ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાજેશ અંતાણી
સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
રાજેશ અંતાણીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૪૯ના રોજ કચ્છ જિલ્લાના ભૂજમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ભૂજમાં પ્રાપ્ત કર્યું. હાલ ગુજરાત વિદ્યુત બોર્ડ પી. જી. વી. સી. એલ.ના એચ. આર. હેડ તરીકે નિવૃત્ત થઈ સર્જન પ્રવૃત્ત છે. કચ્છની વિશિષ્ટ પ્રકૃતિ સર્જકને ઘડવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે સાથે ૨૦૦૧માં આવેલ મહાવિનાશકારી ભૂકંપે પણ સર્જક મન પર તીવ્ર છાપ છોડી છે. પરિણામે ભૂકંપ ઘટનાને કેન્દ્રમાં રાખી ધણધણાટી નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી પ્રાપ્ત થયો છે. સ્વભાવે સંવેદનશીલ પ્રકૃતિ ધરાવતા સર્જક માટે જીવન અને આસપાસમાં બનતી સંવેદનશીલ ઘટનાઓની તીવ્રતા તેમના વાર્તાલેખનનાં પ્રેરકબળો છે.
સાહિત્યસર્જન :
વિશેષ નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે સાહિત્ય સર્જન કરનાર રાજેશ અંતાણી પાસેથી આઠેક જેટલી નવલકથાઓ અને ચાર વાર્તાસંગ્રહો પ્રાપ્ત થયા છે. જે નીચે મુજબ છે.
નવલકથા : ‘સંબંધની રેતી’ (પ્ર. આ. ૧૯૮૮), ‘વાંસવનમાં વરસાદ’ (પ્ર. આ. ૧૯૯૧), ‘સફેદ ઓરડો’ (પ્ર. આ. ૧૯૯૧), ‘અભાવનો દરિયો’ (પ્ર. આ. ૧૯૯૨), ‘અલગ’ (પ્ર. આ. ૧૯૯૩), ‘ખાલી છીપ’ (પ્ર. આ. ૧૯૯૫), ‘સંધિરેખા’ (પ્ર. આ. ૨૦૦૩), ‘મેઘમહેર’ (પ્ર. આ. ૨૦૧૫), સંભવિત (પ્ર. આ. ૨૦૨૨)
ટૂંકી વાર્તા : ‘પડાવ’ (પ્ર. આ. ૧૯૮૨), ‘વાવડો’ (પ્ર. આ. ૧૯૯૬), ‘ધણધણાટી’ (પ્ર. આ. ૨૦૧૭), ‘ખાલી થતું ગામ’ (પ્ર. આ. ૨૦૨૧)
વાર્તાકારનો યુગસંદર્ભ :
રાજેશ અંતાણી અનુઆધુનિક યુગના સર્જક છે. છતાં આધુનિકયુગના સાહિત્યની લાક્ષણિકતાઓ જેવી કે, એકલતા, સંબંધોની નિષ્ઠુરતા, ગૂંગળામણ વગરે તેમના પ્રથમ વાર્તાસંગ્રહમાં નજરે પડે છે. ‘પડાવ’ સંગ્રહની વાર્તાઓ જાણે આધુનિકયુગથી અનુઆધુનિકયુગ તરફની સંક્રાન્તિ છે. બીજા વાર્તાસંગ્રહથી સર્જક આધુનિકતાની છાયામાંથી મુક્ત થઈ જીવન અને આસપાસમાં બનતી ઘટનાઓને કેન્દ્ર બનાવી વાર્તા સર્જન તરફ વળે છે.
ટૂંકી વાર્તા સર્જન :
‘પડાવ’ રાજેશ અંતાણીનો પ્રથમ વાર્તાસંગ્રહ સપ્ટેમ્બર ૧૯૮૨માં પ્રગટ થયો. જેમાં કુલ ૧૫ વાર્તા સંગ્રહિત છે. એકલતા, ગૂંગળામણ, અભિવ્યક્ત થવાની મથામણ, ભૂતકાળનો ભાર, અસ્થિરતા, સંબંધોની નિષ્ઠુરતા વગેરે ભાવોને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી આ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘પુરાતત્ત્વવિદ્ની આંખો’માં પુરાતત્ત્વવિદ્ નાયક કોઈ ગામમાં ઐતિહાસિક પુરાવા શોધવાના કામે ઉત્ખનન માટે આવે છે અને ઉત્ખનન દરમ્યાન એક શિલાલેખના લખાણ પરથી પોતાની જાતના ઉત્ખનન દ્વારા પોતાના વેદનામય ભૂતકાળને પામે છે! ‘ખાલી ઘર એટલે ઈશાની’ અને ‘રડવું’ વાર્તામાં પત્નીના મૃત્યુપ્રસંગે નાયકની ન રડી શકવાની વેદના, ગૂંગળામણ અને અગ્નિદાહ આપ્યા બાદ ઘેર પાછા ફરતાં ઘરમાં ઘેરી વળતો ખાલીપો સહ્ય ન થતાં અંતરની વેદના આંસુ રૂપે છલકાઈને આવે છે. સાથે મૃત્યની ઘટના સંદર્ભે આસપાસના લોકોની ઔપચારિકતા, સંવેદનહીન પ્રતિક્રિયાઓ દ્વારા સંવેદનજડ વિશ્વ આલેખાયું છે. ‘ખોવાઈ ચૂકેલા દિવસની શોધમાં...’ સર્વજ્ઞના કથનકેન્દ્રથી કહેવાયેલી વાર્તા છે. પ્રિયપાત્ર પૂર્વી સાથે વિતાવેલો એક દિવસ અને આજના કંટાળાજનક દિવસની દિનચર્યાના સૂક્ષ્મ આલેખન દ્વારા નાયકની ભૂતકાળ ઝંખનાનું સૂક્ષ્મ આલેખન થયુ છે. ‘ક્રૉસ રસ્તાઓ’ વાર્તામાં નાયિકા દિશાના દિશાહીન જીવનને વાર્તાના અંતે પ્રાપ્ત થતી દિશાનું આલેખન છે. પોતાના જીવનને પિતા, નિશાર, અહીન, નિષધના ચકરાવામાંથી પસાર થતું અનુભવી આખરે પુત્ર અહીનમાં સ્થિરતાનો અનુભવ છે. ‘શ્વાસ’ વાર્તા માતા-પિતાનાં સંવેદનવિશ્વને આલેખે છે. વિદેશમાં પરણાવેલ પુત્રી સાથે દગો થયાની આશંકા માતા-પિતાને અસ્વસ્થ કરી મૂકે છે. વાર્તાના અંતે પ્રાપ્ત થતા પત્રને વાંચવાને સ્થાને માતાનું ગેઇટની દિશામાં તાકી રહેવાની ક્રિયા પુત્રીને એકવાર જોવાની ઉત્કંઠાને પ્રગટ કરે છે. વાર્તાનું શીર્ષક માતા-પિતાની પુત્રી પ્રત્યેની ચિંતા અને પ્રેમને પ્રગટ કરે છે. ‘સ્મશાનમાં હર્ષ’ અને ‘મેદાન’ પુત્રના મૃત્યુ પર માતાના સંવેદનને નિરૂપતી વાર્તાઓ છે. ‘સ્મશાનમાં હર્ષ’માં પુત્ર હર્ષના મૃત્યુને ન સ્વીકારી શકતી માતા સવિતાની માનસિક સ્થિતિનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તો ‘મેદાન’ વાર્તામાં પુત્રનું મૃત્યુ પતિ પત્ની વચ્ચે મેદાન સર્જે છે. ‘મેદાન’ શીર્ષક ગતિહીનતાના અનુભવને પ્રગટ કરે છે. ‘પથ્થરનો મોર’ વાર્તામાં અભિવ્યક્ત ન થઈ શકવાની પીડા વાર્તાનું શીર્ષક સ્વયં સ્પષ્ટ કરે છે. પોતાનો બાળપણનો મિત્ર હવે ડૉક્ટર બનીને આવ્યો છે અને નાયક જાણે હજુ ત્યાંનો ત્યાં જ છે, એવી તુલના કરી લઘુતાગ્રંથિથી પીડાય છે એટલું જ નહિ, પોતાની પત્નીને પણ પોતાના મિત્ર તરફ આકર્ષાતી કલ્પી એકલતા અનુભવે છે. પોતાને કેન્સર છે એની જાણ થતાં નીરાને ઘણું કહેવું છે પરંતુ પથ્થરના મોરની જેમ બોલી શકતો નથી! તો ‘ભીનાશ’ વાર્તામાં માનવીની લાચારીનું આલેખન બેવડી ભૂમિકાએ થયું છે. વર્તમાનથી આરંભાતી વાર્તા ભૂતકાળમાં જઈ ફરી વર્તમાન પર વિરમે છે. અતિશય વરસાદ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે, પરિણામે નાયકે પોતાની પત્ની સાથે આશ્રયસ્થાનમાં આશરો મેળવ્યો છે. આ સમયને ભય, વેદના, કરુણસભર આકારહીન ભવિષ્ય સામે સમૃદ્ધ ભૂતકાળ છે જેમાં માત્ર વરસાદ નથી. પરંતુ વરસાદ પડતાં તે પૂરનું સ્વરૂપ ધારણ કરી તેના ઘર, ગામ અને પુત્રને તાણી જાય છે! એટલું જ નહિ, બેઘર બનેલા તેને આસરો આપનારની પોતાની પત્ની પર પડતી કુદૃષ્ટિનો ભોગ બનવું પડે છે, પરિણામે ત્યાંથી ભાગી લોકો વચ્ચે આસરો પામે છે. આમ, બહારની ભીનાશ આંતરિક આંસુનું રૂપ ધારણ કરે છે. એવી જ તરસની બીજી વાર્તા ‘ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ’ છે. કચ્છમાં વારંવાર પડતો દુષ્કાળ અને તરસ સર્જકની વાર્તાઓમાં જુદી જુદી રીતે આલેખન પામ્યા છે. સતત ત્રીજા વરસે પણ વરસાદ ન પડવાને કારણે ગામના મુખી ગામ છોડવાનો નિર્ણય કરે છે. પરંતુ નાયક પોતાના ગામ, ધરતીને છોડવા તૈયાર નથી. પોતાના આ નિર્ણય પ્રત્યે માનો અણગમો મૌન દ્વારા અભિવ્યક્ત થયો છે. સવાર પડતાં મા પોતાનાં ઢોર પર સામાન નાખી ગામ છોડે છે અને નાયક તેને રોકી શકતો નથી. સાંજ પડતાં આખું ગામ ખાલી થઈ જાય છે, ગામ રણનું સ્વરૂપ ધારણ કરે છે અને મૃતપ્રાયઃ પશુના ભયાનક અવાજો ગામને વધારે બિહામણું બનાવે છે. એવામાં ગામમાં રહેલ પોતાની સાથેનો એકમાત્ર માનવી મંદિરના પુજારીને જોતાં આશ્ચર્ય અનુભવે છે અને પોતે શા માટે ગામ છોડીને નથી ગયા એવા નાયકના પ્રશ્નના ઉત્તરમાં – ‘મારે શ્રદ્ધાને જીવતી રાખવી છે. મારાથી આ ગામ કેમ છોડાય?’ (પૃ. ૬૦) એવો પ્રશ્ન કરે છે. મંદિરમાં થતી આરતીના ઘંટનાદના પડઘા ખાલી ગામને ભયાવહ બનાવે છે. મંદિર બાદ ગામનો ખાલી ચોરો, ચબૂતરો, હવડ વાવ અને પોતાની પ્રેયસી રૂપાનું સ્મરણ નાયકની તરસને તીવ્ર બનાવે છે. અને ઊંઘમાં સ્વપ્ન રૂપે પાણીનો ઉત્સવ, ઢોલી, પાણીની દીવાલો, આગના ભડકા અને પોતાની ચિતાને બળતી જુએ છે. ધુમાડાથી બળતી રૂપાની આંખોમાંથી વહેતા પાણીને લઈ રૂપા તેને પોતાના મોઢામાં મૂકી રહી છે અને જાણે આકાશ ઘેરાવા લાગે છે અને પાણીના ટીપાં સમગ્ર ગામને તરબોળ કરે છે. નાયકનું આ સ્વપ્ન તેના અંતર-મનને વાચા આપે છે. સ્વપ્નમાંથી જાગીને પોતાની સામે અનાજ ભરેલ ઊંટની વણઝારને જુએ છે. જે આ ગામમાં ઉતારવાનું છે. એવું સાંભળી નાયક અનાજને મુઠ્ઠીમાં લઈ : આ પ્રદેશને – આ ગામના મુખીને તરસ જોઈએ તરસ... કહે છે અને તેની મુઠ્ઠીનું અનાજ સરકીને તપતી રેતીમાં ભળી જાય છે. આ વાર્તા ‘માનવીની ભવાઈ’ નવલકથાની યાદ અપાવે છે. ‘કિલ્લો’ વાર્તામાં ગૂંગળામણ અને નીરા આધિન જીવનનો નાયકનો અનુભવ આલેખાયો છે. પત્ની દ્વારા પોતાને ન સમજી શકવાની અનુભૂતિ બન્ને વચ્ચે અંતર સર્જે છે. સંબંધોમાં આવેલ આ અંતર સરોવરના વલયના વિસ્તારની ઉપમા દ્વારા આલેખાયું છે. અંતે નાયિકા દ્વારા પોતાની ભૂલ અને પોતાના અહંકારના કિલ્લામાં પુરાયેલ હોવાનો સ્વીકાર નાયકને અસહાયતાની અનુભતિમાંથી મુક્તિ અપાવે છે, પણ શૂન્યતાથી. આમ વાર્તાનું શીર્ષક બે અર્થમાં સાર્થક છે. નાયિકા સંદર્ભે અહંકારનો અને નાયક સંદર્ભે ગૂંગળામણ, અધિનતાનો ‘કિલ્લો’! ‘એકાંતવાસ’ વાર્તામાં માનવીની દોડ અને રઝળપાટ કપોળકલ્પના દ્વારા આલેખાઈ છે. ખૂબ દોડીને થાકેલો નાયક ટેકરી મળતાં વિસામાનો આનંદ માણે છે અને ત્યારે પોતાની પત્ની ઈરા સાથેનો સંબંધ, તેને છોડવાનો નિર્ણય અને ઈરા વગરના જીવન અને પોતાની એકલતાને કારણે કપોળકલ્પનામાં સરી પડે છે. જેમાં એક સ્ત્રી ખેતરના ચાસમાં અડધા પગ ડુબાડીને ગાઈ રહી છે. નાયક તેનો અવાજ નજીક આવે એવું ઇચ્છે પરંતુ કોઈ તેને એ સ્ત્રીની નજીક ન જવા અને તે સ્ત્રી સાથે નાયકનો લાખો વરસોથી સંબંધ હોવાનું કહે છે. દૂર રહેવાની ચેતવણી આપનારને નાયક પૂછે છે કે આ સ્ત્રીમાં એવું તે શું છે, ત્યારે તેને જવાબ મળે છે કે જન્મોજન્મનાં બંધન. જે સ્ત્રી અને પુરુષના આદિથી આજપર્યત ચાલ્યા આવતા સંબંધનો સંકેત કરે છે. ‘શેરીમાં તડકો’ આંતરિક તરસની વાર્તા છે. તરસ્યા કાગડની બાળવાર્તાની જેમ નાયક પણ પોતાની તરસ કાંકરા નાખીને છુપાવવા માગે છે પણ ઘડો જ ગેરહાજર છે! વાર્તાનાયક પણ પોતાના પ્રેમની તરસને બુઝાવવા પ્રેયસી રતિને મળવા પરિચિત શેરી તરફ જાય છે. પરંતુ જે રતિને મળવા નાયક આવ્યો છે એ તો પોતાને જોવા આવેલ એકને તાકી રહી હતી. પરિણામે નાયક જે કહેવા આવ્યો છે એ મનમાં રહી જાય છે! અને તેની તરસ વણસંતોષાયેલ રહે છે. જે વાર્તા પરથી સંગ્રહને શીર્ષક પ્રાપ્ત થયું છે તે ‘પડાવ’ વાર્તા મનુષ્યજીવનની અસ્થિરતાને આલેખે છે. ઘર ખાલી કરવાની ક્ષણથી આરંભાતી વાર્તામાં નાયકને માતાના મૃત્યુથી સર્જાયેલો ખાલીપો બીજા શહેરમાં લઈ જાય છે. તો નવી જગ્યા અને નવા ઘરમાં સ્થિર થયેલ નાયકને પુત્રનું મૃત્યુ ફરી નવી દિશા, નવા ઘરની શોધ તરફ વાળે છે! અંતે દુષ્કાળથી ત્રસ્ત વણઝારના દિશાહીન સ્થળાંતરના દૃશ્ય દ્વારા નાયકના નવા પડાવની અનિશ્ચિતતા પર વાર્તા વિરમે છે.
‘વાવડો’ ૧૯૯૬માં પ્રગટ થયેલ વાર્તાસંગ્રહમાં ૨૬ વાર્તાઓ સંગ્રહિત છે. કચ્છ પ્રદેશની વિશિષ્ટ પ્રકૃતિ, દુષ્કાળ, અંતરની તરસ, સંઘર્ષમય જીવન, પ્રકૃતિ અને મનુષ્યની અનેક થપાટો સહન કરવા છતાં ફરી ઉઠવાનું મનોબળ ધરાવતો માનવી, આકસ્મિક મૃત્યુ, દેખીતા સંબંધોને સ્થાને હૃદયના સંબંધને આધારે જીવતા માનવી, પરિસ્થિતિને આધીન જીવતો માનવી વગેરે વાર્તાના વિષયો છે. સંગ્રહને પ્રાપ્ત થયેલ શીર્ષક ‘વાવડો’ મનુષ્યના આંતર-બાહ્ય સંઘર્ષને સંકેતે છે. વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે મૃત્યુ સર્જકનો ગમતો વિષય છે. મૃત્યુની ઘટનાની આસપાસ જુદાં જુદાં સંવેદનવિશ્વને આલેખતી વાર્તાઓમાં ‘ધક્કો’, ‘અસ્થિ-વિસર્જન’, ‘વિષાદ’, ‘મેડી’, ‘કૂવો’, ‘સાથ’, ‘બારી પાસે ઊભવું’ નોંધપાત્ર છે. ‘ધક્કો’ વાર્તાની નાયિકા વિદુલા પતિના મૃત્યુ બાદ એક પુત્રના ઘેરથી બીજા પુત્રના ઘેર ધક્કો ખાતી આખરે પુત્ર અને વહુના આઘાતજનક વચનો દ્વારા મૃત્યુ તરફના ધક્કાને પામે છે! તો ‘અસ્થિ-વિસર્જન’ બાપુજીનું મૃત્યુ અને તેમના ગામની નદીમાં અસ્થિ-વિસર્જન કરવાની અંતિમ ઇચ્છાની સાથે બાપુજી અને પદ્માબહેનના અનામી સંબંધને આલેખે છે. ‘વિષાદ’ વાર્તા શીર્ષક અનુરૂપ એક માતાના મૃત્યુની ઘટના દ્વારા પુત્રીની વિષાદમય સ્થિતિનું આલેખન છે. બાનું એકાકી જીવન, પુત્ર સાથે અણબનાવ, એકલા રહેવાનો નિર્ણય અને મૃત્યુ જેવી ઘટનાઓ તેના વિષાદને ઘેરો બનાવે છે. પરંતુ અંતે વાર્તાકથક દ્વારા મામાએ જ નાનીબાને અગ્નિદાહ આપ્યો છે એવી સ્પષ્ટતાથી પુત્રીના મનનો વિષાદ દૂર થાય છે. ‘મેડી’ વાર્તામાં દીકરી અને દીકરાનાં લગ્ન બાદ અનુક્રમે પતિ અને પત્નીના મૃત્યુની ઘટના કેન્દ્રમાં છે. દીકરાના લગ્નનો આનંદનો અવસર સુમિત્રાને લગ્ન બાદની નવરાશની ક્ષણોમાં મેડી પર પતિના મૃત્યુની ઘટનાનું સ્મરણ કરાવે છે અને એવી જ આકસ્મિક રીતે હીંચકા પર બેઠેલ સુમિત્રા બહેનનું મેડીને તાકતા મૃત્યુ પર વાર્તા વિરમે છે. પણ આમ એકાએક પત્નીનું પણ પતિની જેમ જ થતું મૃત્યુ પ્રતીતિકર લાગતું નથી. તો ‘કૂવો’માં પત્ની લક્ષ્મીનું કૂવા તરફનું આકર્ષણ તેને આપઘાત સુધી લઈ જાય છે. ‘સાથ’ વાર્તા પતિ-પત્નીના પ્રેમ અને સાથને આલેખતી વાર્તા છે. બન્નેનો અખંડ પ્રેમ પત્ની સરયૂબેનનાં મૃત્યુથી ખંડિત થાય છે અને જગદીપભાઈના શરીરનું કહો કે તેમના જીવનનું અર્ધઅંગ કામ કરતું બંધ પડી જાય છે! પત્ની વગરનું પરાધીન જીવન અને એકલતા જગદીપભાઈના પાત્ર દ્વારા અસરકારકતાથી વ્યક્ત થયાં છે. એવી જ શૂન્યતા ‘બારી પાસે ઊભવું’ વાર્તામાં પત્નીના પાત્ર દ્વારા અભિવ્યકિત પામી છે. પતિનો પરોપકારી સ્વભાવ તેને મૃત્યુ સુધી દોરી જાય છે પરિણામે પતિની રાહ જોતી સુમી કાયમ માટે તેની રાહ જોતી રહી જાય છે. સુમીની બારી પાસે ઊભા રહેવાની આ ક્રિયા પતિ વગરના એકલતાભર્યા જીવનનો સંકેત કરે છે.
પ્રેમ, દુષ્કાળથી તપ્ત ધરતીની જેમ વિરહતપ્ત હૈયાનો તાપ અને પહેલા વરસાદથી ધરતીને મળતી શાતાની જેમ મિલન થતાં મનુષ્ય હૃદયની શાતાનું આલેખન તેમની વાર્તામાં વિશેષ રૂપે થયું છે. સર્જકે આ વાર્તામાં કચ્છના વિશિષ્ટ પરિવેશ પાસેથી કાર્યસાધક કામ લીધું છે. આ સંદર્ભે તેમની ‘પેલ વેલો મીં’, ‘તડકા વગરની શેરી’, ‘અકૈ’, ‘આયખું’, ‘ઉઘાડ’, ‘લીલક’, ‘બળબળતી બપોર’, ‘વાવડો’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘પેલ વેલો મીં’, ‘લીલક’, ‘વાવડો’ જેવી વાર્તામાં કચ્છમાં વારંવાર પડતા દુષ્કાળને કારણે થતું સ્થળાંતર, જેનાથી સર્જાતો વિરહ અને વરસાદ પડતાં વતન પાછા ફરતા વિરહનો અંત અને મિલનનું વસ્તુ છે. ‘પેલ વેલો મીં’માં ત્રણ ત્રણ વરસ સુધી વરસાદ ન પડતાં કમાવા માટે વતન અને પરિવારને મૂકીને મહિનાઓ પછી પાછા ફરતા ઇશાકની મનોસ્થિતિ સચોટ રીતે આલેખાઈ છે. એવી જ રીતે ‘લીલક’માં પણ દુષ્કાળના કારણે સ્થળાંતર કરી ગયેલ પ્રેયસી વરસાદ બાદ વતન પાછી ફરતાં થતું મિલન વાર્તાને સુખદ અંત આપે છે. ‘વાવડો’ રણમાં આવતી રેતીની આંધી નિમિત્તે નાયકના હૃદય સંઘર્ષને આલેખતી વાર્તા છે. રેતીના વંટોળને પાર કરી પોતાના ગામમાં પહોંચતો ઉગો રેતીથી ખરડાયેલ ગામ અને એક માત્ર સ્વજન ડોસાને લઈ, ત્રણ વર્ષના દુષ્કાળને કારણે સ્થળાંતર કરતા ગામની સાથે પોતે પણ સ્થળાંતર કરે છે. પરંતુ આ સાથે વણઝારીનું સ્વપ્ન ઉગાના હૃદયની તરસને સાંકેતિક રીતે પ્રગટ કરે છે. ‘તડકા વગરની શેરી’ લાગણીભીના સાચુકલા સંબંધને આલેખતી વાર્તા છે. નાયક અસિતનું તડકા તરફનું આકર્ષણ અને શેરીના તડકાને જોવાનો તેનો નિત્યક્રમ, ગામની શેરીના તડકા સાથે તેની સરખામણી અને પોતાના વર્તમાન ઘરમાં તડકાનો અભાવ વગેરેથી આરંભાતી વાર્તા નાયક નાયિકાનાં અસંતોષભર્યા દામ્પત્યજીવનનો સંકેત કરે છે. તેના વિરોધમાં માસીબાના આવવાનો કાગળ ભૂતકાળમાં ગામમાં વીતેલ સમયનું સ્મરણ કરાવી આનંદનું વાતાવરણ સર્જે છે. પત્ની પતિ અને માસીબાનાં નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણને સમજી શકતી નથી. પતિના ઉત્સાહની સામે તેનો ઠંડો પ્રતિકાર નોંધાયો છે. અંતે પગ મચકોડાઈ જતાં માસીબા આવી શકતાં નથી. એ સાથે જ નાયક ઘર, ગામ, શેરી સાથેનો સંબંધ પણ કપાતો અનુભવે છે. આમ, લાગણી વગરનું જીવન જીવતા નાયકની તડકા-હૂંફ માટેની ઝંખના વાર્તામાં અભિવ્યક્તિ પામી છે. ‘આયખું’ નાયક નાયિકાનાં આકસ્મિક મિલનના આનંદને આલેખતી વાર્તા છે. પારાયણમાં ગયેલા કુંજભાઈને ભૂતકાળની પ્રેયસી લલિતા સાથે થતું આકસ્મિક મિલન અને આ મેળાપ દ્વારા આયખાના સુખની પ્રાપ્તિનો અનુભવ આસ્વાદ્ય છે. ‘ઉઘાડ’ અને ‘બળબળતી બપોર’ વાર્તા ભૂતકાળના પ્રેમસંબંધને આલેખતી વાર્તાઓ છે. ‘ઉઘાડ’માં સુમંતભાઈના મૃત્યુની ઘટના નિમિત્તે કુંજબહેનનો પોતાના પતિ સમક્ષ ભૂતકાળના સુમંતભાઈ સાથેના પ્રેમસંબંધનો એકરાર છે. એ અર્થમાં વાર્તાનું શીર્ષક ‘ઉઘાડ’ સાર્થક છે. તો ‘બળબળતી બપોર’ વાર્તામાં ભૂતકાળના પ્રેમીનું નિત્ય બપોરે નાયિકાને મળવા આવવાનું દીકરીથી સહન ન થતાં ઘરે આવવાની ના પાડવી અને બીજી બપોરે વિરેન્દ્રનું ન આવવું નાયિકા કૌશલ્યાના મનમાં અજંપો સર્જે છે. ઘઉં ચાળવાની ક્રિયા નિમિત્તે નાયિકાની આ માનસિકતાને અભિવ્યક્તિ મળી છે. આ ઉપરાંત ‘હવાલો’, ‘શ્યામ ગુલાબ’, ‘દાદાની આંખોમાં ધુમ્મસ’, ‘છીપમાં ખોવાયેલો દરિયો’, ‘આંગણુ’, ‘પીપળો’, ‘કીચડ’ મહત્ત્વની વાર્તાઓ છે. ‘હવાલો’ વાર્તામાં આખા ગામના કામનો હવાલો લેતો જગો અને તેના એકતરફી પ્રેમનું આલેખન છે. પોતાની ગમતી શ્યામલીના કામ માટે આતુર જગાને જ્યારે શ્યામલી પ્રેમપત્ર પહોંચાડવાનો હવાલો આપે છે ત્યારની તેની ભ્રમનિરસન સ્થિતિને આલેખવામાં સર્જક સફળ રહ્યા છે. ‘શ્યામ ગુલાબ’ શીર્ષકને અનુરૂપ કાળો રંગ દીકરીના લગ્નમાં વિઘ્નો સર્જે છે, જે માતા-પિતાની ચિંતાનું કારણ છે. તેની સામે દીકરી શર્વરીના વિશ્વાસને કારણે તેના હૃદયની સુંદરતાને ઓળખનાર નિનાદ મળતાં વાર્તા સુખદ અંત પામે છે. તો ‘દાદાની આંખોમાં ધુમ્મસ’ પણ બે પાત્રોના પ્રેમને સમજનાર દાદાનો સાથ અને સંમતિ મળતાં સુખદ અંતને પામતી વાર્તા છે. ‘છીપમાં ખોવાયેલો દરિયો’ આ સંગ્રહની અનોખી વાર્તા છે. બે મિત્રોના સંવાદ રૂપે વિકાસ પામતી વાર્તામાં દરિયો ખેડનાર વાર્તાનાયક અહમદભાઈને મિત્રે આપેલ દગાના કારણે બદલાયેલ જીવનમાં – વહાણ ખેડનારો અહમદ આજે ચા વેચી જીવન ગુજારી રહ્યો છે, પરંતુ તેણે ફરી ઊભા થવાની હિંમત છોડી નથી. આત્મવિશ્વાસથી ભરપૂર અહમદભાઈ હેમિંગ્વેના ‘ધ ઓલ્ડ મેન ઍન્ડ ધ સી’ના સેન્તિયાગોનું સ્મરણ કરાવે છે. તો ‘કીચડ’ પતિ પત્નીના સંબંધને લાગેલ કીચડને આલેખતી વાર્તા છે. ‘પીપળો’માં કંકાસના સર્જક તરીકેની લોકમાન્યતાને કેન્દ્રમાં રાખી બે ભાઈઓ વચ્ચે વિસ્તરતી તિરાડ પિતાને મૃત્યુ સુધી લઈ જાય છે. ‘સૂમસામ ઘર’નો વાર્તાનાયક પોતાની એકલતા દૂર કરવા પોતાનો સમૃદ્ધ અને આનંદમય ભૂતકાળ જ્યાં વિત્યો છે તે ઘેર જઈ ફરી એ સમયને જાણે જીવી લેવા માગે છે, પરંતુ ત્યાં પહોંચતાં ભૂતકાળના આનંદથી કિલ્લોલતા ઘર પર મૃત્યુના ઓળા ફરી વળતાં ભેંકાર, સૂમસામ બનેલ ઘર અને નષ્ટ થયેલ પરિવારના દૃશ્યને મનમાં ભરી પાછા ફરે છે!
‘ધણધણાટી’ સર્જકનો ત્રીજો વાર્તાસંગ્રહ કુલ ૧૧ વાર્તાઓ સાથે ૨૦૧૭માં પ્રગટ થયો છે. કચ્છમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧માં આવેલ ભૂકંપે જે મહાવિનાશ સર્જ્યો તેનાથી વ્યથિત સર્જકચિત્ત શબ્દને આધાર બનાવી સર્જન પ્રવૃત્ત બને છે અને તેનું સર્જનાત્મક પરિણામ એટલે ‘ધણધણાટી’ વાર્તાસંગ્રહ. ૯૦ સેકન્ડના મહાવિનાશકારી ભૂકંપે કેટલાંય ઘરોને તોડ્યાં, સ્વજનો છીનવ્યાં, પાયમાલ કર્યાં, નિરાધાર કર્યાં, પરિવારોને રઝળતા કર્યાં તો વરસોથી વિખરાયેલા પરિવારો અને હૈયાંને ય જોડ્યાં પણ ખરાં. ભૂકંપમાં ભૂજ શહેરના વિનાશના આલેખન નિમિત્તે સૂક્ષ્મ માનવીય સંવેદનો આ વાર્તાની ભોંય છે. સંગ્રહની પ્રથમ વાર્તાનું કેન્દ્ર ગોમતીમાની નિરાધારતા છે. ભૂકંપ બાદ સ્થિર થવા આવેલ જનજીવનની સામે ગોમતી મા હજુ તંબૂમાં રહે છે અને તેમની રોજ સાંજે પોતાના ધરાશયી થયેલા ઘરને જોવા જવાની ક્રિયા નિમિત્તે જીવનનો આધાર એવી દીકરીની દીકરી મિનીને ખોવાની વેદના વ્યક્ત થઈ છે. પોતાની વૃદ્ધાવસ્થા, ઘરમાં પુરુષનો અભાવ અને પરિણામે મિનીને ન બચાવી શકાયાનો વસવસો ગોમતીમાને પીડે છે. છતાં ગોમતીમા જાણે સંપૂર્ણ હારી બેઠાં નથી! તેની પ્રતીતિ વાર્તાનો અંત કરાવે છે. ભૂકંપે સ્વજનો છીનવી લીધાં છે તો સંબંધોમાં આવેલી તિરાડોને પૂરીને હકારાત્મક પરિમાણો પણ સર્જ્યાં છે. જેની પ્રતીતિ ‘દટાયેલું જીવતર’, ‘વિધ્વંશ’, ‘સીમ’ જેવી વાર્તાઓ કરાવે છે. ‘દટાયેલું જીવતર’માં વાર્તાનાયક ચેતન ઘર અને દુકાનને કાટમાળમાં ફેરવાતી જોઈ રહે છે અને ભૂતકાળમાં પોતે કેવી રીતે દુકાનને ધમધમતી કરી હતી અને એ જ દુકાન આજે કાટમાળનો ઢગલો થઈ પડી છે! ભૂતકાળમાં નાની બાબતમાં મનોહરકાકા સાથેનો ઝઘડો, ચેતન અને મનોહરકાકાના સંબંધમાં તિરાડ પાડે છે પરંતુ ભૂકંપ બાદ એ જ મનોહરકાકા પોતાની બચી ગયેલી દુકાનની ચાવી ચેતનને આપી એ તિરાડને ભરી દે છે. ‘વિધ્વંશ’ માણસનાં સ્થૂળ અને સૂક્ષ્મ સ્વપ્નોને ભાંગીને ફરી નવસર્જનનો સંકેત કરતી રચના છે. તો ‘સીમ’ વાર્તામાં બે બાળપણના પ્રેમીઓનો સગપણ સુધી પહોંચતો સંબંધ એકાએક બે પરિવાર વચ્ચે ક્લેશ થતાં બે ખેતર વચ્ચે કાંટાની વાડ સર્જે છે. પરંતુ ભૂકંપને કારણે સીમમાં પડેલી તિરાડમાંથી નીકળતા લીલા રંગના પ્રવાહીમાં આ વાડ તણાવા લાગે છે! ‘સગાંવહાલાં’ બાગબાન ફિલ્મની યાદ અપાવતી વાર્તા છે. ભૂકંપમાં પોતાનું ઘર નષ્ટ થતાં ભત્રીજા પ્રદીપ સાથે વડોદરા રહેવા જતાં વૃદ્ધ દંપતી જનાર્દનભાઈ અને પારુની લાચારીનું નિરૂપણ થયું છે. પ્રદીપની પત્ની દિવ્યાનાં કડવાં વચનો પારુથી સહન ન થતાં પતિ પાસે પોતાનું હૃદય ઠાલવે છે, પરિણામે જનાર્દનભાઈની હવે ક્યાં જવુંની અવઢવ યુક્ત આ સ્થિતિમાંથી તેમનો વિદ્યાર્થી તુષાર ગુરુનું ઋણ ઉતારવા, આત્મિયભાવે તેમને પોતાના ઘેર રાખે છે. તુષારનું આ વર્તન વાર્તા શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરી આપે છે. તો ‘ઉત્તરાર્ધ’માં પરિવાર ગુમાવતાં એકલી પડેલ સુષ્મા અને એક દીકરીના પિતા દિલીપના દુન્યવી સંબંધોથી પર હૃદયના સંબંધનું આલેખન સંવાદાત્મક શૈલીમાં થયું છે.
ભૂકંપની ઘટના દ્વારા મૃત્યુ પામેલ પરિવારજનોના આઘાતને કારણે અનેક લોકોએ પોતાની માનસિક સ્વસ્થતા ગુમાવી હતી. સ્વજન કાયમ માટે ખોઈ દેવાનો આઘાત ‘દહેશત’, ‘હવાના સાંય સાંય અવાજો’, ‘દ્રોહ’ અને ‘કળણ’ વાર્તામાં સંયમિત રીતે આલેખાયો છે. ‘દહેશત’ વાર્તા પત્નીના કેન્દ્રથી વિસ્તરે છે. બે અર્થમાં શીર્ષક સાર્થક થયું છે. ભૂકંપના આઘાતની દહેશતથી માનસિક સ્વસ્થતા ગુમાવતો અરવિંદ અને પતિની માનસિક અસ્વસ્થતાથી ભયભીત પત્નીની દહેશત. તો ‘હવાના સાંય સાંય અવાજો’માં નાયિકા ઉત્તરા ભૂકંપને કારણે પોતાના પરિવારજનોને ગુમાવે છે. જે તેને માનસિક અસ્વસ્થતા સુધી લઈ જાય છે. વાર્તાનું શીર્ષક ભૂકંપની ભયાવહતાની મનુષ્યમન પર પડેલી છાપને પ્રગટ કરે છે. તો આ ભૂકંપ જેવી મહાવિનાશકારી ઘટનાથી પણ ઉપર માનવી દ્વારા મળતો આઘાત માનવીને માનસિક અસ્વસ્થતાને માર્ગે ધકેલે છે તે ‘દ્રોહ’ વાર્તા દ્વારા આલેખાયું છે. ‘કળણ’ વાર્તાનો નાયક મનસુખ અઢી વરસે ભૂકંપ બાદ પોતાના ગામમાં પાછો ફરે છે જ્યાં તેને બધાએ મૃત માની લીધો છે. ભૂકંપના દોઢ મહિના પહેલાં જ પરણેલો મનસુખ મોતને હરાવી પોતાના બા, બાપુજી અને પત્ની આશાને મળવા આતુર છે, પરંતુ જેને તે આતુરતાથી શોધી રહ્યો છે તે પત્ની આશા તો તેના મોતના આઘાતમાં માનસિક અસ્વસ્થ બનેલી છે! પરિણામે તે એક આઘાતમાંથી ઉગરીને બીજા આઘાતમાં સર્યાની લાગણી અનુભવે છે.
‘ખાલી થતું ગામ’ (પ્ર. આ. ૨૦૨૧) વાર્તાસંગ્રહમાં ૨૧ વાર્તાઓ સંગ્રહિત છે. ‘નસ’, ‘આગળિયો’, ‘આકાશનો ટુકડો’ જેવી વાર્તામાં મનોરુગ્ણતાનું વિષયવસ્તુ સ્વીકારાયું છે. ‘નસ’ વાર્તામાં પુત્રને મેન્ટલ હૉસ્પિટલ મૂકવા આવેલ પિતાનું સંવેદન ફ્લેશબૅક પદ્ધતિએ નિરૂપાયું છે. ડૉક્ટર દ્વારા સ્પષ્ટ થતું પુત્રની માનસિક અસ્વસ્થતાનું કારણ માતા-પિતા દ્વારા ભણતર તથા સારા પરિણામ માટેનું દબાણ અને વિદાય વેળાએ પુત્ર દ્વારા અપાતું આશ્વાસન એક પિતા તરીકે પ્રશાંતને ત્યાં સ્થિર રહેવા દેતું નથી! ‘આગળિયો’ પુત્રના સંવેદનવિશ્વથી વિસ્તરતી વાર્તા છે. પિતાના અનૈતિક સંબંધના આઘાતે માનસિક અસ્વસ્થ બનતી માતાના આપઘાતથી જન્મતી પુત્રની વેદના વાર્તામાં સંયમિત રીતે આલેખન પામી છે. વાર્તાનું શીર્ષક ‘આગળિયો’ વાસ્તવિકતાથી અજાણ પુત્ર હેમાંગની સ્થિતિને આલેખે છે. તો ‘આકાશનો ટુકડો’ પ્રેમમાં દગો મળવાને કારણે માનસિક સ્વસ્થતા ગુમાવી દેતી માનસી નવા ભાડૂત હર્ષના સંપર્કમાં આવતાં ધીરે ધીરે સ્વસ્થ થવા લાગે છે અને હર્ષની વિદાયનો આઘાત અશ્રુ રૂપે વહેતાં તેની કુંઠિત વેદનામાંથી મુક્તિને સંકેતે છે.
ખાલીપો તથા પરિવારજનોની વચ્ચે એકલા હોવાની અનુભૂતિને આલેખતી વાર્તાઓમાં ‘ખાલી ગ્લાસ-ટેન્ક’ અને ‘સ્વસ્તિક’ નોંધપાત્ર છે. ‘ખાલી ગ્લાસ-ટેન્ક’માં નાયિકા રીનાના પાત્ર દ્વારા પારિવારિક સ્વજનો એક ઘરમાં રહેતાં હોવા છતાં એકબીજાથી દૂર હોવાનો ભાવ કાચની પેટીમાં પૂરાયેલ માછલીઓ દ્વારા અભિવ્યક્ત થયો છે. તો ‘સ્વસ્તિક’ વાર્તામાં પારિવારિક સંબંધોની સામે હૃદય દ્વારા સ્થાપિત સંબંધ નાયિકા અનસૂયાના ખાલીપાને ભરે છે. ભાડૂત ઉરેશ પાસેથી માતાનું સન્માન અને પ્રેમ પામી અનસૂયાની એકલતા દૂર થાય છે. પરંતુ એના ગયા પછી શું? પ્રશ્ન અનસૂયાની સાશંક માનસિકતાને સૂચવે છે.
સામાજિક રીતે અસ્વીકાર્ય પ્રેમસંબંધ અને ભાવ Shiftingને આલેખતી વાર્તાઓ તરીકે ‘સતારા’, ‘માંક’, ‘આવાગમન’, ‘વરસાદની આરપાર’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘સતારા’માં ઉમાનું સતારાના ઝગમગાટ સાથે જોડાયેલ પ્રેમીનું સ્મરણ અને તેની પાસેથી પ્રાપ્ત થતું પ્રણય નૈરાશ્ય અને પોતાના જ પ્રેમીએ પોતાની થનાર પત્ની માટે ઉમાને સતારાની સાડી ભરવા આપવાની ઘટનાને કારણે તેનો ભાવ તેજુ તરફ Shift થાય છે. ‘માંક’ શિક્ષક અને વિદ્યાર્થીની મા લાજો વચ્ચે વિસ્તરતા ક્ષણિક આત્મિય સંબંધને આલેખતી વાર્તા છે. વાર્તામાં માંક (ઝાકળ)ના પરિવેશનો કાર્યસાધક વિનિયોગ થયો છે. તાપ પડતાં જેમ ઝાકળનું અસ્તિસ્વ રહેતું નથી તેમ પતિના મૃત્યુને કારણે લાજુની દુઃખદ સ્થિતિમાં નાયકના જડ ઊભા રહેવાની ક્રિયા નાયકની ભાવશૂન્યતાને સંકેતે છે. ‘આવાગમન’ વાર્તામાં પોતાના શિક્ષકને મનોમન ચાહતી અદિતિ અને તેના કારણે શિક્ષકના લગ્નજીવનમાં ઊભા થતા તણાવને શિક્ષકમુખે સાંભળતાં કશ્યપને પરણે છે પણ મનથી જોડાઈ શકી નથી. પરંતુ લગ્નના થોડા સમય પછી પોતાના શિક્ષકને ફરી મળતાં તેના છૂટાછેડા અને પોતાના માટે શિક્ષકનો ભાવ દીકરી જેવો છે એવું જાણી ભ્રમનિરસન થતાં તેનો ભાવ કશ્યપ તરફ Shift થાય છે. તો સંવાદાત્મક શૈલીએ વિકસતી વાર્તા ‘વરસાદની આરપાર’માં બે ભૂમિકાએ કલાનો મનોસંઘર્ષ નિરૂપાયો છે. એક શાળાના આચાર્ય સાથે પોતાના સંબંધને આગળ વધારવો કે નહીં અને બીજું પ્રેમલગ્ન માટે બહેનને મળતી સંમતિ અને પોતાને ભૂતકાળમાં પ્રેમલગ્ન માટે પરિવાર તરફથી સહન કરવો પડેલ વિરોધ. આમ સ્વજનોના ભેદભાવભર્યા વર્તનથી જન્મતી વેદના અને અસંતોષ કલાને વર્તમાન સંબંધમાં પણ અનિર્ણિત રાખે છે.
પ્રેમસંબંધમાં અભિવ્યક્તિની મથામણ અને ગૂંચ ‘પીળા ગલગોટા’ અને ‘ખોબો ભરી સુગંધ’ વાર્તામાં સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે. ‘પીળા ગલગોટા’માં દેવાંશ અને રીમા એકબીજા સામે પ્રણય એકરાર ન કરી શકતાં રીમા અન્ય સાથે લગ્ન કરે છે. પરંતુ પતિ દ્વારા પરાણે કરવા પડેલાં લગ્નના સ્વીકારને કારણે થતા ડાયવોર્સ, ભારત પાછા આવી પોતાના પગ પર ઊભા રહેવું, આકસ્મિક રીતે ફરી દેવાંશનું મળવું અને દેવાંશનો એકરાર અધૂરા પ્રેમસંબંધને ફરી જોડે છે. શીર્ષક ‘પીળા ગલગોટા’ પ્રણય એકરારને સંકેતે છે. ‘ખોબો ભરી સુગંધ’માં પરિવારને પોતાના પ્રેમસંબંધથી અભિજ્ઞ કરાવવાના નાયકના મનોસંઘર્ષ અને તેમાંથી નાયકને ઉગારી લેતી નાયિકા ઈશાની સુંદર વાર્તા છે. એકરાર ન કરી શકતા નાયકની સામે અંકિતને પ્રપોઝ કરતી અને પોતાના પરિવારને પણ મનાવી લેતી નાયિકા ઈશાનું પાત્ર સરસ આલેખન પામ્યું છે. આમ, વાર્તામાં બે પાત્રો દ્વારા સર્જકે કરેલ તણાવ અને હળવાશનું સન્નિધિકરણ આસ્વાદ્ય છે.
કચ્છના પરિવેશ વિશેષને કેન્દ્રમાં રાખી વિરહ અને મિલનના ભાવને આલેખતી વાર્તાઓમાં ‘રેતી ઓકતો બપોર’, ‘ખાલી થતું ગામ’ નોંધપાત્ર છે. ‘રેતી ઓકતો બપોર’માં દુષ્કાળના કારણે કરવું પડતું સ્થળાંતર અને પ્રેયસીના ગામ છોડી જવાની આશંકા રેતીના વંટોળ રૂપે નાયકના હૃદયસંઘર્ષને આલેખે છે. તો ‘ખાલી થતું ગામ’ વાર્તા દુષ્કાળ અને સ્થળાંતરને કારણે અજાણ્યા વ્યક્તિની સહાય અને નિયંત્રણ પનુની અસહાય અને એકલતાની અનુભૂતિને સૂક્ષ્મતાથી આલેખે છે.
માનવમનની અકળ ગતિને આલેખતી વાર્તા તરીકે ‘હંગામી આવાસ’ આસ્વાદ્ય છે. હંગામી આવાસમાં રહેતી કલા દીકરી રીનાના મોડા આવવાને કારણે પાડોશી નટુની આસપાસ કેવી રીતે વહેમનું જાળું રચી બેસે છે, તેનું સુંદર આલેખન થયું છે. તો ‘છીતરી’ પ્રણય ત્રિકોણ નિમિત્તે જીવનની સ્થગિતતાનો અનુભવ કરાવતી વાર્તા છે. ‘દીકરી’ નિઃસ્વાર્થ પિતા પુત્રીના પ્રેમસંબંધને આલેખતી વાર્તા છે. મીનાનું બહેનપણીના પિતા કનકકાકા અમદાવાદમાં રહે છે એવું જાણતાં ખરાબપોરે મળવા જઈ, બાળપણની જેમ તેમના માટે પાન બનાવી આપવાની ક્રિયા, મીનાની આ ક્રિયા કનકકાકાને સગી દીકરી કરતાં વધારે આત્મીયતાનો અનુભવ કરાવે છે. મીનાની વિદાય સમયે કનકકાકાની ભીની આંખો આ આત્મીય સંબંધનો સંકેત છે. ‘મંજીરા’ અવૈધ સંબંધને કારણે પિતાના પ્રેમથી વંચિત રહેતી પુત્રીની વેદનાને આલેખતી વાર્તા છે. ‘મંજીરા’ શીર્ષક પિતા સાથે જોડાયેલ ભાવનો સંકેત કરે છે.
રાજેશ અંતાણીની વાર્તાકળા :
અનુઆધુનિક યુગના વાર્તાકાર તરીકે રાજેશ અંતાણીએ કોઈ પણ ધારામાં પૂરાયા વિના માનવજીવન અને પોતાની આસપાસમાં બનતી ઘટનાને વાર્તારૂપ આપી આગવી કેડી કંડારી છે. એકલતા, ભૂતકાળનો ભાર, આંતરિક તરસ, ગૂંગળામણ, દિશાહીનતા, સ્વજન ગુમાવવાની વેદના, પ્રિયપાત્ર સાથે ન પરણી શકવાની વેદના અને અજંપો, અનામી સંબંધો વગેરે વિષયોથી આરંભાતી તેમની લેખનયાત્રા માનવમનની લીલા અને ઊંડાણોને તાગવાની દિશામાં આગળ વધે છે. માનવીય ભાવો – ભય, આશંકા, દ્વેશ, ક્રોધ, વિરહ, નિરાશા વગેરે તેમની વાર્તાઓમાં સૂક્ષ્મતાથી નિરૂપાયાં છે. તો પ્રકૃતિ સાથે સંઘર્ષ કરતી પ્રજાના મનોસંઘર્ષને નિરૂપવામાં સર્જકે પ્રદેશવિશેષ પાસે કાર્યસાધક કામ લીધું છે. ‘પડાવ’, ‘પુરાતત્ત્વવિદ્ની આંખો’, ‘પેલ વેલો મીં’, ‘રેતી ઓકતો બપોર’, ‘લીલક’, ‘માંક’, ‘વાવડો’, ‘રેતી ઓકતો બપોર’, ‘હંગામી આવાસ’, ‘ખાલી થતું ગામ’, ‘છીપમાં ખોવાયેલ દરિયો’ જેવી વાર્તાઓ આનાં સુંદર દૃષ્ટાંતો છે. મનોરુગ્ણતા અને મૃત્યુનું સંવેદન સર્જકની વાર્તામાં વિશેષ રૂપે આલેખાયું છે. અનેક વાર્તામાં આવતી આકસ્મિક મૃત્યુની ઘટના કેટલીક વાર અસાહજિક લાગે છે, માત્ર પાત્રો બદલાતાં હોવાનો ભાવ પણ થાય. તો ભૂકંપની વિનાશકતામાંથી જન્મતાં વિવિધ સંવેદનો માત્ર સંવેદનો ન બની રહેતાં વાર્તા રૂપ પામ્યાં છે.
મોટાભાગે સર્વજ્ઞના કથનકેન્દ્રથી કહેવાતી આ વાર્તાઓ સર્જકની વાર્તાકળાનો સુખદ અનુભવ કરાવે છે. પરિવેશનું કાર્યસાધક નિરૂપણ, પાત્રાલેખન, ભાષાશૈલી વગેરે સર્જકની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. કચ્છી બોલી પ્રયોગો જેવા કે – ભૂંગો, વાંઢ, ભૂંભાટ, અકૈ, માઠી, અજરખ, છોરો, મીં, મુલક, ભાંઠ, ઝપાટે, આવડીવાર, હેવર, માંય, હરવે, ધોડ, સાંઢિયો, વથાણ, ઢૂવા, લૂ, સિંકલ, ઓની કોર, ઉંવા, ઠામ, રેતીથી ખદબદતો સૂરજ વગેરે પાત્રની જીવંતતાની સાથે કચ્છનો વિશેષ પરિવેશ ઊભો કરે છે. સંવેદનની અસરકારક અભિવ્યક્તિ માટે ફ્લેશબૅક, સન્નિધિકરણ, કપોળકલ્પના, સ્વપ્ન જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ સર્જકે આવશ્યકતા અનુસાર વાર્તામાં કર્યો છે. આમ, ભાવસંવેદન અને પરિવેશ નિરૂપણની દૃષ્ટિએ અનુઆધુનિક યુગના વાર્તાકારોમાં રાજેશ અંતાણીનું વાર્તાસર્જન એક નોખી ભાત પાડનારું છે.
સંદર્ભ :
૧. ‘પડાવ’, રાજેશ અંતાણી, પ્ર. આ. ૧૯૮૨, કુસુમ પ્રકાશન, અમદાવાદ
૨. ‘વાવડો’, રાજેશ અંતાણી, પ્ર. આ. ૧૯૯૬, લોકપ્રિય પ્રકાશન, મુંબઈ
૩. ‘ધણધણાટી’, રાજેશ અંતાણી, પ્ર. આ. ૨૦૧૭, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
૪. ‘ખાલી થતું ગામ’, રાજેશ અંતાણી, પ્ર. આ. ૨૦૨૧, અમોલ પ્રકાશન, અમદાવાદ
ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય દયાપર કૉલેજ
લખપત, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮