ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નવનીત જાની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાર્તાકાર નવનીત જાની

સુશીલા વાઘમશી

GTVI Image 177 Navanit Jani.png

સર્જક પરિચય :

સમકાલીન વાર્તાકાર નવનીત જાનીનો જન્મ ૨૧-૧૦-૧૯૭૬ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળિલા ગામમાં થયો હતો. વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કરાવનાર નવનીત જાની હાલ મહેસાણામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક શિક્ષણ વતન જાળિલામાં, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બરવાળા અને રાણપુરમાં લીધું. સ્નાતક ધંધુકામાં અને અનુસ્નાતક ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં કરી, ડૉ. સતીશ વ્યાસના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ગીત કવિતામાં લય પ્રયોગો (મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, રમેશ પારેખ, અનિલ જોશી, દલપત પઢિયાર અને વિનોદ જોશીના વિશેષ સંદર્ભમાં’) વિષય પર સંશોધન કાર્ય ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાંથી ૨૦૦૫માં કર્યું. તેમનું વાર્તાસર્જન અનેક પુરસ્કારોથી સન્માનિત થયું છે જેમાં – ‘તિરાડનો અજવાસ’ સંગ્રહને ભારતીય ભાષા પરિષદ, કલકત્તાના યુવા પુરસ્કાર (૨૦૦૫) અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર પુરસ્કાર, ‘સામા કાંઠાની વસ્તી’ને ‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ (૨૦૧૦), ‘રિયાલિટી શૉ’ને ‘રમણ પાઠક’ ષષ્ઠીપૂર્તિ ટૂંકી વાર્તા પુરસ્કાર તથા સ્વતંત્ર રીતે પુરસ્કૃત વાર્તાઓમાં ‘ટાંકી’ વાર્તાને રા. વિ. પાઠક ‘દ્વિરેફ’, શ્રેષ્ઠ ‘પરબ’ વાર્તા પુરસ્કાર, ‘નસીબ ક્લીનિક’ને નાનુભાઈ સુરતી શ્રેષ્ઠ ‘પરબ’ વાર્તા પુરસ્કાર, ‘કાલની ઘડી ને આજનો દિ’ અને ‘તાકું : બાપદાદા વારીનું’ વાર્તાઓને ‘નવનીત સમર્પણ’નો શ્રેષ્ઠ વાર્તા પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

સાહિત્ય સર્જન :

વાર્તા સર્જન : ‘તિરાડનો અજવાસ’ (૨૦૦૪), ‘સામા કાંઠાની વસ્તી’ (૨૦૧૦), ‘રિયાલિટી શૉ’ (૨૦૧૪), ‘કાલની ઘડી ને આજનો દિ’ (૨૦૧૯)

વાર્તાકારનો યુગસંદર્ભ :

વર્તમાનમાં લેખન પ્રવૃત વાર્તાકારોમાં નવનીત જાનીએ પોતાની વિશિષ્ટ વાર્તાલેખન શૈલી, ભાષા પ્રયોજનશક્તિ, કથનપ્રયોગ અને વિષય નાવિન્ય દ્વારા સમકાલીન વાર્તાકારોમાં આગલી હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાર્તાકાર માટે વાર્તા જાતતપાસના મુદ્દાની સાથે માણસને, આસપાસના સમાજને સમજવાનો પ્રયાસ છે. તેમની વાર્તા વિશેષ આકર્ષે છે ભાષાકર્મ અને કથન પ્રયોગો દ્વારા. પોતાની આસપાસમાં બનતી સ્થૂળ અને સૂક્ષ્મ ઘટનાઓને આધારે સર્જકે બદલાતા સમય-સંદર્ભ, બદલાતો માનવ અને કહેવાતા સામાન્ય માનવીની વિશેષતાને તિર્યક ભાષામાં આલેખવાનો પ્રયાસ કર્યો છે. તેમની વાર્તાઓ એક જાગૃત સમાજાભિમુખ વાર્તાકારનો અનુભવ કરાવે છે. પોતાની આસપાસના વાસ્તવને કળારૂપ આપવાનો સફળ પ્રયાસ તેમની અનેક વાર્તાઓમાં જોઈ શકાય છે. ગ્રામ્ય અને શહેરી વાસ્તવના આલેખન બાદ બદલાતા સમય-સંદર્ભ અને માનવીના સૂક્ષ્મ નિરૂપણને તેમના વાર્તાસર્જનમાં આવેલ વળાંક તરીકે નોંધી શકાય.

વાર્તા સર્જન :

GTVI Image 178 Tiradno Ajwas.png

સર્જકનું વાર્તાલેખન ઈ.સ. ૧૯૯૫થી આરંભાયું, પરંતુ ૪, ૫ એપ્રિલ ૧૯૯૯માં ગાંધીનગર ખાતે ગુ. સા. અ. દ્વારા યોજાયેલ નવોદિત વાર્તા શિબિરમાં લખાયેલ ‘અ-ભાવ’ વાર્તાને તેઓ પોતાની પ્રથમ વાર્તા માને છે. તેમના ચાર વાર્તાસંગ્રહોમાં કુલ ૪૨ વાર્તાઓ સંગ્રહિત છે. ‘તિરાડનો અજવાસ’માં સંગ્રહિત વાર્તાઓ મોટાભાગે ગ્રામ્યજીવનની વાસ્તવિકતાને કોઈ પણ જાતના આવરણ વગર બોલાતી ભાષામાં આલેખે છે. ખાસ કરીને ભાષા અને કથનકેન્દ્રની દૃષ્ટિએ તેમની વિશેષ આકર્ષણ જગાવતી વાર્તાઓમાં ‘દીદી’, ‘ટાંકી’, ‘અ-ભાવ’, ‘બંધ દરવાજાની તિરાડનો અજવાસ’, ‘કથા’, ‘સ્થાપન’, ‘વછોઈ’, ‘ઢીંગલી’ મહત્ત્વની છે. નાનાભાઈના કેન્દ્રથી કહેવાયેલ ‘દીદી’ વાર્તાનું વસ્તુ જિજાજી દ્વારા મોટી બ્હેન પર થયેલ બળાત્કારનું છે. પસંદ કરાયેલ નાનાભાઈના કેન્દ્રને કારણે જ વાર્તામાં ઘટનાનું નિર્વહણ અંતસુધી સંયમિત અને તટસ્થ રીતે થઈ શક્યું છે. સુવાવડ કરવા મોટી બહેનના ઘેર ગયેલી દીદી અચાનક વહેલી સવારે જોર વગરના પગ અને માંદલી હાલતમાં આવે છે ત્યાંથી આરંભાતી વાર્તા ધીમે ધીમે દીદીનું સૂનમૂન થઈ જઈ ઓરડામાં પૂરાઈ રહેવું, માતા-પિતાનું બહાર ન નીકળવું, પાડોસીઓની દીદી સંદર્ભે થતી પૃચ્છા અને શંકાઓ, દીદી અને માતા-પિતાના વર્તનમાં આવેલ પરિવર્તનને નોંધતા ભાઈ(કથક)નું રમત અને નિશાળમાં મન ન લાગવું, માતા-પિતામાં આબરૂ જવાની થતી વાતચીત, માના વિરોધને દબાવતા પિતા, પોતાના પર વગર કારણે માતા-પિતાનો ક્રોધ, મોટી દીકરીના ઘેર બેબી આવવાના સમાચાર આવતાં માત્ર પિતા દ્વારા જ લાડવા દઈને તરત પાછા આવી જવું, માતા-પિતા વચ્ચે થતા સંવાદને તૂટક રીતે સાંભળતો ભાઈ અને માતાના વિરોધની સામે મોટી દીકરીના ઘરને સાચવવા ચૂપકીદી સેવવા પત્ની પર દબાણ કરતા શિક્ષક પતિ, અઠવાડિયું મામાને ત્યાં રોકાઈને આવતી મા અને દીદી, ધીરે ધીરે દીદીનું થોડું સામાન્ય થવું પરંતુ માતાનું શરીર નંખાઈ જવું, રક્ષાબંધનના દિવસે પણ દીદીનું કપાતે હાથે રાખડી બાંધવું, મોટી બહેનનું ઘેર આવવું અને ધૂંધવાતા રહી માતાની મોટી દીકરીની વાતો સાંભળવી, પ્રાયમસને વધારે પંપ મારવાને કારણે પ્રાયમસમાં ધડાકો થવો, પિતાનું માતાને રોકવા દોડી જવું – જેવી ક્રિયાઓ નાનાભાઈના નિરીક્ષણ રૂપે આલેખાવાને કારણે વાર્તા સંયમિત રીતે નિરૂપણ પામી અંતે માતા દ્વારા બોલાતા શબ્દો – તારો વર-ની સામે પિતાનું મૂંગી મર, નીચ-ની રાંડ અને મોટી દીકરી ન સાંભળી જાય તે માટે પતિ દ્વારા ઢસડાતી માતાના મોઢેથી નીકળતા શબ્દો – ચીરીને મરચાં ભરું એને – સ્ફોટક છે. ‘ટાંકી’ વાર્તા પણ કિશોરના કેન્દ્રથી કહેવાઈ છે. પરિણામે ભાષાનું સ્તર અહીં ગ્રામ્ય સમાજમાં બોલાતી બોલીનું છે. વાર્તાનું વસ્તુ તળના ગામડાઓમાં પાણી માટે સંઘર્ષ કરતી સ્ત્રીઓનું છે. સાથે ઘેર ઘેર પાણી પહોંચાડવા ગામડે ગામડે બનાવેલી જબ્બર ટાંકીઓ વર્તમાનમાં વિકાસને નામે ફૂંકાતાં ઠાલાં બણગાંઓ જેવી ઠાલી છે! એ વર્તમાન વિકાસના વાસ્તવને પ્રગટ કરે છે. પાણીની અછત એકબીજાના સુખદુઃખ, સામાજિક પ્રસંગમાં સાથે આનંદ માણનાર ગામની સ્ત્રીઓને કેવી રીતે એકબીજાની દુશ્મન બનાવે છે તે અહીં પાણી ભરવા સમયે તેમની વાણી અને વર્તન દ્વારા યોગ્ય રીતે આલેખાયું છે. તો બીજી તરફ પાણીની અછત બહેનની શારીરિક સતામણીનું કારણ પણ બને છે પરિણામે એક તરફ અંતે ટાંકી પર ચડેલા ભાઈના જીવનની ચિંતાની ઉપર કથક ભાઈને કપડાં ધોવા ગયેલી બહેનની સલામતીની ચિંતા સતાવે છે! ‘અ-ભાવ’ વાર્તા ત્રણ વર્ષે લશ્કરની નોકરીમાંથી બાની વરસી માટે ઘેર આવેલ પુત્રના કેન્દ્રથી વિકસતી વાર્તા છે. ઘરમાં પ્રવેશતાં જ બા વગરના ઘરમાં પિતા અને નાનાભાઈ સાથેનો સંવાદ તેમના સંબંધમાં લાગેલ લૂણાને પ્રગટ કરે છે. બા વગરનું ઘર લેખકે અનેક સંદર્ભો દ્વારા પ્રગટાવ્યું છે. જેમકે બા હોત તો..., ચાવી જેવું જીવતી બા, અવાવરું બનેલી મેડી. જેવા સંદર્ભો બા અને એક સ્ત્રી વગરના ઘરને આલેખે છે. બા જતાં ઘરના પુરુષો વચ્ચે સંવાદ અટકી પડ્યો છે. નાયક સંવાદ સાધવાનો પ્રયાસ પણ કરે છે – કાળો ધાબળો ખેંચતા બાપુજીનું નાયકના હાથને પકડી લેવું, અંતે બાપુજીના ખાટલે છાયો કરવા જતાં નાયકના હાથને બાપુજીનું ઝાલી લેવું – પરંતુ શક્ય બની શકતું નથી. બા જતાં સ્થગિત થતા સંબંધો અને ઘરમાં વર્તાતો લાગણીનો અ-ભાવ વર્તમાન ઘરની સ્થિતિ અને બા હતી ત્યારની સ્થિતિના સંન્નિધિકરણથી સઘન રીતે પ્રગટી શક્યો છે. ‘બંધ દરવાજાની તિરાડનો અજવાસ’ પુત્રના કેન્દ્રથી કહેવાયેલ આ વાર્તામાં વિધવા બાની પાડોસી કર્નલ ડોસા સાથે થતી સામાન્ય વાતચીત સંદર્ભે જન્મેલ અણગમો અને તેના કારણે બાને દરવાજો બંધ રાખવાનું સમજાવતો પુત્ર અને પુત્રના મનની શંકાને પારખી જતી બા પુત્રના ઘરને છોડે છે. આ ઘટનાની આસપાસ પુત્રની બાની સલામતીની ચિંતા અને કર્નલની પત્નીની પોતાની નાની પુત્રીની સલામતીની ચિંતાનું સન્નિધિકરણ વર્તમાન સ્થિતિને ઉપસાવે છે. પુત્રની શંકાથી આઘાત પામી ગામડે પાછી જતી રહેતી બાને કારણે ઘરનો ખાલીપો અને બા હતી ત્યારનાં સ્મરણોની સંન્નિધિ નાયકના માનસને આલેખે છે. કર્નલના સ્ત્રીવિષયક સામયિક વાંચવાના શોખ દ્વારા કર્નલની પોતાની બામાં રુચિ હોવા સંદર્ભે સાશંક પુત્રની માનસિકતાનાં મૂળ ભૂતકાળની ઘટનાઓ જેમ કે, બાપાનું મૃત્યુ થતાં બાળપણમાં સુંદરજીકાકાનું કથન – ‘ભાભી મારી, મધમાખીની વાત સાંભળી છે? એનો મધપૂડો પડી જાયને તો એ લમણે હાથ દઈને બેસી જતી નથી, સમજી?’, રાતે ઠોકાતું બારણું અને એકબીજાને ભીંસીને બેઠેલાં બા અને પોતે – જવાબદાર છે. ‘વછોઈ’ વાર્તા પુનર્જન્મ અને પૂર્વના જન્મનું સ્મરણ નાશ પામ્યું ન હોવાને કારણે બેવડા કથન કેન્દ્રના સન્નિધિકરણની રીતિ અને ભાષાની દૃષ્ટિએ આસ્વાદ્ય છે. ભાદરમાં માતા-પિતા તણાતા કાકાને આસરે પડેલી ગીતાને માસ્તરાણી બનાવીશ એવું કહીને માની ફઈ કાકાને ત્યાં કરવા પડતા વૈતરામાંથી છોડાવે તો છે પરંતુ ભણતી ઉઠાડી વળગાડે છે હીરા ઘસવાને કારખાને! ચડતી યુવાનીએ પરણવાનાં સ્વપ્નો જોતી ગીતાના પાડોસી તરફથી આવતા લગ્નના પ્રસ્તાવને ફોઈ ૨૨ વરસની થઈ ત્યાં સુધી નકારતાં રહે છે, આખરે એક દિવસ ગીતા ફઈને સંભળાવી દે છે કે – ‘તમને તો ઠીક, આખું આયખું આમ હદી ગ્યું સેં’ અને ઇન્દુડીના કથન સંદર્ભે ફઈ બોલી પડે છે – ‘તું પરણી જાય તો મારા હાથમાં મઈને જે હજાર-પંદરસેં આવે સે ઈ નો આવે, ઈમ જ સેને તારા મનમાં?’ (પૃ. ૭૮) જે ફઈના ગીતાનાં સ્વપ્નોને અવગણી પોતાનો નિભાવ કરી લેવાની વૃત્તિને સંકેતે છે. તાણના કારણે ૨૨ વરસે અધૂરા સ્વપ્ને મૃત્યુ પામેલ ગીતા કૂતરીનો અવતાર લઈ ફરી ફઈને ત્યાં જ ડેરો જમાવી અધૂરાં સ્વપ્નો પૂરાં કરે છે. મૃત્યુ પામ્યા બાદ યમરાજ અને ચિત્રગુપ્તની સ્મરણ હરી લેવાની ભૂલને કારણે કૂતરી રૂપે જન્મતી ગીતા પોતાના જીવનની કથની આત્મકથનાત્મક શૈલીએ રજૂ કરે છે. ફઈનું રાતે એકલા ખાવું, બળીની આખી થાળીમાંથી એક કટકો પણ કૂતરીને ન દઈ પોતે ખાઈ જવું, કૂતરી રૂપી ગીતાને મારવું વગેરે તેમની માનસિકતાને સંકેતે છે. તો બીજી બાજુ યમરાજ અને ચિત્રગુપ્તની ભાષા દ્વારા તેને ગ્રામ્ય રૂપ આપી ગીતાના કરમના લેખાજોખાના સંવાદોમાં ભોળા અને ગરીબને કોઈ પણ રીતે દોષી ઠેરવવાનો ભાવ વર્તમાન ન્યાયતંત્રના વાસ્તવને સંકેતે છે. સમગ્ર સંદર્ભે જોતા ગીતાની લાચારી અને ભોળપણનો ફઈ (માસ્તરાણી બનાવવાનું કહી લાવવું) અને મૃત્યુ બાદ યમદૂતો (પોપટાવાળા ઘેર લઈ જવાનું કહેવું) દ્વારા લાભ ઉઠાવાયો છે. ગીતાના મુખે થયેલું યમપુરીનું વર્ણન સર્જકની ભાષા પ્રયોજન શક્તિનો પરિચય કરાવે છે. ગીતાના પરણવા અને સંવનનને લગતા સ્વપ્નોનું સંયમિત આલેખન તેમની સંયમિત વાર્તાકળાનો પરિચય કરાવે છે. ‘સ્થાપન’ વાર્તાના કેન્દ્રમાં પણ અંધશ્રદ્ધા અને માતા-પિતાના અંગત સ્વાર્થને ભોગે ચડતા મોટી દીકરીના પરણવાના સ્વપ્નો અને નિરાશા છે. મોટી હોવાને કારણે જાણે પોતે જ પાછળની પાંચ બ્હેનો માટે જવાબદાર છે તેવું માતાનું વર્તન, પિતાની કામચોરી, છ છ દીકરી છતાં ખોળાના ખૂંદનારની રાહ જોતી માતાનો અસંતોષ અને તેનો ભોગ બનતી મોટી દીકરી ગૌરી. ગૌરી બેભાન બનતા તેને માતામાં ઘટાવી પૂજતો પરિવાર ગ્રામ્યસમાજની માનસિકતાને સંકેતે છે. દીકરીને માતા તરીકે સ્થાપી વર્ષો સુધી તેને આવકનું માધ્યમ બનાવનાર પિતા અને ખોળાના ખૂંદનારની આશાએ માતા પિતા માટે તે જાણે દીકરી મટી જાય છે, પરિણામે તેના સ્વપ્નોનો ભોગ ચડે છે, નાની બ્હેનો પણ પરણી જાય છે. મોટી દીકરીનું નૈરાશ્ય તો ત્યારે ઘેરું બને જ્યારે તેની ગોઠણ રૂપલીને ભરેપેટે જુએ છે! આત્મકથનાત્મક શૈલીને કારણે ગૌરીના મનોભાવો સઘન રીતે અભિવ્યક્તિ પામ્યાં છે. ‘કથા’ બાળકથકના કેન્દ્રથી કહેવાયેલ પરિવારની આર્થિક સંકળામણ અને પત્નીના શારીરિક શોષણને રજૂ કરે છે. કથક અબોધ હોવાને કારણે મધરાતે માતા-પિતાની સંભોગક્ષણનું દૃષ્ટા રૂપે થતું વર્ણન તટસ્થ બની શક્યું છે. પોતે જે જોઈ રહ્યો છે તેનાથી સંપૂર્ણ અભાન કથકને મુખે થતું આ કથન ભાવકને માતાના શારીરિક શોષણની સાથે તેની પરાધીનતાનો પણ પરિચય કરાવે છે! દીકરાને ભમ્મરડો પણ ન અપાવી શકતી માતાની લાચારી સંભોગ અવસ્થામાં પણ પતિ પાસે તેને પૈસા આપવાનું યાદ અપાવવા મજબૂર કરે છે! અને પતિ એકને બદલે પાંચ આપવાનું કહી હંમેશની જેમ સવારે વિસરી જાય છે! જે અનેક અર્થસંદર્ભોને તાગે છે. ‘ઢીંગલી’માં સ્ત્રી શોષણ કેન્દ્રમાં છે. વાર્તામાં પતિના આડ સંબંધોની જાણ પત્નીને થતાં, પતિને તેના વિશેની પૃચ્છાના જવાબમાં સાસુ અને પતિ દ્વારા સગર્ભા પત્ની પર આચરવામાં આવેલ શારીરિક અત્યાચારની પરાકાષ્ટા તેના માનસિક સંતુલન ગુમાવવા રૂપે આવે છે. સર્જકે નવ દશ વર્ષની દીકરીના કથન કેન્દ્ર દ્વારા માતા પર થતા શારીરિક અત્યાચારને યથાતથ આલેખવામાં સફળતા મળી છે – “પછી તો મોટી બાલી ને પપ્પાએ મમ્મીને ખૂબ જ ધમકાવી ને મમ્મી સામે કાંઈ બોલે તો એના મસ્ત કાળા વાળ ખેંચીને ગાલ પર પપ્પા લાફા મારે ને મોટી બાલી મોં ફુલાવીને મુક્કી મારે ને ચીટિંયા લે.”, “પપ્પા મમ્મીના માથા ઉપર મુક્કી મારે એટલે એવું થઈ જ જાયને? મોટી બાલી મમ્મીની પેશાબ કરવાની જગ્યાએ આમ ઢીંચણ મારે ને મમ્મીના ફુલેલા પેટ ઉપર કાંઈ ન વાગે? મમ્મી કે’તી’તી કે એમાં ભાઈ સૂતો છે. તો ભાઈ ગુમ થઈ ગ્યો ને ખબરેય ન પડી.” (પૃ. ૧૬૨) બાળ કથક દ્વારા થયેલું આ વર્ણન અન્ય કથન કેન્દ્ર દ્વારા આટલું યથાર્થતાપૂર્વક ન થઈ શક્યું હોત! પપ્પાની સાથે ન જવું પડે માટે નિશાળની દીવાલ પાછળ છૂપાઈ રહી અંધારામાં જાજરુએ આવેલી સ્ત્રીઓની વાતોનું સાક્ષી કથન, લીમડામાં રાક્ષસને મામા માની મદદ કરનાર તરીકેનો સ્વીકાર સમાજમાં પપ્પા અને સાસુ જેવા માનવીઓ રાક્ષસને પણ સારા કહેવડાવે એવા દૈત્યોની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. કથન કેન્દ્રની પસંદગીમાં સર્જકની આ કળાસૂઝ અન્ય વાર્તાઓમાં પણ જોઈ શકાય છે. જે તેમની વાર્તાઓને સફળ બનાવે છે. ‘સળ-વમળ’ નીવેશ અને શીલાના દામ્પત્યજીવનમાં શીલાનો ભૂતકાળ પતિના મનમાં પત્ની સંદર્ભે શંકા જગાવી અનેક વલયો સર્જી પત્નીના દરેક વર્તનમાં ભૂતકાળના પ્રેમી આકાશની ચાહના અને પોતામાં પણ આકાશની શોધ કરતી પત્ની વિશેનો ભ્રમ આખરે પત્નીને કહેલા કટુ શબ્દોના ઉભરા રૂપે બ્હાર આવે છે. તેની સામે પત્નીનું “મને ખબર છે, નીવેશ” માત્ર આટલું કથન તેને ભોંઠા પાડે છે અને અંતે બીજા દિવસે ‘ડ્રેસનું પોતું’ બનાવતી શીલા અને નીવેશના પ્રશ્નના જવાબમાં બળી ગયેલા ડ્રેસને ન સાંધવાની તેની ઇચ્છા પતિના મનમાં પડેલી શંકાઓના બળી જવાનો સંકેત બને છે. ‘ભલે પધાર્યા’માં હીરાના વ્યવસાય અર્થે સુરત વસેલ નાયક વેપારમાં આવેલ મંદીની ઝપટમાંથી બ્હાર નીકળવા પોતાના ગામના પનાશેઠે ગામના ઘરને ખરીદવા મૂકેલ પ્રસ્તાવ નાયક મનસુખને મંદીમાંથી ઉગારનાર લાગે છે, પરિણામે ઘરના સોદા માટે ગામ આવી એક રાત પોતાના ઘરમાં વિતાવતા રાત્રે મૃત માતા-પિતાનો થયેલો ભાસ બાળપણના સ્મરણોને તાજા કરી માતાના મીઠા આવકારનો અનુભવ કરાવે છે. પરિણામે ઘરને વેચવા આવેલ નાયક તેને વેચી શકતો નથી. કપોળકલ્પના પ્રયુક્તિએ સજીવ થતો ભૂતકાળ બા-બાપુજી સાથે જોડાયેલ નાયકની સંવેદનાને પ્રગટ કરે છે. ઘર સાથે જોડાયેલ નાયકનો ભાવ, માતા-પિતા સાથેના સંબંધો અને અનેક વર્ષો પછી પણ તેમાં એ જ લાગણીનો નાયકને થતો અનુભવ શીર્ષક દ્વારા વ્યંજિત થયો છે. ‘નસીબ ક્લિનિક’ વાર્તામાં ધર્મ અને અંધશ્રદ્ધામય ગ્રામ્યમાનસનું અસરકારક આલેખન છે. ‘હું’ના કેન્દ્રથી ડૉ. કરીમનો બે પ્રસંગના અનુભવ દ્વારા ગ્રામ્ય અંધશ્રદ્ધામય વાસ્તવ અને માત્ર મુસ્લિમ હોવાને કારણે વેઠવી પડતી લાચારીનું હૃદયદ્રાવક આલેખન થયું છે. ‘નસીબ ક્લિનિક’ ખોલીને પોતાની પ્રેકટિસ આગળ વધારવા ઉત્સુક કરીમને એનિમિયા અને અછબડાથી ધગતા બાળકોની સારવાર કરવાની અંતરેચ્છા હોવા છતાં માતા-પિતાની અંધશ્રદ્ધાને કારણે માત્ર લાચારીવશ દવાના બદલામાં ધમકી સાંભળી બેસી રહી આખરે પોતાનું ક્લિનિક બંધ કરવું પડે છે! વક્રતા તો ત્યાં છે જ્યાં ગામમાં ‘ઢોર દાક્તર’ તરીકે પંકાયેલ ગણતરીબાજ કે. ડી. ડૉક્ટરના અજ્ઞાનની સામે કોલેફ્સથી પીડાતી દર્દીને પોતે ઇલાજ જાણતો હોવા છતાં દર્દીની મદદ ન કરી શકવાની લાચારી અને આખરે ઇન્જેક્શન ન લાગતાં કહેવાતા ભૂવા એવા પિતાનું દીકરીમાં મેલું પ્રેવશવાની માન્યતાને કારણે સારવારને સ્થાને લાતો અને થપાટોનો વરસાદ વરસાવામાં આવે છે! વાર્તાની વિશેષતા એ છે કે આવા અનુભવમાંથી પસાર થયા બાદ નાયક વાસ્તવિક પરિસ્થિતિને નિવારવા ફરી ઝીંક ઝીલે છે અને અંતે બંધ પડેલ ‘નસીબ ક્લિનિક’ ફરી ખોલવા સજ્જ થાય છે. ‘ફ્લેપડૉર’ વાર્તામાં મહાવિદ્યાલયોના અધ્યક્ષોની નિર્મમતાનું વાસ્તવિકતાની સાથે વિદ્યાર્થીઓને થતી કનડગતનું તટસ્થ આલેખન છે. તો ‘બાપાની વંડી’ વાર્તામાં બાપાની સંતાન એષણા અને સંતાન માટે થઈ બીજી વાર લાવેલ નવાં ગોરાણીના આડસંબંધોનું સંયમિત આલેખન છે. બે પિતરાઈમાં ગોરપદાંના ધંધાને કારણે વધતો અણગમો અબોલા જેવી સ્થિતિ સર્જે છે. પરંતુ નાની વયની ગોરાણીનો વાટકી વ્યવહાર વંડીએથી વિધુર લાભુ મા’રાજની દીકરી શામલી સાથે ચાલતો રહે છે. નાની ઉંમરનાં નવાં ગોરાણીનું બાપાને લાભુમા’રાજના વધતા પગપેસારાની બળતરાના જવાબ રૂપે કોના માટે ભેગું કરવું સેં? જેવો પ્રશ્ન બાપાની પુત્ર એષણાને ખોતરે છે છતાં બાપાને ભરોસો છે મોડા વ્હેલું પારણું બંધાવાનો, પરંતુ વાસ્તવને જાણનાર ગોરાણીને થોડી પણ એમાં શ્રદ્ધા નથી, વાર્તાને અંતે ભર્યુંભાદર્યું ઘર હોવા છતાં સંતાન ઝંખનાએ નિરાશ થતા બાપાને આ જ ગોરાણી પુત્ર જન્મની આશા બંધાવે છે! જે વંડી માધ્યમે વિકસતા ગોરાણીના લાભુ મા’રાજ સાથેના આડસંબંધને સંકેતે છે.

GTVI Image 179 Sama Kanthani Vasti.png

૨૦૧૦માં પ્રગટ થયેલ ‘સામા કાઠાંની વસ્તી’ બીજા વાર્તાસંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓ સંગ્રહિત છે. વાર્તાસંગ્રહના શીર્ષક અને વાર્તાકાર મુજબ આ સંગ્રહની વાર્તાઓ પરિસ્થિતિ સામે સંઘર્ષ કરનાર, સામા પ્રવાહે તરનાર મનેખને આલેખે છે. આ સામા કાંઠાના તરનાર મનેખ તરીકે ‘વાત તો એટલી જ કે-’, ‘ટશર ફૂટતી રહી’, ‘દાણાપાણી’, ‘વસ્તુસ્થિતિ’, ‘તળ’, ‘વી.વી(બ્રાન્ડ) ડબલ ટેસ્ટેડ વીક્ટરી (૨૮૦ ML)’, ‘હરિભાભાની એક દિવસની જિંદગી’ કળાત્મક વાર્તાઓ છે. ‘વાત તો એટલી જ કે-’માં ચાની કીટલીએ કામ કરનાર ‘લંગૂર’ ઉર્ફે ‘ટેણી’, ઉર્ફે ‘ચડ્ડી’ જેવા સંબોધનોથી નવાજાતા કિશોરને એક દિવસ સ્લેટ મળી જતાં તેનામાં જાગતું ભણવાનું સ્વપ્ન માલિક દ્વારા સ્લેટ છીનવાઈ જતાં નિરાશા બાદ આક્રોશમાં પરિણમે છે. પરંતુ તેના આક્રોશની અસર કેટલી? માત્ર તેના ફેંકેલાં પથ્થર દ્વારા ચા ગાળવાના ગોબરા-ગંધાતા લટકતા ગાભામાં છીદ્ર પાડવા અને થોડી અમથી કીટલી હચમચવા જેટલી! કિશોર પાસેથી છીનવાયેલી સ્લેટ પર અંતે લખાતા ચા-કૉફીના ભાવો વાચકના મન પર પ્રભાવ પાડી અનેક અર્થમાં વિસ્તરે છે. ગરીબને વળી સ્વપ્નો કેવાં?, તેના વિરોધથી શું ફર્ક પડવાનો?, આરંભે સ્વપ્નો જગાવનાર સ્લેટનું વાર્તાને અંતે ચા-કૉફીના બોર્ડમાં થતું રૂપાંતર સાંકેતિક છે. ‘ટશર ફૂટતી રહી’ શહેરની સુવિધાપૂર્ણ જિંદગી કોઠે પડી ગયેલ પતિની સામે પત્નીની ના છતાં અંતરિયાળ ગામમાં એકલા રહી શિક્ષિકાની નોકરી કરતી, નોકરી સાથે સમાધાન ન સ્વીકારતી નાયિકા સામેના છેડાનું પાત્ર છે. તેણે પોતાની મહેનત અને પ્રેમથી ગામલોકો અને બાળકોના હૃદયમાં સ્થાન અને માન મેળવ્યું છે પણ પતિના માનસને બદલી શકી નથી! આ બાબતે બન્નેમાં રકઝક પણ થાય છે, પરંતુ સ્ત્રીનો પોતાની નોકરી ન છોડવાનો નિર્ણય, વચ્ચેના રસ્તા તરીકે અપડાઉનના વિકલ્પનો પતિ દ્વારા અસ્વીકાર, તેની બદલાયેલી હૅરસ્ટાઈલ, તારા જેવી સાથે રહેતા બહુ ફાવે એવું – અધૂરું કથન – સ્ત્રીની એકલતા અને વેદનાને ઘૂંટે છે. સાથે પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને પણ સંકેતે છે. છતાં સ્ત્રી તો પોતાના ધર્મમાં જાણે મક્કમ જ છે માટે પોતાને છોડી દેવાનું કહેતા પતિને કહે છે – ‘કાલે તમારે જવાનું છે, સવારે... ઢેબરાં કરી દઉં કે સુખડી?’ પતિ પત્નીના વિરોધી વિચારવિશ્વ વચ્ચે સ્ત્રીનું અસમાધાનકારી વ્યક્તિત્વ અને મૂંગી વેદના કળાત્મક રૂપ પામ્યાં છે. ‘વસ્તુસ્થિતિ’ની નાયિકા પણ આ જ ગોત્રની છે. પોતાની ઊંચાઈના લીધે લગ્નમાં આવતી મુશ્કેલીઓને કારણે માતાના કટુ વચનોનો સામનો કરતી, પ્રેમી સુકેતુ પોતાના કરિયર માટે ૩૨ વર્ષની શિવાનીને છોડી ગયા બાદ મા માટે શિવાનીને પરણાવવાની ચિંતા જ મુખ્ય છે. વાર્તા શિવાનીના કેન્દ્રથી કહેવાયેલી હોવાને કારણે વારંવાર તેને જોવા આવતા પરિવારો સામે સજવા-ધજવામાં તેનો કંટાળો અને અણગમો યોગ્ય ભાષા દ્વારા નિરૂપાયો છે. તો માની શિવાનીને ગમે તેને પરણાવી દઈ જવાબદારીમાંથી છૂટવાની વૃત્તિને નિરૂપતી ભાષા કેવી તો સક્ષમ છે, તે આ ઉ.દા. પરથી જોઈ શકાય. જુવાન દીકરીના બાપની જવાબદારી કેટલી હોય? એમાંય આની માટે પાછો ઊંટ શોધવાનો!, તારી ચિંતા મહાણેય નહીં ઠરવા દે, પાછું રૂપ પણ એવું નહીં કે કૉલેજમાંથી જ કોઈ છોકરો...’ આ બધાં ઝંઝાવાતો વચ્ચે શિવાની માની વિરોધમાં જઈ લગ્ન, રસોડું છોડી નોકરી સ્વીકારી પોતાની ઇચ્છાનું જીવન સ્વીકારે છે જે વાર્તાની બદલાયેલી સ્થિતિ છે. સર્જકે શિવાનીની પૂર્વ માનસિકતા અને બદલાયેલી માનસિકતાને અરીસામાં બદલાતા પ્રતિબિંબથી સૂચવી છે, ‘સામે આદમ કદનો અરીસો હતો. જેમાં બત્રીશ વર્ષની છોકરી એના પ્રતિબિંબને ડહોળું કરવા આંખો ડહોળી રહી હતી’, ‘રૂપાળું ઝરણું ઊતરી આવ્યું હોય એવો આયનો લાગ્યો. એમાં બત્રીશ વર્ષની છોકરીનું ધૂંધળું પ્રતિબિંબ ચોખ્ખું થતું જતું હતું.’ ‘તળ’ વાર્તાના કેન્દ્રમાં પિતા-પુત્રના ભિન્ન જીવનમાર્ગે પિતાએ પુત્ર માટે સ્વીકારેલ સમાધાનમાં પણ પોતાના સિદ્ધાંતોને વળગી રહેવાનો પ્રયાસ છે. ખેતી કરી પોતાનું જીવન જીવતા વૃદ્ધ માતા-પિતાની સામે શહેરમાં હીરાના ધંધામાં જોડાયેલ, પોતાના પરિવાર અને ધંધા માટે પિતાને જમીન વેચવા આપઘાતની ધમકી આપી મજબૂર કરતો પુત્ર છે. આ ઉંમરે પણ ખેતી કરી પોતાનો ગુજારો કરતા અને દીકરાને આવતા-જતાં અનાજ કઠોર બંધાવી આપતા પિતા બાવડાને બળે જમીન સીંચનાર આશાવંત ખેડૂત તરીકે ઊપસે છે. સુવિધામય જીવનને ઝંખતી વર્તમાન પેઢીની સામે વૃદ્ધ પિતાનો પોતાની પાંચ વીઘા જમીનમાંથી દીકરાને ત્રણ વીઘા આપી પોતે બે વીઘામાં આત્મનિર્ભર રહી ખેડી ખાવાનો નિર્ણય એક આશાવંત ખેડૂત તરીકે વાચકના હૃદયને ભીંજવી જનાર છે. ‘બાકી વધ્યા બે વીઘા ખેડી ખાશું... કહેતાં એમણે આભમાં જોયું, અમારું એટલામાં નભી રે’શે. જા, તું તારે ગાડારસ્તે વિમાનો ઉતારજે’ પિતા માટે ‘ડોસા’ એવો શબ્દપ્રયોગ વક્રતાપૂર્ણ છે! પિતા તરીકે ભલે એ નિરાશ થયા પરંતુ ખેડૂત તરીકે હજુ તેમણે હામ છોડી નથી! એવો વાર્તાનો અંત પ્રતીતિકર છે. ‘હરિભાભાની એક દિવસની જિંદગી’માં હરિભાભાના ઇમાનદારીપૂર્વક જીવેલા જીવનનો આલેખ, તેમની પોલીસની નોકરીની આસપાસ શંકાકુશંકાનાં જાળાં અને ભણેલ-નોકરી કરતા પુત્ર પર મંડાયેલી આશામાં પ્રાપ્ત થતી નિરાશાનું સક્ષમ ભાષામાં આલેખન છે. વાર્તાના આરંભમાં મૂકાયેલ સૂચક વર્ણન હરિભાભાના સમગ્ર જીવન અને માનસને આલેખે છે – “વરંડામાં સુકાઈ ગયેલ પપૈયાનું ઠૂંઠુ છે, તો છે જ. એની ડાળ ઉપર પોપટના પડછાયા જેવા ગાભા લટકે છે, તો લટકે છે જ. શું થયું? ખૂણામાં કચરાએ જગ્યા કરી છે. વરંડાને ઘડપણનું ઘારણ ચડ્યું છે ને સાંઠિયુંનું છજું પોતામાં અટવાઈ પડેલાં પીછાં જોઈ જોઈ પંખીના પાછા ફરવાની રાહ જુએ છે.” આ લાઘવપૂર્ણ વર્ણન હરિભાભાનાં સમગ્ર જીવન અને માનસને આલેખે છે. વાર્તામાંના કેહણીના લય-લ્હેકા સર્જકની ભાષાપ્રયોજનશક્તિ અને વાર્તાકળાનો સુખદ અનુભવ કરાવે છે. તો જેના પર પોતાના ભાઈ બ્હેનનાં લગ્ન કરાવવાની અને ધંધે લગાડવાની હરિભાભાને આશા છે એ પુત્રના માનસનો પરિચય પણ ગામલોકનો એક જ સંવાદ કરાવી જાય છે – “આટલું બધું ભણાવીનેય શું ભાળ્યું? પરણી ગ્યા કે’ડે વહુના મુતરે દીવો કરે છે” વાર્તાનો અંત ભાભાની ઓલવાતી આશા સાથે સ્વાર્થી બનેલ પુત્ર દ્વારા અવગણાયેલ પિતા અને પરિવારને આલેખે છે. ‘દાણાપાણી’ વાર્તામાં વિદેશી યંત્રોએ કેવી રીતે ગ્રામ્ય પંરપરા અને સંસ્કૃતિના સંવાહકો એવા ગ્રામ્ય કારીગરો અને કલાકારોનો ભોગ લીધો તેનું બીજલ ઢોલી અને તેના ઢોલને કેન્દ્રમાં રાખીને થયેલ હૃદયસ્પર્શી આલેખન છે. ગામના મોભી એવા જીબાપુ અને સરપંચ વગેરેના ઘેર લગ્ન પ્રસંગ પર આશા રાખી જીવતા એવા બીજલઢોલીની જીબાપુના ઘેર લગ્ન પ્રસંગે ઢોલ વગાડવાના આમંત્રણ માટેની આશાના ઉતાર-ચડાવનું સૂક્ષ્મ આલેખન વાર્તાનું જમા પાસું છે. તો સાથે સવર્ણોની માનસિકતાને અસરકારક રીતે આલેખવામાં સર્જકે ભાષાનો સક્ષમ વિનિયોગ કર્યો છે. જેના આધારે પેટિયું રડવાની આશામાં પિતા-પુત્રની ઢોલને સતત સજાવવાની તૈયારીઓને કારણે ઢોલ પણ પાત્ર તરીકે અનુભવાય છે. વાર્તાને અંતે બેંડવાજાને રાખ્યાનું સાંભળતાં બીજલની રહીસહી આશા પણ ઓલવાવા લાગે છે એનું સાંકેતિક વર્ણન વાચકના ચિત્તને જકડી રાખનારું છે – “જોતજોતામાં આખી ઓસરીની આંખોએ બીજલની હાજરીને મીંચી લીધી. આંગણાની અવરજવરે એના પડછાયાને હડફેટે લીધો તે છેક ડેલી બહારના અંધારાં સુધી... જીબાપુની ડેલીએ પ્રસંગ હતો....” વાક્યોમાંનો અધ્યાહાર કેટલો તો સૂચક છે. આ વાર્તાને રાઘવજી માધડની ‘ડિંગલવાજાં’ વાર્તા સાથે સરખાવી અભ્યાસ કરી શકાય. ‘સામાં કાંઠાની વસ્તી’નું વસ્તુ પણ આ જ પ્રકારનો અનુભવ વિસ્તૃત સંદર્ભે કરાવે છે. દુકાળને ઓછાયે ઝપટાયેલ ગામને શહેરના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપ સડક નિર્માણનું કામ કેવાં કેવાં સ્વપ્નો અને આશા જગાવે છે તેનું ધારદાર આલેખન અને અંતે મશીન અને ભ્રષ્ટ તંત્રનો પંજો આ આશાઓ અને સ્વપ્નોને ધૂળમાં રગદોળી નાખે છે તેનું વાસ્તવશૈલીએ થયેલું આલેખન આવા સરકારી પ્રોજક્ટ અને માનવીય પરિસ્થિતિને પ્રગટ કરે છે. ‘વી.વી(બ્રાન્ડ) ડબલ ટેસ્ટેડ વીક્ટરી (૨૮૦ ML)’માં ગ્લોબલાઇઝેશનને કારણે સામાન્ય અને દેશી વેપારીઓ પર કેવો ઘાતક પ્રભાવ પાડ્યો છે, તે ધૂળાના પાત્ર નિમિત્તે તિર્યક ભાષા અને વિષ્ણુ-ગરુડ સંવાદશૈલી દ્વારા નિરૂપણ પામ્યું છે. છ અધ્યાયમાં વિસ્તરતી વાર્તા વિદેશી કંપનીઓએ ધૂળા જેવા અનેક દેશી વેપારીઓને કેવી રીતે પતનને માર્ગે ધકેલ્યા તેનું સંયમિત આલેખન છે. ધૂળા માટે બદલાતા સંબોધનો (ધૂળો ઉર્ફે ધૂળાલાલ ઉર્ફે ધૂળાજી ઉર્ફે માયકાંગલો ઉર્ફે ઠોક્યો) તેની ચડતી-પડતી સાથે બદલાતા સામાજિક મોભાને પ્રગટ કરે છે. તો વાર્તામાં ત્રિસ્તરીય ભાષાપ્રયોગ વિષયને અનુરૂપ વાતાવરણ રચવા માટે ઉપકારક છે. સોડા મશીનની ખરીદી સાથે સંકેતાતી ધૂળાની પ્રગતિ અને સ્વપ્નો જાણે રંગલીના ધૂળાની સોડાને સ્થાને ‘દિલ માંગે કુછ ઓર – ફેફસી’ની માંગને કારણે ટપ દેતા આ વિદેશી પીણાના આગમન સાથે નીચે પટકાય છે! ઉપરાંત અન્ય સ્લોગનો – ઠંડા મતલબ? મુઠ્ઠીનું નિશાન, ધૂળાના છાલિયામાં નાખેલ સિક્કાનું ડૂબી જવું, ઘડીભર પાણીના વમળે સિક્કા ઉપરની છાપ ચૂસી લેવી, આવી કંપનીઓ દ્વારા સેમ્પલ આપી સામે પોતાની બ્રાન્ડ સિવાય અન્ય બ્રાન્ડનો અસ્વીકાર વગેરે સંકેતો વિદેશી કંપનીઓની સામે ભારતીય અર્થતંત્ર પર આ વિદેશીકંપનીઓની અસરના સંકેતો વાર્તાના મર્મને પ્રગટ કરે છે. એટલું જ નહિ, પોતાના દીકરા દ્વારા પણ ઘરની સોડાને સ્થાને ઓલીની માંગણી ધૂળાને સડપ કરતો બેઠો કરી દે છે! બદલાતા પ્રજામાનસને આલેખતી આ વાર્તાઓ સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણ દૃષ્ટિનો પરિચય કરાવે છે.

GTVI Image 180 Reality Show.png

‘રિયાલિટી શૉ’ ૨૦૧૪માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ સંગ્રહિત છે. આ વાર્તાઓમાં સર્જકે વર્તમાન સમયના પ્રશ્નોને વાચા આપવાનો સબળ પ્રયાસ છે. આ સંદર્ભે તેમની ‘રિયાલિટી શૉ’, ‘અર્થાત્‌ (આતંકવાદી)’, ‘હેલ્લો’, ‘પતિ, પત્ની અને’ વાર્તાઓ નોંધપાત્ર છે. ‘રિયાલિટી શૉ’ વાર્તા વર્તમાનમાં ચાલતી ટી.વી. ચેનલો પરના રિયાલિટી શૉની કૅમેરા પાછળની વાસ્તવિકતા અને તેના પ્રભાવે પોતાની દીકરીની ઇચ્છાને અવગણી પરાણે આવા કાર્યક્રમોમાં ઘકેલતી માતાની ઘેલછાનું નિરૂપણ કરે છે. બીજી બાજુ આવા શૉને કારણે બાળકોનું છીનવાઈ જતું બાળપણ, બાળકોની લાગણી અને શરીર સાથે કરવામાં આવતી રમતનું અસરકારક નિરૂપણ છે – “ડ્રેસની વાત તો જવા દો. ટાઈટ બ્લૂ જિન્સ અને રેડ ઝમ્પર. ડ્રેસ ડિઝાઇનરે ચીંધેલો ડ્રેસ પહેરતાં તો પહેરી લીધો પણ છાતી આગળ સહેજ ઝૂલ... ને પેટ કમળકાકડી. એણે મમ્મા સાથે શી ઘૂસપૂસ કરી. કહે, છાતીનો થોડો શેઇપ તો આવવો જ જોઈએ; હાઇટ છે બેબીની.”, “નાની રિસેશમાં બન્ને વચ્ચે કોને ખબર શું રંધાયું હશે તે પુન્નીને હુલાવીફુલાવીને જજ મેડમ કહે, દેખો બેટા, સિચ્યુએશન ઐસી હૈ કી.. આપ ગાના ગાને જા રહી હો કી અચાનક આપકો છોટી ઉંગલી ઊઠાની હૈ, ઈસ તરાહ, ઠીક હૈ? પુન્નીએ અસમંજસમાં માથું હલાવ્યું. વેલ, ગુડ, હમ જજીસ લોગ થોડા હસેંગે – આપકો ક્યા કરના હૈ..., ‘રોઉં? નહીં, નહીં, હસું? ના, રડી પડીશ...એ...એ...’, ‘આપ જો ચાહે કરના લેકિન બિલકુલ નેચરલી, ક્યા?’ વાર્તાના મુખ્ય વસ્તુની સાથે બીજા સંદર્ભો જેવા કે, માતા-પિતાની મહત્ત્વાકાંક્ષાની બલીએ ચઢતા બાળકોનાં સ્વપ્નો, બાળપણ સાથે કિશોરમાં પ્રવર્તતો આંતરિક સ્પર્ધાભાવ, જાતીય આકર્ષણને કારણે બહેનપણી સાથે સ્પર્ધાભાવ અને તેમની માનસિકતાનું યોગ્ય નિરૂપણ થયું છે. પ્રસંગાનુરૂપ અંગ્રેજીમિશ્રિત ભાષા સર્જકની ભાષાપ્રયોજનશક્તિનો પરિચય કરાવે છે. કેટલીકવાર કથક દ્વારા થતાં હસ્તક્ષેપને કારણે વાર્તા મુખર બનતી લાગે. ‘અર્થાત્‌ (આતંકવાદી)’ વાર્તાનાયકના મોટાભાઈ દ્વારા કહેવાયેલ વાર્તા નિર્દોષ શિક્ષક મોડી રાતે આતંકવાદીઓની ગાડીમાં લિફ્ટ મેળવી પોલીસતંત્ર દ્વારા આતંકવાદીમાં પરાણે ઘટાવવામાં તેની આંખ જતી રહેવા સુધીના આત્યાચારોનું કંપાવી દેતું આલેખન છે. જે આપણા ન્યાયતંત્ર, પોલીસતંત્રની જડતા, હંગામી શિક્ષકોની વર્તમાન સ્થિતિ, સત્ય કથન અને વર્તમાન સ્થિતિની ટીકાના કરવામાં આવતા અર્થઘટન જેવા અનેક સંદર્ભોને તાગે છે. વાર્તા મોટાભાઈ દ્વારા કહેવાયેલ હોવાથી વધારે અસરકારક બની શકી છે. ‘હેલ્લો’માં એકપક્ષીય ટેલિફોનિક સંવાદ છે. બુથ ઑપરેટરના મોટાભાઈ સાથેના એકપક્ષીય સંવાદો શહેરની તંગદિલીને નિરૂપે છે, તો ગ્રાહક દ્વારા પોતાના ગામ પર થયેલ ફોન પરનો એકપક્ષીય સંવાદ કોમી ઐક્યને નિરૂપે છે. સામસામી વિરોધી પરિસ્થિતિ શહેરી કોમી તંગદિલીને તીવ્ર બનાવે છે, તો બાળકીનું અપહરણ શહેરની માનવીય અસલામતીને તાગે છે. સમગ્ર સંદર્ભે જોતાં સર્જકે પ્રયોજેલી એકપક્ષીય સંવાદની રચનારીતિ આયાસી લાગે છે. ‘પતિ, પત્ની અને’ પત્નીના કેન્દ્રથી કહેવાયેલ વાર્તા છે. વાર્તાનો વિષય તદ્દન નવો એ અર્થમાં કે અત્યારના મોબાઈલ, લેપટોપના જગતમાં જીવતા માનવીના પ્રશ્નોને રજૂ કરે છે. પરસ્ત્રી સાથેનો પુરુષનો સંબંધ એ આમ તો બહુ સામાન્ય અને ચવાયેલ વિષય છે પરંતુ વાર્તામાં જે રીતે નિરૂપાયો છે તે તેને નવીનતા આપે છે. ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મની યાદ અપાવતું વાર્તાનું શીર્ષક પતિના અન્ય સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણને સંકેતે છે. પરંતુ વિડંબના એ છે કે આ સ્ત્રીઓ પોતાની આસપાસના વિશ્વની જીવતી-જાગતી સ્ત્રીઓ નથી પરંતુ ઇન્ટરનેટ દ્વારા પતિના મોબાઈલમાં તસ્વીર રૂપે રહેનારી વિદેશી અથવા તો દૂરની છે! આજનો માનવી આ આભાસી વિશ્વમાં ગરક થતા જતા પોતાના પરિવારથી કેવી રીતે કપાતો જાય છે તે પતિ અને પુત્રના વર્તન દ્વારા વ્યક્ત થયું છે. પોતાને થયેલી ઇજાને કારણે નખાતી ચીસના પ્રતિઉત્તરમાં માને લાગે છે કે પુત્ર દોડ્યો આવશે અને પૂછશે શું થયું મમ્મી! પરંતુ દીકરો તો મોબાઈલની સ્ક્રીન અને સ્પીકર સિવાય કાંઈ જોતો કે સાંભળતો નથી! પરિસ્થતિ તો ત્યારે વણસે છે જ્યારે પુત્ર પણ પિતાને રંગે રંગાયો છે. એ જાણી નાયિકાનો રોષ ફોનના ટુકડા કરવા રૂપે પ્રગટે છે, પરંતુ અંતે રડી દેતી માતાની સ્થિતિ ચિંત્ય છે! વાર્તામાં પ્રયોજાયેલ બે પાત્રોની ભાષા બન્નેની માનસિકતાને સુપેરે ઉજાગર કરે છે. પતિની બનાવટી ભાષાની સામે પત્નીની અંગારા જેવી તેજ ભાષા આસ્વાદ્ય છે. ‘ભ્રૂણવાયુ’ ફ્લેશબૅક શૈલીએ સક્ષમ ભાષામાં વિકસતી વાર્તા છે. વાર્તાનો વિષય પુત્ર ઇચ્છતા પતિની સામે પોતાના દામ્પત્ય અને જીવને ભોગે ગર્ભ પરીક્ષણનો વિરોધ કરી વાર્તાન્તે ચોથી પુત્રીને પતિની સામે ધરનારી નાયિકા છે! પોતાના ઘરમાં ભાડે રહેનાર નીડર અને વિશાળ દૃષ્ટિ ધરાવતા માસ્ટરની સામે રૂઢિચુસ્ત, જડ અને સંવેદનહીન પતિનું પાત્ર વિરોધ સર્જનારું છે. પતિને સમજાવવામાં નિષ્ફળ જનાર માસ્ટરનું અંતે આત્મહત્યામાં ઘટાવાયેલું મોત અને તેમાં પતિના હાથની નાયિકાની શંકા રહસ્યને ઘૂંટે છે. વિગતખચિત શૈલીએ સર્જાયેલ આ વાર્તા કન્યા ભ્રૂણહત્યા, સ્ત્રી એટલે માત્ર બાળકો પેદા કરવાનું મશીન – પુરુષની આ રૂઢિવાદી – સાશંક માનસિકતા, દીકરી-વહુ વચ્ચે ભેદભાવપૂર્ણ વર્તન, કન્યાશિક્ષણ પ્રત્યે ઉપેક્ષા જેવા અનેક સંદર્ભોમાં વિસ્તરે છે. પોતાના પેટમાં ઉછરતા અંશ માટે પતિની સામે પડતી નાયિકાનો વિરોધ પુત્ર માટે થઈ ગર્ભપાત માટે દબાણ કરનાર પતિ માત્ર સામે નહીં પરંતુ જડ માનસિકતા ધરાવનાર સમાજની સામે પણ છે – “વિચારવાનું મારી એકલીએ જ, ચુન્નીના બાપુ? તમે તો – શું કહું તમન? ભરી દીધું પેટ મારું... છોકરો નથી તો ખાલી કર... છોકરા માટે પાછું ભર... જાણે કોઈ કૂંડી હોઉં...” સંવાદમાંનો અધ્યાહાર સાંકેતિક છે. ‘ઇતિશ્રી નારાયણકથા’ સંગ્રહની જ નહિ પરંતુ વાર્તાકારની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક છે. વાર્તાનું વસ્તુ તો ઘણું જૂનું છે – નિષ્ફળ પ્રેમકથાનું, પરંતુ સર્જકની કથનશૈલી, ભાષાપ્રયોજન શક્તિ અને નાટ્યાત્મકતાને કારણે નાવિન્યનો અનુભવ કરાવે છે. મોટાભાઈ નારાયણની નિષ્ફળ પ્રેમકથાનું કથન નાનાભાઈ (વચેટ) દ્વારા થયું છે. પરિણામે કથનમાં તાટસ્થ્ય જળવાયું છે. વાર્તાના આરંભમાં મૂકાયેલું આ કથન – “કાંચળી ઉતારતા સાપને કાળી પીડા થાય. એને પાકી પીડાય કહે. (હાસ્યનો એક ટુકડો) વીખરાતી પીડા (હાસ્યનો બીજો ટુકડો) વીંઝાતી પીડા (હાસ્ય...) હાસ્યના ત્રણે ટુકડા ભેગા કરી ગજબની હિંમત દર્શાવી રહ્યા છે, નારાયણ!” નારાયણના સમગ્ર જીવનનો સંકેત છે. એકબીજાને પ્રેમ કરનાર નારાયણ અને મંજુ બન્નેના માતા-પિતાના વિરોધને કારણે લગ્ન ન કરી શકતા નારાયણ જગહાંસીને પાત્ર બનીને, આજીવન એકલતા વહોરીને પણ કોઈને દોષ આપ્યા વગર હિંમતભેર જીવી રહ્યાં છે! વાર્તાના અંતે સ્ત્રી વગરનું ઘર, સ્ત્રીના હાથની રસોઈને ઝંખતા નારાયણ અને અડધી રાતે પોતાની પેટી અને તેમાંની ઘરવખરીને પંપાળતા નારાયણનું પાત્ર કારુણ્યસભર બન્યું છે. બાપાને મતે નૂગરા નારાયણ ખરેખર તો પ્રેમને ભોગે પિતાની આજ્ઞા પાળનાર અને ઘરની આબરૂ સાચવનાર છે, જ્યારે સામે પક્ષે પોતાનાં ઈંડા ગળી જનાર નૂગરા સાપ સમાન પોતાના જ પુત્રના સુખને ગળી જનાર પિતા જ ખરેખર તો નૂગરા છે! સાપ અને કાંચળીનો વારંવાર આવતો સંદર્ભ આ અર્થમાં સાંકેતિક છે. સાથે કાંચળી ઉતારતા સાપની પીડા અને તેના ઉપાયો ખરેખર તો નારાયણના પાત્ર સંદર્ભે વિરોધ રચી તેની વેદનાને સંકેતે છે. નારાયણ સંબંધોની કાંચળી ઉતારી શક્યા નથી પરિણામે પ્રેમમાં નિષ્ફળતાની અને એકલતાની પીડાને વ્હોરે છે. ‘મોટો’ પણ એવી જ કારુણ્યસભર વાર્તા છે. મિત્ર હરજીવનને મુખે કહેવાયેલ આ વાર્તા દ્વારા શંભુ જેવું યાદગાર પાત્ર ગુજરાતી વાર્તાસાહિત્યને પ્રાપ્ત થયું છે. પોતાના બાળપણના મિત્ર શંભુને મળવા આવનાર હરજીવન દ્વારા દિવસ દરમ્યાન બનતી ઘટના અને બાળપણનાં કેટલાંક સ્મરણોના કથન દ્વારા શંભુનું પાત્ર વિકસતું જાય છે. બાળપણના સ્વપ્નસેવી ભણવાની ઇચ્છા ધરાવનાર શંભુની સામે આજનો શંભુ છે જેણે રિટાયર્ડ, પગ કપાતાં અપંગ થયેલ પિતા માટે પોતાનાં સ્વપ્નો અને પરણવાની ઇચ્છાનો ત્યાગ કરી પિતાની સેવા અને ગરીબીની સ્થિતિને હસતે મુખે સ્વીકારી છે! ભણવા જનાર મોટા પુત્ર હરદમની વાટ જોતા પિતા, હાજર પુત્ર અને તેની સેવા-ત્યાગ ન જોનાર પિતા દ્વારા કડવા વચનોનો ભોગ બનતા શંભુએ પિતાના આ સ્વભાવને સ્વીકારી લીધો છે, પરિણામે તેને કોઈ ફરિયાદ નથી. શેરનો ધંધો કરનાર આર્થિક રીતે સમૃદ્ધ અને પરિવાર સંપન્ન મિત્રના જીવન સાથે શંભુની ગરીબી અને એકલતાપૂર્ણ જીવનની સંન્નિધિ દ્વારા વાર્તાને જુદું પરિમાણ મળ્યું છે. વાર્તામાં શંભુની એકલતા બપોરે એકલા એકલા ફળિયામાં બેસી પોતાના પગની પાનીના વાઢિયા ખોતરવાની ક્રિયા દ્વારા સાંકેતિક રીતે વ્યક્ત થઈ છે. અંતે ગરીબ મિત્રની મદદ માટે પાંચ સોની નોટ લંબાવતા મિત્રની સામે ‘ભગવાન જેવો ધણી છે’ એવું કહી એનાં બાળકો માટે દસની નોટ પરાણે આપી, રકઝક બાદ પણ મિત્રની મદદને ન સ્વીકારનાર અને ગુસ્સે થઈ જતા મિત્રને ફરી આવવાનું આમંત્રણ આપનાર શંભુ મૂઠી ઉચેરો બની રહે છે! ‘દાદાચરિતમાનસ’ પૌત્રના મુખે એક સો છ વર્ષે પહોંચેલ દાદાજીને આલેખતી વાર્તા છે. વયોવૃદ્ધ ભૂતકાળમાં જીવનાર દાદાજીનું ચરિત્ર બહુ ઓછા શબ્દોમાં સર્જક સક્ષમ રીતે ઉપસાવી શક્યા છે – કલાકો સુધી બારીને ટગર ટગર તાકી રહેવું, લાંબો શ્વાસ લઈ બોલવું અને અટકી જવું, એકને સ્થાને બીજા ભળતા શબ્દોનું ઉચ્ચારણ, જૂના સિક્કાને ધરી –પૂરું એક શેર ઘી, બ શેર ગોળ, ચાર શેર ઘઉં એવું આંગળાં દ્વારા દર્શાવવું, ‘આજે ૩૦ માર્ચને સોમવાર?’ એવો તેમનો પ્રશ્ન, ‘યંગ ઇન્ડિયા જોઈ લઉં...’ જેવી ઇચ્છા અને દરેક વસ્તુના ભાવ પૂછવા જેવી પડેલી ટેવ વગેરે ક્રિયાઓ ભૂતકાળમાં જીવતા વૃદ્ધ દાદાજીને સક્ષમ રીતે ઉપસાવે છે. તો તેની સામેની તેમની ત્રીજી પેઢીના દાદાજીને સમજવાના પ્રયાસો રૂપે થતું કથન અને સંવાદ બે પેઢી વચ્ચે આવેલા આર્થિક, કૌટુંબિક ભાવ, અને વૈચારિક અંતરને નિરૂપે છે. સર્જકે પૌત્રનો પરિવાર અને ભૂતકાળમાં જીવતા દાદાને આલેખવામાં બોલચાલની ભાષા, અંગ્રેજી મિશ્ર ભાષાની સામે કેટલાક બોલી પ્રયોગોનો કરેલો વિનિયોગ આસ્વાદ્ય છે. સાથે પરપૌત્રની દાદાજીને સૌથી લાંબુ જીવનાર તરીકે ગીનેસ બુક ઑફ વર્લ્ડમાં રેકોર્ડ કરાવવાની ઉત્સુકતા વગેરે સંદર્ભ વર્તમાન પેઢીને આલેખે છે. વાર્તાના આરંભથી અંત સુધી પરિવારજનોમાં દાદાજી પ્રત્યે બદલાયેલો ભાવ બહુ સાંકેતિક રીતે અભિવ્યક્ત થયો છે – ‘સો વર્ષની મૂર્તિ કહેવાય, હવે માણસ મટી ગયા! ટગર ટગર જોતી પ્રતિમા જાણે!, દાદાજી જોતજોતામાં નાનકડા બાગમાં જગ્યા રોકતું ઠૂંઠું થઈ ગયા.’ સંવાદ, અલંકાર, બોલચાલની ભાષાના લહેકા વાર્તાકારની ભાષા પ્રયોજનશક્તિનો સુખદ અનુભવ કરાવે છે.

GTVI Image 181 Kalani Ghadi Ajano Di.png

‘કાલની ઘડી ને આજનો દિ’ ૨૦૧૯માં પ્રગટ થયેલ સર્જકના ચોથા વાર્તાસંગ્રહમાં કુલ આઠ વાર્તાઓ સમાવિષ્ટ છે. નવનીત જાની પોતાના વાર્તાસંગ્રહના શીર્ષકને અનુરૂપ ગઈ કાલ અને આજ એટલે બીજા શબ્દોમાં ત્રીજી પેઢીથી આજની પેઢીમાં માનવીય સંવેદન, દૃષ્ટિકોણ, રાજનૈતિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વચ્ચેના ગજગ્રાહને આલેખે છે. તો ‘૨૬મી જાન્યુઆરી’ તેના સામા છેડાનો પણ અનુભવ કરાવે! વાર્તાનું કેન્દ્ર એક દલિત શિક્ષક છે. લાંબી લેખણે લખાયેલી આ વાર્તા આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ શિક્ષિત દલિત સાથેના સવર્ણના યથાર્થ વર્તનને સંયમિત રીતે આલેખે છે. સમગ્ર સ્ટાફમાં સૌથી વધુ ક્વોલિફાઇડ હોવા છતાં માત્ર દલિત હોવાને કારણે દબાણ, અપમાન, પ્રોક્સીને બહાને થતું શોષણ અને સર્વિસ બુકમાં લાલ સેરડો પડવાને કારણે જન્મતો ભય આત્મકથનાત્મક શૈલીએ આલેખાયો હોવાને કારણે ભાવપૂર્ણ બન્યો છે. ૨૬મી જાન્યુઆરીના શાળાના કાર્યક્રમમાં સંચાલનની જવાબદારી મળતાં સારું સંચાલન કરી પ્રભાવ પાડી દેવો છે, પરંતુ બસ રદ થતાં શાળાએ પહોંચવામાં થતો વિલંબ તાણ જન્માવે છે. આ તાણનું સૂક્ષ્મ આલેખન વાર્તામાં થયું છે. નાયકનું શાળાના કાર્યક્રમમાં પહોંચવા માટેના મરણિયા પ્રયાસો અને તેની સામે બસને ધીમે ચલાવનાર ડ્રાઇવરની સાથેનો સંઘર્ષ અને બસ અકસ્માત. આ અકસ્માત માટે જવાબદાર તરીકે પોલીસ દ્વારા નાયકની ઝડતીની સામે પણ અડગ રહેલો નાયક જાણે ગમે તેવા સંઘર્ષોની સામે અણનમ હોવાનો અનુભવ કરાવે! ગમે તેવા ભાટી, રાઠોડ તેને અટકાવી શકે તેમ નથી! ‘બાપુજીનો દુખાવો’ ૯૨ વર્ષની ઉંમરે પહોંચેલ બાપુજીનું પુત્ર કથક મુખે થયેલું આલેખન છે. કહેવાતા સંપન્ન અને ભર્યાભાદર્યા પરિવારમાં દાદા ચરિતમાનસ જેવા જ બાપુજી છે પરંતુ અહીં પરિવાર અને પુત્રોના સુખ અને આનંદમાં બાધા બનતો બાપુજીનો દુખાવો છે! બાપુજીના દુખાવાને શોધવામાં નિષ્ફળ જતા પરિવારમાં આ દુખાવાને યાદ ન કરાવવાના પ્રયાસો ચાલે છે, તો સામે પક્ષે બાપુજી કદાચ પારિવારિક વાતાવરણને પારખીને જાતે જ પોતાના દુખાવા પ્રત્યે મૌન સેવી લે છે. પરંતુ એક દિવસ સહનશીલતાની પરાકાષ્ઠા આવતાં પુત્ર સમક્ષ આસું રૂપે વ્હેવા લાગે છે છતાં બાહ્ય રીતે પિતાને સાચવતો, તેની ચિંતા કરતો પરિવાર અને પુત્ર એ દુખાવાની અવગણના કરવા લાગે છે! વાર્તામાં પ્રયોજાયેલી મિશ્ર ભાષા વર્તમાન પેઢીને આલેખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાના સંયુક્ત પરિવારની વચ્ચે પણ વાર્તાને અંતે બાપુજીની ‘પેઇનફુલ સ્માઇલ’ વાચકના મનમાં બાપુજીનું ભાવપૂર્ણ ચિત્ર મૂકી જાય છે. ‘કાલની ઘડી ને આજનો દિ’ વાર્તામા ત્રણ સંતાન અને ઢોરનો વસ્તાર ધરાવતા રતિલાલનું દુકાળમાં એક સાંધો ત્યાં તેર તૂટે એમ નભી રહ્યું છે, તેમાં આવા કારમા દુકાળમાં પોતાના ઢોરને પૂળા ગણીને નીરણ કરવું તેના હૃદયને કોચવે છે અને વરસાદ આ વર્ષે પણ નાગાઈ કરશે એવી આશંકામાં ઘેરાયેલ રતિલાલના જીવનમાં પડ્યા પર પાટું સમાન વીજળીના થાંભલા માટે તેના પિતાએ રોપેલ રતિલાલ માટે સાત ખોટના દીકરા જેવો જાંબુડો કપાવાનો ઑર્ડર અને પિતાનું જાંબુડાને ન કાપવાના વેણના જવાબ રૂપે મરતા પિતાને આપેલું વચન રતિલાલને બરાબર ઝંઝોડે છે! જાંબુડા માટે સાહેબની ઑફિસે પણ જઈ આવે છે પરંતુ આ વિકાસ પરંપરાની હડફેટમાંથી જાંબુડાને બચાવી શકતો નથી! વિકાસ માટે વિનાશને માર્ગે જતી વર્તમાન પેઢીને વક્રશૈલીએ ઉપમાઓ, રૂપકો, ક્રિયાપદોના નાવીન્યપૂર્ણ પ્રયોગ અને અંતે યુવાનોને મુખે થતા ગામ ગપાટા વર્તમાન પેઢીની માનસિકતાને ચીંધે છે. ‘તાકું: બાપદાદા વારીનું’ વાર્તા સર્જકની નીવડેલી વાર્તાઓમાંની એક છે. તાકાં નિમિત્તે આપણી ધરોહર અને વારસા પ્રત્યે વર્તમાન પેઢીની ઉપેક્ષા સાંકેતિક રીતે પ્રગટાવવામાં સર્જકને સફળતા મળી છે. ઘરના અંધારિયા અને નકામા સામાનને રાખવાના ઓરડાની દીવાલમાં સદાના ઉપેક્ષિત અથવા ન હોવા બરાબર તાકાં પ્રત્યે પ્રથમ વાર પરદેશી જોન બધાનું ધ્યાન ખેંચે છે અને પછી તાકું જ જાણે પાત્ર બની જાય છે! એ જ ઓરડામાં વસતા દાદાજી પણ તાકાંની જેમ ઉપેક્ષાયેલ, પરંતુ તાકાં સાથેનો જીવંત સંદર્ભ રચી આપી પરદાદાના સમયની સમૃદ્ધિનો સંકેત કરે છે. તાકાં માટે વપરાયેલી ઉપમાઓ વાર્તાના સમગ્ર મર્મને પ્રગટ કરી આપનાર છે : ‘બાપદાદાની મીંચાયેલી આંખ જેવું અદ્દલ’. તો જોનની ડાયરીનોંધ વર્ષો જૂનાં તાકાંની કલાત્મકતાનો પરિચય કરાવે છે સાથે ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યેની તેની જિજ્ઞાસા અને રસની સામે પિતા, ભાઈ અને તેના સંતાનની અરસિકતા, માત્ર પ્રગતિ કેન્દ્રી અને પુસ્તકને સ્થાને ગૂગલ કેન્દ્રી બનતી વર્તમાન પેઢીના વિરોધ દ્વારા યોગ્ય વાતાવરણ રચે છે! આ વાતાવરણ રચવામાં પિતા અને ભાઈના રસને અનુરૂપ વેપાર અને બજાર સંદર્ભેના ભાષાપ્રયોગ આસ્વાદ્ય છે. વાર્તામાં જોન પાસેથી આકસ્મિક રીતે પડી જતાં ખજૂરાહોનાં ચિત્રોના પુસ્તકનો સંદર્ભ આપણી પરિવર્તન પામતી અને સંકુચિત બની ગયેલી માનસિકતા, કલા દૃષ્ટિનો અભાવ એવા અનેક અર્થમાં વિસ્તરે છે. તો દાદાજીના જ્ઞાન, ભાષા પ્રભુત્વ અને સ્મૃતિની સામે મૂકાયેલી વર્તમાન પેઢી આપણી ઉત્તરોત્તર ક્ષીણ બનતી પેઢીની સ્થિતિ આપણા કહેવાતા વિકાસની સામેની અને ચિંત્ય છે! ‘વાંધો-વચકો’ વિભાજન પહેલાંના ભારત અને વિભાજન પછી અંતરિયાળ ગામ પર થયેલી તેની અસરને આલેખે છે. વિભાજન પૂર્વે ગામના કેન્દ્ર સમાન બરકત અલીની દુકાનના વર્ણનથી આરંભાતી વાર્તા ગામમાં પ્રેમથી સહિયારી સંસ્કૃતિએ જીવતા ગામનું દૃશ્ય, વિભાજન સમયે બરકત અલીના બધા ભાઈઓનું સ્થળાંતર અને બરકત અલીનો પોતાનાં મૂળિયાંને ન છોડવાનો નિર્ણય અને ધીરે ધીરે ધમધમતી દુકાનની રોનક જતી રહેવી, કથકના બાપુ અને બરકત અલીનો અતૂટ સંબંધ, વિભાજન બાદ પણ ગામમાં તંગદીલી સર્જાતાં બરકત અલીના પરિવારને આપેલ સંરક્ષણ, બાપાની સામે માનું બદલાયેલ માનસ અને બરકત અલીની દુકાન પ્રત્યેનો અણગમો, ભાઈના દીકરા કિસ્મતનું ત્યાંથી શરીર પર નિશાનીઓ લઈ ભાગી આવવું અને બરકત અલીના પુત્ર યુનુસની બદલાતી માનસિકતાને કારણે પરિવારમાં પડેલી ફૂટ બરકત અલીને લાગતો આઘાત, પરિણામે જ એક દિવસ હરતાફરતા રેડિયો સાંભળતા મૃત્યુ જેવી ઘટનાઓમાં વિસ્તરતી વાર્તામાં વારંવાર પડઘાતો પ્રશ્ન વાંધો ક્યાં પડ્યો? સંવેદનને ઘટ્ટ બનાવે છે. વાર્તાના આરંભે બરકત અલીના મૃત્યુ સંદર્ભે આવતું એક શબ્દનું વાક્ય – ‘ઇન્તકાલ.’ અને અંતે ‘ખેર ગામમાં એક બરકત અલીયે હતા...’ બે વિધાનોમાં વિસ્તરતી વાર્તા કોઈ પણ ઘેરા રંગરોગાન વગર વિભાજન અને તેની અસરને આલેખે છે. સર્જકના કલા સંયમને કારણે આ વાર્તા ગુજરાતી વાર્તાસાહિત્યમાં નોંધપાત્ર બની રહેશે. ‘કેનાલ’ ખેતી જીવન નિમિત્તે સરકારી તંત્રના વરવા વાસ્તવને આલેખે છે. રામજીના ગામ છોડી જવાથી આરંભાયેલી વાર્તા શા માટે રામજીએ ગામ છોડ્યું તેના કારણ રૂપે પોતાના ગામમાં કેનાલ આવતાં કંઈક ભણેલ ખેડૂત અને આખાબોલા રામજીના પાત્ર નિમિત્તે ખેડૂતની સ્થિતિ, કેનાલને કારણે જાગતાં સ્વપ્નો, કેનાલમાં પાણી ન આવતા ગામની અને પોતાની વણસતી સ્થિતિ, તંત્ર સામે પડતાં તેમાં અટવાતો અને આખરે વિરોધી પાર્ટીના દાસકાકાની વાતોમાં આવી ૨૫ હજાર સ્વીકારી ખેતી અને ગામ છોડી અલોપ થઈ જતો રામજી વર્તમાન સામાન્ય ખેડૂતને આલેખે છે. કેનાલના મૂરત પ્રસંગે પ્રધાનનું ભાષણ, માટલાં ફોડી વિરોધ પ્રદર્શનનું મીડિયામાં સ્વરૂપ પરિવર્તન જેવી ઘટનાઓ આપણા સરકારી તંત્ર, મીડિયા અને નેતાઓની પોલને ઉઘાડનારી છે. આ ઘટનાના કથનમાં પ્રયોજાતી તીક્ષ્ણ ભાષા સર્જકની સર્જકતાનો પરિચય કરાવે છે.

નવવીત જાનીની વાર્તાકળા :

નવનીત જાનીએ ચાર વાર્તાસંગ્રહો દ્વારા ૪૨ જેટલી વાર્તાઓ આપી છે. તેમની વાર્તાઓ વિશિષ્ટ કથન શૈલી, સર્જનાત્મક અને સબળ ભાષા, કથન કેન્દ્ર અને વિષય નાવિન્યને કારણે પ્રભાવક બની રહે છે. સર્જકે વર્તમાનમાં પોતાની આસપાસના ગ્રામ્ય અને શહેરીજીવનના અનેક વણસ્પર્શ્યા વિષયો જેવા કે ગ્રામ્યસમાજના અનેક અંધારા ખૂણાઓ, વર્તમાનની સ્વાર્થી બનતી જતી પેઢીની સામે જૂની પેઢીની વેદના, પરોપકારીપણું (‘તળ’, ‘હરિભાભાની એક દિવસની જિંદગી’ ‘બાપુજીનો દુખાવો’), ટી.વી. ચેનલો પર ચાલતા રિયાલિટી શૉ પાછળનું વરવું વાસ્તવ અને વર્તમાન મમ્મીઓનું પોતાના બાળકોને તેમાં પરાણે ઘસેડવાની ઘેલછા અને અભ્યાસમાં બાળકો પર વધતું દબાણ (‘રિયાલિટી શૉ’, ‘અપેક્ષા’), ગ્લોબલાઇઝેશન, વધતાં યંત્રોને કારણે દેશી-નાના વેપારી કલાકારોની વણસતી સ્થિતિ (‘વી.વી.(બ્રાન્ડ) ડબલ ટેસ્ટેડ વીક્ટરી (૨૮૦ ML)’, ‘દાણાપાણી’,), સરકારી તંત્રની યોજનાઓની વાસ્તવિકતા (‘ટાંકી’, ‘કેનાલ’, ‘કાલની ઘડી ને આજનો દી’, ‘સામા કાઠાંની વસ્તી’) વગેરે પ્રશ્નોને આલેખતી વાર્તાઓની સાથે માનવ વિશેષ (‘મોટો’, ‘વસ્તુસ્થિતિ’, ‘ટસર ફૂટતી રહી...’, ‘દાદાચરિત માનસ’, ‘ઇતિ નારાયણકથા’)નું સક્ષમ અને કળાત્મક આલેખન કરતી વાર્તાઓ છે. કથનના લય-લહેકા, કથક પસંદગી અને બળકટ ભાષા તેમની વાર્તાકાર તરીકે ઊડીને આંખે વળગતી લાક્ષણિકતા છે. નવનીત જાનીના ગદ્યની લાક્ષણિકતા અને વાસ્તવ નિરુપણને ચીંધનારું બિપિન પટેલેનું ‘રિયાલિટી શૉ’ વાર્તાસંગ્રહ માટેનું નિરીક્ષણ તેમની મોટાભાગની વાર્તાઓ સંદર્ભે યોગ્ય છે : “તેમ છતાં કોઈ પણ વાર્તારસિકે એક વાતની નોંધ લેવી પડશે કે નવનીતનું અનુભવવિશ્વ, સવિશેષ ગ્રામજીવનના અનુભવો હજુ ખૂટ્યા નથી. વાર્તા પાંખી પડી નથી કે અટકી નથી. ભાષા એના નવાં ને નવાં રૂપ લઈને અહીં હાજર છે. અને વાસ્તવની ભોંયને બરાબર ધમરોળી છે.” (‘શબ્દસૃષ્ટિ’, જાન્યુઆરી, ૨૦૧૫)

સંદર્ભ :

૧. ‘તિરાડનો અજવાસ’, નવનીત જાની, પ્ર. આ. ૨૦૦૪, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
૨. ‘સામા કાંઠાની વસ્તી’, નવનીત જાની, પ્ર. આ. ૨૦૧૦, લટૂર પ્રકાશન, ભાવનગર
૩. ‘રિયાલિટી શૉ’, નવનીત જાની, પ્ર. આ. ૨૦૧૪, લટૂર પ્રકાશન, ભાવનગર
૪. ‘કાલની ઘડી આજનો દિ’, નવનીત જાની, પ્ર. આ. ૨૦૧૯, લટૂર પ્રકાશન, ભાવનગર
૫. ‘શબ્દસૃષ્ટિ’, જાન્યુઆરી, ૨૦૧૫

સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર