ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હિમાંશી શેલત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આ ‘કમ્ફર્ટઝોન’ નહીં, ‘ડિસકમ્ફર્ટ ઝોન છે’
કહેનાર વાર્તાકાર હિમાંશી શેલત

નીતા જોશી

Himanshi shelat 2.jpg

પરિચય

નામ : હિમાંશી શેલત
પિતાનું નામ : ઈન્દુલાલ શેલત
માતાનું નામ : સુધાબહેન શેલત
પતિ : વિનોદ મેઘાણી
જન્મતારીખ : ૮-૧-૧૯૪૭
જન્મસ્થળ : સૂરત
અભ્યાસ : Ph.D. (‘Theme and Technique in the Novels of V.S. Naipaul’)
વ્યવસાય : અંગ્રેજીના પ્રાધ્યાપિકા (૧૯૯૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ)
રહેણાક : અબ્રામા (વલસાડ)
૨૦૧૩-૨૦૧૭

સર્જન : વાર્તાસંગ્રહ :

૧. અન્તરાલ : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ; ૧૯૮૭, ૧૯ વાર્તા
૨. અંધારી ગલીમાં સફેદ ટપકાં  : પ્રથમ આવૃત્તિ : ૧૯૯૨, બીજી આવૃત્તિ, ૧૯૯૮, ગુર્જર પ્રકાશન, અમદાવાદ કુલ ૨૩ વાર્તા
૩. એ લોકો : ગુર્જર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭, ૨૧ વાર્તા
૪. સાંજનો સમય : અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ
૫. પંચવાયકા : ગુર્જર પ્રકાશન, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, ૫ વાર્તા
૬. ખાંડણિયામાં માથું : અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૨૦૦૪, ૧૯ વાર્તા
૭. ગર્ભગાથા : અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, ૭ વાર્તા
૮. ઘટના પછી, ગુર્જર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૧, ૧૪ વાર્તા
૯. એમનાં જીવન : ગુર્જર પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૫, ૧૫ વાર્તા
૧૦. ધારો કે આ વાર્તા નથી –, અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૮, ૧૩ વાર્તા
૧૧. આકાશને અડતી બાલ્કની (થોડી મનપસંદ વાર્તાઓ), પ્રથમ આવૃત્તિ ૨૦૨૨, કુલ ૧૯ વાર્તા
૧૨. કોતરમાં રાત

અન્ય લખાણ

૧. સ્મરણકથા/નવલકથા
આઠમો રંગ – ૨૦૦૧
ક્યારીમાં આકાશપુષ્પ અને કાળાં પતંગિયાં- ૨૦૦૬
સપ્તધારા – ૨૦૧૨
ભૂમિસૂક્ત – નવલકથા-૨૦૨૪
કોતરમાં રાત – નવલકથા-૨૦૨૪
૨. સ્મરણ કથા/નિબંધ/હાસ્યવ્યંગ્ય
પ્લેટફોર્મ નંબર ચાર – ૧૯૯૮
વિક્ટર – ૧૯૯૯
એકડાની ચકલીઓ – ૨૦૦૪
ડાબે હાથે – ૨૦૧૨
૩. બાળસાહિત્ય
ગણપતની નોંધપોથી – ૨૦૦૭
આનંદે ભજવીએ – ૨૦૦૭
સોનું અને માઓ – ૨૦૦૭
રમતાં ભમતાં – ભાગ : ૧-૨ – ૨૦૦૭
૪. અનુવાદ
દ્રુતવિલંબિત – ૨૦૦૩ (જયંત પાઠકના કાવ્યસંગ્રહનો અંગ્રેજી અનુવાદ)
નોખા મિજાજનો અનોખો ચિત્રકાર – ૨૦૦૪
(મહેન્દ્ર દેસાઈના પુસ્તક ‘A Man Labelled Bhupen Khakhar Branded as Painter’નો અનુવાદ )
ગરીબ, પણ છૈયે કેટલાં બધાં! – ૨૦૦૭
(ઈલા ભટ્ટના પુસ્તક ‘We are Poor but so Many’નો અનુવાદ)
૫. સંપાદન :
સ્વામી અને સાંઈ : ૧૯૯૩ (સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેનો વ્યવહાર
પ્રતિરૂપ – ૧૯૯૫ (મકરન્દ દવેના કાવ્યાનુવાદો)
અડધા આકાશનો રંગ : ૨૦૦૫ (નારીલેખન – સર્જનનું ચયન)
પહેલો અક્ષર : ૨૦૦૫ (મા- દીકરીના મૈત્રી – સંબંધ વિશેના વિશિષ્ટ સ્ત્રીઓ દ્વારા લખાયેલા લેખોનો સંચય)
નવલિકાચયન ૨૦૦૭ : ૨૦૦૮
૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ : ૨૦૦૩
અંતર – છબિ (વિનોદ મેઘાણી સાથે) : ૧૯૯૮ (ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત )
લિ. હું આવું છું. ભાગ :૧-૨ (વિનોદ મેઘાણી સાથે) : ૨૦૦૮ (ઝવેરચંદ મેઘાણીનું પત્ર જીવન)
નાયિકાપ્રવેશ – અદિતિ દેસાઈ સાથે : ૨૦૦૪ (નારીકેન્દ્રી વાર્તાઓનાં લેખિકાઓ દ્વારા નાટ્યરૂપાંતર)
મધદરિયે મહેફિલ – મે-૨૦૧૧ (વિનોદ મેઘાણી પરના મકરન્દ દવેના પત્રો)
૬. વિવેચન
પરાવાસ્તવવાદ – ૧૯૮૭
ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના – ૨૦૦૦
સલામત બાળપણની શોધમાં – ૨૦૧૦

પુરસ્કાર

૧. ‘અન્તરાલ’ને લેખકની પ્રથમ સર્જનાત્મક કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ.
૨. ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ને ધૂમકેતુ પુરસ્કાર, સરોજ પાઠક પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર.
૩. ‘એ લોકો’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક.
૪. ‘પ્લૅટફોર્મ નંબર ચાર’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર ઉપરાંત કર્ણાટક્નો નંજનગુડુ થીરુમલમ્બા શાશ્વતી ઍવૉર્ડ
૫. અમૃતા શેરગિલના જીવન પર આધારિત નવલકથા ‘આઠમો રંગ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર, ‘સાંજનો સમય’ તથા ‘ગણપતની નોંધપોથી’ને પણ ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર જાહેર થયેલા.
૬. ‘સાંજનો સમય’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક.
૭. જયંત ખત્રી-બકુલેશ પુરસ્કાર વીનેશ અંતાણી સાથે સરખે ભાગે અને વિદ્યાનગરથી ઉમાશંકર જોશી પુરસ્કાર.

વિચારતાં હશે એવું લખતાં હશે અને લખતાં હશે તો એવું જીવતાં જ હશે! આવી પ્રતીતિ કરાવે એવા નિસ્બતથી લખતાં વાર્તાકાર હિમાંશી શેલત અર્વાચીન કે અનુઆધુનિક સમયનાં બળકટ સ્ત્રીસર્જક છે. આશરે ૧૫૭ જેટલી ટૂંકી વાર્તા આપનાર હિમાંશીબેનનું વાર્તા ઉપરાંતનું સર્જન પણ માતબર છે. ૧૯૮૭માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘અન્તરાલ’ આપે છે. જે એમણે એમના દાદાજી સ્વ. કાલિદાસ શેલતને અર્પણ કરી લખે છે કે ‘જેમણે મને સાહિત્યના વિશ્વનો પ્રથમ પરિચય કરાવ્યો તે દાદાજી, સ્વ. કાલિદાસ શેલતને –’ વાર્તાસંગ્રહનું આવરણ ચિત્રકાર જગદીપ સ્માર્તનું છે અને કિંમત રૂપિયા ૬૦-૦૦/ છે. અને આ સંગ્રહની પ્રસ્તાવનાની નાનક્ડી નોંધ અહીં એટલા માટે મૂકવી અનિવાર્ય જણાય છે કે જે એમના વાર્તાનાં રૂપરચના વિશેના ખ્યાલ દર્શાવે છે. લખે છે – ‘ટૂંકી વાર્તાના સ્વરૂપનું મને ભારે ખેંચાણ રહ્યું છે અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને આછા લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે. જૂની કે નવી ઘટનાવાળી કે વગરની વાંચવાની ઇચ્છા સાદ્યંત રાખી શકે તે વાર્તા – એવી મારી પ્રામાણિક માન્યતા છે. વાંચતાં જ કંટાળો આવે, અતિશય કષ્ટ પડે અને જેમાં બૌદ્ધિક વ્યાયામથી વિશેષ કશું પ્રાપ્ત ન થાય એ ખરેખર વાર્તા નથી જ એમ કહેવામાં હું આધુનિક નહીં ગણાઉં તો વાંધો નહીં. સર્જકનાં ઉત્કટ સંવેદનો ભાવકનાં બને એવી શક્યતા ત્યારે જ ઊભી થાય જ્યારે વાર્તા પૂરેપૂરી વંચાય અને એટલે જ વાંચવાનો રસ સાવ સૂકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટેક્‌નિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’

Antaral by Himanshi shelat - Book Cover.jpg

પ્રથમ વાર્તાસંગ્રહ ‘અન્તરાલ’થી જ એ વાચક/વિવેચકનું ધ્યાન ખેંચે છે. કુલ ઓગણીસ વાર્તાઓ છે. લેખિકા એમની લાઘવ શૈલી, ટૂંકી વાક્ય રચનાથી વાસ્તવને ઘટનામાં કુશળતાથી ગૂંથી જાણે છે. આપણી સોસાયટી કે આસપાસમાં જ રહેતા હોય એવાં પાત્રો અને સંબંધોની તિરાડો, અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ, વિવશતા અને અધૂરપનું ચિત્રણ જીવનને નજીકથી દર્શાવે છે. પ્રથમ વાર્તા ‘ઈતરા’ નારીનાં આંતરમનને આલેખે છે. વાર્તાની અંદર વિષાદને ખૂબ કાળજીથી આલેખે છે – ‘રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને એ ચાલે છે તો બીજું કંઈ ચણેલું, વધારે નક્કર અને વ્યવસ્થિત એને તે શી રીતે તોડાય? હવે તો આમ જ, આ રસ્તે જ ચાલ્યા કરવાનું. અજાણ્યા બનવાનું, સમજદાર થવાનું.’ માનવસંબંધોની ગોપનીય લાગણીઓ દર્શાવવા ટૂંકી વાર્તા પાસે જબરી ક્ષમતા છે એવું આ સંવાદ દ્વારા અનુભવાય. ‘પાછળ રહી ગયેલું ઘર’ એ વાર્તામાં ક્રિયા-પ્રતિક્રિયાની તીવ્રતા કાવ્યાત્મક બિંબ વિધાન જેવી જ દૃશ્યસ્થ બને છે – ‘વાડામાં ગલકીનો વેલો બહુ ફાલે અને જ્યાં ત્યાં વળગે તો મા દાતરડું લઈને મંડી પડતી. કૂણી કૂણી રેશમ જેવી વેલ ખચખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમ જ થતું હતું. મા અધવચ્ચે કાપી નાંખતી હતી.’ પોતાનો નિજી ખૂણો ઝંખતી નાયિકાની વાર્તા ‘એકાંત’ અને પોતાની ગેરહાજરીથી કાંઈ કશો ફેરફાર થયો નથી અને પોતાના જ પરિવેશમાં અજાણ્યાપણું અનુભવતી સ્ત્રીની વાર્તા ‘અકબંધ’ કલાત્મક વાર્તા બને છે. આ સંગ્રહની અન્ય વાર્તાઓમાં પણ મનુષ્યની વેદના, જીવનની વિસંગતતા અને સંબંધની કૃત્રિમતા વણાયેલી છે. શીર્ષક વાર્તા ‘અન્તરાલ’ પણ મનુષ્યજીવનના અન્તરાલને આલેખે છે. મોટર બંધ પડી જવાની ઘટનાના કારણે સુખી સંપન્ન ચાર વ્યક્તિ અજાણ્યા પ્રદેશમાં કેવો ભય અનુભવે છે એની વાત છે. વૈભવશાળી જીવનની પણ વિવશ ક્ષણો હોય છે. દંભ અને દેખાડાભર્યું જીવન જીવતા લોકોના સંવાદો વડે કૃત્રિમ ભાવજગતને વ્યકત કર્યું. મનુષ્યમનના ભાવો આલેખતી આ વાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ ઇનામ મળે છે એ લેખિકાની કલમની શુભ શરૂઆત છે.

Andhari Gali-mam Safed Tapkan by Himanshi shelat - Book Cover.jpg

એમનો બીજો વાર્તાસંગ્રહ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ ૧૯૯૨માં પ્રકાશિત થયો. અને ભારતીય સાહિત્ય અકાદમી સહિતના બીજા પુરસ્કારો પણ આ વાર્તાસંગ્રહને મળે છે. આ વાર્તાસંગ્રહથી એમના વાર્તાનાં કેન્દ્ર બિંદુઓ પણ સ્પષ્ટ થાય છે. મધ્યમવર્ગીય જીવન, સ્ત્રીઓ અને વૃદ્ધો અને શીર્ષક વાર્તા ધીમે ધીમે ધર્મસત્તા અને કુરિવાજો તરફનું વિદ્રોહી બળ ઊભું થતું બતાવે છે. એમની લાઘવ શૈલીના કારણે કેટલાક અંકોડા વાચકે જ મેળવવા પડે છે! આરંભના આ વાર્તાસંગ્રહોમાં માનવજીવનની નિજી સંવેદના છે. અપેક્ષાઓ અને અવહેલના છે. હતાશા, નિરાશા અને સંબંધોની સંકુલતા છે. ‘સુવર્ણ ફળ’, ‘બળતરાંના બીજ’, ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા’ પ્રેમ પદાર્થ જેવી વાર્તાઓ આંતર્મન અને જીવનના સુખદુઃખની વાતો કરે છે. ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ વાર્તાનો પરિવેશ કોઈ ફિલ્મ બની શકે એટલો દૃશ્યસ્થ છે. બનારસના વિધવા સદનનો માહોલ છે. ત્યાં આવનાર સ્ત્રીઓમાં સૌથી વધુ તો નાની વયની વિધવાઓ છે. એમના વિધવા થવા માટેના સંકેતો પણ બતાવ્યા છે. ભજનકીર્તન ધરમધ્યાન અને ધાર્મિક કથાઓ દ્વારા મનને બીજે ક્યાંય ન વાળવાના ઉદ્દેશથી આ વિધવાઓ અંદરના માહોલમાં રમમાણ થવા મથે છે. અને સમાજ પણ આ ક્રિયાઓ સાથે સહમત હોય અમ વર્તે છે. વાર્તાને અંતે નાયિકા જ્યારે બહાર નીકળે છે ત્યારે કોઈ પંડો કપાળે ચંદન લગાવી એના લાલ ચાંદલા ને ઢાંકી દે છે. અને જાણે એ પણ એ સ્ત્રીઓમાંની એક હોય એવું અનુભવે છે. ‘બળતરાના બીજ’ મા-દીકરીના સંબંધની નિકટતા અને વણબોલાયેલું કહી દેતી વાર્તા છે. આરંભથી જ વર્તમાન અને ભૂતકાળ સધાય છે – ‘આજની જેમ તે દિવસેય ખૂબ વરસાદ હતો.’ અને પછી વરસાદની ભીનાશ અને બાની અંદરની વિષાદની ભીનાશ સમાંતર ચાલે છે. બા જૂની વસ્તુઓ ફંફોસી રહી છે ત્યારે એક ફોટો નીકળે છે જે વિશે વાર્તાની નાયિકા કિશોરી વૃંદા પૂછે છે, એટલે બા કહે છે ‘તારા બાપુજીને પુષ્પા જોડે પરણવું હતું અને અનિચ્છાએ લગ્ન થયાં.’ અહીં સામસામે ભલે મા-દીકરી છે પણ વ્યથા જે રીતે ઠલવાય છે એમાં એ બે સ્ત્રીઓ જ છે. અને પછી ઇચ્છા ન હોવા છતાં ત્રણ સંતાનોનો જન્મ થાય છે જેમાં વૃન્દાનો જન્મ વધુ ક્લેશભર્યો રહ્યો. આમ, બળતરાનાં બીજ પાંગરે છે. વાર્તાના અંતે વૃન્દા બાના મૃત્યુ સમયે આવે છે ત્યારે પણ વરસાદ છે. આમ, ત્રણ વરસાદની ભીનાશ ભલે એક જ છે પણ એ વાર્તાને એક જ ભીનાશથી પ્રયોજે છે. ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા’ની નાયિકા એક યુવાની પસાર કરી ગયેલી કુમારિકાની વાત છે. સાથે અનેક સંજોગોને તાબે થતી રહેતી નાયિકા મનગમતી ઘટનાની પ્રતીક્ષાથી વંચિત રહે છે. પરિવાર સામે, વડીલો સામે કે સમાજ સામે લાચાર સ્ત્રી કશું બન્યા વગર જ જીવી જાય છે. યુવાન નાયિકા સુમી વાર્તાના અંતે નાનીમા, ફોઈ અને બા સાથે અંધારી ઓરડીમાં પોતાને પણ સામેલ થતી જુએ છે. સ્ત્રી હજુ વિદ્રોહ કરવા પરિવાર કે સમાજ સામે અસમર્થ છે એ વાતની પુષ્ટિ આ વાર્તા આપે છે. ‘જવનિકા’ વાર્તા સંબંધોની એવી આંટીઘૂંટીમાં અટવાયેલી વાર્તા બની છે જે ન સહેવાય ન કશું કહેવાયની મનોસ્થિતિ સર્જે છે. વાર્તા જરા જુદી એટલે પણ પડે છે કે ક્રિયા-પ્રતિક્રિયા અને પ્રતીકોથી સંવેદનાની તીવ્રતા મૂકી આપે છે. દામ્પત્યજીવનમાં કડવાશ ઉમેરતું ત્રીજું પાત્ર ભળે છે. પછી નાયિકા જે રીતે બારી, તડકો અને ધૂળની આસપાસ રહી અંદરના રોષ અને વ્યથાને સુંદર રીતે ઘૂંટે છે. અન્ય કેટલીક વાર્તાઓ પણ સામાજિક અને માનવીય સંઘર્ષની વાત કરે છે અને જરા જુદી રીતે ઊપસતી એક વાર્તા ‘સુંદર, અમૃતા અને વૃક્ષ’ જે કાલ્પનિક સૃષ્ટિમાં રાચતા પાત્રની વાત છે. મનુષ્યમનનો રહસ્યભર્યો પ્રદેશ અહીં રજૂ થયો છે. હિમાંશી શેલતની વાર્તા અન્ય વાર્તાઓથી શું કામ જુદી પડે છે? એ માટે એમની નિરૂપણ અને પ્રસ્તુતિકરણની વિશેષતા તો ખરી જ, સાથે આસપાસના વાતાવરણમાંથી વાતો ચયન કરવાની દૃષ્ટિ પણ ખરી. પ્રસ્તુત વાર્તાસંગ્રહથી એમની સંવેદના વધુ ઘટ બની છે. નારીસંવેદન સાથે અન્ય સંવેદનનો વ્યાપ કેવી રીતે વધે છે એ ત્રીજા વાર્તાસંગ્રહથી જોઈ શકાય છે. ૧૯૯૭માં ત્રીજો સંગ્રહ ‘એ લોકો’ મળે છે. સંગ્રહ એકવીસ વાર્તાઓનો છે. આ સંગ્રહથી લેખિકાના સામાજિક નિસ્બત કે પ્રતિબદ્ધતાનાં મંડાણ દેખાય છે. એ જ લાઘવ શૈલી અને નિરૂપણ રીતિ સાથે કથાઓનો વ્યાપ વધે છે, અવાજની તીવ્રતા પણ અનુભવાય છે. આ સંગ્રહમાં દુઃખી અને શોષિત લોકોના અવાજ છે. સ્ત્રીઓ માટેની સહાનુભૂતિ તો હંમેશ માટે એમની રહી છે. અને એટલે જ સ્ત્રીઓના પક્ષે ઊભા રહી ઘણી વાર્તાઓ આપી છે. આ સંગ્રહની અર્પણ પંક્તિમાં લખ્યું છે – ભરપૂર નિસ્બત સાથે સામાન્ય માણસોને પડખે ઊભા રહેતા સ્વજન કુંજવિહારી મહેતાને – ભૂમિકામાં સ્પષ્ટ લખે છે ‘આ ત્રીજા સંગ્રહનું વાર્તાવિશ્વ બદલાયું છે.’ અને લખ્યું છે કે– ‘આમ તો ૧૯૯૦ પછી મારા કામનું ક્ષેત્ર વિસ્તર્યું, મારી આસપાસ પથરાયેલા લાચારી, હતાશા, સંઘર્ષ અને કંગાલિયતના કુરૂપ, ભયાવહ વાતાવરણમાં મેં જુદા લોકો જોયા, એમનાં જુદાં દુઃખો સાથે. વેદનાનો એક અલગ ચહેરો સાવ નજીક્થી જોયા પછી, પોતાની પીડા અંગે એક હરફ પણ ઉચ્ચારી ન શકે એવા મૂંગા માણસોની વિવશતાથી, હું દાઝતી રહી છું. સમકાલીન વાસ્તવની ક્યાંયે ઠરવા ન દે એવી ભીંસમાં છેક તળિયે તરફડતી, સાંભળી ન શકાય એવી, પ્રલંબ ચીસથી ક્ષુબ્ધ બનેલી હું આ વાર્તાઓમાં એ લોકોથી જ ઘેરાયેલી છું’ અને સંગ્રહના અંતે સિલાસ પર્કિન્સની કવિતા ‘ધ કૉમન રોડ’ લેખિકાએ મૂકી છે. એમાં સામાન્ય માણસની સાથે તાલ મેળવવાની લાગણી સરસ રીતે પ્રગટ થઈ છે. વિવશ અને સામાન્ય માણસની વેદના, વ્યથા અને સૌંદર્ય વાચા આપતાં જોવા મળે છે.

I Want to travel the common road
With the great crowd surging by,
Where there’s many a laugh and many a Load,
And many a smile a smile and sigh.
*
I want to Live and Work and plan
With the great crowd surging by,
To mingle with the common man,
No better or Worse than I.

આ સંગ્રહના ‘એ લોકો’ પણ બળાત્કારી, ખૂની, વેશ્યા, અને અંધારી આલમનાં આ લોકો વાર્તા દ્વારા સભ્ય સમાજ સામે આવે છે. દરેક પાત્ર પોતાની કિંમત અને લાચારી અને ગુનાઓ બતાવે છે. ‘કિંમત’, ‘ખરીદી’, ‘શાપ’, ‘બારણું’, ‘એ લોકો’ જેવી વાર્તાઓ સંવેદના હચમચાવી જાય છે. સ્ત્રી જીવનની વિવશતા અને પીડા માટે પુરુષ અને એના આધિપત્યભર્યા વ્યવહાર સામે કેટલીક વાર્તાઓ આક્રોશ સાથે લખાયેલ છે. ‘બારણું’, ‘ચૂડેલનો વાંસો’, ‘કોઈ બીજો માણસ’, ‘એ લોકો’, ‘શાપ’, ‘નિકાલ’, ‘ખરીદી’, ‘કિંમત’, ‘અંતર’, ‘સારો દહાડો’, જેવી વાર્તાઓ સ્ત્રી જીવનની લાચારી બતાવતી વાર્તા છે. ‘બારણું’ વાર્તા ગરીબીની વિવશતા અને ઇચ્છાને વાચા આપે છે. નાયિકા સવલીને સલામતીભર્યું બચપણ કે ઘર નથી મળ્યું. સવલીને રૂપાળા બાથરૂમની ઝંખના છે. મેળામાં છૂટી પડી જતાં સવલી એક વેશ્યાના હાથમાં જઈ પહોંચે છે. સવલીને કુદરતી હાજતે જવાની ઇચ્છા થાય છે અને તેની ઇચ્છા મુજબનો સુંદર બાથરૂમ મળે છે પણ બાથરૂમ અને બંધ બારણાની કિંમત સવલીને એક અંધકારમાં ધકેલનાર બની રહે છે. આમ, સુખની કિંમત સવલીની જિંદગીની કરુણતા છે. ‘ખરીદી’ વાર્તામાં વેશ્યાજીવન આલેખાયું છે. વાર્તાની નાયિકા વેશ્યા એક જાજરમાન મહિલાની સાદી સાડીથી પ્રભાવિત થઈ ગૌરવભરી સાડી પહેરવાની ઇચ્છા કરે છે. પરંતુ બજાર અને સમાજ એને ચળકાટથી જોવા ટેવાયેલી છે. એ સાદગીભર્યુ નૂતન જીવન ઝંખે તો પણ સમાજ સામે એ બદલાયેલી છબિ સાથે વ્યક્ત નથી થઈ શકતી. સાડીની પણ એક ભાષા છે. એ વાત શૃંગાર અને વિવશતા સાથે દર્શાવવામાં આવી છે. અંતમાં, વાર્તાની નાયિકાની આ સાદી સાડી પહેરવાની ઇચ્છા અધૂરી રહે છે. કિંમત વાર્તાની નાયિકા મોહનાનો ફિલ્મમાં આવવાનો હર્ષ ઉલ્લાસ ત્યારે ઓસરે છે જે જ્યારે એનો ઉપયોગ એની નગ્નતા માટે કરવાનો છે એવી ખબર પડે છે. કોઈએ એને દશહજારમાં વેચેલી એ મૌસી એક નગ્ન દૃશ્ય માટે ફિલ્મવાળાને દસ હજારમાં વેચે છે. આ અંત ભાવકને ક્ષુબ્ધ કરી મૂકનાર છે. ‘કોઈ બીજો માણસ’ એ બાપની લાચાર ભીરુતાની વાર્તા છે. સાત વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે અને બાપ સન્તરામ જાણતો હોવા છતાં બળાત્કારી ખૂનીનું નામ આપતા ખચકાય છે અને એના મૌનને પત્રકારો બિરદાવી રહ્યા છે ત્યારે આ માધ્યમો સામેનો આક્રોશ વ્યક્ત થયો છે. ‘શાપ’ વાર્તા વ્યભિચારી પુરુષોની ઉપહાસ કરતી વાર્તા બની છે. વાર્તાનો અંત પણ અટ્ટહાસ્ય કરતો જ – ‘એમ એમ કરતાં એણે એક આખી લાઇન બનાવી દીધી. શરીરે ગરમી ફૂટી નીકળી હોય એવા આદમીઓની તમામેતમામ માટીમાં રગદોળાતા, કરગરતા, આળોટતાં અને પોતે આમ જ ઘરને ઓટલે ઊભી હોય, બરાબર પેલી હિરોઈન પેઠે – બસ, એટલા ખ્યાલથી હંસાબાઈનું ધોધમાર હસવું ચાલુ થયું તે થયું.’ ‘ચુડેલનો વાંસો’ આમ તો અંધશ્રદ્ધાની વાર્તા છે અને નાયિકા જે દત્તુ માટે શ્રદ્ધા અને પ્રેમ રાખે છે એ જ અંતે મારનાર બને છે ત્યારે વાર્તા કરુણ રસ નિપજાવે છે. શીર્ષક વાર્તા ‘એ લોકો’ લગ્નપ્રસંગે પૈસા ઉઘરાવવા આવતી વ્યંડળોની ટોળી અને કાયર પુરુષો પર વ્યંગ્ય કરે છે. શારીરિક હિજડાપણું અને કાયર હિજડાપણું સામસામે મુકાય છે. આ વાર્તાસંગ્રહ છેવાડાના સમાજનો નકશો ભદ્ર સમાજને બતાવી રહ્યો છે.

Saanj-no Samay by Himanshi shelat - Book Cover.jpg

૨૦૦૨ના વર્ષમાં ‘સાંજનો સમય’ વાર્તાસંગ્રહ મળે છે, જે કુલ ઓગણીસ વાર્તાઓનો સંચય છે. આ વાર્તાસંગ્રહમાં મોટા ભાગની વાર્તાઓ સ્ત્રીનાં જીવન અને મનોજગતને ઉકેલતી વાર્તાઓ છે. દીકરી વયસ્ક થતાં જ માની સંવેદના સાથે જોડાઈ જતી હોય છે, માનો માનસિક આધાર બની જતી હોય છે. કોઈ આક્રોશ વગર ક્રિયા અને પ્રતિક્રિયાથી સમસ્યા દર્શાવવામાં લેખિકાની કુશળતા છે. આ વાર્તાની નાયિકા નંદિની વિશે સર્જક કહે છે. ‘સાંજનો સમય’ની નંદિની પોતાના નિકટના મિત્રસમા પ્રિય પિતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધને જાણ્યા પછી અને એકલવાયી પડી ગયેલી મા જોડે દોસ્તી બાંધીને એની પીડાને હળવી કરવા જે હિંમત અને ધીરજથી મથે છે એ ક્ષણ મને આર્દ્ર કરી મૂકે છે.’ લગ્નેતર સંબંધની આ એક જુદી રીતે આલેખાયેલી વાર્તા છે. આ સંગ્રહની અન્ય વાર્તાઓ પણ સ્ત્રીઓનાં સંવેદનને વ્યક્ત કરી નારીવિષયક વાર્તાઓ આપે છે. સાથે સાથે ‘મોત’, ‘મુઠ્ઠીમાં’, ‘તણખો’, ‘હાથતાળી’, ‘સામે વાળી સ્ત્રી’ જેવી પ્રભાવક વાર્તાઓ મળે છે. ‘મોત’ વાર્તામાં ગુલાબ પાસે આવેલા ગ્રાહકનું મૃત્યુ અને ગ્રાહકની પત્ની સાથેનો ગુલાબનો સંવાદ છે. જ્યારે ‘મુઠ્ઠીમાં’ એ એક સાધારણ દેખાતી સ્ત્રી સમય મુજબ સામર્થ્ય દેખાડે છે એ દામ્પત્યજીવનની વાત કરે છે. ‘સામેવાળી સ્ત્રી’ ભ્રામક સુખમાં રાચતી સ્ત્રીની વાત કરે છે. ટ્રેનની સહયાત્રી સાથેનો પરિવેશ અને સંવાદ છે. ‘પંચવાયકા’સંગ્રહ પાંચ દીર્ઘ વાર્તાઓનો સંગ્રહ છે. જે પણ ૨૦૨૨માં જ પ્રકાશિત છે. આપણી ધાર્મિક ઘેલછા અને અંધશ્રદ્ધાના ઉન્માદ તરફ વ્યંગ્ય કરતી વાર્તાઓ છે. ‘હરકિંકરજી’ વાર્તા એક સાધારણ માણસને કેવી રીતે સંત મહાત્મા બનાવી દઈ એક ધાર્મિક વ્યાપારનું કેન્દ્રસ્થાન બનાવી દેવાય છે એ વ્યંગ્ય કરતી વાર્તા છે. ‘ધર્મક્ષેત્રે કનિકા-લતિકા’ વાર્તા એક કલ્પનાથી શરૂ થાય છે. વાર્તામાં એવું બને છે કે સંભવિત પુરુષોના અત્યાચારથી ઘણી બધી સ્ત્રીઓ આત્મહત્યા કરવા માંડી અને કાં વૈરાગ્ય લેવા માંડી. પુરુષોને પણ થયું કે આ તો મોટો અનર્થ થવા જઈ રહ્યો છે. કદાચ સ્ત્રીના શૃંગાર વગરની દુનિયા પુરુષને વ્યગ્ર કરી ગઈ અને વૈરાગી સ્ત્રીઓને સંસારનું પ્રલોભન આપી પાછી વાળવા અનેક પ્રયત્ન થવા લાગ્યા ત્યાં સુધી કે દેહવ્યાપારનો ધંધો કરતી કનિકા અને લતિકાને સારો એવો પુરસ્કાર આપી આ વૈરાગી સ્ત્રીઓનું મન બદલવા નિમંત્રણ આપવામાં આવે છે. પરંતુ અહીં પાસા ઊલટા પડે છે અને આ બન્ને ધંધાદારી સ્ત્રીઓને આ આશ્રમનું વાતાવરણ મોહિત કરે છે. અહીં મળતું સન્માન અને સરભરાથી પ્રલોભાય બન્ને આશ્રમમાં જ રહી જવાનું વિચારે છે. આમ, વાર્તા ભલે વાસ્તવથી દૂર લઈ જાય છે પણ વ્યંગ્ય બહુ નજીકનો છે. ‘નામ વિલોપનની ઘટના’, સ્વનામના મોહમાં સુખ અનુભવતા લોકો પર રમૂજ કરે છે અને ‘રક્તસર’ વાર્તા જે પશુબલિને કેન્દ્રમાં રાખી પર્યાવરણ અને અંધશ્રદ્ધાને જોડતી સુદીર્ઘ વાર્તા બની છે. ‘શાંતિમંત્ર’ વાર્તા પણ દંભ અને આડંબર ખોલતી વાર્તા છે. એક અભાવમાં જીવતી ત્રસ્ત પ્રજાને કઈ રીતે ધાર્મિકતાને નામે ઉલઝાવેલી રાખવાના પ્રપંચો, ધર્મમાં રાજનીતિના પ્રવેશ ઉપર પણ વ્યંગ્ય છે. જ્ઞાનની આડશમાં અજ્ઞાની ગુરુઓ અનેક હોય અને એ જ્યારે પ્રજાને ગેરમાર્ગે દોરે ત્યારે સમૂહ કેવો નિર્ભ્રાન્ત હોય છે એ વેદનાને વાચા આપે છે. શિબિરો અને સભાઓ, ધાર્મિક ઉન્માદ, અને અંધશ્રદ્ધાને વાચા આપતી આ વાર્તાઓ સમાજના દંભ અને જૂઠાણાંઓ સામે આંગળી ચીંધે છે.

Khandaniyamam Maathu by Himanshi shelat - Book Cover.jpg

ઈ. સ. ૨૦૦૪માં ‘ખાંડણિયામાં માથું’ વાર્તાસંગ્રહ આવે છે એ ગાળામાં ગુજરાત એક ગોઝારી ઘટનામાંથી પસાર થઈ ચૂક્યું છે અને વાર્તાઓનું સંવેદનવિશ્વ બદલાય છે. ‘ગોધરાકાંડ’ની ભયાનકતા, સમાજની સ્થિતિ, ન્યાયવ્યવસ્થા, કોમવાદ, જૂથવાદ જેવા કિસ્સાઓ સામે આવે છે. વાર્તાકારની કલમને અહીં વાર્તારસનો મોહ છૂટી ગયો હોય એમ સંવેદનાને તીવ્રતાથી વાચા આપે છે. આ સંગ્રહ એમણે વાર્તાચાહકો અને વાર્તા વિવેચકોને અર્પણ કર્યો છે. કુલ ઓગણીસ વાર્તા મળે છે. ‘પથને અંતે’ શીર્ષકથી ભૂમિકામાં લખે છે. ‘એક હકીકત કબૂલ કરવાનો યે આ વખત છે. બે હજાર બેના ગુજરાતને જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગેય હું સાશંક બની છું. માનવકુળમાં જન્મેલી હું મારા કુળના દાવપેચ અને જૂઠણના નાનાવિધ વેશથી ડઘાઈ છું. શબ્દના પ્રભાવ અંગે કેટલાક ધારદાર પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ખૂબ મૂંઝાઈ છું. આમ છતાં, કલમથી વેગળા રહેવાનું લાંબા સમય માટે શક્ય બન્યું નથી. ફરી ફરીને હું લખવા તરફ જ વળી છું, મનના સમાધાન માટે પણ.’ અને આ જ ભૂમિકામાં ઉમેરે છે કે, ‘વાર્તાને ચાહી છે અને ચાહું છું. એના થકી જે કંઈ પ્રાપ્ત થયું છે એ મૂલ્યવાન છે. કેટલીયે વાર જાણે એકસામટાં અનેક જીવન જીવતી હોય એવી લાગણી થઈ છે. અને એમાં મારી અંગત પીડાઓ વહી ગઈ છે. વાર્તા મારો આધાર બની છે. એટલે જ એનું કોઈ નવીન અને અત્યાર સુધી અપરિચિત રહેલું રોમાંચક રૂપ મારી સામે ઊઘડે તેવી ઘડીની પ્રતીક્ષા કરવાનું ગમે... અવશ્ય ગમે!’ આ સંગ્રહ એક પરિપક્વ વાર્તાસંગ્રહ છે. જેમાં ઘટનાઓ અંદર-બહાર, પુરુષ અને સ્ત્રી, વ્યક્તિ અને સમાજની છે. વિદ્રોહ છે, વ્યથા છે, વિવશતા છે, કરુણા છે અને સહાનુભૂતિ છે. ‘બ્રહ્મમુહૂર્ત’ જેવી વાર્તા વૃદ્ધ માજીના નખની મેલી ધારથી શરૂ થાય છે. વાર્તાના અંતે નખ નહોર નથી બનતા પણ કરુણા બની જાય છે. ‘ખાંડણિયામાં માથું’ એ નામી અને અનામી સંબંધ ઉપર ભાર મૂકતી વાર્તા છે. જેમાં ભદ્ર સમાજની ભીરુતા અને નિમ્નસમાજની નિર્ભયતાની વાત છે. આ વાર્તાસંગ્રહની સાત વાર્તાઓ ગોધરાકાંડ બાદ સર્જાયેલાં તોફાનો, કોમી રમખાણોની પ્રતિક્રિયા રૂપે લખાયેલી છે. ‘રેશમી રજાઈમાં બાકોરુ’ બળાત્કારના પાશવી આનંદ અને પીડાની વાર્તા છે. ‘સજા’માં ટોળાનો ભાગ બની જનાર માણસ પોતાપણું ગુમાવી માણસ મટી અમાનવીય બની જાય એની વાત કરે છે. ‘ઇતિહાસ’ વાર્તા પત્રકારના માનવતાવાદી અભિગમનું આલેખન કરે છે અને કેટલીક નારીકેન્દ્રી વાર્તાઓમાં ‘નાયિકાભેદ’ જે નાટ્યાત્મક વાર્તા છે. જેમાં પુરુષોના મુખે સ્ત્રી, પત્ની અને પ્રેમિકાના ખ્યાલો સાંભળવા મળે છે. ‘વટાળનો કિસ્સો’ જીવનને પ્રેમ કરતી પત્ની જે સાલસ છે, ઉદાર છે, નિઃસ્પૃહી છે એને ગણતરીબાજ પતિ કેવી રીતે વટલાવી દે છે એની વાત છે. આ ઉપરાંત લગ્નેતર સંબંધ અને નારીસંવેદનની કથા ‘વિચ્છેદની ક્ષણ’ અને ‘અગિયારમો પત્ર’ જેવી વાર્તાઓ પણ છે. ૨૦૦૯માં સાત વાર્તાઓનો સંગ્રહ ‘ગર્ભગાથા’ જે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્માને અર્પણ કરે છે. શીર્ષક જ સૂચવે છે આ માતૃત્વ અને નારીવિષયક સંગ્રહ છે. આ વાર્તાઓ વિશે ભૂમિકા અંતર્ગત ટૂંકમાં ઘણું લખ્યું છે. એક ફકરામાં લખે છે– ‘ગદ્યપર્વ’ માટે જ્યારે ‘અસ્તિ’ લખાઈ ત્યારે થયેલું કે સ્ત્રી અને માતૃત્વ સાથે વણાયેલી વાર્તાઓ એક જ સંગ્રહમાં મૂકી શકાય તો ઠીક થાય. ‘અસ્તિ’ પૂરી કરી એ માટે ગીતા નાયક અને ભરત નાયકનો આભાર માનીશ. એમના પ્રેમાગ્રહ વિના ‘અસ્તિ’ને કદાચ આકાર ન મળ્યો હોત. એ ‘અસ્તિ’ અહીં ‘ગર્ભગાથા’ શીર્ષક સાથે પ્રગટ થઈ છે.

૧. મૃત્યુદંડ
૨. છેક આવો માણસ...!
૩. સાતમો મહિનો
૪. કમળપૂજા
૫. માટીના પગ
૬. પ્રલય
૭. ગર્ભગાથા

‘મૃત્યુદંડ’ વાર્તાનો આરંભ લેખિકાના વાર્તાપ્રવેશથી થાય છે. પોતાની સર્જનક્ષણ અને વાતાવરણની વાત કરતાં કરતાં વાર્તામાં પ્રવેશે છે. વાત છે લખીની, એની બહેન ધનવંતીની અને ધનવંતીના દીકરા જુગનની. ધનવંતીને પંદર વર્ષ પછી જુગન અવતર્યો છે એટલે લખ્યું છે ‘ધનવંતી માટે તો એનો જુગન એટલે જાણે ઇન્દ્ર રાજા એટલે ગરીબ દંપતી બે પેટે પાટા બાંધીને ઉછીના-પાછીના કરીને મોટો કરે છે. જુગન મોટો થાય છે. જુગનની બીમારીઓ માટે બાધા, માનતા રાખતી મા ધનવંતી જુગન ગુનેગાર હોય એવું સ્વીકારવા તૈયાર નથી, જ્યારે અખબારમાં છપાય છે કે જુગન પકડાયો હતો અગિયાર વર્ષની છોકરી પર બળાત્કાર કર્યા પછી એનું ગળું દાબીને એને મારી નાખવાના આરોપસર. ત્યારે હો.. હા મચે છે. માંગ ઊઠે છે કે બીજા આરોપી ધનંજયને ફાંસીની સજા થઈ શકતી હોય તો જુગનને ફાંસી કેમ નહીં? સાંત્વના આપવા ધનવંતીને કહે છે કે, ‘ખોટું હશે. જુગનને કોઈકે ફસાવ્યો હશે. જુગન આવું કરે જ નહીં. સારો વકીલ રોકીને...’ પણ ત્યાં તો ધનવંતીનું માથું ટટ્ટાર થયું જૂઠ નહીં. અપની મરી બચ્ચી કે સર પે હાથ રખકર ઉસકી મા બોલી કી ‘ઉસને જુગન કો દેખ્યા થા, જૂઠ ક્યોં બોલેગી વો? જુગનને હી કિયા સચ્ચી.’ અને વાર્તા પૂરી નથી થતી. લેખિકા આરંભની જેમ અંતમાં પ્રવેશ કરી ભાવકોને સંબોધીને કહે છે, “તમને જો મન થાય આ સામગ્રીમાંથી વાર્તા લખવાનું તો મૂળ આ કથાબીજ મારું હતું એવું નહીં બોલું. પ્રોમિસ... અ વેરી ઓનેસ્ટ પ્રોમિસ.” આમ આ સર્જક-ભાવક અને ઘટનાનું સાયુજ્ય રચી આપતી વાર્તા બને છે. અન્ય એક વાર્તા ‘છેક આવો માણસ’ માનવતાભર્યા વ્યવહારની વાત કરતી વાર્તા છે. જેમાં પાત્ર પ્રિયંકા જેની સગાઈ પરિમલ નામના યુવક સાથે થાય છે. આ સગપણ થોડા દિવસના પરિચય વધતાની સાથે તોડી નાખવાનું મક્કમ બનીને કહેતી પ્રિયંકા પરિવારને ચોંકાવે છે પણ કારણ જણાવતી નથી. અને જ્યારે બધાં કારણ જણાવવા કહે છે ત્યારે રડતાં રડતાં કહે છે “...ખૂણે એક પ્રેગનન્ટ કૂતરી સૂતી હતી. ઘસઘસાટ કોઈને નડતી ન હતી. છતાં પરિમલે એને જોરથી લાત મારી, મમ્મા એટલા જોરથી કે... પેટમાં બચ્ચાં હતાં તોયે...’ આ વાર્તા વડોદરાના નાટ્ય ડિરેક્ટર રાજેશભાઈ દાણીએ નાટ્ય રૂપાંતરિત કરી મંચન કરેલ છે. ‘કમળપૂજા’ માની હત્યા કરતો પરશુ માના પરપુરુષ સાથેના સંબંધથી તિરસ્કૃત ભાવે માની હત્યા કરે છે પણ માની વિવશતા કઈ છે એ જાણવા મથતો નથી. ‘ગર્ભગાથા’ જેની નાયિકા મા રેવતી છે. બે દીકરીઓ પછીનો ત્રીજો આ ગર્ભ દીકરીનો છે એ જાણ્યા પછી એ ગર્ભપાત કરાવવાનું નક્કી કરે છે પરંતુ પારિવારિક અનેક અડચણો વચ્ચે ઠેલાતું રહે છે. અને અંદર વિકસી રહેલી અસ્તિ મા સાથે સંવાદ કરે છે. અસ્તિ રોજ નવી નવી કથાઓ સંભળાવે છે, નાનીની અને રેવતીના મા-બાપની અને છેલ્લે અસ્તિની ન કહેવાયેલી વાર્તા સ્ત્રી ભ્રૂણથી ભરેલા કૂવાની. અંતમાં રેવતીનું મનોમંથન છે, અકળામણ છે, નિર્ણય લેવાની ઘડી છે અને અંદર અસ્તિનો પૃથ્વી ઉપર અવતરવા માટેનો વિતરાગ છે. ‘ગર્ભગાથા’ની વાર્તાઓ નારીજીવનને સંવેદતી કથાઓ છે. અને પછી ૨૦૧૧માં ‘ઘટના પછી’ વાર્તાસંગ્રહ બને છે. જે ચૌદ વાર્તાઓનો સંગ્રહ છે. જેનાં સંક્ષિપ્ત નિવેદનમાં કહે છે –

Ghatana Pachhi by Himanshi shelat - Book Cover.jpg

‘જેનાથી ખળભળાટ પેદા થયો એ સામગ્રીનું વાર્તામાં કેવું રૂપાંતર થાય છે અને એમાં કેવી ભાષા પ્રયોજાય છે, એ જોવામાં મને ઘણો રસ પડે છે. ક્યારેક – ક્યાંક, કાને પડી ગયેલું. ચિત્તમાં સચવાઈ રહેલું, અચાનક જે રીતે પ્રગટ થઈને વાર્તામાં ભળે છે. એ ચમત્કારથી હજીયે વિસ્મય અનુભવું છું. આ સમગ્ર લીલા નીરખવાનો આહ્‌લાદ વાર્તાલેખન દરમિયાન થયેલી અંગત પ્રાપ્તિ. વાર્તાને ભાવકો મળવા એને પણ પ્રાપ્તિ લેખું.’ વાર્તાસંગ્રહની ચૌદ વાર્તાઓમાં ‘ત્રીજું કોણ’ અને ‘સ્મૃતિલોપ’ કોમી વિખવાદની વાર્તાઓ છે. નિગાર આન્ટીના ભાઈ-ભાભી જે મુસ્લિમોનાં ઘર હિન્દુઓએ બાળી નાખ્યાં એમાં રાખ થઈ ગયાં છે. આ દૃશ્ય વિદેશથી આવેલા નિગાર આન્ટી સીડીમાં જુએ છે. કોઈ ઘર આમ ચીસ કે અવાજ વગર બળી જાય એ માની શકાય એવું નથી. ટેબલ નીચે પડેલી ટ્રેમાં ત્રણ ગ્લાસ દેખાય છે ત્યારે નિગાર આન્ટી ભાઈ ભાભી – સિવાય ત્રીજું કોણનો ક્યાસ કાઢવાની મથામણ કરે છે. ‘સ્મૃતિલોપ’ વાર્તામાં હિન્દુ યુવતી મુસ્લિમ યુવાન સાથે લવમેરેજ કરે છે અને યુવતીની માતા ઉપર આની અસર બહુ ગંભીર અને નકારાત્મક રહે છે. પરંતુ આજ બા જ્યારે યાદદાસ્ત ગુમાવી બેસે છે ત્યારે અબ્બાસ સગા દીકરા પેઠે એને સાચવી લે છે. વાર્તાનો અંત હળવાશ ભરેલો છે – ‘બાએ રાજી થઈને ડોક હલાવી અને કેતકીને કહ્યું કે, આમની ઓળખાણ તો કરાવ! શું નામ છે એમનું? ક્યાં રહે છે? આપણને શી રીતે ઓળખે?’ કેતકી હજી કંઈ બોલે એ પહેલાં અબ્બાસે મસ્તીથી કહ્યું કે, ‘તમે જે આપશો એ મારું નામ! તમને જે ગમે તે. જો અશોક ગમે તો અશોક, અજય ગમે તો અજય, બબલુ ગમે તો બબલુ... બોલો, શું કહીને બોલાવશો મને?’ બાનો ચહેરો હસું હસું થઈ ગયો. નામ શોધવાની આ વળી સાવ નવી જ રમત! નવાં નવાં અને કદીયે બોલાયાં ન હોય એવાં નામ એના હોઠ પર ફરકવા લાગ્યાં.’ ‘સમજ’ વાર્તાનો વિષયવસ્તુ યુવતીઓ માટે જ નહીં, સમાજ માટે પણ પ્રેરક છે. આરંભનો પ્રશ્ન ‘મોલેસ્ટેશન એટલે ખરેખર શું? અને પછી એનો જવાબ વાર્તાનું કેન્દ્રબિંદુ છે. અને શીર્ષક વાર્તા ‘ઘટના પછી’ સંબંધની કૃત્રિમતા ખોલતી વાર્તા છે. આમ આ સંગ્રહની વાર્તા અલગ અલગ વિષયનું વાસ્તવ અને ભાવવિશ્વ બતાવે છે. નવમો વાર્તાસંગ્રહ ‘એમનાં જીવન’ ૨૦૧૫ના વર્ષમાં મળે છે. કુલ પંદર વાર્તાઓ છે. આરંભની પહેલી વાર્તા ‘મંગલાચરણ’ વાર્તાકારને ખુદને ગમતી વાર્તાઓમાંની એક છે. એનો પુરાવો એ કે એક વખત ડેલહાઉસીમાં પંજાબીના પ્રસિદ્ધ કથાકાર મનમોહનસિંહ બાવાને ત્યાં સાહિત્ય ગોષ્ઠિનું સ્મરણ થાય છે જેમાં હિમાંશીબહેને કડકડાટ વાંચ્યા વગર મુખપાઠ આખી વાર્તા સંભળાવી હતી. એક ગર્ભવતી ભિખારી છોકરીને અવગણ્યા પછી એ વસવસો નાયિકા એક ગાભણી બિલાડીની માવજત કરીને હૈયું હળવું કરે છે, એ વાતની સંવેદના મૂકી છે. વાર્તામાં સ્ત્રી હોવાનું ગૌરવ કંઈક આવી રીતે મુકાયું છે – “આવડા મોટા ફ્લેટમાં બે જીવસોતી આ માવડીને એક ખૂણોયે ન મળે તો... તો માદા થઈને જન્મ્યાનો શો મતલબ..?’ આ વાર્તાસંગ્રહમાં આક્રોશની તીવ્રતા ઓછી અને નરમાશ જણાય એવી ઘણી વાર્તાઓ છે. ‘સાશાની આંખો’ હૃદય પરિવર્તનની વાર્તા છે. ‘દહન’ વાર્તા જે ફિલ્મ સાથે એનો સૂર સધાય છે આ વાર્તાના અંતે હિમાંશીબહેન લખે છે – ‘આજે જ્યારે ઋતુપર્ણ ઘોષ અવસાન પામ્યા છે ત્યારે એમને યાદ કરીને રચાયેલી આ કૃતિ, અંજલિ રૂપે ‘એ સવાર’, ‘સ્ત્રીઓ’ વાર્તાના વિષય ધંધાદારી સ્ત્રીઓ અને બળાત્કાર જેવા વિષયને લઈને કહેવાયા છે. ‘સંદર્ભ ગ્રન્થો’ વાર્તાનો વિષય જરા જુદો છે સ્ત્રીઓ વારાંગના હોય એમ સ્વાતંત્ર્ય સેનાની પણ હોય અને દેવદાસી પણ હોય અને સમાજ સેવિકાઓ પણ હોય! ‘એમનાં જીવન’ વાર્તા સાંપ્રત સમયની ચૂપચાપ ક્યાંક ખોવાઈ રહેલા યુવાનોની અને સ્વતંત્ર શબ્દને જીવી લેવાની ઘેલછાની વાર્તા છે. બિલકુલ સાંપ્રત સમયની માનસિકતા રજૂ કરતી વાર્તા છે. આ સંગ્રહ એમણે ઈલા નાયક અને શરીફા વીજળીવાળાને અર્પણ કર્યો છે. ત્યાર બાદ ‘ધારો કે આ વાર્તા નથી’ – ૨૦૧૮માં વાર્તાસંગ્રહ આપે છે. આ એમનો દશમો વાર્તાસંગ્રહ છે. ‘હિમાંશી શેલત અધ્યયન ગ્રન્થ’માં આ સંગ્રહ વિશે શરીફા વીજળીવાળા વાર્તામાં રહેલી લેખિકાની નિસબત વિશે લખે છે – ‘ધારો કે આ વાર્તા નથી’ – એ હિમાંશી શેલતનો દસમો વાર્તાસંગ્રહ છે. મોટા ભાગે ત્રીજા કે ચોથા સંગ્રહે વાર્તાકાર હાંફવા માંડે છે. અને વધુ ને વધુ નબળી વાર્તાઓ આપતો થઈ જાય છે. એવું આપણે આપણા મોટા ગજાના વાર્તાકારોમાં પણ જોયું છે. પરંતુ હિમાંશી શેલત આ બાબતે અપવાદ રૂપ સર્જક છે. દસમા સંગ્રહમાં પણ અનાયાસ ‘વાહ’! નીકળી જાય એવી વાર્તાઓ છે. એનો ભાવક તરીકે આનંદ જ હોય. ૭૮ પાનામાં ૧૨ વાર્તા સમાવતા સર્જકે ૧૩મી ‘કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ વિશે’ નામની ૧૯ પાનાંની વાર્તા આપી છે, જે એમની ‘પંચવાયકા’ની વાર્તાઓની જેમ દીર્ઘ છે.’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં સર્જક નોંધે છે, ‘જે કાલખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વરતાય છે.’ લોકશાહી મૂલ્યોથી નિરાશા અને જાતિવાદ કે કોમવાદ હતાશ વાતાવરણ હોય ત્યાં કલાપક્ષ કે મનોરંજનભરી વાર્તા કેવી રીતે આવે? આ સ્પષ્ટતા એમનાં પાત્રો પણ કરે છે. તામિલનાડુના લેખક પેરુમલ વિશેની વ્યથા કે લેખક કલબુર્ગીની હત્યા આ બધું ક્ષુબ્ધ કરનાર ઘટના છે પણ પ્રજામાં એની અસર નથી. નિર્ભયાકાંડ જેવી ઘટના કે કોઈ લવરમૂછિયા છોકરા દ્વારા સરેઆમ ગળું વઢાઈ જવાની ઘટના. આ બધી ચીસો એકઠી થઈ અને આ વાર્તાઓમાં ઝીલાઈ છે.’ ‘ધુમ્મસિયા સવારનો સૂરજ’ વાર્તા પત્રકારત્વ અને સાચી ઘટનાઓને કેવી રીતે દબાવી દેવાય છે એ વિષય રજૂ કરે છે. ‘ગોમતીસ્તોત્ર’ માતૃત્વને સુંદરતા બક્ષતી વાર્તા છે. અને છેલ્લી દીર્ઘ વાર્તા છે.’ કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ’ વિશે વાર્તાકાર જાગ્રત છે. એટલે સ્પષ્ટ છે સાંપ્રત સ્થિતિ વિશે અણગમતું કે કળાના ભોગે કહેવાય તો પણ કહેવાની તૈયારી સાથે લખે છે. આગળના વાર્તાસંગ્રહોમાં સ્ત્રીઓની સંવેદના, માનવીય સંબંધોની લીલાઓ, બળાત્કાર, કોમવાદ, ગુજરાતની દુર્ઘટનાઓ, વેશ્યાઓનું જીવન જેવા સંવેદનશીલ વિષય ઉપર વાર્તાઓ મળી. ૨૦૧૮ની આસપાસના સમયમાં ટેક્‌નોલોજી મોબાઇલ, રાજનીતિ, મીડિયા, પત્રકારત્વ, લોકશાહી જેવા વિષય કથાનાં કેન્દ્રમાં રહ્યા છે. અને ૨૦૨૨ સુધીના સમયગાળામાં એ અગિયારમો વાર્તાસંગ્રહ આપે છે. ‘આકાશને અડતી બાલ્ક્ની’ અને આ વાર્તાસંગ્રહ અર્પણ કરે છે એમના પ્રવાસના સાથીઓને... રમણ સોની, જયદેવ શુક્લ, પ્રવીણસિંહ ચાવડા, બિપિન પટેલ, ભાનુબેન દેસાઈ, શારદાબહેન સોની અને પ્રતીક્ષા બ્રહ્મભટ્ટને,..’ કુલ ઓગણીસ વાર્તાઓ સંગૃહીત છે. આ ગાળામાં વિશ્વની મોટી ઘટના કોરોના વિષાણુના હાહાકારની બને છે. ‘ઓળખો છો આ માણસને’ વાર્તાઓમાં આ મહામારીનો વિષય છે. ‘આકાશને અડતી બાલ્કની’નો નાયક પ્રભાકરને કોવિડથી જે એકલતા સર્જાઈ અને એને કુદરતની નજીક જવાનો મોકો મળે છે એની વાર્તા છે. સંક્રમણકાળનો ચિતાર આ વાર્તાસંગ્રહમાં પ્રયોજાયો છે. લૉકડાઉનનો માહોલ, ભય, હૉસ્પિટલનો માહોલ, અંતિમયાત્રા, કોરોના સમયે વપરાયેલ શબ્દભંડોળ, આ બધું એક મહામારીનો દસ્તાવેજ બની રહે છે. બાળકી પર બળાત્કારની ઘટનાને લઈ ‘મુઠ્ઠીભર હવા’ વાર્તા લખાઈ છે જેમાં બાળકીના પિતાનું ન્યાયાધીશ સામેનું બયાન છે. જેનો આરંભ કંઈક આવો છે – ‘નામદાર, મારી તો એક જ અરજ છે કે આપ મારી વાત સાંભળો. લોકો દિવસોથી મને બેમતલબ ગૂંચવે છે. મારી પાર્ટી કઈ, ધરમ ક્યો, ધરમનો ફિરકો ક્યો, દલિત કે સવરન, લેફ્ટવાલા કે રાઈટવાલા, અંતિમવાદી કે મધ્ધમમારગી, પૂછી-પૂછીને પાગલ કરી દીધો છે, જનાબ! અબ કહે કી પાગલ મત સુનો! આદમીની આટલી જાત હોય, એમાં આવી વરાઅટી હોય, પતા નહીં થા આજ તક.’ આ વાર્તાકાર રાજનીતિમાં અટવાતું કાશ્મીર હોય કે યુક્રેનનું યુદ્ધ હોય સમયની સમાંતરે રહી કલમ ચલાવી જાણે છે. બળકટ અવાજથી ખોટાંને ખોટું કહેવાનું સામર્થ્ય ધરાવી શકે છે. એ ‘યુક્રેનમાં આશા’ એ વાર્તાની સાશા યુદ્ધના વિનાશ વચ્ચે આશા જગાવતી વાર્તા છે. દુશ્મન સૈનિકને આ પ્રાણીની આંખોમાં ભરોસાની ઝાંય, દોસ્તીનું નિમંત્રણ દેખાય છે. અને એને મારી નાખવાને બદલે બિસ્કિટ આપે છે. આક્રોશ અને બળતરાઓ વચ્ચે આશાનું કિરણ ન ગુમાવતાં હિમાંશીબહેન એક એવા સર્જક છે જે નિર્ભય રીતે લખે છે પણ નિર્મમ બનીને નહીં. એમની પાસેનું શબ્દભંડોળ વ્યાપક અસર દર્શાવવામાં સાથ આપે છે. સાથે સાથે ગાંધીયુગીન આદર્શવાદનો પરાજય અને પર્યાવરણની ચિંતા પણ આલેખાઈ છે. પંદર વાર્તાઓને લઈ ૨૦૨૪માં વાર્તાસંગ્રહ ‘કોતરમાં રાત’ તાજેતરમાં જ અરુણોદય પ્રકાશન પ્રકાશિત કરે છે. અને અર્પણ કરેલ પંક્તિમાં લખે છે સર્જકતાને પડકારતા અને હંફાવતા મારા સમયને... અને કબૂલાતની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે ‘...આ દિવસોમાં સ્પષ્ટપણે સમજાય છે કે, કેટલાક વિષયોને સ્પર્શવું, એમાં ઊંડાં જવું, કે સઘનપણે સંડોવાવું એ સાહસનો મામલો છે. જીવન સાથે કમિટ્‌મેન્ટનો મુદ્દો ઠરવા નથી દેતો. સતત ઉભડક અને અજંપ રાખે છે. ‘play it safe’ એ વહેવારુ ડહાપણ કે ગણતરીની શિખામણ ખપ ન લાગી હોય એવાંઓ શું કરી શકે? ન્યાયનો આક્રોશ, અવ્યક્ત પીડા, સંકુચિત વૃત્તિઓ અને જાતને લેશ પણ ઘસરકો ન પડે એવી સમાધાન સાધવાની દાનતોના, ખુશામત અને લાલચોના નિર્લજ્જ ખેલ જોઈને બેસી રહેવું કે પછી નવું ન થાય તો મર, ન થાય, છતાં જે સમયે જે કહેવા જેવું લાગે છે તે, જે સારામાં સારી રીત મળે તેને ખોળીને કહેવું જ કહેવું. એમ પ્રબળપણે લાગ્યું છે. મૌનનો અપરાધભાવ કનડે એવા વાતાવરણમાં, અંધકાર અભેદ્ય લાગે ત્યારે એ અંધકારની વિભીષિકા અંગે, એના અનુભવ વિશે, મૌન રહેવું ખતરનાક છે. જે કહેવું છે તે વાર્તાની મદદ વિના નહીં કહેવાય એની સંપૂર્ણ પ્રતીતિ બાદ આ સંગ્રહે આકાર લીધો છે.’ જે સર્જક નિજાનંદ કે નામ અને ઇનામ માટે નથી લખતા, પરંતુ પોતાની પીડા કે વ્યથા સહુ સાથે વહેંચાઈ એ સંદર્ભે લખે છે ત્યારે પોતાની વાર્તાઓને એ કેવી રીતે જોઈ રહ્યા છે એની કેટલીક નોંધમાંથી પસાર થવાનું પણ ગમશે. ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ એપ્રિલ-જૂન ૨૦૨૪નો અંક આવી ગયો છે. જેમાં ‘મારું લેખન, મારો સમય’ એ શીર્ષકથી પોતાના જીવન અને સૃજન વિશે વાત કરી છે અને કેટલીક વાર્તાઓના આગળ પાછળનાં સંદર્ભ સાથે ઉદાહરણ મૂક્યા છે. ભાષાને શસ્ત્ર અને સાધન જ ગણે છે લખે છે – બે હજાર બેનાં ડરામણાં રમખાણો એવાં, કે માણસજાત પર ભરોસો ઊઠી જાય. એક વાર્તા લખાઈ ત્યારે ‘આજે રાતે’. જેમાં મુખ્ય પાત્ર આત્મહત્યાનો આકરો નિર્ણય લે છે, એનો અંત કંઈક આવો : “...બોલેલા અને સાંભળેલા, લખેલા અને વાંચેલા શબ્દો મારી સામે ફાંસીને દોરડે લટકતા શબ જેવા ટીંગાય છે. બોલું છું ત્યારે કોઈ શબ્દ સમજાતો નથી, લખું છું ત્યારે એનો અર્થ એની સાથે જતો નથી. આ રમત હવે ચાલુ નથી રાખવી... આજે રાતે હું જીવન પર પૂર્ણવિરામ મૂકીશ. જીવવાની લાયકાત મેં ગઈ રાતે ગુમાવી દીધી છે માટે.” ‘એક વણનોંધાયેલી વાર્તા’ની વાર્તા પણ આ વ્યથાની નીપજ રૂપે આવેલી વાર્તા ગણાવે છે. કેટલીક વિકરાળ ઘટનાઓ વાર્તામાં આવી છે એમાં કઠુઆની બાલકીનું દર્દનાક મોત ‘મુઠ્ઠીભર હવા’ ટોળાના અત્યાચાર (વળતી મુસાફરી, વામન, સજા), ઑનર કિલિંગ (નગર ઢીંઢોરા), ભદ્રવર્ગના દંભ દેખાડા (સમજ), નારી દેહની અવમાનના (ચુડેલનો વાંસો, ગોમતીસ્તોત્ર) અને દેહવિક્રય સાથે સંકળાયેલી સ્ત્રીઓનાં જીવન (કિંમત, મોત, ખરીદી, એ સવાર) તમામ રચનાઓનો સંબંધ છે વાસ્તવિકતા સાથે, નિશ્ચિત સ્થળ અને તારીખ સાથે એટલે અંશે આ મારા સમયનો, અને મારા પ્રદેશનો દસ્તાવેજ ગણાય.’ જેનું કમિટમેન્ટ જીવન અને લેખન સાથે સરખું જણાય એવાં સર્જક હિમાંશી શેલતની વાર્તાઓ ગુજરાતી સાહિત્યની મોટી ઉપલબ્ધિ છે.

સંદર્ભગ્રંથ :

‘હિમાંશી શેલત અધ્યયન ગ્રન્થ’, સંપા. શરીફા વીજળીવાળા, પ્રકા. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૨૦૧૮
‘મારું લેખન, મારો સમય’, હિમાંશી શેલત ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ એપ્રિલ-જૂન ૨૦૨૪.
વાર્તાસંગ્રહો, હિમાંશી શેલત

નીતા જોશી
વાર્તાકાર, વિવેચક
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬