાગણીને વ્યક્ત કરે છે. નાયકનો મનોગત સંઘર્ષ વાર્તાના રસનું કેન્દ્ર બને છે. તે પોતાની વૃત્તિ પર વિજય મેળવ્યાની આનંદની લાગણી જ નાયકને પ્રેમદિવાનીનો ઉદ્‌ગાર કરાવે છે.’ (ડૉ. વર્ષા પ્રજાપતિ, ‘તાદર્થ્ય’, ઑગસ્ટ ૨૦૧૨) સમગ્ર વાર્તાઓ વાંચતાં સર્જકની વિષયવૈવિધ્ય, પાત્રાલેખન અને પાત્રોના આંતર બાહ્ય મનોસંઘર્ષનું વર્ણન, ભાષાકર્મમાં વિવિધ રૂઢિપ્રયોગો અને કહેવતો, દેશ્ય શબ્દો તથા ઝાલાવાડી બોલીના સ્પર્શ દ્વારા ભાષા પાસેથી સારું એવું કામ લીધું છે. પ્રતીક, કલ્પન અને વિવિધ રચનારીતિઓના વિનિયોગથી વાર્તાઓની રજૂઆત પણ સારી એવી છાપ છોડી જાય છે. ઘટના આલેખનમાં લેખકની સૂક્ષ્મ દૃષ્ટિ, પરિવેશ બાંધવા માટે આલંકારિક ભાષાપ્રયોગ, પ્રાકૃતિક સૌન્દર્ય આલેખન નગર અને ગ્રામ્ય લોકોના સ્વભાવ પ્રગટાવવામાં લેખક કુશળતાથી સર્જકતાને કામે લગાડે છે. ‘સમગ્ર વાર્તાઓ તપાસતાં લેખકની વાર્તાકળાની સૂઝ, પાત્રોચિત સંવેદના, જાતીય લાગણીઓ, આધુનિક ભાષાપ્રયોગ ગ્રામ અને નગર પરિવેશ, પ્રાકૃતિક પરિવેશ, પાત્રોચિત વૃત્તિઓ ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ સંવાદ બોલી ને કાકુ, પાત્રોચિત વૈચારિક પરિવર્તન પુરુષમાંથી પ્રગટતા સ્ત્રૈણભાવો વગેરે આમ લેખકે વાર્તાસ્વરૂપને અનેક પરિમાણથી (Dimentions) તપાસીને વાર્તાસર્જન કર્યું છે. એને કારણે તેમની વાર્તાઓ વાંચનારને લેખકમાં પીઢ વાર્તાસર્જકનાં દર્શન થાય.’ (હેમંત સુથાર)

સંદર્ભ :

૧. ‘રૂપાંતર’, ફ્લેમિન્ગો પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૧૩
૨. ‘કાકડો’, પ્રણવ પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ ૨૦૧૭
૩. ‘ટૂંકીવાર્તામાં નવો મેસેજ સર્જનાર સર્જક’, હેમંત સુથાર (‘તાદર્થ્ય’, એપ્રિલ ૨૦૧૬)
૪. ‘સખીરી! મેં તો પ્રેમદિવાની’ – એક આસ્વાદ’, (ડૉ. દિનેશ ચૌધરી ‘કાકડો’, પૃ. ૧૦૯)
૫. ‘સખીરી! મેં તો પ્રેમદિવાની’ – એક આસ્વાદ’, ડૉ. વર્ષા પ્રજાપતિ (‘તાદર્થ્ય’, ઑગસ્ટ ૨૦૧૨)
૬. ‘ભરડો’ નીતિ અનીતિ વચ્ચેના સંઘર્ષને વ્યક્ત કરતી વાર્તા’, તૂરી સુરેશકુમાર માંગીલાલ ‘પરિવેશ’ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૦)
૭. ‘ફેરોઃ જિંદગીમાં પડેલા ફેરાની વાર્તા’ હાર્દિક પ્રજાપતિ, ‘દલિત ચેતના’, નવેમ્બર ૨૦૧૮)
૮. ‘કાકડો : અનુ આધુનિક વાર્તાનો નવોન્મેષ’, તુરી સુરેશકુમાર માંગીલાલ નોલેજ કન્સર્ટીઅમ ઑફ ગુજરાત, ડિસેમ્બર જાન્યુઆરી ૨૦૨૦.
૯. ‘ફણગો : અતૃપ્ત કામ વાસનાનું કલાત્મક નિરૂપણ’, ડૉ. બી. એસ. પટેલ (કિંગ ઑફ એજ્યુકેશન વર્લ્ડ, નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૩)
૧૦. ‘સખીરી! મેં તો પ્રેમદિવાની’ વાર્તામાં નાયકનો મનોસંઘર્ષ’ જયેશકુમાર નટવરલાલ પટેલ (‘દલિત ચેતના’, સપ્ટેમ્બર ૨૦૧૫)

‘શિલ્પી’ બુરેઠા
એમ. એ., બી. એડ.
શ્રી લવારા પગાર કેન્દ્ર શાળા
મુ લવારા તા. ધાનેરા જિ. બનાસકાંઠા, પીન ૩૮૫૩૧૦
મો. ૯૯૭૪૪૮૫૦૮૩
Email : shilpiburetha@gmail.com