ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મફત ઓઝા
મફત ઓઝા
મનીષ સોલંકી
વાર્તાકારનો પરિચય :
‘માણસ ઘેલા માનવી એટલે મફત ઓઝા’ એવી નામના મેળવનાર ડૉ. મફત ઓઝાનું નામ ગુજરાતી સાહિત્યનાં ભાવકના હૈયે અને હોઠે છે અને રહેશે. ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના જામળા ગામે ૧ માર્ચ ૧૯૪૪માં જન્મ, પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામમાં, માધ્યમિક શિક્ષણ શેઢા પાડોશી ગામ સોજાની એચ.એમ. હાઈસ્કૂલમાં, તેઓએ ઈ. સ. ૧૯૬૨માં મેટ્રિક, ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ, ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે એમ.એ., ૧૯૭૮માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ વિષય સાથે પીએચ.ડી.નો અભ્યાસ કરી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અમદાવાદની સરસપુર આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી મેળવી. તેમજ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક, પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં અધ્યાપક. મફતભાઈ સાહિત્ય, સાહિત્યકાર અને અધિકારી ભાવકને સાંકળવા માટે ૧૯૮૬ના ઑગસ્ટ માસથી ‘તદર્થ્ય’ નામનું સામયિક શરૂ કર્યું. પછીથી ‘તદર્થ્ય’નું નામ બદલી ‘તાદર્થ્ય’ શીર્ષક આપ્યું. વડોદરામાં ‘અક્ષરા’ નામની સાહિત્યિક સંસ્થા શરૂ કરી. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી બોર્ડના સલાહકાર અને સભ્ય પણ રહી ચૂક્યા. ઈ. સ. ૧૯૯૧થી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં (GPSC)ના સભ્ય તરીકે સ્થાન મેળવ્યું. ૧૯૯૬ સુધી એ જ સમયગાળા દરમિયાન એઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ગુજરાતી વિષયના સલાહકાર રહ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણના સભ્ય તરીકે કાર્યરત રહ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદમાં મધ્યસ્થ સમિતિના કન્વીનર તેમજ ‘જનસત્તા’, ‘લોકસત્તા’, ‘સંદેશ’માં શિક્ષણ, સમાજ અને સાહિત્યને સ્પર્શતી કોલમો દ્વારા સમાજઘડતર અને શિક્ષણઘડતરનું કાર્ય કર્યું. ‘ગુજરાત સમાચાર’માં તેઓએ ‘ક્ષિતિજનાં મૃગજળ’ અને ‘શ્રી’ નામના સ્ત્રીવિષયક સામયિકમાં ‘અશ્રુવન’ નામે કોલમ લખતા. તા. ૨૮ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ તેમનું દેહાવસાન થયું.
સાહિત્યસર્જન :
મફતભાઈ ઓઝાની સાધના યોગી જેવી સ્થિતિની ગણી શકાય. સાહિત્યનો શબ્દ સાધના માગી લે છે. સાહિત્યકાર શબ્દબ્રહ્મને પામવા માટે ધૂની બની અવિરત વહેતી માનવગંગામાં પોતાની જાતને ઓતપ્રોત કરી વહેવડાવી દે છે. તેમનો શબ્દપ્રેમ અંત સુધી અવિરતરૂપે વહ્યો. એમની શબ્દયાત્રા, સાહિત્યયાત્રાનો પરિચય મેળવીએ : ટૂંકીવાર્તા : ‘કાચના મહેલની રાણી’ (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૬), ‘આસમાની રંગનો ટુકડો’ (૧૯૮૮), ‘અશ્રુવન-૧’ (૧૯૯૧), ‘ક્ષિતિજનાં મૃગજળ’ (૧૯૯૫). કાવ્યસર્જન : ‘ધુમ્મસનું આ નગર’ (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ’ (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન’ (૧૯૮૪), ‘અકબંધ’ (૧૯૯૧), ‘ફૂલોનો પવનરથ’ (૧૯૯૫), ‘ઝાકળ ઝીલ્યું આભ’ (૧૯૯૬). નવલકથા : ‘ઘૂઘવતા સાગરનાં મૌન’ (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ’, ‘ચિતા જલે ચિતવનમાં’ (૧૯૭૫), ‘પથ્થરની કાયા, આંસુનાં દર્પણ’ (૧૯૭૬), ‘સપના બધાં મજાનાં’ (૧૯૭૭), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (૧૯૮૧), ‘સાતમો પુરુષ’ (૧૯૮૨), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (૧૯૮૪), ‘સોનેરી સપનાંની રાખ’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘શહેર વચ્ચે લોહીની નદી’ (૧૯૮૫), ‘જાતર’ (૧૯૮૭), ‘આસો સુદ આઠમ’ (૧૯૯૧), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (૧૯૯૫), ‘અમે તો તરસ્યા સાજન’ (૧૯૯૫), ‘દ્વીપકલ્પ’ (૧૯૯૬). નાટક (એકાંકી સર્જન) : ‘લીલા પીળાં જ્વાળામુખી’ (૧૯૭૮), ‘મુખ્યમંત્રીનો માણસ’ (૧૯૭૬). નિબંધ સર્જન-ચિંતન : ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૭૮), ‘જાનામિ ધર્મમ્’ (૧૯૯૦). લલિત : ‘માટીમાં ખીલેલાં મેઘધનુષ્ય’ (૧૯૯૨), ‘પળનાં પ્રતિબિંબ પળમાં’ (૧૯૯૬), ‘પ્રતિબિંબ અને પડઘા’ (૧૯૯૬), ‘તેજરેખાના તણખા’ (૧૯૯૭). વિવેચન : ‘ઉન્નતભ્રૂ’ (૧૯૭૫), ‘કાવ્યનું શિલ્પ’ (૧૯૭૬), ‘ઉદ્ઘોષ’ (૧૯૭૭), ‘ઉન્મિતિ’ (૧૯૭૮), ‘રાવજી પટેલ’ (૧૯૮૧), ‘સંવૃત્તિ’ (૧૯૮૫), ‘પર્યાય’ (૧૯૮૯), ‘કૃતિનિષ્ઠ વિવેચન’ (૧૯૯૦), ‘વિવેચનનો પડકાર’ (૧૯૯૩). સંપાદન-સહસંપાદન : ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય’ (કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ અને વિવેચન), ‘ભારતીય પ્રતિનિધિવાર્તાઓ’, ‘વિશ્વની આધુનિક વાર્તાઓ’, ‘નોબેલ નવલ વિશેષ’, ‘વિશ્વ સર્જક સંવાદ’, ‘સર્જનને પચાસમે પુષ્કર ચંદરવાકર’, ‘પ્રેમાનંદકૃત આખ્યાનોનું સંપાદન (નળાખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું)’. સહસંપાદન : ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ અને શબ્દયોગ’ (૧૯૭૩), ‘પ્રયોગશીલ ટૂંકીવાર્તા’ (૧૯૮૬), ‘એકોક્તિ સંચય’ (૧૯૮૬), ‘નાટ્યચર્ચા’, ‘ઉમાશંકર જોશીની સર્જકપ્રતિભા’, ‘સુન્દરમ્ સર્જકપ્રતિભા’, ‘ચંદ્રવદન મહેતા સર્જકપ્રતિભા’. મફત ઓઝા દ્વારા સર્જાયેલું સાહિત્ય વિશાળ સંદર્ભો ધરાવે છે. કોઈપણ સર્જક દ્વારા રચાયેલા શબ્દ સમયના પ્રવાહમાં કદીયે લુપ્ત થતા નથી. જો સર્જકમાં સત્ત્વ હોય તો એ હજારો વર્ષો પછી પણ તેના પર કાળનો કાટ ચડતો નથી. એ શબ્દ ઝળહળી ઊઠે છે. આથી તેમનું સાહિત્ય વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમોમાં માનભેર સ્થાન પામેલું છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર મફત ઓઝા આધુનિકયુગના સર્જક છે. સન ૧૯૭૪માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહથી લઈને સન ૧૯૯૫નાં અંતિમ વાર્તાસંગ્રહ સુધીનો વાર્તાસર્જનકાળ જોઈએ તો ૨૦ જેટલાં વર્ષો થાય. સુરેશ જોષી દ્વારા અસ્તિત્વમાં આવેલા આધુનિક વાર્તાકારોમાં મધુ રાય, ઘનશ્યામ દેસાઈ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યું, જ્યોતિષ જાની, સુમન શાહ વગેરે સર્જકોએ વાર્તાલેખન કર્યું, એમાંના એક હતા મફત ઓઝા. તેમની મોટાભાગની વાર્તાઓ આધુનિક કળા સ્વરૂપમાં લખાઈ છે. તેઓ વાર્તાસર્જન માટે એક ઘટના પસંદ કરે છે, પરંતુ આધુનિક વાર્તાલેખનનો સ્પર્શ પામ્યા હોવાથી આછેરી ઘટનાને સહારે જ નિરૂપણ કરે છે. મનોવૈજ્ઞાનિક કથન-વર્ણન દ્વારા વિવિધ ભાવસંદર્ભો રચી આપે છે. વિવિધ પાત્રો દ્વારા સમાજનું આલેખન કરતાં તેઓ વ્યંગ અને ઉપહાસભરી રીતિનો આશરો લે છે. શીર્ષક પરથી પ્રયોગશીલતા નજરે પડે છે. એક બાજુ ધૂમકેતુની ભાવનાશીલતા તો બીજી બાજુ સુરેશ જોષી પરંપરાની કલાત્મકતા એમની વાર્તાઓનાં મુખ્ય લક્ષણો રહ્યાં છે. માનવ સંયોગોની વિષમતાના આલેખનમાં પાત્રોના આંતરિક વિશ્વને તેમજ તેની આસપાસની બાહ્ય વાસ્તવિકતાને જુદા જુદા સ્તરેથી અને જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂ કર્યાં છે.
‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહનો પરિચય :
મફત ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. અહીં ‘સો...૯૯, ઝીરો’થી લઈને ‘અવસાન’ સુધી કુલ તેત્રીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. આમાંની મોટાભાગની વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ બધી વાર્તાઓમાં ફેન્ટસી છે. સ્વપ્નમાં ફૂટેલી, ફૂલોમાં ગૂંથેલીને માના ખોળામાં સૂઈને સાંભળેલી વાતોનો નિષ્કર્ષ છે. કલ્પનાની દુનિયામાં વાસ્તવનો પડછાયો કેવો ભાસે છે એની વાતો છે. સર્જકને વાર્તા સંસ્કાર તો શૈશવમાં માના ખોળામાંથી સાંપડ્યા છે, એ એમની વાર્તાઓ વાંચતાં જણાઈ આવે છે. ‘લાલા બંગલો અને પ્રો. કાદરીવાલા’માં પત્ની ચંદા અને પુત્રી ચાંદનીની વેદના અહીં ડોકાય છે. જ્યારે ‘ચુંદડી’ વાર્તા ‘હે ભગવાન! પ્રદીપનું બધું દુઃખ મને આપ’માં સમાય જાય છે. ‘એક છોકરીની મુલાકાત’માં સ્વપ્નમાં છોકરી આવે છે તેની આજુબાજુ વાર્તા રચાય છે. ‘રઘો ભૂત થયો’ વિશિષ્ટ વાર્તા છે, રઘાનું પાત્ર ચરિત્ર બનીને વિદ્રોહનું પ્રતીક થઈને વિસ્તર્યું છે. ‘ખેતરે બાંધ્યા કૂબા’માં બાપ સામે વિદ્રોહ કરી મેઘાને પરણતી રમઝુની કરુણ કથની રજૂ થઈ છે. જ્યારે ‘તીને જોયા કરીશ’ વાર્તામાં બાળપણની વીસ વર્ષ પહેલાંની સ્મરણ કથા રજૂ થઈ છે. જેમાં શૈશવના સ્મરણો ‘ફ્લેશબૅક’ રૂપે રજૂ થાય છે. ‘ગામને પાદર’ પરભાની કથા છે. મૂઆ બાપને ગાળ દેતાં ઉશ્કેરાયેલો પરભો શેઠાણીને બચકું ભરે છે. અંતે પોતાના જ માથામાં ઈંટ મારી શેઠનું ઘર, ગામ ત્યજી દે છે. ‘બસસ્ટેન્ડ’ વાર્તામાં મમ્મી વગરની શોભા અને પપ્પા વગરની હીરા... બસસ્ટેન્ડ પાસે ઊભા રહી વાતો કરે છે. ત્યારે તેમની નિર્દોષ વાણીમાંથી વાર્તા ગૂંથાતી જાય છે. ‘રાત એક વાતની’ શૈશવનાં સ્મરણોની કથા છે. એમાં કુટેવોના રસ્તે ગયેલા પૌત્રની સ્વગતોક્તિ છે. ‘અદ્વૈત શમણાંની કૂંપળો’ એક યુવતીના સપનાની વાત છે. જેમાં ભૂતકાળમાં જોયેલી કન્યા પ્રત્યે તરંગમાળા રજૂ કરી છે. ‘રતન નાસી ગઈ’ વાર્તા એક પતિની વ્યથા-કથા છે. રતન કેમ નાસી ગઈ? એ પાછળ પતિની ક્રૂરતા જવાબદાર છે. ‘જુમ્મા બેટી’માં માણસ એકલો જીવી શકતો નથી. જુમ્મા બેટીને સાસરે વળાવ્યા પછી અકબરઅલી સાવ એકલો પડી જાય છે. ઉદાસ અકબરઅલીએ એક બકરી પાળી, નામ રાખ્યું ‘જુમ્મા બેટી’. અકબરઅલીનો જુમ્માબેટી પ્રત્યેનો પ્રેમ સ્ફટિક થઈને વહે છે. સ્વાર્થી જમાઈનો સ્વાર્થ સધાતો નથી. ‘એક કપ કૉફી’ વિશિષ્ટ વાર્તા પ્રકારની વાર્તા છે. તેમાં કીડી પાડાની પોળમાં ત્રીજા માળની બારીમાં ડોકાતી યુવતીને જોઈ લેખકને શું થાય છે? તેની કથા છે. ‘ભૂતિયો આરો’ વાર્તામાં નાનજી ડોસાના દમજીની વાત છે. સમુના પ્રેમમાં પડીને તે અવળા માર્ગે ગયો એમ ગામ લોક સમજ્યા. પરંતુ વાત જુદી હતી. દમજી જેને પ્રેમ માનતો ગયો એ તો સમુ તરફથી વહાલ હતું. દમજી અવળું સમજી પાગલ થયો. ‘અલકા બકરી અને ચહેરો’ વાર્તામાં અલકાની વાત છે. રેલવેના વાયરમેન કિશોરને પરણ્યા પછી કોઈ કારણસર જતો રહ્યો. તેથી રાહ જોતી અલકાની વ્યથાકથા અહીં મુકાઈ છે. ‘પ્લેટફોર્મ નંબર સાત’ વિશિષ્ટ વાર્તા છે. પૃથ્વી એક વિશાળ પ્લેટફોર્મ છે. જીવનનું સત્ય અને સત્યનો ભ્રમ જ વાર્તાના કેન્દ્રમાં નિહિત છે. ‘હું પપ્પુ ટકોરાનો બાપ’ વાર્તામાં પપ્પુના વિચારો કરતા નાયક દેવો પપ્પુમય થઈ જાય છે, એની ઝાંખી કરાવી છે. સાયકોલોજીકલ વાર્તામાં લેખકે પ્રવાહી ગતિએ કથન કર્યું છે. ‘કંકુના થાપા’ વાર્તા એક બાપની હૈયાવરાળ છે. ‘ઘરમાં સરુ છે’ની માન્યતાથી ગામવાળા મનોરદા પાસેથી ઘર આંચકી લેવા માગે છે. મનોરદા પોતાની પુત્રીના થાપાવાળું ઘર વેચતા નથી. ‘કાળા નાગના લીલા લીસોટા’માં વાસનાના ખેલનું દૃશ્યાંકન છે. આ વાર્તામાં નાગ વાસનાના પ્રતીક બનીને આવે છે. ‘અતીત’ વાર્તામાં ‘ફ્લેશબૅક’માં કથા ચાલે છે. ‘સો મણનો રૂપિયો’ કંડક્ટર અને પેસેન્જરની એક ઘટનાની વાર્તા છે. ‘હું વીલા અને વાવ’ વાર્તામાં પ્રોફેસર અને શિક્ષિકા વીલા વચ્ચેની પ્રેમકહાણી આલેખી છે. પ્રોફેસરથી ગર્ભવતી થયેલી વીલા વાવમાં ભૂસકો મારે છે. જેમાં કરુણ વાર્તારસ કેન્દ્રમાં છે. ‘મને ઝેર આપો’ વાર્તામાં નાયકની પત્ની અલકા યુવરાજ સાથે નાસી જાય છે. ત્યારે નાયક કહે છે ‘મને ઝેર આપો પ્રગતિ આવવાની નથી’ ‘એન ઘેન દીવાઘેન’ વાર્તા શૈશવસ્મરણ કથા છે. ચંદનનાં લગ્ન થતાં તખુભાના જીવનમાં અંધકાર છવાયો તેનું આલેખન કરે છે. ‘સ્લો ફાસ્ટ સીલીંગ ફેન’ તરંગમાળા રચાયેલી વાર્તા છે. તેમાં વાર્તાનાયક પંખાને જોઈ સ્મરણમાં સરી પડે છે. જ્યારે ‘કાચના મહેલની રાણી’ વાર્તામાં નગરના ભાર નીચે ચગદાઈ ગયેલા નાયકનું કથન છે. કથાનકને ખાસ વળાંકો આપવામાં આવ્યા નથી. માત્ર આધુનિકતાનો પડછાયો અહીં રમી રહે છે. ‘તતઃપ્રવિશતિ’માં કૃષ્ણનો ભાસ થતો લાગે છે. આ વાર્તાસંગ્રહની છેલ્લી વાર્તા ‘અવસાન’માં સ્વકેન્દ્રી કથનોથી શરૂ થતી, આ વાર્તામાં વસિયતનામાની ઝલક દેખાય છે.
મફત ઓઝાની વાર્તાકલા :
મફત ઓઝાના આ પ્રથમ વાર્તાસંગ્રહના કથાનકોમાં સ્પષ્ટ રીતે સુરેશ જોષીની છાપ વર્તાય છે. કથાનકોની દૃષ્ટિએ વિવિધતા નજરે પડે છે. કથાનકમાં સંવેદનને ઘૂંટવાની કે વિચારને ઘટ્ટ બનાવવાની સહજ વૃત્તિ તરત જણાઈ આવે છે. કથાનકને તરંગમાળમાં વહાવીને કથાના પ્રવાહને ફેન્ટસીની કક્ષાએ વિકસાવે છે. પાત્રનિરૂપણ કરવામાં લેખકે બાહ્યસ્તર કરતાં સૂક્ષ્મ સ્તરને વધુ ધ્યાનમાં લીધું છે અને એમાંથી જ વાર્તાને ઘડી છે. વાર્તાસંગ્રહનું નિદર્શન કરતાં અહીં ઘણી બધી વાર્તાઓમાં વર્ણનકલા, સંવાદકલા અને વાતાવરણ નિર્મિતિની સફળતા નજરે પડે છે. સર્જનાત્મક વર્ણનો દ્વારા પાત્રપ્રવેશ, કથાપ્રવેશ કે લક્ષ્યવેદ્ય થતો દેખાય છે. કાવ્યાત્મક વર્ણનોને કારણે વાર્તાઓમાં લાલિત્યનો અનુભવ થાય છે. તિર્યકતા, સૂચકતા અને વ્યંજકતા અહીં ભારોભાર પડેલી જણાય છે. તીવ્ર સંવેદના અને ઊંડી વેદનાનો અનુભવ ભાવકને વાર્તાના અંત સુધી લઈ આવે છે. એમની વાર્તાઓમાં દામ્પત્યજીવનનું, શોષણનું, શૈશવનું, ક્રૂરતાનું, જિજીવિષાનું, મૃત્યુનું વાતાવરણ ઊભું કરવા સંવાદોને લેખે લગાડ્યા છે. તેમની વાર્તાઓમાં ઘ્રાણકલ્પન, શ્રુતકલ્પન અને સ્પર્શકલ્પન કથાનકને સુપેરે પરિણામવાચક બનાવે છે. રૉમેન્ટિક શૈલીનું ગદ્ય નિપજાવવામાં તેમની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠે છે. ગદ્યશૈલીનું ઘડતર કરવા માટે સર્જકે મોટેભાગે ટૂંકા વાક્યો પસંદ કર્યાં છે. તેમની ભાષાશૈલી આક્રમક છે, જોસ્સાવાળી છે. પ્રતીકવાદી વાર્તાની પરંપરામાં સુરેશ જોષી પછી અનેક વાર્તાકારોએ જે પગરણ માંડ્યાં તેમાં આ સર્જકે પૂરી નિસ્બતથી કાર્ય કર્યું છે. આ સંગ્રહની ઘણી વાર્તાઓ પ્રતીકાત્મક છે. આમ, મફત ઓઝાનો ‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહ એક સાથે અનેક સર્જકતાનો પ્રતિનિધિરૂપ વાર્તાસંગ્રહ છે.
મફત ઓઝાની વાર્તા વિશે વિવેચક :
‘શ્રી મફતભાઈએ સાતમા, આઠમા દાયકામાં પ્રતિષ્ઠિત હતી તે અને નવી વાર્તારચનાકળાને પોતાની કૃતિઓમાં સફળતાપૂર્વક આકાર આપ્યો છે.’ – મોહનલાલ પટેલ.
સંદર્ભસૂચિ :
(૧) ‘તાર્દથ્ય’, મોહનલાલ પટેલ, ડિસે. ૯૮
(૨) ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ (આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો), ધીરુભાઈ ઠાકર, ગુર્જર પ્રકાશન, ૨૦૧૯.
મનીષ સોલંકી
શોધછાત્ર,
ભાવનગર
મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩
‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૬) : મફત ઓઝા
મનીષ સોલંકી
‘તડકામાં ઓગળતો સૂર્ય’નો પરિચય :
‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહ પ્રગટ થયા બાદ બાર વર્ષે તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘તડકામાં ઓગળતો સૂર્ય’ પ્રગટ થયો. આ સંગ્રહમાં ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’થી અંતિમ વાર્તા ‘એક્ઝોરા અને હું...’ એમ કુલ ત્રેવીસ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકદમ ટૂંકી પ્રસ્તાવનાથી પ્રગટ થયેલો આ વાર્તાસંગ્રહ આધુનિક રચનારીતિથી રચાયેલી વાર્તાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ૨૧૬ પૃષ્ઠોમાં વિસ્તરેલા આ વાર્તાસંગ્રહમાં એકથી એક ચડિયાતી કલાત્મક વાર્તાઓ આલેખાયેલી છે. મફત ઓઝા આધુનિક વાર્તાકાર હોવાથી તેમનામાં કથાનક બાબતે ઘટનાહ્રાસ બાબત મહત્ત્વની બને છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ શીર્ષક પરથી વાર્તાઓનો મિજાજ પરખાઈ જાય છે. વાર્તાકળાના તડકામાં, ઘટનામાં, ઓગળતો સૂર્ય એમની પ્રથમ વાર્તામાં જ જણાય છે. આછેરી ઘટનાને સહારે જ નિરૂપણ કરવામાં આવ્યું છે. વસ્તુસંકલનાની વિશિષ્ટ પદ્ધતિમાં ભાતીગળ જીવન, શહેરીજીવન, અસ્તિત્વ, સંઘર્ષ, ભૂતકાળ, સ્મરણ, ફ્લેશબૅક અને કપોળકલ્પિતતા વગેરે મહત્ત્વનાં છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાસંગ્રહમાં મોટાભાગનાં પાત્રો જિંદગીની વિટંબણાઓ અને ક્ષણભંગુરતા વચ્ચે જીવે છે. સંવેદના અને વેદનાના ટુકડા ભેગા કરીને અહીં સર્જકે પાત્રનો આકાર ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. સંવાદો દ્વારા તેઓ પાત્રની છબિ પ્રગટ કરે છે ‘યમાતારાજભાનસલગા’ વાર્તામાં – ‘તળિયે ડૂબી-શ્વસે છે એના શ્વાસ જોયા છે કોઈએ?’ ‘કદી તમે તમારી જાતને ખોદી છે ખરી’, ‘હવે હું નથી ઢૂંવો છું ઢૂંવો’, ‘લાવો બીડી દઉં મારા વર્ષોને’ વગેરે. આ ઉપરાંત ચરિત્રાલેખન કરતાં ‘અશ્વકથા’માં જાતિયતાનું, ‘વિષાદગતિ’માં યાદોમાં સરી પડતા નાયકનું, ‘બંગલા તેજ ટુકડા કિમામ’માં યૌવન દર્શનનું, ‘માછલીઘર’માં ગૃહસ્થીનું, ‘અગિયાર માળનો ક’માં જાગૃત નાગરિકનું પાત્રાલેખન કરીને ચરિત્રોને ન્યાય અપાયો છે. તેમની વર્ણનકળાનાં સહજ વર્ણનો સરળ અને કથાનકને પ્રગટ કરનારાં છે. ભલે તેમાં કપોળકલ્પિતનું તત્ત્વ હોય પણ વાર્તાસંદર્ભે, પાત્રસંદર્ભે, તે વર્ણનો ઉપકારક નીવડે છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાનું આ વર્ણન કેટલું તાદૃશ્ય છે : ‘લાકડીને ટેકે ટેકે વર્ષો આવીને બેસે છે. ત્યારે એની ઝાંખપ ગઈ છે. ઝીણી-ઝીણી કરચલીઓ કાયા પર પથરાય ગઈ છે. દાબડીમાં છીંકણી શોધે છે. આંગળીઓને ઝાંખું ઝાંખું લાગે છે. બધું છાપરું આછા વાદળ જેવું લીમડી પડછાયા જેવી ને તડકો આછો પાતળો’ (પૃ. ૩૮). સ્થળવર્ણન, ભાવવર્ણન, પાત્રવર્ણન જેવા મહત્ત્વના મુદ્દાઓમાં લેખકની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠે છે. એવી જ રીતે વાર્તાના આકારમાં તેઓ મહત્ત્વની સૂઝ કેળવે છે. એમના સંવાદોમાં જેટલી સંદિગ્ધતા છે, તેટલી સહજતા છે. ઘરેલું સંવાદોમાં તેઓ વ્યવહારુતા જાળવે છે. પતિ-પત્ની વચ્ચેના સંવાદો ઘણી બધી વાર્તાઓમાં છે. પતિ-પત્ની વચ્ચે થતી નોકઝોક, દામ્પત્યજીવનની મધુર-કડવી ક્ષણો, સંવાદ-વિસંવાદ તેમણે કલાત્મક રીતે ઝીલ્યા છે. લૌકિકતામાંથી અલૌકિકતામાં સરી પડતી આ સંવાદ ધારા વિશેષતા ગણી શકાય. સંવાદો અને વર્ણનોમાંથી મોટેભાગે વાતાવરણ ઉઘડે છે. વાર્તાની શરૂઆતમાં તેના નિર્માણ માટે લેખકે યશસ્ય પ્રયાસ કર્યો છે. સર્જનાત્મકતાની દૃષ્ટિએ વાર્તામાં આવતી ટેક્નિક બધાં લક્ષણોનો પાયો ગણી શકાય. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ સંગ્રહની વાર્તાઓમાં ટેક્નિક અને રચનારીતિ બાબતમાં વૈવિધ્ય જોવા મળે છે. કથાતંતુનો આધાર લઈ ઘટનાહ્રાસ દ્વારા સમગ્ર વાર્તાની ગૂંથણી કરવામાં આવી છે. જેમાં ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’, ‘તડકામાં ઓગળતો સૂર્ય’, ‘કોલબેલમાંથી ઊડતાં બુલબુલો’, ‘દક્ષિણમાં ઉડતું પંખી’, ‘ઊંટ’ જેવી વાર્તાઓ મુખ્ય કહી શકાય. આ વાર્તાસંગ્રહમાં અનેક જગ્યાએ વિશિષ્ટ પ્રતીકોની રચના કરી છે. ભાવક જ્યારે વાર્તાનું શીર્ષક વાંચે છે, ત્યારે તેના ચિત્તમાં ચિત્ર પ્રતીક સ્વરૂપે સ્થિર થાય છે. ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’માં ‘આકાશ’, ‘તડકામાં ઓગળતો સૂર્ય’માં ‘સૂર્ય’, ‘શ્વાન મોક્ષની સાતમી ઘડી’માં ‘શ્વાન’, ‘માછલીઘર’માં ‘માછલી’, ‘લંબચોરસ અંધકાર’માં ‘અંધકાર’, ‘દક્ષિણમાં ઉડતું પંખી’માં ‘પંખી’, ‘કચ્છપાવતર’માં ‘કચ્છપ’, ‘ખુરશીની કુંપળો’માં ‘ખુરશી’ વગેરે. પશુ-પ્રાણીઓના માનવતત્ત્વને એકરૂપ કરી નાખવાનો તેમનો પ્રયાસ સફળતા સુધી પહોંચી શક્યો છે. કથનકેન્દ્રની દૃષ્ટિએ મોટાભાગની વાર્તાઓમાં પ્રથમ પુરુષ એકવચનનું કથનકેન્દ્ર જોવા મળે છે. આ પ્રકારના કથનકેન્દ્રનો લાભ એ થાય છે કે તે સર્જક સંવેદનતંત્ર સાથે સીધો જોડાય છે. પ્રત્યક્ષતાનો ગુણ એના કથનકેન્દ્રમાં હોવાથી સંવેદના-વેદનાની કક્ષાએ તીવ્રતમ સ્તરે રજૂ કરી શકાય છે. કથનકેન્દ્રમાં ત્રીજો પુરુષ એકવચનનું ઘણું મહત્ત્વ છે. આ પ્રકારના કથનકેન્દ્રમાં તટસ્થતાનું લક્ષણ વધુ જણાય છે. લાગણી કે ભાવના પ્રવાહમાં વહ્યા સિવાય માત્ર ત્રીજા પુરુષની સાક્ષી તરીકે વાર્તાકથન કરવું એ કળાત્મક પરોક્ષતાનું ઉદાહરણ છે. કેટલીક વાર્તાઓ આ પ્રકારનાં કથનકેન્દ્રો ધરાવે છે. ‘એ બે-ત્રણ પગથિયાં ચડી અટકી ગયા. પાછળ દૃષ્ટિ નાખતાં ડોક ફેરવી. કશુંક ધારી-ધારીને જોતાં હોય એમ જોયું.’ (‘વિષાદગતિ’, પૃ. ૨૩) કલ્પન એક સર્જનશીલ અંગ છે. તેનો અનુભવ ખાસ કરીને વર્ણનોમાં થાય છે. કલ્પનને કારણે મુખ્ય ચિત્રો ઊભાં કરી શકાય છે. ‘તડકામાં ઓગળતો સૂર્ય’ શીર્ષક જ દૃશ્યાત્મક કલ્પનનું અનોખું ઉદાહરણ છે. સાથે વાર્તાઓનાં શીર્ષકો પણ કલ્પન રચે છે. જેમ કે ‘ભૂરી ઇચ્છાઓનું આકાશ’, ‘લંબચોરસ અંધકાર અને તણખલું’, ‘દક્ષિણમાં ઊડતું પંખી’, ‘ખુરશીની કુંપળ’, ‘હીંચકાની તકતીમાં છલકાતા સમુદ્રો’, ‘કોલબેલમાંથી ઊડતાં બુલબુલો’, ‘પાંખો ફૂટતી છોકરીઓ અચાનક’ જેવાનો સમાવેશ થાય છે. ‘અગાસીમાં રાતરાણી મઘમઘતી હતી. ઊંડો શ્વાસ લેતાં અકળામણી થતી લાગી. બારમાસી પરનાં બે ફૂલ ચીમળાઈ ગયાં હતાં.’ (‘અને’, પૃ. ૭૩) પદ્યનો લય જ્યારે ગદ્યમાં આવે છે, ત્યારે વાર્તાની છટા, અદા બધું જ બદલાઈ જાય છે. વાર્તાકથનની આ પ્રકારની પદ્ધતિ વિશેષ છે. તેથી તે સર્જનાત્મક છે. આમ, મફત ઓઝાના ‘તડકામાં ઓગળતો સૂર્ય’ વાર્તાસંગ્રહનું અવલોકન કરતાં અનેક જગ્યાએ સર્જનાત્મકતાનો ઉન્મેષ જોઈ શકાય છે. શીર્ષકથી માંડીને છેક ગદ્યશૈલી સુધીની સર્જકતા જેમાં કથન-વર્ણન-ભાવન-કલ્પન-અલંકાર-ભાષણ વગેરે અનેક મુદ્દાઓમાં નવીનતા લાવીને ટૂંકીવાર્તાના ક્ષેત્રે સાચી રીતે પ્રદાન કર્યું છે.
મનીષ સોલંકી
શોધછાત્ર,
ભાવનગર
મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩
‘આસમાની રંગનો ટુકડો’ (૧૯૮૮) : મફત ઓઝા
મનીષ સોલંકી
૧લી માર્ચ ૧૯૮૮ના રોજ પ્રગટ થયેલ આ વાર્તાસંગ્રહમાં ‘થોર’થી લઈને છેલ્લી વાર્તા ‘બાહુક’ એમ કુલ ચોવીસ વાર્તાઓ છે. કુલ ૧૯૧ પૃષ્ઠોમાં ફેલાયેલા આ સંગ્રહની બધી જ વાર્તાઓ ત્રણથી દસ પૃષ્ઠો વચ્ચેનું લંબાણ ધરાવે છે. શહેરજીવનની કડાકૂટ, ગ્રામજીવનનો લગાવ, જાતીય જીવનની વિટંબણા, પ્રેમીપાત્રની બેવફાઈ, પુરુષત્વ, નારીસંવેદના, વગેરે એમનાં મૂળ કથાનકો છે. સંવેદનાઓને રમાડવાની અને વેદનાઓને ગમાડવાની જે વૃત્તિ તેમનામાં છે, તે અહીં પ્રગટ સ્વરૂપે જણાય છે. ‘થોર’ વાર્તામાં લેખકે સ્વ-અનુભવને કામે લગાડ્યો છે. સાધ્વીના અંતરંગ કેવી રીતે વ્યાપ્ત છે. તેની ઝાંખી અહીં થાય છે. વાર્તાનાયિકા થોર પ્રત્યેની – જીવનની પીડા પ્રત્યેની લાગણી છતી થાય છે. ‘આસમાની રંગનો ટુકડો’ ફેન્ટસીમાં સરી પડતી વાર્તા છે. નાયકની કલ્પના-તર્ક અને વિચાર રંગદર્શી શૈલીમાં રજૂ થાય છે. પ્રણય સંવેદનાઓ અને તેમાં ય પીડા – અહીં તારસ્વરે રજૂ થાય છે. ‘બીજો’ પગ વિશિષ્ટ કથાનકવાળી વાર્તા છે. અહીં પગ કપાઈ ગયેલા નાયકની સૃષ્ટિ ખડી થાય છે. પત્ની અને પતિ વચ્ચે ‘પગ’ વિશેના સંવાદો-વિસંવાદો વાર્તાને કરુણ બનાવે છે. ‘કાળા અવાજો અને કાગડો’ પ્રતીકવાદી વાર્તા છે. જેમાં કથાનાયક અને તેની પત્નીને જે બાળકની જિજીવિષા છે તે અપૂર્ણ છે. ‘થીજેલી ક્ષણનો ઉન્માદ’ વાર્તામાં પતિ-પત્નીના દામ્પત્યજીવનની થીજેલી ક્ષણો રજૂ થઈ છે. કદરૂપો પતિ અહીં સંકુચિત મનથી પત્નીને મૂલવે છે. વાર્તા ફ્લેશબૅક પદ્ધતિથી આલેખાય છે. ‘પત્તુ એક કેલેન્ડરનું’ વાર્તામાં લેખક દિવાળીના દિવસોની યાદ તાજી કરી છે. બીમાર પત્નીની પ્રતિક્રિયા અને તહેવારના સમયની પત્નીની માગ બંને વચ્ચે સંઘર્ષ જામે છે. ‘એમ.પી.’ ચરિત્રલક્ષી વાર્તા છે. પોતાની પત્ની સંજુની દેખરેખ અને એમ.પી.ની જરૂરિયાત બંનેમાં કેવો પ્રેમ છલકે છે? તે દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ‘તમે આ શહેરના નાગરિક છો’ વાર્તા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે? રમખાણો, હુલ્લડ અને આંદોલન ટાણે ‘મ’ નામના પાત્રનો હાથ કપાઈ જાય છે. તેનાં સંવેદનો અહીં રજૂ થાય છે. ‘જાડા કાચના ચશ્માં’ વિશિષ્ટ કથાનકવાળી વાર્તા છે. જેમાં નાયકના ‘જાડા ચશ્માં’ દામ્પત્યજીવનમાં કેવા પ્રશ્નો ઊભા કરે છે? એ પ્રસંગો નિરૂપવામાં આવ્યા છે. ‘છેલ્લા પગથિયેથી’ વાર્તા પ્રણય સ્મરણોમાંથી પ્રગટ થાય છે. તેમાં લેખકે યુવતી સાથેના પ્રસંગને નિજી શૈલીમાં પ્રગટ કર્યો છે. ‘એક મુલાકાત’ વાર્તામાં મિસ એચ. વિશેના પ્રસંગો રજૂ થાય છે. લેખકમાંનો ‘હું’ પ્રગટ થઈ વાર્તાલાપમાં જોડાય છે. ‘બંધ બારી બારણાં અંધ’ વાર્તા છૂટક-છૂટક ઘટનામાંથી વાર્તા બને છે. પુરાકલ્પનો અને કલ્પનોથી સભર આ વાર્તા કપોળકલ્પિત છે. વિચાર તરંગો અને તર્કો આધુનિક માનવને ઊભો કરે છે. ‘બાયપાસ’ વાર્તા બસમાં રચાઈ છે. ‘ક’ સાથે એક સવાર’ ચરિત્રલક્ષી વાર્તા દામ્પત્યજીવનથી ભરપૂર છે. ‘મારી ડાયરીનું છેલ્લું પાનું’ વાર્તામાં સરકીટ હાઉસ નં-૫માં કેવી ઘટના બની હતી તેનું બયાન રજૂ થયું છે. જેમાં રહસ્યમય મુલાકાતની વાત છે. ‘નામ સરનામા વિનાનો માણસ’ વાર્તામાં ‘સ્વ’ વિશેના ઉદ્ગારોમાંથી વાર્તાનું સર્જન થાય છે. ‘યુગોથી બંધ બારીએ ઝંઝાવાત’ વાર્તામાં દામ્પત્યજીવનના તણાવો પ્રતીકાત્મકરૂપે રજૂ થયા છે. ‘હાઇડ્રોપોનિક્સ’ વાર્તામાં દામ્પત્યજીવનની કથા છે. કેન્સર થયેલા પતિની વ્યથાકથા અહીં રજૂ થઈ છે. ‘ત્રણ બારી એક માણસ’ વાર્તામાં રસોડાની બારી, બેડરૂમની બારી અને દીવાનખંડની બારીમાંથી દેખાતાં દૃશ્યોની વાત છે. જેમાં લેખકે વાર્તાલાપ ઉમેરી વાર્તાને ઘડી છે. આ વાર્તાસંગ્રહની અંતિમ વાર્તા ‘બાહુક’ છે. ‘મને કોઈએ ઓળખ્યો નહીં’ એમ કહેતા નાયકની વ્યથામાં દરેક માનવીનું પ્રતિબિંબ પડે છે. માનવ અને પડછાયો બેઉ અહીં રજૂ થયા છે. ઓળખની સમસ્યા કેવી પીડાપૂર્ણ છે તે આ વાર્તા દ્વારા રજૂ કરી શકાય છે. કથાનક પરંપરાગત હોવા છતાં અહીં નિરૂપણરીતિમાં નવીનતા જણાય છે. મફત ઓઝાની વાર્તાઓ પાત્રસર્જનમાં ઘણી જ વિશિષ્ટતાઓ ધરાવે છે. એ સાથે ચરિત્રની સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાઓ અદૃશ્ય છે તે દૃશ્ય કરી આપે છે. તેમાં મુખ્ય પાત્ર તરીકે ઘણીવાર લેખકનો જ પ્રવેશ થાય છે. ‘હું’ને પ્રગટ કરે છે. પાત્રને પ્રગટ કરવાની આ રીત આકર્ષક છે, તેટલી જ વિશેષતાભરી છે. સ્વ-કેન્દ્રી વાર્તાઓને કારણે પાત્રમાં અનુભૂતિને સચ્ચાઈ અને શૈલીની સહજતા મળે છે. એબ્સર્ડ એકાંકીની જેમ અહીં પાત્રનું નામકરણ કરવા માટે કોઈ ચોક્કસ નામના નહીં, પણ માત્ર અક્ષરનો ઉપયોગ કર્યો છે. ‘મેં’, ‘એમ.પી’, ‘ક’, ‘અ’ પાત્રનામે નોંધનીય છે. આ પાત્રોની સંવેદનાઓ, વેદનાઓ, ક્ષણભંગુરતા તરફ લઈ જનારી છે. અતિવાસ્તવવાદી કથનો આ પાત્રોની વિશેષતા બને છે. સંવેદના અને વેદનાની નાની-નાની ક્ષણોને વર્ણવી લેખકે વાર્તામાં કથાનક અનુસાર વાતાવરણ જમાવ્યું છે. પાત્રને અનુલક્ષીને યોજેલી વર્ણનકળા વાર્તાને વ્યક્તિલક્ષી બનાવે છે. સંવાદકળામાં પણ સર્જકતાની ઝાંખી થયા વગર રહેતી નથી. સંવાદોમાં મર્મસ્થાનો સહજ રીતે મળ્યા છે. સંવાદોમાં કવિતા જેવી ભાવવાહિતા અને વિચારશીલતા પ્રગટ થાય છે. સંવાદોમાં રહેલી નાટ્યાત્મકતા વાર્તાને સાદૃશ્યતા બક્ષે છે. આ વાર્તાસંગ્રહ ટેક્નિક બાબતે આકર્ષક માળખું ધરાવે છે. પ્રતીકવાદી વાર્તાઓ, કલ્પનાલક્ષી વર્ણનો, કપોળકલ્પિત (ફેન્ટસી) અને મોર્ડેનીઝ જેવા લક્ષણો જોવા મળે છે. વાર્તાઓમાં ટેક્નિક બાબતે નિદર્શન કરતાં ‘સાયકોલોજીકલ ટચ’ જોવા મળે છે. જે વાર્તાનું આકર્ષક તત્ત્વ ગણી શકાય. એટલું જ નહીં ‘સરરરિયાલીઝમ’ની અનુઆધુનિકવાદ અહીં દેખા દે છે. ટેક્નિક પરત્વે આકારવાદ પ્રચલિત થયો હતો. તેની અસર મફત ઓઝાની વાર્તાઓમાં જણાય આવે છે. આકાર ઘડવાની મથામણ અનેક વાર્તાઓમાં જણાઈ આવે છે. છૂટા સંવેદનો જાણે કે હાથના ખોળામાં લઈ દૂર ફેંકી દેવાય તેમ વાર્તામાં સંવેદનો ઢોળ્યા પછી અંતમાં જઈ આકારનો અનુભવ થાય છે. સંવેદનોને અહીં ચોક્કસ આદિ, મધ્ય અને અંત નથી. છતાં એક છેડેથી બીજે છેડે જતી સંવેદના-વેદના અનુભૂતિનો વિષય બને છે. અહીં પ્રથમ પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન, સંસ્મરણો, ડાયરી, પત્રશૈલી વગેરે ટેક્નિક ઉપયોગ કરીને સર્જકે વાર્તા ઘડવાનો પ્રયાસ કર્યો છે. મફત ઓઝા કવિ હોવાથી તેમની વાર્તાઓમાં સર્જકતા જણાય આવે છે. તો કલ્પન એક સર્જન અંગ હોવાથી કથાનક સાથે જોડાય છે. ત્યારે નવું જ પરિણામ આપે છે. કથાનકની વાર્તામાં એકરસ થઈ જનારું કલ્પન વાર્તાને વધુ આસ્વાદ્ય અને સફળ બનાવે છે. ભાવાત્મક, અર્થાત્મક અને સૌન્દર્યાત્મક કલ્પનો વાર્તાને નવો જ આયામ આપે છે. આ ઉપરાંત દૃશ્યાત્મક કલ્પનોની સાથે સાથે શ્રુત કલ્પનો, સ્પર્શ કલ્પનો, સ્વાદ કલ્પનો અને ધ્રાણકલ્પનો જુદા જુદા સ્થળે આવીને રસસૃષ્ટિ અને ભાવસૃષ્ટિને વધુ ઉજાગર કરે છે. શબ્દાલંકારની સાથે સાથે અર્થાલંકારની રજૂઆત પ્રસંગને, પાત્રને, કથાનક, વાતાવરણને વધુ ચોટદાર બનાવી ભાવ, અર્થ અને સૌન્દર્ય બક્ષવામાં અલંકારોનું મોટું પ્રદાન છે. ‘આસમાની રંગનો ટુકડો’ વાર્તાસંગ્રહ વાર્તાજગતમાં એક પ્રયોગશીલ સર્જનશીલતાનો હર્યોભર્યો સંગ્રહ છે. એમની કેટલીક વાર્તાઓમાં ઉમાશંકર જોશીની છાંટ દેખાય છે. તો કેટલીક વાર્તાઓમાં સુરેશ જોષીની, તો કેટલીક વાર્તાઓમાં ‘ધૂમકેતુ’ની ભાવનાશીલતા નજરે પડે છે. લેખકની ઘણી વાર્તાઓમાં પોતાના વતન અને મા વારેઘડીએ ઊભરી આવ્યાં છે.
મનીષ સોલંકી
શોધછાત્ર,
ભાવનગર
મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩