ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મીનાક્ષી ચંદારાણા
આશિષ ચૌહાણ
વાર્તાકારનો પરિચય :
ગુજરાતી સાહિત્યક્ષેત્રે મીનાક્ષી ચંદારાણાનું નામ બાળસાહિત્ય, ગઝલ, સંપાદન વગેરેમાં તો છે જ. વાર્તાકાર તરીકે પણ જાણીતાં છે. તેમનો જન્મ ૩-૯-૧૯૫૯ના રોજ ભાવનગરમાં થયો. વતન રાજકોટ. બી.એસસી.(મેથ્સ), ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન સાથે તેઓએ અભ્યાસ કર્યો. તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૮૧થી કરી. ૧૯૮૮ સુધી સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં સેવા આપી. તેઓએ નેચરોપથી વૈકલ્પિક ઉપચાર ચિકિત્સામાં સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો.
સાહિત્યસર્જન :
બાળસાહિત્ય અને ગઝલસર્જનમાં અજાણ્યું ન હોય એવું નામ ટૂંકી વાર્તા સર્જન તરીકે પણ ઢળે છે. વાર્તાઓનો સંગ્રહ થયા પહેલાં કેટલાંક સામયિકોમાં તેમની વાર્તાઓ, ગઝલ, લેખ, વ્યંગ્ય, માહિતીલેખો, નિબંધ અને વાર્તાઓ છપાતી રહી છે. જેમ કે, ‘નવનીત સમર્પણ’, ‘ચાંદની’, ‘અખંડાનંદ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘ઉદ્દેશ’, ‘સ્ત્રી’, ‘મમતા’, ‘છાલક’ વગેરે. તેમનું સાહિત્યસર્જન ખરેખર તો ૨૦૦૫થી શરૂ થાય છે. પછી કશુંક નવું નવું સાહિત્ય ખેડાણ તેઓ કરતા રહ્યા છે. જાણે કે એ સ્વભાવમાં જ ન હોય! આ સંદર્ભ તેમને ટૂંકી વાર્તાના સર્જનમાં કામ લાગે છે.
ગઝલસંગ્રહ :
‘સાંજના સૂને ખૂણે’(૨૦૧૫)
બાળસાહિત્ય :
‘હેઈ! હેઈ!’ (બાળકાવ્યસંગ્રહ, ૨૦૦૭), ‘વારતા રે વારતા’ (બાળવાર્તા સંગ્રહ, ૨૦૦૮), ‘ટિકુંભાઈ! ચાલો, પરીલોકમાં’ (બાળવાર્તાઓ, ૨૦૨૨), ‘અલકમલકથી ઊપડ્યું ઝરણું’ (બાળકાવ્ય સંગ્રહ, ૨૦૨૨).
સંપાદન :
‘અહીંથી ગયા એ રણ તરફ’ (પ્રખર પ્રતિબદ્ધ શિવકુમાર આચાર્યનાં પરિચિતોનો સ્મૃતિ-સંચય, ૨૦૧૪) ‘સરસ્વતીવંદના’ (૧૧૫ શેરની દીર્ઘ ગઝલ) દીવાને-એ–ઝેબુન્નિસ્સા (ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસ્સાની કવિતાઓ, ૨૦૨૨) ઉપર્યુક્ત સાહિત્યસર્જન માટે તેઓને જુદાંજુદાં પારિતોષિકો પણ મળ્યાં છે. જેમ કે, ‘સાંજને સૂને ખૂણે’ ગઝલસંગ્રહ માટે પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ કાવ્યસંગત, વડોદરા દ્વારા ૨૦૧૫માં ‘હેઈ! હેઈ’ બાળ કાવ્યસંગ્રહ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક-૨૦૦૭, ‘વારતા રે વારતા’ ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૮, ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક ટૂંકી વાર્તા માટે, ૨૦૦૬, ‘પ્રગતિ મિત્રમંડળ’ વાર્તાસ્પર્ધા-૨૦૦૭ પારિતોષિક, ગઝલવિશ્વઃ સપ્ટે.-ઑક્ટો. ૨૦૦૮, અંકની શ્રેષ્ઠ ગઝલનું પારિતોષિક, ‘સ્ત્રી’ ટૂંકીવાર્તા સ્પર્ધા-૨૦૦૬ પારિતોષિક. તાજેતરમાં ઉષાબેન ઉપાધ્યાય પ્રેરિત, સ્થાપિત-સ્ત્રીઓ દ્વારા અને સ્ત્રીઓ માટે કાર્યરત સંસ્થા ‘જૂઈ મેળો’ દ્વારા વિશ્વભારતી સંસ્થાના નેજા હેઠળ ‘નવલા યુગે’ વાર્તાસંગ્રહને ‘શ્રીમતી સ્મિતાબેન કિરીટભાઈ શાહ’ નવલિકા પારિતોષિક ૫૦૦૦/-રૂ. ૩૦-૦૩-૨૦૨૪ના રોજ મુંબઈમાં વિશેષ સમારંભમાં એનાયત થયું.
વાર્તાકારનો યુગસંદર્ભ :
મીનાક્ષી ચંદારાણા આધુનિક અને આધુનિકોત્તર બંને ધારાનાં સંવેદનો વ્યક્ત કરે છે. આ ગાળામાં નારીચેતના તરફથી વાર્તાકારની ગતિ વધુ રહી છે. બોલીને સ્થાને, ભાષાને વધુ સર્જનાત્મક બનાવીને વાર્તાની કલાત્મકતાને રજૂ કરે છે. નારી, શ્રમિકો, મજૂરો અને કચડાયેલા તેમ જ ઘરેલુ જીવનમાં સર્જાતી અઘટિત ઘટનાઓને સંવેદનની રીતે વ્યક્ત કરી છે. સ્ત્રીના અસ્તિત્વની પડછે રહીને ભાવાત્મક રીતે વાર્તાકાર વ્યક્ત થયા છે. પુરુષ પ્રધાનતાનો મહિમા પણ પુરુષના મુખે નારીની છબીને ઉલ્લેખીને કરે છે. ખાસ કરીને નારીચેતનાનાં સંવેદનોને વાચા આપવામાં યુગસંદર્ભની દૃષ્ટિએ વાર્તાકાર પ્રયોગશીલતા તરફ મંડાણ કરે છે.
‘નવલા યુગે’ વાર્તાસંગ્રહનો પરિચય :
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ સમાવિષ્ટ છે. ‘નવલા યુગે’થી અંતિમ ‘આપણું પોતાનું માણહ’ બધી વાર્તાઓ પોતાની લાક્ષણિકતાથી જુદી તરી આવે છે. સંવેદનની દૃષ્ટિએ ભાવસહજ પાત્રો ઘેરા અવાજને ઘૂંટે છે. આંતરચેતનાને અભિવ્યક્ત કરવામાં દરેક પાત્ર કથાને ઓપ આપે છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા ‘નવલા યુગે’ પુરુષપ્રધાન સમાજમાં દીકરીને હજુ પણ સ્થાન નથીની દ્યોતક બને છે. ગર્ભસ્થ દીકરી અકથ્ય ભાષામાં પણ પોતાનો ભાવ, વેદના રજૂ કરે છે. ‘મા’ની વેદના’, લાગણીને સમજનાર માત્ર દીકરી જ છે. એ આ વાર્તા ઉપરથી સમજી શકાય છે. વાર્તાકાર ભાષાની દૃષ્ટિએ વધુ લાગણીશીલ થયાં છે. છતાં, નવા સ્વાંગમાં વાર્તા રચવાની ટેક્નિક વાર્તાકાર પાસે છે. ‘ધુમ્મસનો જવાબ’ પત્રશૈલીમાં કહેવાયેલી વાર્તા છે. સ્ત્રીનું અસ્તિત્વ હરેક ક્ષણે જીવંત રહે, તેમાં જ સ્ત્રીનું જીવન છે. સ્ત્રીસહજ સ્વભાવ લાગણીવશ થવું અને તેનું માઠું પરિણામ તેને જ ભોગવવું પડે છે. પુરુષપ્રધાની વરવી વાસ્તવિકતા અતિશયોક્તિ સાથે રજૂ થઈ. તો પણ, ભાષાની પ્રવાહિતા જળવાઈ રહી છે. વિગતો સાથે બહેનપણી કિરણને પત્ર લખીને ક્યાંક એકોકિતનો ભાવ પણ જાગ્રત થયો છે. સ્વપ્નપુરુષની વાત સ્ત્રીની પુરુષ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. ‘બટરિયો’ દલિતચેતનાને રજૂ કરે છે. બટરિયાનું ગટર સાફ કરવાનું કામ અને બીમાર દીકરી માટેની સંવેદના વેધક રીતે વાર્તાકારે નિરૂપ્યા છે. પતિ-પત્ની બંનેની મહેનત કરવાની તત્પરતા, બટરિયાનું સરકારી નોકરી માટે તડપવું અને દીકરીને સાજી કરવાની લાગણી છે. સમાજની અસમાનતા સામે આંગળી ચીંધી, વાર્તાકારે વાર્તાન્તે બટરિયાનું ન હોવું એ સૂચક રીતે બતાવ્યું છે. ‘અમે’ સંબોધનથી કહેવાયેલી વાર્તા ‘હિંડોળ’ વ્યક્તિગત ખાસિયતને વ્યક્ત કરે છે. સંવેદના સ્મરણનો સહારો લે છે. સ્ત્રીના વખાણ માત્ર શબ્દોમાં જ થાય એમ નહીં પણ, સંકેતોથીય થઈ શકે. એ વાર્તાકારે નાયિકાનાં મનોસંચલનો દ્વારા નિરૂપ્યાં છે. હિંડોળની જેમ પતિ પ્રત્યેની હમદર્દી હાલકડોલક થાય, એમાં જ મનોસ્થિતિની ઝાંખી થાય છે. પતિને ઓછાબોલા નિરૂપીને પોતાના વખાણ સાંભળવાની અભરખા સ્ત્રી કથકે સરસ રીતે વ્યક્ત કરી છે. ‘વાસ’ શીર્ષક ઈર્ષાને સૂચિત કરે છે. શ્વેતાને તેની સુંદરતા અને અભ્યાસના લીધે વિમલ ચાહતો હતો. પરંતુ, શ્વેતા તેના અપંગ-બીમાર પતિની સેવાને ચાહતી હતી. સાચા પ્રેમને શ્વેતાના પાત્ર દ્વારા યથાતથ નિરૂપ્યો છે. મનની નિર્મળતા, લાગણી, સેવાભાવ, સદાચાર – આ વિશુદ્ધ પ્રેમનાં લક્ષણો છે, જે શ્વેતામાં દેખાય છે. ‘ખોટા બોલી....!’ મનોવૈજ્ઞાનિક રીતે આખી વાર્તા સરસ ઉઘાડ પામે છે. કથા સીધી લીટીમાં આગળ વધે છે. છતાં, દીકરીની ઇચ્છા મુજબ વર્તવામાં માતા-પિતાએ કાળજી લેવી જોઈએ એની સ્પષ્ટતા કરે છે. સ્ત્રીનું અસ્તિત્વ મહત્ત્વનું છે. એ હિમેષ હિરલને ન ઓળખી શક્યો પણ હર્ષ ઓળખી ગયો, વાત ઉપરથી ખ્યાલ આવે છે. ‘જીવતર’ પેટના જણ્યાને ગુમાવ્યા પછી ડોશીને બંગલાવાળા છોકરાને સાચવવામાં સત્ય લાગ્યું. ડોસાના અવસાનનું તથ્ય સપનામાં સત્યરૂપે આવે છે. મનોવૈજ્ઞાનિકતાનો સ્પર્શ વાર્તામાં છે. જીવનની એકલતામાં ફરીવાર પ્રાણ કેમ પૂરવા એ ડોશીના જીવનબળથી કહેવાયું છે. જીવતરનો અર્થ પણ સૂચિત રીતે વાર્તાન્તે મળે છે. ‘ચકલીનો માળો’ સર્વજ્ઞ કથનમાં વાર્તા આગળ વધે છે. ચકલીનો માળો વાર્તાના શીર્ષકને ચરિતાર્થ કરે છે. સ્ત્રીના માન-સન્માન અને અસ્તિત્વ માટે ક્યારેક માતા પિતા જ જવાબદાર હોય છે. અહીં વાર્તાનાયિકા અસ્તિત્વને ટકાવી રાખવા ખોટા ઉધામા ઊભા કરે છે. અંતે માળો વિખરાઈ જાય છે. દેવાંગથી અલાયદું રહેવું પડ્યું. વર્ષો સુધી એકલતાને સંકોરી. હવે અફસોસ થાય છે. કોમલનું વર્તન આ બધું ચાડી ખાય છે. તેથી, માતા-પિતાને સમજાય છે. “ઊભી થઈને એણે ચકલીના માળાની જગ્યાએ થોડું ઘાસ ગોઠવ્યું. એને ઘાસ ગોઠવતી જોઈને કોમલ હસી પડી. ‘મમ્મી, તેં આ ઘાસ ગોઠવ્યું?’ તારા ઘાસ ગોઠવવાથી ચકલીનો માળો એમ થોડો બની જશે? એ તો ફરી જો ચકલી આવશે, તો ફરીથી માળો બનશે!” (પૃ. ૮૪) ‘તમે ગયાં ને’ પત્નીની હયાતીમાં તેને ન ઓળખનાર પતિ પત્નીના મૃત્યુ પછી તેને પામી શક્યો. સ્ત્રીના વર્તન, વ્યવહારને અવગણનાર પુરુષ સ્ત્રીના હોવા પ્રત્યે સભાન રહે એ જરૂરી છે. વાર્તાનું આ કેન્દ્રબિંદુ સમ્યકતાથી લેખિકાએ દૃષ્ટિભૂત કર્યું છે. કથનકેન્દ્ર પ્રથમ પુરુષ એકવચન પસંદ કરીને પત્ની માટે માનાર્થવાચક શબ્દ ‘તમે’ ઉચ્ચારનાર પતિની ઓળખ પણ વાર્તાકારે અંતમાં આપી છે. ‘તમે ગયાં ને...’ શીર્ષક પત્નીના અવસાન થયા પછીની ભાવસ્થિતિ વર્ણવે છે. ગયા પછી જ છે-ની ભાવાત્મક ક્ષણ ઉજાગર થાય છે. ‘મારે મરવું નથી, મારે જીવવું છે... ત્યાં સુધી, જ્યાં સુધી તમને આત્મસાત્ નહીં કરી લઉં...’ (પૃ. ૯૦) ‘જન્માંતર’ વિમલ સ્મિતાને છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. ત્યારે, વિમલ અને સ્મિતા વચ્ચે અંતર વધી જાય છે. આ અંતર વાર્તાના અંતમાં વધુ નજીક આવે છે. વાર્તાકારે સુરેખ બાનીમાં સરળ અભિવ્યક્તિમાં વાર્તાને ઘાટ આપ્યો છે. પતિ પત્નીના નિર્મળ સંબંધને વાચા આપી છે. નિર્દોષતા અને વિશુદ્ધ પ્રેમ પાસે જાહોજલાલી કશા જ કામની નથી એવું સૂચિત છે.
‘થેન્ક્યૂ નેહા’
અમીરીમાં સુખ છે, શાંતિ નથી. સતત પરવા કરવી એવી જવાબદારી સ્વીકારીને નાયક સામાન્ય, મધ્યમ વર્ગના માણસની જેમ જીવવા માંગે છે. આ ઇચ્છા કથાનાયકના ઘરની સામે જ ફ્લેટમાં બિન્દાસ રહેતો સુકેતુ સામાન્ય શિક્ષકની નોકરી કરી, મુક્ત જીવન જીવે છે એ જોઈને સેવે છે. કથાનાયક વેપારી છે, પૈસાદાર છે. ધનસંપત્તિ અઢળક છે. આનંદથી જીવી નથી શકતો. એકવાર આઠ દિવસ ઘરેથી નીકળી જઈને પ્રવાસ કરે છે. સામાન્ય જીવન જીવે છે. સગવડ વગર જીવે છે અને મજા પડે છે. કુદરતનું સાન્નિધ્ય પણ પોતાની ઑફિસમાં કામ કરતી નેહા દ્વારા જ જાણવા મળે છે. બધું છોડીને જીવન જીવવાની ખરેખરી મજા છે, એ વાર્તાન્તે પ્રતિપાદિત થાય છે. ‘ગુરુ’ માતાપિતાની સેવા શ્રેષ્ઠ છે. અન્ય માણસને રાખીને રમેશભાઈ બાપાની સેવા કરાવે છે. પરંતુ કુંવરીના બાપાની સેવા કુંવરિયો જ કરે છે. તેમાંથી પ્રેરણા લઈ વાર્તાનાયક પોતે જ પિતાની સેવા કરશે એવું નક્કી કરે છે. પૈસાથી ઘણું ખરીદી શકાય પરંતુ, સુખ, આનંદ, પ્રેમ ખરીદી શકાતાં નથી. આવું કુંવરિયાના પાત્ર દ્વારા સમજાય પછી વાર્તાનાયક કુંવરિયાને ગુરુ માને છે. ‘મારી વણસીંચાયેલી મા’ માની મમતા કેવી હોય! આ વાર્તા દ્વારા બતાવવામાં આવ્યું છે. દીકરો ગમે તેવો નઠારો થાય પણ મા હંમેશાં તેને પ્રેમ કરતી હોય છે. જમીન વેચવા તૈયાર થયેલો દીકરો અંતમાં માના મૌનને પામી જઈ, સરળ જીવન જીવવા જમીન ન વેચવા તૈયાર થાય છે. ‘દોસ્તી’ સંબંધોમાં જ્યારે નિર્મળ પ્રેમ હોય ત્યારે એ સંબંધો ઝઘડાને સંપૂર્ણ નિર્મૂલ કરે છે. કમલા સાથેની નાયિકાની મિત્રતા અનોખી છે. આટલી વાત લખવા માટે પતિના આગ્રહને વશ થઈ નાયિકા ડાયરીના પાનામાં માત્ર એક જ શબ્દ લખે છે ‘પરિતોષ’. વાર્તાની બાની સરળ છતાં પ્રવાહી છે. સમાધાન સંબંધનું કેન્દ્રબિંદુ છે. ઝઘડા મૌનને સેવે છે. પ્રેમ એ સર્વોપરી છે. વાર્તાકારે સરળ રીતે આલેખ્યું છે. ‘આપણું પોતાનું માણહ’ પુરુષની જોહુકમી ઉપર પ્રહાર કરતી આ વાર્તા નારીચેતનાને વાચા આપે છે. સ્ત્રીને વર્ષોથી સહેવા પડતા મારને માત આપવાનું વિચારતી સ્ત્રી, આપણું પોતાનું માણહ સમજીને પાછી પડી જાય છે. શીર્ષકની યથાર્થતા લેખિકા બરાબર તપાસે છે. નિરૂપણની દૃષ્ટિએ કથાને યોગ્ય ન્યાય મળે છે. સર્વજ્ઞ કથનમાં લેખિકા કોઈ જગ્યાએ દેખાય છે. પરાપૂર્વથી ચાલી આવતી પુરુષપ્રધાનતા આ યુગમાં પણ અકબંધ છે. એ આ વાર્તા દ્વારા લેખિકાએ નિરૂપ્યું છે. મીનાક્ષી ચંદારાણાની વાર્તાકલા : સામાજિક નિસબત સાથે લેખિકા દરેક વાર્તાને નવો ઓપ આપે છે. મનુષ્યના નિજી સ્વભાવને ઉજાગર કરવાની રચનારીતિ વાર્તાકાર પાસે છે. વાર્તાનું કેન્દ્રસ્થ પાત્ર મનોસંચલનો, સંવેદના, લાગણી, વ્યવહાર, સંબંધ, સ્વાશ્રય, ઈર્ષા, સ્વાર્થ વગેરે તાણાવાણામાં અટવાયેલું રહે છે, એ ટેક્નિકથી વાર્તાકારે નિરૂપ્યું છે. કથાને કાવ્યાત્મક ભાષા આપી વળાંક આપવામાં લેખિકા ભાવસહજ બને છે. કથનકેન્દ્રને વિશેષ લક્ષ્યમાં રાખી પાત્રની મનોભૂમિને એક રૂપ આપે છે. સમાજ, પરિવારમાં રહેતું પાત્ર પોતાનાથી અળગું પડે છે, તેનું તાદૃશ્ય ચિત્રણ વાર્તાકારે કર્યું છે. સંગ્રહમાં સમાવિષ્ટ વાર્તાઓ સર્જનાત્મકતાથી રચવાનું કૌશલ્ય લેખિકા પાસે છે. સ્ત્રીના આંતરગહવરને સાપેક્ષ રીતે નિરૂપવામાં સર્જક મથામણ કરે છે. પુરુષની વાંછના નિરપેક્ષ છે. એ પછી વ્યવહાર, વાણી, પ્રેમ, સંવેદના કે સંબંધ દરેક બાબતમાં સર્જકે ભાષાનો સહારો લઈને નિરુપ્યું છે. પ્રથમ પુરુષ એકવચન અને સર્વજ્ઞ કથક રચનારીતિથી દરેક વાર્તા જુદી પડે છે. પરંતુ, સ્ત્રી-સન્માન, અસ્તિત્વની વાત આવે ત્યારે અંતિમ લક્ષ્ય સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરનારું બની રહે છે. માણસ મજૂરી કરે, શોષાય, પીડાય ત્યારે તેની વહારે આવનારો સમાજ મુખર બને છે. વ્યક્તિની જીવનલીલા, સામેના વ્યક્તિવર્તનથી નિરાળી છે, એવું બયાન વાર્તાકાર સૂક્ષ્મ રીતે કરે છે. અભિવ્યક્તિની દૃષ્ટિએ દરેક વાર્તા ભાષાથી સજ્જ છે. ભાવનાથી એક ડગલું આગળ છે. વર્ણન, વાતાવરણ, જીવનદર્શન કે સમાજદર્શનની રીતે તાત્ત્વિક મૂલ્યોને અનુસરે છે. ભાષા અભિવ્યક્ત થવાનું માધ્યમ છે એટલે કોઈક જગ્યાએ વધુ ભાવુક થઈ જવાય એ સહજ છે. અલબત્ત, નવલિકાના સ્વાંગમાં દરેક વાર્તા કશુંક નવું આપે છે. માત્ર કથા પૂરતું નથી પરંતુ સંવેદનની રીતે માણવા જેવી ઘટનાઓ માટે ઘટના ન બની રહેતા વાર્તાને ઉપકારક થાય છે. મીનાક્ષીબેન પાસેથી વધુ વાર્તાઓ મળે એવી અપેક્ષા.
મીનાક્ષી ચંદારાણાની વાર્તા વિશે અન્ય વિવેચકો :
“તમારી પંદર વાર્તાઓનું ભાવવિશ્વ એમ કહેવા પ્રેરે છે કે, તમારી સામાજિક નિસબત એમાં ગૂંથાઈ છે. શ્રમિકો, મજૂરો, કચડાયેલાં ઘરેલુ હિંસાનો ભોગ બનનારાઓ, ગૃહસ્થીનાં કપરાં ચઢાણો ઝીલનારાઓ, કોમી તણાવો, દાંપત્યના પ્રશ્નો, બાળહિંસા આ બધાં જીવનક્ષેત્રો તમારી વાર્તામાં વ્યક્ત થયાં છે.”
– ડૉ. મહેન્દ્રસિંહ પરમાર
સંદર્ભ :
‘નવલા યુગે’, પ્રથમ આવૃત્તિ ૨૦૨૧, સાયુજ્ય પ્રકાશન, વડોદરા
‘નવલા યુગે’, પ્રસ્તાવના – મહેન્દ્રસિંહ પરમાર
આશિષ ચૌહાણ
ગુજરાતીના પ્રાધ્યાપક
મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮