ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાકેશ દેસાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘ટ્રાયલ રૂમ’ : રાકેશ દેસાઈ

નીતા જોશી

GTVI Image 139 Rakesh Desai.png

વાર્તાસંગ્રહ  : ‘ટ્રાયલ રૂમ’
વાર્તાકાર : રાકેશ દેસાઈ
જન્મ : ૨૭ ઓગષ્ટ, ૧૯૬૦ (નવસારી)
વ્યવસાય : નિવૃત્ત અધ્યક્ષ અને પ્રાધ્યાપક (અંગ્રેજી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત)
પ્રકાશન : અંગ્રેજી
સમીક્ષાત્મક પુસ્તકો : ૦૬ (સંપાદનો સહિત)
સંશોધન લેખો : ૨૮
અનુવાદ : ૨૪ કૃતિઓના ગુજરાતી, અંગ્રેજી
પ્રકાશન : ગુજરાતી (સર્જનાત્મક)
વાર્તાસંગ્રહ : ટ્રાયલ રૂમ, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૨૦
(અંજલિ ખાંડવાલા શ્રેષ્ઠ પ્રથમ વાર્તાસંગ્રહ પારિતોષક, ૨૦૨૨)
(ધૂમકેતુ નવલિકા પુરસ્કાર, વર્ષ ૨૦૨૦–૨૦૨૧–૨૦૨૨)
અન્ય પ્રકાશિત વાર્તાઓ
ટાઈમપાસ, ‘પરબ’ વર્ષ ૧૬, અંક : ૧, જુલાઈ ૨૦૨૧.
લેબ્રાડોર, ‘એતદ્‌’, જન્યુઆરી-માર્ચ ૨૦૨૩
ફ્લાય ઓવર, ‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ ૨૦૨૪
વાંભ, ‘પરબ’, વર્ષ ૧૮, એપ્રિલ ૨૦૨૪
હવા બારી ‘નવનીત સમર્પણ’, ડિસેમ્બર ૨૦૨૪
કવિતા : ૪૮ પ્રકાશિત કાવ્યો
પ્રકાશન : ગુજરાતી (સમીક્ષાત્મક )
૧. ‘અવલોકન : o’Driscoll, Dennis, Stepping Stones: Interviews with Seamus Heaney, New York : Farrar, Straus and Giroux, ૨૦૦૮.’ ‘પ્રત્યક્ષ’ વિશેષાંક, ૨૦૧૭
૨. ‘ધર્મસ્થળનું એકાંત : આઠમો રંગ’ હિમાંશી શેલત અધ્યયનગ્રંથ, શરીફા વીજળીવાળા (સંપાદક), અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૮, ૧૭૧-૧૮૦.
૩. ‘ઍરિસ્ટોટલની ભરતવાણી : શિરીષ પંચાલનું પશ્ચિમનું સાહિત્યવિવેચન.’ શિરીષ પંચાલ અધયયનગ્રંથ, શરીફા વીજળીવાળા (સંપાદક), અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૨૦. ૧૫૭-૧૭૦.
૪. ‘સાહિત્યથી ‘સાહિત્યિકતા’ તરફ : સુરેશ જોષીનું સૈદ્ધાંતિક વિવેચન.’ ‘સમીપે’, ૫૭-૫૮, જાન્યુઆરી-માર્ચ, એપ્રિલ-જૂન, ૨૦૨૧. ૯૫-૧૧૯.
૫. ટી.એસ. એલિયેટ કૃત ‘ધ વેસ્ટ લૅન્ડ’ : મૃત્યુને મોતીમાં ફેરવતું કાવ્ય’, ‘પરબ’, નવેમ્બર : ૨૦૨૩, વર્ષ : ૧૮, અંક : ૫, ૫૧-૭૩.
૬. ‘ટ્રિસ્ટ્ર્‌મ શૅન્ડી : સંયોગ અને પ્રયોગની નવલકથા.’ ‘સમીપે’, ૬૭, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૨૩. ૧૧૩-૧૪૨.

વાર્તાકાર રાકેશ દેસાઈનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટ્રાયલ રૂમ’ સમાજની અસમાનતા, તંત્ર અને મધ્યમવર્ગીય જીવન તરફ વાર્તાના માધ્યમથી ઇશારો કરે છે. પંદર વાર્તાઓને સમાવતો વાર્તાસંગ્રહ ‘ટ્રાયલ રૂમ’ વ્યવહારની ભાષા અને સાહિત્યની ભાષાનો સુંદર વિનિયોગ કરે છે. સાવ સાધારણ દેખાતી ઘટનાઓમાંથી પણ વાર્તા નિપજાવી શકવામાં સર્જક સફળ રહ્યા છે. સરળ શૈલીનો પ્રવાહ અચાનક જ કોઈ વળાંકે એવો ચમત્કાર સર્જે અને સીધી સાદી વાત વાર્તા બની જાય છે! એમની વાર્તાનો મુખ્ય સૂર મધ્યમવર્ગીય જીવન છે. આર્થિક અસમાનતા, પારિવારિક જીવન, પુરુષત્વની કસોટી, એકલતા જેવા વિષય કથનરીતિના કારણે રસપ્રદ બની રહ્યા છે. વાર્તાકાર કથન શૈલી ક્લિષ્ટ ન બની જાય એ માટે સચેત જણાય છે. વાર્તામાં ફ્લૅશબેક કે ફેન્ટસીનો ઉપયોગ નહિવત છે. સંબંધોના તાણા-વાણા સહજ રીતે ગૂંથાયા છે. જરૂર જણાય ત્યાં અંગ્રેજી અને દક્ષિણ ગુજરાતની બોલીના લહેકાઓ ઉમેર્યા છે. જીવન માટેનો અભિગમ હકારાત્મક છે એટલે વિસંગતતા વેઠ્યા પછી પણ પાત્રો હૂંફાળાં બની જાય છે.

GTVI Image 140 Trial Room.png

વાર્તાસંગ્રહની ભૂમિકા ટૂંકી અને માર્મિક છે – ‘મારી આ ટૂંકી વાર્તાઓ લગભગ છેલ્લા બે દાયકા દરમ્યાન લખાયેલી છે – દરિયાકિનારે મળી આવતાં છીપલાંઓનું ક્યાં કંઈ ગણિત હોય છે! મરણપથારી પરથી ડચકાં ખાતી છેલ્લી નજર જેવી અંતિમ તીવ્રતાના અનુભવ કે imageના મોક્ષ અર્થે આ ટૂંકી વાર્તાઓ લખાઈ છે.’ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં રોજબરોજની ક્રિયાઓ, સંવાદો અને ઘટનાઓનો ઉપયોગ કર્યો છે. મધ્યમવર્ગનું જીવન એવી રીતે ખોલી અપાયું છે કે જીવનને તિરાડોમાંથી ઝાંકવાની જરૂર પડતી નથી! સંગ્રહમાં ઉત્તમ કહી શકાય એવી પાંચથી છ વાર્તાઓ મળે છે. જેમાં સૌથી પહેલી વાર્તા ‘ઉધના મગદલ્લા રોડ’નું કથાવસ્તુ પારિવારિક જીવનથી આરંભાય છે. યુવાન પ્રોફેસર પિતા એની નાનકડી દીકરીને લઈને નિત્યક્રમ મુજબ સાંજે ચાલવા નીકળ્યા છે. રસ્તામાં દીકરીની કુતૂહલવશ ચેષ્ટાઓ છે. રોજનો ટ્રાફિકવાળો રસ્તો પહોળો થઈ રહ્યો છે. રસ્તા ઉપર ખડકાયેલાં મશીનો છે. વાર્તાકારે લખ્યું છે કે – ‘રસ્તાના નવા પહોળા થયેલા ભાગ પર ચાલતાં જાણે ચંદ્રની ધરતી પર ચાલતાં હોઈએ એવું લાગે. હમણાંથી ઉધના મગદલ્લા રોડ પણ પહોળો થઈ રહ્યો છે. સારું છે બાળકો ને વૃદ્ધો સલામતીપૂર્વક ચાલી શકે!’ આમ, તો આ સર્વ કોઈ માટે આનંદની બની રહે એવી વાત છે. પરંતુ વાર્તાના અંતે રસ્તા ઉપરનાં કપાયેલાં વૃક્ષનાં થડની ખરબચડી સપાટી ઉપર આંગળી મૂકી પાક્કું કરાવતી બાળકી ‘આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે.’ એ પીડા સહુની પીડા બની શકે ખરી? આ સંવેદન વાર્તાકારે નાનકડી આંગળીઓ દ્વારા ભવિષ્ય તરફ ઇશારો કરી બતાવ્યું છે. ‘મિકી માઉસ’ વાર્તાનો મિજાજ ગંભીર છે પણ કહેવાની રીત હળવાશભરી. કેટલી બધી સમસ્યાઓની જડ અસમાનતા છે, જેનો વિરાટ પંજો અદૃશ્ય એટલો જ હાનિકારક. પ્રસ્તુત વાર્તાનો નાયક ‘રમણો’ કિશોરવયનો છે. નોકર તરીકે રહેતો આ આદિવાસી કિશોર આમ જોઈએ તો નિર્દોષ છે. છતાં વાર્તાના અંતે ગુનેગાર હોવાપણું અનુભવી ભાગી છૂટે છે, ત્યારે વાર્તા વિચારવા મજબૂર કરે છે કે ખરેખર અસલી ગુનેગાર કોણ? ઉંદરના રૂપકથી વાર્તાને અનેક વળ ચઢે છે. ઘરમાં કનડતો ઉંદર, ગણેશ ઉત્સવમાં પૂજાતો ઉંદર, સુખી સંપન્ન પરિવારનાં બાળકોનો ‘મિકી માઉસ’ રૂપે ઘરનો ખૂણો સુશોભિત કરતો ઉંદર. અહીં વાર્તામાં રમણાના ભાગે રાત્રે પિંજરે પૂરાયેલો ઉંદર સોસાયટીના સભ્યોની નજર ચૂકાવી છોડી મૂકવાની ક્રિયા સાથે જોડાયેલો છે. એ જે ઘરમાં નોકર તરીકે કામ કરે છે ત્યાં બાળકોના પિતા અમેરિકાથી પોતાના બાળકો માટે મિકી માઉસ લાવે છે, હવા ભરીને મોટું કરી શકાય એવું મિકી માઉસ. જે રમકડું રમણાના હિસ્સે નથી આવેલ. આ રોષ એની અંદર ગુનો કરવા મજબૂર કરે છે. રાત્રે બધાં ઊંઘી ગયા પછી એના ભાગે આવેલ સાચ્ચા ઉંદરને પાંજરામાંથી મુક્ત કરી હવા ભરેલ મિકી માઉસને નિષ્પ્રાણ કરાવે છે. સવાર પડે અને પોતે આચરેલો ગુનો સાબિત થાય એ પહેલાં ઘરમાંથી ભાગી છૂટે છે. એ સાથે વાર્તાનો વિષાદ વ્યાપક બની જાય છે. આવી જ વૈશ્વિક અસમાનતા અને એનો ભોગ બનતા પરિવારની વાત અન્ય એક વાર્તા ‘બાજુનો રૂમ’માં દર્શાવે છે. અમેરિકાનું આકર્ષણ એ કાબેલિયત, સફળતા અને સમૃદ્ધિનું પ્રમાણપત્ર માનવામાં આવે છે અને સામે ભારતીય મધ્યમવર્ગીય જીવન એ ક્યાંક નિષ્ફળ રહી ગયાની હતાશા નિપજાવતું ચિત્ર બનીને ઉપસે છે. અહીં વાર્તામાં બે ભાઈઓના જીવન અને વિચારોમાંથી બે સંસ્કૃતિની સરખામણી અને વલણો સરખાવ્યાં છે. એક સંસ્કૃતિ પાસે આર્થિક અભાવો નથી એનાં સુખનાં ધોરણો જુદાં છે. અને ભારત જેવા દેશમાં આર્થિક વિવશતા છે, પરંતુ આશ્વાસન લઈ શકાય એવી પરિવારની અને સંબંધોની હૂંફ છે, જે અમેરિકામાં પ્રાપ્ય નથી. બે ભાઈઓની આ કથામાં બે વિચાર છે અને પાવરધા હોવાની બન્નેની રીત નોખી છે. બધી ગડમથલના અંતે નાયક તૂટેલા રેંટિયાના ટેકે ચકલીનો માળો જોઈ જે ધરપત અનુભવે છે, જે પોતાની સંસ્કૃતિ માટેનો, પ્રકૃતિ માટેનો અને નવસર્જનનો સંતોષ બતાવે છે. આરામદાયક સુવિધાઓથી વધારે સંતોષ એ સાધારણ જીવનનાં નાનાં નાનાં સુખમાં અનુભવે છે. વાર્તામાં લેખકે વ્યંજનાને અનેક જગ્યાઓ આપી છે. જેમ કે – ‘જેને કાઢવાનો મુકેશનો જીવ નહોતો ચાલતો. તેની બાજુમાં દેખાતી એક થપ્પીમાં જૂનાં દળદાર ધાર્મિક પુસ્તકો હતાં, જે વંચાય નહીં ને કાઢી નંખાય નહીં.’ ‘પપ્પા, અમેરિકામાં મચ્છર ના હોય ને?’ ‘પપ્પા, આજે ડોલીના માશી એવું કહેતાં હતાં કે અમેરિકામાં આપણા કરતાં બધું ઊંધું. અમેરિકામાં જમીન વધારે ને માણસો ઓછાં. ત્યાં કાર પણ રોડ પર જમણી બાજુએ ચલાવવાની. ત્યાં ડૉલરમાં રૂપિયા કરતાં વધારે કમાણી થાય. ખાવાનું પણ ચોખ્ખું ને સસ્તું. આપણાં કરતાં બધું ઊંધું.’ એ એવી રીતે બોલ્યો જાણે કે ઇન્ડિયાને ઊંધું કરો તો જ સ્વર્ગ મળે. માનવજીવનનાં વિવિધ થ્રીલને વાર્તામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. ‘બાલકાંડ’ એક જુદી મનોસ્થિતિ પ્રકટ કરતી વાર્તા બની છે. લેબોરેટરી, વીર્ય પરીક્ષણ અને નિઃસંતાન હોવાની મૂંઝવણમાંથી પસાર થઈ રહેલા પરિણીત યુવકની વાર્તા છે. વાર્તામાં ભય, નર્વસનેસ, આનંદ જેવા ભાવો કુશળતાથી ગૂંથાયા છે. અન્ય માટે સાવ નજીવી લાગતી ઘટના કે સંવેદના કોઈ એક વ્યક્તિ માટે કેટલી ઊથલપાથલ મચાવી દેનાર હોય છે! એનું બયાન છે. અહીં વાર્તાની મજા પરિવેશની પણ છે. લેબોરેટરી કેન્દ્રમાં છે. દર્દીઓની હાલત, રિપોર્ટ વાંચ્યા પછીની હતાશા કે હળવાશ આ બધા ભાવ સારી રીતે પ્રયોજાયા છે. વાર્તાકાર દરેક વયમાં પ્રવેશી અને વાર્તા રચવામાં સફળ રહ્યા છે. મહદ્‌ વાર્તાઓનો મિજાજ ગંભીર છે પરંતુ ‘તાક ધિના ધિન’ વાર્તાનો આરંભ રૉમાન્ટિક અને ટીખળયુક્ત છે. પચાસની આસપાસની વય એક રીતે ઠરીઠામ થયેલી વય. નહીં યુવાન, નહીં વૃદ્ધ. સંઘર્ષનો વિરામકાળ પણ ખરો! હર્યાભર્યા ઘરનો આ નાયક જરાક તબિયતથી રંગીન છે અને લોકલાજે ભીરુ પણ છે. યુવતીઓને આકર્ષી શકવામાં સક્ષમ છે એ વાતનો મનોમન એને રોમાંચ છે પરંતુ પત્ની અને દીકરી સામે પોતાની છબિ ખરડાય નહીં એ માટે સભાન પણ છે. મનની અંદર ચાલતા આવેગો અને આકર્ષણનું યુદ્ધ છે. અંદરનો સજ્જન પુરુષ વાર્તાનાયકને એક હદથી વધુ આગળ જતો અટકાવે છે. વાર્તાનાં અંતે ચિત્તની લીલાઓને સંકોરી નાયક મનોમન જ ઘર-પરિવાર તરફ પાછો ફરે છે. શીર્ષકનામી વાર્તા ‘ટ્રાયલ રૂમ’ એક પ્રયોગશીલ વાર્તા બને છે. શરીરની ક્રિયા અને મનની ક્રિયા એકમેક સાથે એવી રીતે વર્તે છે કે સંવાદ અને વર્ણનની જરૂરિયાત ઊભી થતી નથી. પરિણીત પુરુષ નિખિલના જીવનમાં ઊભો થયેલ ક્લેશ, પત્નીનો પિયર તરફનો ઝુકાવ એને છૂટાં પડી જવાના નિર્ણય પર લાવવા મજબૂર કરે છે. આ આખી વાત મોલની અંદર કપડાં ટ્રાય કરતાં કરતાં એક જુદા જ વળાંકે વાત પહોંચી જાય છે. કપડાંની સાથે સાથે બે વ્યક્તિનું મેચિંગ અને સરખામણી પણ થતી રહે છે. વાર્તામાં નાયક અનુભવે છે – ‘અવનિને ખબર કે નિખિલ ને ડાર્ક કે લાઉડ કલર ગમે નહીં, લો વેઈસ્ટ પેંટ ફાવે નહીં, ટી શર્ટ પણ ખીસાં સાથેનું જ જોઈએ, પેન મૂકવા –આટલી શરતોને આધીન બાકીનું કામ – ડિઝાઈન, કલર, ફૅબ્રિક – અવનિ પતાવી દે, અધિકારપૂર્વક’ ટ્રાયલ રૂમમાં નાયક આ વખતે એકલો આવ્યો છે અને જોડી પસંદ કરવામાં ગૂંચવાઈ રહ્યો છે. દરેક જોડી ક્યાંક ને ક્યાંક અનફીટ લાગે છે. અંતે પત્ની અવનિની પસંદગીનું મેચિંગ ફાઈનલ કરી વાર્તાને જુદો વળાંક આપે છે. દામ્પત્યજીવનનો સંઘર્ષ જેમાં ટ્રાયલ રૂમ સમાધાનનું કારણ બનવા નિમિત્ત બની જાય છે. ‘ગોરંભો’ જેવી ચરિત્ર પ્રધાન વાર્તા ભારતીય નારીની ઉમદા છબિ રજૂ કરે છે. ‘છેલ્લો રાઉન્ડ’ વૃદ્ધત્વની એકલતા જેવા વિષય ઉપર લખાઈ છે. કેટલીક વાર્તાઓ અત્યંત સાધારણ બની છે. ‘નિર્વહણ’, ‘ઓળો’, ‘હેડલાઈન’, ‘બ્લેડ’ જેવી વાર્તાઓ કલાત્મક રૂપ સર્જવામાં સફળ જણાતી નથી. વાર્તાઓની ભાષા વર્ણનના અતિરેકથી બચેલી છે. નહિવત્‌ જગ્યાએ આલંકારિક ભાષાનો ઉપયોગ થયો છે. જેમ કે વાર્તા ‘તાક ધિના ધિન’માં... ‘બસ બધું જ ભીંજવતો આ વરસાદ – પહાડ, ઝાડ, વાડ, માઢ...ઽઅ ગગન, વન, તન, મન... આ ઝીંકાતા ધોધમાર પાણીનો શું અર્થ? રૉમેંસ કે થ્રિલ કે ખેંચાણ કે લાગણી કે પ્રેમ...? કે પછી બસ પાણી જ પાણી! તાક ધિના ધિન ...બરસાતમેં... તાક ધિના ધિન એટલે? અવાજ માટેના આ શબ્દોનો અર્થ પણ અવાજ જ સૂચવે, અર્થ નહીં... અવાજમાંથી અવાજ જ પ્રગટે... તાક ધિના ધિન... અર્થ વગરનો સાર્થક સંબંધ...’ ‘મિકી માઉસ’ અને ‘ગોરંભો’ જેવી વાર્તામાં દક્ષિણ ગુજરાતની આદિવાસી બોલીના લહેકાઓ વાર્તાને વાસ્તવની નજીક લાવવામાં મદદરૂપ થયા છે. ‘હુરતમાં હિખીને આવે તો હારું ક નીં...’ ‘માંય ભાખરી ખાટો ઑહે’ ‘હવારે વેલ્લો સોડી આવા’ ‘ગનપટિ બાપા ઉંડર પર કેમનાક બેહે?’ ‘હહરીના પોઈરા... ઊભો રેય કે...’ વળી, અંગ્રેજી પણ અસર ઉપજાવી શકાય ત્યાં જરૂર પૂરતું વાપર્યુ છે. ‘અ અ...યૂ નો... ચાઇલ્ડલેસનેસ ઈઝ ધ પ્રોબ્લેમ...’ વાત ખાનગી હતી એટલે પ્રતાપે અંગ્રેજીમાં કરી. ‘રિવર્સ હૉર્ન’ વાર્તામાં વાર્તાની અંદર વાર્તા ગૂંથાઈ છે જે ખાસ પ્રભાવક નથી. વાર્તામાં પહાડી પ્રદેશ, તીસ્તા નદીની આસપાસનું જીવન પ્રયોજાયું છે. સાથે પ્રેમકથાનું નિરૂપણ છે. પરિવેશ આરંભથી સરસ બને છે – ‘આ વાદળોને ચીરતા ઊંચા ઊંચા પહાડો; ખડકાળ અંતરાયો સાથે અફળાતી, વમળાતી, ધસમસતી નદીના ફીણાતાં પાણી; ઊંચાં, લીલાંછમ પાઇન વૃક્ષોને વળગી ગુસપુસ કરતું ધુમ્મસ; કરાડની ધારે, ઊંડી ખીણ પર ઝળૂંબતાં ઘરોની પરસાળમાં લટકતાં રંગીન ફૂલોનાં કૂંડા; ક્યાંક ક્યાંક બૌદ્ધ મૉનેસ્ટરી ને ફરફરતી રંગીન પતાકાઓ.’ જેમ જેમ વાર્તા આગળ વધે છે એમ શૈલી એની ચમત્કૃતિ ગુમાવે છે. કળાની માવજત ધીમી પડી જાય છે વાર્તા એના અટપટા રસ્તાઓની સુંદરતા ગુમાવી બેસે છે. કુલ પંદર વાર્તાઓમાં વાર્તાકાર મધ્યમવર્ગીય માનસિકતાને કુશળતાથી વ્યક્ત કરી શક્યા છે. જ્યારે પ્રથમ પુરુષમાં લખાયેલી ‘સી.ઓ.પી’, ‘મંગુ ધ મિમિક’, જેવી વાર્તા મધ્યમ કહી શકાય અથવા તો વાર્તારસ ઓછો નિપજાવતી વાર્તા બની છે. પરંતુ વાચક સાથે પ્રત્યાયન સાધવામાં સફળ છે. પંદર વાર્તાઓનું સંવેદન હળવાશયુક્ત છે. જીવન અને કલાનું સંતુલન સાધી શકી છે. આરંભે લેખક લખે છે એમ ‘છેવટે તો ટૂંકી વાર્તામાં પાત્રાલેખન અને ક્રિયાતત્ત્વનું આંતર ક્રિયાત્મક સંતુલન (interactive equilibrium) મહત્ત્વપૂર્ણ છે.’ અહીં મહદ્‌ વાર્તાઓ વાચક સાથે પ્રત્યાયન સાધવામાં અને માનવજીવનનાં મૂલ્યો વાચક સુધી પહોંચાડવામાં સફળ રહી છે.

નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
Email : neeta.singer@gmail.com
વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ ૨૦૨૦માં પ્રકાશિત.
૨૦૨૧માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક જાહેર થયું હતું.
નર્મદ સાહિત્ય સભા, સૂરત ‘નંદશંકર ચંદ્રક’ ૨૦૨૦-૨૧ એનાયત થયેલ.
ટૂંકીવાર્તા ઉપરાંત એકાંકી, નિબંધ, લઘુનવલ, અનુવાદ અને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં પરિચયાત્મક સમીક્ષા લેખ પ્રકાશિત થયા છે.