ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મનોહર ત્રિવેદી

વાર્તાકાર મનોહર ત્રિવેદી

પ્રભુદાસ પટેલ

Manohar Trivedi.png

બાળવાર્તાકાર, કવિ, લઘુનવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક મનોહર ત્રિવેદીનો જન્મ અમરેલી જિલ્લાના હીરાણામાં રતિલાલભાઈ અને માનકુંવરબાને ત્યાં ૪, એપ્રિલ ૧૯૪૪માં થયો હતો. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું ‘સુરનિવાસ’ ગામ એમનું વતન. તેમણે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ ગામડાની વિવિધ સંસ્થાઓમાં મેળવ્યું હતું. ૧૯૬૩માં લોકભારતી સણોસરામાં સ્નાતક થઈ તેઓ માંગરોળથી તાલીમી સ્નાતક(બી.એડ.)ની લાયકાત મેળવીને મહિલા અધ્યાપનમંદિર, સાવરકુંડલા અને કસ્તુરબા આશ્રમ સંચાલિત વિનય મંદિર, રાજકોટ જેવી સંસ્થાઓમાં પાંચેક વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપીને ૧૯૭૦થી ઢસાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ૨૦૦૦માં વયનિવૃત્ત થયા હતા. બાળપણમાં માતા-પિતા પાસેથી સાંભળેલાં ભજન-કીર્તન, વાર્તા-કથાઓ તેમજ લોકગીતોના લય-સંસ્કાર તેમને સહજપણે જ અંકે થયેલા. વળી ગ્રામ્યજીવનના વ્રતો-ઉત્સવો અને પૌરાણિક કથાઓના શ્રવણ અને ભજવાતા ભવાઈવેશો તથા નૈસર્ગિક વાતાવરણે પણ તેમના સર્જકપિંડને પોષવાનું નિમિત્ત પૂરું પાડ્યું હતું. વળી લોકભારતી સંસ્થાનું પ્રેરણાત્મક વાતાવરણ તથા ઉત્તમ શિક્ષકોના સાંનિધ્ય તથા વિશાળ વાચને મનોહર ત્રિવેદીની સર્જકતા ઘડાતી રહેલી. તેમણે કિશોરકથાઓથી માંડીને કવિતા, લઘુનવલ, નવલિકા, નિબંધ અને વિવેચન જેવા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સત્ત્વશીલ પ્રદાન કર્યું છે. તેથી જ તેમના ‘છુટ્ટી મૂકી વીજ’, ‘વેળા’, ‘નાતો’, ‘ઘરવખરી’, ‘કાચનો કૂપો તેલની ધાર’, ‘ટીલ્લી’ અને ‘આલ્લે લે’ જેવાં પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્યપરિષદ જેવી સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠપુસ્તક તરીકે પુરસ્કૃત થયાં છે. તો ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ’ (૨૦૧૦) અને ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ’ (૨૦૧૫) સર્જક મનોહર ત્રિવેદીની સાહિત્યસેવાની યશકલગીરૂપ ઉપલબ્ધિઓ છે.

મનોહર ત્રિવેદીની વાર્તાકલા :

GTVI Image 117 Gajavama Gaam.png

(૧) ગજવામાં ગામ (પ્ર. આ. ૧૯૯૮, દ્વિ. આ. ૨૦૧૦ પૃ. ૧૫૭) ‘ગજવામાં ગામ’ (૧૯ વાર્તાઓ)ના પ્રારંભે જ મણિલાલ હ. પટેલના પ્રસ્તાવનાલેખમાં આ સંગ્રહની વાર્તાઓને સર્જકની ‘ગ્રામચેતનાની ગળથૂથી-રૂપ’ ઓળખ આપીને તેમાંની કેટલીક વાર્તાઓની કથ્યવિષયથી માંડીને વાર્તાના પરિવેશ, પ્રતીક-વર્ણનો-કથનકલા અને ભાષાકર્મની સંક્ષિપ્ત ચર્ચા થઈ છે. તો વાર્તાઓને અંતે ‘પાઠડી’ના સંદર્ભે રમેશ ર. દવેનો દીર્ઘલેખ ઉપરાંત શરીફા વીજળીવાળા, જીજ્ઞા વ્યાસ અને બહાદુરભાઈ વાંક વગેરેની સંક્ષિપ્ત સમીક્ષાઓ આ સંગ્રહની વાર્તાઓના કથ્યવિષય અને કલાત્મકતાને પામવામાં ઉપકારક બની રહે તેમ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં મનુષ્યનો પ્રણયભાવ, દાંપત્યજીવનની સમસ્યાઓ અને વિસંગતિઓ, જાતીયસંબંધો કેન્દ્રસ્થાને છે. તો કેટલીક વાર્તાઓમાં વૃદ્ધજીવનની સમસ્યા, એકલતા, પિતૃવાત્સલ્ય જેવાં સંવેદનો પણ વાર્તાનો વિષય બનીને આવ્યાં છે. ‘પગલાં’, ‘કદાચ’, ‘અમુક ગામની વાત’, ‘ઉજાગરાઓ’ કે ‘છન્નુનું મન’ જેવી રચનાઓમાં પ્રણયસંવેદન કેન્દ્રમાં છે. જેમાં બહુધા અધૂરા અને અતૃપ્ત પ્રેમની વ્યથા-નિરાશાનું નિરૂપણ છે. ‘પગલાં’માં વર્તમાનની ક્ષણે વાર્તાનાયક સુંદરને બાળસખી કમુ સાથેનો પ્રેમ-અતીત પીડે છે. જેની સાથે સુંદરે બાલ્યથી માંડીને યૌવનના ઉંબર સુધી સભર જીવન વિતાવ્યું હતું તેવી કમુના વેવિશાળ અને લગ્ન પછી સુંદર માટે કમુએ છેલ્લી નિશાનીરૂપ ખામણામાં પાડેલી પગલાંની છાપ મોટું આશ્વાસન છે, પરંતુ મોટાભાઈ રાઘવ દ્વારા ખામણાં તોડી નંખાય છે ત્યારે, સૂની આંખે ભોંય ખોતરતા સુંદરનો ઝુરાપો જીવનભર રહી જાય છે. ‘તેને ઊંઘ ન આવી’ –વિધાનથી આરંભ પામતી આ રચનામાં સુંદરના મોડી રાતથી પરોઢ સુધીના સમયની અનિદ્રા-ચૂંગી પીવાની લત અને અતીત સ્મૃતિઓ રૂપે બાલ્યવયના નિર્દોષપ્રેમ, પ્રણયવિચ્છેદ અને ઝુરાપાનું અસરકારક નિરૂપણ સાંપડે છે. તો ખાટલાના કડડડ અવાજ અને સુંદર-કમુના પ્રથમ આલિંગનમાં માંડવો હિંચોળાવાની ઘટનાનું સંનિધિકરણ પણ અસરકારક છે. સુંદરની વિચારતન્દ્રા તૂટતાં જ દાદાની આજ્ઞાને અનુસરતા સંદરનું ઢોરના ચરાણે જવું અને શિવમંદિર, ખેતર, ગાડું અને વાડીના સ્મૃતિસાહચર્યોથી ભવ્ય બાળઅતીત અને પ્રણયવિચ્છેદ ખડો થયો છે. અને સુંદર ખેતરમાં દોડી જાય... ખામણામાં કમુના પગલાંનો વિલય જોઈને સૂની આંખે ભોંય ખોંતરતો રહી જાય – ત્યાં અંત પામતી આ વાર્તા અતીતનિરૂપણ, સ્મૃતિસાહચર્ય જેવી યુક્તિઓ, હૃદ્ય બોલીસંવાદોની સરસ ગૂંથણીમાં સ્પર્શી જાય તેવી છે. તો ‘ઉજાગરાઓ’ અને ‘કદાચ’માં અતૃપ્ત પ્રણય નિરૂપણ ઈશ્વર અને રાણુના સમાન પાત્રો લઈને થયું છે. ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વર અને રાણુનો સંબંધ વિવાહમાં પરિણમ્યો નથી. રાણુના લગ્નને જિરવી ન શકેલો ઈશ્વર એકાકી બની હૉસ્પિટલમાં દાખલ થાય, હૉસ્પિટલમાંથી આવ્યા પછી પણ તેનું મન ક્યાંય લાગતું નથી, ત્યારે એક દિવસ રાણુ આવે છે. બંને સાથે સમય પસાર કરે અને અતીતના સંભારણામાં ઈશ્વર હળવોફૂલ બની ઊંઘી જાય છે. સાસરીમાંથી પિયર આવેલી રાણું ઈશ્વરના ઘેર આવે – એવી ઘટનાક્રિયાથી આરંભ પામતી આ વાર્તામાં ઈશ્વર અને રાણુના સંભારણાં રૂપે કાળુભાર નદી અને ગ્રામ્યપરિવેશમાં શિશુસહજ નિર્દોષપ્રેમનું આહ્‌લાદક નિરૂપણ થયું છે. વળી નદીમાં ડૂબતી રાણુને બચાવવા જતાં પહેલું આલિંગન અને વયસહજ આકર્ષણ સ્વાભાવિક નિરૂપણ પામ્યું છે. પાત્રના ભાવ-સ્વભાવને ઝીલતી હૃદ્ય, કાવ્યત્વસભર ભાષા વાર્તાનો સજીવ અંશ બની રહે છે. તો કાવ્યમય વિધાનથી આરંભ પામેલી ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વરની અતીતસ્મૃતિ રૂપે રાણુ સાથેની બાલ્યરમતો, પ્રણયસંવેદના અને ઝુરાપાનું વિષયવસ્તુ પમાય છે. કથન અને ડાયરી જેવી યુક્તિઓથી વસ્તુગ્રથન થયું છે. હૃદ્ય ભાષા પણ આસ્વાદ્ય, છતાં સમગ્ર રચના નિબંધની છાપ અંકિત કરે છે. ‘ગામની વચાળે એક બ્રાહ્મણનું ઘર’ – આ વિધાનથી પરંપરિત કથનશૈલીમાં કહેવાયેલી ‘કોઈ અમુક ગામની વાત છે’ વાર્તામાં શિષ્ટ, પ્રાસાદિક અને હૃદયંગમ ભાષાશૈલીમાં વાર્તાનાયિકા બ્રાહ્મણપુત્રી એવી દેવી અને કેશુના વિરલ, અવ્યક્ત પ્રેમનું અને કેશુના બલિદાનનું વિષયવસ્તુ વ્યક્ત થયું છે. વાર્તામાં સ્પષ્ટ વિભાજન નથી, પરંતુ વાર્તા બે પ્રવાહમાં વહે છે. પહેલા અંશમાં એક ગામમાં એકલપંડે રહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્રીને પડોશી ફઈબા બ્રાહ્મણપત્નીને તેમણે આપેલા વચન મુજબ, દેવીના ઉછેરથી માંડીને ઘરકામ શીખવે, અને તેને પારકી કરવાની ચિંતા પણ સેવે છે. દેવીને નાનપણથી જ સતી અને શૂરાઓની વાર્તાઓ વાંચવાનો અને ફઈબાના ભત્રીજા કેશુને સંભળાવવાનો શોખ છે. વાર્તારસિયો કેશુ એકતાન થઈને વાર્તાઓ સાંભળે છે અને દેવી પણ રસપૂર્વક કેશુને વાર્તાઓ કહે છે. તેમાં જ બન્ને વચ્ચે એકાત્મતાનો ભાવ જન્મે છે. કેશુને તો પોતે રા’ખેંગાર હોય અને દેવી રાણકદેવી હોય તેવાં સ્વપ્ન પણ આવે છે. તેથી જ કેશુ (રા’ખેંગાર) દેવી (રાણકદેવી) વિશે એલફેલ બોલતા બ્રાહ્મણપુત્ર બબલા (સધરો જેસંગ)ને મારવા તૈયાર થાય છે ત્યારે માંડમાંડ દેવી તેને રોકે છે. બંનેનો અવ્યક્ત પ્રેમ પ્રકટ પ્રેમમાં પરિણમે તે પહેલાં તો દેવીનું ભીલડી મધ્યે કરુણાશંકર દવેના ચિરંજીવી જોડે લગ્ન થાય છે. તે આ વાર્તાનો પ્રથમ અંશ. બીજા અંશમાં કોઈ અજાણ્યા ગાડાનો અસવાર અને કેશુનો દોસ્ત વીરુ ભીલડી ગામમાં આવીને કરુણાશંકરનું ઘર શોધે છે અને દેવીને ‘તમને સમાચાર આપવા આવ્યો છવ’ – એમ કહે છે, ત્યારે દેવી ‘નક્કી કેશુના જ સમાચાર હોવા જોઈએ’ – એવી દહેશત અનુભવતાં, તેનાં સાસુ કે પતિને પણ ગણકાર્યા વગર વીરુ સાથે ગાડામાં બેસી જાય છે. તેને રસ્તામાં વીરુ દ્વારા સમાચાર મળે છે કે, એકલા કેશુએ બબલા અને તેના ચાર સાથીદારોનો ગાળવ્યવહાર સાંભળીને જબરો મુકાબલો કર્યો અને પોતે પહોંચી જઈ હાંકલો કરતા વિરોધીઓને ભગાડ્યા. ઘાયલ થયેલા કેશુએ તેના મિત્ર વીરુને છેલ્લી ઇચ્છા તરીકે કહેલા બોલમાં તેનો દેવી પ્રત્યેનો પ્રેમ પ્રકટપણે વ્યક્ત થાય છે. દેવીને બોલાવવા જવાની જિદ કરતો કેશુ વીરુને કહે છે : ‘મારું વેણ્ય પાળ્ય. એના ખોળામાં માથું મેલીને મરવાના ઓરતા નથી મુકાતા, વીરુ. અગત્યે જાસ નકર હું’ તો આ સાંભળીને દેવીની ચીસથી સીમમાં પડેલો સોંપો પણ જાણે ભયભીત થઈ ઊઠે છે. દેવી ચીસ પાડતાં કહે છે : ‘જો દેખાય, કેસુ, પણે એ વીરુ. છીપર ઉપર. કહું છું, ઉભું રાખ્ય (ગાડું) એનું માથું ખોળામાં નઈ રાખું, ત્યાં લગણ ઈ જીવશે. પછી હું જોઈ લ’શ. મને જોઈને એ કેવોક થાય છે?’ વીરુ તો કેશુને અમરેલી દવાખાને દાખલ કર્યો હોવાનું જણાવી ગાડુ હંકારી મૂકે, પણ દેવી તેની એકે ય વાત ન સાંભળતાં ‘કેશુની સમક્ષ પોતે ‘મેના ગુર્જરી’ની વાત માંડશે અને તે કડાક દઈને ઊભો થશે’ એમ કહેતાં ગાડામાંથી ઠેકડો મારવા જાય છે ત્યાં જ તેને ગાડાનો આડો વાગતાં બેભાન થાય છે. અહીં સર્જકે મૂળ વાત અધ્યાહાર રાખીને આ વાત.. ‘કોઈ અમુક ગામની છે’ – એમ કહીને આવો પ્રેમ કઈ બધે જ ના હોય – એવા લક્ષ્યાર્થ દ્વારા વિરલ પ્રેમનો મહિમા વ્યક્ત કર્યો છે. વાર્તામાં રસાળ કથનની સાથોસાથ સ્વપ્નની પ્રયુક્તિ અને અંતે કપોળકલ્પના વણી લઈને બંને પાત્રોના પરસ્પર પ્રણયભાવને સરસ રીતે વણી લીધો છે. વાર્તા આસ્વાદ્યક્ષમ છે. પાત્રપ્રધાન વાર્તા ‘છન્નુનું મન’ પ્રેમ અને મનુષ્યના સ્વાર્થપરાયણ સંબંધોને વ્યક્ત કરતી સરેરાશ રચના છે. વાર્તાનાયક છન્નુને જ્યાં જ્યાં, તે જે જે માણસોના પરિચયમાં આવ્યો હતો તે માણસોએ તેનો સ્વાર્થ સાધવા માટે જ ઉપયોગ કર્યો છે. છન્નુનો સંબંધો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. તેનું મન સવિતા ઉપર ઢળ્યું છે. અને સવિતાએ પણ છન્નુને ભરોસો આપ્યો છે કે, ‘તારા ઘરમાં આવી હકાય તો દખ પણ મધમીઠું લાગે. વેણ ઇ વેણ. આ હાથ તારો જ હવે’ અને ભોળિયો છન્નુ તેને સાચો પ્રેમ માની બેઠો છે. આઠ-આઠ દિવસ સુધી રાહ જોયા પછી છન્નુનો વિશ્વાસ ડગી જાય છે. છતાંય તે સવિતા અને તેના ભાઈ બાબુનું મોઢું મીઠું કરાવવા બજારમાંથી જમરૂખ પણ લાવે છે. પરંતુ સૂચિત સમયે સવિતાની ફરી રાહ જોતો છન્નુ તેને ચા પીવાની ઇચ્છા થતાં, ભગતની બકરી દોહીને દૂધ કાઢે છે અને ચા મૂકે છે. આ દરમિયાન સવિતાનો ભાઈ બાબુ આવતાં તેને બકરી જમરૂખ ખાઈ ગયાનું કહે છે. ખુશખુશાલ થઈ સવિતાને જોવા ઘર બહાર જવામાં છન્નુની ચા પણ ઉભરાઈ જાય છે. નિરાશ છન્નુ બકરીનું એઠું જમરૂખ ખાય છે, અને બાબુને પણ ખાવા આપે છે. આમ વક્રતા સાથે વાર્તા અંત પામે છે. સંબંધોથી ખિન્ન બનેલા છન્નુની ઉદાસી અને સંબંધોની વ્યર્થતા વ્યક્ત કરવા માટે સર્જકે ક્યાંક નિષેધાત્મક, ક્યાંક પ્રશ્નાર્થયુક્ત સ્વગતોક્તિઓથી અરૂઢ ભાષાકર્મ યોજયું છે. છન્નુ દ્વારા ભગતની બકરી દોહીને ભગતને ચા પીવા નિમંત્રણ આપવું, વાર્તાને અંતે છન્નુ દ્વારા લવાયેલા જમરૂખ બકરીનું ખાઈ જવું અને બકરીનું એઠું જમરૂખ છન્નુ દ્વારા ખાવું તથા બાબુને આપવાની ક્રિયાઓમાં છન્નુના પાત્રની વક્રતા સૂચિત થઈ છે. કશુંક નવું કરવાનો પ્રયત્ન, છતાં આ વાર્તા આરંભથી તે અંત લગી નિરાશામાં વહેતી એકાંગી રચના બની રહે છે. ‘પડછાયા’ વતનના અતીતરાગ અને વિચ્છેદની રચના છે. સ્પષ્ટ બે ખંડમાં વસ્તુગ્રથન પામેલી આ રચનાના પ્રથમખંડમાં વાર્તાનાયકનું સાતપડા ગામને નિમિત્તે તેના મનમાં સચવાયેલું બાળપણ તાદૃશ થયું છે. સાતપડાની શેરીઓ, સ્વામિનારાયણનું મંદિર, ઠાકરશીકાકાની ડેલી, પછી આવતી ઉગમણી ખડકીમાં રહેતા મોટાબાપુ અને જેકોર્યમા, પથરાળી ભેખડ પછીનું મજેદાર ભાઠું, શેત્રુંજીનદી, અને નદીપટ જેવાં સ્થળોને નિમિત્તે બુઢ્‌ઢાઓનો ડાયરો અને પુરાકથાઓના ત્રાગડા, વડીલોના ચાળા પાડતી તોફાની મિત્રમંડળી, શેત્રુંજી પટમાં છોકરીઓ સાથેની મસ્તી અને ખાવો પડતો માર, મરસિયા ગીતો, રાત્રે ભેરુમંડળીમાં જામતી મનમાનીતીની વાતો વાર્તાનાયકના મનમાં તાદૃશ થાય છે. બીજા ખંડમાં ઘણા વર્ષ પછી વાર્તાનાયક ગારિયાધાર બહેનના ત્યાં આવ્યો છે. ભાઈ-બહેન સાતપડાની ઘણી વાતો યાદ કરે છે. બાએ ગણેશગઢમાં જૂના માણસોને મળી આવવાનું કહ્યું હોઈ બીજા દિવસે વાર્તાનાયક ત્યાં જવા નીકળે છે, પરંતુ તે ગણેશગઢ જવાને બદલે સાતપડાની કેડીએ નીકળી પડે છે. ભૂમિ પોતાને જાણે પોતાને ભૂલી ગઈ હોવાની સંવેદના અનુભવતા વાર્તાનાયકને શેત્રુંજીના વિશાળ જળરાશિનાં દર્શન થાય છે, ત્યારે તેને પ્રશ્ન થાય છે કે આ નદીમાં મારું જૂનું સાતપડા ગામ ક્યાં? તે એક ગોવાળને પૂછે છે, ત્યારે ગોવાળ તેને દિશા ચીંધીને કહે છે : ‘આમ જોવો, પણે વર્તાય સામિનારાયણ મંદિરનો ટોડો’ પણ પોતાનું જૂનું સાતપડા ગામ ક્યાં? વાર્તા નાયક નિરાશ નિરાશ નિષ્કારણ ફરે છે. જલસમાધિમસ્ત મકાનોના ખંડેર જુએ છે. સાંજ પડવા આવી છે. ના છૂટકે પાછો ફરે છે ત્યારે તે સ્વજનો અને સ્થળોની સ્મૃતિઓમાં જાણે પોતાના ખભે પોતાના પડછાયાને ઢસડતો ખેંચી રહ્યો હોય તેવો થાક અને બોજ અનુભવે છે. વતનવિચ્છેદ અને અતીતરાગની આ રચના વાર્તા કરતાં ય વિશેષ નિબંધની છાપ અંકિત કરે છે. ‘પાઠડી’ તેના નિરાળા વિષયવસ્તુ, અરૂઢ-લાઘવસભર વસ્તુગૂંથણી, માવજતસભર નિરૂપણરીતિ, સંકેતક્ષમતા અને સાદ્યંત-સુંદર-સર્જનાત્મક ભાષાકર્મને લીધે સર્જક મનોહર ત્રિવેદીની જ નહીં, પણ ગુજરાતી ભાષાની ઉત્કૃષ્ટ વાર્તા છે. વાર્તાના કેન્દ્રમાં માસી અને ભાણેજનો અવૈધ શારીરિક સબંધ અને પશ્ચાત્તાપ છે. વાર્તાનાયક ભોળુ માસા-માસીના આશ્રયે ઉછર્યો છે અને હવે તે ૧૫ વર્ષનો તરુણ બન્યો છે. નિઃસંતાન અને શારીરિક અતૃપ્ત માસી ગોમતી તેને લાડમાં ‘અફીણી’ કહીને સંબોધવા માંડી છે. ભોળુ પણ માસીને સહજપણે જ જુદી જ નજરે જોવા માંડ્યો છે. જીવનની એક નબળી ક્ષણે આવેગ આવેગમાં માસી-ભાણિયો દેહસંબંધ બાંધી લે છે. અને ઉગ્ર પશ્ચાત્તાપમાં ભોળુ માસા-માસીનું ઘર છોડે છે. સરળ લાગતું વિષયવસ્તુ પાઠડી બકરીના સંકેત અને મનોસંકુલ વસ્તુગૂંથણીને કારણે પ્રતીતિકર અને કલાત્મક બન્યું છે. સમગ્ર વાર્તા ત્રણ ખંડમાં માવજત પામી છે. પ્રથમ ખંડના આરંભે જ કથાકથક દ્વારા વાર્તાના ભોળુ-ગોમતી અને દેવો ત્રણેય મનુષ્યપાત્રો અને વાર્તાના સબળ સંકેત સમી ‘પાઠડી’ (બકરીનો) ઉલ્લેખ કરીને સર્જકે ત્રણેય મનુષ્યપાત્રોના મનમાં અંકુરિત થઈ રહેલી ભોળુ અને ગોમતી બદલાઈ રહ્યાની અનુભૂતિ મૂકીને સંબંધોની સંકુલતાનો અણસાર સરસ રૂપે મૂકી આપ્યો છે. અહીં ભોળુ-ગોમતી અને દેવાના કથન રૂપે(ત્રણેય પાત્રોના મુખે પ્ર. પુરુષ કથનકેન્દ્ર)વાર્તાવસ્તુ સરસ સેળભેળ પામ્યું છે. બીજા ખંડમાં ઊંઘી ન શકેલાં અને પરોઢ સુધી એકબીજાના વિચારોમાં પડખાં ઘસ્યા કરતાં પાત્રોની માનસલીલા પ્રથમપુરુષ કથનરીતિમાં સરસ તાદૃશ થઈ છે. ભોળું તરફ ઊંઘેલી ગોમતીને જોઈને ભોળુને થઈ આવે છે કે, ‘માસી કેવી કેળ્યની ઢળેલી થાંભલી જેમ આણીકોર્ય પડખું ફેરવીને સૂતી છે?’ ભોળુની ટીલવીની જેમ લગ્ન પછી કેટલાય ચોમાસા ખાલી ગયાનો ખાલીપો અનુભવતો દેવો પણ નિરાશામાં ઊંઘી શકતો નથી. તો ગોમતીને દીકરાની જેમ વ્હાલ કરતા ભોળુ પ્રત્યે જુદી જ લાગણીને લીધે તે પોતાને ‘નભ્ભાય’ ગણાવે છે અને ભોળુને પણ પોતાના જેવા વિચાર નહીં આવતા હોય? ના મનોમંથનમાં તે માથાબોળ સ્નાન કરતાં પોતાને જોઈ જતાં ભોળુએ કરેલા ન જોયાના ડોળ અને પોતાની છાતી સામુ જોઈ રહ્યા પછી લાજી જવાના ઢોંગને યાદ કરે છે. ભોળુને પણ માથાબોળ સ્નાન કરતી માસીને જોઈને વનદેવીની સ્મૃતિ થઈ આવે છે. વળી માસીએ જીવડું કાઢવાને બહાને છાતી ઉપરથી કાપડું ઊંચકાવેલું અને મરક મરક હસી પડેલી, તે અને પોતે ફળિયામાં કાથીના ખાટલા ઉપર બેસીને નાહતો હતો ત્યારે તે તેને જોવા ઓસરીની થાંભલીને વળગીને ઠેઠ લગી ઊભી રહી હતી તે તેના સ્મરણમાં આવે છે. ત્રણેય પાત્રોના વિચારો અને ઉજાગરામાં ભળકડું થવા આવ્યું છે ત્યારે વરસાદમાં પોતાની બકરીની દયા ખાતો ભોળું હવે તો તેની ટીલવી ચંટાઈ ગઈ છે, અને થોડા મહિના પછી તો તે વિયાશે એવી આશા પ્રગટ કરતો ખેતરમાં વાવણી કરવા તૈયાર થાય છે. વળી ગોમતી પણ પોતે વાસીદાં, ગોળાભાણાં, શિરામણ અને બપોરમાં વાવણી માટે લાપસી બનાવવાની ચિંતામાં ઊઠે છે. આ અંશમાં ભોળુ અને ગોમતીના આત્મકથનમાંથી નિયતી તરફ ગતિ કરતાં પાત્રોની મનોદશા સરસ તાદૃશ થઈ છે. તો પાઠડી હવે ‘ચંટાઈ’ ગઈ છે અને ‘વિયાશે’નો સંકેત વાર્તાના અંતિમ દૃશ્યનો સંકેત બની રહે છે. ત્રીજા ખંડમાં આરંભે કથન દ્વારા એક તરફ જૂનાં કપડાં અને સામગ્રીના કાતરથી માપસરના ટુકડા કરતી (સગર્ભા) ગોમતીની ક્રિયા અને બીજી તરફ ફળિયાને ખાટલે બેસીને ચલમ ફૂંકતો દેવો, તો અવઢવમાં ઘેરાયેલા ભોળુંને એક પગ ખડકી બહાર ઊંચકતો દર્શાવીને સર્જકે મોંઘમ ઘણું ઘણું સૂચવી દીધું છે. અને બાકીનું ચિત્ર ગોમતીની એકોક્તિના પશ્ચાત્તાપમાં અને ભોળુની એકોક્તિમાં માસી-ભાણેજનો દેહસંબંધ ગતિશીલ રૂપે તાદૃશ થયો છે. ગોમતી ભોળુ માટે ભાથું લઈને ખેતરે પહોંચે છે. ખાટી છાસના અણગમાને લીધે ભોળુ મોઢું બગાડે છે. અને છાસના સંદર્ભે ગોમતીનું કે’તો હોય તો પણે બાંધેલી તારી બકરી ટિલવીને આંયા દોર્યાવું... અને તેને વિયાવાની વાર હોઈ તેનું દૂધ બાડું લાગશે એવું કથન ભોળુને ઉશ્કેરે છે. અને વાદ-પ્રતિવાદમાં કેવાં વૃત્તિની નિયતીને વશ બની જાય છે, તે ભોળુની ઉક્તિમાં સઘન રૂપે મૂર્ત થયું છે. ઉશ્કેરાયેલો ભોળુ કહે છે, ‘બાડુ તો બાડુ. ઈ યે હાલશે. ટિલવી હવે કાંય પાઠડી તો નથી ને? પાઠડી કાંય ઓછું દૂધ...’ ‘અને મારાથી દાંત છૂટી પડ્યા. થૈ ર્યું. માસીએ આંખ્યું પોળી કરીને તરાપ મારી, મને પાંહે ખેંચી લીધો. ભોંય સરસી થૈ, બે બાવડાં વચાળે એવો ભીંસી દીધો તે હાંફ ચડી ગયો એને. બોલેલી, ‘બોલ્ય તુલડા, પાઠડી કે’ને કે’છો?... ઈ જોયને મારી ય જીભ છુટ્ટી થૈ ગૈ, ‘તને વળી, મારી વઉ....’ ભોળુનું ‘મારી વઉ’નું સંબોધન ગોમતીને સામાજિક બંધનોને ફગાવી તેને એક સ્ત્રી તરીકે સ્થાપિત થવા ઉશ્કેરે છે. તે તો એકાંત જોઈને, ભોળુને બે ય પગના ચિપિયામાં જકડી રાખીને, છાતી તરફ તેનું મોઢું નમાવીને કહી દે છે, ‘લે કર્ય તો ખરો અખતરો. આ પાઠડીને ય વેણ્યના વાવડ આલ્ય મારા અફીણી’. આમ, ભોળુ અને ગોમતીનો દેહસંબંધ અહીં સહજ-પ્રતીતિકર રૂપે પમાય છે. અને ‘કોનો વાંક ગણવો?’ની અવઢવ-પશ્ચાત્તાપ અનુભવતો ભોળુ ખડકી તરફ જતો નિર્દેશીને વાર્તાને પૂર્ણતા બક્ષી છે. જીજ્ઞા વ્યાસ નોંધે છે તે મુજબ ‘નવલિકામાં સામાજિક નૈતિકતા સામે દૈહિક નૈતિકતા બળવતર પુરવાર થાય છે. ગોમતીની દૈહિક ઇચ્છાઓની સાથે તેનો આ બાબતે વલોપાત, રંજને પણ લેખકે કલાત્મક રીતે પ્રગટ કરી સ્ત્રીના સંકુલ મનોવિશ્વને આલેખ્યું છે.’ (પૃ. ૧૫૩) ‘પાછું વળવું’ રચના ભાભી-દિયરના સંબંધોને તાગતી રચના છે. વાર્તાની નાયિકા કાજુની જેઠાણીએ તેના દિયર (કાજુના પતિ)ને વાત્સલ્યથી ઉછેરીને મોટો કર્યો છે અને સખત પુરુષાર્થથી સાસરીનું ઘર પણ ચલાવ્યું છે. રિસાઈને પિયર આવેલી કાજુ સમક્ષ અને અન્ય સ્ત્રીઓ આગળ કાજુની મા કાજુની જેઠાણીના કુટુંબ સમર્પણભાવ અને તેણે વેઠેલી મુશ્કેલીઓનું અનુરટણ કર્યે જાય અને મનોમન ગૂંગળામણ અનુભવતી કમુ એવી એકલતા અનુભવે કે, તેના ભાઈ-ભાભીનો પ્રેમાળ સ્વભાવ, પ્રેમ અને હૂંફ પણ તેના સાસરીથી પિયર રિસાઈને આવવાના કારણને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે. આ રચનાના અંત સુધી ભાવકે કાજુના સાસરીમાંથી રિસાઈને પિયર આવવાના કારણને જાણવા જિજ્ઞાસા સેવવી પડે તે પ્રકારની વસ્તુગૂંથણીમાં સર્જકની સફળ વાર્તાકલાનાં દર્શન થાય છે. સર્વજ્ઞ કથનકેન્દ્રની આ વાર્તામાં કથાકથન, માની ઉક્તિઓ અને વાર્તાનાયિકા કાજુના મનમાં ઊભરતી સાસરીમાં બનેલી ઘટના અને પોતે કેવી તકલીફમાં પિયરમાં આવી તેની સ્મૃતિઓથી (અતીતકથનથી) વસ્તુગૂંથણી થઈ છે. અને વાર્તાને અંતે ભાભી અને દિયરના સંબંધોનો રહસ્યસ્ફોટ થતાં કાજુએ અનુભવેલી મનોવ્યાથા-લાચારીને ભાવક તો પામી જ જાય છે પરંતુ કાજુનાં સ્વજનો તો તેનાથી અજાણ જ રહે છે! ભાભી અને દિયરના સંબંધોની ઘટનાને રચનાને અંતે અનાવૃત કરીને સર્જકે કલામય વસ્તુગૂંથણીનાં દર્શન કરાવ્યાં છે. ઉપરાંત માની ઉક્તિઓ તથા નાયિકાનું મનોગત મૂળબોલીમાં તાદૃશ થયું છે. કહેવતો-રૂઢિપ્રયોગો, ઉક્તિ અને પાત્રસંવાદો પરિવેશની જમાવટમાં પણ કાર્યસાધક બનતાં અનુભવાય છે. ‘તમે કેમ ચૂપ છો? સાક્ષીકથકની પ્રયુક્તિ અને અલગ અલગ ભાષાટોનને લીધે નિરાળી રચના છે. અહીં વિષયવસ્તુ તરીકે પત્નીના પરપુરુષ સાથેના સંબંધો અને અવૈધ સંતાનપ્રાપ્તિની શંકાને કારણે તીતરભીતર થઈ ગયેલા પુરુષ અસ્તિત્વનું કથાનક સાંપડે છે. તમે કેમ ચૂપ છો રમણીકલાલ? કથનથી આરંભ પામેલી આ રચનામાં સાક્ષીકથક રમણીકલાલને તેમના બદલાઈ ગયેલા સ્વભાવને ઉદ્દેશીને અનેક પ્રશ્નો કરે, પ્રતિભાવ રૂપે રમણીકલાલની ઉક્તિઓ દ્વારા, ક્યાંક કથાકથન દ્વારા તો ક્યાંક પ્રસંગનિરૂપણ દ્વારા એક મોજીલો, ઉત્સાહી, ખેલદિલ, પરગજુ અને મિત્રપ્રેમી માણસ પત્નીચારિત્ર્યની શંકાથી કેવો મૂક-લાચાર-નિરૂપાય અને નિરૂત્સાહી બની જાય તે સરસ વાર્તાકલામાં મૂર્ત કર્યું છે. ‘નાગચૂડ’ સતત અપમાન, તિરસ્કાર અને શારીરિક-માનસિક વ્યથાઓથી દમિત મનુષ્યના આક્રોશસભર અસ્તિત્વ-વ્યક્તિત્વની ઉત્તમ વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર છે રાજા’દા, જેમણે નાનપણથી માંડી યુવાવસ્થા અને છેક વૃદ્ધાવસ્થા લગી કુટુંબસ્વજનોથી માંડીને ગામના ઓળખીતાં-પાળખીતાંનાં સતત હાંસી, તિરસ્કાર, અપમાન, અવગણના, ગાળો-તુંકારા અને મેણાંટોણાં જ વેઠ્યાં છે. અભાવ વચ્ચે જીવતા રાજા’દા પોતાના અદોદળા શરીર અને લાચાર મનઃસ્થિતિથી ટેવાઈ ગયા છે. એક વખત ગામના ઉતાર સમો ગોબર ગામને ઓટલે રાજા’દાનું અપમાન જ નહીં, તેમને જાહેરમાં વગર વાંકે મારે છે, ત્યારે કેટલાક દિવસ રાજા’દાનું મન સતત લોહીઝાણ રહે છે. પરંતુ એક દિવસ રાજા’દા ફરી ગામને ઓટલે બેઠા હોય છે. મદારી જુદા જુદા કરતબોની સાથેસાથે સાપનો ખેલ બતાવે છે. કોઈ સાપને નિમિત્તે બાજુના જ ગામના બહેચર મુખીના દીકરા વિઠ્ઠલને પાણી વાળતાં એરુ આભડતાં વિઠ્ઠલ અને એરુના જીવ સટોસટના જંગ અને બંનેની મરણતોલ હાલતની ઘટના કહે છે ત્યારે નાગચૂડના સંદર્ભે પોરસાતા રાજા’દા ઉત્સાહથી ઉદ્‌ગાર વ્યક્ત કરે છે ત્યારે ગોબર તેમનું અપમાન કરતાં ધારિયાનો ઘા કરે છે, પરંતુ ધારિયું પકડી લઈ રાજા’દા પણ ગોબરનો પ્રતિકાર કરે અને અંતે બન્ને મરણતોલ લડાઈમાં ઘવાય છે. સતત અપમાન વેઠતો માણસ, કોઈ પ્રસંગમાંથી પ્રેરણા લઈને સામેના માણસને પણ કેવો ભારે પડે – તેનું નિદર્શન કરતી આ વાર્તામાં નાગચૂડનો સંકેત અને તેનું સંનિધિકરણ તથા કથાકથન, વાર્તાના પાત્રમુખે કથન, વર્ણનો અને જીવંત પાત્રબોલીથી તાદૃશ નિરૂપણ થયું છે. જ્યારે વૃદ્ધાવસ્થાની એકાકી સ્થિતિમાં કુટુંબીઓના પ્રેમને ઝંખતી ‘ફરક’ વાર્તામાં જ્યારે વહુ-દીકરાઓ અને સંતાનો સાથે હોય છે ત્યારે વૃદ્ધ કથાનાયક ભક્તિભાવ માટે એકાંત અને શાંતિ ઇચ્છે છે. તેમને આજુબાજુથી થતા કોલાહલ, બાળકોની મસ્તી અને તોફાનો અને રિડીયામણ અળખામણાં લાગે છે, પરંતુ એ જ પુત્રોને બદલી માટે અન્ય જગ્યાએ જવાનું થાય છે ત્યારે શાંતિ અને નિરાંત અનુભવતા વૃદ્ધ કુટુંબને ઉમંગ સાથે વિદાય આપે છે, પરંતુ કુટુંબની વિદાય પછી તેમને ધોળા દિવસે પણ ઘર ભેંકાર લાગે, છોકરાંના તોફાન અને રિડીયામણ વિના સ્તબ્ધતા અને સન્નાટો અનુભવાય. અને ત્રણત્રણ રાત્રી માળા ખાટલાના પાયામાં ભરાવીને પડખાં ફેરવવામાં અને ઉજાગરામાં જ પસાર થાય ત્યારે વૃદ્ધ ડેલીની સાંકળને તાળું મારીને પડોશી રામાકાનાને કૂંચી સોંપતાં, સ્વજનોવિહોણી સ્થિતિનો ફરક વ્યક્ત કરતાં કહે છે, ‘થયા કરતું’તું. આ રિડીયામણ, આ કજિયા, એમાં ભક્તિભાવમાં ચિત્ત ક્યાંથી પરોવાય? ઈ સંધા હતાં તયે તો હરિ હોઠે આવીને બેસતો. ઈ ગ્યાં એની હારોહાર હરિયે ગ્યો ઠામુકો!’ માત્ર ત્રણ-ચાર દિવસની સમયસંકલનામાં સર્જકે એકાદ દિવસની દિનચર્યાને આવરીને વૃદ્ધની અશાંતિ અજંપાનું કથન-ક્રિયા અને પાત્રસંવાદોથી સરસ નિરૂપણ કરીને કુટુંબવિદાય પછીના સમયને મૃતકપત્નીનાં સ્મરણ તથા પૌત્ર-પૌત્રીઓના કજિયા, વાર્તા સાંભળવાની જિદ, ખુશામતનાં સંભારણાંની સાથોસાથ વાતાવરણની સ્તબ્ધતાની સંનિધિ રચીને સ્વજનોની હાજરી અને ગેરહાજરીનો ફરક વૃદ્ધના ઉજાગરા રૂપે મૂકીને વૃદ્ધનો દીકરાઓ પાસે જવાનો નિર્ણય ઉચિતરૂપે મૂક્યો છે. આમ, ‘ફરક’ ભક્તિભાવમાં સુખ શોધતા વૃદ્ધના સંકુલ મનોભાવની વાર્તા બની રહે છે. ‘શંકાકાંડ’, ‘બાલકાંડ’ અને ‘ઝળેળા’ જેવી પુરાકલ્પનપ્રધાન રચનાઓમાં ગ્રામ્યજીવનના સંબંધોનો તાગ મેળવવાની ઠીકઠીક મથામણ જોવા મળે છે. અહીં રામ, શીતુ, લખોભાઈ અને રાણાભાઈ જેવાં ગ્રામીણપાત્રો પસંદ કરીને મનુષ્યસંબંધો અને આંતર-બાહ્ય મૂંઝવણોનું ચિત્ર ઝિલાયું છે. વળી ગોહિલવાડી બોલીના સબળ વિનિયોગને લીધે ગ્રામ્યપરિવેશ પણ તાદૃશ થતો અનુભવાય છે. ‘શંકાકાંડ’ની શીતુ પતિપ્રેમી છે. તે ગામથી દૂર પતિ રામ અને દિયર લખા સાથે વાડીમાં રહી ઘરકામ તો રામ-લખો શાકભાજીની દુકાને બેસે છે. શીતુએ એક હરામી પુરુષને સબક શીખવી તેની સ્ત્રીશક્તિનો પરિચય પણ કરાવ્યો છે, વાડીથી સહેજ ઝૂંપડીમાં રહેતો ભગત ભોળા રામ અને લખાને સ્ત્રીચરિત્રની વાતો કરી ફોસલાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એક રાત્રીએ ભગતની હરકતો રામના મનમાં શંકા પ્રેરે છે. શંકાગ્રસ્ત રામ પોતાનું અને ભગતનું ઝૂંપડું સળગાવી દે છે અને અગ્નિપરીક્ષામાં શીતુ બચી જાય છે. ‘ઝળેળા’ શીતુના પ્રાયશ્ચિત્ત ભાવને કારણે સારી વાર્તા બની છે. અહીં ગરીબ અને અભાવગ્રસ્ત, પરંતુ પ્રેમાળ પતિ હોવા છતાં રાણાભાઈની મિલકત અને લોભ-લાલચમાં શીતુ પ્રેમાળ-ભોળા રામને ત્યજે છે, પરંતુ એકાદ બે દિવસમાં જ કશાય પરિશ્રમ વગર શીતુ પગમાં ઝળેળા અનુભવે છે. અને પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતી છેવટે રામને ઘેર પાછી ફરે છે ત્યારે તેના પગમાં અનુભવાતા ઝળેળા છૂ થઈ જાય છે! ઝળેળાનો સંકેત, રામની અતીતસ્મૃતિ રૂપે અનુભવાતા પશ્ચાત્તાપનું નિરૂપણ આસ્વાદ્ય બન્યું છે. શીતુની ઉક્તિઓ, રામનો સભર પત્નિપ્રેમ, લોકોક્તિઓ અને શીતુ-રાણાના સંવાદોથી વસ્તુવિન્યાસ સધાયો છે. તો ‘બાળકાંડ’માં રામ દાંડ મિત્રો અને દાંડ હરકતોથી ઘેરાયેલો છે. કુંણાકુંણા હણકાનો શિકાર અને તેની મિજબાની કરતાં હણકાના માવતરના સંદર્ભે થયેલું સંવેદન રામની દિશા બદલી નાખે છે. તે મિત્રોને તથા દાંડ હરકતો છોડવાનો સંકલ્પ કરી લે છે અને કુટુંબવત્સલ બની જાય છે, પરંતુ દાંડ મિત્રોના આગેવાન એવા દૂદાની રામના દીકરાને ઉઠાવી જવાની ધમકીના પ્રતિભાવરૂપે રામના મનમાં ભય અને વ્યાકુળતાનું તાંડવ મચે છે. તે સ્વપ્નમાં દૂદાને ભીંસીને મરણતોલ દશામાં અનિષ્ટનો અંત આણતો દર્શાવાયો છે. અહીં ફ્લેશબૅક અને સ્વપ્ન દૃશ્યથી વાર્તા ગૂંથણી થઈ છે. ‘ભાદા રણછોડના ડેલામાં રાતવાસો’માં મિત્ર આલોકના દાંપત્યજીવનમાં પડેલી ગૂંચને ઉકેલવા ગયેલા નાયક સામે મિત્ર આલોક અને તેની પત્ની મિત્રા છે તો બીજી તરફ ડેલામાં વસતુ બીજું જોડું ગોસ્વામી દંપતી. સર્જકે આ બંને દંપતીની સંનિધિ રચીને, અજાણ્યા કથાનાયકને આદરભાવથી આતિથ્યધર્મ નિભાવનાર ગોસ્વામી દંપતીના મુકાબલે મિત્ર દંપતીના દાંપત્યજીવનમાં સંવાદિતા દાખવવા ગયેલા મિત્રપ્રેમી કથાનાયક માટે મિત્રના મુખે અપમાનજનક શબ્દો મૂકીને સંબંધોની તીવ્રતાને સચોટ નિરૂપી છે. ‘ઓળખ’ પાત્રપ્રધાન વાર્તામાં પતિપ્રેમી સ્ત્રીની નિઃસહાયતા કેન્દ્રમાં છે. કથાનાયક માધવનો બાપ સંયુક્ત કુટુંબમાં મોટાભાઈઓની ઈર્ષા-દ્વેષને કારણે પત્ની-સંતાનો અને ઘર ત્યજીને ચાલ્યો ગયો છે. પતિની ગેરહાજરીમાં માધવની માએ એકલાં ખેતી, ઢોરઢાંખર અને સંતાનઉછેરનું કામ કર્યું છે. દીકરા માધવના વિવાહ માટે કન્યાપક્ષના સંબંધીઓ આવવાના હોઈ માએ સતત ૧૫ દિવસ સુધી દિવસ-રાત એક કરીને ઘર શણગારીને પ્રસંગની તૈયારી કરી છે. તે સ્ત્રીને છેલ્લે સુધી અતૂટ વિશ્વાસ છે કે છેલ્લી ઘડીએ પણ પોતાનો પતિ આવશે. તેડું કરવા છતાં મોટાભાઈઓના કુટુંબનું પણ કોઈ ફરકતું નથી. મા-ના આનંદ-ઉમળકા વચ્ચે મહેમાનોની પધરામણી થાય છે. ભોજન માટે બેઠેલા મહેમાનોને આનંદ અને ઉત્સાહ સાથે બા ભોજન પીરસે છે. તે છેલ્લે ફરી બધાને લાપસી પીરસવા ફરે છે. તે આનંદના અતિરેકમાં ભોજન પીરસતાં પીરસતાં વેવાઈનું કાંડું પકડીને તેમના મોંમાં લાપસીનો કોળિયો ધકેલી દેતાં, તે પોતાના પતિને જે રીતે આગ્રહ કરતી હતી તેમ જ, અત્યંત ભીનાશથી બોલી ઊઠે છે : ‘આ છેલ્લો કોળિયો નો લ્યે એને આંખ સામે બળતી ભાળો, કાળી... પણ એ રાત્યે’ – બોલતાં જ સભાન થઈ જવાતાં ખૂંમચો મૂકી દઈને ઓરડામાં ભરાઈ જાય છે. પુત્રી સૂમી અને મહેમાનો પણ દંગ અને સ્તબ્ધ બની તાકી રહે છે, પરંતુ માના જીવનસંદર્ભ, તેની પતિભાવના અને પ્રસંગના ઉમળકાને સારી પેઠે ઓળખતો દીકરો માધવ તેના વાંસા ઉપર હાથ ફેરવતાં અને આંસુ લૂછતાં કહી દે છે, ‘બા, બીજાની તો મને ખબર નથી, પણ હું તો તને ઓળખું છું ને?’ (પૃ. ૧૧૯) સર્વજ્ઞ કથનકેન્દ્રમાં રચાયેલી આ વાર્તા માધવના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. આરંભથી જ માધવના મનોગત રૂપે અતીત દૃશ્યોથી પિતાજીની કુટુંબભાવના, માનો પતિપ્રેમ અને કુટુંબસંઘર્ષ, માધવનો વિવાહપ્રસંગ જેવા પ્રસંગઅંશોની માધવના મનોગતરૂપે અતીતદૃશ્યો, કથાકથન, વર્ણન અને સંવાદોથી ખડા કરીને વસ્તુપ્રપંચની સરસ માવજત થઈ છે. કથાકથન અને સંવાદોમાં ગોહિલવાડી બોલીનો વિનિયોગ અહીં પણ પ્રસંગોને તાદૃશ કરવામાં કારગત બનતો અનુભવાય છે. માધવની બાના વર્તનની સેળભેળ પણ તેને અંતે તો તેના અતૂટ પતિપ્રેમને વ્યક્ત કરી તેને ભારતીય સ્ત્રી તરીકે સ્થાપે છે. ‘એક ચૈત્રની બપોરે’ સંગ્રહની એકમાત્ર શહેરીપરિવેશની વાર્તામાં દાંપત્યજીવનમાં પત્નીના રિસામણાને કેન્દ્રમાં રાખીને પતિની એકલતા-અભાવ અને પ્રસન્નદાંપત્યનું ચિત્ર અંકિત થયું છે. પત્નીના સંવાદોમાં ક્વચિત્‌ લોકબોલીની છાંટ વર્તાય છે. ચૈત્રની બપોર અને એકલતામાં અકળાતો પતિ, ‘વર-વહુનું કાર્ટૂન’ અને પતિ-પત્ની વચ્ચે ચડભડ – જેવી સંનિધિકરણની યુક્તિઓ વાર્તાલાઘવમાં અને પ્ર.પુ. કથનકેન્દ્રમાં વાર્તાનાયકની એકલતાને નિવારવાની મથામણો હળવાશપૂર્ણ નિરૂપાઈ છે. વાર્તાનો અંત પ્રભાવક છે. બારણે ટકોરા વાગે છે. વાર્તાનાયક તેને પવનને લીધે કે માનસિક ભ્રમ માનીને કોઈ પ્રતિક્રિયા દાખવતો નથી. ત્રીજા-ચોથા ટકોરા પછી તો વાર્તાનાયિકા રૂપા જ સીધો પ્રવેશ કરે છે, અને પતિને ફરિયાદ કરે છે : ‘અમારી તો કશી જ પડી જ નથી ને? એકાદ પત્તુ ય નો લખાય!’ ...અને ડંકી હવેચીને આંગણામાં પાણી છાંટીને ઘરમાં પ્રવેશે છે ત્યારે કથાનાયકને વ્યાપતા આનંદ, હળવાશ અને ભીનાશનું કાવ્યમય ગદ્યભાષા દ્વારા થયેલું નિરૂપણ રોચક અને આસ્વાદ્ય છે. જેમ કે, ‘ને પાછળ પાછળ ભીંજાયેલી હવાઓનું ટોળું પાંખો ફફડાવતું મારા ઘરમાં, હળવેકથી...’ (પૃ. ૧૩૬) આમ, મનોહર ત્રિવેદીનો પ્રથમ સંગ્રહ હોવા છતાં ‘ગજવામાં ગામ’ની સાતેક જેટલી રચનાઓ તો કથ્ય વસ્તુ અને વાર્તાકલાના સઘળા પાસાની દૃષ્ટિએ ઉત્તમ રચનાની છાપ અંકે કરી જાય છે. વાર્તાઓમાં વિષય નાવિન્ય છે, મોટાભાગની વાર્તાઓમાં સર્વજ્ઞ કથનકેન્દ્ર, છતાં ક્યાંક વિભિન્ન ભાષાટોનને લીધે તો વિશિષ્ટ કથનને લીધે તાજગીસભર વસ્તુગૂંથણી પમાય છે. એકાદ સાક્ષીકથનકેન્દ્રની, ચાર પ્રથમ પુરુષ કથનકેન્દ્રની, તો ‘પાઠડી’ જેવી વાર્તા સર્વજ્ઞકથન અને પ્ર. પુ. એકવચનના ત્રણ કથકોની યુક્તિથી નોખા જ વિષયવસ્તુને ભાવક સંમુખ તાદૃશ કરી આપે છે. ઉપરાંત તાજગીસભર ગોહિલવાડી બોલીનો સાર્થક વિનિયોગ આ વાર્તાઓનું જમા પાસું બની રહે છે. આ બોલી ગ્રામીણ પરિવેશ ખડો કરવામાં અને પરિવેશનો સંકેતાત્મક વિનિયોગ કરવામાં પણ કાર્યસાધક બનતી અનુભવાય છે.

(૨) ‘નાતો’ (૨૦૧૦, પૃષ્ઠ : ૧૨૯)

GTVI Image 118 Nato.png

‘નાતો’ મનોહર ત્રિવેદીનો ગ્રામપરિવેશ અને સમાજ જીવનના વાસ્તવને કલામય રૂપે મૂકી આપતો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં દસ વાર્તાઓ અને આઠ લઘુકથાઓ ગ્રંથસ્થ થઈ છે. ગ્રામાભિમુખ કેળવણી પામેલા અને ગ્રામ્ય જીવનને આકંઠ પચાવી બેઠેલા આ સર્જકે ગ્રામ્ય જીવનની અનુભવસંપદાને વાર્તામાં પોતિકી શૈલીમાં રૂપબદ્ધ કરી છે. પુસ્તકના આરંભે સર્જકે નિવેદનમાં પોતાને ‘નખશિખ જનપદના જીવ’ તરીકે ઓળખાવીને ગ્રામ્યજીવન સાથેના તેમના અતૂટ, અકાટ્ય સંબંધને સ્પષ્ટ કર્યો છે. તો વિવેચક વિનેશ અંતાણીના ‘નાતોની વાર્તાઓ : જેટલાં જોનારાં, એટલાં નાટક’ પ્રસ્તાવનાલેખમાં સંગ્રહની વાર્તાઓના વાર્તાલક્ષી ઘટકોની સંક્ષિપ્ત સમીક્ષા અને સર્જકની ખૂબીઓનો સરસ ચિતાર અપાયો છે. તો ગ્રંથના અંતે પ્રાપ્ત થતી સુમન શાહ, હર્ષદ ત્રિવેદી, નવનીત જાની, ભરત નાયક અને સતીશ ડણાક જેવા સમીક્ષકોએ કરેલી એક એક વાર્તાની સમીક્ષાઓ આ વાર્તાઓને તેના વિષયવસ્તુ અને કલાકીય પાસાંઓને સમજવામાં ઉપકારક બની રહે તેવી છે. અહીં માત્ર સંગ્રહની ટૂંકી વાર્તાઓની જ સમીક્ષા કરવાનો ઉપક્રમ છે.

‘તંતુ’માં નિર્મળ, નિષ્પાપ, વાસનારહિત પ્રેમતંતુની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ સધાઈ છે. વાર્તાનાં મુખ્ય ત્રણ પાત્રો છે : પતિ-પત્ની તથાગત અને કાવેરી તથા તથાગતની પ્રેમિકા મહિમા. તથાગત અને મહિમાનો પ્રેમ નિઃસ્વાર્થ અને કામનારહિત છે, એટલે જ પિતાના ઘરની બધી જવાબદારી પોતાના ઉપર આવી પડતાં તેણે તથાગતને પરણવાની સ્પષ્ટ ના પાડેલી. તથાગતના કાવેરી સાથેનાં લગ્ન પછી, પ્રથમ રાત્રિએ જ તથાગત મહિમા સાથેનો સંબંધ સ્પષ્ટ કરતાં કહે છે કે, ‘મહિમાને હું ચાહતો હતો. આજે ય ચાહું છું.’ એ સાંભળીને કાવેરી સ્તબ્ધ બની જાય છે. પરંતુ તથાગત વધુ સ્પષ્ટતા કરતાં પોતાનો એ સંબંધ નિષ્પાપ અને કામનારહિત છે તેની પ્રતીતિ કરાવતાં કુટુંબની જવાબદારી આવી પડતાં મહિમાએ આપેલા સંસારભોગની વાત કરે છે. ત્યારે કાવેરીના બધા જ સંશય, મૂંઝવણો દૂર થઈ જાય છે. તથાગત અને કાવેરીના દાંપત્યજીવનમાં ઝંઝા અને સત્યા બે દીકરીઓ છે. વર્ષો પછી આવેલો મહિમાનો પત્ર તથાગતે વાંચીને પુસ્તકમાં મૂકી દીધેલો. તે પત્રની હકીકતો તથાગત જ નહીં, કાવેરી સાથેના સંબંધતંતુને પણ વધુ મજબૂત બનાવે તેવી છે. ‘અત્યારે જગતથી સાવ વિખૂટી પડી ગઈ છું. તમારા સ્મરણ સિવાય કોઈ નથી પાસે... એકાદ વાર મોઢું જોવા મળે તો, પેલા નોળિયા પેઠે તાજી થઈ જાઉં’... સખી ઉમા પાસેથી કાવેરીના વખાણ સાંભળ્યા પછી મહિમાએ પત્રમાં લખ્યું છે, ‘સાંભળ્યા પછી એને જોવાની એવી તો અદમ્ય ઝંખના જાગી કે ત્યાં આવવા પણ તૈયાર થઈ ગઈ. પણ બીજી જ પળે જાતને સંભાળી લીધી’. કાવેરીના તથાગત અને દીકરીઓ સાથે પોતાના બાપુને મળવા નીકળ્યાની ક્ષણથી વાર્તા આરંભ પામે છે. મહિમા પણ જ્યાં બાપુ નોકરી કરે છે તે નગરમાં રહે છે, તે કાવેરી જાણે છે. કાવેરીએ મહિમાનો પત્ર વાંચ્યો છે, તેનાથી તથાગત અજાણ છે. તેથી કાવેરી સતત સ્વાભાવિક વર્તન દાખવીને તથાગતના પ્રત્યાઘાતોની નોંધ લેતી રહે છે. ગંતવ્ય સ્થાને પહોંચે એ પહેલાં મુસાફરી દરમિયાન અને સ્ટેશનને ઉતર્યા પછી રસ્તે ચાલતાં તે ભૂતકાળની ક્ષણો વાગોળતી રહે છે, જેમાંથી પિતા અને મામાની સંમતિથી પોતાના તથાગત સાથેના સગપણ, તથાગતનું પહેલું સગપણ તૂટ્યા પછી લોકમાં ચર્ચાતી તથાગતની વિદ્યાર્થિનીઓ સાથેનાં લફરાંની વાતો, સંબંધ તોડાવવા ઇચ્છતી મા-બહેન, ફુવા અને બનેવી, જિદ્દી કાવેરીનાં લગ્ન પછી પ્રથમ રાત્રીએ તથાગતે કરેલી કબૂલાત, તથાગત અને કાવેરીનું પ્રસન્ન અને સુખી દાંપત્યજીવન, ઘણા વર્ષો પછી મહિમાએ તથાગતને લખેલો પત્ર.. કાવેરીએ સહન કરેલી પીડા અને સાંત્વના બધું જ કાવેરીની અતીત સ્મૃતિરૂપે રસાળ રૂપમાં અભિવ્યક્તિ પામ્યું છે. તેઓ રિક્ષા વિના ચાલતાં જઈ રહ્યા છે. ‘દર્શન’ સી-૪ (મહિમાનું મકાન) વાંચ્યા પછી કાવેરી તથાગતથી છાના વાંચેલા પત્રને યાદ કરે છે. અને તથાગત એ મકાનની સામે થોડે દૂર, સામાન મૂકીને ઊભો રહી ગયો છે. સત્યાને તેડીને કાવેરી એ તરફ પાછી ફરે છે. કાવેરીને જોતાં જ ક્ષોભથી તથાગતનું મોઢું વિલાઈ ગયું છે. છતાં કાવેરીને કહે છે, ‘ચાલ, હવે ઝાઝું દૂર નથી, બાપુનું ઘર.’ પરંતુ કાવેરી તેની આંખમાં આંખ પરોવી મક્કમતાથી કહે છે, ‘ના, હમણાં નઈ, મોડેકથી જશુ બાપુને ત્યાં. અત્યારે તો પેલ્લાં ત્યાં જવું છે. દર્શનમાં, કાવેરીને મળવા’. આ સાંભળીને સ્તબ્ધ બની ગયેલા તથાગતને કાવેરી મહિમાને મળવાની પોતાને પણ ઉત્કંઠા છે એવું જણાવતાં કહે છે, ‘જાણું છું મહિમાને અને તમને યે. સમજુ છું હું તંતુ એમ ન તૂટે. જરૂર પણ નથી.’ આમ, કાવેરીની સમજદારી સાથે, ઉર્ધ્વ સંબંધતંતુની સંતૃપ્તિમાં સ્પર્શક્ષમ રૂપે વાર્તા અંત પામે છે. તથાગત, કાવેરી અને મહિમા – ત્રણેય પાત્રોનું સુરેખ પાત્રચિત્રણ, પ્રથમ પુરુષ કથન કેન્દ્રમાં, ક્યાંક તથાગતના કથનરૂપે, એક-બે પત્રઅંશો રૂપે થયેલી વિષયવસ્તુની નજાકતભરી માવજત તથા મિષ્ટ લ્હેજાસભર બોલી આ રચનાને ઉજાળે છે. પ્રસન્ન દાંપત્યજીવનની વાર્તા ‘નિર્ણય’માં ઘર અને સામાજિક જીવનના મોટાભાગનાં કાર્યોમાં પત્નીને મુકાબલે અનિર્ણાયક રહેતો વાર્તાનાયક તથાસ્તુ પિતરાઈ ભાઈ ભાર્ગવના પુત્રના લગ્નમાં અવઢવ વચ્ચે ય તૈયાર થઈને પત્ની તિમિરા સાથે ગંતવ્ય સ્થાને જવા તો નીકળે છે, પરંતુ તેને અવઢવ છે કે તિમિરા રાજી છે કે કેમ? પરંતુ જેમ જેમ ગંતવ્ય સ્થાને પહોંચે છે તેમ તેમ એક તરફ લગ્નમાં જુદા જુદા વિધિ-વિધાનોમાં જોડાવાનો પત્ની તિમિરાનો ઉત્સાહ તો બીજી તરફ અતીતમાં સરકી પડેલા તથાસ્તુને પિતરાઈ ભાઈ ભાર્ગવને પુત્ર કરતાં ય વિશેષ સાચવીને ભણાવનાર બાપુજી અને બાપુજીના ક્ષણિક ગુસ્સાને કારણે રિસાઈને બાપુજી સાથે જીવનભર રિસામણાની આંટ રાખનાર ભાર્ગવનો સ્વભાવ યાદ આવે છે. ત્યારે રિક્ષામાં છેક તેના ઘેર પહોંચેલો તથાસ્તુ લગ્ન પ્રસંગમાંથી પાછા ફરવાનો નિર્ણય કરે છે ત્યારે તેનો નિર્ણય તિમિરાને પણ ગમી જાય છે. પિતાજીના માનસન્માનના પ્રશ્ને કશું ય સમાધાન ન સ્વીકારનાર તથાસ્તુનો નિર્ણય ભાવકને પણ સ્પર્શી જાય તેવો છે. વાર્તાની મુખ્ય ક્ષણ ભાર્ગવને ઘેર લગ્નપ્રસંગે જવાનો નિર્ણય લેવાની અને જવાની છે. પરંતુ સર્વજ્ઞ કથન અને પાત્રકથન રૂપે તથાસ્તુની અનિર્ણાયક મનોદશા અને તેમાં સહાયભૂત થતાં બા, તિમિરા અને મંથનના ખચિત પ્રસંગોની સ્મૃતિઓ વાર્તાગતિને બાધક બનતી અનુભવાય છે. ઘરરખ્ખું, વ્યવહારડાહી સ્ત્રી તરીકે તિમિરાનુ પાત્રચિત્ર પ્રભાવક બન્યું છે. ‘પૂછીશ મા’ વાર્તાનાયક મનકાએ અનુભવેલી માતૃભાવનાથી વિપરીત ત્રણ જુદી જુદી માતાઓના કટુઅનુભવો અને ભીતરના વલોપાતની વાર્તા છે. મનકો, રમલો અને ગોધ્યો – ત્રણેય ભેરુબંધ. ત્રણેયમાં રમલો સુરત ગ્યા પછી મનકો એકલવાયાપણું અનુભવતો, પરંતુ લાંબા સમય પછી રમલો ગામમાં આવ્યા પછી મનકો હળવોફૂલ થઈને તેની સાથે કૂકરી રમવા બેઠો છે, ત્યાં જ તળાવમાં ઢોરોને પાણી પીવડાવવા આવેલો ગોધ્યો રમલાની અપરણિત અવસ્થા માટે એલફેલ બોલે અને મનકાનો અંતરાત્મા કકળી ઊઠતાં તે ગોધ્યા સાથેના અણગમા તથા મા પ્રત્યેની નફરતનો મૂંઝારો મિત્ર સમક્ષ ઠાલવી દે છે. મનકો તેની ગોધ્યા વિષયક નફરત, જીવનની નૈરાશ્ય-કરુણામૂલક ઘટનાઓ રમલાને જણાવે છે તેમાં તેના માવિષયક ધિક્કાર, ઘૃણા અને અવમાનના ઘનીભૂતરૂપે અભિવ્યક્ત થાય છે. વાર્તા રમલાના મુખે અને મનકાના મુખે પણ વાર્તા કહેવાય છે એટલે કે બે પાત્રો અહીં વાર્તાના કથક છે, પરંતુ વાર્તામાં ક્યાંય સાંધો કે થીંગડા જેવું પ્રતીત થતું નથી તેમાં સર્જકની વાર્તાગૂંથણીની કુશળતા અનુભવાય છે. શરૂથી મધ્ય સુધી રમલો અને એમાંથી જ ખડો થતો મનકો માના વાસ્તવિક જુદા જુદા રૂપોને ભાવક સમક્ષ તાદૃશ કરે તેવી કથનરીતિ સાથે પાત્રની વિવશતા-કરુણતાને પ્રત્યક્ષ કરાવે તેવી બોલીની તાકાત પણ આ વાર્તાની વિશેષતા છે. વિષય ગમે તે હોય, પણ સર્જકની પાત્ર સાથેની આત્મીયતા કેવું નોખું પરિમાણ અર્પે તેના દૃષ્ટાંતરૂપે આ વાર્તા નોંધપાત્ર છે. ‘જલમટીપ’ વાર્તા પિતૃવાત્સલ્યને ય ઘેરી વળતી સ્ત્રીસંવેદના અને કરુણતાની વાર્તા છે. અહીં વાર્તાનાયક નટુ મેરાઈએ પત્ર દ્વારા જમાઈના આળસુ, વ્યસની સ્વભાવ અને દીકરીની સંસારકરુણતાના સમાચાર વાંચ્યા છે. એ જ દિવસે પડોશની સ્ત્રી ગોમતીનો વ્યસની પતિ તોફાને ચડે, અને ગોમતી પણ રણચંડી બને ત્યારે ત્યાં પહોંચી ગયેલા નટુ મેરાઈને તે બંનેને શાંત કરવાના પ્રયત્નોમાં, હૃદયના તાર ઝણઝણી ઊઠતાં બોલી પડાય છે, ‘ગોમી, મારી દીકરી, ખમૈયા કર્ય હવે. તું તારા આ અદાને બાપને ઠેકાણે ગણતી હો તો તારો આ બાપ, બે હાથ જોડીને ભીખ માંગે છે.’ અને ગોમતી ઠરી જાય છે, પરંતુ પોતાને ઠારવાના પ્રયત્નોમાં નિષ્ફળ નટુ મેરાઈ મિત્રો સમક્ષ કબૂલ કરે છે કે, ‘એની ખડકીથી મારી દુકાનને ઓટલે પોગતા મને થ્યું કે ગાઉ ગાઉનો થાકોડૉ મારી પિંડીયુમાં ઠાંસી ઠાંસીને ન લાવ્યો હોઉં?’ ...બસ, તયુનું સાસરવાણી મારી દીકરીનું ઓશિયાળું મોઢું આંખ્યુંથી એક ઘડીએ આઘું નથી ખસતું, સાચું માનશો? અહીં સ્ત્રીસંવેદના અને પિતૃવાત્સલ્યના ભાવોનું સાયુજ્ય અંતે તો નારી સંવેદનાના ભાવને જ ઘેરા રંગે ઘૂંટે છે. અહીં સર્વજ્ઞ કથક અને નટુ મેરાઈના પાત્ર મુખે તાદૃશ વાર્તાકથન થયું છે. વાર્તા કથનમાં કાઠિયાવાડી બોલીનો સાર્થક વિનિયોગ, સંનિધિકરણની પ્રયુક્તિ અને પરિવેશનો સાંકેતિક વિનિયોગ વાર્તાને કલાત્મકતા બક્ષે છે. ‘વઉ’ વાર્તા તેના અરૂઢ વિષયવસ્તુ અને માવજત બંનેની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ રચના છે. તેમાં પ્રાણીજગત અને માનવીય સંબંધો તથા કિશોર મિત્રોની નિખાલસ પ્રેમકરુણા અને મૈત્રીસંબંધોનું વિષયવસ્તુ નિરૂપાયું છે. આ વાર્તામાં પમલો, કાનિયો, રઘુ, કાળિયો જેવા કિશોર મિત્રોની ટોળકી છે, તો ટોળકીમાં રહીને સૌની હરકતોને સાક્ષીભાવે નિરખતો અને પામવા મથતો બાળવાર્તાકથક જનક પણ આ ટોળકીનો સાથી છે. આ સૌ કિશોર મિત્રોમાં ખાધેપીધે સુખી અને વ્યસની તથા મશ્કરા સ્વભાવનો પમલો બધાને ઊંધી રવાડીએ ચડાવી દે તેવો છે. પમલાના સ્વભાવને બરાબર જાણી ચૂકેલાં વાર્તાકથકનાં મોટી બા તેનાથી દૂર રહેવાનું કહે છે. ગામ ઉપર નભતો કાનિયો વાર્તાનો નાયક છે. નાનપણમાં તેની મા મરી ગઈ છે, વળી તેનો બાપ બીજી સ્ત્રી જોડે ભાગી ગયો છે. અનાથ કાનિયો ભલોભોળો છે, જે આખા ગામમાં કામ કરી આપે, અને જે ખાવાનું મળે તે ખાઈ લે છે. દયા ખાઈને ગામના સરપંચે તેને પાદરને ચબૂતરે પંખીઓને દાણા નાખવાનું અને પાણી પાવાનું કામ સોંપ્યું છે. કાનિયો ચબૂતરાની ઓરડીમાં જ રહે છે. પમલો ખૂબ મશ્કરી કરે તેને કાનિયો મૂંગા મોઢે સહન કરી લે છે. વળી કાનિયાને જનકના પિતાએ ભીખા પગી પાસેથી બકરી અપાવી છે તે તેની ચાકરી કરે છે. આ કિશોર ટોળકીને જનકના મોટીબા પાસે વાર્તા સાંભળવાની ટેવ પડી છે. કાનિયાને મોટીબા સાથે સારું બને છે. તે મોટી બાના પગ દબાવતા સાચોસાચ વાર્તા કહેવાની શરત મૂકે છે. કિશોર ટોળકી પણ વાર્તા સાંભળવા આવી જાય છે. મોટીબા શંકર પારવતીની, ખિસકોલી વઉવાળી વાર્તા સંભળાવે છે, જેમાં એક ડોસી સમક્ષ રાજકુંવર ખિસકોલી સાથે પરણવાની જિદ કરે છે, બંનેનાં લગ્ન થાય છે, રાજકુંવરને છ મહિના માટે બહાર જવાનું થાય છે, ખિસકોલી માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી રાજકુંવર પાણી પીવા માટે તેના ગળે કુલડી બાંધી આપી, તેને વાવમાંથી પાણી લાવવાનું સૂચન કરે, વાવમાંથી પાણી ભરતાં કુલડી ઊંધી વળી જાય અને પાણી માટે મથતી ખિસકોલીને એ જ વખતે આકાશમાર્ગે વિહરતાં પારવતીની તેના પર નજર પડતાં તેઓ દયા ખાઈ શિવજી સમક્ષ તેને સ્ત્રી બનાવી દેવાનું કહે. શિવજીના આશીર્વાદથી ખિસકોલી સુંદર સ્ત્રી બની જાય અને કુંવર, દાસ-દાસીઓ હરખ હરખ... વાર્તા સંભળાવ્યા પછી ભોળિયો કાનિયો મોટી બાને પૂછી બેસે છે કે, ‘હેં મોટી બા, આ વાત સાચી હશે?’ ત્યારે તેનો જવાબ આપતાં મોટી બા કહે છે, ‘તે તમને અમથી ઓછી કીધી હશે? શિવ-પારવતીનાં તપ જેણે કર્યાં, ઈ સૌને ફળ્યાં’ અને ભોળા મનના કાનિયાના મનમાં ઠસી પણ જાય છે. વાર્તા સાંભળ્યા પછી ઘણા દિવસ સુધી કાનિયો દેખાતો નથી ત્યારે રાત્રે ગામના ખળાવાડમાં ભેગા થયેલા મિત્રો કાનિયાની ઓરડીએ પહોંચે છે. એ જ સમયે બંધ ઓરડીમાંથી કાનિયાના શબ્દો સંભળાય છે, ‘સખણી રે બકરીવઉ’ – અને પમલો જાળિયામાં ડોકું તાણીને જુએ છે તો ઓરડીનું દૃશ્ય જોઈને પમલાથી ‘ફૂંહ’ દેતાં જ હસી પડાય છે. અને મિત્રમંડળી ત્યાંથી હસતાં હસતાં ભાગી છૂટે છે. બીજા દિવસની સાંજે કાનિયો બકરી ચારીને આવતો હોય છે અને મશ્કરો પમલો તેને પૂછે છે, ‘કઈ દીમના જઈ આવ્યાં, કાનભાય, બેય, મારી ભાભી ને તમે?’ અને ક્ષોભીલો પડી ગયેલો કાનિયો કોઈની યે સામું જોયા વગર ચબૂતરા ભણી ચાલી નીકળે છે અને ગુમ થઈ જાય છે. એ પ્રસંગ પછી પોતાનાથી મોટું પાતક થઈ ગયું એમ સ્વીકારતો પમલો અને મિત્રમંડળી પ્રેમ અને કરુણાથી પમલાને શોધે છે, નિરાશ થાય છે ત્યારે પમલો બાળ કથાનાયકનું બાવડું ઝાલીને કહે છે, ‘હાલ્ય તારી મોટી બાને પૂછવી, શિવ પારવતી કાનાની બકરી પર ત્રૂઠવાન નો થાય?’ ગામ છોડી ગયેલા કાનિયાની શોધથી આરંભ પામતી આ વાર્તા કિશોરમંડળીની કાનિયાની શોધને અંતે પમલા અને મિત્રમંડળીના કાનિયા માટેના શુભ ઇરાદા, પશ્ચાત્તાપ અને પ્રેમ કરુણાથી નિર્દોષ મૈત્રીનું ભાવવર્તુળ પૂરું કરે છે. સમગ્ર વાર્તા બાળકથક જનકના બાળસહજ માનસ સાથે લોકબોલીના લહેકા-લહેજામાં પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં કહેવાય છે. લોકબોલીના શબ્દો, વાક્યો અને કહેવતોના વિનિયોગથી તંતોતંત, જીવંત લોકજીવન અને પરિવેશ ખડો થયો છે. વાર્તામાં વાર્તાનો પ્રયોગ પશુ સાથેના મનુષ્યના શારીરિક સંબંધોને અર્થઘન રૂપે મૂકી આપે છે. મોટીબા, પમલો અને કાનિયાના પાત્રચિત્રો પણ સરસ ઉપસ્યાં છે, જે અંતે તો વાર્તાના ભાવતંતુને સાકાર કરવામાં સફળ થાય છે. આમ, નવ્ય વિષયવસ્તુ, સુરેખ પાત્રચિત્રણ, કથનરીતિ, પરિવેશ અને બોલી – વાર્તાનાં દરેક પાસાંની સરસ માવજતને કારણે ‘વઉ’ ઉત્કૃષ્ટ અને યાદગાર વાર્તા બની રહે છે. ‘ડાઘ’માં વાર્તાનાયક વિનીતના અપરાધભાવને ઓથે તેની સત્યપ્રિયતા તથા આંતરસચ્ચાઈનું રુચિપૂર્ણ નિરૂપણ થયું છે. વિનીત અને સત્યાના સગપણ વખતે વિનીતના ફુવાએ ‘સત્યાની સાથળમાં ડાઘ છે’ – એવી આશંકા વ્યક્ત કરીને સગાઈમાં વ્યધાન ખડું કરેલું. આમ, છતાં વિનીતના ગરિમાપૂર્ણ વર્તનને લીધે તે બંનેનું સગપણ નક્કી થાય છે. દરમ્યાનમાં એવી કોઈ ક્ષણે અકસ્માતે વિનીત તેની બાળસખી કુમી સાથે શારીરિક સંબંધ બાંધી બેસતાં, અપરાધભાવથી પીડાય છે અને સત્યાને છૂટી થવાની મોકળાશ આપે છે. પરંતુ વાર્તાને અંતે સત્યાના આગમનના અણસારે અદમ્ય ઉત્સાહ અનુભવે છે. વિનીત અને સત્યા – બંને પાત્રોની સમજદારીને કારણે વાર્તા સ્વાભાવિક અને સુખાંત બની છે. સર્વજ્ઞ કથનકેન્દ્ર અને વિનીતના પાત્રમુખે કથન તથા ડાયરીની પ્રયુક્તિને કારણે સરસ વસ્તુગૂંથણી થઈ છે. વિનીતની ડાયરીરૂપે તેના સત્યા સાથેના સગપણ, અકસ્માતે થયેલા શારીરિક સ્ખલન તથા અપરાધભાવનું તાદૃશ નિરૂપણ પાત્રની આંતર સચ્ચાઈને સચોટ પ્રગટ કરે છે. નદી અને વાડીનો પરિવેશ પણ રમ્ય, પાત્રસંવાદની બોલી પણ આસ્વાદ્યરૂપે પ્રગટી છે. ‘એવું નથી કે...’ ત્રણ પાત્રોને મુખે કહેવાયેલી વિશિષ્ટ કથનરીતિની વાર્તા છે. પાત્રના હૃદયસ્થ પ્રણયભાવને આંતર-બાહ્ય વાસ્તવિકતા સાથે ઉજાગર કરતી આ વાર્તામાં અનન્યાના પાત્રની ખૂબી એ છે કે તે બીજા પાત્રોના જીવનમાં ગૂંચ ઊભી કરે છે, અને પાત્રો અટવાય ત્યારે પોતે જ દુઃખી થઈને ગૂંચ ઉકેલવામાં લાગી જાય છે. અને ઉકેલીને રાહતનો શ્વાસ લે છે. અનન્યાના પાત્રની આ ખૂબીને લીધે વાર્તામાં અપરા અને વિહંગના દાંપત્યજીવનમાં સર્જાતી ગૂંચ અને એ ઉકેલવા અનન્યાએ કરેલા પ્રપંચનો વાર્તાના અંતનો અંશ ભાવકને મોજ કરાવે તેવો છે. તો વાર્તાના પ્રારંભની વધુ પડતી કાવ્યમય ભાષા ખૂંચે છે. આ ઉપરાંત ‘રઢ’ અને ‘આ સિવાયની પણ એક વાત’ જેવી રચનાઓ સાધારણ કક્ષાની બની રહે છે આમ, ‘ગજવામાં ગામ’ અને ‘નાતો’ – આ બંને સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થયા પછી કહી શકાય કે, સર્જક મનોહર ત્રિવેદીનું લક્ષ્ય મહદ્‌અંશે ગ્રામાભિમુખ રહ્યું છે. તેમણે ગ્રામ્યજીવનને જે રીતે જોયું-જાણ્યું-અનુભવ્યું ને આત્મસાત્‌ કર્યું છે તેને અદ્દલ ખડું કરવામાં તેમણે પૂરી તન્મયતાથી સર્જનશક્તિને કામે લગાડી છે. અને તેઓ તેમાં મહદ્‌અંશે સફળ રહ્યા છે. ગ્રામ્ય સંસ્કારો, ભાવના, સમસ્યાઓ, સંબંધો, નૈતિક-અનૈતિક ખ્યાલો, વાત્સલ્ય-મમતા-સમજદારી, સહૃદયતા, ગ્રામ્યજીવનની કઠોર અને કડવી વાસ્તવિકતા પાત્રમાનસ સમેત જીવંત પરિવેશમાં તાદૃશ કર્યા છે. સર્જકનો કૅમેરો સતત પાત્રની બાહ્ય-ભીતરની ક્રિયાઓ પર ફરતો રહે – એમાંથી જ સંવેદન જન્મે, ને ઘૂંટાય. ક્યાંક પાત્રની જીવનસમજ પણ વાર્તામાં વિશેષ પરિમાણ ખડું કરે, તેમાં વાર્તાભાષા પણ કહ્યાગરી બની રહે છે. સહજ ઉદ્‌ગાર સમેત ભાવ-લય-કાકુસભર બોલી આ વાર્તાઓનો આગવો વિશેષ બની રહે છે. વાર્તાઓનું શૈલીવૈવિધ્ય પણ અસરકારક બન્યું છે. વિષયવસ્તુની પ્રસ્તુતિ માટે સર્જકે પોતિકી સૂઝથી યોજેલી સર્વજ્ઞકથન, કથકકથન કે પાત્રમુખે કથન, સાક્ષીકથન, ક્યાંક વિવિધ કથનરીતિઓના સમન્વયરૂપ કે ભાષાના જુદા જ ટોનથી થતું વાર્તાકથન, ત્રણ કથક રૂપે વાર્તાકથન, વાર્તામાં વાર્તા – જેવા કથનરીતિના પ્રયોગો મોટા ભાગની વાર્તાઓમાં કાર્યસાધક બન્યા છે. શિષ્ટ ભાષાની વાર્તાઓ બન્ને સંગ્રહમાં ઓછી, પણ કહેવું જોઈએ કે મનોહર ત્રિવેદી બોલીપ્રયોગની વાર્તાઓમાં વધુ સફળ થતા અનુભવાય છે.

ડૉ. પ્રભુદાસ પટેલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ
શેઠ શ્રી બી. સી. શાહ આટ્‌ર્સ કૉલેજ, વડાલી
વાર્તાકાર, લઘુકથાકાર, વિવેચક, સંશોધક
મો. ૭૬૦૦૯ ૪૬૦૪૪
Email : prabhudas410@gmail.com