ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પૂજા તત્સત્
ડૉ. આરતી સોલંકી
નામ : પૂજા તત્સત્
જન્મતારીખ : ૧૬-૧૨-૧૯૭૬
જન્મ સ્થળ : પાલનપુર
વ્યવસાય : ગૃહકાર્ય
અભ્યાસ : એમ. ફીલ.
સાહિત્યસર્જન : ‘ગતિ’ (૨૦૧૫) ‘એન્ટરપ્રિન્યોર’ (૨૦૧૯)
વાર્તાકારનો યુગસંદર્ભ : પૂજા તત્સત્ એ અનુઆધુનિક યુગનાં મહત્ત્વનાં વાર્તાકાર છે.
૧. ‘ગતિ’
પૂજા તત્સત્ની વાર્તાકળા :
આ સંગ્રહમાં કુલ ૧૮ વાર્તાઓ છે. લેખિકાએ દરેક વાર્તાને નવા વિષયો સાથે વાચક સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. માનવજીવનની વિવિધ ગતિવિધિઓનાં વાસ્તવિક ચિત્રો આપણને અહીં આ સંગ્રહમાં મળે છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘ગતિ’. આ વાર્તામાં કથાનાયકના વિચારોની ગતિ સાથે પરિસ્થિતિને સર્જકે જોડી આપી છે. માણસના જુદા જુદા બદલાતા ચહેરાઓ અને એની ગતિઓ આ વાર્તાને નવું પરિમાણ બક્ષે છે. માણસના જીવનમાં સતત પરિવર્તન આવે જ છે. ગતિ થકી એ જીવનનાં બદલાતાં વાસ્તવિક ચિત્રો આ વાર્તામાં લેખિકાએ આલખ્યાં છે. ‘અભિમન્યુની વાઇફ’ વાર્તાનું શીર્ષક થોડું અટપટું છે. અહીં રાજકારણને લેખિકા પૂરી સભાનતા સાથે આલેખે છે. અભિમન્યુ નામના યુવા રાજનેતાની હત્યા થઈ છે તેની પ્રાર્થનાસભામાં આવીને લોકો અભિમન્યુની માતા ભાર્ગવીબહેન અને તેની પત્ની મધુરાને દિલાસો આપે છે. મહાભારતનો સંદર્ભ પણ પાત્રના નામની સાથે અહીં જોડાઈ જાય છે. ‘શબ્દ’ વાર્તામાં કથક તરીકે વાર્તાનું મુખ્ય પાત્ર પૂંડરીક ત્રિપાઠી છે. આ વાર્તામાં વર્તમાન અને ભૂતકાળ સમાંતરે ઓતપ્રોત બનીને ચાલ્યા કરે છે. પૂંડરીક ત્રિપાઠી લેખક છે. શબ્દોની તેની પાસે કશી ખોટ નથી. પંદર વર્ષ પહેલાં પિતાનું ઘર છોડીને શહેરમાં આવીને વસવાટ કરે છે. શહેરનું વાતાવરણ તેને તેની બહેન પરીની યાદ અપાવે છે. પરી કથકની નાની બહેન છે અને હાલ હયાત નથી. તેના મૃત્યુ પાછળ જવાબદાર પણ કથક પોતે જ છે. આ બધી જ પીડા અને વેદનાને કથક શબ્દો દ્વારા આ વાર્તામાં સરસ રીતે વાચા આપે છે. ‘વર્જિત સ્વર’ વાર્તામાં અભિજીત અને વામા નામનાં બે પાત્રો છે. બંને પતિ પત્ની છે અને બેમાંથી એકેય લગ્ન પછી બાળક નથી ઇચ્છતાં. આમ થવા પાછળના બંને પાસે પોતપોતાના જુદાં જુદાં કારણો છે. બંને સરસ રીતે ઑફિસમાં કામ કરે છે. અભિજીતને મનમાં એવું છે કે બાળક હશે તો જવાબદારીઓ વધશે અને વામા આનાથી વિરુદ્ધ વિચારે છે. તેમણે બાળપણમાં જે ખાલીપો અનુભવ્યો છે એવો ખાલીપો એના બાળકને ન વેઠવો પડે તે માટે તે બાળક ઇચ્છતી જ નથી. પરંતુ વાર્તાના અંતે તે એક દિવસ ઑફિસથી વહેલા ઘરે આવી જાય છે ત્યારે ઘરની એકલતા એને કઠે છે. તે મનમાં અનેક વિચારો કરે છે અને વાર્તા પૂરી થાય છે. ‘સ્વીચડ ઑફ’ વાર્તાનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. આ વાર્તામાં ત્રણ મહત્ત્વનાં પાત્રો છે અનંત, વાણી અને ધ્રુવ. વાણી અને ધ્રુવ મા દીકરો છે અને છેલ્લા ત્રણ મહિનાથી અનંત કહ્યા વિના ક્યાંક ચાલ્યો ગયો છે. તે ક્યાં છે? શું કરે છે? જીવિત છે કે મૃત્યુ પામ્યો છે? તેના વિશે કોઈ કશું જાણતું નથી. વીણા વારંવાર અનંતનો ફોન ટ્રાય કરે છે પરંતુ અનંતનો ફોન સતત સ્વીચડ ઑફ જ આવે છે. તેમની કોઈ ભાળ મળતી નથી. વાર્તાનું શીર્ષક અહીં એકદમ સાર્થક બને છે. ‘તાવ’ વાર્તામાં વાર્તાની નાયિકા વૈદેહી ગાયક છે પરંતુ લગ્ન પછી જવાબદારીના બોજથી એટલી બધી લદાયેલી છે કે ગાવાનું છૂટી જાય છે. પતિનો સહકાર મળતો નથી. આ પીડા તેને શરીરમાં તાવરૂપે બહાર આવે છે. એવામાં અમેરિકાથી તેની પિતરાઈ નણંદ સોહા અને તેનો પતિ આદિત્ય આવે છે. વૈદેહીના જીવનમાં આદિત્યના આગમન સાથે નવી સવાર ઊગે છે અને સાંજની રાત્રીસભામાં આદિત્ય વિદેશી હોવા છતાં સરસ રીતે ગુજરાતી ગીતો ગાય છે. તેની સાથે વૈદેહી પણ જોડાય છે. આમ જોઈએ તો આ વાર્તાની મુખ્ય થીમ વિદેશથી આવેલાં દંપતી અહીંયા પંદરેક દિવસ સુધી રહે છે ત્યાં સુધીમાં ઘરનું સમગ્ર વાતાવરણ બદલી નાખે છે અને જ્યારે તે પાછાં અમેરિકા જાય છે એટલે વળી પાછું વાતાવરણ પહેલાં જેવું જ થઈ જાય છે એટલી જ છે. ‘વિદ્યાના પપ્પા’ વાર્તામાં લેખિકાએ વિદ્યાના પિતા જે હાલ મૃત્યુ પામ્યા છે તેનું ચરિત્ર વિદ્યાના પાત્ર મારફત ઉપસાવ્યું છે. બાપ દીકરી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમ વાર્તાને નવી દિશા ખોલી આપે છે. વિદ્યાને તેના પિતાની ખોટ સતત સાલે છે. છેલ્લા પાંચ વર્ષથી તેમને એક સ્મૃતિભ્રમની બીમારી લાગુ પડેલી. આ પરિસ્થિતિમાં વિદ્યા લગ્ન કરીને સાસરે ગઈ એ વાતે મનોમન પસ્તાવો અનુભવે છે. તે વારંવાર તેના પિતાને યાદ કરે છે. તે પાલનપુર જ્યાં તેના પિતાએ તેને જિંદગીનો ઘણો સમય વિતાવ્યો છે ત્યાં પણ જાય છે પરંતુ જઈને જુએ છે તો ત્યાં ઘણું બધું બદલાઈ ગયું છે. લેખિકા વાર્તાના અંતે એક વાક્ય મૂકે છે ‘ઘર ત્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા...’ અહીં વાચકને પ્રશ્ન થાય કે આ વાર્તા સાથે આ વાક્યનો કેટલો સુમેળ? ‘બીજી સ્ત્રી’ વાર્તામાં શૈલા, વિક્રમ અને મૃણાલ એવાં ત્રણ પાત્રો મહત્ત્વનાં છે. શૈલા અને વિક્રમ પતિ-પત્ની છે જ્યારે મૃણાલ બાવીસ વર્ષની વયે લગ્ન ન કરવાના કારણોસર ઘર છોડીને ભાગી આવેલી અને છેલ્લા એકાદ વર્ષથી વિક્રમની ઑફિસમાં કામ કરનારી સ્ત્રી છે. વિક્રમના મનમાં જાણતાં-અજાણતાં મૃણાલનો સહવાસ ગમવા લાગે છે અને આ બાજુ ક્યારેય લગ્ન ન કરવા એવું વિચારનારી મૃણાલને પણ વિક્રમ પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ જાગે છે. વાર્તાના અંતે વિક્રમ તેની પત્ની શૈલાને બધી જ વાત કરે છે અને પોતાનો અપરાધભાવ છુપાવવાનો પ્રયત્ન કરે છે. ‘અવાજો’ વાર્તાનાં બે પાત્રો સુજાતા અને નીના જુદા જુદા પરિવેશમાં જીવનારાં પાત્રો છે. બંને સગી બહેનો છે પરંતુ સુજાતાને વિદેશથી જોવા આવેલો છોકરો નીનાને પસંદ કરીને જાય છે. નીના અને સુધીરનાં લગ્ન થાય છે પછીથી સુજાતા લગ્ન કરવાનું ટાળે છે અને બા-બાપુજીની સેવામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. અનેક અવાજોની વચ્ચે જીવનારી સુજાતા મૂક અવસ્થામાં છે. જ્યારે મૂક અવસ્થામાં રહીને પરાણે જીવન વ્યતીત કરનારી નીના સુજાતા સામે તો પહેલાંની જેમ જ હળીભળી શકે છે. બે જુદા જુદા પરિવેશને અહીં સામસામે અવાજો મારફત લેખિકાએ ઊભા કર્યાં છે. ‘ઘર’ વાર્તામાં કથક ઘર પોતે જ છે. જે તેનામાં પહેલાં પ્રેમલગ્ન કરીને આવેલાં અને હવે છૂટાછેડા લઈ રહેલાં બે પાત્રની વાસ્તવિક છબી વાચક સમક્ષ રજૂ કરે છે. સૌમિત્ર અને અપર્ણા એવાં બે પાત્રો સ્વેચ્છાએ પરણે છે અને પછી સ્વેચ્છાએ જ અલગ થાય છે ત્યાં સુધીની તેમની જે સફર છે તેની કથા ઘર પોતે જ વાચકને કહે છે. સૌમિત્ર બંગાળી છે અને નાટકશાળામાં કામ કરે છે. તેમને નાટકો કરવામાં રસ છે. જ્યારે અપર્ણા સૌમિત્રનું બદલાયેલું રૂપ જુએ છે ત્યારે ખુદને પણ પ્રશ્ન થાય છે કે આ જ સાચો સૌમિત્ર કે પહેલો? વાર્તાના અંતે અપર્ણા પોતાનો નિર્ણય જાતે કરી શકે છે અને સૌમિત્રથી છૂટાછેડા લઈ પોતાની રીતે નવેસરથી પોતાની જિંદગી શરૂ કરે છે. અહીં લેખિકાએ સ્વતંત્ર રીતે જીવતી અને સ્વતંત્ર રીતે વિચારી શકતી નારીનું વાસ્તવિક ચિત્ર વાચક સમક્ષ ઊભું કર્યું છે. ‘સ્વપ્નભંગ’ વાર્તાની નાયિકા પૃથા સ્કૂલમાં ભણે છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે અને વાંચવાની શોખીન પણ છે. તેને તેમના એક શિક્ષક પ્રત્યે તેનામાં રહેલ અપાર જ્ઞાનના લીધે અલગ પ્રકારનું આકર્ષણ છે. લેખિકાએ ક્યાંય એ શિક્ષકનું નામ નથી આપ્યું પરંતુ એમના માટે ‘એ’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. પ્રવાસમાંથી પાછા ફરતી વખતે પૃથાને તેના મનગમતા શિક્ષક વિશે તેઓ પૈસાના અને ટ્યૂશનના લાલચું છે એવી વાત જાણવા મળે છે ત્યારે તેનું સ્વપ્નભંગ થાય છે અને મનમાં ઊભા કરેલા એક આદર્શ શિક્ષકની છબી એક જ ઝાટકે ભૂંસાઈ જાય છે. ‘બોન વોયેજ’ વાર્તામાં લેખિકા એક આદર્શ ભારતીય પુરુષનું ચિત્ર ઉપસાવવાની કોશિશ કરે છે. વાર્તાની નાયિકા કાવ્યાને તેના પિતાનો કાગળ આવે છે કે તે ઇન્ડિયા પરત આવી રહ્યા છે. અત્યાર સુધી તેમણે એવું જ નક્કી કરેલું કે તેઓ રિટાયર્ડ થાય પછી અમેરિકામાં જ કાયમી સ્થાયી થશે પરંતુ અત્યારે તેઓ પરત આવી રહ્યા છે એટલે કાવ્યા તેના ઘરની સાફ-સફાઈ કરાવવા માટે જાય છે. આ દરમિયાન તેને એક ડાયરી મળે છે જેમાંથી તેના પિતાનું એક અલાયદું ચિત્ર કાવ્યા સમક્ષ ઊભું થાય છે. તેને સતત એવું લાગતું કે તેના પિતા અને માતા વચ્ચેના સંબંધો ખટરાગવાળા હતા પરંતુ આજે ડાયરી વાંચ્યા પછી તેમના મનનો બોજ હલકો થાય છે અને તેને પિતા પ્રત્યે આત્મીયતા જાગે છે. ‘વરસાદ’ વાર્તાનું શીર્ષક પ્રતિકાત્મક છે. આ વાર્તામાં લેખિકાએ નાયક નાયિકાને કોઈ નામ નથી આપ્યાં. વાર્તાની થીમ વર્ષો પછી પોતપોતાની જિંદગીમાં સ્થિર થઈ ચૂકેલાં પૂર્વ પ્રેમીઓ વરસાદી વાતાવરણમાં મળે છે અને પોતાનો ભૂતકાળ યાદ કરે છે તેવી છે. પ્રેમ એટલે શું? એવા પ્રશ્નનો સુંદર જવાબ આપવાનો પ્રયત્ન આ વાર્તામાં લેખિકાએ કર્યો છે. વરસાદ એ નવજીવનનું પ્રતીક છે. અહીં પણ એ નાયક નાયિકાના જીવનમાં જુદા રંગો ભરવાનું કામ કરે છે. ‘વિરાજનાં લગ્ન’ વાર્તામાં લેખિકાએ મોટી ઉંમરે લગ્ન કરવાની હા પાડતી નાયિકા વિરાજનું પાત્ર આલેખ્યું છે. વિરાજને લગ્ન કરવાની ઇચ્છા નહોતી પણ તેમના ઘરના લોકોને આગ્રહવશ થઈને તે દેવવ્રત નામના યુવાનને પરણવા તૈયાર થાય છે. લગ્ન દરમિયાન આવતા મહેમાનો, કામકાજ, જવાબદારી આ બધાનો બોજ પોતાના પર લઈને જીવતી વિરાજ વાર્તાના અંતે ચાવીનો ઝૂડો માયાને આપી દઈને પિતાના ઘરની જવાબદારીમાંથી મુક્ત બને છે. ‘વૃક્ષ’ વાર્તામાં વૃક્ષ પણ એક પાત્ર બનીને આવે છે. ચંદ્રશેખર અને ઉર્મિલાએ લગ્નના છ મહિના પછી વાવેલું વૃક્ષ તેના નિઃસંતાન દાંપત્યજીવનમાં સહારો બનીને અડીખમ ઊભું રહે છે અને સમય જતાં જ્યારે ઉર્મિલા મૃત્યુ પામે છે ત્યારે પણ ચંદ્રશેખરના જીવનમાં ઉર્મિલાની ગરજ સારે એવું આ અડીખમ વૃક્ષ ઉભું છે. ચંદ્રશેખર કેટલીય વાર વૃક્ષ સાથે મુક સંવાદો રચે છે અને જાણે વૃક્ષ પણ એને અલિંગન આપીને જવાબો આપતું હોય એવું અનુભવે છે. વાર્તાના અંતે ભારે વરસાદના લીધે વૃક્ષ ધરાશાયી થઈને ચંદ્રશેખરના ઘરની દીવાલને જાણે કે આલિંગન આપીને પડ્યું છે ત્યારે નાયકના મનની આશાઓ પણ ધરાશાયી થઈ જાય છે. વૃક્ષનો અહીં લેખિકાએ સરસ રીતે પ્રતિકાત્મક ઉપયોગ કર્યો છે. ‘સારવાર’ વાર્તામાં વૃદ્ધ દંપતીની વાત છે. વાસંતીબહેન અને પ્રોફેસર હરીવદન પતિ-પત્ની છે. પ્રોફેસર હરીવદનની તબિયત અત્યારે બરાબર નથી. તેનું ચિત્તભ્રમ થઈ ગયું છે એવામાં તેમનાં પત્ની વાસંતીબેન પગે ચાલી શકતાં ન હોવા છતાં પતિની ખડા પગે રહી સારવાર કરે છે. આમ જોઈએ તો આ એક સફળ દાંપત્યજીવનની વાર્તા છે. ‘નેત્રાનું ફ્રોક’ વાર્તામાં લેખિકાએ અત્યારના સમયની સાંપ્રત સ્થિતિને આબેહૂબ વર્ણવી છે. નેત્રા અત્યારના સમયની છોકરીનું પ્રતિનિધિત્વ કરનાર પાત્ર છે. જે એકદમ આધુનિક રીતે વિચારે છે. જ્યારે તેની મા ઉમાને તેની ચિંતા થાય છે એટલે વારંવાર તેના પર રોકટોક કરે છે. મિત્રને ત્યાં પાર્ટીમાં ગયેલી નેત્રા રાત્રીના સવાએક સુધી ઘરે પરત નથી આવતી. તે દરમિયાન ઉમાના મનમાં ચાલતા વિચારો, વર્તમાન અને ભૂતકાળમાં કથાનું પોત બંધાય છે અને વાર્તાના અંતે પોતાની દીકરી પાછી આવશે કે નહીં? એવી શંકા સેવતી ઉમાના મનનું સમાધાન થાય છે અને વાર્તાનો સુખાંત આવે છે. ‘એકલસૂરો’ વાર્તામાં લેખિકાએ એકાંગી જીવન જીવનાર પાત્રને આલેખ્યાં છે. કથક અને પછી ધીમે ધીમે તેનો દીકરો કાર્તિકેય બંને પોતપોતાની રીતે સ્વતંત્ર વિચારીને જીવનારાં પાત્ર છે. પોતાના સુખ કરતાં બીજાના દુઃખની તેને વધારે ચિંતા છે. દરેક વ્યક્તિને પોતાના વિચારોનો એક સ્વતંત્ર ઓરડો હોય જ છે. એ જગ્યાએ ઇચ્છે એ જ પહોંચી શકે એવી વાસ્તવિકતાને અહીં લેખિકા વાચક સમક્ષ આંગળી ચીંધીને બતાવે છે. આ સંગ્રહની વાર્તાઓ વિશે નોંધવા જેવી બાબત એ છે કે અહીં લેખિકાએ કોઈ પાત્રના મુખે બોલાયેલા સંવાદ આલેખ્યા પછી તે પાત્રનું નામ લખ્યું છે. ખરેખર જોઈએ તો ત્યાં પાત્રના નામની જરૂર નથી કેમ કે સજ્જ વાચક તરત જ સમજી જશે કે સંવાદ કોનો છે. આ એક બાબતને લેખિકાની થોડીક નિષ્ફળતા ગણાવી શકાય. આ સંગ્રહની વાર્તાઓની વિશેષતા એ છે કે અહીં મોટાભાગે જે પાત્ર આલેખાયાં છે તે સામાન્ય પરિવેશમાં જીવનારાં અને મોટી ઉંમરના, જીવનની પરિપક્વતા તરફ આગળ વધેલાં પાત્રો છે. તેમના જીવનની વિવિધ ગતિવિધિઓને અહીં લેખિકાએ વાસ્તવિક રીતે આપણી સમક્ષ મૂકી આપી છે. એકંદરે પૂજા તત્સતની આ સંગ્રહની તમામ વાર્તાઓ વાચકના મનમાં જુદી જુદી રીતે કોઈને કોઈ વિચાર મૂકીને માનવ જીવનની વિવિધ ગતિવિધિઓ સામે નિર્દેશ કરીને જાય છે.
૨. ‘એન્ટરપ્રિન્યોર’
પૂજા તત્સત્ની વાર્તાકળા :
આ સંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. અહીં મોટાભાગની વાર્તાઓની થીમ મધ્યમવર્ગના ગુજરાતી કુટુંબજીવનના અનુભવો છે. બેએક વાર્તાઓ બાળકોના જાતીય શોષણને લગતી પણ છે. આજકાલ રોજિંદી થઈ પડેલી આ ઘટનાની અસર એનો ભોગ બનનારાઓ પર અને તેમનાં સગાઓ પર વરસો સુધી ઘેરી અસર મૂકી જતી હોય છે. જીવનની વાસ્તવિકતાઓ અહીં લેખિકા આલેખે છે. જીવનના સારાં અને નરસાં બંને પાસાંઓને સર્જકે હૂબહૂ આલેખ્યાં છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા એટલે ‘માયા’. આ એક ચરિત્રપ્રધાન વાર્તા છે. નવ વર્ષની વયે થયેલી એક દુર્ઘટના તેના લગ્નજીવનમાં કેવી ઘડતરરૂપ બને છે તેની વાત છે. નવેક વર્ષની વયે વાર્તાની માયા એક લગ્નમાં ગયેલી ત્યાં રાત્રીના અંધકારમાં તેના પર કોઈએ બળાત્કાર કરવાનો પ્રયાસ કરેલો. આ ઘટના તે ઇચ્છવા છતાં પોતાના જીવનમાંથી બહાર કાઢી શકતી નથી. તેનો પતિ પ્રસાદ અને માયા પોતે બંને કૉલેજમાં પ્રોફેસર છે. માયા સર્જક છે. પોતે જીવનની વાસ્તવિકતાઓ પર લખે છે. વાર્તાને અંતે મુકાયેલું એક વાક્ય પ્રકાશ અને અંધકારની માનવજીવન સાથે જોડાયેલી બે ધરાઓને અભિવ્યક્ત કરે છે. ‘લીલા અને હું’ વાર્તાની નાયિકા લીલા પણ માયાની જેમ કૉલેજમાં પ્રોફેસર છે. લીલાના આંતરિક વિશ્વ અને બાહ્ય વિશ્વને અહીં લેખકે વાચક સમક્ષ ખોલી આપ્યું છે. પોતાના એકના એક દીકરાનું થયેલું અવસાન લીલાને હચમચાવી મૂકે છે. બહારથી તે ખુશ દેખાવવાના પ્રયત્નો કરે છે. કોઈ સામે રડતી નથી પરંતુ તેની અંદર દરિયો ભરીને આંસુ છુપાયેલાં છે. આ વાર્તાનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ અભ્યાસ થઈ શકે તેમ છે. ‘વાદળનાં ફૂલ’ વાર્તામાં બાપ અને દીકરા વચ્ચેનો સંવાદ છે. સંવાદ મારફત જ વાર્તાનું પોત રચાય છે અને ઘટના વાચક સમક્ષ ખૂલતી જાય છે. પુત્ર જિજ્ઞાસાવશ સતત નાના બાળકની જેમ પિતાને પ્રશ્નો પૂછે છે ને તેના પિતા તેના ટૂંકા જવાબો આપે છે. વાર્તાના અંતે વાચકને સમજાય છે કે બાળકની એકલતા જ તેને પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરતી હતી. તેના મમ્મી પપ્પાના છૂટાછેડા થયા છે અને હવે બે ભાગમાં વહેંચાઈને રહેવું પડશે તે વાત બાળકને મંજૂર નથી. સમગ્ર વાર્તામાં બાળકની એકલતા વાચક પણ અનુભવી શકે એમ છે. ‘ઝાડ’ વાર્તામાં રેવા અને આશુતોષ એવાં બે પાત્રો છે. રેવાના ચરિત્રને લેખિકાએ નવપરિણીત સ્ત્રીમાંથી પ્રૌઢાવસ્થાએ પહોંચતી એક ગૃહિણી માફક આલેખ્યું છે. આ વાર્તામાં એક સ્ત્રીનું રોજિંંદુ જીવન, પતિ અને બાળકો પરના અનિચ્છિત આધારની સામે એક ઝાડમાં તેને સાચો આધાર મળી રહે છે ને વાર્તાના અંત સુધીમાં તે પોતે પણ એક ઝાડ જ છે એવું અનુભવે છે. તેની લાગણી, વેદના બધું જ તે વ્યક્ત કરવા ઇચ્છે છે પણ તેનો પતિ ઑફિસના કામમાં એટલો બધો વ્યસ્ત છે કે તેને સમજી શકતો નથી. મધ્યમ વર્ગની એક સ્ત્રીની એકલતા અહીં આલેખાઈ છે. ‘વિસ્થાપિત’ વાર્તામાં લેખિકાએ એક સાથે બે ઘરની ઘટનાઓ સામ સામે મૂકી આપી છે. વાર્તાની નાયિકા ફેસબૂક પર પોતાના પિયરના ઘરનો જૂનો ફોટો જુએ છે અને તેની યાદો તેના મનમાં તાજી થાય છે. જે ઘરમાં તે રહીને મોટી થઈ છે તે ઘર હવે તેમનું નથી કોઈને વેચી દેવાયું છે. ત્યાં જૂનો કાટમાળ કાઢીને નવી રીતે ઘર બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે તે વાત આ વાર્તા સાર્થક કરે છે. વાર્તાનું શીર્ષક પણ સાર્થક છે. ‘સિલ્ક’ વાર્તામાં પતિથી અલગ રહીને નવ વર્ષના પુત્ર અભયને એના ફૂટબોલના કોચ જાતીય શોષણનો ભોગ બનાવવાના પ્રયત્નો વિશે ખુદ અભય પાસેથી જ જાણે છે ત્યારે એકવાર પોતાની માતાએ આવી હરકતથી હિંસક પ્રતિક્રિયા દ્વારા પોતાને બચાવેલી એ જ પોતે પણ પોતાના દીકરા અભયને બચાવી લે છે. ‘સમાંતર’ વાર્તાની નાયિકા તેના પિતા દ્વારા પુછાયેલો પ્રશ્ન સુખી છો ને? નો જવાબ આપે છે તેમાં વિસ્તરે છે. સુખ એટલે શું? એવા તાત્ત્વિક પ્રશ્નની ચર્ચામાં વાર્તા આગળ વધે છે. કોઈ પૂછે કે સુખી છો? તો ખરેખર શું જવાબ આપી શકાય એવો પ્રશ્ન આ વાર્તાની નાયિકાને પણ ઉદ્ભવે છે. આમ જોઈએ તો આ એક વિચારપ્રધાન વાર્તા છે. કેમ કે પ્રત્યક્ષ રીતે એક જ પાત્રના મુખે આ વાર્તા કહેવાય છે. સુખ એટલે શું? નો જવાબ આપતી વાર્તાની નાયિકા તેના પિતાને મેઇલ કરીને સુખની વિભાવના બાંધે છે. ‘વિભાજીત’ વાર્તા કથાનાયકના વિભાજનની વ્યથાને રજૂ કરતી વાર્તા છે. આ વાર્તામાં નાયક અવ્યય પોતાના માતા પિતાથી દૂર વતનમાં દાદા પાસે રહીને ઉછરે છે. એના અસ્તિત્વના વિભાજનની વ્યથાને અહીં લેખિકાએ રજૂ કરી છે. તેને પણ બીજા છોકરાઓને તેના માતા પિતા સાથે જોઈને પોતાનાં માતા પિતા સાથે રહેવાની ઇચ્છા થાય છે. પણ એવું તેના માટે શક્ય નથી. માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં જુદી જુદી પરિસ્થિતિમાં કેવું કેવું પરિવર્તન આવે છે તે આ વાર્તામાં પમાય છે. ‘આંખો’ વાર્તાનું શીર્ષક પ્રતીકાત્મક છે. અહીં આલેખાયેલાં બે પાત્રો મીનાક્ષી અને કથક પોતે વાચકને એક જુદી દુનિયામાં લઈ જાય છે. ‘આંખો’ શીર્ષક થકી સર્જક વ્યક્તિના બદલાતા દૃષ્ટિકોણ કે નજરીયાની વાત કરે છે. અહીં મીનાક્ષી પરણીને આવી ત્યારથી જોબ કરવાને બદલે પતિની સેવા કરે છે. પરંતુ તેમનું પ્રથમ સંતાન મયંકના જન્મના બે મહિના પછી તરત જ તે ઘરે આયાને મયંકની જવાબદારી સોંપી જોબ જોઇન કરે છે. અને જ્યારે તે બીજીવાર ગર્ભવતી થાય છે ત્યારે વળી પાછી જોબ મૂકીને પોતાના સંતાન સાથે અગાઉ જે સમય મિસ થયો હતો તે સમયને વ્યતિત કરવા ઇચ્છે છે. મીનાક્ષીના માતૃત્વની બદલાતી બે છબીઓ અહીં કેન્દ્રસ્થાને છે. ‘યાત્રા’ વાર્તાની શરૂઆતમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ચિત્રા અને અશોકની યાત્રા વાર્તાના અંતે સુખદ પરિણામ આપનારી બની રહે છે. એક રીતે જોઈએ તો આ વાર્તા કરુણ છે. અશોક અને ચિત્રાનો દીકરો નુકૂલ અમેરિકામાં રહે છે. તેને એક સંતાન છે પણ તેની સાર સંભાળ રાખી શકે એવું કોઈ નથી. માટે તે પોતાના વતનથી રિટાયર પપ્પા અને મમ્મીને વતનમાં જમીન વેચીને અમેરિકા સ્થાયી થવાનું કહે છે. અહીં લેખકે એક સાથે બે ઘટનાઓ સામસામે મૂકી છે. ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અજાણ્યાં દંપતી અને એનું બાળક વાર્તાને અંતે એક નવો વળાંક આપવામાં મહત્ત્વનાં પાત્રો બની રહે છે. ‘ઋતુ’ વાર્તાનું શીર્ષક થોડું વિચિત્ર અને અટપટું છે. અહીં કથાની મુખ્ય થીમ તો પતિ સાથે ઝઘડો કરીને પિતાના ઘરે પરત ફરતી નાયિકાની છે. આત્મજા સામાન્ય બાબતે પતિ સાથે ઝઘડો કરીને પિતા ભાસ્કરના ઘરે પરત આવી ગઈ છે. તેની માતા સતત ઇચ્છે છે કે પુત્રી ઝડપથી પોતાના ઘરે પરત ફરે તો સારું, તે માટેના પ્રયત્નો પણ સતત તે કરે છે અને વાર્તાના અંતે આત્મજા પોતાના પતિના ઘરે પરત જાય છે. અહીં શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાનો વરસાદ વાર્તાની અને વાર્તા સાથે જોડાયેલા માનવ સંબંધોને નવી દિશા આપે છે. ‘પરિચિત’ વાર્તામાં વર્ષો પછી પોતાના કૉલેજના મિત્રને મળતો નાયક છે. જેને લાગે છે કે બંને વચ્ચે ન પુરાય એવું અંતર પડી ગયું છે. સમગ્ર વાર્તામાં વર્તમાનની કથા સાથે ભૂતકાળને લેખિકા જોડતા ગયા છે અને એમાંથી સમીર અને કથાનાયકનું એક વાસ્તવિક ચિત્ર વાચક સામે ખડું થાય છે. ‘એક મેઇલ’ વાર્તાનું કથાનક આમ તો આછું પાતળું છે. કથાનાયિકા આસ્થા પોતાના પતિને મેઇલ કરે છે તે મેઇલ જ આ વાર્તા છે. તેનો પતિ તેની ઑફિસમાં સાથે કામ કરનારી કોઈ વ્યક્તિને આઇ લવ યુ ના મેસેજ કરે છે. જે નાયિકા જાણે છે અને પોતાના પતિને તમામ બંધનમાંથી મુક્ત કરે છે અને વાર્તાનો અંત આવે છે. નાયિકાની મનોવ્યથાને અહીં લેખિકાએ વાચા આપી છે. ‘સત્ય’ વાર્તાનો નાયક પત્રકાર થવાની આશાએ અને જીવનના સત્યને જાણવા માટે પિતાની સાથે ઝઘડો કરીને નીકળી પડે છે. તે પત્રકાર બને છે અને દરેક કુદરતી કે માનવસર્જિત આફતોને પોતાની નજર સમક્ષ જોઈ તે સતત પોતાના કૅમેરામાં કેદ કરે છે. એક દિવસ એક દુર્ઘટનામાં તે પોતે જ તેનો શિકાર બને છે ત્યારે તેને સમજાય છે કે વાસ્તવિક સત્ય જુદું જ છે. ‘પિતા’ વાર્તામાં માતાથી દૂર રહી એકમાત્ર પિતાના સહારે ઉછરતો નાયક છે. તેનો સ્વભાવ જુદો છે. પિતા સતત કાળજી રાખે છે અને સંભાળ લે છે તે વાતને તે પચાવી શકતો નથી. પરંતુ જ્યારે વાર્તાના અંતે તેને પિતાનું વાત્સલ્ય સમજાય છે ત્યારે તેને લાગે છે કે તેના પિતાએ સતત તેનો સાથ આપ્યો છે. આ વાર્તામાં પિતાનું વાત્સલ્ય કેન્દ્રસ્થાને છે. બાપ દીકરાના સંબંધને નવું પરિમાણ બક્ષતી આ વાર્તા છે. ‘દેવ અને ઇવા’ વાર્તામાં સર્જકે પહેલાં લિવિંગ રિલેશનમાં સાથે રહેતાં અને પછી અચાનક એક દિવસ પરણી જતાં નાયક નાયિકાનું ચિત્ર વાચક સામે આપ્યું છે. આ વાર્તાની કથનશૈલી થોડી અટપટી છે. વાર્તાના બંને પાત્રો દેવ અને ઇવા પોતાની કથા પોતે જ વાચકને જણાવે છે. ‘પાર્ટી’ વાર્તામાં દસ વર્ષ પછી પોતપોતાના લગ્નજીવનમાં સ્થિર થયેલા અને આજ અચાનક જ એક પાર્ટીમાં મળી ગયેલાં બે પાત્રો છે ઋષિ અને મીની. મીની પોતાના કૉલેજના પ્રેમી ઋષીને ભૂલી અજયને પરણી છે. તે અજયને છેલ્લાં દસ વર્ષથી વફાદાર છે પણ અજય તેને વારંવાર ઉતારી પડે છે. વફાદારી એટલે શું? એવા પ્રશ્ન વારંવાર પૂછે છે. આ પરિસ્થિતિમાં એ લોકો વચ્ચે જે વાતચીતનો દોર સધાય છે તે આ વાર્તાનું કથાનક છે. ‘એન્ટરપ્રિન્યોર’ વાર્તાથી આ સંગ્રહનું શીર્ષક આપવામાં આવ્યું છે. જ્યારે આ વાર્તામાંથી કોઈ વાચક પસાર થાય ત્યારે તેને સમજાય છે ખરેખર આ વાર્તાની નાયિકા પ્રિયા એન્ટરપ્રિન્યોર છે. તે વરદ નામના યુવાનને પ્રેમ કરે છે. એક અકસ્માતમાં તેનું મૃત્યુ થાય છે પછી તે તેના મનોજગતની અંદર તેને સતત જીવતો રાખે છે. જાણે વરદ તેની બાજુમાં જ હોય તે રીતે તેની સાથે વાતચીત કરે છે. પ્રિયાના પોતાની જાત સાથેના સંવાદો તો વળી ક્યારેક ગેરહાજર વરદ સાથેના સંવાદો એક પ્રકારનો શૃંગારિકતાનો ભાવ જન્માવે છે. આ સંગ્રહની અંતિમ વાર્તા એટલે ‘શહેર’. આ વાર્તામાં લેખિકાએ ભર્યા-ભર્યાં શહેરમાં પણ એકલતા અનુભવતાં બે પાત્રોનું આલેખન કર્યું છે. એક બાજુથી ગામડેથી શહેરમાં ભાડૂત બની રહેનારી કથાનાયિકા છે તો બીજી બાજુ તેની મકાન માલિક ગાર્ગી પણ પોતાના પુત્ર અને વહુના વિયોગે એકલતાનો અનુભવ કરે છે. આ વાર્તા પ્રથમ પુરુષ એકવચનથી કહેવાય છે. અહીં આલેખાયેલી સમગ્ર વાર્તાઓ વાચકને જુદી જુદી અનુભૂતિમાં લઈ જનારી વાર્તાઓ છે. લેખિકાએ જીવનનાં વાસ્તવિક ચિત્રો વાચકને વાર્તાના માધ્યમથી બતાવ્યાં છે. જીવનના કડવા અને મીઠા બંને અનુભવો અહીં કોઈ ને કોઈ રીતે લેખિકા આલેખે છે. મધ્યમ વર્ગના સમાજનું એક વાસ્તવિક ચિત્ર શબ્દના માધ્યમથી દોરવામાં લેખિકા સફળ થાય છે.
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮